Prem - Aprem - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ ભાગ-૩

પ્રેમ-અપ્રેમ

ભાગ-૩

સ્વાતિનો ફોન ડીસ્કનેક્ટ કર્યા પછી અપેક્ષિત બેડરૂમમાં જઈને ફરી પ્રિયાના વિચારોમાં ગરકાવ થઈ ગયો. વધુ પડતું રડવાના કારણે તેનું માથું અને આંખો ભારે થઈ ગયેલા. આમને આમ ફરી પાછો તે નિંદ્રાધીન થઈ ગયો. આખો દિવસ તેના રૂમમાં જ પુરાઈ રહ્યો, ન તો કોઈના કોલ રીસીવ કર્યા કે ન તો બીજું કંઈ કર્યું. અપેક્ષિતના દિલ દિમાગ પર દર્દનાં વાદળો છવાઈ ગયા હતાં. આખો દિવસ ન તો કંઈ ખાધું કે પીધું. તેણે આખી રાત પડખાં ફરી ફરીને કાઢી, આંખો ઓશિકા પર અપાર વરસતી રહી. છેક વહેલી સવારે તેની આંખ લાગી. રડવાના લીધે આંખોમાં ઉંઘ પણ બહુ ભરાયેલી. ઓફિસનાં, સ્વાતિના અને ક્લાઈન્ટસ ના કોલ આવતાં રહ્યાં પણ મોબાઈલ સાઈલેન્ટ મોડ પર મુકીને સૂતેલો હોય અપેક્ષિતની ઉંઘ ઉડી જ નહીં. આ બાજુ સ્વાતિને અપેક્ષિતની બહુ ચિંતા થતી હતી કારણ કે આજે તો તેણે કોઈ કોલ રીસીવ પણ કર્યો ન હતો. અપેક્ષિતની જયારે આંખ ખુલી ત્યારે તેણે જોયું તો સાંજના છ જેવો સમય થઈ ગયેલો. મોબાઈલમાં જોયું તો સ્વાતિના, ઓફિસના અને ક્લાઈન્ટના બધાં મળીને ૩૪ મિસ્ડ કોલ્સ હતાં, પણ તેનો મૂડ કોઈની સાથે વાત કરવાનો ન હતો, એટલે મોબાઈલને આમ જ પડ્યો રહેવા દઈ તે હોલમાં આવ્યો અને ફરી એક વાર લેપટોપ સ્વીચ ઓન કરીને ઈ-મેઈલ્સ ચેક કર્યા પરંતુ આ વખતે પણ તેણે હતાશ જ થવું પડ્યું કારણકે પ્રિયાનો કોઈ ઈ-મેઈલ ન હતો. ફરીવાર જરા આંખો ભીની થઈ જાય તે પહેલાં જ તે બાથરૂમમાં ફ્રેશ થવા ચાલ્યો ગયો. ફ્રેશ થઈને ફરી સોફા પર આવીને બેઠો અને માઈન્ડ ડાઈવર્ટ કરવા માટે ટીવી ચાલુ કર્યું. આમ તેમ ઘણી બધી ચેનલો ફેરવીને જોઈ પણ કોઈ ચેનલમાં એનું ચિત્ત ચોટતું ન હતું, અંતે સોની મિક્સ ચેનલ પર તેના અતિપ્રિય ગઝલ ગાયક જગજીતસિંહની ગઝલ આવતી હતી ત્યાં અટક્યો અને આંખ બંધ કરીને એ ગઝલ સાંભળવા લાગ્યો. એ ગઝલ પણ જાણે તેની પરિસ્થિતિ ને અનુરૂપ હોય તેવી જ હતી.

“બેનામ સા યે દર્દ ઠહર કયું નહીં જાતા..?

જો બીત ગયા હૈ વો ગુઝર કયું નહીં જાતા..?

સબ કુછ તો હૈ, ક્યાં ઢૂંઢતી રહેતી હૈ નિગાહેં..?

ક્યા બાત હૈ, મૈ વક્ત પે ઘર કયું નહીં જાતા..?

વો એક હી ચહેરા તો નહીં સારે જહાન મેં..?

જો દુર હૈ વો દિલ સે ઉતર કયું નહીં જાતા..?

