Love Jihad.. books and stories free download online pdf in Gujarati

લવ જિહાદ...

લવ જિહાદ...

પ્રશાંત સેતા

‘મારે તેને મારી નાખવાનો ઇરાદો ન હતો...બધું એટલું ફટાફટથી થઇ ગયું કે કાંઇ ખબર જ ન પડી...હું તો તેને મારા જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી’, પ્રાપ્તિ લોખંડેએ અવાજમાં એક નિરાશાથી કહ્યુ. પ્રાપ્તિ લોખંડેએ સફેદ સાડી પહેરી હતી...ખાર રોડ સ્થિત મહિલાઓ માટેની જેલમાં એ તેની પહેલી રાત હતી. (મુંબઇનાં એક એરીયાનું નામ ‘ખાર રોડ’ છે)

જેલનો ઓરડો શેર કરતી તેનાં જેવી મહિલાઓમાંની એક ઉષા સિંદે નામની મહિલાએ જેલમાં ક્યા ગુનાસર આવી હતી તેનું કારણ જણાવતા દસ કલાક પછી પ્રાપ્તિએ મોઢું ખોલ્યું હતું.

પ્રાપ્તિ એક સંગીન હત્યાનાં ગુન્હામાં જેલમાં ગઇ હતી. હત્યા કરીને સામે ચાલીને ખાર રોડ પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું હતું. ૨૬ વર્ષિય પ્રાપ્તિએ સવારે અગિયાર વાગ્યે ખાર પોલીસ સ્ટેશનમાં પોતાનો ગુન્હો કબુલી વધારે ચર્ચાઓ નહી કરતા હાથમાં રહેલો લોખંડનો સળિયો પોલીસને આપતાં કહ્યું હતું કે તેણે સાગર ભોસલે નામનાં ૨૫ વર્ષિય યુવાનની માથામાં લોખંડનાં સળિયાનાં અસંખ્ય વાર કરી હત્યા કરી નાખી હતી. વધારે માહિતી આપતા કહ્યું હતું કે યુવાનની લાશ ખાર – બાંદ્રા વચ્ચે ચાલી રહેલી એક કન્સટ્રક્શન સાઇટ પર પડેલી હતી. દેખાવમાં જરાપણ અપરાધી નહી લાગતી પ્રાપ્તિની પોલીસે તાબડતોડ ધરપકડ કરી લીધી હતી, અને પ્રાપ્તિએ જણાવેલા સ્થળ પર પોલીસ ટીમને મોકલી આપી હતી. ગુન્હો શા માટે માટે થયો હતો તેમજ પ્રાપ્તિએ જ કર્યો હતો કે બીજાનાં કરેલા ગુન્હાની જવાબદારી લઇ પ્રાપ્તિ કોઇને બચાવવાની કોશીષ કરી રહી હતી એ બધી બાબતની જાણકારી મેળવવાની બાકી હતી.

પ્રાપ્તિએ ઉમેરતા કહ્યું કે, ‘..આવેશમાં આવીને મેં હત્યા કરી નાખી’

સાંજનાં નવ વાગ્યાનો સમય હતો. પ્રાપ્તિ જેલનાં સળિયા પાસે જ બેઠી હતી. તેની નજર કોઇ અજ્ઞાત દિશામાં હતી. આંખોનાં ખૂણામાં આંસુઓ ભરેલા પડ્યા હતા. જેલમાં બનેલી બહેનપણીને પ્રાપ્તિની કોઇ નવી મસાલેદાર રસપ્રદ સ્ટોરી સાંભળવી હતી. ત્યાં હાજર મહિલા કેદીઓ ખૂંખાર અપરાધીનીઓ હતી, જ્યારે પ્રાપ્તિ સમજું અને ભણેલી દેખાતી હતી. કોઇ ખરાબ સંજોગોએ જ આવો કાંડ કરાવ્યો હશે. પ્રાપ્તિનાં જેલનાં ઓરડામાં રહેલી અન્ય બે મહિલા કેદીઓને પણ પ્રાપ્તિની સ્ટોરીમાં રસ પડ્યો હોય તેમ એ લોકો પણ પ્રાપ્તિની બાજુમાં ગોઠવાઇ ગયા. જેલનાં પરિસરમાં રહેલી લાઇટનો આછો પ્રકાશ પ્રાપ્તિનાં ઓરડામાં આવતો હતો.

