Kayo Love - Part - 20 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૨૦

કયો લવ ?

ભાગ (૨૦)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૦

ભાગ (૨૦)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૯ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૯) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!

પ્રિયાને, રોઝ નામની છોકરીને અહીં બાંધીને કેમ રાખવામાં આવી છે તેનું કારણ ખબર પડે છે...પ્રિયાને હજુ પણ રોબર્ટની વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું જણાતું હતું...રોબર્ટને મળીને આવ્યા બાદ, ચા ની લારીને ત્યાં પ્રિયાને રુદ્ર અને તેનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય મળે છે......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૯ જરૂર વાંચજો..)

હવે આગળ...........

આદિત્ય સમજી ના શક્યો કે તેની વાતથી પ્રિયાને ખોટું તો નથી લાગ્યું ને !! પણ પ્રિયા આવી તો નથી જ કે તેને આ બધી વાતોથી ખોટું લાગી જાય. પરંતુ પરિસ્થિતિ આજે વેગળી જ બની ગઈ હતી. પ્રિયાને હમણાં તો તે જગ્યેથી નીકળવું જ હતું.

તે રુદ્ર અને આદિત્યને બાય કહીને સોની અને રોનકને લઈને નીકળી જાય છે.

રુદ્ર આદિત્ય સામે સહેજ ખચકાતાં એટલું જ કહ્યું, “ આદિત્ય..!!”

“અરે શું ! મારી સામે તું કેમ એમ જોએ છે?” આદિત્યે મોટી આંખ દેખાડીને કહ્યું.

પ્રિયાને શું કહ્યું ? રૂદ્રે ફરી પૂછ્યું.

“અરે મેં કહ્યું કે રુદ્ર કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે...” આદિત્યે પોતાનો ચેહરો ગંભીર દેખાડતા કહ્યું.

રુદ્ર પોતાનાં મિત્ર આદિત્ય તરફ જોતો જ રહી ગયો. આદિત્ય દેખાવે સ્માર્ટ, હાઈટ રુદ્ર કરતા કમી હતી, અને ત્રિકોણ આકારની નાની દાઢીથી તે વધુ સ્માર્ટ દેખાતો હતો. તેના બંને ગાલ પર હસતી વેળા ઊંડા ડિમ્પલ પડતા હતાં. પણ સાથે જ તે નટખટ સ્વભાવનો હતો.

“આદિત્ય યાર મજાક નહિ, તને બધું જ ખબર છે ને પ્રિયા વિષે ..!! તો તને એ પણ ખબર હશે કે તેને મનાવવી કેટલી મુશ્કેલ છે, એ પણ મારા માટે...!!” રૂદ્રે નિસાસા નાંખતા કહ્યું.

રુદ્ર આવા સમયે પોતાનો દોસ્ત મજાક કરી રહ્યો છે એ પણ ના સમજી શક્યો.

“હા તો મને ખબર છે પ્રિયા વિષે, એટલે જ પ્રિયાને કહ્યું કે, રુદ્ર તમને ઘણો ચાહે છે અને તમારી સાથે જ લગ્ન કરવા માંગે છે.” આદિત્ય યાદ કરતા કહી ગયો.

“ચલ છોડ હવે ચા પી લઈએ, એને પૂછી લઈશ ફોન પર...” રુદ્ર થોડો નારાજ પછી સ્વસ્થ થતાં કહ્યું.

“રુદ્ર નારાજ નહિ થા, કદાચ સાચ્ચે જ એને જલ્દી જવું હતું...તું વાત કરી લેજે નિરાંતે ફોન પર...આ છોકરીઓને સમજવાનું.....અને સમજાવાનું આ જ બે ફક્ત કામ હોય છોકરાઓને....”આદિત્ય બડબડવા લાગ્યો.

“ચાલ હવે ચા ગટગટાવીએ....પણ તું પણ હમણાં કોઈ ગર્લફ્રેન્ડ કે છોકરી જોતો નહી, કે કોઈ લફરા કરતો નહિ. શું સમજ્યો..” રૂદ્રે મજાક કરતા કહ્યું.

