Jarasandh books and stories free download online pdf in Gujarati

જરાસંધ

જરાસંધ (ભારતવર્ષના મહાન રાજાઓ)

આપણે પુરાણો લખ્યા ઇતિહાસ નહિ. પુરાણોમાં ક્યાંક તો ઇતિહાસ છુપાયેલો હોવો જોઈએ. જરાસંધ મગધનો મહાન રાજા હતો. મગધનો ઇતિહાસ આપણે નંદ સામ્રાજ્યથી જાણીએ છીએ. જરાસંધને semi-mythical king of Magadha સમજો.. ભગવાન શિવના મહાન ભક્ત બૃહદ્રથ રાજવંશ(Dynasty-ડિનસ્ટી) શરુ કરનાર રાજા બૃહદ્રથનો પુત્ર જરાસંધ હતો. જરાસંધ પણ શિવનો મહાન ભક્ત હતો પણ યાદવ વંશનો દુશ્મન હોવાથી તેને હંમેશા નકારાત્મક પ્રસિદ્ધિ જ મળી.

જરાસંધ બે શબ્દોનું જોડાણ છે. જરા નામની રાક્ષસી હતી જેણે બે ભાગમાં મળેલાં એક બાળકના બે ટુકડા ભેગાં કરેલા. સંધિ એટલે જોડાણ. બૃહદ્રથ મગધનો રાજા હતો. તેને બે રાણીઓ હતી અને બંને વારાણસીના રાજાની જોડિયા બહેનો હતી. બંને સંતાન પેદા કરવા અસમર્થ હતી. ચંડકૌશિક નામના ઋષિએ એમની સેવાના બદલામાં રાજાને એક ફળ આપ્યું કે રાણીને ખવડાવશો ગર્ભવતી થઈ જશે. ઋષિને ખબર નહોતી રાજાને બે પત્નીઓ છે. બૃહદ્રથે ફળના બે ભાગ કરી બંને રાણીઓને ખવડાવી દીધાં. આવી પૌરાણિક વાર્તાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન હોય નહિ. પણ આપણે વાંચીને ખુશ થવાનું. બંને રાણીઓ ગર્ભવતી થઇ અને બંને રાણીઓએ પુરા મહીને અડધા અડધા ભાગમાં બાળકોને જન્મ આપ્યો. આવા ભયંકર અડધાં અડધાં જન્મેલાં બાળકોના ફાડિયા જોઈ રાજા ગભરાઈ ગયો ને બંને ફાડીયા જંગલમાં ફેંકવાનો આદેશ આપી દીધો. જરા નામની રાક્ષસીને બંને ફાડીયા જડ્યા. જરાએ બંને હાથમાં બંને ફાડિયા લીધાં પણ અકસ્માતે બંને હાથ નજીક લાવતાં બંને ફાડિયા જોડાઈ ગયાને એક આખું બાળક બની ગયું. બાળક જોર શોરથી રડવા લાગ્યું. જીવંત બાળકને ખાઈ જવાનું હ્રદય આ રાક્ષસી ધરાવતી નહોતી. છવટે તે એક સ્ત્રી હતી. એણે બાળક રાજાને આપી શું બન્યું બધો ઇતિહાસ જણાવી દીધો. રાજા ખુશ થયા. ચંડકૌશિક ઋષિ પણ આવ્યા અને રાજાને કહ્યું આ પુત્ર વિશિષ્ટ થશે અને ભગવાન શિવનો પરમ ભક્ત થશે.

જરાસંધ ખુબ પ્રસિદ્ધ ને શક્તિશાળી રાજા હતો. મગધનો આ મહાન સમ્રાટ મહારથી હતો અને નરકાસુર, પુન્દ્ર વાસુદેવ, ચેદી રાજા શિશુપાલ સાથે રાજકીય સંબંધ ધરાવતો હતો. આ બધા એના મિત્ર રાજાઓ હતા. મથુરાના રાજા કંસ જોડે પોતાની બે પુત્રીઓ પરણાવી એક વધુ રાજાને પોતાનો મિત્ર બનાવ્યો હતો. કૃષ્ણે કંસને મારી નાખ્યો ત્યારે ક્રોધે ભરાયેલા જરાસંધે ૧૭ વખત મથુરા પર ચડાઈ કરેલી અને દરેક વખતે કૃષ્ણ-બલરામને ભાગવું પડેલું. એમાં તો કૃષ્ણનું નામ રણછોડ પડી ગયેલું. છેવટે કૃષ્ણને દ્વારકા નામના બેટ ઉપર રાજ્ય સ્થાપવું પડ્યું જ્યાં જરાસંધ જઈ શકે તેમ નહોતો. કૃષ્ણ-બલરામને ૧૭ વખત ભગાડનાર જરાસંધ કેટલો જબરો હશે? કૃષ્ણે જરાસંધનો પાવર ઓછો કરવા એના મિત્ર રાજાઓને એક પછી એક ઓછા કરવા માંડ્યા. કાલયવન, નરકાસુર, હંસ, ડિંબક, અને યુધિષ્ઠિરનાં રાજસૂય યજ્ઞ સમયે શિશુપાલને હણી નાખ્યો. જરાસંધે દ્રૌપદી સ્વયંવરમાં પણ ભાગ લીધેલો. જરાસંધે હસ્તિનાપુરના દુર્યોધન ઉપર પણ હુમલો કરેલો. એની જીંદગીમાં પહેલીવાર જરાસંધ દુર્યોધન મિત્ર કર્ણ સામે હારેલો. કરણની યુદ્ધ કાબેલિયત જોઈ એની સરાહના કરી કર્ણને એણે માલિની નામનું શહેર ભેટ આપેલું.

