Sampetaru books and stories free download online pdf in Gujarati

સંપેતરું .....ઉર્ફે ....જોખમ ....ઉર્ફે પાર્સલ

સંપેતરું .....ઉર્ફે ....જોખમ ....ઉર્ફે પાર્સલ :

સુદામા કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે એમના મિસીસે પૂછ્યું ; “ ખાલી હાથે જશો ? કઈક લેતા જાવ “ ને પોટલીમાં તાંદુલ ભરી આપ્યા . કૃષ્ણ એ સ્વીકારશે કે જેસીક્રીષ્ણ એ ય ખબર નહિ પણ કૃષ્ણ એ તો સુદામા અને તાન્દુલનું નામ પડતા જ હરખભેર હડી કાઢી પછીની વાત તો સૌ જાણીએ છીએ પણ અમને લાગે છે કે આ મિસીસ સુદામાએ તાન્દુલ પોટલી ભળાવેલી એ કદાચ દુનિયાનું સૌથી પ્રથમ સંપેતરું હતું . કોઈકે આપેલી વસ્તુ કોઈને પહોચાડવી એટલે સંપેતરું .સંપેતરા બે પ્રકારના હોય ...એક તો ખુલ્લા અને બીજા ત્રણ-ચાર પેકિંગ કરેલા .આ પેકિંગ કરેલા સંપેતરા મગજમાં અનેક વિચારો જન્માવે ને પછી એ ડબલ – ટ્રબલ – ચૌબલ પેકિંગ કરેલા સંપેતરા સાચવીને પહોચાડવાની ભલામણના કારણે ઘણીવાર એમ થાય કે બધા પેકિંગ ખોલીને જોઈ લઈએ કે એમાં શુ ભર્યું છે ? આ તાલાવેલી પર કાબુ રાખવો અત્યંત કઠીન કાર્ય છે . ખોખું હોય તો સાવ અજાણતા જ આપણે ખખડાવી જોઈએ ને એનાથી જે ધ્વની ઉત્પન્ન થાય એના પરથી ખોખામાં શુ હશે એની નિરર્થક ( આપણા માટે ) અટકળો કરીએ. શુ હશે ? ગણપતિ ? કે ચાંદીનો ગ્લાસ ? કે એન્ટીક પીસ ? આ પેકિંગવાળું સંપેતરું ઈર્ષ્યાપ્રેરક હોય છે . આપણી પાસે હોય છતાં આપણું ન હોવાનો ભાવ વિષાદયોગને જન્મ આપે છે. બે વ્યક્તિ વચ્ચે ચીજ વસ્તુ ની લેવડ દેવડ થાય અને એ લેવડ દેવડ માં જ્યારે જોડતી કડી કોઈ ત્રીજી વ્યક્તિ હોય ત્યારે એ ચીજ વસ્તુ " સંપેતરું " કહેવાય . ઘણી વખત આ સંપેતરું /અનામત / ભાળવણી કે પાર્સલ સાથે જે તે જોડતી કડી / વ્યક્તિ ને જરાય લાગતું વળગતું ન હોય . આંગડીયા પેઢીઓ કે કુરીયાર્સ આનું ઉત્તમ ઉદાહરણ છે . સંપેતરા પ્રથા ના પાયા માં ભરપુર વિશ્વાસ રહેલો છે ને જોડતી કડી વિશ્વાશું હોય તો ભલભલું ચળાવી ડે એવું સંપેતરું સહીસલામત પહોચે . બાકી તો હરી ઓમ . જો કે આંગડીયા પેઢી કે કુરીયર્સના ફૂલ નહિ તો ફૂલ ની પાંદડી જેવા ચાર્જ બી ઘણા ને ખુચતા હોય છે . " એવા મફત (?) શેના આલી દેવાના ? ' એટલે આવી મફત મેંટાલીટી ઓનર્સ મફત સર્વિસ સેન્ટર જ શોધતા હોય. જેવું ક્યાંક કોઈ મળે કે તરત જ પધરાવી દે . આવું પરદેશ રહેતા