‘કોને મારી નાખ્યો?’, ઉષાએ પુછ્યું

‘સાગર ભોસલેને’, પ્રાપ્તિએ નજર મેળવ્યા વગર કહ્યુ

‘એ કોણ હતો’,

‘મારો બોયફ્રેન્ડ’,

‘કેમ પતાવી દિધો?’,

‘મારી સાથે છેતરપિંડી કરી હતી’, પ્રાપ્તિએ જવાબ આપ્યો

‘વિસ્ત્રુતમાં કહીશ?’, ત્યાં બેઠેલી બીજી બે મહિલાઓમાંથી એકે પૂછ્યું

‘રહેવા દો’, પ્રાપ્તિએ કહ્યુ

‘નવી આવતી કેદીઓની સ્ટોરીઓ સાંભળવાની મજા આવે. ઘણા સમયથી નવી કોઇ કેદી આવી નથી. તું આવી છે તો કાંઇક નવું સાંભળવા મળશે, સંભળાવ’, ઉષાએ કહ્યુ

‘તો સાંભળો’, પ્રાપ્તિએ શરૂઆત કરી

‘મેં ક્યારેય પ્રેમ નામની વાનગીનો સ્વાદ ચાખ્યો ન હતો...મને કોઇ સાચો પ્રેમ કરે તેવો છોકરો મળ્યો નહી. જેમ તમે જુઓ છો એમ હું દેખાવમાં એકદમ સાધારણથી પણ નીચી કક્ષાની લાગું છું. મારો કાળો ચહેરો તેમજ ગાલ પર ખીલનાં ડાખાઓ જોઇને કોઇ છોકરો મારી પાસે ફરકતો નહી. હવે, ભગવાને મને આવી બનાવી છે તો મારો વાંક? હું આવી દેખાવ છું તો મને કોઇએ પ્રેમ નહી કરવાનો એમ? મારી કોઇ આશાઓ કે સપનાંઓ ન હોય? મારે પણ બોયફ્રેન્ડ હોય એવી ઇચ્છા ન હોય? ૨૬ વર્ષની થઇ છું તો કોઇ પુરુષ સહવાસની મને જરૂર ન હોય? મારે પણ પુરુષ તરફથી મળતા માનસિક બળ તેમજ શારીરિક સંતોષની જરૂરીયાત ન હોય? સ્કૂલથી લઇને કોલેજ સુધી મને કોઇ છોકરાએ પસંદ ન કરી. હાં, બધાને મારા શરીરમાં રસ હતો, એક હવસની નજરથી જોતા. માત્ર દેખાવ કાળો હતો પરંતુ છોકરાઓને જે જોઇએ એ તો મારી પાસે હતું જ ને? ઘણા લોકોએ જાળ નાખીને માત્ર ને માત્ર મારા શરીર સાથે રમવા માટે પ્રયત્નો પણ કરેલા હતા.

મારું સપનું માત્ર એક સારુ જીવન જીવવાનું હતું કે જે મારા નસિબમાં જ ન હતું.

એક તો મારો દેખાવ કદરૂપો અને ઉપરથી આર્થિક પરિસ્થિતી કથળેલી, ઘરનું વાતાવરણ નર્ક જેવું... બાબાની (બાપની) દારૂ - જુગારની આદત અને રાત્રે ઘરે આવીને આઇ (માં) સાથે મારપીટ, આઇનો થઇ ગયેલો ચિડચિડીયો સ્વભાવ, અશિક્ષિત આઇ – બાબાથી તમે બીજી શું આશા રાખી શકો? મારા આઇ – બાબાની છોકરાઓ તરફી જવાબદારી નિભાવવાની કોઇ હેસિયત જ ન હતી. હાં..મારે એક નાની બહેન છે, નિહારીકા. બહુ હોશિયાર અને મારી એક માત્ર બહેનપણી...મારાથી માત્ર બે વર્ષ નાની છે. મારા આઇ – બાબાથી જો અમારી સાર સંભાળ રાખી શકાય એમ ન હતી તો અમને પેદા શા માટે કર્યા? દુ:ખી કરવા?

જીવન બધી તરફથી ઘેરાયેલું હતું, એકદમ તણાવભર્યું હતું. કોલેજ પતાવ્યા પછી મેં નોકરી લઇ લીધી. દસ હજાર પગાર મળતો હતો તેમાંથી ધીરે – ધીરે મારા અને નિહારીકાનાં ભવિષ્યનાં પ્લાન કરતી હતી. ક્યારેય ખબર ન હતી કે જીવનમાં એક મોટી આંધી આવશે કે જેમા બધું ભસ્મિભૂત થઇ જશે...