જરાસંધે ભગવાન શિવને ખુશ કરવા ૧૦૦ રાજાઓનો બલી ચડાવવાનું નક્કી કરેલું. એમાં ૯૫ રાજાઓ તો એણે હરાવીને કેદ કરી રાખેલા હતા ફક્ત પાંચ રાજાઓ ખૂટતા હતા. કૃષ્ણ માટે રાજસૂય યજ્ઞ કરાવીને યુધિષ્ઠિરને ચક્રવર્તી રાજા બનાવવામાં જરાસંધ એકલો આડે આવતો હતો. એટલે ભીમ અને અર્જુનને લઇ બ્રાહ્મણ વેશે કૃષ્ણ મગધ પહોચ્યા. કર્ણની જેમ જરાસંધ પણ દાનેશ્વરી હતો. શિવ પૂજા પછી બ્રાહ્મણો જે માંગે તે આપી દેવા તે પ્રખ્યાત હતો. એમાં કૃષ્ણે ભીમ અથવા અર્જુન બેમાંથી એક સાથે યુદ્ધ માટે જરાસંધ સાથે માંગણી કરી લીધી. સૈન્ય અને મિત્ર રાજાઓ સાથે જરાસંધને હરાવવો મૂશ્કેલ હતો. જરાસંધે પણ બાહુબલી ભીમ સાથે યુદ્ધ કરવાનું સ્વીકારી લીધું. જરાસંધ પણ પોતે મલ્લયુદ્ધમાં નિષ્ણાંત હતો. ભીમ અને જરાસંધ વચ્ચે ૧૪ દિવસ મલ્લયુદ્ધ ચાલ્યું. જરાસંધ હારતો નહોતો. છેવટે જરાસંધના જન્મ સમયે હતા તેમ શરીરના બે ભાગ કરી નાખ્યા ત્યારે તે મરાયો.

તેના મૃત્યુ પછી પાંડવોએ પેલા બંદી ૯૫ રાજાઓ મુક્ત કર્યા. જરાસંધના પુત્ર સહદેવને ગાદી પર બેસાડ્યો. મુક્ત કરાયેલા ૯૫ રાજાઓ સહીત મગધ સમ્રાટ સહદેવ પાંડવોના મિત્ર રાજાઓ બન્યા અને મહાભારતના યુદ્ધ સમયે બધા સંયુકતપણે પાંડવોના પક્ષે રહીને કૌરવો સામે લડેલા. જરાસંધ પુત્ર સહદેવનો સંહાર ગુરુ દ્રોણે કરેલો.

જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ નવમો અને છેલ્લો પ્રતિ-વાસુદેવ કહેવાય છે. જૈન સાહિત્ય પ્રમાણે આ નવમાં અને છેલ્લા પ્રતિ-વાસુદેવનું મૃત્યુ નવમાં અને છેલ્લા વાસુદેવ કૃષ્ણને હાથે થાય છે. જૈન સાહિત્ય પ્રમાણે જરાસંધ કૃષ્ણ ઉપર તેના ભયંકર હથિયાર સુદર્શન ચક્ર વડે હુમલો કરે છે. મતલબ સુદર્શન ચક્ર જરાસંધ પાસે હતું. પણ સુદર્શન ચક્ર પોતે કૃષ્ણની આણ સ્વીકારી કૃષ્ણને બદલે જરાસંધની હત્યા કરે છે તેવું જૈન સાહિત્ય કહે છે. જૈન સાહિત્ય પ્રમાણે મહાભારતની લડાઈ કૃષ્ણ અને જરાસંધ વચ્ચે છે કૌરવ પાંડવો ફક્ત એમાં ભાગ લેનારા મહારથીઓ છે.