નિદા ફાઝલીની આ અમર ગઝલનો બીજો શેર સાંભળતા જ તેની આંખો ફરી છલકાઈ ઉઠી તેનું મગજ ફરી પ્રિયાની દિશામાં જ દોડવા લાગ્યું એટલે ટીવી ઓફ કરી તે ફરી સોફા પર માથું ઢાળીને બેસી ગયો. તેનું મગજ અને હ્રદય બંને સ્વીકારવા તૈયાર જ નહોતું કે પળે-પળ સાથે રહેનારી અને પોતાનાથી જરા પણ દૂર ન રહી શકતી પ્રિયા અચાનક તેને આવી રીતે એકલો છોડીને જતી રહી. આવા જ બધાં વિચારોથી તેનું મગજ ઘેરાયેલું હતું ત્યાં જ અચાનક ડોરબેલ રણકી એટલે રૂમાલ કાઢીને આંખો સાફ કરીને માંડ માંડ મેઈન ડોર ખોલવા માટે ગયો. ડોર ખોલીને જોયું તો સામે સ્વાતિ ઉભી હતી. અપેક્ષિતનો આવો ઉતરેલો અને રડમસ ચેહરો જોઈને સ્વાતિ એ જરા વાતાવરણ હળવું કરવાની કોશિષ કરવા અપેક્ષિતને ચીડવતાં પૂછ્યું,

“ મે આઈ કમ ઈન સર....? આઈ હોપ આઈ એમ નોટ ડીસ્ટર્બીંગ યોર પ્રાઈવસી...?”

સ્વાતિને આવું કહેતા જોઈને અપેક્ષિતે ચહેરા પર બનાવટી સ્મિત લાવીને કહ્યું,

“ઓહ, કમ ઓન સ્વાતિ ડોન્ટ બી સો ફોર્મલ, તારે ક્યારથી આવી પરમીશન લેવાની જરૂર પડવા લાગી..?”

“શું કરું યાર, તું બે દિવસથી ઓફિસ નથી આવ્યો અને ઘરે જ રહ્યો છે તો મને થયું કે કંઇક ખાનગી હશે જે મને નહીં કહેવાનું હોય...એટલે હું જાતે જ જાણવા આવી ગઈ કે એવું તે શું ખાનગી છે....?”

સ્વાતિએ આંખ મિચકારતાં પૂછ્યું.

“નથીંગ યાર, આજે જરા તબિયત ઢીલી હતી તો બ્રેક લીધો..”

“કેમ, શું થયું તબિયતને..? તારી આંખો અને ચહેરા પરથી તો તબિયત કરતાં કંઈક બીજું જ કારણ હોય એવું મને લાગે છે....આ શું હાલત થઈ ગઈ છે તારી...જસ્ટ લુક એટ યુ...”

અપેક્ષિત કંઈ બોલ્યો નહીં એટલે સ્વાતિએ તેની બાજુમાં બેસતા કહ્યું,

“કમ ઓન ડીઅર ડોન્ટ લાઈ ટુ મી, જે વાત હોય તે મને કહી દે, મનમાં નહીં રાખ, યુ વિલ ફીલ બેટર...”

સ્વાતિ સાથે આંખ મળતાં જ અપેક્ષિતની આંખો ભરાઈ આવી અને માત્ર એટલું જ બોલી શક્યો,

“સ્વાતિ, શી લેફ્ટ મી એલોન વિધાઉટ એની રીઝન...”

“વ્હુ..? પ્રિયા..? કેમ શું થયું અચાનક ...? ક્યાં જતી રહી..?”
“યસ પ્રિયા જ તો. થયું કંઈ નહીં, બસ એ જ કારણથી છોડીને જતી રહી કે તે તેના ભૂતકાળના લીધે મને અને મારાં પ્રેમને સ્વીકારી નહોતી શકતી અને હું તેના પ્રેમમાં રીબાઈ રહ્યો હતો. પરંતુ એ કારણથી મને આમ એકલો છોડીને જતી રહે એ વ્યાજબી કહેવાય..? ઈઝ ઈટ ફેઈર સ્વાતિ...?ઈઝ ઈટ ફેઈર...?”

આટલું બોલતા અપેક્ષિત સ્વાતિના ખભા પર માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. સ્વાતિએ તેને રોક્યો નહીં, પણ માથા પર અને પીઠ પર હાથ ફેરવી જરા શાંત પાડવાની કોશિષ કરી. અપેક્ષિતને પણ થોડી હળવાશ અનુભવાઈ એટલે તે સ્વાતિથી અળગો થયો. સ્વાતિએ પોતાની આંગળીથી તેના આંસુઓ લૂછતાં કહ્યું,

“આ આંસુઓ બહુ અનમોલ હોય છે અપેક્ષિત તેને આમ વેડફ નહીં....ધેય આર સો પ્રીસીયસ..”

