Ek patangiyane pankho aavi - 30 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 30

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 30

વ્રજેશ દવે “વેદ”

નીરજા અને વ્યોમા સોહરા જતી બસમાં ચડી ગયા. સોહરાની ટિકિટ પણ લઈ લીધી. બસ ચાલવા લાગી. શિલોંગ સિટિને ચિરતી બસ જઇ રહી હતી. બસમાં બહુ જ ઓછા લોકો હતા. બધા સ્થાનિક હોય તેવું લાગ્યું.

“કોઈ જાણીતું હોય તેવું નથી લાગતું.” વ્યોમાએ આખી બસમાં નજર કરીને કહ્યું.

“હા, લાગતું તો નથી. પણ કશું કહેવાય નહીં.” નીરજા જરા પણ ગાફેલ રહેવા નહોતી માંગતી.

“આંખ અને કાન ખુલ્લા રાખવાના છે.”

“યસ મેડમ.” અને નીરજા હસી પડી. તેના હાસ્યમાં પણ સાવધાની સ્પષ્ટ દેખાતી હતી.

12 થી 13 મિનિટ બાદ બસ સિટીને છોડીને ચાલવા લાગી, હાઇવે પર.

અચાનક વ્યોમા પોતાની સીટ પરથી ઉઠી. તેણે બસ ઊભી રાખવાની વિનંતી કરી. બસ રોકાઈ ગઈ. બંને પોતપોતાનો થેલો લઈ ઉતરી ગઈ. બસ આગળ નીકળી ગઈ. તેઓ બસને જતી જોઈ રહ્યા.

“સૌ પહેલાં આપણે આ મુખ્ય રસ્તો છોડી દેવો પડશે. પ્લાન મુજબ જંગલનો રસ્તો પકડી લઈએ.”

તેઓ હાઇવે છોડીને રસ્તાની જમણી તરફ કાચા રસ્તા તરફ વળી ગયા. તે રસ્તો ફાંગ નોંગલાઇટ પાર્ક પાસેથી પસાર થઈ જંગલ તરફ જતો હતો. દસેક મિનિટ ચાલ્યા બાદ જંગલની કેડી શરૂ થઈ ગઈ.

“લાગે છે કે આપણે પ્લાન મુજબ જ જઇ રહ્યા છીએ.” વ્યોમાનો હાથ પકડી નીરજાએ જોરથી દબાવ્યો.

“હા. કેવો સરસ પ્લાન બનાવ્યો છે તે.”

“સોનાને છેતરવા તે જરૂરી હતું.“

“આપણે અહીં પેલા વિડીયોમાં જોયેલા જંગલ, વાદળ. વરસાદ, પાણી, ધોધ, અવાજ વગેરેને અનુભવવા આવ્યા છીએ, કે કોઈ ષડયંત્રના ભાગ બનીને આવ્યા છીએ. કશું સમજાતું નથી.” વ્યોમાએ પૂછ્યું.

“એ હવે ભૂતકાળ બની ગયો છે. આપણે જે પ્લાન બનાવ્યો છે, તે પ્રમાણે તેઓ આપણને કદાચ ક્યારેય નહીં શોધી શકે.” અચાનક નીરજા ઊભી રહી ગઈ. તેણે મોબાઈલમાંથી નરેશે આપેલ સિમ કાર્ડ કાઢી નાંખ્યું. વ્યોમાએ પણ એમ જ કર્યું.

તેઓ હવે જંગલના રસ્તા પર હતા. ચારે તરફ લીલુછમ જંગલ પથરાયેલું હતું. સતત પડતાં વરસાદને લીધે તે ખૂબ જ હરિયાળું લાગતું હતું. જંગલનો રંગ ગાઢ લીલાશમાં ફેરવાઇ ગયો હતો. નાના નાના ઝરણાં પણ ક્યાંક ક્યાંક દેખાતા હતા.

