Prem - Aprem - 11 books and stories free download online pdf in Gujarati

પ્રેમ-અપ્રેમ - ૧૧

પ્રેમ-અપ્રેમ

ભાગ-૧૧

પિતાના દેહને પંચમહાભૂતમાં વિલીન થયેલો જોઈને પરત ફરતી સ્વાતિ માટે ઘર તરફ મંડાતું એક એક ડગલું બહુ ભારે લાગી રહ્યું હતું. અપેક્ષિત સાથે નહીં હોત તો સ્વાતિ ત્યાં જ ફસડાઈ પડી હોત. ઘરે પહોંચતા જ મોટાં ભાગના ક્લીગ્ઝ અને સોસાયટીવાળા પણ પોતપોતાનાં ઘરે જતાં રહ્યાં. મીસીસ શર્માએ સ્વાતિ અને અપેક્ષિતને પોતાનાં ઘરમાંથી મોં ધોવા માટે અને પછી નાહવા માટે પાણી આપ્યું. અપેક્ષિત સ્વાતિની મન:સ્થિતિ બરાબર સમજતો હતો. સ્મશાનથી આવ્યાને દોઢ બે કલાક થઈ ગઈ હોવા છતાં સ્વાતિ હજીએ અવાક જ હતી પણ તેની આંખોની ભીનાશ ઘણું બધું કહી રહી હતી. વ્હાલસોયા પિતાની છત્રછાયા ગુમાવ્યાનું પારાવાર દુઃખ તેની આંખોમાં છલકતું હતું.

અપેક્ષિતે મૌન તોડીને સાંત્વના આપતાં કહ્યું,

“સ્વાતિ, મને ખબર છે કે પિતા ગુમાવવાનું દુઃખ શું હોય છે..? ખાસ કરીને ત્યારે, જયારે માતાનો હાથ પણ માથે ન હોય, આ દુઃખ તો હું વરસો પહેલાં અનુભવી ચૂક્યો છું એટલે હું તારું દુઃખ બરાબર સમજી શકું છું માય ડિઅર. પરંતુ આમ તું ભાંગી જઈશ તો ક્યાંથી ચાલશે...? હજી તારી સામે આખી જીંદગી અડીખમ ઉભી છે જે તારે એમના વિના જ કાઢવાની છે.”

“હમ્મ્મ્મ....”

“યુ નીડ ટુ હોલ્ડ યોર સેલ્ફ સ્વાતિ, યુ આર અ સ્ટ્રોંગ ગર્લ.....એક સમયે જયારે હું ભાંગી પડેલો ત્યારે તેં મને કેટલી હિમ્મત આપેલી...? સો પ્લીઝ ડીઅર જે થઈ ગયું તે થઈ ગયું....નામ છે એનો નાશ છે જ...જે આ દુનિયામાં આવ્યું છે એ ક્યારેક ને ક્યારેક તો આપણને છોડીને જતું જ રહેવાનું, એ ન છોડીને જાય તો આપણે છોડીને જતાં રહીએ છીએ. આપણી ફરજ એ છે કે આપણે જેટલો સમય સાથે રહીએ તે એવો વિતાવીએ કે બાકીની જીંદગી એ યાદોના સહારે આરામથી પસાર થઈ જાય. બાકી તો શરીર મિથ્યા છે, જે સત્ય છે તે આત્મા છે, પેલો શ્લોક છે ને..? ‘नैनं छिन्दन्ति शस्त्राणी, नैनं दहति पावकः, न चैनं क्लेदयन्त्यापो, न शोषयति मरुत:’, આત્માને શસ્ત્ર કાપી શકતું નથી, આગ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી તેમજ હવા શોષી નથી શકતી. તે મુજબ આત્મા અમર છે, આત્મા ક્યારેય મરતી નથી તે સદાય આપણી સાથે જ રહીને આશીર્વાદ વરસાવ્યા કરે છે. અંકલ સદાય એ રીતે આપણી સાથે જ રહેશે સ્વાતિ અને આપણે પણ સદાય તેમની યાદો સાથે જીવીશું....”