મહાભારત અને પુરાણો પ્રમાણે જરાસંધના પિતા બૃહદ્રથ ચેદીનાં કુરુ વંશના રાજા વસુના સૌથી મોટા પુત્ર હતા. એમની માતાનું નામ ગીરીકા હતું. બૃહદ્રથનું નામ ઋગ્વેદમાં પણ છે. આધુનિક ઇતિહાસકારોના મતે જરાસંધનો સમયકાળ 1760 BCE થી 1718 BCE હોવો જોઈએ. અને તેના પુત્ર સહદેવનો સમયકાળ 1718 BCE થી 1676 BCE હોવો જોઈએ. સહદેવના પુત્ર અને જરાસંધના પૌત્ર સોમપીનો સમય કાલ આધુનિક ઇતિહાસકારોના મતે 1676 BCE થી 1618 BCE હોવો જોઈએ, અહીં આપણા મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ જુદા પડે છે. એમના હિસાબે સોમપીનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE હોવો જોઈએ. મને આધુનિક ઇતિહાસકારો કરતા આર્યભટ્ટ વધુ સાચા લાગે છે તેનું એક કારણ છે. મહાભારત અને હરિવંશ પુરાણમાં કૃષ્ણના જન્મ સમયના આકાશી ગ્રહોની સ્થિતિનું અને મહાભારતના યુદ્ધ સમયના ગ્રહોની આકાશી સ્થિતીનું વર્ણન છે. હવે આ આકાશી ગ્રહોની સ્થિતિ ડૉ નરહરિ આચર( પ્રોફેસર ઓફ ફિજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) આધુનિક પ્લેનેટોરીયમ સોફ્ટવેરમાં નાખી ચકાસીને રિસર્ચ કરીને કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨ BCE અને મહાભારતના યુદ્ધની સાલ ૩૦૭૬ BCE કાઢે છે. તે પ્રમાણે મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ ૪૬ વર્ષના હોવા જોઈએ. આધુનિક સોફ્ટવેર પ્રમાણે ૩૦૭૬ BCE વખતે થયેલા મહાભારતના યુદ્ધમાં સહદેવ મરાયો હોય તો એના પુત્રનો સમયકાળ ૩૦૦૯ BCE થી ૨૯૫૧ BCE વધુ બંધ બેસતો થાય છે. સોમપી પછી શ્રુતસર્વ, અપ્રતીપ, નીર્મિત્ર, સુક્ષત્ર, બ્રુહત્સેન, સેનાજીત, શ્રુતંજય, વિધુ, સૂચી, ક્ષેમ્ય, સુબ્રત, સુનેત્ર, નિવૃત્તિ, ત્રિનેત્ર, મહત્સેન, નેત્ર, અબલા અને રીપુન્જય નામના રાજવીઓ મત્સ્યપુરાણ પ્રમાણે થયા એવું મનાય છે. એમનો સમય કાલ સંયુકતપણે આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૧૪૯૭ BCE થી ૮૩૨ BCE ગણાય અને આર્યભટ્ટ પ્રમાણે ૨૯૫૧ BCE થી ૨૧૨૨ BCE ગણાય છે.

ત્યાર પછી આ મહાન બૃહદ્રથ મગધ રાજવંશનો નાશ થયો અને પ્રદ્યોત રાજવંશ ચાલુ થયો પણ એમનું મુખ્ય મથક મધ્યપ્રદેશનું અવંતી હતું. અવંતી, કૌશમ્બી અને મગધ ત્રણે ઉપર આ સમ્રાટો રાજ કરતા હતા. પ્રદ્યોત, પાલક, વિસખાયુપ, સુર્યક, અને છેલ્લે નન્દીવર્ધન રાજા સાથે પ્રદ્યોત રાજવંશ સમાપ્ત થયો. તેમનો સમયકાળ આધુનિક ઈતિહાસકારો પ્રમાણે ૬૬૭ BCEમાં અને આર્યભટ્ટ પ્રમાણે ૨૦૦૦ BCEમાં સમાપ્ત થયો.

આમ જરાસંધ એક મહાન રાજા હતો, મહારથી હતો, મલ્લયુદ્ધ અને ગદાયુદ્ધમાં નિપુણ હતો. એ જમાનામાં શારીરિક રીતે બળવાન બાહુબલી હોય તે રાજા બની શકતા આજના જમાનાની જેમ વોટ મેળવી કોઈ માયકાંગલો રાજા બની જાય નેતા બની જાય તેવું નહોતું.