ખેર, બહાર હોઇએ ત્યાં સુધી શાંતિ, ઘરે આવતી એટલે એક નર્ક જેવી જિંદગી..!! એક દિવસ આશાનું કિરણ જીવનમાં રેલાશે એવા વિચારોમાં તણાવભર્યા દિવસો નીકળતા હતા. અને એવામાં એક દિવસ મને સાગર મળ્યો. પહેલો એવો કોઇ માણસ મળ્યો હતો જેણે મારા બાહ્ય દેખાવને બદલે આંતરિક સુંદરતાને મહત્વ આપ્યું હતું. સાગર ભોસલે સાથે મારી મુલાકાત ફેસબુક પર થઇ. એક વર્ષ પહેલા મને સાગરની ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, અને મેં સ્વિકારી. મોબાઇલમાં ફેસબુક પર ચેટીંગ થવા લાગી, અને મને સાગર પસંદ આવવા લાગ્યો..!! સવાર – બપોર – સાંજ અમે ફેસબુક પર ચેટીંગ કરતા રહેતા. વાતોમાં આત્મવિશ્વાસ જણાતા અમે મોબાઇલ નંબરો એકબીજા સાથે શેર કર્યા. પહેલા ફેસબુકમાં અને પછી વોટ્સઅપમાં ચેટીંગ થવા લાગી. સવારે ગુડ મોર્નિગથી લઇને અડધી રાત્રે ગુડ નાઇટ કહેવા સુધી અમે વોટ્સઅપ અને ફેસબુક પર ચેટીંગ કરતા રહેતા. પાક્કા બે મહિના પછી અમે પહેલી વખત ફોન પર વાત કરી. લાંબો સમય વાત ન ચાલી પણ એક ખાતરી સાથે ફોન મુકાયો હતો કે વાતોનો દોર ચાલુ થવાનો હતો. પહેલા ફેસબુક અને વોટ્સઅપ પર ચેટીંગ અને પછી ફોન પર વાતચીતો ચાલુ થઇ. એક વર્ષ પહેલા ૨૪ વર્ષિય સાગર કન્સટ્રક્શન કંપનીમાં સાઇટ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. અંધેરીનાં મરોલ એરીયામાં રહેતો સાગર જ્યાં તેની કંપનીની સાઇટ ચાલતી હોય ત્યાં ફરજ બજાવતો. ફેસબુક અને વોટ્સઅપનાં માધ્યમથી મારી સાગર સાથે મિત્રતા વધી, અને હું સાગરનાં પ્રેમમાં પડી ગઇ...!! પહેલીવાર મને કોઇનાં તરફથી આટલું ધ્યાન અને મહત્વ મળ્યું હતું. એકવાર પણ સામ – સામે આવ્યા ન હતા છતાંય હું સાગરની દિવાની થઇ ગઇ હતી. સાગરની સમજ, વિચારસરણી, વલણ બધું બીજા છોકરાઓથી સંપુર્ણપણે અલગ હતું. હું મારી જિંદગીનાં તમામ ઉતાર – ચડાવ, ઘરનું વાતાવરણ, ભવિષ્યનાં આયોજનો વગેરે વિશે સાગર સાથે ચર્ચાઓ કરતી. સાગર મને બહુ સપોર્ટ કરતો હતો. મને સાગર સાથે વાત કરીને એક માનસિક શાંતિ મળતી હતી. પહેલી વખત કોઇ એવું મળ્યું હતું કે જે મારા દુ:ખને સમજવાવાળું હતું. સાગર સાથે વાત કરતા હૈયું હળવું થઇ જતું હતું. કોઇ ભલે તમારૂ દુ:ખ લઇ ન શકે, પરંતુ માત્ર સમજે તો પણ બહુ વધારે કહેવાય..!!