અપેક્ષિત એક સાથે કેટલુંય બોલી ગયો. સ્વાતિ એકીટસે તેની સામે જોઈ રહી, અપેક્ષિતનાં આટલા સાંત્વના ભર્યા શબ્દો સાંભળીને તેણે થોડી હળવાશ અનુભવી પણ હૈયું એકદમ ભારે થઈ ગયું હોવાથી આંખો ભીની તો થઈ જ આવેલી,

“એપેક્ષિત કેન આઈ હગ યુ...?” ગળામાં બાઝેલાં ડૂમાના લીધે સ્વાતિ આટલું માંડ બોલી શકી.

સ્વાતિના શબ્દો સાંભળતા જ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના અપેક્ષિતે તરત જ સ્વાતિને પોતાની છાતી સરસી ચાંપી દીધી. સ્વાતિ પણ જેવી આલિંગનમાં સમાઈ, તેને લાગ્યું જાણે કે ભારેખમ શરીર અને મન એકદમ પીંછા જેવાં હળવા થઈ ગયા હોય. આવી હૂંફથી તેના હૈયાને ગજબની શાતા મળી, આ આલીંગનની શીતળતામાં તેણે પપ્પાને ગુમાવ્યાની પીડા હળવી થયાનું અનુભવ્યું. અપેક્ષિતનાં આલિંગનમાં તેને પિતાના પ્રેમની સાથે એક મિત્રનાં સ્નેહની હુંફ પણ વરતાઈ રહી હતી.

સ્વાતિ થોડી સ્વસ્થ થવાનું લાગતાં અપેક્ષિતે તેને સોફા પર બેસાડી પોતે પાણી લઈ આવીને તેને પીવડાવ્યું. પોતાનાં હાથે કોફી બનાવીને બંનેએ સાથે કોફી પીધી. કોફી પીતાં પીતાં બંને એ તેના પિતાની પ્રાર્થના સભા કઈ રીતે અને ક્યાં ગોઠવવી એ પણ નક્કી કરી લીધું. સ્વાતિના પપ્પા લૌકિક કાર્યની વિરુદ્ધમાં હોવાથી બીજી કોઈ ઉત્તરક્રિયા ન કરવાનું બન્નેએ નક્કી કર્યું. બધું નક્કી થયાં બાદ અપેક્ષિતે પોતાનાં ક્લીગ્ઝને કોલ કરીને બીજા દિવસે સાંજે ચાર વાગે સોસાયટીમાં જ આવેલ સુરેશ્વર મંદિરે પ્રાર્થના સભાનું આયોજન કરેલ હોવાનું જણાવી દીધું. એવામાં શર્માજી પણ આવતાં તેમને પણ આ આયોજન વિશે જણાવ્યું સાથે આ વિશે સોસાયટીમાં બધાંને જાણ કરવા સૂચવ્યું. અપેક્ષિત અને શર્માજી બીજા દિવસે શું શું તૈયારી કરવી તેની ચર્ચા કરતાં હતાં એ બધામાં સ્વાતિ ફક્ત હકાર જ ભણતી રહી. ચર્ચા થઈ ગયા બાદ શર્માજી પણ રજા લઈને ઘરે જતાં રહ્યાં.

અપેક્ષિત ક્યારથી જોઈ રહ્યો હતો કે સ્વાતિનું મગજ સતત વિચારશીલ હતું. તેનો રડમસ ચહેરો જોઈને અપેક્ષિતને ચિંતા થઈ રહી હતી. ચૌદવીના ચાંદની જેમ સદાય ખીલેલો રહેતો ચહેરો ગ્રહણ લાગ્યું હોય તેમ ઝંખવાઈ ગયેલો.

“સ્વાતિ હું આજની રાત તને એકલી રહેવા દેવા નથી માગતો, જો તને વાંધો ન હોય તો હું આજે અહીં જ તારા ફ્લેટ પર જ રોકાઈ જાઉં...”