હોય એમની સાથે વધારે થાય . કારણ કે પરદેશ મોકલવાની હોય વસ્તુ તો કુરીયર્સ વાળા ભાવ સારો એવો લે. એટલે આ તફમ કોમ્યુનીટી વાળા ક્યાંથી ક્યાંનું સગપણ શોધી લાવે . પછી પ્રશ્નોત્તરી ચાલુ કરે . " કેટલું વજન થયું બેગનું ? એક નાની વસ્તુ છે લગભગ એકાદ કિલો ની . મારી બેબી ની નણંદ ના જેઠાણી ના ભત્રીજી જમાઈ માટે લઇ જવાની . નાં ન કહેતા . લઈ જ જવાની છે . મારા ભાઈ ના સમ . " સીધા સમ ખાવા પર આવી જાય . એ બેટા કઈ બાજુ જાય છે ? જરા આટલો ડબ્બો તારી દીદીને ત્યાં પહોચાડતી જા ને પછી તારા કામે નીકળી જજે તું તારે .' સવારમાં લગભગ દસેક વાગ્યે સ્કુટર ની કિક મારતી હતી ત્યાં જ બાજુવાળા માસીનો ટહુકો સંભળાયો . લીલી ઝભલા થેલી માં એક સ્ટીલ નો ડબ્બો ધરીને માસી મારી બાજુમાં જ આવીને ઉભા રહ્યા. ત્રણ વાક્યો બોલ્યા એમાં પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછ્યો જેના જવાબ ની રાહ જોયા વગર જ બીજા બે વાક્યોમાં મક્કમતાથી હુકમ ફટકાર્યો . હવે હું ગમે તે દિશા માં જતી હોઉં તો પણ માસીના હુકમ નો અનાદર થાય એમ હતું નહિ . એટલે પરાણે હસતું મોઢું રાખીને " હા . હા ... કેમ નહિ માસી , લાવો ને આપતી જઈશ . એમાં શું ? ' આમ તો કાઈ ખાસ નથી પણ તારા જીજાજી ને મારું બનાવેલું પાપડી - વેંગણ નું શાક બહુ ભાવતું છે તો મેં કું થોડું મોકલું : માસી ઉવાચ . મારી અનિચ્છાએ પણ મારા પ્રિય દીદી અને જીજાજી માટે ખાસ શાક આપવા એમના ઘરે જવું પડ્યું . મારા ગંતવ્ય સ્થાન પર પહોચતા મને લગભગ અર્ધો કલાક જેટલું મોડું થયું પણ માસી ના વહાલના વળામણા માં એ તો ગૌણ હતું .તો કેટલાક વિરલા ઓ સામે ચાલી ને સંપેતરા મંગાવે . " આપી જાવ તમતમારે . એ ક્યા ખાવા માંગવાનું છે ? " ક્યારેક આ વિરલા ઓ ધર્મસંકટ માં આવી પડે કારણ કે મદદ રૂપ થવાની હોશ માં પોતાનો સમાન મુકીને સંપેતરા ઓ ઉચકી જવાનો વારો આવે.અમારા એક સગા યુ.એસ.એ. થી આવેલા . મારા મામા યુ.એસ.એ. રહે છે તો એમને કશું મોકલવું હોય તો મોકલી આપો એવું કહેવા એમણે ફોન કર્યો . બે કિલો સુધી વાંધો નથી એમ પણ કહ્યું . હવે આ સગાં રહે જશોદાનગર ચાર રસ્તા અને અમે નારણપુરા. લગભગ ૪૫ મિનીટ જેટલું અંતર . ( ટ્રાફિક excluded )અમે તો હોશે હોશે એકઝેટ બે કિલોનું સંપેતરું બરાબર પેક કરાવીને અભિમન્યુના ચક્રવ્યૂહ ની જેમ ટ્રાફિક ના કોઠા વીંધતા