બીજી તરફ સોની પ્રિયા અને રોનક પોતપોતાનાં ઘરે રવાના થઈ ગયા હતાં. સોની હજુ પણ એવી જ નારાજ હતી. પ્રિયા જાણતી હતી કે સોનીને સમજાવીશ તો પણ તે હમણાં એવું કંઈ સમજશે નહિ તેથી પ્રિયાએ સોનીને ચોખ્ખું જ કહી દીધું ઘરે પહોંચતા જ, “ સોની આ વાતની કોઈને ખબર પાડતી નહિ, અને હમણાં હું આ વાતને લઈને કોઈ બહસ પણ છેડવા માગતી નથી, હા આ વાત પર ચર્ચા કરીશું પણ તારા બર્થડે બાદ...બોલ પાર્ટીનું શું અરેંજમેન્ટ કરવાની છે..?”

સોનીને લાગ્યું જ કે પ્રિયા તેને મનાવવાની કોશિશ જરૂર કરશે. સોની ટટ્ટાર થઈને ફક્ત ઊભી રહી.

પ્રિયાએ ફરી જણાવ્યું, “ અચ્છા સાંભળ, તારી બર્થડે પાર્ટી આ વખતે મારા ઘરમાં રાખજે, બીકોઝ આ સન્ડે ઘરમાં કોઈ ન હશે. મોમ ડેડ બંને બહાર જવાના છે અને સૌમ્ય બ્રો તો કામનાં સિલસિલામાં બહાર જ રહે છે....તો બોલ શું પ્લાન છે તારો..? તું બસ હા બોલી દે બાકી હું બધું જ અરેન્જ કરી લઈશ.”

સોની, પ્રિયાને ચુપચાપ જોવા લાગી.

શું વિચારે છે યાર...?? અરે યાર એટલું વધારે વિચાર નહિ કર, કારણકે હું આપણા ગ્રુપના ફ્રેન્ડ્સ સાથે રુદ્ર અને એના ફ્રેન્ડ આદિત્યને પણ તારા બર્થડે પાર્ટી માટે ઈનવાઈટ કરી રહી છું, કેમ કે તેમને બંનેને ખોટું તો લાગ્યું જ હશે કે હું તેમની સાથે સારી રીતે વાત કરી ન શકી....ત્યાં મને રોબર્ટ.....” આટલું જ કહીને પ્રિયા ચૂપ થઈ ગઈ.

“હા પણ રુદ્ર અને આદિત્ય આવશે..??” સોનીએ એટલું જ પૂછ્યું.

“આવશે તો સારુ, પણ તને કમ્ફર્ટેબલ લાગશે ને? કેમ કે મને તો બધું જ ફાવે..” પ્રિયાએ એક આંખ મારતા કહ્યું.

“ઠીક છે...તારા ઘરે પાર્ટી...બધાને બોલાવી લેજે...” નારાજ થયેલી સોની ધીરે ધીરે એક એક શબ્દ પોતાનાં મોઢામાંથી કહેવાં લાગી.

“યારા...જાન... સોનિયા...એક સ્માઈલ તો આપી દે લાંબી...” પ્રિયા લાડમાં આવીને સોનીને કહેવાં લાગી.

પ્રિયા બિન્દાસ તો છોકરી હતી પરંતુ તે દોસ્તોને ક્યારે પણ નારાજ કે દુઃખી થવા દેતી નહિ. તે દોસ્તો પર પોતાનો જાન ન્યોછાવર કરી દેતી હતી. હા તે કડક થઈ જતી, ગુસ્સે થઈ જતી, નારાજ પણ થઈ જતી, પણ જ્યાં તેને થવાનું હોય ત્યાં તે કોઈક વાર, કારણ કે બીના કારણ પણ થઈ જતી, પણ દિલની એકદમ સાફ હતી.

“લવ યુ યારા..” સોની પણ એવી જ અદામાં પ્રિયાને કહી દીધુ, અને મોટી સ્માઈલ આપી દીધી.