“ઓહ....! થેંક યુ સો મચ અપેક્ષિત....હું પણ એ જ ઈચ્છતી હતી કે આજે તું પણ અહીં જ મારી પાસે રોકાઈ જા...પણ મારે કહેવાની પણ જરૂર ન પડી.... ધેટ્સ સો નાઈસ ઓફ યુ....થેન્ક્સ ફોર અન્ડર સ્ટેન્ડિંગ માય ફીલિંગ્સ સો વેલ...”

“સ્વાતિ....થેન્ક્સ કહીને આપણા સંબંધને ઉણો નહીં બનાવ પ્લીઝ.....જયારે હું એકલો પડી ગયેલો ત્યારે એક તું જ તો હતી જે સતત મારી સાથે રહીને મને હિમ્મત આપતી રહી અને મને એ બધી નિરાશાના તબક્કામાંથી બહાર કાઢ્યો. હવે જયારે તું એકલી છે, ઉદાસ છે ત્યારે હું તારી પડખે ન રહું તો મારી માણસાઈ ન લાજે..?”

સ્વાતિ કશું બોલી નહીં ફક્ત હકારમાં માથું ધુણાવ્યું અને ક્યાંય સુધી તે અપેક્ષિતને અપલક તાક્યા કરી. મનોમન આટલાં મેચ્યોર્ડ, લાગણીશીલ અને હેતસ્વી વ્યક્તિને પોતાની પડખે હોવાનું અનુભવીને હરખાતી રહી. ત્યાં જ મીસીસ શર્મા બન્ને માટે જમવાનું લઈને આવ્યા. પહેલાં તો સ્વાતિએ આનાકાની કરી પરંતુ અપેક્ષિતની સમજાવટ અને આગ્રહને તે વધુ નકારી ન શકી. બંને એ સાથે થોડું જમી લીધું. સ્વાતિ સવારે વહેલી જાગી હોય તેમજ બહુ રડવાથી તેની આંખો એકદમ ભારે થઈ ગયેલી અને ઉંઘ પણ બહુ આવતી હોવાનું જણાતાં અપેક્ષિતે સુઈ જવા માટે કહ્યું. અપેક્ષિતે બેડરૂમમાં જઈને સ્વાતિનો બેડ સરખો કરી આપ્યો. સ્વાતિને સુવડાવી તેણે ચાદર ઓઢાળીને તેનો હાથ પોતાનાં હાથમાં લઈને હળવેથી દબાવ્યો. પછી નાઈટ લેમ્પ સિવાયની લાઈટ્સ ઓફ કરીને પોતે પણ હોલમાં આવીને સુતો. સ્વાતિ સુતાં સુતાં અપેક્ષિતે આજે જે રીતે બધું મેનેજ કર્યું તે વિશે વિચારો કરતી રહી અને તે બદલ મનોમન અપેક્ષિતનો આભાર માનતી રહી. અપેક્ષિત પણ આ જ બધાં વિચારો સાથે સુવાની કોશિષ કરતો રહ્યો. બીજા દિવસે પ્રાર્થના સભાની તૈયારી કરવાનું વિચારતા ક્યારે ઉંઘ ચડી ગઈ તેનો તેને પણ ખ્યાલ ન રહ્યો.

એક લાંબા અને દુઃખદ દિવસનાં અંત પછી ઘણીવાર બીજો દિવસ કોઈકને કોઈક આનંદના સમાચાર લઈને આવતો હોય છે. આગલા દિવસનાં થાકથી સ્વાતિ અને અપેક્ષિત બંનેની ઉંઘ સવારે થોડી મોડી જ ઉડી. બંને ફ્રેશ થઈને સાથે ચા-નાસ્તો કર્યો. આગલા દિવસ કરતાં સ્વાતિ આજે થોડી સ્વસ્થ લગતી હતી.

“હાઉ આર યુ ફીલીંગ નાઉ...?”

“હ્મ્મ્મ....બેટર...કાલે તું નહીં હોત તો હું પૂરી રીતે ભાંગી પડી હોત અપેક્ષિત...થેન્ક્સ ફોર બીઈંગ ધેર ફોર મી..”