પહેલા ફેસબુક પર વાતો, પછી વોટ્સઅપ પર વાતો, પછી ફોન પર વાતો અને આખરે અમે મળવાનું આયોજન કર્યું. હું સાગરને મળવા બહુ ઉત્સુક હતી. સાગર તરફથી મળતા ધ્યાન અને મહત્વએ મને સાગરની આદત પાડી દિધી હતી. સાગર સંપર્કમાં આવ્યો પછી વેર -વિખેર જિંદગીમાં આશાનું એક કિરણ જાગ્યું હતું, સાગર સાથે તો જીવન બહું સુંદર વિતી શકે એમ હતું. હું કેટલી મુર્ખ હતી? મારા જેવી કદરૂપી છોકરીને સાગર જેવો છોકરો મળતો હશે? કેવા સપનાં જોવા માંડી હતી કે જે સપનાં પુરા થઇ શકે એવા મારા તારલા જ ન હતા. બહુ મોટા સપના ન હતા, માત્ર સાગર જીવનસાથી તરીકે મળે એટલું જ સપનું હતું. હવે એ સપનું જોવું એક અપરાધ કહેવાય એ મને ખબર ન હતી, અને જો એ સપનું પુરૂ થઇ શકે એમ ન હોય તો હું અપરાધી બની જઇશ એ પણ મને ખબર ન હતી...!!

ખેર, હું સાગરને પહેલીવાર મળી. જેવી વાતો સાગર ચેટીંગમાં અને ફોન પર કરતો, વાસ્તવિકતામાં પણ એવો જ હતો..!! હું તેને માહિમમાં (મુંબઇનાં એક એરીયાનું નામ ‘માહિમ’ છે) ચાલતી કન્સટ્રક્શન સાઇટ પર મળવા ગઇ હતી. કામચલાઉ બનાવેલી તેની ઓફિસમાં બેસીને અમે ખૂબ વાતો કરી. સાગર તેનું કામ પણ જોતો જતો હતો અને મારી સાથે વાતો પણ કરતો જતો હતો. હું સાગરને મળ્યા પછી ખુબ જ પ્રભાવિત થઇ ગઇ હતી. એ મિટીગ પછી મને બધે સાગર જ દેખાતો હતો. ઊઠતા – બેઠતાં, ખાતા – પીતા, જાગતા – સુતા બધે સાગર જ સાગર.. ખુલી તેમજ બંધ આંખે સાગર જ દેખાતો હતો...અત્ર તત્ર સર્વત્ર...જેમ જિહાદીઓનું આતંકવાદ ફેલાવવા માટે બ્રેઇનવોશ કરી નાખતાં હોય છે તેમ મેં મારું બ્રેઇનવોશ કરી નાખ્યું હતું...લવ જિહાદ..સાગર માટે કાંઇ પણ કરવા તૈયાર હતી... શું થઇ ગયું હતું મને કે હું સાગરઘેલી થઇ ગઇ હતી. જીવનમાં ક્યારેય સુખ મળ્યું જ ન હોય અને અચાનક એકસાથે આટલી ખુશી મળી જાય એટલે માણસને એ ખુશીની આદત પડતા વાર નથી લાગતી અને કહું તો એમાં ખોટું પણ શું છે? સાગર સાથે એક સારી જિંદગી વિતાવવી હતી...

સમય જતાં મારી અને સાગરની મુલાકાતો વધવા લાગી. સાગરને મળવાનું હોય ત્યારે એક રોમાંચ જ અલગ રહેતો. સાગર સાથેની મુલાકાત સ્વર્ગ સાથે રૂબરુ કરાવતી હતી. આખા દિવસમાં અસંખ્યવાર સાગરનું નામ મારી હથેળી પર લખતી અને પછી હથેળી પર કિસ કરીને ભૂસી નાખતી...દિવસે – દિવસે સાગર માટે પાગલપણું વધી જ રહ્યું હતું. જેમ – જેમ મુલાકાતો વધવા માંડી તેમ – તેમ નિકટતાં વધવા માંડી..અચાનક થયેલો સાગરનો સ્પર્શ સુધ્ધાં મને ચરમસિમાનો અનુભવ કરાવતો હતો...

અને એક દિવસ તેને મળીને હું પાછી ફરતી હતી ત્યારે સાગર બાય કહીને મને હળવેકથી ભેટ્યો. તેની એ નાદાન પ્રવ્રુત્તિએ મારા દિલનાં તમામ તારોને હલાવી નાખ્યાં હતા. હરરોજ દિવસ ઊગતાની સાથે જ જલ્દી સાંજ પડે અને હું સાગરને મળવા જાવ તેવું થવા લાગ્યું હતું. સાગરનાં હળવેકથી ભેટવાની પ્રવ્રુતિને આગળ વધારતા મેં સાગરને પહેલીવાર કિસ કરી. મારામાં વધારે સહનશક્તિ ન હતી, મે સામે ચાલીને જ પહેલ કરી હતી. ખબર નહી શા માટે પરંતુ હું બેબાકળી થઇ ગઇ હતી...અને મારી એ માનસિક સ્થિતીએ મને સાગર સાથે શારીરિક સંબંધ બાંધવાનું પગલું ભરાવી દિધું હતું. સાગર સાથે વિતાવેલી ક્ષણો હું કોઇ બીજા જ ગ્રહ પર હોય એવું અનુભવ કરાવતી હતી.

