Jamo, Kamo ne Jetho - 21 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

મોજ – ૨૧. હોળી : ‘પ્રેમિત્રતા’નું મલ્ટીપ્લેક્સ

છેલ્લે એ મોજ કરી કે,

( ક્રિષ્નાનું ટુર માટે રજીસ્ટ્રેશન થયું – કન્ફર્મેશન માટે મારું ‘સ્કૂલ સર’ બનીને કૉલ કરવું – દરેક આ વાતથી અજાણ હોવા – મોજ મસ્તીનું ‘ટુ ડુ’ લિસ્ટ તૈયાર થવું – ગર્લ્સ ટુર બસમાં સ્થાન મળવું – મારી આગળની સીટમાં ક્રિષ્નાનું બેસવું – ગાંધીનગર અક્ષરધામ મંદિર મોબાઈલ સિમ કાર્ડની ફેરબદલ થયા પછી રાત્રે મહુડી ખાતે રોકાવું – ગરબાનું કાર્યક્રમનું એરેન્જમેન્ટ થવું – રાત્રે ફોન પર વાત કર્યા પછી મહુડીના મંદિરના ઓટલે રાત્રિના ચારેક વાગ્યા સુધી બેસવું – બીજે દિવસે સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં થઈને રાત્રે સાયન્સ સિટીની મુલાકાત થવી – લાઈફને લાસ્ટ અને બેસ્ટ ટુર પૂરી કરીને પાછા ફરવું )

ટુર પૂરી કરીને આવ્યા પછી લગભગ કેટલાયે અઠવાડિયાઓ સુધી તેનો હેંગઓવર રહ્યો. લગભગ બે અઠવાડિયા પછી બાયોલોજીના હેડ શાંતિલાલ સર દ્વારા ‘ટુર રિ-કેપ’નું પ્લાનિંગ થયું. ટુરની બેસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સને ફરી વાગોળવા માટે ક્લાસરૂમમાં TV ગોઠવીને ટુરમાં થયેલી વિડીયોગ્રાફી બતાવવામાં આવી. પોતપોતાની અવનવી અને એમ્બેરેસિંગ પરિસ્થિતિમાં કેપ્ચર થયેલ વિડીયો જોઇને બધા હસ્યાં. અદભૂત વાત એ બની કે, એ વિડીયોમાં હું અને ક્રિષ્ના એકબીજા તરફ નજર કરતા પકડાઈ ગયા.

થોડા દિવસોમાં એક પ્લાન બન્યો. દિવાળી નજીક આવી રહી હતી. એકાદ-બે અઠવાડિયાની જ રાહ હતી. એ સમયે રણબીર કપૂર અને કેટરિનાનું નવું મુવી આવી રહ્યું હતું – અજબ પ્રેમ કી ગજબ કહાની. હું કદી સિટીમાં ગયો નહોતો. સુરત સિટીમાં થિયેટર અને મલ્ટીપ્લેક્સનો કોન્સેપ્ટ જ ખબર નહોતો. એ સમયે માત્ર એટલી જ ખબર હતી કે, વિડીયોમાં મુવી જોવા જવાય. વૈશાલી વડાપાવ વાળા રસ્તે આગળ ‘સવાણી’ નામે ઓળખ ધરાવતા વિસ્તારમાં આવેલ હિરા-ઉદ્યોગ ધરાવતી ઓફિસો પાસે અનેક નાના વિડિયોઝ રહેલા હતા. અમુક જ લાઈસન્સ ધરાવતા વિડીયો હોય, બાકીના દરેક ઈ-લિગલ ચાલતા હોય. અમુકમાં બહાર હિંદી કે સાઉથના મુવીનું પોસ્ટર લગાવેલું હોય અને અંદર પોર્ન મુવીઝ ચલાવાતા હોય. માત્ર દસથી પંદર રૂપિયાના ટિકિટમાં કલાકથી બે કલાક સુધીનું મુવી જોવા મળે. આ વિસ્તારમાં માત્ર જેન્ટ્સ જ જોવા મળે. ત્યાં બીડી-સિગરેટોના કશ ફૂંકાતા હોય. કોઈક શીંગ કે ચણાની લારી હોય. ભૂંગળા-બટેટાના ખુમચાઓ જોવા મળે. ઇંગ્લિશ મુવીઝના ઘરેરાટીભર્યા અવાજો છેક બહાર સુધી આવતા હોય. કોઈ હોલિવુડ હિરોઈનનો સેક્સ અપીલિંગ ફોટો વિડીયોની બહાર મૂકવામાં આવે. તેથી મોટાભાગના લોકો આકર્ષાઈને ટિકિટો ખરીદે. અમુક ભળતા-સળતા નામથી જાણે પોતાનો વિડીયો ઇન્ટરનેશનલ મલ્ટીપ્લેક્સ હોય તેવું બતાવે. ક્યાંક HD-Cam ક્લિયારીટી ધરાવતી મુવી પ્રિન્ટ માત્ર દસ કે પંદર રૂપિયામાં બતાવવામાં આવતી. ‘રેડ મિર્ચી’, ‘સિટી ગોલ્ડ’, ‘સિટી પલ્સ’, ‘ચાઇનીઝ ડ્રેગન’, ‘સાઉથ હિટ્સ’ જેવા વિડિયોઝના નામ હોય. દરેકમાં એક જ સ્ક્રીન હોય એટલે ત્રણ-ત્રણ કલાકે એક શો હોય. નવ-બાર-ત્રણ-છ વાગ્યાના શોઝ ફિક્સ જ હોય. મુવી ટિકિટ લો એટલે આગળનો શો છૂટે તેની રાહ જોવાની. આગળનો શો છૂટે એટલે તરત જ તેમને પ્રશ્નો પૂછવામાં આવે.