“હેય....પ્લીઝ કીપ ધિઝ વર્ડ અવે ઈન આર રીલેશન....આઈ એમ એન્ડ આઈ ઓલવેય્ઝ વિલ બી ધેર ફોર યુ...” અપેક્ષિતે સ્વાતિનો હાથ પોતાનાં બંને હાથ વચ્ચે લઈને દબાવતાં કહ્યું.

“હું કેટલી ભાગ્યશાળી છું અપેક્ષિત કે તું મારી સાથે છે. યુ આર રીઅલી એ જેમ માય ડીઅર, આઈ એમ રીઅલી ગ્લેડ ધેટ યુ આર ઈન માય લાઈફ. ”

“બસ બસ હવે મને બહુ ફુલાવ નહીં બાકી હું ફૂટી જઈશ...” કહેતાં બન્ને હસી પડ્યા. અપેક્ષિત પ્રેમ ભરી નજરે સ્વાતિને જોઈ રહ્યો અને મનોમન તેને હસાવી શક્યાનો સંતોષ અનુભવી રહ્યો.

મંગલમ હાઉસિંગ સોસાયટીના સપ્તકોણ આકારમાં ૭ માળના ૭ ટાવરની વચ્ચોવચ ગાર્ડન તેમજ ચિલ્ડ્રન પ્લેયિંગ એરીઆ આવેલો હતો. મેઈન ગેઈટની ડાબી બાજુ સુરેશ્વર મંદિરનું વિશાળ પટાંગણ(મુંબઈના પ્રમાણમાં વિશાળ કહી શકાય) આવેલું હતું. પટાંગણમાં દાખલ થતાં જ સપ્રમાણ કટિંગ કરેલી ગ્રીન લોન વાળો આગળનો ખુલ્લો ભાગ, સામે જ મધ્યમ આકારનું સુરેશ્વર મંદિર આવેલું હતું. મંદિરની દીવાલો તેમજ ફલોરિંગ મકરાણાનાં સફેદ મિરર પોલીશ્ડ માર્બલથી સુશોભિત હતું. શિખરના ભાગે પણ ગ્લેઝ ટાઈલ્સના રંગબેરંગી ટુકડાઓથી અફલાતુન ડીઝાઈનીંગ કરેલું, જેમાં, ઓમ, ત્રિશુલ, કળશની ભાત ઉપસાવેલી હતી. મંદીરના પગથીયા ચડતાં જ પહેલો સત્સંગ માટે હોલ હતો. જેમાં સામેની બાજુએ શિવ પરિવાર, અંબાજી તેમજ રામ પરિવારની મૂર્તિઓ એક લાઈનમાં સ્થાપિત કરેલી હતી. જમણી બાજુ આગળ જતાં મુખ્ય મંદિર આવતું જેની બંને બાજુ ગણપતિ અને હનુમાનજીની નાની મૂર્તિઓ સ્થાપિત કરેલી હતી. વચ્ચેના ભાગે નંદી તેમજ કુર્મની પ્રતિમાઓ આવેલી હતી. નિજ મંદિરમાં દાખલ થતાં જ શિવજીની આહલાદક અનુભૂતિ કરાવતી અઢી ફૂટ ઉંચી ગ્રેનાઈટની શિવલિંગ આવેલી હતી. નિજ મંદિર સતત ‘ઓમ નમ: શિવાય’નાં મંત્રોથી ગુંજતું રહેતું.