આટલું કહેતાં સ્વાતિ કિચનમાં જઈને અપેક્ષિત માટે પાણી લઈ આવી અને તેને આપ્યું. અપેક્ષિતે પાણી પી લીધાં પછી સ્વાતિએ તેનો હાથ હાથમાં લઈને સમજાવતા કહ્યું,

“જો અપેક્ષિત, મને ખબર છે કે તું પ્રિયાને ખૂબ જ પ્રેમ કરે છે, કદાચ આ દુનિયામાં સૌથી વધુ. હું એવું જ માનતી હતી કે પ્રિયા પણ તને પ્રેમ કરતી જ હશે. પરંતુ તું છેલ્લાં બે વરસથી તેને પ્રપોઝ કરે છે તો પણ તેણે તારું પ્રપોઝલ સ્વીકાર્યું નહીં એ સાચે જ નવાઈની વાત કહેવાય અને હવે આમ છોડીને જતી રહી એ તો માન્યામાં આવે જ નહીં. હું તને કોઈ ખોટી સાંત્વના આપવા નથી માગતી પરંતુ એક દોસ્ત તરીકે હું તો તને એટલી જ સલાહ આપીશ કે હવે બહુ થયું, તું બહુ રીબાયો પ્રિયાનાં પ્રેમમાં, હવે તું આ પરિસ્થિતિ સ્વીકારી લે, એમ જ માની લે કે પ્રિયા નામની કોઈ વ્યક્તિ તારી જીંદગીમાં હતી જ નહીં, જીવનનો નવો અધ્યાય લખવાનું શરૂ કર, તારી સામે આખી જીંદગી પડી છે તું તેમાં આગળ વધ. મને ખબર છે કે પ્રિયા તારી જિંદગીનું કેન્દ્રબિંદુ હતી અને એ એક જ નામમાં તારી દુનિયા સમાયેલી હતી, પરંતુ હવે તે બધું જ ભૂલીને તું નવી જીંદગીની શરૂઆત કર. કોઈ વ્યક્તિ જીવનમાં આવે એ પહેલાં પણ જીંદગી હોય જ, તો પછી એ જતી રહે એ પછી પણ જીંદગી હોવી જ જોઈએ ને..? પ્રિયા પહેલાં પણ તારી જીંદગી કેટલી શાનદાર હતી..? તો હવે પ્રિયા નથી તો પણ તું ભરપુર જીવન જીવી જ શકે. તેના સિવાય પણ જીવનમાં કેટલું બધું છે અપેક્ષિત...!!”

જરા અટકીને સ્વાતિએ તેનો મોબાઈલ કાઢીને ફેસબુક ઓપન કર્યું, તેમાં અપેક્ષિતની પ્રોફાઈલ બતાવતાં આગળ કહેવાનું ચાલુ રાખ્યું,

“ જો આ તારી પ્રોફાઈલ, ૧૫૦૦ થી વધુ ફ્રેન્ડઝ અને ૪૪૦૦ થી વધુ તારા ફોલોઅર્સ છે, તારી બેસ્ટ ફ્રેન્ડ એટલે કે હું છું, ઓફીસ છે, તારી પેઇન્ટિંગની હોબી છે, આટલાં ક્લીગ્ઝ છે, શું એક પ્રિયાનાં જવાથી આ બધું છોડીને બેસી જઈશ..? હું થોડાક સમયથી જોઉં છું કે તારો કેટલો હસમુખો સ્વભાવ હતો, તેના બદલે તું હવે સાવ અતડો રહે છે, હસવાનું તો દૂર તું હવે કોઈ સાથે બહુ વાત પણ નથી કરતો, મારી સાથે પણ નહીં. તારા મગજમાં સતત કંઈક ચાલ્યા જ કરતું હોય એવું લાગતું હોય છે અને આ બધી વસ્તુની અસર તારા પેઇન્ટિંગ પર પણ થાય છે. તારા પેઈન્ટીંગ પહેલાં એકદમ પોઝીટીવ હોતાં તેના બદલે હવે તેમાં પણ નેગેટીવીટી આવતી જાય છે. આ તું છે જ નહીં અપેક્ષિત , ધિઝ ઈઝ નોટ યુ.......એટ ઓલ....”