બધું બરાબર ચાલી રહ્યું હતું. ફેસબુક અને વોટ્સઅપ પર ચેટીંગ, ફોન પર વાતો, પછી મુલાકાતો અને આખરે શારીરિક સંબંધ...!! પહેલા થોડો સમય લગ્ન પહેલા બાંધેલા સંબંધથી મને મારા પ્રત્યે નફરત થતી હતી, પરંતુ સમય જતાં એ ક્રુતજ્ઞતાંની ભાવનાં ઓછી થવા લાગી હતી..સાગરને હું પ્રેમ કરતી હતી એ હકિકત હતી..અને સાગર મને પ્રેમ કરતો હતો એ મારો વહેમ હતો...મને એમ હતું કે સાગર મારી સાથે લગ્ન કરશે..ખરેખર સાગર મારી આંતરિક સુંદરતાને પસંદ કરતો હતો કે પછી મારા ભાંગી ગયેલા મનોબળનો ફાયદો ઊઠાવવાવાળો બીજા છોકરાઓ જેવો જ હતો એ બહુ મોડું – મોડું બહાર આવ્યું હતું....

સાગર હવે બીજી કન્સટ્રક્શન સાઇટ પર હતો. એક દિવસ નિયમ મુજબ હું તેને તેની ખાર – બાંદ્રા વચ્ચે ચાલી રહેલી નવી સાઇટ પર મળવા ગઇ, અને જોયું તો સાગરની ઓફિસનો દરવાજો ખૂલ્યો. હું પચાર મીટરનાં અંતરે હતી. મેં જોયું કે સાગર કોઇ છોકરી સાથે ઓફિસમાંથી બહાર આવ્યો. બહાર આવી પેલી છોકરીને હળવેકથી ભેટી બાય કહી વિદાય આપી. ક્ષણનાં સો માં ભાગની ત્વરાથી મારી અંદર જ્વાળામુખી ફાટી નીકળ્યો. સાગર માટે રહેલી પોતાનાંપણાની ભાવનાંએ મને આવેશમાં લઇ લીધી હતી. પેલી છોકરીનો ચહેરો જોતા તો મારું શરીર ઠંડુ પડી ગયું, હું એક સ્તંભસમી ખોડાઇ ગઇ...એ છોકરી નમણી, નાજુક અને મારા કરતા દેખાવમાં સો ગણી સારી દેખાતી હતી...એ નિહારીકા હતી..નિહારીકા મારી સગી બહેન...

હે ભગવાન..!! મારી ખુશી ઉપરવાળાથી જરાપણ સહન થતી ન હતી. હું સાગરને મળ્યા વગર ત્યાંથી ચુપચાપ જતી રહી. મારી સમજમાં કાંઇ આવતું ન હતું કે મારે શું કરવું? નિહારીકા સાગરની ઓફિસમાં શું કરતી હતી? અને સાગર – નિહારીકા વચ્ચે કાંઇક હશે તો એ વિચારીને મારા રૂવાડાં ઊભા થઇ જતા હતા...

એ દિવસે સાંજે નિહારીકા ઘરે મળી કે મેં નિહારીકા સામે વાત ઉખેડી કે મેં તેને ખાર – બાંદ્રા વચ્ચે ચાલી રહેલી કન્સટ્રક્શન સાઇટ પર જોઇ હતી, એ ત્યાં શું કરતી હતી તેનો ખુલાસો માંગ્યો હતો. નિહારીકાએ પહેલા તો કાંઇ જવાબ ન આપ્યો, પણ મેં જવાબની ઊઘરાણી કરતા નિહારીકાએ ઘટષ્ફોટ કર્યો કે તે તેનાં બોયફ્રેન્ડને મળવા ગઇ હતી..નિહારીકાનો બોયફ્રેન્ડ સાગર ભોસલે જ હતો...