કેવું છે ? મજા આવે એવું છે કે ?

ગઈ વખતે તો ચાલીસ વાળી ટિકિટ લઈને બાલ્કનીમાં બેસીને જોયું હતું, કંટાળો લાવી દીધેલો.

ડોફોભાઈ જેવું ના હોય તો સારું !

જો કે આ ફેર હોફિસે રાજ્યો કે’તો ‘તો કે અક્ષેય કુમારિયા એ મોઝ પડાવી દીધી સે !

અને, સામે છેડે શો માંથી છૂટતા વ્યક્તિઓને પણ એવું જ સેન્સર ફીટ હોય કે બહાર જે માણસને જુએ તેને મુવી રિવ્યુ કહેવા જ માંડે. છેવટે, અંદર જવાનું થાય ત્યારે ઘોર અંધારામાં સીટ શોધીને બેસવાનું. એક માણસ દરેક શો માં ગુલાબનો સ્પ્રે છાંટીને જાય. RMD અને વિમલની સુગંધને દૂર કરવા માટે એ જરૂરી હોય. બહાર ચેક કરવા છતાં ન પકડાયેલ ઇનર પોકેટમાં છુપાવીને રાખેલા મસાલાઓ ખુલે. વળી, પ્રમાણિકતા એ હોય એ આજુબાજુવાળાને પણ એ મસાલાના શેરિંગ માટે પૂછવામાં આવે. શરૂઆતમાં બબુલ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મુકેશ હરાણે (સિગરેટ-બીડી-તમાકુ)ની એડ આવે. ત્યારે કૉમેડી ફેક્ટર શરુ થાય. AC ધીમું હોય, સ્પિકર ઘરેરાટી બોલાવતું હોય કે પછી લાઈટ ચાલુ હોય તો તેને ઊંચા અવાજે એક પછી એક કૉરસમાં બોલીને પરિસ્થિતિ ઠીક કરવી એ આવડત હોય.

“હમણા ઓલો બબુલ વાળો બાબલો આવશે. ડોફો દર ફેરી પોગી જાય. સીધીનું પિચ્ચર ચાલુ કરવામાં એના બાપને બળ પડે.”

“આંય કામ છોડીને આવ્યા હોયી, ને આ મુકો (મુકેશ હરાણે) સિગરેટ-તમાકુની કરતો હોય. એને હું ખબર પડે ? ઈ મરી ગ્યો તે ડોફો મું હોતી મરી જવાનો ? શેઠ દાદો રાડ્યું નાખશે. ઓલ ફેરી ગ્યા અઠવાડિયે જ પિચ્ચર જોવા ગ્યો ઈ એને આઝે ય યાદ સે !”