જ્યાં દર્શન કરતાં જ મન અને આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થતી એવા જ સુરેશ્વર મંદિરના સાનિધ્યમાં આગળનાં સત્સંગ હોલમાં સામેની બાજુએ એક નાના મેજ પર સ્વાતિના પપ્પાનો તાજા ગુલાબનો હાર ચડાવેલો ફોટો રાખવામાં આવેલો. જેની આસપાસ સુખડ અગરબત્તી પ્રદીપ્ત હોવાથી વાતાવરણમાં એક પવિત્ર સુવાસ અનુભવાઈ રહી હતી. ફોટો આગળ થાળીમાં ગુલાબ અને થોડાં ફૂલો રાખેલાં જેમાંથી પ્રાર્થના સભામાં આવતાં લોકો ફૂલ લઈને સ્વાતિના પપ્પાના ફોટો પર ચડાવીને પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતાં. ફોટોની બાજુમાં જ સ્વાતિ બેઠેલી અને તેની બાજુમાં અપેક્ષિત બેઠો હતો. ફોટોની બીજી બાજુ પંડિતજીએ સ્થાન ગ્રહણ કરેલું. “હે રામ...! હે રામ....! જગ મેં સાચો તેરો નામ......હે રામ....! હે રામ....!” પંડિતજીના મુખેથી બોલાતી રામધૂનને પ્રાર્થના સભામાં આવેલા બધાં જ લોકો એકસાથે ઝીલતાં હતાં જેના લીધે સુરેશ્વર મંદિરનું વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયેલું. લોકો આવતાં ગયાં, શ્રદ્ધાંજલિ આપીને રામધૂનમાં જોડાતા ગયા. સૌએ સાથે મળીને સ્વાતિના મૃત પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. સંધ્યા ટાણું થતાં બધાં પોતપોતાનાં સ્વસ્થાને જવા માટે એક પછી એક છુટા પડવા લાગ્યાં. સ્વાતિ, અપેક્ષિત, શર્માજી અને મીસીસ શર્મા પણ બધું સમેટીને તેમજ દીવો મંદિરે મૂકીને ફ્લેટ પર પરત ફર્યા.

મીસીસ શર્માએ ચારેય માટે કોફી બનાવી. કોફી પીધાં પછી શર્મા દંપતી પોતાનાં ફ્લેટ પર ગયું અને ફરી એકવાર અપેક્ષિત અને સ્વાતિ જ ફ્લેટ પર એકલાં રહી ગયા. સ્વાતિ ક્યારથી અવલોકન કરતી હતી કે અપેક્ષિતનાં મનમાં કંઈક વિચારો ચાલુ હતાં. હવે એકાંત મળતાં અચકાતાં અચકાતાં તેણે અપેક્ષિતને પૂછ્યું,

“ક્યારનો શું વિચારે છે અપેક્ષિત....? કેમ આટલો સીરીયસ થઈ ગયો છે...?”

અપેક્ષિતના ચહેરાં પર થોડી વધુ ગંભીર રેખાઓ ઉપસી આવી,

“સ્વાતિ, મને ખબર છે કે કદાચ આ સાચો સમય નથી આવી વાત કરવાનો....હવે હું કહું જે કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તને થોડું દુઃખ પણ થાય......બટ....”

“સ્ટોપ મેકિંગ પઝલ્સ અપેક્ષિત. પ્લીઝ ટેલ વ્હોટએવર યુ વોન્ટ.....”

સ્વાતિના ભવા પૂરી રીતે તણાઈ ગયેલાં, તેણે અત્યંત ચિંતાતુર સ્વરે અપેક્ષિતને કહ્યું.

“સ્વાતિ, આઈ વોન્ટેડ ટુ ટેલ યુ ધેટ, વ્હોટ ઈફ આઈ વુડ નો લોન્ગર બી યોર ફ્રેન્ડ...? હવે હું તારો ફ્રેન્ડ ન રહું તો....?”

અપેક્ષિતે અત્યંત ગંભીરતાથી પૂછેલા આ પ્રશ્નથી સ્વાતિ બરાડી ઉઠી.....

“વ્હોટ...? વ્હાય...?!!!!!!!!!!!!!!!!”

(ક્રમશ:)

-આલોક ચટ્ટ

  • હવે અચાનક અપેક્ષિતને શું થયું..? તે કેમ આવી હવે સ્વાતિનો ફ્રેન્ડ નથી રહેવાં માગતો..? જાણવા માટે વાંચતા રહો પ્રેમ-અપ્રેમ.....