“આહ્હ્હા...આ ખંજન પર જ તો રોનક પણ ફિદા થઈ ગયો હશે નહી..? પ્રિયાએ પણ હસતાં કહ્યું.

સોનીને જમણા ગાલ પર નાનું પરંતુ ઊંડું ખંજન પડતું હતું જે કોઈને પણ મોહિત કરી દેતું.

અને એ દિવસ આવી જ ગયો. પ્રિયાએ સોનીના બર્થ ડે માટે સારું એવું અરેંજમેન્ટ કરી રાખ્યું હતું, આમ તો સોનીનો જ બર્થ ડે હતો પરંતુ પ્રિયા આવા બધા કામમાં પહેલાથી જ હોશિયાર હતી એમાં પણ એણી બેસ્ટ યારા સોનીનો બર્થડે એટલે કહેવાનું જ શું!! આમ તો પ્રિયા અને સોનીએ કોલેજનાં ગ્રુપને ત્રણ ચાર દિવસ પહેલા જ કહી રાખ્યું હતું કે આજે સાંજે ચાર વાગ્યે પ્રિયાનાં ઘરે સોનીની બર્થડે પાર્ટી રાખી છે તેથી ગ્રૂપનાં બધા જ ફ્રેન્ડ ઉપસ્થિત હતાં. એમાં કાયા,અક્ષય,કોમલ અને વિનીતે તો આવતાવેંત જ ધમાલ મચાવી નાંખી હતી. અને વિનીત તો આ મોકો છોડવા જ માગતો ન હતો તેથી તે વધારે કરીને પ્રિયા સાથે મસ્તી કરી રહ્યો હતો.

બધા જ ફ્રેન્ડો આવી ગયા હતાં સિવાય રોનક, રુદ્ર અને રુદ્રનો બેસ્ટ ફ્રેન્ડ આદિત્ય...

સોની આજે ઘણી ખુબસુરત લાગી રહી હતી. અનારકલીનો સફેદ રંગનો ડ્રેસ અને નીચે ઘેરાવમાં અલગ અલગ રંગની પાતળી પટ્ટીઓ સારી લાગી રહી હતી જેમાં ગોલ્ડન પછી ઓરેન્જ પછી પિંક પછી પાછો ગોલ્ડન, જે આંખને સારા લાગે એવાં કલરો દેખાતાં હતાં.

પ્રિયા સોનીને કહેવાં લાગી, “ યાર રોનક કેમ મોડો પડી ગયો ? લાગે આખુ ગિફ્ટનું શોપ ખરીદીને લાવાનો છે...અરે યાર કોલ કરીને પૂછ તો..”

ત્યાં જ રુદ્ર અને આદિત્યની ઘરમાં એન્ટ્રી થઈ. પ્રિયાએ આવકાર આપ્યો. પ્રિયાએ, રુદ્ર અને આદિત્યને ગ્રુપના બધા ફ્રેન્ડ સાથે પરિચય કરાવ્યો. રુદ્ર અને વિનીત મળતાવેંત જ થોડા વિચલિત થયા અને થોડી વારમાં સ્વસ્થ થવા લાગ્યાં, કેમકે પહેલા પણ બંનેની મુલાકાત થઈ હતી જેમાં બંને વચ્ચે લડવાનું થઈ ગયું હતું.

આદિત્ય અને રૂદ્રે, સોનીને બર્થ ડે વિશ કરીને ત્યાં જ એક ગિફ્ટનું બોક્ષ પણ આપી દે છે. પ્રિયાને હવે રોનક પર ઘણો ગુસ્સો આવવા લાગ્યો કારણકે એની પોતાની ગર્લફ્રેન્ડ સોનીનો બર્થ ડે એમાં પણ સમયસર કે સમયના પહેલા પણ પહોંચવાનું નામ નહિ.