ત્યાં જ જન...ગણ...મન શરુ થાય. એકમાત્ર રાષ્ટ્રગીતમાં દરેક વ્યક્તિ પૂરા સન્માન સાથે ઉભો થાય અને તેને કૉમેડીરહિત બનાવે. મુવી શરુ થાય એટલે તરત અમુક અવાજો નીકળે.

“AC ફાસ્સ કર. પૂરા શાળીસ રૂપિયા આપ્યા છે. અવ્વાજ વધાર. એ ય, ટોપા ! લાઈટિયું બંધ કર.”

મુવી શરુ થાય એટલે અવાજ ધીરે-ધીરે બંધ થાય. પરંતુ, મૂળ મજા ત્યારે આવે જયારે હિરો રડતો હોય. હિરો રડે એટલે તરત જ કોઈક બોલે, ‘બાયલીનો ! આંય રફ નો મળે, શેઠ કાઢી મૂકે તોય ઘર હાંકીયી શી ! આ માળો બેટો એક સોડી નો મળી એમાં રોદણાં રોવે છે. અમારેય શેરીયુંમાં કેટલીયે સોડીઓ જોડે હાલતું તું ! આ ઓહો ના આંય બાપાનું માનીને ભાડાના ઘર હાંકવા માંડ્યા ને !”

કિસિંગ સીન આવે એટલે તરત કોઈક કોમેન્ટ પાસ કરે, “એ લાગી પડ્યા. લે-લે થોડીક વાર ! એમ થોડું હાલે ? લ્યો, ઇંગ્લિશ પિચ્ચરમાં તો ઠેઠ હુંધી પોગી જાય. કાલ શેરીવાળો ભૂરિયો બ્રેડ પીટરીયાનું ફિલમ લઇ આવ્યો તો ! એની મા ને ઈ ઓલી એન્ઝલીના ઝોલી ભેગું જે કાઈ લાગી પડે છે, ગજ્જબ બાપુ ગજ્જબ.”

એટલામાં જ કોઈક આને સંબોધીને બોલે, “મૂંગો મર ટોપા ! અમને જોવા દે ફિલમ, તારે નો જોવું હોય તો હાલ્તીનો થા.”

જયારે-જયારે ગીત આવે ત્યારે બધા જ ઉભા થઈને બહાર નાસ્તો લેવા જાય. રજનીગંધા, વિમલ અને ૧૩૫ના મસાલાના પાર્સલ લેવા માટે બધા દોડે. રોમેન્ટિક ગીત સાંભળવામાં કોઈને રસ ન હોય. ઇન્ટરવલ પડે ત્યારે ભૂંગળા-બટેટા અને સમોસા વેચનારા ફેરિયાઓ બૂમાબૂમ કરી મુકે. છેલ્લે, મૂવીનું આઈટમ સોંગ પૂરું ન થાય ત્યાં સુધી બધા બેસી રહે.

બસ, આ જ પ્રકારે મેં વિડીયોમાં પિકચરો જોયા હતા. મેં કદી પણ મલ્ટીપ્લેક્સમાં મુવી નહોતું જોયું. જે ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સના કહેવા મુજબ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જોવાનું નક્કી કર્યું. મારી પાસે ટુ-વ્હિલર નહોતું કે નહોતા પૈસા ! ટિકિટ કેટલી હોય તે પણ ખ્યાલ નહોતો. મને એમ હતું કે અહી જો વિડીયોમાં મેક્સિમમ ચાલીસ રૂપિયા ટિકિટ હોય તો મલ્ટીપ્લેક્સ થિએટરમાં વધી-વધીને સિત્તેર-એસી રૂપિયા હશે. તેથી મેં ખિસ્સામાં બસ્સો રૂપિયા મુક્યા. ઘરે અર્ધ-સત્ય બોલીને પાપમાં ન પડવું તે મારો નિયમ હતો. હું હંમેશા એમ કહેતો કે, ‘પિક્ચર જોવા જાઉં છું.’ કોની સાથે ? આ પ્રશ્નનો ઉત્તર ન આપતો. તેથી ખોટું ન બોલવું પડે. સિટીમાં જવા માટે સ્ટેશન થઈને જવાનું હોય એટલી જ ખબર હતી. બાકી બધું ડ્રાઈવર પર છોડી દીધું. છેવટે, પીપલોદ પાસેના રાજહંસ મલ્ટીપ્લેક્સમાં ગાડી ઉભી રહી. આટલું મોટું પાર્કિંગ મેં આજ સુધી કદી નહોતું જોયું. મોટું બિલ્ડિંગ, મુવીઝના મોટા બેનર્સ અને ટિકિટબારી પર લાંબી લાઈન. એકસો વીસ – ટિકિટનો ભાવ જોઇને મારી તો આંખોમાંથી ડોળા બહાર નીકળી ગયા. ત્રણ ગણો ભાવ હોય ? એ પણ અપરનો ભાવ ! બાલ્કનીનો ભાવ બસ્સો રૂપિયા. મારી પાસે ખિસ્સામાં મૂળ બસ્સો રૂપિયા હતા. મારી એકની જ ટિકિટ થાય તેવું હતું. ત્યાં એક નાટક જરૂરી હતું.