સ્વાતિને જરા આવેશમાં જોઈને અપેક્ષિતે હળવેથી કહ્યું,

“તું કહે તે બધું જ સાચું સ્વાતિ, પણ તું કહે તેટલું સહેલું પણ નથી, મારાં માટે પ્રિયા મારો શ્વાસ હતી, મારાં હ્રદયનો ધબકાર હતી, હવે એ જ નથી રહી તો મારે કેમ કરીને જીવવું..?”

“હું જાણું છું કે બહુ અઘરું છે કોઈ આટલી વ્હાલી અને નજીકની વ્યક્તિ વિના જીવવું, પણ અશક્ય તો નથી જ. કોઈના વિના જીંદગી અટકતી નથી, સમય દરેક દર્દનો ઈલાજ છે, થોડો સમય જવા દે તું પ્રિયાને ભૂલવાની કોશિષ તો કર. આમ ઘરે બેસી રહેવાથી કે ઉદાસ રહેવાથી કંઈ જ નથી થવાનું. હું હરદમ તારી સાથે જ છું, હું તને ક્યારેય એકલો કે નબળો પણ નહીં પડવા દઉં. તને જયારે પણ જરૂર પડે હું તારી પાસે જ હોઈશ, અડધી રાતે પણ તું મને યાદ કરીશ તો હું તારી હાથવેત જ હોઈશ. તું તારી જ કહેલી પેલી શાયરી ભૂલી ગયો..?

‘ઝીંદગી કી ખાસિયત હૈ કે યે કભી ઝૂકતી નહીં, સાંસે રુક જાતી હૈ મગર ઝીંદગી રુકતી નહીં’.”

“થેન્ક્સ સ્વાતિ, થેંક યુ વેરી વેરી મચ..ફોર ઓલ યોર સપોર્ટ...હું બધું જ સમજું છું છતાં સ્વીકારી નથી શકતો કે પ્રિયા મને છોડીને જતી રહી છે. ઈટ વિલ ટેક સમ ટાઈમ ટુ સેટલ ડાઉન માય માઈન્ડ. પ્લીઝ આજે મને હવે એકલો છોડી દે હું ફરી મારાં દિલ દિમાગ ને શાંત કરવાની કોશિષ કરવા માગું છું..”

અપેક્ષિતનો આવો રુક્ષ જવાબ સાંભળીને સ્વાતિ જરા અકળાઈને બોલી,

“તું ગાંડો થઈ ગયો છે કે શું..? આવી હાલતમાં હું તને એકલો મુકીને જાવ..? એવું તો શક્ય જ નથી. મને ખ્યાલ છે કે તેં કાલથી કંઈ જ નહીં ખાધું હોય, મને પણ બહુ ભૂખ લાગી છે એટલે બીજું કંઈ કર્યા વિના તું શાવર લઈને ચેન્જ કરીને ફટાફટ તૈયાર થઈ જા આપણે અહીં નજીકમાં જ એક મદ્રાસ કેફે ખુલી છે ત્યાં ડીનર કરવા જઈએ...એન્ડ ઈટ્સ એન ઓર્ડર....”

આટલું કહેતા સ્વાતિએ અપેક્ષિતનો હાથ પકડીને તેને ઉભો કરી બાથરૂમમાં ધકેલ્યો. અપેક્ષિત શાવર લેતો હતો તે દરમિયાન સ્વાતિ મનોમન વિચારો કરી રહી હતી કે ગમે તે થઈ જાય હવે તે અપેક્ષિતને અપસેટ નહીં રહેવા દે, પ્રિયાની ખોટ ક્યારેય વર્તાવા નહીં દે. પ્રેમ માટે આટલા વખતથી તરસ્યો રહેતા અપેક્ષિતને એટલો પ્રેમ આપશે કે તેની સઘળી તરસ છીપાઈ જાય.

થોડીવારમાં અપેક્ષિત તૈયાર થઈને આવ્યો અને કહ્યું,

“જવું જ પડશે...? નહીં ચાલે નહીં જઈએ તો..?”

“હવે સીધી રીતે નહીં માન્યો તો મારે લાકડી લેવી પડશે ....”

આમ કહેતાં સ્વાતિએ અપેક્ષિતનો હાથ પકડી તેને મેઈન ડોર તરફ રીતસર ખેંચ્યો અને બંને સ્વાતિની એકટીવા પર જ નજીકમાં આવેલી શેટ્ટી’ઝ મદ્રાસ કેફે તરફ જવા નીકળી ગયા....

(ક્રમશ:)

-આલોક ચટ્ટ