વીંધતા જશોદાનગર પહોચ્યા . ભાઈ એ ચોક્કસ લઇ જશે એમ કહી ને અમારા દેખતા જ સામાન માં મુક્યું . અમને ધરપત થઇ કે હાશ પહોચી ગયું . થોડા દિવસ પછી ભાઈના ઘરેથી એટલે કે જશોદાનગર વાળા ઘરે થી ફોન આવ્યો કે તમારું સંપેતરું ભાઈ લઈ જઈ શક્યા નથી તો તમે પાછુ લઈ જાવ . હવે સંપેતરા માં એક કિલો કાજુ કતરી અને એક કિલો પેંડા મુકેલા . આટલા દિવસ માં એ બગડી જ ગયા હોય એટલે મીઠાઈ પણ બગડી અને સંબંધ પણ !!! પહેલેથી જ કહી દીધું હોત અથવા તરત જ કહ્યું હોત તો મીઠાઈ તો ન જ બગડી હોત !!! કેટલીક વાર આપણે આપણા કોઈ મિત્ર , સંબંધી આવું સંપેતરું / પાર્સલ પહોચાડવાનું કહે તો બે આંખ ની શરમ ના માર્યા નાં કહી શકતા નથી . એક નન્નો સો દુખ હણે એ ઉક્તિ બધાય જાણતા હોવા છતાં કર્ણ ને જેમ અણી ને વખતે જ વિદ્યા વિસરાઈ ગયેલી એમ આપણે પણ ટાંકણે જ નન્નો ભણવાનું ભૂલી જઈએ છીએ અને ઉપાધી ના પોટલા ઊંચકી લઈએ છીએ . કોઈ વાર તો આપણે બારોબાર જ બોલ્ડ થઇ જઈએ . કોઈ જ પૂર્વ તૈયારી વિના ત્રાટકતા વાવાઝોડા ની માફક આપણે બે વ્યક્તિ ના સંપેતરા ને જોડતી કડી બની જઈએ. મોટાભાગે આવા પ્રકાર ના સંપેતરા પહોચાડવા માટે બે આંખ ની શરમ નડી જાય . આપણે બે માં થી એક પક્ષ ને કદાચિત બને પક્ષને સારી રીતે જાણતા હોઈએ અને શરમ માં ને શરમ માં આપણું કામ પડતું મૂકી ને ય સંપેતરું પહોંચાડીએ. એવે વખતે આપણા મનમાં બંને પક્ષ માટે રોષ જન્મે . કોઈવાર જેને સંપેતરું પહોચાડવાનું હોય એને તો બીચારા ને ખબર પણ ન હોય અને રોષ નું નિશાન બની જાય . એકવાર અમે પણ આવી જોડતી કડી બનેલા. જોવાની ખુબીલીટી એ કે અમારે સંપેતરું પહોચાડવું છે એ અમને માહિતી મોડી મળી . બંને પક્ષો સાથે સારા સંબંધ હોવાથી સંપેતરું આપનારની નિયત વિષે શંકા થઇ નહિ . સંપેતરું લેવા ગયા તો ભાઈએ અમારું ય પડીકું પકડાવ્યું. બંદા જરા ખુશ થયા કે વાહ , આ સોદો તો ફળ્યો . બે ત્રણ દિવસ પછી ખબર પડી કે અમે સંપેતરું લઇ જઈએ અને પહોચાડી દઈએ એટલા માટે લાંચ/ ઘૂસ / કટકી રૂપે અમને એ પડીકું ભેટ આપવામાં આવ્યું હતું . જરા ભોંઠા પાડવા જેવું લાગ્યું .

ખોંખારો : સંપેતરું પહોચાડવા પાછળ ઉમદા હેતુ એકબીજા ને મદદરૂપ થવાનો જ હોય છે . સંબંધો ને વટાવી ખાનારા ય છે પણ મદદરૂપ થનારા કાઈ કેટલાય ગણા વધારે છે જેમ દરેક સમસ્યાનો ઉકેલ છે એમ દરેક સંપેતરા નો પહોચાડનાર પણ હોય જ છે