Dakan books and stories free download online pdf in Gujarati

ડાકણ

ડાકણ

જય માતાદિ ના નાદ થી રાણકી ગામ ગુંજી ઉઠ્યુ. આજે રાણકી માના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ થયા હતા. આખા ગામમા ઉત્સવ જેવો માહોલ હતો. રાણકી માની વાર્તા ઘણી રસપ્રદ છે. વાર્તા મા આપણા પરંપરા થી પોતાને મહાન ગણાવતા સમાજ નો સાચો ચહેરો સામે આવી જશે.

રાણકી ગામનુ નામ રાણકી નામની એક બાહોશ દિકરી ના નામ પરથી પડ્યુ હતુ. રાણકી માના દેહ ત્યાગ બાદ એકજ મહિનામા ગામને પાદરે એક વિશાળ મંદિર બનાવવામા આવ્યુ. એમા પૂજારીની જગ્યાએ પૂજારણ રાખવામા આવી. મંદિરનુ બધુ કામકાજ સ્ત્રીઓને સોંપવામા આવ્યુ. ગામેગામ રાણકીમાંના મંદિર ની ખૂબજ પ્રસિધ્ધિ થઈ. રાણકીમાંના પરચા ગામેગામ પહોંચવા લાગ્યા. લોકો દૂરદૂરથી રાણકીમાંના દર્શન કરવા આવવા લાગ્યા.

રાણકી પણ બીજી છોકરીઓની જેમ એક સામાન્ય છોકરી હતી તો પછી એને દેવી નો દરજ્જો કેવી રીતે મળ્યો એની પાછળ બે વાર્તા છે. એક સાચી છે અને એક જુઠ્ઠી. કઇ સાચી કઇ જુઠ્ઠી એ તમારે નક્કિ કરવાનુ.

પહેલી

રાણકી એક ક્ષત્રિય પરિવારમા જન્મેલી. નાનપણથીજ એ ઘણી બાહોશ હતી. બે વર્ષની હતી ત્યારા ઘર મા ઘુસી આવેલા સાપને પકડી બહાર નાંખી આવેલી. એવી લોકવાયકા છે કે એ સાપ પછી રોજ રાણકીમાંને દર્શને આવતો.

દસ વર્ષના હતા ત્યારે ઘરમા ઘૂસી આવેલા ચાર ચોરોની એકલે હાથે ખૂબ ધોલાઇ કરેલી. ચારેય ને મારી મારી ને અધમૂવા કરી નાખેલા. એકવાર ગામમા જોરદર પૂર આવેલુ ત્યારે રાણકીએ ઘણા ના જીવ બચાવ્યા હતા.

એક કિસ્સો ઘણો પ્રચલિત હતો જેને રાણકી જેવી એક સામાન્ય છોકરીને દેવી બનાવી દીઘી. રાણકી ગામ પછી ગાઢ જંગલ હતુ એટલે અવાર નવાર જંગલી પ્રાણીઓ ગામ મા ઘુસી આવતા. એક દિવસ ગામના બે છોકરાઓ રમતા રમતા ગામ ઘરથી થોડા દૂર નીકળી ગયા. દીપડો જાણે રાહ જોઇનેજ બેઠો હતો. થોડી વાર ખાલી બંનેની ખાલી ચીસો સંભળાતી હતી, કોઇની હિંમત ના ચાલી પણ ચીસો સાંભળતાજ રાણકી એ દોટ મુકી, એકલે હાથ દીપડા સામે ઝઝૂમી અને બંન્ને છોકરાઓ ને બચાવ્યા પણ રાણકી ખૂબજ ઘવાઇ. જેવી એ છોકરાઓ ને લઇને આવી ત્યાંજ ફસડાઇ પડી.

આખા ગામે રાણકી માટે ઉપવાસ રાખ્યા. પૂજા, પ્રાર્થનાઓ કરી. બેજ દિવસમા રાણકી સાજી થઇ ગઇ. રાણકી ને ગામ તરફથી દસ હજાર રૂપિયા ઇનામ આપી સન્માનિત કરવામા આવી.

ધીરે ધીરે ગામ વાળા એને દેવી નુ સ્વરૂપ માનવા લાગ્યા. ગામમા રાણકી ને મહારાણી જેવો આદર અને સન્માન મળવા લાગ્યા. સમય જતા બધા એને દેવીનો અવતાર માનવા લાગ્યા. બધા હવે એકદમ નિશ્ચિંત હતા કે એમના ગામ પર કોઇ પણ આફત આવશે તો રાણકીમા એ આફત સામે ગામની રક્ષા કરશે.