મારી સાથે જે મિત્ર હતો તેને મેં કહ્યું, “થોડું કામ છે. આ તરફ આવ તો દોસ્ત !”

“બોલ ને ! શું થયું ભાઈ ?” અમારી વાતો ચાલતી હતી. તેમાં ક્રિષ્ના અને તેની ફ્રેન્ડ્સથી અમે થોડા પાછળ રહી ગયા. ક્રિષ્ના એ પૂછ્યું, “શું થયું ? આવો છો ને ?”

“હા. એક કામ કરો ને ! ક્રિષ્ના, તમે ટિકિટ લઇ રાખો. અમે થોડીવારમાં જ આવીએ છીએ.” હવે, બીજું નાટક એ કરવાનું હતું કે મારી સાથે જે છોકરો હતો, જે ક્રિષ્નાની કોઈક ફ્રેન્ડનો બોયફ્રેન્ડ હતો. તેને પણ ખબર ન પડવી જોઈએ કે મારી પાસે પૈસા નથી. મેં કહ્યું, “દોસ્ત, અહી વોશરૂમ ક્યાં હશે ?”

“ચાલ ને, વોચમેનને પૂછી લઈએ.”

આ બીજું નાટક પણ સકસેસફૂલ રહ્યું. ટિકિટ પણ લેવાઈ ગઈ અને કોઈને ખબર પણ ન પડી. હવે આરામથી મુવી જોઈ શકાય તેવા સંજોગો ઉભા થયા. અંતે, શાંતિથી ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જોયું. મુવી જોવા જઈએ ત્યારે હાથ પકડીને બેસવાનું હોય, વાતો કરવાની હોય એ કઈ અંદાજ જ નહોતો. હું તો આવડી મોટી સ્ક્રીન જોઇને પાગલ થઇ રહ્યો હતો. ફૂલ AC, ડોલ્બી સાઉન્ડ અને ફ્લેક્સિબલ સીટ્સ. જે માણસે અત્યાર સુધી વિડીયોમાં આગળની લાઈનમાં પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીને પિકચરો જોયા હોય તેમને માટે તો આ ‘ફ્રી ટ્રીટ’ હતી. હું અદ્દલ વિડીયોમાં જેવો રીતે મુવી જોતો, તે જ રીત જાળવી રાખી. તાળીઓ પાડવી, સિસોટીના અવાજ કરવા, કમેન્ટ્સ પાસ કરવી – આ બધું સામાન્ય થતું ગયું. ઇન્ટરવલ પછી ક્રિષ્નાએ કહ્યું, “તું અહી માત્ર મુવી જોવા જ આવ્યો છે ?”

એ હાથ પકડીને બાકીનું અડધું મુવી જોયા પછી હાથ જે રીતનો અકડાઈ ગયો હતો, તે મને સાંજ સુધી દુખ્યો. બાકીના અડધા મુવી જોવાની મારી મજાનો દુઃખદ અંત આવ્યો. છેલ્લી, કેટરિનાની રણબીરના ગાલ પરની કિસ પણ ન ગમી. શાંતિથી અવાજ કર્યા વિના પિક્ચર કેમ જોવું ? પરંતુ, મજા એ વાતની હતી કે ખિસ્સામાં રહેલા બસ્સો રૂપિયા ‘જૈસે થે’ જેવી પરિસ્થિતિમાં જ પડ્યા રહ્યા.