બંનેએ પરસ્પર નજર કરી. નીરજાએ તેના હાથમાં નરેશે આપેલ સિમ કાર્ડ હતું, તેનો રસ્તાની એક તરફ ઘા કર્યો. વ્યોમાએ તેની નકલ ના કરી. તેણે દોડીને નીરજાએ ઘા કરેલ સિમ કાર્ડ લઈ લીધું.

“અરે, શું કરે છે તું?” નીરજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. વ્યોમા ખડખડાટ હસી અને સડસડાટ દોડી ગઈ દૂર દેખાતા સાવ નાના ઝરણાં પાસે. તેણે બંને સિમ કાર્ડને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દીધા. નીરજા તેને જોતી રહી.

તે સમજી ગઈ. વ્યોમાની ચાલને બરાબર સમજી ગઈ. પાણીમાં વહી ગયેલા સીમકાર્ડ હવે નરેશ માટે સાવ નકામા હતા. આ ગઈ કાલે નક્કી કરેલા પ્લાનની શરૂઆત હતી.

બન્નેએ પોતાના થેલામાંથી નવા સિમ કાર્ડ કાઢીને ફોનમાં લગાડી દીધા. અમદાવાદથી જ પ્લાન કરીને નવા સિમ કાર્ડ સાથે રાખ્યા હતા. તે નંબર માત્ર તેઓના માતા પિતા જ જાણતા હતા. બંને ફોન નવા સિમ કાર્ડથી ચાલુ થઈ ગયા.

“ચાલો હવે નરેશ, સોના કે મોહા કોઈ આપણો પીછો નહીં કરી શકે.” નીરજાએ નિરાંતનો એક શ્વાસ લીધો.

“આપણો પ્લાન આબાદ કામ કરી રહ્યો છે.”

“સોના એમ જ માની રહી છે, કે આપણે બસ દ્વારા સોહરા જઇ રહ્યા છીએ અને બે કલાકમાં તો ત્યાં પહોંચી જઈશું. પછી ત્યાંથી નોહ કલીકાઇ ધોધ જોઈને સોહરાની હોટેલ ઈશામાં આવી જઈશું.”

“હોટેલ ઈશાનો રૂમ નંબર 26 સોનાએ બૂક કરાવી રાખ્યો છે, આપણા નામે.” વ્યોમા લુચ્ચું હસી.

“પણ આપણે સોહરા પહોંચીશું જ નહીં. આપણે તો આ જંગલના રસ્તે પાંચ છ દિવસ બાદ સીધા જ નોહ કલિકાઇ ધોધ પર હોઈશું.”

“કેવી મજા પડશે, આ જંગલમાં ભૂલા પડવાની. જંગલમાં રખડવાની. ઝરણાંઓને, વરસાદને, રસ્તામાં આવતા નાના મોટા ધોધને, લોકોને, તેઓના જીવનને વગેરે માણવાની.” વ્યોમા હવે કુદરતના રંગે રંગાવા લાગી હતી.

“હજુ તું માને છે એમ ખતરો ટળી નથી ગયો. મને લાગે છે કે ખતરો વધી ગયો છે.”

“કેમ એવું લાગે છે?” વ્યોમાએ સંદેહ સાથે જિજ્ઞાસા બતાવી.

“તેઓના પ્લાન મુજબ આપણે ન તો સોહરા, કે ના તો નોહ કલિકાઇ પહોંચીશું. અને ન તો રૂમ નંબર 26, હોટેલ ઈશા પર પહોંચીશું.”

“બરાબર છે. તો?”

“વધુમાં આપણે નરેશના સીમકાર્ડ પણ ફેંકી દીધા છે.” નીરજા કહે જતી હતી.,” એટલે...”

“એટલે શું?” વ્યોમાએ અધીરાઇ બતાવી.