સૃથ્ટિ નો નિયમ છે કે પ્રેમ નુ અસ્તિત્વ નફરત ને કારણેજ છે. અંધારુ છે તો અજવાળુ છે, દુખ છે તો સુખ છે. દાનવ છે તો દેવ છે. હકારાત્મકતા નુ અસ્તિત્વ નકારત્મકતા ને આભારી છે. તો જો ગામ મા દેવી હતી તો દાનવ જરૂર હોવાનો, બાકી દેવી ની જરૂર શુ છે?

આફત આવી ચડી. ગામની એક દલિત દીકરી ડાકણ બની ગઇ. કારણ સમજાતુ નહોતુ પણ એ કદાચ રાણકીમા ને મળતા માન સન્માનની એ ઇર્ષા કરતી.

છેલ્લા ચાર દિવસમા એણે ચાર છોકરાઓને વગર કારણે મારી મારી અધમૂવા કરી નાખ્યા હતા. ભરી પંચાયતમા પંચોની સામે થઇ ગઇ. ખૂબ ગાળા ગાળી કરી અને સરપંચ સામે હાથ પણ ઉગામ્યો. ગામવાળાઓએ જાહેર કરેલી એ ડાકણનુ નામ હતુ કાંતા.

કાંતા ની આવી કરતૂતો ને કારણે એને સજારૂપે ગામની બહાર કાઢી મુકવામા આવી. એ ગામની પાદરે બેસી રહેતી અને આવતા જતા ને હેરાન કરતી. સરપંચ ના હુકમથે એક રાત્રે કાંતા ને ખૂબજ મારવામા આવી. બે દિવસ વગર ખાધે પીધે કાંતા ત્યાને ત્યાજ પડી રહી. એની બેબશી નો લાભ લઇ ગામના કહેવાતા લુખ્ખાઓએ એના પર બલાત્કાર પણ કર્યો. એ બિચારી નિસહાય થઇને પડી રહી. આવતા જતા એને પથરા મારતા, કોઇ ગાળો બોલતુ. એ બે દિવસ એના ઉપર ખૂબજ અત્યાચાર કરવામા આવ્યા.

એક રાત્રે સરપંચના ઘરેથી ચીસો સંભળાઇ. જોતજોતામા આખુ ગામ સરપંચના ઘરની બહાર ભેગુ થઇ ગયુ. છુટા વાળ, આંસુઓથી ફેલાયેલા કાજલ થી કાળીભમ્મર આંખો, શરીર પર લોહીથી ખદબદ ઉજરડા હાથમાં ત્રિશૂલ અને એની નીચે બે હાથ જોડીને સરપંચ. એક બાજુ સરપંચની દિકરી અને પત્ની ઘવાયેલી હાલતમાં.

જોતજોતામા રાણકીમા ત્યા આવી પહોચ્યા, કાંતા પણ સ્તબ્ધ બની ગઇ, રાણકીમા એની ઉપર તૂટી પડ્યા અને મારતા મારતા એજ જગ્યાએ લઇ ગયા જ્યા અત્યારે રાણકીમાનુ મંદિર છે. બંને વચ્ચે ઘમાસાણ યુધ્ધ થયુ. છેલ્લે રાણકીમાંએ એમના હાથમા પ્રગટ થયેલા ત્રિશૂલથી ડાકણનો વધ કર્યો. જેવા રાણકીમા એ ડાકણનો અંતિમ સંસ્કાર કરી પાછા વળ્યા એ ડાકણ ઊભી થઇ માંને વળગી પળી, રાણકીમાંએ જાણે બચવાનો કોઇ પ્રયત્ન ના કર્યો અને બધાની મૂંજવણ વચ્ચે હસતા મોઢે મૃત્યુ વહોરી લીધુ. કદાચ રાણકીમા કાંતાના પ્રકોપથી બચાવવાજ આ ગામે આવ્યા હતા, કામ પતી ગયુ એટલે શરીર ત્યાગી જતા રહ્યા.

એમની યાદમા ત્યાં ભવ્ય મંદિર બનાવવામા આવ્યુ.

બીજી

રાણકીનો જન્મ ગામના એક સુખી અને સમૃધ્ધ પરિવારમા થયો હતો. છોકરી હોવા છતા લક્ષણો છોકરાના હતા. લાંબા વાળ એને જરાય ના પાલવે, પેન્ટ અને શર્ટજ પહેરે. છોકરાઓની રમતોજ રમે, એ બહેનપણીઓ નહિ ભાઇબંધો બનાવતી. એના મમ્મી ઘણીવાર હસતા હસતા કહેતા કે ભગવાને છોકરો બનાવતા બનાવતા છોકરી બનાવી દીધી પણ પિતાજી મૂંજાયા કરતા. દિકરીના પિતાજીને એકજ ચિંતા કે મરી દિકરીને પરણશે કોણ.