સાગર ભોસલે નામ સાંભળતા હું હતાશાથી બેડનાં છેડા પર બેઠી ગઇ. ચક્કર આવવા લાગ્યા, માથું ભારી થઇ ગયું....કપાળ પર પસિનાનાં દાણાઓ ફૂટી નીકળ્યા. જીવનમાં ફરી અંધકાર છવાઇ ગયો. હું થોડી સ્વસ્થ થઇ અને સાગર વિશે વિસ્ત્રુતમાં માહિતી આપવા કહ્યું...નિહારીકાએ કહ્યું કે સાગર સાથે તેની મુલાકાત ફેસબુક પર થઇ હતી, એ લોકો ફેસબુક પર ચેટીંગ કરતા રહેતા...પછી એકબીજાનાં નંબર શેર થયા અને વોટ્સઅપ ચેટીંગ ચાલુ થયું...પછી ફોન પર વાતો શરૂ થઇ..અને પછી મુલાકાતો....નિહારીકાએ વાત આગળ વધારતા કહ્યું હતું કે સાગર બહુ સારો છોકરો હતો અને નિહારીકાને બહુ પ્રેમ કરતો હતો અને નિહારીકા પણ તેને પ્રેમ કરતી હતી...

પછી મેં નિહારીકાને માત્ર એક સવાલ પૂછ્યો કે જેનો જવાબ મને નિહારીકાની ચુપકીદી પરથી મળી ગયો હતો. મેં નિહારીકાને સાગર સાથે ક્યાં સુધીના સંબંધો છે એવો સવાલ પુછ્યો હતો...તેનાં જવાબમાં નિહારીકાની ચુપકીદીએ ચાડી ખાઇ દિધી હતી કે કાંઇ જ બાકી રહ્યું ન હતું....જેમ મને લાગતું હતું તેમ નિહારીકાને પણ એમ જ લાગતું હતું કે સાગર નિહારીકા સાથે લગ્ન કરશે....

મારું લોહી ઉકળી ગયું...આખી રાત ઊઘી ન શકી...બસ સવાર થવાની રાહ જોતી હતી...

સવાર થતાં હું મારી ઓફિસને બદલે સાગરની કન્સટ્રક્શન સાઇટ પર જવા નીકળી..સાગર સાથે વાત કરવા માંગતી હતી...સાગરને સમજાવવા માંગતી હતી કે નિહારીકા સાથે પ્રેમનું નાટક ન કરતા તેણે અમારી સાથે શું છેતરપિંડી કરી હતી તે સ્વિકારે... હું સાગરને સમજાવવા માંગતી હતી કે હું તેને મારા જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી..એટલે મને અપનાવી લે..હું સાગર વગર જીવી શકું એમ ન હતી...ભલે તેણે નિહારીકા સાથે જે પણ કર્યું હોય છતાંય હું સાગર સાથે રહેવા માંગતી હતી..

હું સાગરની સાઇટ પર પહોંચી. તેની ઓફિસમાં જતાં જ મેં સાગરને પૂછ્યું કે તું જેની સાથે રમત રમી રહ્યો છે તે મારી નાની બહેન નિહારીકા છે. સાગરે ખુલાસો કર્યો કે તે જાણતો હતો કે નિહારીકા મારી બહેન હતી. સાગર નિહારીકાને કાંઇ પ્રેમ બ્રેમ કરતો ન હતો...નિહારીકાનો ઉપયોગ જ કરવા માંગતો હતો...

અત્યાર સુધી મારી સાથે શું ચાલી રહ્યું હતું તેનો જવાબ આપતા સાગરે કહ્યું હતું કે હું સેક્સની ભુખી હતી, મારા જેવી કદરૂપી છોકરીએ પહેલા અરીસામાં જોવું જોઇએ અને પછી તેનાં (સાગર) જેવા છોકરાનાં સપનાં જોવા જોઇએ..સાગરે મારા માટે મારા મોઢા પર કદરૂપી, સેક્સભૂખી છોકરી કે જે કોઇ પણ છોકરા સાથે સુઇ જાય એવા વાક્ય પ્રયોગો કર્યા...વધારે ઉમેરતાં સાગરે મને કહ્યું કે જેની તારે જરૂર હતી તેની મારે પણ જરૂર હતી..આપણે એક – બીજાને જે જોઇતું હતું તે આપ્યું...હવે હું મારા રસ્તે અને તું તારા રસ્તે...એ સમયે મારા શરીરની અંદર દોડી રહેલા લોહીનું તાપમાન ૪00 ડીગ્રીથી પણ વધારે હતું...