છતાં, એ પ્રોસેસમાં રહેવાની મજા આવતી હતી. સ્કૂલમાં એ વાતનો ગર્વ હતો કે – આપણે ય એક છે. લવ-સ્ટોરી મને સમજાઈ નહિ, પણ એ ઉંમરના તકાજે યોગ્ય હતું. લગભગ બે-એક મહિના પછી હોળી આવતી હતી. તેમાં મારી અને ક્રિષ્ના વચ્ચે એક બેટ લાગી હતી.

“કોણ કોણે પહેલા રંગ લગાવશે ?”

આ વાત પર અમે બંને અડગ હતા. જે જીતે તેને બીજા પાસે કઈ પણ માંગવાનું અને એ પનીશમેન્ટ પૂરી કરવાની ! હસતા-ખેલતા દિવસો પસાર થઇ રહ્યા હતા. સાયન્સમાં મહેનત કરવાની વધુ મજા આવી રહી હતી. હું તેની બાયોલોજીની જનરલની ફિગર ડ્રો કરી આપું અને તે મારું મેથ્સનું હોમવર્ક કરી આપે. છેવટે, હોળી-ધૂળેટી આવી ગઈ. સ્કૂલમાં તેની અંદરખાને તૈયારીઓ શરુ થવા માંડી.

લગભગ ૧૦ વાગ્યે રિસેસ પૂરી થાય. આ અડધો કલાક પાણીના ભરેલા ‘બહુ-લિટરીયા’ બોટલ્સને વોશરૂમમાં ગોઠવી દીધા હોય. અમુક કલર્સ ભેળવેલી બોટલ અમુક સિક્રેટ જગ્યાએ ગોઠવાઈ જાય. સવારે ૭ વાગ્યે વહેલા સ્કૂલે આવીને કલર્સની કોથળીઓનું સેટલમેન્ટ થઇ ચુક્યું હોય. આખો દિવસ એ વિચારમાં જાય કે ‘ચેકિંગ આવશે તો?’ એ ઉચાટમાં બૂટમાં સગતળીની નીચે ગોઠવેલી નાની કોથળીઓ બહાર આવવા અવાજો કરે. લૂઝ થઇ ગયેલ રબરના મોજાની અંદર પણ અમુક ‘પાક્કા કલર’ના પેકેટ્સ પડ્યા હોય. થેલાની અંદર રહેલી સિક્રેટ ચેઈનના ખાનામાં પણ અમુક વસ્તુઓ છુપાયેલી હોય. કોથળીઓ લાવતા બહુ ડર લાગતો. એ કોઈકના થેલામાંથી પકડાઈ તો? ટૂંકમાં, આખો દિવસ ટેન્શનમાં જાય. પણ, રિલેવંટલી એ જ ટેન્શનમાં કોઈક ખૂણે હોળી ખેલવાની અને રંગ લગાવવાનું ઈમેજીનેશન ચાલતું હોય.

આમ તો બોય્ઝને સ્કૂલમાં નાસ્તાનો ડબ્બો અને વોટરબેગ લઇ જવું હલકાપણું લાગે. વર્ષમાં એક જ દિવસ એવો હોય કે જયારે મોટાભાગના છોકરાઓ પાણીની બોટલ, વોટરબેગની અંદર કલરના પેકેટ્સ અને નાસ્તાના ડબ્બાઓ લઈને આવે.રોજ જે પાંચ રૂપિયાના શીંગ-દાણા કે સમોસા રિસેસમાં ખાતાં, એના બદલે સ્કૂલની બહાર લારી લઈને ઉભેલા ભાઈ પાસે ‘મારવાડી કલર’ની ડિમાન્ડ કરે. જાણે એના મનમાં એવું હશે કે ‘એવા કોઈક’ વ્યક્તિને એટલો પાક્કો રંગ લગાડું કે આવતા વર્ષ સુધી એ ય યાદ કરે. દરેક છોકરાના મનમાં એવી કોઈક છોકરી એવી રમતી જ હતી કે જેના ચહેરે રંગ લગાવવાનું ઐશ્વર્ય એ ભોગવી શકે.

એમાં પણ પેલીને આજે કલર લગાવવાની ઈચ્છા પ્રબળ બની હોય. ક્યારે સ્કુલ છૂટે અને ક્યારે હું મારા ચહેરા પર જાતે રંગ લગાવીને એને ખબર ના પડે તેમ રંગ લગાવીને ભાગી જાઉં, એનું પ્લાનિંગ ૮ પીરીયડ સુધી ચાલ્યા કરે. પણ કઈ આઈડિયા ના આવે. અંદરથી બરાબરનો અગ્નિ સળગતો હોય અને પેલીને કલર લગાવવાના અભરખા ચડ્યા હોય. કરવું શું? અને એમાં બેલ પડે.