આ બધાની વચ્ચે ખાલી એકજ રાહત હતી એ હતી કાંતા, રાણકની એકમાત્ર બહેનપણી. જો રાણકી સામાન્ય હોત તો દલુભા (રાણકીના પિતા) રાણકી પર કાંતાનો પડછાયો પણ ના પડવા દેત, કાંતા દલિત હતી અને રાણકી ક્ષત્રિય.

દલુભા કાંતાને કહેતા

“આને જરા સમજાવ, એને પણ તારા જેવી બનાવી દે”

કાંતા હસી પડતી, પ્રણામ કરીને ચાલી નીકળતી.

કાંતા ધીરે ધીરે રાણકીના ઘરની સદસ્ય બની ગઇ. દલુભાને આશા હતી કે કાંતા જોડે રહીને રાણકીમાં પણ થોડા સ્ત્રૈણ ગુણો આવી જશે.

ધીરે ધીરે બંનેની મિત્રતા વધારે ને વધારે ગાઢ બનતી ગઇ. સ્કૂલે જવાથી માંડીને રાત્રે સૂવાના સમય સુધી બંન્ને સાથે રહેતા. કલાકો બંન્ને રાણકીના રૂમમા બેસીને વાતો કરતા, રમતો રમે, ભણે, મસ્તી કરે. રાણકીના પિતા ખુશ હતા. કાંતાની મિત્રતાએ એ બધી આદતો છોડાવી દીધી હતી જે એમની નજરમા ખરાબ હતી.

જેમ જેમ ઉમર વધતી ગઇ એમ એમ એમની મિત્રતા વધારે ને વધારે ગાઢ બનતી ગઇ. હવે તો કાંતા ઘણીવાર રાણકીના ઘરેજ રોકાઇ જતી.

અત્યારસુધી જે દલુભાએ નજરઅંદાજ કર્યુ હતુ એની ગામમા એમની પીઠ પાછળ વાતો થવા લાગી હતી. રાણકી અને કાંતાની મિત્રતા પર સવાલ ઉઠવા લાગ્યા હતા પણ એ બંને તો એનાથી બિલકુલ અજાણ પોતાની દુનિયામા મસ્ત હતા.

ગામની ઘણી સ્ત્રીઓ મેણા મારતી કે

“કાંતા ને દહેજમા સાસરીયે લઇ જઇશ કે શુ?“

રાણકી મનમાં કહેતી

“મારુ ઘરજ કાંતાનુ સાસરીયુ છે”

બીજીજ મીનીટે એના ચહેરા પર ઉદાસીનતા વ્યાપી જતી. એ એક ઊંડો નિસાસો નાંખતી

“આ સમાજના બધા બંધન તોડી ક્યાંક દૂર ભાગી જવુ છે”

બંનેને ખબરજ ના પડી ક્યારે મિત્રતા પ્રેમમા પરિણમી.

દલુભાના કાને વાત પહોંચતા રાણકી પર ઘણા પ્રતિબંધ લાદી દેવામા આવ્યા. છતા બન્ને હિંમત કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ કદાચ વિધાતાને પણ એમનો પ્રેમ મંજૂર નહોતો. બન્ને પકડાઇ ગયા.

એ રાત્રે ઇજ્જત અને આબરૂની એ તકલાદી દુનિયામાં નરપિશાચોએ નગ્ન નૃત્ય કર્યુ અને નફરતની અગનજ્વાળાઓમા બન્ને પ્રેમી બળીને ખાખ થઇ ગયા.

એજ જગ્યાએ રાણકીમાનુ ભવ્ય મંદિર છે જ્યા રાણકી અને કાંતાને જીવતા સળગાવી દેવામા આવ્યા હતા. એમની ચીસોને ભજનના ઘોંઘાટ નીચે દબાવી દેવામા આવ્યો હતો, એમની પીડાને વાજિંત્રોના અવાજથી શાંત પાડી દેવામા આવ્યો હતો, એમના અતૂટ પ્રેમને આરતીના આધ્યાત્મ નીચે દફ્ન કરી દેવામા આવ્યો.

આખી વાર્તામા કઇ સાચી અને કઇ જુઠ્ઠી એ તમારે નક્કિ કરવાનુ છે.

આપણો દંભી સમાજ આજે પણ સ્ત્રીઓને ડાકણ તરીકે ખપાવી એની હત્યા કરે છે. કોઇ સ્ત્રી કદાપિ ડાકણ નથી હોતી. ડાકણ આપણી અંદર છે આપણે એની ગુલામીમાથી મુક્ત થવાનુ છે.