મેં સાગરને વિનંતી કરી કે ભલે તે મને ન અપનાવે પરંતુ નિહારીકાની જિંદગીમાંથી નીકળી જાય... હું સાગર જેવા આત્મા વગરનાં છોકરાને મારી નાદાન બહેન નિહારીકાને સોંપવા માંગતી ન હતી...

સાગર સમજવાની કોશીષ કરતો જ ન હતો. સાગર એક દગાબાજ, પ્રપંચી નીકળ્યો હતો. અમારી સાથે જો ગંદી રમત રમી રહ્યો હોય તો બંધ કરે...ખાલી ભગવાન જાણતા હશે કે આવું કેટલી છોકરીઓ સાથે કર્યું હશે..

અમારી સાથે કરેલી છેતરપિંડી બદલ મેં સાગરને પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી જેનાં જવાબમાં સાગરે તેનાં મોબાઇલમાં મારા અને નિહારીકાનાં બિભત્સ ફોટાઓ બતાવ્યા કે જે જોઇને મારી આંખોનાં ડોળા બહાર આવી ગયા હતા અને મોઢામાંથી શબ્દો નીકળતા બંધ થઇ ગયા હતા...સાગર એકદમ નીચ સ્તર પર ઊતરી આવ્યો હતો...તેની એક હરકતથી મારી અને નિહારીકાની જિંદગી બરબાદ થઇ શકે એમ હતી...મારી આંખોમાં મારા શરીરનું તમામ લોહી ધસી આવ્યું...મેં સાગરને એક થપ્પડ ચોડી દિધી અને તેનો કોલર પકડી લીધો...સાગરે ઝટકો મારી કોલર છોડાવીને મને ધક્કો માર્યો, હું મારી પાછળ ઓફિસની દિવાલ સાથે અથડાઇ..પછી મારી પાસે આવ્યો મને મારા ડ્રેસનાં કોલરથી મને ઊભી કરી મારા કાળા ચહેરા પર ગંદી કોમેન્ટો કરી...મને ચાર થપ્પડો મારી અને આખરે મને પેટ પર પુરી તાકાતથી લાત મારી...હું ફરી ઓફિસની દિવાલ સાથે અથડાઇ...મારા મોઢામાંથી થુંકની લાળો બહાર આવી ગઇ..હોઠનાં ખુણેથી અને નાકમાંથી લોહી નીકળી ગયું...મને ઊધરસનો દોર ચાલુ થઇ ગયો..બધા સમીકરણો બદલાઇ ગયા હતા...સ્ત્રી પર હાથ ઉપાડવો એ જ સાગરનું અંતિમ સ્તર હતું.

હું હાંફતી હતી...સાગરનાં મારા માટે વપરાતા ગંદા વાક્ય પ્રયોગો સાંભળતા મારા કાન ફાટી રહ્યા હતા...મારી અને નિહારીકા માટે ‘રાંડ’ જેવા શબ્દો વાપરતો હતો...સાગરે મને તેની ઓફિસમાંથી નીકળી જવા કહ્યું નહીતર લાત મારીને બહાર કાઢી મુકશે એવી ધમકી આપી...હું હિમ્મત ભેગી કરી ઊભી થઇ અને તેનાં મોબાઇલ પર લપકી..હું સાગરનો મોબાઇલ લઇને ભાગી જવા માંગતી હતી પરંતુ મોબાઇલ ઝડપવામાં મને સફળતા ન મળી...ઊલટાં સાગરે ગળેથી પકડી અને મારા કદરૂપા ચહેરા પર થુંક્યો અને બોલ્યો કે મારો ચહેરો થુંકવા લાયક જ હતો. મને ફરી પુરી તાકાતથી ધક્કો માર્યો અને એ વખતે હું ઓફિસનાં એક ખૂણામાં પડી કે જ્યાં...ઓફિસનાં એ ખૂણામાં મારી સામે લોખંડનો સળિયો મારી રાહ જોતો દિવાલનાં ટેકે ઊભો હતો...મેં હિમ્મત ભેગી કરી સળિયો ઊપાડ્યો...લથડતાં – લથડતા ઊભી થઇ અને સાગર પીઠ ફેરવીને ઊભો હતો તેનાં માથામાં દઇ માર્યો...પહેલા વાર પછી મેં એક મિશ્રીત ભાવથી જોરથી બૂમ પાડી...પાક્કી ખબર નથી પણ મેં પહેલા ઘા પછી સાગર પર લગભગ પચાસ જેટલા વાર કર્યા હતા...મારી એક મિશ્રિત માનસિક સ્થિતી હતી..૨૬ વર્ષ સુધી દબાવી રાખેલો ગુસ્સો, અને પ્રેમ ન મળવાની વેદનાનું ખૂન સવાર થઇ ગયુ હતું...પાંચ મિનીટમાં ઘટના ઘટાઇ ગઇ હતી...સાગરને એટલા ઘા માર્યા હતા કે ચહેરો ઓળખાઇ શકે એમ ન હતો..