ત્યાં જ સોંગ પણ ધીમું ધીમું ચાલી રહ્યું હતું પરંતુ વિનીત પોતાની મસ્તીમાંથી નીકળતો ન હતો તેને આ સોંગ લગાડી દીધું હતું અને મોટા અવાજમાં સોંગને પ્લે કરી દીધું. આ સોંગ હેટ સ્ટોરી ૩ મુવી નું આવી રીતે સંભળાતું હતું, “તુમ્હે અપના બનાને કા જુનુન....સર પર હે, કબ સે હે...મુજે આદત બના લો એક બુરી..કહેના યે તુમસે હે ...”

સોંગ તો સારું મજાનું વાગી રહ્યું હતું પણ વિનીતે વોલ્યુમ હાઈ પર રાખી પ્રિયાના ઘરમાં ઘોંઘાટ કરી દીધો હતો.

“એ વિનીત અવાજ ધીમો રાખ યાર રોનકને ફોન કરવો છે..” પ્રિયા ઘોંઘાટમાં બરાડા પાડતી કહી રહી હતી.

વિનીતે થોડું ધીમું વોલ્યુમ કર્યું.

ત્યાં જ પ્રિયા કોલ કરવા માંડે છે રોનકને, અને જાણવા મળ્યું કે, “ હા જલ્દી આવી રહ્યો છે.”

પ્રિયાનાં ઘરમાં કામ વાળી બાઈ હતી જ, પરંતુ આજે એમને વધારે સમય માટે રોકાવાનું કહ્યું હતું તેથી તે જ બધાને કોલ્ડ ડ્રીંક્સ, નાસ્તો આપી જતી હતી.

ત્યાં જ આદિત્ય હાથમાં કાચનો કોલ્ડ ડ્રીંક્સ વાળો ગ્લાસ લઈને, રુદ્રનાં કાનની નજદીક જઈને કહી રહ્યો હતો, “ભાભી તો બ્યુટીફૂલ છે જ, પણ ભાભીની બર્થડે ફ્રેન્ડ પણ સિમ્પલી બ્યુટીફૂલ છે, શું કહેવું છે તારું...ફ્રેન્ડશીપ કરવી છે મને યાર...”

“આદિત્ય પહેલા તો તું ભાભી કહેવાનું અહિયાં એટલીસ્ટ બંધ કર, અને ફ્રેન્ડશીપ કરવા નથી આવ્યા અહિયાં...પ્લીઝ તારી ફ્રેન્ડશીપવાળી નોટંકી બંધ કર.” રૂદ્રે તો આદિત્યના કાનમાં ધીરા સ્વરમાં ગુપસુપ કર્યો પરંતુ આદિત્યે તે સ્વર જાણે સાંભળ્યો જ ન હોય તેમ રુદ્રની વાતને હવામાં ઉડાવતા રોનકની રાહ જોઈ રહેલી સોની તરફ સરકી ગયો.

ત્યાં જ વચ્ચે પ્રિયા આવી ગઈ અને આદિત્યને કહેવા લાગી, “ આદિત્ય યાર સોરી, એ દિવસે અમે ઘણા મોડા પડી ગયા હતાં, એટલે વાત કરવાનો સમય ન મળ્યો, તમે સમજી ગયા હશો...હોપ તમને ખરાબ ન લાગ્યું હોય...”

અરે ભા.....આઈ મીન પ્રિયા મને ક્યાં ખરાબ લાગ્યું એ તો હું સમજી ગયો હતો કે તમને લેટ થયું હશે..બાકી ખરાબ લગાડવાનું કામ તો રુદ્ર કરે...” આદિત્ય મજાકમાં કહ્યું પણ અહિયાં પણ પોતાનાં દોસ્ત રુદ્રની ટાંગ ખેંચવાનું ચાલું જ રાખ્યું.

“હા તમે વાતો કરો..હું આવી..” સોની તરફ ઈશારો કરતા પ્રિયાએ કહ્યું અને ત્યાંથી કિચન તરફ વળી ગઈ.