એકાદ કલાક જેટલું તેઓ ચાલી ગયા હતા. નીરજા એક ઝાડ નીચે બેસી ગઈ. વ્યોમા પણ બેસી ગઈ. ઠંડો પવન સ્પર્શી ગયો. થાક થોડો લાગ્યો હતો. પવનનો સ્પર્શ ગમવા લાગ્યો.

“તું બધું વિગતે કહે. શું વાત છે તે જલ્દી કહે.” વ્યોમા વ્યગ્ર હતી.

નીરજાએ નાસ્તો કાઢ્યો.

નાસ્તો કરતાં કરતાં તે બોલી,” સિમ કાર્ડ ફેંકી દેતાં નરેશ આપણો સંપર્ક નહીં કરી શકે, અને સમય પર હોટેલ પર કે ધોધ પર નહીં પહોંચીએ એટલે નરેશને ખબર પડી જશે, કે આપણે તેને હાથતાળી આપી છટકી ગયા છીએ. સીમકાર્ડ નું છેલ્લું લોકેશન તો તેને મળી જ જશે એટલે તે એ પણ જાણી જશે કે આપણે અહીં સુધી આવ્યા હતા.“

“તો? હવે?”

“એટલે તે આપણી શોધખોળ કરાવશે અને સમગ્ર જંગલમાં તેના માણસો અને કદાચ પોલીસ કે હવાઈ દળ આપણને શોધી કાઢવા પાછળ પડી જાય.”

“ઓહ, તો તો આપણે પકડાઈ જઈએ. તો પછી આપણો પ્લાન ફેલ થઈ જાય.”

“પકડાઈ જવાનો હવે ડર નથી. પણ આ જંગલને અને ધોધને પૂરેપૂરો માણી ના લઈએ ત્યાં સુધી હવે કોઈના ય હાથમાં નથી આવવું. એક વખત જે હેતુથી અહીં આવ્યા છીએ, તે પૂરો થઈ જાય, પછી જે થશે તે સ્વીકાર છે.” નીરજાએ પોતાના મનમાં રહેલો સંદેહ વ્યોમાને જણાવી દીધો.

“તો આ બધા વિચારો, તને કાલે રાત્રે જ્યારે પ્લાન બનાવતી હતી, ત્યારે નહોતા સુઝ્યા?”

“ના. હમણાં જ મારા મગજમાં તે આવ્યા.” નીરજાએ ભૂલ સ્વીકારતી હોય તેમ કાન પકડીને વ્યોમાને કહ્યું.

વ્યોમા નવા આવી પડેલા મુદ્દા પર વિચારવા લાગી. તેનું મન ઝડપથી વિકલ્પો વિચારવા લાગ્યું. છેલ્લા 24 કલાકમાં બનેલી ઘટનોએ તેના મનને લુચ્ચું અને તેજ બનાવી દીધું હતું. છેલ્લા 24 કલાકમાં કેટલું બધું બની ગયું હતું? અને દરેક ક્ષણ છળ અને કપટ લઈને આવતી હતી. તે છળ, કપટને કારણે જ વ્યોમા લુચ્ચું વિચારતી થઈ હતી.

“તો મારા મનમાં એક ઉપાય રમી રહ્યો છે.” વ્યોમાએ મૌન તોડ્યું.

“તો જલદીથી કહી દે.”

“બને ત્યાં સુધી ગામ કે શહેરથી દૂર રહેવાનુ. અને જંગલમાં જ ટ્રેક પર ચાલતા રહેવાનુ.”

“મતલબ, લોકોની નજરથી દૂર રહેવાનુ.”

“હા. અને જંગલથી નજીક.”

“અને જંગલમાં તો હશે પંખીઓ, પ્રાણીઓ, નદીઓ, ઝરણાંઓ, વહેતો પવન, લીલા ...” નીરજા જંગલના ખયાલોમાં ખોવાઈ ગઈ.