સાગરને પતાવી દિધા પછી એક કલાક તેની બાજુમાં બેઠી...સાગરનો હાથ મારા હાથમાં લીધો અને ખૂબ રડી..ભાગવું હોત તો હું ત્યાંથી કાયરની જેમ ભાગી શકતી હતી...પરંતુ મારા નસિબથી ભાગીને ક્યાં જઇ શકવાની હતી..બપોરે ત્રણ વાગ્યે ખાર રોડ પોલીસ સ્ટેશનમાં આવીને આત્મસમર્પણ કરી દિધું..મેં મારો ગુનો કબૂલ કર્યો છે અને જે સજા થશે એ સ્વિકારવા તૈયાર છું...’

પ્રાપ્તિએ આટલી વિસ્ત્રુતપુર્વક ઘટનાનું વર્ણન તો પોલીસ સમક્ષ પણ કર્યું ન હતું.

‘તે તો સ્વબચાવ કરવા મારી નાખ્યો, તને સજા ન થવી જોઇએ..’, ઉષાએ કહ્યુ

‘નહી..હું ત્યાંથી જઇ શકતી હતી...’, પ્રાપ્તિએ વાતનો અંત આણ્યો

રાત્રીના દસ વાગી ગયા હતા. ઉષા અને બીજી બે મહિલાઓ ઊભી થઇ અને સુવા માટે પોતાની ચાદર પાથરવા લાગી. એ લોકો માટે કાંઇ નવુ ન હતું...પ્રાપ્તિ જેવી ઘણી નવી સાથીદારો આવી અને જતી રહી હતી...

બીજા દિવસે પ્રાપ્તિએ કોર્ટમાં ગુન્હો સ્વિકારી લીધો અને આઇપીસીની ધારા ૩૦૨ (હત્યા) માં સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી. સમયજતાં જેલમાં પ્રાપ્તિનાં સારા વર્તન, ભૂતકાળમાં અન્ય કોઇ અપરાધ ન હોવો, તેમજ કોઇ વ્યવસાયિક અપરાધી ન હોવું એવી બાબતોને ધ્યાનમાં રાખતા ત્રણ વર્ષ પછી તેની બાકીની સજા માફ કરી દેવામાં આવી...જેલમાંથી છૂટી પ્રાપ્તિ સરકાર દ્વારા સિક્કિમમાં ચાલી રહેલા મહિલા સશક્તિકરણ સંસ્થામાં રહેવા લાગી અને તેનાં દ્વારા ચાલી રહેલા ગ્રુહ ઉધ્યોગમાં નોકરી કરવા લાગી...પ્રાપ્તિ ફરી આઇ – બાબા સાથે નર્કથી પણ બદતર જિંદગી જીવવા જવા માંગતી ન હતી.

આ બાજું નિહારીકાએ સાયન્સમાં સ્નાતક કર્યું અને સ્કૂલમાં ટીચર તરીકે નોકરી લઇ લીધી તેમજ લગ્ન પણ કરી લીધા...એ ત્રણ વર્ષ દરમિયાન પ્રાપ્તિનાં આઇ - બાબા પ્રાપ્તિને મળવા એકવાર પણ ન આવ્યા, પરંતુ નિહારીકા ભૂલ્યા વગર મહિનામાં એકવાર જેલ પર પહોંચી જતી...

સાગરનો મોબાઇલ પ્રાપ્તિએ ગુમ કરી દિધો હતો કે જેની પોલીસે શોધવાની પરવા પણ કરી ન હતી...એ મોબાઇલની સાથે સાગર – પ્રાપ્તિ અને નિહારીકાનાં ભૂતકાળનો પણ નાશ થઇ ગયો હતો.

*** સમાપ્ત ***