રુદ્ર આવ્યો ત્યારથી પ્રિયાની તરફ જ તેની નજર ફરી રહી હતી, પણ સોનીના બર્થડેની તૈયારીમાં વ્યસ્ત પ્રિયા, રુદ્ર સામે એક નજરથી પણ જોઈ ના શકી. રુદ્રને વાત કરવું હતું પરંતુ એવો કોઈ મોકો અત્યારે મળી રહ્યો ન હતો.

થોડો ખોખારો ખાતા આદિત્યે સોનીને કહેવાં લાગ્યો, “ હેય બર્થડે ગર્લ લૂકિંગ બ્યુટીફૂલ...વન્સ અગેઈન હેપ્પી બર્થ ડે..આપણે પહેલા પણ મળી ચુક્યા છે રાઈટ.”

“થેંક યુ સો મચ...હા આપણે પહેલા મળી ચુક્યા છે, અને બીજું એમ કે, બ્યુટીફૂલ તો તમારા ભાભી છે, મિસ પ્રિયા..” સોનીએ મજાકમાં જવાબ આપ્યો.

“ઓહ રિયલી, તમે પણ પ્રિયાને..ભાભી....કહી દીધું...તો આપણી વાત તો ઘણી મળતી આવે છે, શું કહો છો? મને તમારો દોસ્ત બનાવશો?” આદિત્યે કંઈપણ સમજ્યા વગર તરજ જ સામે હાથ મેળવવા માટે હાથ લંબાવ્યો.

સોનીએ સામેથી હાથ ના મેળવતા આદિત્યે પોતાનો બંને હાથેથી કાચનો ગ્લાસ પકડીને ચુપચાપ ઊભો રહી ગયો.

સોનીએ સ્માઈલ આપતા કહ્યું, “ ના એવું નથી એ તો હું જ તમારા શબ્દ “ભાભી” રીપીટ કરી રહી છું.”

આદિત્યે સ્માઈલ આપતી સોનીના જમણા ગાલ પર પડતો ખંજન ને નોંધ કરી લીધો અને તરજ જ કહેવાં માંડ્યું, “ વાઉં!! તમારા ગાલે તો મારી જેમ જ ડિમ્પલ પડે છે. આ જુઓ તો મને પણ પડે છે..” આદિત્યે નાના બાળકની જેમ સ્માઈલ આપતા અને પોતાની નટખટતા દેખાડતા કહી રહ્યો હતો.

સોનીએ એટલું જ કહ્યું, “ હા તો..?”

ત્યાં જ આદિત્યે ફરી હાથ લંબાવ્યો, અને કહેવાં લાગ્યો, “ તો આપણે હવે વિલંબ કરવા વગર દોસ્ત બની જવું જોઈએ..યુ નો બંનેને ડિમ્પલ..” આદિત્યે ડાબી અને જમણી બાજું સહેજ પોતાનો ચેહરો ફરાવતા મોટી ડિમ્પલ વાળી સ્માઈલ આપતો કહેવાં લાગ્યો.

ત્યાં જ સોનીએ પણ આદિત્ય જેવો જ જવાબ આપ્યો, “ હા, તો...તો આપણે બંને ને વિલંબ કરવા વગર ભાઈ બહેન બની જવું જોઈએ.. યુ નો બંનેને ડિમ્પલ..” સોનીએ પણ આદિત્ય જેવો જ ચહેરો ફરાવતા સ્માઈલ આપતા કહ્યું.

એવામાં જ રોનકનો ઘરમાં પ્રવેશ થયો. સોનીની નજર તરત જ રોનક પર પડી અને બુમો મારવા લાગી, “ રોનક યાર, આજે પણ મોડું....ક્યારના બધા રાહ જોઈ રહ્યાં છે...જાણે તારો જ બર્થ ડે હોય એવી રીતે....” સોનીએ એક મહેણું મારી જ લીધું.

આદિત્ય આ જોઈ ત્યાંથી ખસીને ફરી રુદ્ર પાસે આવે છે, અને કોઈ ના સાંભળે એવી રીતે રુદ્રની નજદીક થોડો ખબાને ત્યાં ઝુકીને કહેવાં લાગ્યો, “ રુદ્ર દાણા નાંખી જોયા..પણ ફાયદો નથી થયો..”

“આદિત્ય યાર દાણાની વાત છોડ..આપણે બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા આવ્યા છે યાર...એન્જોય કરને...” રુદ્ર પણ દાંત ભીંસીને ધીમેથી કહેવાં લાગ્યો.

“હેય રુદ્ર પણ આ છોકરી ગમી ગઈ છે.” આદિત્ય ગંભીર થતાં કહ્યું.

આદિત્ય હેન્ડસમ અને ખુશાલ જીવન જીવવામાં માણતો હતો તે થોડો રમૂજી પણ હતો. સાથે જ જોબમાં વેલ સેટ હતો, ઘણી સ્ત્રી મિત્રો પણ હતી. પણ આજ સુધી તેને પોતાને જોઈએ એવી જીવનસંગીની મળી ન હતી.

“અરે યાર ચૂપ કર તું...” રૂદ્રે કહ્યું.

આદિત્ય હમેશાં મજાકનાં મૂડમાં જ રહેતો તેથી રૂદ્ર આદિત્યની ગંભીરતા સમજી ન શક્યો.

ત્યાં જ પ્રિયાએ સોંગ ચાલતું હતું તેને બંધ કરાવી લીધું. અને બધાને ભેગા થવા માટે કહ્યું, રોનક પણ એક બર્થડે કેક લાવ્યો હતો અને પ્રિયાએ પહેલાથી જ સજાવીને રાખ્યું હતું એમ બંને કેક સોનીએ કાપ્યું, તે સાથે જ બધા તાળીઓ વગાડી “હેપ્પી બર્થ ડે સોની....” નો સ્વર સૂરમાં લહેરાવા લાગ્યાં. સોનીએ પહેલો કેકનો ટુકડો પ્રિયાને અને બીજો રોનકને પછી વારા ફરતી બીજા બધા ફ્રેન્ડોને ખવડાવ્યો. બધાએ થોડું થોડું કેક સોનીના ગાલ પર પણ લગાવા માંડ્યું.

સોની પોતાનો ચેહરો સાફ કરવા માટે વોશ બેસીન તરફ જવા લાગી, એના પાછળ રોનક પણ જવા લાગ્યો. ત્યાં કોઈ પણ ઉભું ના હતું તેથી રોનકે પાછળથી જ સોનીના કેડની ફરતે પોતાનાં બંને હાથ વીંટળાવી દીધા. સોનીએ થોડું ડરના મારેલા આશ્ચર્યથી પાછળ ડોકું તાણતા જોયું અને કહ્યું, “ શું કરે છે રોનક યાર..એક તો તું લેટ આવ્યો..”

ત્યાં જ આટલું બોલતાની સાથે જ રોનકે સોનીને પોતાની તરફ વાળતા કહ્યું, “ માઈ સ્વીટ બેબ, યુ લુકીંગ ટુ બ્યુટીફૂલ...”

સોનીના બંને હાથ કેકનાં હોવાથી તે બંને મુઠ્ઠી વાળેલી રાખી હતી અને તે કહેવાં લાગી, “ હા થેંક યુ મને હાથ ધોવા દે યાર..”

રોનક આ વાત સાંભળતો નથી, અને સોનીને ફરી એટલા જોરથી પોતાની બાહોમાં ખેંચી લે છે કે તેના હોઠ પર હળવું ચુંબન કરી દે છે, અને તેની આંખમાં જોઈને હળવું સ્મિત રેલાવી ફરી ગાઢ ચુંબન કરવા માટે હોઠ સામે કરે છે.

ત્યાં જ સોનીએ રોકતા એટલું જ કહ્યું, “ રોનક નહિ, હમણાં નહિ..પ્લીઝ...”

ત્યાં જ આદિત્ય પણ કેક વાળા હાથ ધોવા માટે સામે ચાલતો આવતો હતો, તેની નજર નિહાળે છે કે રોનકે સોનીને પોતાની બાહુપાસમાં જકડી રાખી હતી.

(ક્રમશ: ...)