“જંગલમાં આ સિવાય પણ બીજું ઘણું હશે, તેનું પ્લાનિંગ હજુ બાકી છે, મેડમ નીરજા.” વ્યોમાએ ચપટી વગાડી નીરજાને ખયાલોની દુનિયામાંથી જગાડી.

“વ્યોમા, હવે શું છે? તું મને જંગલ સાથે કેમ પ્રેમ નથી કરવા દેવા માંગતી?”

“તારા અને જંગલના પ્રેમમાં સરળતા રહે એ માટે જ વિચારું છું, લવ ગર્લ.”

“તો કહી દે, ઝટ પટ.“

“જંગલમાં દિવસભર તો ચાલતા રહીશું, પણ આપણે રાત ક્યાં વિતાવીશું? કોઈ પ્લાન કર્યો છે?”

“હેં? ઓહ વ્યોમા, એ તો હું ભૂલી જ ગઈ છું. જંગલમાં તો રાત કાઢવી ...” નીરજા હવે ચિંતિત હતી પણ સાથે સાથે ખુશ પણ હતી કે વ્યોમા ખૂબ ઊંડું અને દૂરનું પણ વિચારે છે. વ્યોમા હવે વધુ તેજ અને પાક્કી થઈ ગઈ છે.

“તારી ધ્યાન રાખવા તો હું તારી સાથે આવી છું, નીરજા બેબી.” વ્યોમાના હોઠો પર તોફાની હાસ્ય રમવા લાગ્યું. નીરજા સમજી ગઈ કે વ્યોમાએ સવાલના પહેલાં જ જવાબ શોધી કાઢ્યો છે. એટલે તો તે તોફાની હાસ્ય લઈને ઊભી છે.

નીરજાએ વ્યોમાને હસવા દીધી. મુક્ત મને હસવા દીધી. જંગલ ઘણા સમય પછી કોઈના હાસ્ય પર ખુશ થયું હોય તેમ હવાના એક ઝોકાથી ચંચળ થઈ ગયું.

“નીરજા, જંગલમાં સલામત રાત વિતાવવા માટે કાં તો કોઈ નાનું મકાન કે રૂમ ની જરૂર પડે કાં તો ટેન્ટ ની. તને શું ગમશે? “ વ્યોમાએ નીરજાની મજાક કરતાં કહ્યું.

“એક કામ કરીએ, વ્યોમા. કોઈ 5 સ્ટાર હોટેલ જ બૂક કરાવી દઈએ.“ નીરજા પણ તેની મજાકમાં જોડાઈ ગઈ. બંને ખડખડાટ હસવા લાગી. જંગલ પણ ઘણા સમય પછી હસતું હોય તેમ લાગ્યું.

“ચાલો મજાક બંધ. જરા ગંભીરતાથી વિચારવાનું છે.” વ્યોમા તરત જ વાસ્તવિક દુનિયામાં આવી ગઈ.

“યસ, તો હવે શું કરીશું?” “ નીરજાએ ગંભીરતા સ્વીકારી.

“આગળ થોડે દૂર એક નાનકડું ગામ છે – લૂમ પરિંગ. જંગલ પણ ત્યાંથી જ શરૂ થાય છે. ત્યાં એક દુકાન છે, ‘જેનિફર’સ જંગલ’.” વ્યોમાએ મોબાઈલમાં જોઈને માહિતી આપી.

“ઓ કે.“ નીરજા વ્યોમાને આતુરતાપૂર્વક જોવા લાગી.

“ત્યાં જંગલમાં ટ્રેકિંગ કરવા માટે જરૂરી બધી જ વસ્તુઓ મળે છે. આપણે ત્યાં જઈએ અને જરૂરી સામાન લઈ લઈએ.”

“વાહ. ખૂબ સરસ આઇડિયા છે. ચાલો ઝડપથી ત્યાં પહોંચી જઈએ.“

નીરજા અને વ્યોમા ‘જેનિફર’સ જંગલ’ તરફ ચાલવા લાગ્યા.