પરંતુ, દર વર્ષે એ દિવસની શરૂઆતમાં જીવંત થતું અને સાડા બાર વાગ્યે ભીના કલર લગાવેલા હાથની હથેળીમાં અધૂરું રહી જતું. ખેર, આ દરેક વાતો વિચારવામાં પણ એટલો જ આનંદ આવતો.

કોને કોને રંગ લગાવીશું? કોણ ભાગી જવાનો છે? કોની કઈ જવાબદારી છે? બધું રમાઈ ગયા પછી વોશરૂમમાં કોઈ કલર્સ ભરેલી બોટલ તો પડી નથી રહી ને? આ બધું મગજમાં દોડતું હોય. મારા મગજમાં ક્રિષ્નાને રંગ કઈ રીતે લગાવવો તેનું પ્લાનિંગ થઇ ચુક્યું હતું.

લગભગ ૧૧ વાગે એટલે બધા ઊંચા-નીચા થવા લાગે. જે છોકરી થોડી ‘ઓવર-ટોકેટિવ’ હોય તેને હંમેશા એવું લાગ્યા કરતુ કે મને કોઈક છોકરો તો કલર લગાવશે જ, એટલે આજે છૂટીને તરત નીકળી જઈશ. જે છોકરો એવું વિચારતો હોય કે તેને હું જેને રંગ લગાવીશ એ જલદી ભાગી જશે, એટલે રાષ્ટ્રગીત પૂરું થાય ‘ને તરત જ નીચે જઈને હું રંગ લગાવી દઈશ. કોઈ છોકરી એવું વિચારે કે મને કોણ રંગ લગાવે? એના માટે પણ ખૂણામાંથી કોઈક છોકરો અંદરથી મનોમન બોલે, ‘હું છું જ ને ગાંડી...!’

ક્લાસનો કોઈ છોકરો તેને ગમતી કોઈ છોકરીને રંગ લગાવવામાં ‘પાસ’ થઇ જાય તો પછી બીજા દિવસથી એ બંનેનું ચાલુ. હોળીના દિવસે લાગેલો રંગ ‘વર્ચ્યુઅલી’ ગમે તેવો હોય, પણ ચડે તો અસ્સલ જ ! બીજા દિવસથી કોઈ નવી લવ-સ્ટોરી ક્લાસમાં શરુ થાય જ. જયારે અમારી તો લવ-સ્ટોરી ઓલરેડી ઉફાન પર જ હતી. બધા ધાડા ઉતરી પડે રસ્તા પર. બજરંગ દલ વાળાને કોઈ વાંધો જ ન હોય. એ તો એમની મોજ-મસ્તીમાં હોય. પણ, અમુક હોય ને આપણી જેવા, રંગ લગાવવાની ઈચ્છા ધરાવતા !

ક્રિષ્નાની બહેનપણી મિડીએટર બનીને ‘અપીલિંગ’ હાવભાવ સાથે આવી.

“કોણે શોધે છે ? ક્રિષ્ના ને ? એ જ જીતવાની છે.”

“હું શોધી લઈશ.”

છતાં, મનમાં હિન્ટ મળે તેવી ઈચ્છા હોય. અને તરત જ તેની ફ્રેન્ડ બોલી, “એ ત્યાં સ્કૂલની પાછળ છે. તેની એક્ટિવા પાસે ! જા, દોડ !”

હું તે સ્થળે ગયો. તે એકલી ગાડી પાસે ઉભી હતી. હું નજીક ગયો એટલે તે મને જોઈ ગઈ. મારી તકલીફ એ હતી કે, હું રંગ લગાવવા ગયો એ જ ભૂલી ગયો. પાગલપન જેવું કંઇક હતું, જે દર વખતે હરાવતું હતું. મીઠી હાર ! રંગ મને લાગ્યો ‘ને હું હાર્યો. એક્ટિવા સ્ટાર્ટ થઇ અને તેના પૈડા નીચે સઘળો ‘પ્રેમિત્રતા’નો રંગ રોળાતો ચાલ્યો.

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: