Mumbai Thi Ahmedabad in Gujarati Short Stories by Prashant Seta books and stories PDF | Mumbai Thi Ahmedabad

Featured Books
Categories
Share

Mumbai Thi Ahmedabad

મુંબઇ થી અમદાવાદ

લેખક : પ્રશાંત સેતા

(Contact No. 9712999795 / 9173306272. caprashantseta@gmail.com)

સાંજે સાડા ચાર વાગ્યા અને મારા મોબાઇલની રીંગ વાગી હતી. અમદાવાદથી મારી સાળી નેનાનો ફોન હતો. મને સમાચાર આપવામાં આવ્યા હતા કે શીતલ ને તાબડતોડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી.

શીતલ એટલે મારી એક ની એક લોતી પત્ની. હું અને શીતલ મારા મમ્મી-પપ્પા સાથે મુંબઇમાં રહેતા હતા અને મારૂ સાસરું અમદાવાદ હતું. તે પ્રેગ્નંટ હતી અને અમદાવાદ તેના મમ્મી-પપ્પાના ઘરે ડીલીવરી કરવા માટે ગઇ હતી.

નેનાનાં કહેવા મુજબ શીતલને અચાનક દુખાવો થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. કશું સીરીયસ ન હતું પણ મે શીતલ ને વચન આપ્યુ હતું કે ડીલીવરીના સમયે હું હાજર રહીશ. ડોક્ટરે આપેલી તારીખને તો હજુ બે દિવસની વાર હતી પણ પછી સમજાયું કે આમાં આપણું ન ચાલે, અરે ડોક્ટરનુ પણ ન ચાલે, ખાલી ઉપરવાળાનું જ ચાલે..!! ફોન મુકતાં જ ખુશીનો માર્યો ઓછામાં ઓછો હું પાંચ ફુટ ઉપર ઉછળી પડ્યો હતો. બે દિવસ વહેલો પપ્પા બનવાનો હતો ને..!!

હું ઓફિસમાં હતો. એક પછી એક વેંડરોની મીટીંગો સેડ્યુલ કરેલી હતી. પણ, મારી ઓફિસમાં તો હું જ બોસ હતો. મારે કોઇની રજા લેવાની જરૂર ન હતી. ૬૦૦ કરોડની કંપનીનો હું પોતે જ માલીક હતો. અને મારી કંપનીમાં ૪૦૦ થી વધારે લોકો કામ કરતા હતા. હું છું સુજીત જૈન – ચેરમેન ઓફ એસ. જે. ગ્રુપ કંપનીસ. મુંબઇમાં રીયલ એસ્ટેટ બીઝનેસમાં સારુ એવું નામ હતું અને હજુ છે.

નેનાનો ફોન મુકતાં જ મેં મારી સેક્રેટરી સપનાંને મારી બધી જ મીટીંગો રદ કરવાનો આદેશ આપ્યો હતો અને તાબડતોડ આગલી કોઇ પણ અમદાવાદ જતી ફ્લાઇટમાં ટીકીટ બુકીંગ કરાવી આપવા કહ્યું હતું. પછી કંપનીનાં એચ.આર. જનરલ મેનેજરને મેલ મુક્યો હતો અને એમા જણાવ્યું હતું કે કંપનીના દરેક કર્મચારીઓને એક મહિનાનો પગાર ઇંટેરીમ બોનસ તરીકે આપવો અને તે પણ આ મહિનાનાં પગાર સાથે જ!! એટલું જ નહી પણ કોન્ટ્રક્ટ પર કામ કરતા હોય એમને પણ બોનસ આપવું. પછી નેનાને ફોન કરીને જણાવ્યું હતું કે આગલી ફ્લાઇટથી જ અમદાવાદ પહોંચુ છું. આ બાજુ, સાડા પાંચ વાગ્યની ફ્લાઇટની ટીકીટ બુક થઇ ગઇ હતી એ સપનાએ જણાવ્યું હતું અને મને તાબડતોડ રવાના થવા માટે કહ્યું હતું. મે મારા સુટ નો કોટ લીધો હતો અને લેપટોપ બેગ ખભ્ભે ઊપાડ્યું હતું. ડ્રાઇવર નીચે રાહ જોઇને જ ઊભો હતો. મારા ઉતરતાંવેંત જ ડ્રાઇવરે પાછલી સીટ નો દરવાજો ખોલ્યો અને હું ગોઠવાયો હતો. મારી ઓડી કાર એરપોર્ટ જવા માટે રવાના થઇ હતી. રસ્તામાં ડ્રાઇવરે મને સુચવ્યું હતું કે કારથી જ અમદાવાદ જતાં રહેવુ જોઇએ, પણ મેં ના પાડી હતી કારણ કે કારથી મીનીમમ છ થી સાત કલાક થશે જ્યારે પ્લેનથી બે કલાકમાં પહોંચી જઇશ. પછી ડ્રાઇવરે સંકોચાતાં પુછ્યું હતું કે એક મહીનાનો પગાર બોનસ તરીકે ડ્રાઇવરોને પણ આપવાનો છે? એના જવાબમાં મેં હસીને હા પાડી હતી..!! આઠ હજારનાં પગારદાર માટે વધારાનાં આઠ હજાર એટલી ખુશી આપે છે જેટલી ખુશી મને અત્યારે આગલી કોઇ પણ મીનીટે પપ્પા બનવાની હતી..!! એરપોર્ટ નજીક જ હતું એટલે થોડીવારમાં જ પહોંચી ગયા હતા. હું ફટાફટ ગાડીમાંથી ઉતર્યો અને ડ્રાઇવરને ગાડી ઘરે મુકી દેવાની સલાહ આપી અને ડ્રાઇવર ને આગલા બે દિવસની પગાર સાથે રજા આપી દીધી હતી.

મુંબઇ થી અમદાવાદની ફ્લાઇટ માટે બોર્ડીગ પાસ કઢાવવા માટે હું લાઇનમાં ઊભો હતો. મારી એકદમ પાછળ જ એક અજીબ લાગતો માણસ લાઇનમાં ઊભો હતો. મોટી - મોટી દાઢી હતી, ગોઠણથી નીચે સુધીનો ક્રિમ કલરનો ચડ્ડો પહેર્યો હતો, અને ઉપર કાળા કલરનું ઘસાઇ ગયેલું ટી-શર્ટ, મોંઘા લાગતાં એવા ગોગલ્સ પણ એના જંગલી જેવા વાળમાં ફસાવેલા હતા. ચીગમ ખાતો હતો અને ઉંમરમાં આશરે પાંત્રીસેક વર્ષનો લાગતો હતો. એના હાથમાં એક મટકી હતી અને મટકીનાં મોઢા પર લીલું કપડું બાંધેલું હતું. ખભ્ભા પર મોટો થેલો હતો અને એમાં ઠોંસી-ઠોંસીને થેલાની ક્ષમતા કરતાં વધારે કપડાં ભર્યા હતા. એકવાર તો એવો વિચાર આવ્યો કે આવા ભીખારીને એરપોર્ટમાં આવવા કોણે દીધો હશે? સંજોગોવસાત એની સામે મારી નજર પડી તો એણે સ્માઇલ આપી અને મારી લેપટોપ બેગ સામે જોયું હતું, પછી મારા સુટ પર નીચેથી ઊપર અને ઊપરથી નીચે એમ નજર ફેરવી હતી જાણે કે કોઇ મોટી ફિરાતમાં હોય..!! મારી રાડોની ઘડિયાળ સામે પણ જોયું હતું. અજીબ વાત એ હતી કે એ મને ઘુરતો જ રહેતો હતો. મને બોર્ડીગ પાસ મળ્યો એટલે હુ થોડો ધીમો પડ્યો એ જાણવા માટે કે એને ક્યાં જવુ હતું? અને મારા ખરાબમાં ખરાબ બદનસીબે એ પણ અમદાવાદની ફ્લાઇટમાં જ હતો.

સેક્યુરીટી પેનલ માટે હું લાઇનમાં ઊભો ત્યારે પણ એ મારી પાછળ જ હતો. મેં વળી પાછું એની સામે શંકાથી જોયું તો એ બોલ્યો “આમ ટુગર – ટુગર શું જોતો છે તું?”, એણે કહ્યું અને ઉમેર્યુ હતું “હું તને ચોર લાગતો છું?”

હું એ વિચારમાં પડી ગયો કે આને કેમ ખબર પડી કે હું એને ચોર હોય એમ જ જોતો હતો અને મુદ્દાની વાત એ હતી કે એને કેમ ખબર પડી હતી હું ગુજરાતી હતો. એણે મને ગુજરાતીમાં કેમ પુછ્યું? ‘જરૂર આ કોઇ જાણભેદુ માણસ છે..કોઇ કાવતરું તો નહી ઘડાતું હોય ને?’ મને મનમાં શંકા જાગી. ૬૦૦ કરોડનો માલીક હતો એટલે થોડી બીક લાગી ગઇ હતી. બીજું કે એ ગુજરાતીમાં બોલ્યો હતો પણ ગુજરાતનાં ક્યા જીલ્લાનું ગુજરાતી બોલ્યો એ સમજાયું ન હતું?

“માફ કરો પણ હું તમારી સામે નથી જોતો તમે મારી સામે જુવો છો”, મે ગુસ્સામાં જવાબ આપ્યો હતો “અને તમે મને હજુ ઓડખતાં નથી. જો તમે કોઇ ષડયંત્ર ઘડવાનો પ્રયાસ કરતા હોય તો એ વાતનો ખયાલ રાખજો કે મારી સામે સારા-સારા ષડયંત્રો ઘડતા લોકોની હવા નીકળી ગઇ છે. અને બીજી વાત કે મારી પાસે પીસ્તોલ રાખવાની પરમીશન પણ છે...”

એ અજીબ માણસ મારી સામે તાકી રહ્યો હતો અને પછી બોલ્યો “ઓકે. ઓકે. તુ આમ એંગ્રી કેમ થાય છે?”

એણે મને ‘તું’, કહ્યુ હતુ. સાલો મને તુંકારે કહીને બોલાવતો હતો.

“યુ જસ્ટ સટ અપ એન્ડ ગેટ લોસ્ટ. તારા જેવા માણસો સાથે હું વાત નથી કરતો..!!”, મેં ઘમંડથી કહ્યું હતું”

“ઓકે. આઇ એમ સોરી”, એણે કહ્યું હતું

મેં એની સામે જોયું હતું. એ નિરાશ થઇ ગયો હતો અને મારા અપમાનને કારણે એની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. મેં જે રીતે કાંઇ પણ જાણ્યા વગર એની સાથે વાત કરી હતી એનો મને અફસોસ થયો હતો.

“ઇટ્સ ઓકે”, મે શાંતીથી કહ્યું હતું અને એક સેકંડમાં એ ઊછળી પડ્યો હતો.

“હાઇ, મારૂ નામ રીકી છે”, તેણે કહ્યું હતું

બીજી સેકંડમાં એની આખમાં ચમક આવી ગઇ હતી અને મને પુછ્યું હતું “તારૂ નામ શું છે?”

‘તારૂં’? આ સાલો મને તુકારે જ કેમ બોલાવતો હતો? હું પપ્પા બનવાનો હતો તેથી ખુબ જ ખુશ હતો અને તેની સાથે માથાકુટ કરીને મારે મુડ ખરાબ કરવો ન હતો તેથી હું શાંત રહ્યો હતો. મેં કશો જવાબ આપ્યો ન હતો.

થોડીવાર પછી એણે નામની ઉઘરાણી કરી “તારૂ નામ નહી કિધો તે?”

“સૂજીત જૈન” મેં એની સામે જોયા વગર જવાબ આપ્યો હતો. મને હજુ પણ એ શંકાસ્પદ જ લાગતો હતો.

“અમદાવાદ જાય છે?”, વળી પુછ્યું હતું

મેં હકારમાં ડોકુ હલાવ્યું હતું.

અમે સેક્યુરીટી પેનલ વટાવી આગળ નીકળ્યા હતા.

“હું પણ અમદાવાદ જાવ છું”, એણે કહ્યું.

મેં ક્યાં પુછ્યુ હતું કે એ ક્યાં જતો હતો? અને બીજી વાત એ ટર્મીનલ પર ત્યારે અમદાવાદની જ ફલાઇટ આવવાની હતી તો પછી બધા અમદાવાદ જ જતા હોય ને? પહેલીવાર પ્લેનમાં બેસતો હોય એવું લાગતું હતું.

“તુ અમદાવાદમાં જ રહેતો છે?”, એણે વળી એક સવાલ પુછ્યો હતો.

અરે યાર, એને સમજાતું ન હતું કે હુ એને જવાબ આપતો ન હતો એનો મતલબ એમ કે મને એની સાથે વાત કરવામાં રસ ન હતો..!!! સાવ ફેવીકોલની જેમ ચીપક્યો હતો....જંગલી..!!

“નહી. હું મુંબઇમાં રહુ છું. અને અમદાવાદ મારે સાસરે જઇ રહ્યો છું” મેં ગુસ્સાને પુરેપુરો કાબુમાં રાખી જવાબ આપ્યો હતો. વળી એનું અપમાન કરી અફસોસ કરવા માંગતો ન હતો.

“તારૂ વાઈફ પ્રેગ્નંટ છે, રાઇટ?”, એણે કહ્યું અને ઉમેર્યુ હતું “અને તુ ખુબ જ ઊતાવળમાં છે? ખરૂ ને?”

મેં એની સામે આશ્ચર્યથી જોયું હતું. હવે તો પાક્કુ થઇ ગયું હતું કે આ કોઇ ષડયંત્ર કરનાર જ હતો. એને કેમ ખબર પડી હતી કે મારી વાઇફ પ્રેગ્નંટ હતી? અને એ કઇ જાતનું ગુજરાતી બોલતો હતો? પાક્કુ એ માણસ મારી જાસુસી કરતો હતો..!!

“એક મીનીટ, રીકી. તને કેમ ખબર પડી કે મારી વાઇફ પ્રેગ્નંટ છે?” મેં એની આંખોમાં આંખ પરોવીને પુછ્યું હતું.

“તુ લોકોને એસ એમ એસ કરતી હતી એ મે તારા મોબાઇલમાં વાંચી હતી” રીકીએ ખડખડાટ હસતાં-હસતાં જવાબ આપ્યો હતો.

વોટ ધ હેલ વોઝ ધેટ? હું લોકોને ખુશખબરીનાં મેસેજ કરતો હતો અને એ મારા ખભ્ભા ઊપરથી ડોક ઊંચી કરીને મારા મેસેજો વાંચતો હતો? કેટલો બેશરમ માણસ હતો? અને આ શું, હું એસ એમ એસ કરતી હતી? મારૂ લીંગ પરીવર્તન કરી નાખ્યું હતું.

“અરે ભાઇ, તને કોઇનાં મેસેજ વાંચતા શરમ નથી આવતી”, મેં ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી પુછ્યું હતું.

“ના ભાઇ...”એણે બેશરમીથી જવાબ આપ્યો હતો

“અને આ તું કઇ જાતનું ગુજરાતી બોલે છે? મને ‘કરતો હતો’ એમ કહેવાય “ગુજરાતનાં ક્યા જીલ્લામાં આવું ગુજરાતી બોલાય છે?”,

“અમે અમેરીકામાં આવુ જ ગુજરાતી બોલીયે છે”,

હું અમેરીકા નામ સાંભડીને ચમક્યો હતો. મેં એની સામે વધારે આસ્ચર્યથી જોયું હતું. એણે ક્યારેય સપનામાં પણ અમેરીકા જોયુ હશે? શું એ નમુનો અમેરીકાથી આવ્યો હતો?

પછી એણે મને થોડો પોતાનો વીગતવાર પરીચય આપ્યો હતો કે જે મેં માંગ્યો જ ન હતો.

“મારૂ નેમ રીતેશ પટેલ છે. મારુ ડેડી અમદાવાદની હતી પણ અમેરીકા સેટલ થઇ ગઇ હતી. મારું બર્થ પણ અમેરીકામાં જ થયું હતું. મારું મમ્મી હું દસ વર્ષનું હતું ત્યારે જ ડેડ થઇ ગયું હતું. હું અને મારુ ડેડી એકલું રહેતું હતાં. અને એ થોડા દિવસો પેલા મારુ ડેડી પણ ડેડ થઇ ગયું હતું....” રીકી બોલતા બોલતા થોડો ઉદાસ થઇ ગયો હતો પછી આગળ વધ્યો હતો “હું સાવ એકલું પડી ગયું...”, એણે ખતમ કર્યું અને એની આંખો ભીની થઇ ગઇ હતી. આવતાં-જતા લોકો એની સામે જોઇ રહ્યા હતાં, અને મારી સામે પણ જોઇ રહ્યા હતાં. પાંત્રીસ વર્ષનો યુવાન આમ ટર્મીનલ પર રડી રહ્યો હતો. પછી નાના છોકરાની જેમ એના અડધી બાંયનાં ટી-શર્ટની માંડ-માંડ આંખો સુધી પહોંચાડી આંસુ લુછી રહ્યો હતો. મેં માનવતાની દ્રષ્ટીથી તેની પીઠ પર તેને આશ્વાસન આપવા હાથ ફેરવ્યો હતો અને ખાસ કરીને આંસુ લુછવા માટે રૂમાલ કાઢી આપ્યો હતો. પણ, એણે મારા રૂમાલથી એવું તો નાક સાફ કર્યુ કે જોઇ ન શકાય..!! રૂમાલવાળી આંગળી નાંકની અંદર નાંખી-નાંખી ને નાંક ઘસી ઘસીને સાફ કરતો હતો. લોકો પણ એને જોઇ રહ્યા હતાં પણ એ ભાઇસાહેબ તો નાંકમાંથી માસાલો કાઢીને રૂમાલમાં ચેક કરતા હતા..!! બધું પત્યા પછી મને રૂમાલ પરત આપ્યો હતો કે જે મેં એને દૂરથી જ ડાઇરેક્ટ ડસ્ટબીનમાં નાંખવાનો આદેશ આપ્યો હતો. એણે રૂમાલ ડસ્ટબીનમાં નાખવાને બદલે એનાં ચડ્ડાનાં ખીસ્સામાં મુકી દિધો હતો..!!

વાત આગળ વધારતાં બોલ્યો હતો “મારું ડેડીએ મરતા પહેલા મને કિધું હતું કે મારું અસ્થી અમદાવાદમાં આવેલી સાબરમતી નદીમાં અર્પણ કરવું”,

મારા માટે નવાઇની વાત તો એ હતી કે આટલે દુરથી લોકો અસ્થી પધરાવવા માટે કાશી જાય ગંગા નદીમાં પધરાવવા માટે કે પછી ત્રીવેણી સંગમ જાય. કોઇ કદી સાબરમતી નદીમાં અસ્થી પધરાવવાં આવતું હશે? જરૂર આનો બાપ આના કરતા પણ કોઇ મોટો મેંટલ કેસ હશે કે જેણે આ નમુનાંને અમેરીકાથી અમદાવાદ સાબરમતી નદીમાં અસ્થી પધરાવવા માટે મોકલ્યો હતો. હું મનોમન હસ્યો હતો. પછી એણે કહ્યું હતું કે એના હાથમાં જે મટકી હતી એમાં તેના પપ્પાની અસ્થીઓ હતી. ખરો હતો એ માણસ..!!

મારા વિચારોની વેગમાળા તુટી ત્યારે એ બોલી રહ્યો હતો કે “મારું ડેડીની એવી ઇચ્છા પણ હતું કે હું ગુજરાતી પ્લેમાં અભીનય કરું. મેં મુંબઇમાં કેટલુ કોશીશ કરી પણ કાંઇ ચાંસ નહી મળ્યું. મેં વિચાર્યુ હતું કે જ્યાં સુધી હું ગુજરાતી પ્લે નું એક્ટર ન બની જાઉં ત્યાં સુધી ડેડીનું અસ્થી નદીમાં નઇ પધરાવું. પણ છ મહીના થઇ ગયું છે હું ઇન્ડિયામાં આવ્યું છે પણ.... ”, એણે નિરાશાથી કહ્યું “હવે ડેડીનું અસ્થી અર્પણ કરી અમેરીકા પાછું જતુ રઇશ”

એના ડેડીની પણ વિચિત્ર ઇચ્છાઓ હતી. ગુજરાતી પ્લે માં એક્ટીગ કરવા માટે ગુજરાતી તો બરાબર આવડવું જોઇએ કે નહી?

“ઓહ! આઇ એમ સો સોરી...” મેં દિલગીરી મારી હસી છુપાવતા વ્યક્ત કરી હતી.

આખરે અમે પ્લેનમાં ચડ્યા હતા અને ભગવાનની દયાથી સીટ અલગ-અલગ હોવાથી અમે છુટ્ટા પડ્યા હતાં. હું મારી સીટ પર થોડો લાંબો થયો હતો. બે જાતની ખુશી હતી, એક તો પપ્પા બનવાની ખુશી, કે જે જરાય સમાતી ન હતી. શું આવશે? બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે? મારે તો બેબી ગર્લ જોઇતી હતી, અને શીતલ ને બેબી બોય જોઇતો હતો....કદાચ બન્ને આવી જાય, હવે તો જોડીયાઓની ફેશન છે. અને બીજી ખુશી પેલા રીકીથી અલગ થયો એની હતી. અડધી કલાકમાં તો માથું ખાઇ ગયો હતો.

  • થોડીવારમાં પ્લેનમાં ઉહાંપો મચી ગયો હતો. ફ્લાઇટ ઊપડવાને પાંચ જ મીનીટની વાર હતી કે ફ્લાઇટમાં કાંઇ શંકાસ્પદ ચળવળ થઇ હતી અને મેં થોડી ડોક ઊંચી કરીને જોયું તો રીકીને ફ્લાઇટ અટેન્ડંટ્સ ફ્લાઇટની નીચે ઉતારવા મગજમારી કરી રહ્યા હતા. રીકી પણ સામે રકઝક કરી રહ્યો હતો અને કોઇ વાતે નીચે ઉતરવા તૈયાર જ ન હતો. કાંઇ સમજાતું ન હતું..!! થોડીવારમાં એરપોર્ટ ઓથોરીટીની પોલીસ આવી હતી અને રીકીનું બાવડું પકડી એને સીટની બહાર કાઢ્યો હતો. મટકી હજું રીકીના હાથમાં જ હતી. તે જેમ-તેમ પોતાની બેગ લઇ પ્લેનનાં પેસેજમાં આવ્યો હતો. પોલીસવાળા તેને કાંઇક પુછી રહ્યા હતા. દેકારો બહુ થઇ રહ્યો હતો, એટલે વાત કાંઇ સમજમાં આવતી ન હતી અને મેં પણ કાંઇ જાણવાની કોશીશ કરી ન હતી. શરૂઆતથી જ મને એ માણસ સંકાસ્પદ લાગતો હતો. મારી શંકા સાચી હતી.

    પોલીસવાળા એને કાંઇક પુછી રહ્યા હતા અને એટલામાં જ રીકીએ મારી સામે આંગળી ચીંધી હતી. હું ડર્યો હતો. મારી સામે કેમ આંગળી ચીંધી હતી? હું ફફડી ગયો હતો. મને અંદાજો આવી ગયો હતો કોઇ મુશીબત રાહ જોઇ રહી હતી. અને મારી ધારણા ખરેખર સાચી પડી હતી..!!

    પછી પોલીસવાળાઓ મારી સીટ બાજુ આવ્યા હતા કે જે રીકીથી ત્રણ સીટ પાછળ હતી. રીકી ને પણ સાથે લાવ્યા હતા.

    “મી. સુજીત જૈન. પ્લીસ કમ વીથ અસ(મી. સુજીત જૈન, ચાલો અમારી સાથે)”, એક પોલીસવાળાએ કહ્યું હતું

    “બટ, વ્હાય? વોટ આઇ હેવ ડન? (પણ કેમ? મેં શું કર્યું?)”, મેં ગભરાતાં પુછ્યું હતું

    “સબ કુછ બતાયેંગે...આપ પહેલે શાંતી સે હમારે સાથ ચલીયે. પહેલે સે, ફ્લાઇટ લેટ હો રહી હે, જ્યાદા સમય બરબાદ ના કરકે ચુપચાપ હમારે સાથ ચલીયે”, બીજા પોલીસવાળાએ કહ્યું હતું.

    “અરે લેકીન્, મેંને કિયા ક્યા હે?”, મે કહ્યું પણ એ લોકોએ મારુ પણ બાવડું પકડીને મને સીટની બહાર પેસેજ પર રાખી દીધો હતો. પાછળથી મને બીજા પોલીસવાળાએ ધક્કો માર્યો હતો અને હું પ્લેનના એક્ષીટ દરવાજા તરફ ધકેલાઇ ગયો હતો.

    “અરે, ધક્કે ક્યુ માર રહે હો? આપ જાનતે હો મુજે?”, મેં ગુસ્સાથી કહ્યું હતું

    “ચલ્..’ પાછળથી વધુ એક ધક્કો આવ્યો હતો અને હું પ્લેનનાં દરવાજા સુધી પહોંચી ગયો હતો. રીકી પણ મારી સાથે જ હતો. એ ધીમે-ધીમે મારી સામે હસી રહ્યો હતો. મને એટલો ગુસ્સો આવતો હતો કે રીકીને મારી મારીને અધમુવો કરી દઉં. સાલાને કાંઇ પડી ન હતી? આટલું અપમાન મારાથી જરાય સહન થઇ શકે એમ ન હતું. આઇ એમ એન ઓનર ઓફ એસ. જે. એમ્પાયર, એન્ડ ધેટ ફેક્ટ ધેય ડીડન્ટ નો (હું એસ. જે એમ્પાયરનો માલીક હતો, અને એ હકીકત એ લોકો જાણતા ન હતા)

    “અરે સર, મુજે જાને દો. મેરી વાઇફ પ્રેગ્નંટ હે ઓર મેરા પહોંચના જરુરી હે ”, મે કહ્યું પણ મારી વાત કોઇએ સાંભળી ન હતી. અને અમે પોલીસવાળા સાથે પ્લેનની બહાર આવી ગયા હતા...!! અમે બહાર નીકળ્યા અને અમારી પાછળ પ્લેનનો દરવાજો બંધ થયો હતો. અમને ટર્મીનલ પર પાછા લાવવામાં આવ્યા હતાં અને મારી આંખો સામે મારુ પ્લેન ઊડી ગયું હતું.

    એટલામાં જ મારો ફોન વાગ્યો હતો. નેનાનો જ હતો. હું ફોન ઊપાડું એ પહેલા જ પોલીસવાળાએ મારો ફોન જુટવી લીધો હતો.

    “સર, અરજંટ કોલ હે”, મેં આજીજી કરી હાતી પણ એણે ફોન કટ કરી, સ્વીચ ઓફ કરી પોતાની કસ્ટડીમાં લઇ લીધો હતો. ત્યાંથી અમને પોલીસની જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં. અને એ કોઇ સાદું પોલીસ સ્ટેશન ન હતું પણ ક્રાઇમ બ્રાંચની ઓફિસ હતી. હું ખરેખર કોઇ મોટી મુશ્કેલીમાં મુકાયો હતો.

    હું ક્યાં ફસાઇ ગયો હતો અને મુદ્દાની વાત તો એ હતી કે મારી ધરપકડ કેમ કરાઇ હતી? મુંબઇ થી અમદાવાદ જવા માટે નીકળ્યો હતો અને ક્રાઇમ બ્રાંચની ઓફીસમાં આવી પટકાયો હતો. ત્યાં મારી વાઇફને એડમીટ કરેલી હતી અને હુ અહીંયા કાંઇ લેવા-દેવા વગરનો ફસાઇ ગયો હતો. પોલીસ સ્ટેશનમાં થોડીવાર માટે રીકી સાથે મને એકલતા મળી એટલે મેં પુછ્યું. મટકી હજુ તેના હાથમાં જ હતી.

    “તે મારી સામે આંગળી ચીંધી હતી. તને પોલીસવાળાએ શું પુછ્યું હતું?”,

    “મને પોલીસવાળાએ એમ પુછ્યો હતો કે તુ અહીયા કોને ઓળખે છું”,

    “તો તેં મારી સામે આંગળી ચીંધી દીધી?”,

    એણે બેશરમની જેમ ડોકું ધુંણાવી હા પાડી હતી.

    “અરે પણ, હું તને ક્યાં ઓળખું છું? અને તુ મને ક્યાં ઓળખે છે?”, મે ગુસ્સાથી કહ્યું હતું

    “ઓળખે તો છું. તે અને મેં ટર્મિનલ પર વાતુ કરી. તુ મને તારો રૂમાલ આપ્યું. તુ મરુ પીઠ થાબડ્યું હતું”,

    “અરે, એ તો એમજ..” મેં માથુ કુટ્યું હતું . માથું પકડી હુ થોડીવાર માટે બેઠો રહ્યો હતો..!!

    “ઓકે, તને ક્રાઇમ બ્રાંચે કેમ પકડ્યો છે? તું કોઇ ગેરકાયદેસર ધંધામાં છે?”, મેં શંકાથી પુછ્યું હતું.

    “ઇ તો મને પણ ખબર નઇ પડતું કે મને પોલીસે શા માટે પકડી છે”, એણે બીંદાસ જવાબ આપ્યો હતો “અને...હુ કોઇ ગેરકાયદેસર ધંધામાં નથી..”

    “શું? તને ખબર નથી કે તને શું કામ પકડ્યો છે? ઓહ માય ગોડ...”, હું બબડ્યો હતો.

    થોડી વારમાં ક્રાઇમ બ્રાંચ ઇન્સપેક્ટરનાં કેબીનમાં અમને બોલાવવામાં આવ્યા હતા. ઇંસપેક્ટરે જણાવ્યું હતું કે એ લોકોને બાતમી મળી હતી કે મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટ થવાનાં હ્તા અને એનો માસ્ટર માંઇડ એહમદ અંસારી મુંબઇ છોડી અમદાવાદ જવાનો હતો. બાતમીને આધારે એ લોકોએ રીકીને પકડી લીધો કારણ કે એ લોકોને લાગતું હતુ કે એ માસ્ટર માંઇડ રીકી હતો. રીકી શંકાનાં દાયરામાં હતો.

    એ વાત સાંભળીને મારા તો મોતીયા જ મરી ગયા હતાં. હું એક બોમ્બ બ્લાસ્ટનાં માસ્ટર માંઇડ એહમદ અંસારી સાથે બેઠો હતો. મેં રેકી સામે જોયું હતું. એ કોઇ એંગલથી આતંકવાદી લાગતો તો ન હતો, પણ શું ખબર આજકાલ કોણ આતંકવાદી નીકળે છે કેમ ખબર પડે..!!

    પછી એ લોકોએ રીકીની પુછ-પરછ શરુ કરી હતી. બળજબરીથી એ લોકોએ રીકીનાં હાથમાંથી મટકી જુટવી લીધી હતી. રીકીનો તમામ સામાન ચેક કર્યો હતો. ઊપરથી રીકીને મારવાની શરૂઆત કરી હતી, અને માર વધી રહ્યો હતો. રીકી આજીજી કરતો રહ્યો હતો કે એ એક એનઆરઆઇ છે અને ઇંડીયામાં કામ શોધવા માટે આવ્યો હતો. એ અમદાવાદ સાબરમતી નદીમાં એના પપ્પાની અસ્થી પધરાવવા જઇ રહયો હતો. એની વાત કોઇ સાંભળતું ન હતું અને બધા મળી ને મારી રહ્યા હતા. પછી મારો વારો હતો એમ પણ તેઓ વચ્ચે-વચ્ચે કહી રહ્યા હતા. રીકીનાં નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. થોડો- થોડે બેભાન જેવો થઇ ગયો હતો. કોઇ પણ એની વાતની પરવા કર્યા વગર ઢોરની જેમ મારી રહ્યા હતા. રીકી જેમ-તેમ ઢસરાતો ઢસરાતો મટકી પાસે આવ્યો હતો અને મટકી હાથમાં લઇ લીધી હતી. એણે બે મીનીટની પરવાનગી માંગી હતી અને મટકી હાથમાં ટાઇટ પકડી બોલ્યો હતો “આમાં મારા ડેડીનું અસ્થી છે. હું આ અસ્થી સાબરમતી નદીમાં પધરાવવા જઇ રહ્યુ છું, હું આ અસ્થીનું કસમ ખાઇને કહુ છુ કે હુ કોઇ આતંકવાદી નથી. હું રીતેશ પટેલ છુ. રીતેશ પટેલ ફ્રોમ સેન ફ્રાંસીસ્કો”, એટલું બોલી રીકી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો હતો.

    “જો ડેડી, તું મને કહેતું હતુ કે ઇંડીયા જાજે, ત્યાનું થઇ ને રહેજે. પણ આ લોકો તો મને આતંકવાદી કહે છે અને મારે છે”, એણે મટકીની સામે જોઇ ને કહ્યું હતું.

    મેં રીકી સામે જોયું હતું. એ એના પપ્પાને બહુ પ્રેમ કરતો હતો. અને અત્યારે પપ્પાને બહુ યાદ કરી રહ્યો હતો. એક એનઆરઆઇની આવી કફોડી હાલત થઇ ગઇ હતી. હવે મારાથી વધારે જોઇ શકાય એમ ન હતું. મને રીકી પર ખુબ જ દયા આવી ગઇ હતી. એ લોકો રીકીને પાછો મારવા જઇ રહ્યા હતા ત્યાં મે બૂમ મારી.

    “બસ. આપ લોગ એસે કીસીકો ખાલી સક કે દાયરેમેં માર નહી શકતે. આપ કે પાસ રીમાંડ કે ઓર્ડર્સ નહી હે..ઔર આપ કે પાસ એરેસ્ટ વોરંટ ભી નહી હે. અભી આપ લોગ જો કર રહે હો વો ગલત હે ઔર યે આપ લોગ ભી અચ્છી તરહ સે જાનતે હો....”, મે કડકાઇથી કહ્યું હતું.

    ક્રાઇમ બ્રાંચનો ઇંસપેક્ટર મારી સામે તાકી રહ્યો હતો. મારી વાત સાંભળીને એની આંખોનાં ડોળા બહાર આવી ગયા હતા.

    “મેં સુજીત જૈન હું”, મે કહ્યું હતું અને મારૂ નામ સાંભળીને એની આંખોના ડોળા થોડા વધારે બહાર આવી ગયા હતા. “અગલી દસ મીનીટો મેં અચ્છે સે અચ્છે વકીલો કી લાઇન કર દુંગા ઔર આપ સબ લોગ મુસીબત મેં આજાઓગે”

    “ક્યા? આપ સુજીત જૈન હો?“, ઇન્સપેક્ટર બોલ્યો પછી તેના લોકોની સામે જોઇને બોલ્યો “અરે ગધો, કીસ કો અરેસ્ટ કિયા હે? યે સુજીત જૈન હે...સુજીત જૈન. એસ.જે ગ્રુપ કે માલીક. એક જવાબદાર નાગરીક. યે એક બીઝનેસમેન છે, ઔર બહુત નામદાર ઇંસાન હે”

    પછી મારી સામે જોઇને બોલ્યો હતો “સર, વી આર એક્ષટ્રીમલી સોરી. કોઇ ગલતફેમી હો ગઇ હે.... હમારી વજહ સે આપકી ફ્લાઇટ મીસ હો ગઇ” એણે દિલગીરીપુર્વક કહ્યું હતું.

    “લેકીન, આપ ઇસ અહેમદ અંસારી કે સાથ કૈસે?”,

    “અરે, યે કોઇ અહેમદ અંસારી નહી. યે રીતેશ પટેલ છે ઔર મુજે મીલને અમેરીકા સે આયા હે. અબ, મહેરબાની કર કે હમે યહાં સે છોડો”

    “ઓકે સર”, ઇંસ્પેકટરે કહ્યું હતું અને રીકીની બાંહેધરી મારી પાસે માંગી હતી. અને ખબર નહી શું પણ મેં રીકીની બાંહેધરી લીધી હતી હું રીકીને ઓળખતો હતો અને એ કોઇ અહમદ અંસારી ન હતો. એ કામની તલાશમાં મને મળવા આવ્યો હતો.

    આખરે અમે ક્રાઇમ બ્રાંચની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. સાડા સાત અહીંયા જ વાગી ગયા હતા. આ સમયે તો હું અમદાવદ પહોંચી જવો જોઇતો હતો. ક્રાઇમ બ્રાંચ ડ્રામા પુરી બે કલાક ચાલ્યો હતો. પણ, રીકીની થોડી ધોલાઇથી મજા આવી હતી...

    મારો મોબાઇલ સ્વીચ ઓન કરી પહેલો ફોન નેનાને જોડ્યો હતો.

    ફોન ઊપડતાની સાથે જ નેનાએ બુમ પાડી હતી “અરે જીજાજી તમે ક્યાં છો? અમદાવાદ પહોંચ્યા કે નહી? એક ફોન નહી કે કોઇ એસએમએસ નહી અને ઊપરથી તમારો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તમે છો ક્યા?”

    નેનાની બુમો કાનમાં એવી તો અથડાતી હતી કે મારે મોબાઇલ જ કાનથી પાંચ ઇંચ દૂર રાખવો પડ્યો હતો.

    “મારી ફ્લાઇટ મીસ થઇ ગઇ છે”,

    “તો હવે?”, નેનાએ પાછી બૂમ મારી હતી. સાલી, નાનપણમાં માઇક ગળી ગઇ હોય એવું લાગતું હતું.

    “હવે...” હુ જવાબ આપું એ પેલા તો મારી સામે લાલ કલરની ટુ સીટર ગાડી હતી જેમા ડ્રાઇવીંગ સીટ પર રીકી બેઠો હતો અને મને ઇશારા કરી રહ્યો છે કે હું ગાડીમાં બેસી જાઉં.

    “તો હવે?”, નેનાએ ઊઘરાણી કરતા કહ્યું હતું.

    “હવે અમે કારથી આવીએ છે”, મે કહ્યું હતું

    “અમે એટલે? બીજુ કોણ?”, નેનાએ પાછી બૂમ મારી અને મેં ફોન કાનથી દસ ઇંચ દૂર રાખી દિધો હતો.

    “ મારી સાથે મારો દોસ્ત છે...તુ એ છોડ અને મને કહે કે શીતલની તબીયત કેમ છે?”, મેં પુછ્યું હતું.

    “શીતલ તો અંદર છે. ડોક્ટર કહે છે કે બહુ કોમ્પલીકેટેડ ડીલીવરી છે. બે કલાક થઇ ગયા પણ કાંઇ વાંધો નહી આવે. બસ તમે જલ્દી આવો. શીતલ તમને ખુબ જ ગાળો દે છે”

    મે શીતલને પ્રોમીસ આપ્યું હતું કે તેની ડીલીવરી વખતે હું કોઇ પણ સંજોગોમાં દુનીયાનાં કોઇ પણ ખુણામાં હોઇશ તો પણ હાજર રહીશ. પણ, હવે તો મારી ગેરહાજરીમાં જ બાળકનો જન્મ થઇ જવાનો હતો. શીતલ અને નેના મને આખી જીંદગી સંભળાવવાનાં જ હતા...

    “ઓકે. હું રસ્તામાં જ છુ”, એમ કહી મેં ફોન મુક્યો હતો.

    હું મારી લેપટોપ બેગ પાછલી સીટ પર મુકી ડ્રાઇવરની બાજુની સીટ પર ગોઠવાયો હતો. અને રીકીએ ગાડી ગેરમાં પાડી અને અમે આખરે અમદાવાદ જવા રવાનાં થયા હતાં. થોડીવારમાં તો અમે વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઇવે પર હતાં. વાહ, સાંજનાં સાડા સાત વાગ્યા હતાં, મસ્ત ઠંડો પવન આવતો હતો, ગાડી પણ રૂફ વગરની મોંઘી દાટ બેંટ-લી હતી. અને જો આ જ ગતીથી ગાડી ચાલશે તો અમે સાડા ચાર થી પાંચ કલાકમાં એટલે કે રાત્રે બાર વાગ્યા સુધીમાં અમદાવાદ પહોંચી જઇએ એમ હતું. આમ જોવા જઇએ તો મારી એ ફ્લાઇટ ક્યારની લેંડ કરી ગઇ હશે, અને અત્યારે જો બધુ નોર્મલ ચાલ્યુ હોત તો તો હું શીતલની પાસે હોત..!! પણ, નસીબ..!! મને ઊંઘ ચડી ગઇ હતી.

    મારી આંખ ઊઘડી ત્યારે રીકી કાનમાં ઇયર ફોન ભરાવી ગાડી ચલાવ્યે જ જઇ રહ્યો હતો. એટલો માર પડ્યો હતો તોય સાલાને કાંઇ ફર્ક જ પડ્યો ન હતો. ઊંઘમાંથી બરાબર બહાર આવતાં જ મારા મનમાં રહસ્યમય સવાલ એ આવ્યો હતો કે આ કાર કોની હતી? એટલે મેં એના કાનમાંથી ઇયર ફોન ખેંચ્યા હતા અને કાર વિશે પુછ્યુ હતું તો એણે જે કહ્યું હતું એ સાંભડીને મને લાગ્યું હતું કે બીજી કોઇ મોટી મુશીબત મારી રાહ જોઇ રહી હતી. એણે કહ્યું હતું કે આ કાર ક્રાઇમ બ્રાંચ ઓફીસની થોડી આગળ એક ડિસ્કો થેક છે ત્યાં પડી હતી અને એમાં ચાવી હતી એટલે રીકીએ ઉઠાવી લીધી હતી. એ પાછો બંદુક મારા ખભ્ભે રાખીને ફોડતો હતો, મને કહેતો હતો કે એણે કાર મારા માટે ઉઠાવી હતી. મારી વાઇફ પ્રેગ્નંટ હતી અને મારે ઓલરેડી લેટ થઇ રહ્યું હતું. મેં તેને અધીરાઇથી મહિતી પુરી પાડી હતી કે એ બેન્ટ લી કાર હતી અને આવી કાર કોઇ મોટી હસ્તીની જ હોઇ શકે. કોઇ મોટા ઉધ્યોગતી, કોઇ સેલેબ્રીટી કે કોઇ રાજકારણીનું ઓલદ ડિસ્કોમાં આવ્યુ હશે અને કાર ઊપડી ગઇ હતી. થોડી જ વારમાં કાર ચોરીની ચર્ચા આખા દેશમાં ફેલાઇ જશે અને આગલી થોડી જ વારમાં અમે પકડાઇ જશું એ નક્કી હતું. હું પણ મૂર્ખ હતો કે આની સાથે બેસી ગયો હતો. બેસતાં પહેલા એક વાર પુછ્યું પણ નહી કે એ કારનો શું વહીવટ હતો. સાંજનાં નવ વાગી ગયા હતા અને અમે મુંબઇ થી ખાસ્સુ દૂર નીકળી ગયા હતા. રોડ પર સખત અંધારુ હતું અને ગાડી સો થી પણ વધારે ગતીથી ચાલી રહી હતી. હું જાઉં તો પણ ક્યાં જાઉં એવી પરીસ્થીતી હતી. બરાબરનો ફસાયો હતો. મેં રીકીની સામે જોયું હતું, એ તો બિન્દાસ પાછો એયર ફોન કાનમાં ભરાવી બેંટ લી ચલાવવાની મજા લઇ રહ્યો હતો. એની મટકી એના ખોડામાં હતી.

    “મારૂ ડેડીનું હમેશાં વીશ હતુ કે હું એક દિવસ બેન્ટ લી ડ્રાઇવ કરું”, રીકીએ હવાથી આવતા અવાજને લીધે જોરથી કહ્યું હતું.

    “અરે પણ ડોબા,તારુ ડેડીનું વીસ એમ હશે કે તુ તારી બેંટ લી ચલાવે”, મારે કહેવું હતું પણ કિધું નહી.

    હું ચુપ રહ્યો હતો અને મારે ત્યારેશું કરવુ જોઇએ એ જ વિચારવા લાગ્યો હતો.

    “એક કામ કર”, મેં રીકીને કહ્યું હતું “આગળ હાઇ વે પર કોઇ ધાબો કે હોટલ આવે એટલે તું મને ત્યાં ઉતારી દેજે. હું મારી રીતે અમદાવાદ પહોંચવાની વ્યવસ્થા કરી લઇશ”,

    “તુ બહુ ડરપોક છે”, રીકીએ મારી મજાક ઉડાડી હતી “તું ટેંશન શું કામ કરી રહી છે? તને મારી પર વિશ્વાસ નથી”

    મેં થોડીવાર એની સામે જોયું અને કહ્યું હતું “ના, નથી. મને તારા પર જરા પણ વિશ્વાસ નથી”

    “ઓકે..”એમ કહી એણે કાનમાં ઇયર ફોન ભરાવી દિધા હતા.

    અમે ગુજરાતની ખાસ્સા અંદર આવી ગયા હતા. ખુશીની વાત તો એ હતી કે હજુ સુધી બેંટ લી નાં અનુસંધાનમાં કોઇ સમાચાર આવ્યા ન હતાં. મેં મારા ફોનમાં સમાચાર જોયા હતાં, હવે ફોનમાં બેટરી મરવા પર હતી અને રાતનાં દસ વાગી ગયા હતા. રીકી અડધી નીંદરમાં ગાડી ચલાવતો હતો એટલે ડ્રાઇવીંગની જવાબદારી મેં લીધી હતી. એ તો પાંચ જ મીનીટમાં ખરાટાં લેતો સુઇ ગયો હતો.

    કોઇ સારો ધાબો કે હોટલ આવે કે ન આવે પણ એ પહેલા આગળ પોલીસ ચેક પોસ્ટ પર કોઇ ચળવળ દેખાઇ રહી હતી અને કયદેસર મારો પસીનો છુટી ગયો હતો. મેં ગાડી ધીમી કરી હતી અને બીજી ગાડીઓની લાઇનમાં ઊભી ગયો હતો. એક પછી એક ગાડીઓનું ચેકીંગ થઇ રહ્યું હતું. શું હશે? મેં રીકીને ઉઠાડ્યો હતો પણ એ તો એની ટોપી મોંઢા પર રાખી સુઇ ગયો હતો.

    ચેકીંગમાં મારો વારો આવ્યો એટલે રીકીએ ઉઠવું જ પડ્યું હતું. પેલા તો એ લોકો થોડીવાર તો કાર જ જોયા કર્યા હતા. આવી કાર બહુ ઓછી જોવા મળે એટલે હશે..!! અમને ઉતારી ગાડી ચેક કરી અને પછી ડીક્કી ખોલવા કહ્યું હતું અને....અને મોટો ખેલ શરુ થયો હતો. ડીક્કીમાં બીયર અને દારુની બોટલો હતી. ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને ગાડીમાં દારુ પકડાવો એટલે કેસ પાસામાં જ ચાલ્યો જાય એ વાતમાં કોઇ બે મત ન હતા. અમારા પર આલ્કોહોલની દાણચોરીનો ગુનો બનશે એ નક્કી હતું. ડીક્કીમાં દારુ જોઇને મને એક પીક્ચર દેખાયું હતું જેમાં આવતી કાલનાં ન્યુઝ પેપરમાં હું અને રીકી ઊભડક ગોઠણભેર બેઠાં હોય, સામે બધી બીયર અને દારૂની બોટલો પાથરેલી હોય અને આજુ-બાજુ અને પાછળ મોટી-મોટી ફાંદવાળા પોલીસવાળાઓ ઊભા હોય. ન્યુઝની હેડલાઇન હોય ‘મુંબઇના પ્રતીષ્ઠિત બીઝનેસમેન સૂજીત જૈનની મુંબઇ થી ગુજરાતમાં દારૂની હેરાફેરીનાં ગુનામાં ધરપકડ’. દરેક ન્યુઝ ચેનલમાં સમાચાર આવશે. હિન્દીમાં આવશે “મુંબઇ કે ગુજરાતી બીઝનેસમેન સૂજીત જૈન સલાખો કે પીછે. રંગે હાથ દારૂકી તસ્કરીમે પકડે ગયે સૂજીત જૈન”. ઇંગ્લીશમાં આવશે “મુંબઇ બેસ્ડ ગુજરાતી બીઝનેસમેન મીસ્ટર સૂજીત જૈન બીહાઇંડ ધ બાર્સ. હી વોઝ કોટ રેડ હેંડેડ સ્મગલીંગ આલ્કોહોલ ફ્રોમ મુંબઇ ટુ ગુજરાત”

    આ સમાચાર આવતાં જ મારી કંપનીનાં શેરનાં ભાવ કકડભુસ થઇને નીચે આવશે. મારી આબરૂ લુટાઇ જશે, હું બરબાદ થઇ જઇશ. મેં અત્યાર સુધી જે ઇજ્જત કમાઇ હતી તે તાશનાં ઘરની જેમ પડી જવાની હતી. આ બધું પેલા રીકીને લીધે થયું હતું.

    હું વિચારમાં પડ્યો હતો એટલામાં મારા ફોનની રીંગ વાગી હતી અને હું વાસ્તવિકતામાં પરત ફર્યો હતો. બેટરી મરવા પર હતી અને નેનાનો ફોન આવતો હતો. મેં અચકાતાં - અચકાતાં ફોન ઉપાડ્યો હતો.

    “જીજાજી ક્યાં છો તમે?”, નેનાએ પહેલા બૂમ પાડી હતી “તમે ક્યાં છો? અમદાવાદ થી આવો છો કે લાસ વેગાસથી? કેમ આટલી વાર?”

    “નેના, સાંભળ. હું એક પ્રોબ્લેમમાં ફસાઇ ગયો છું. મારા મોબાઇલની બેટરી પણ મરવા પર છે અને મેં બેટરી બેક અપ પણ નથી લીધું”

    “જીજાજી શું થયુ?”, નેનાએ ગભરાતાં પુછ્યું હતું

    “એ બધુ પછી કઇશ. તું મને અત્યારે એમ કહે કે શીતલને કેમ છે?” મેં મોબાઇલ બંધ થઇ જાય એ પહેલા કહી દિધું હતું.

    “બેબી ગર્લ આવી છે. એકદમ તમારા જેવી જ લાગે છે. યુ આર અ ફાધર ઓફ અ ક્યુટ બેબી”, નેનાએ કહ્યું હતું

    હું ખુશ થઇ ગયો હતો અને આનંદથી કશું બોલવા જાઉં એ પહેલા ફોન ડેડ થઇ ગયો હતો. હું પપ્પા બની ગયો હતો. પણ, શું ખબર મારી બેબી ગર્લ ને ક્યારે જોઇ શકીશ?

    “ચલો ચલો જીપમાં બેસો”, ગુજરાત પોલીસનો હવલદાર બોલ્યો હતો.

  • એટલામાં તો પાછી અફડાતફડી મચી ગઇ હતી. અને મને પાછળથી જોરદાર ધક્કો લાગ્યો હતો. રીકીએ મને ધક્કો માર્યો હતો અને હું રોડ સાઇડ પર પછડાયો હતો. રીકી ફટાફટ ઉપરથી કારમાં કુદયો હતો અને ગાડી ચાલુ કરી પોલીસ બેરીયર તોડીને ભાગ્યો હતો. આગળ ટ્રાફિક ન નળ્યો કારણ કે અમારી પાછળ લાઇન લાગી હતી આગળ તો ખાલી જ હતું. આગળ ખાલી થોડા બેરીયર જ હતા કે જે રીકીએ હવામાં જ ઉડાડી દીધા હતાં. હું તો જોતો જ રહી ગયો હતો અને પોલીસવાળા પણ..!! હું તો હજી રોડ પર જ પડ્યો હતો અને થોડી જ સેકન્ડોમાં રીકી દેખાતો પણ બંધ થઇ ગયો હતો. પોલીસમાં અફળાતફળી મચી ગઇ હતી અને રીકીનો પીછો કરવા પોલીસની જીપો પણ દોડી પડી હતી. મને ત્રણ હવલદારોએ કસથી પકડી લીધો હતો. મને કપાળનાં દાબા ખુણા પર લાગ્યું હતું, થોડું લોહી પણ નીકળ્યુ હતું. કોઇ એ મારી પરવા પણ કરી ન હતી. મારુ ઇનશર્ટ અડધું બહાર અને અડધું અંદર થઇ ગયું હતું. મારો વાઇટ શર્ટ એકદમ માટી વાળો થઇ ગયો હતો. ટાઇ પણ ગળેથી ખાસ્સી નીચે ઉતરી ગઇ હતી. વાળ પણ એકદમ વીખરાઇ ગયેલા. જો મને આ હાલતમાં મારી કંપનીનો સ્ટાફ જુવે તો ઓળખે પણ નહી. મેં માથુ પકડ્યું મારા સુટનો કોર્ટ અને લેપટોપ તો ગાડીમાં જ પડ્યાં હતા.

    આ બાજુ મને તાબડતોડ હથકડી પહેરાવી દીધી હતી. મારા હાથમાં હથકડી જોઇ ને મને લાગ્યું કે આનાથી ખરાબ તો મારી લાઇફમાં કશું હોય જ ન શકે. મારી દિકરીનો બર્થ ડે હું જીવું ત્યાં સુધી મને ક્યારેય નહીં ભુલાય. દિકરીતો લકી હોવી જોઇએ પણ મારી દિકરી તો મારા જીવનમાં આવતા પહેલા અને આવતાંની સાથે જ મારા પર મોટી મોટી મુશીબતો તોડી પાડી હતી.

    મને બે જણાએ પકડીને પોલીસની જીપમાં બેસાડ્યો હતો અને એક હાથની હથકડી છોડી જીપનાં છાપરાનાં પાઇપ સાથે લોક કરી જીપ છોડીને જતાં રહ્યા હતા.

  • આમ ને આમ ગાડીમાં બેઠાં-બેઠાં બે કલાક પસાર થઇ ગયા હતા. એક હાથ સતત ઊંચો રહેવાથી દુખવા માંડ્યો હતો અને હાથનાં કાંડામાં હથકડીને લીધે ચાંઠા પડી ગયા હતાં. જીપમાં એકદમ અકળામણ થઇ રહી હતી. ખુબ જ તરસ પણ લાગી હતી, આંખો બળી રહી હતી, કપાળ પર લાગ્યું હતું ત્યાં લોહી જામી ગયું હતું અને દુખાવો પણ થતો હતો.

    થોડીવાર પછી બે પોલીસવાળા આવ્યા હતા, ગાડી ચાલુ કરી અને અમદાવાદ રોડને બદલે પાછા મુંબઇ રોડ પર ચડ્યા હતા. મને સુરત લઇ જતાં હતાં. હું તો એક હાથે મારું માથું પકડીને બેસી રહ્યો હતો. મારી વાત સાંભળવા જ કોઇ તૈયાર જ ન હતું. રીકીનાં ભાગવાથી એ લોકોની નજરમાં હું ગુનેગાર સાબીત થઇ ગયો હતો. હવે કશું થઇ શકે એમ ન હતું. એ લોકો હવે કઇ-કઇ કલમો દાખલ કરીને કોર્ટનાં ધક્કા ખવરાવશે એ તો ભગવાન જ જાણતો હતો...!!

    જેવી ગાડી થોડી હાઇવે પર ચડી અને ચાર પાંચ કીલોમીટર ચાલી હશે કે પોલીસવાળાઓએ રોડ સાઇડ પર આવેલા ધાબા પર ઊભી રાખી હતી...જમવા માટે! મેં તો છેલ્લે ક્યારે પાણી પીધું હતું એ પણ યાદ ન હતું. આ લોકો તો જમવાનો પણ આગ્રહ નહી કરે..!! અમદાવદ ત્યાંથી આશરે માત્ર પચાસ કિલોમીટર દૂર હતું. મારી મંઝીલ માત્ર પચાસ કીલોમીટર દૂર હતો અને હું મંઝીલ થી દૂર જઇ રહ્યો હતો.

    જીપ સાઇડ પર રાખી પોલીસવાળાઓ ખાવામાં વ્યસ્ત હતા એટલામાં જીપનો પાછળનો દરવાજો ખુલ્યો હતો અને હું ચોંકી ગયો હતો. મારું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું. મારી સામે રીકી ઊભો હતો. એ સપનુ હતું કે હકીકત કાંઇ સમજાતું ન હતું. એના હાથમાં મટકી હતી પણ બેગ ન હતી. મારું લેપટોપ? ઓ માય ગોડ, મારુ લેપટોપ તો બેંટ લી માં જ હતું. મારા લેપટોપમાં મારો આખો બીઝનેઝ હતો.

    “તને શું લગ્યો હું તને છોડીને ભાગી જઇશ?”, રીકીએ હસતાં કહ્યું હતું

    મેં કાંઇ જવાબ આપ્યો ન હતો. હવે આ શું કરશે એ સમીકરણો પર મેં મનોમન પ્રકાશ પાડ્યો હતો.

    “હું તારું મિત્ર છું, તુ મારી લીધે મુશીબતમાં મુકાયું છે એટલે હું જ તને આમાંથી બહાર કાઢીશ” રીકીએ ગર્વથી કહ્યું હતું.

    આટલુ કહી એ જીપની ડ્રાઇવર સીટ પર ગોઠવાયો હતો અને મને જે વાતની પેટમાં ફાળ હતી એ ફાળ સાચી પડી હતી. એણે ગાડી ચાલુ કરી અને પેલા ગેરમાં નાંખી. અને હું કશું બોલુ એ પહેલા તો ગાડી પાછી અમદાવાદ રોડ પર હતી. પોલીસવાળા ખાટલા પર બેસી જમતાં હતા એ પાછળ દોડ્યા હતા અને આ શું ફાઇરીંગ થઇ રહ્યું હતું? બે-ત્રણ ગોળી જીપ સાથે ટકરાઇ હતી પણ રીકી તો રોકવાનું નામ જ લેતો ન હતો. ફાઇરીંગ બંધ થયું એટલે મેં ડોક ઉપર કરી હતી. મારું તો મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. ક્યાં ફસાઇ ગયો હતો સૂજીત જૈન..!! આ માણસ મને ઊંમર કેદ કરાવીને જ જંપશે એ વાત નક્કી હતી! મારા મગજમાં એક સાથે કેટલા સવાલો હતા. સૌથી પહેલો સવાલ એ હતો કે રીકી અહીંયા હતો તો પછી બેંટ લી ક્યાં હતી? બીજો એ હતો કે રીકી અહિંયા કેમ પહોંચ્યો હતો અને મુદ્દાની વાત એ હતી કે એને કેમ ખબર પડી હતી કે હું અહિંયા હતો? અને મારું લેપટોપ ક્યાં હતું?

    હું પોલીસની જીપમાં અમદાવાદ તરફ આગળ વધી રહ્યો હતો. રીકી ઝીગ-ઝેગની જેમ એક સો ચાલીસની સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો અને અચાનક થોડું આગળ ગાડી ઊભી રાખી હતી. ગાડીમાંથી ઉતરી મોટો પત્થર લઇ એણે હથકડી તોડવાની વ્યર્થ કોશીશ કરી હતી. પોલીસ બેરીયર થોડું જ આગળ હતું અને એ પહેલા હથકળીમાંથી છુટકારો મેળવવો જ રહ્યો હતો. હથકડી તો ન તુટી પણ જીપનો પાઇપ જ તોડી નાંખ્યો હતો. હથકડી તો એમજ લટકાઇ રહી હતી મારા હાથમાં..!!. એ પાછો સીટ પર ગોઠવાયો અને ગાડી ચાલુ કરી હતી.

    “તુ હવે ગભરાતી નહી”, રીકીએ મને કિધું હતું

    હું તો હજી શોકમાં જ ડુબેલો હતો કેમ કે મારા પર ફાઇરીંગ થયું હતું અને હજી થવાની પુરી શક્યતા હતી. મારા ખરાબમાં ખરાબ સપનામાં પણ મેં જોયુ ન હતું કે મારા પર ક્યારેય ફાયરીંગ થશે..!!

    “મને ખબર છે તારુ મગજમાં ઘણી બધી સવાલ છે. બધા નો જવાબ આપીશ અમદાવાદ પહોંચીને”, રીકીએ કહ્યું અને ગાડી ભગાવી મુકી હતી.

    મને લાગતું ન હતું કે અમે જીવતા અમદાવાદ પહોચીશું. પોલીસ બેરીયર નજીક આવ્યું કે રીકીએ સ્પીડ વધારી હતી. પોલીસવાળા પણ સમજી શકતાં ન હતા કે આ શું ચાલી રહ્યુ હતું. ગાડી બેરીયરથી પસાર થઇ ગઇ હતી. પાછળ અમારી જીપનો પીછો થઇ રહ્યો હતો અને સાથે-સાથે ફાઇરીંગ પણ થઇ રહ્યુ હતું. હું ફાઇરીંગથી બચવા માટે જીપમાં આમ થી આમ ગોથા ખાઇ રહ્યો હતો.

    “તને સ્વીમ કરતાં આવડે છે?”, રીકીએ આટલી સ્પીડમાં પુછ્યું હતું

    હવે શું કરવાનું હતું? તરતા આવડે છે એમ શું કામ પુછતો હતો?

    “તને સ્વીમ કરતાં આવડે છે?”, રીકીએ જોરથી રીપીટ કર્યું હતું

    “હા આવડે છે, પણ...” હું કાઇ બોલુ એ પહેલા એણે મને કાપ્યો હતો

    ફાઇરીંગ હજી ચાલુ જ હતું અને ગાડીની ગતી એક સો પચાસની સ્પીડથી પણ વધારે હતી.

    “ચાલ જલ્દી આગળ આવી જા” એણે ઉતાવળમાં કહ્યું હતું

    “કેમ?”, મેં ગભરાઇને પુછ્યું હતું

    “તુ વધારે સવાલ ન કર, અને ફટાફટ આગળ આવ”, એણે ગુસ્સામાં કહ્યું હતું

    હું જીપમાં ને જીપમાં પાછળની સીટ પરથી ડ્રાઇવરની બાજુની બાજુની સીટ પર આવી ગયો હતો.

    “વેરી ગુડ..” એ બબડ્યો હતો.

    એના ખોડામાં મટકી હતી તે એણે એક હાથમાં લઇ લીધી હતી. એટલામાં પોલીસને બે જીપો અને ત્રણ બાઇક અમારી નજીક ધસી રહ્યા હતા. અમને રોકવા માટે વારંવાર ફાઇરીંગ પણ થઇ રહ્યું હતું.

    અમારી ગાડી કોઇ નદીનાં બ્રીજ પર આવી ગઇ હતી.

    “હવે શું કરવાનું છે?”, મે પુછ્યું હતું.

    અને રીકીએ જે કહ્યું એ સાંભળીને મારા હાથ પગ ખોટા થઇ ગયા હતા. અને હું કાંઇ બોલુ એ પહેલા પોલીસની બાઇક પરથી ફાયરીંગ થયું હતું અને ગોળી સીધી રીકીનો હાથ સ્ટીયરીંગ પર હતો એ કાંડા પર ટચ કરી મારા હાથમાં હથકડી ને ટચ કરી પસાર થઇ ગઇ હતી. રીકીને ગોળી વાગી હતી. રોડૅ રીકીની સાઇડ પર બાઇક પરથી ફાઇરીંગ ચાલુ હતું, પાછળ આવતી જીપોમાંથી ફાઇરીંગ ચાલુ હતુ. ગોળીઓનો વરસાદ થતો હતો. એક ગોળી અને ભગવાનને પ્યારા એવી પરીસ્થીતી હતી.

    જેવું એક બાઇક રીકીની નજીક આવી ગયું હતું અને નીશાનો રીકી તરફ જ હતો એટલામાં રીકીએ જીપ નદીના બ્રીજ પરની દીવાલ સાથે અથડાવી દીધી હતી, દિવાલ તુટી અને રીકી ચિલ્લાયો “સૂજીત જંપ...........” અને એટલામાં જીપની સાથે ૨૦૦ ફૂટથી પણ વધારે ઊંચાએથી નદીમાં...

    મેં અને રીકીએ સામ સામે જોયું હતું, એણે મટકી બન્ને હાથે કસીને પકડી હતી અને કુદી ગયો હતો. અને આખરે બીજું કોઇ વિકલ્પ ન બચતા હું પણ કુદયો હતો, હથકડી સાથે..!! બન્ને જીપની અલગ અલગ સાઇડમાં નીચે કુદ્યા હતા. પાણી સાથે મિલાપ થાય એ પહેલા મને ખુબ જ હસવું આવતું હતું. હજી અમારી ઉપર બ્રીજ પરથી ફાઇરીંગ તો ચાલું જ હતું.

    ‘ધબાંગ’... અમે આખરે પાણીમાં પડ્યા હતા. કુદતા પહેલા રીકીએ કહ્યું હતુ કે દાબી બાજુનાં કિનારા સાઇડ બહાર નીકળવાનું હતું. પાણી ખુબ જ ઠંડું હતું. જેમ-જેમ મહા મુશીબતે તરતાં – તરતાં કિનારે આવ્યો હતો અને આવતાની સાથે જ કિનારા પર જ લંબાઇ ગયો હતો. હાથમાં હથકડી હજી એમ ને એમ જ હતી. પાંચ મીનીટમાંતો રીકી પણ આવી ગયો હતો અને હાથ ખેંચી મને ઊભો કર્યો હતો. એના હાથમાથી થોડું-થોડું લોહી નીકળી રહ્યું હતું. ફટાફટ નીકળવું પડે એમ હતું કારણ કે પોલીસ માટે ત્યાં પહોંચવું કાંઇ અઘરું ન હતું.

    સવારનાં ચાર વાગી ગયા હતા. અને મારી ધેર્યતાનો અંત આવી ગયો હતો. કાલના ન્યુઝ પેપરમાં સમાચાર આવે કે સૂજીત જૈન ને કોઇનું મર્ડર કરી નાખ્યું તો જેનુ મર્ડર થયુ હશે એ આ માણસ જ હશે.

    “પેલા તું મને મારા સવાલોના જવાબ આપ”, મેં ગુસ્સમાં હાથ પાછો ખેંચી લીધો.

    “પછી કહીશ....”

    “શટ અપ યુ બાસ્ટર્ડ. મારે તારી સાથે નથી જવું. જસ્ટ ગેટ લોસ્ટ ફ્રોમ હીયર. ફોર ગોડ્સ સેક, નાવ લીવ મી અલોન.... માત્ર તારી અને તારી લીધે જ હું અહિંયા છું. મારો પીછો છોડ અને ચાલતો બન. મને તો તારી મટકીની અંદર જે તારો બાપ છે ને એના પર જ ગુસ્સો આવે છે કે એણે તારા જેવો ઓલાદ પેદા કર્યો. તારા જેવા લોકો આ દુનિયામાં પેદા જ શા માટે થતા હશે? સાલા બેવકુફ માણસ...મેંટલ...ડુ યુ હેવ લીટલ આઇડીયા વ્હુ એમ આઇ?” હું જેમ ફાવે તેમ બોલતો રહ્યો હતો.

    એ મારી સામે જોઇ રહ્યો હતો પછી બોલ્યો હતો “હું ગાંડુ નથી. મારુ ડેડી આખી દુનીયા સાથે લડી લડીને થાકી ગયું હતું એ સાબીત કરવા માટે કે હું ગાંડુ નથી...” એ અચકાયો હતો. એનો અવાજ રૂંધાઇ ગયો હતો. ગળામાં ડુમો ભરાઇ ગયો હતો.

    “જ્યારે હું નાનું હતુ અને બીજા કીડ્સ સાથે રમતું હતુ, એ કિડ્સ ના મોમ-ડેડીએ કિડ્સને મારી સાથે રમવાની ના પાડ્યું હતું. એણે કિધું હતું કે હું ગાંડુ છુ, એ વાત મારૂં ડેડી સાંભળી ગયું હતું અને એ લોકો સાથે ખુબ જ ફાઇટ કર્યું હતું. મારૂં ડેડી નેઇબર સાથે, સ્કૂલમાં એમ બધા સાથે ફાઇટ કરતું હતું એમ જણાવવા કે હું ગાંડુ નથી. એકવાર તો મારુ ડેડી ડોક્ટર પાસેથી સર્ટીફીકેટ પણ લઇને આપ્યું હતું કે હું ગાંડુ નથી. મારુ ડેડીનું એ વાત કોઇ માન્યો નહી. અને ફાઇનલી મારુ ડેડી ફાઇટ કરતાં કરતાં જ ડેડ થઇ ગયું”, એ અટક્યો. એણે થોડો ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હતું “હું ગાંડુ નથી”.

    એ મટકીને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો હતો “જો આજે મારું ડેડી જીવતી હોત તો તારી સાથે પણ ફાઇટ કર્યુ હોત!”,

    સાલો, એક નંબરનો ઇમોશનલ બ્લેકમેઇલર હતો. મારૂ મન પીગળી ગયું હતું. મેં ઊભા થઇ ને એને ગળે લગાવી લીધો હતો.

    “બસ કર રોવાનું અને હવે શું પ્લાન છે એ કહે?”, મે કહ્યું હતું

    રીકીના પ્લાન મુજબ અમે ત્યાંથી ચાલતા થયા હતા. અમારે બે કિલોમીટર ચાલવાનું હતું. મેં એને આખી ઘટનાંનું વર્ણન કરવા કહ્યું હતું. એણે જે કિધું એ સાંભળીને થોડીવાર તો શ્વાસ જ અધ્ધર રહી ગયા હતા. બેંટ લી લઇને ભાગી ગયા પછી એણે અમે જે બ્રીજ પરથી કુદયા એ બ્રીજથી અમદાવાદ બાજુ બે કીલોમીટર આગળ એક ધાબાની પાછળ પાર્ક કરી દીધી હતી. પછી લીફ્ટ માંગતો – માંગતો મને લેવા માટે પાછો ચેક પોસ્ટ પર આવ્યો હતો. એ આવ્યો ત્યારે મને ત્યાં હથક્ડી બાંધી જીપમાં બેસાડી રાખ્યો હતો. જેવા એ લોકો સુરત તરફ મને લઇ જવા રવાના થયા હતા ત્યારે રીકીએ પોલીસની બાઇક ચોરી ધીરે-ધીરે અમારો પીછો કર્યો હતો. અને જેવા અમે હોલ્ટ કર્યો કે મોકનો ફાઇદો ઊઠાવીને મને લઇને ફરાર થઇ ગયો હતો. એનો પ્લાન હતો જ કે પાણીમાં કૂદી જવું અને ચાલીને પેલા ધાબા સુધી પહોંચી જવું. એ માણસની હિમ્મતને દાદ દેવી પડે એવી હતી. એ પાગલ તો ન જ હતો એ વાત મુદ્દાની હતી.

    અમે ચાલતાં ચાલતાં રોડ પર આવ્યા હતા. વાતો-વાતોમાં અમે જ્યાં બેંટ લી રાખી હતી ત્યાં પણ પહોંચી ગયા હતા. નાનકડા ધાબાની પાછળ નાનકડો બગીચો હતો તેમાં ગાડી રાખી હતી. ધાબાની પાછળ એક બલ્બ ચાલું હતો. રીકીએ ગાડી બહાર કાઢી હતી. હું બાજુની સીટ પર ગોઠવાયો હતો. રીકી નીચે ઊતરી ધાબાનાં ગલ્લા પર ગયો હતો અને એ માણસ સાથે થોડી વાચ-ચીત કરી હતી. તેની બેગ અને મારુ લેપટોપ લાવ્યો કે જેમાં મારો કોટ પણ ભરાવેલો હતો. વાહ...મારુ લેપટોપ સહી-સલામત હતુ. બીજી બાજુ મને બીક પણ લાગી હતી કારણ કે રીકીએ પેલા ગલ્લા પર બેઠેલા માણસ સાથે હસીને કાંઇક વાત કરી હતી. પેલા ગલ્લાવાળાંએ રીકીને કેટલા બધા પૈસા આપ્યા હતા.

    રીકી જેવો ડ્રાઇવર સીટ પર ગોઠવાયો કે મેં અધીરાઇથી પુછ્યું હતું “શું વાત કરી ગલ્લાવાળા સાથે?”

    “કાંઇ નહીં”, રીકીએ બરાબર જવાબ આપ્યો ન હતો.

    રીકી જેવો ગેર પાડવા ગયો હતો કે મેં એનો હાથ પકડી લીધો હતો અને કડકાઇથી પુછ્યું હતું “શું વાત કરી હતી? મને જવાબ આપ. અને એણે તને પૈસા શું કામ આપ્યા હતા?”

    “તુ બહું ડાઉટ કરે છે મને. મેં કાંઇ વાત નથી કર્યું. મે ગાડીમાં જે દારૂ હતું એ એને ખાલી પાંચ હજારમાં વેચી નાંખ્યું”, રીકીએ પ્રેમથી કહ્યું હતું

    એણે કિધું અને હું પાછો શોકમાં ડુબી ગયો હતો. આખરે મને નિરાંત થઇ હતી. દારૂથી તો પીછો છુટ્યો હતો!

    અમદાવાદ હજી ત્રીસ થી ચાલીસ કીલોમીટર દૂર હતું અને રીકીએ સાવચેતીથી પોલીસથી બચાવીને મને અમદાવાદ પહોંચાડ્યો હતો.

  • આખરે સવારે છ વાગ્યે સહી સલામત અમે હોસ્પીટલે પહોંચ્યા હતા. મને નેનાએ હોસ્પીટલ વિશે માહિતી આપી દીધી હતી એ પ્રમાણે અમે પહોંચી ગયાં હતાં. અમારા કપડા ભીખારીઓ કરતાં પણ ખરાબ હતા. શુઝ એકદમ ધુળ-ધુળ ભર્યા હતા. સવારનો સમય હતો એટલે હોસ્પિટલમાં ટ્રાફિક ખાસ હતો નહીં. ગાડી પાર્ક કરી સીધા રીસેપ્સન પર પહોંચ્યા હતા. રીસેપ્સન પર શીતલ જૈન વિશે પુછ્યું હતું. રીસેપ્સન પરથી જ નેનાને ફોન કર્યો હતો.

    “જીજાજી...”, ફોન ઉપાડતાં જ નેના ચીલ્લાઇ હતી “ક્યાં છો તમે? શીતલ તમને ચપ્પલથી મારશે...”

    “હું હોસ્પીટલનાં રીસેપ્સન પર છું”, મેં જવાબ આપ્યો હતો.

    “આવો જલ્દી ત્રીજા માળે. રૂમ નં. ૩૦૫”,

    ફોન મુકી અમે કાયદેસર દોડ્યાં હતાં. ૩૦૫ માં ઘુસતાંની સાથે જ નેના સુતી હતી તે સફાળી જાગી ગઇ હતી અને અમને જોઇને ડરી ગઇ હતી.

    “આ શું છે બધું? આવી હાલત કેમ થઇ? આટલી વાર કેમ લાગી? અને આ ભાઇ કોણ છે? એના હાથમાં મટકી કેમ છે? એ મટકીમાં શું છે? બધું બરાબર છે ને?”, નેનાએ એક સાથે કેટલા સવાલો પુછી નાખ્યા હતા.

    “આ મારો મિત્ર છે, અમેરીકાથી આવ્યો છે”, મેં કહ્યું હતું “અને તારા બધા સવાલોનાં જવાબ આપીશ પણ એ પહેલા મને શીતલ અને મારી બેબી ગર્લ ને મળી લેવા દે”, મેં કહ્યું હતું

    એટલામાં તો રીકીએ મારી બેબી ગર્લને ઘોડીયામાંથી ઊંચકી લીધી હતી. એ બેબી સાથે કાંઇક વાત કરવા માંડ્યો હતો. એની મટકી બાજુમાં ટેબલ પર મુકી હતી. હું અને નેના એને જોતા રહ્યાં હતા. એટલામાં શીતલની નીંદર ઊડી હતી અને ચોર-ચોર ચીલ્લાવા લાગી હતી. એ સાંભળી રીકી ભાગ્યો હતો અને બેબી મની આપી દીધી હતી. મેં મારી બીબી ગર્લ હાથમાં લીધી હતી. કેટલી કોમળ અને નાજુક હતી. માય લીટલ પ્રીંસેસ.

    શીતલ મને અને નેનાને જોઇ શાંત થઇ હતી, થોડી સ્વસ્થ થઇ હતી. મને બાજુમાં બોલાવ્યો હતો અને ગાલ પર ધીરેથી થપ્પડ મારી બોલી હતી “આઇ હેટ યું”

    પછી મેં તે બન્નેને આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. એ લોકોનાં તો મોઢાં જ ખુલ્લા રહી ગયા હતા અને આંખનાં ડોળા બહાર આવી ગયા હતા. હજુ ખતરો તો માથે હતો જ!

    “મોઢું બંધ કરો માખી ઘુસી જઇ જશે” એ લોકોના મોઢા ખુલ્લા જોઇ મેં કહ્યું હતું.

    “તો હવે?”, શીતલે ચીંતાથી પુછ્યું હતું અને બેબી મારા હાથમાંથી લઇ લીધી હતી.

    “કાંઇક રસ્તો કાઢીશું”, મેં જવાબ આપ્યો હતો.

    અમે વાતોમાં ડુબ્યા હતા અને મને ખ્યાલ જ ન રહ્યો કે રીકી રૂમમાં ન હતો. મેં આસ-પાસ નજર ફેરવી પણ રીકી ક્યાંય દેખાયો નહીં. હું ઊભો થઇ કોરીડોરમાં આવ્યો પણ રીકી દેખાયો નહીં.

    “જીજાજી.. ક્યાં જાવ છો”, નેનાએ બૂમ મારી હતી

    “સૂજીત..હવે શું કામ છે?”, શીતલે બુમ મારી હતી

    “એક કામ હજુ બાકી છે...” એમ કહી હું લીફ્ટ તરફ દોડ્યો હતો.

    એક કામ બાકી હતું. રીકીના ડેડીની અસ્થી પધરાવવા જવાનું હતું. એણે મને આખરે મારી બેબી ગર્લ સુધી પહોંચાડ્યો હતો એટલે મારે પણ સાબરમતી સુધી જવું હતું. હું દોડતો-દોડતો પાર્કીંગમાં આવ્યો હતો. રીકી ગાડીનો ટેકો લઇને ઊભો હતો. હાથમાં મટકી હતી. અસ્થી પધરાવવાનો સમય આવી ગયો હતો એટલે ઉદાસ હતો. હું ગાડીમાં ડ્રાઇવર સીટ પર ગોઠવાઇ ગયો હતો અને રીકી બાજુની સીટ પર..!! મેં ગાડી સાબરમતી નદી તરફ લીધી હતી. આશરે ચાર થી પાંચ કીલોમીટર પછી એક કાંઠે ગાડી ઊભી રાખી હતી. રીકી શાંત હતો. હું ગાડીમાથી ઊતર્યો હતો અને સાથે રીકી પણ..!! લોકો ગંગા કે ત્રિવેણી સંગમમાં અસ્થી પધરાવવા જાય પણ રીકી અમેરીકાથી અમદાવાદ સાબરમતીમાં અસ્થી પધરાવવા આવ્યો હતો એ વાતથી હજી હસવું આવતું હતું.

    રીકી થોડે ઊંડે સુધી ગયો અને આખરે મટકીને પાણીમાં મુકી હતી. મટકી પાણીના પ્રવાહ સાથે વહેવા લાગી હતી અને રીકી તેની ભીની આંખે મટકીને તાકી રહ્યો રહ્યો હતો. હું ગાડીનો ટેકો લઇને ઊભો-ઊભો રેકીને જોઇ રહ્યો હતો.

    થોડીવારમાં રીકી આવ્યો હતો.

    “ચાલ દોસ્ત, હું જાવ છું”, રીકીએ કહ્યું હતું “ મારું કામ પતી ગયું છે”

    મેં કાંઇ જવાબ આપ્યો ન હતો.

    “તને ખબર છે દોસ્ત? મારૂ ડેડીનું અસ્થી મારી સાથે હતું તો મને હમેંશા એવુ લાગતું હતું કે મારૂ ડેડી મારી સાથે છે અને મારી રક્ષા કરે છે”.... એ બોલતા બોલતા અટકી ગયો અને ગાડીમાં ગોઠવાઇ ગયો હતો.

    “ક્યાં જાય છે તુ?”, મેં પુછ્યું હતું. અમે ગાડીમાં જ બેઠા હતા.

    “સૌથી પહેલા હું ગાડીનું કાંઇક કરીશ”, એણે કહ્યું હતું “પછી મુંબઇથી અમેરીકા પાછું જતું રઇશ... તારી બહુ યાદ આવશે મને”

    “પછી અમેરીકા જઇને શું કરીશ? ત્યાં તારું ડેડી પણ નથી...”મેં કહ્યું હતું

    એણે મારી સામે જોયું હતું.

    “તો હું શું કરું?”,

    “રોકાઇ જા. હું તને કામ આપીશ...મારી કંપનીમાં”, મેં કહ્યું હતું

    રીકી મને તાકી રહ્યો હતો.

    “એમ જો નહી મારી સામે..હું તને નાટકમાં કામ અપાવી દઇશ”,

    “ખરેખર?”, એણે ખુશ થતાં પુછ્યું હતું

    મેં હાં પાડી હતી. મારી હાં સાંભળતાંવેત જ ગાડીમાંથી ઊતરી મને ભેટી પડ્યો હતો અને ગાલ પર બે-ત્રણ કિસ પણ આપી દિધી હતી. ગંદો, મેં એની સામે મોઢું બગાડ્યું હતું.

    “ચાલો હોસ્પીટલ...” એણે કિધું અને મને ઊતારી પોતે ગાડીની ડ્રાઇવર સીટ પર ગોઠવાયો હતો.

    હવે હાથ પર કામ એ હતું કે ગાડી પાછી મુંબઇ પહોંચાડવાની હતી. હોસ્પીટલે આવીને મેં મારી સેક્રેટરીને ફોન કરીને કિધું હતું કે ડ્રાઇવરને અમદાવાદ મોકલવાનો હતો અને અહીંયાથી ગાડી લઇ જવાની હતી.

    બીજા દિવસનાં ન્યુઝપેપરમાં દારૂ લઇને બે તસ્કરો ફરાર થઇ ગયા છે એવા સમાચાર હતા પણ વિગતવાર કાંઇ પણ સચોટ માહિતી એમની પાસે નથી જેવી કે ગાડીનો નંબર, આરોપીઓનો પતો વગેરે વગેરે. આ બાજુ, બેંટ લી ચોરાવાના કોઇ સમાચાર હજુ ન હતા.

    એ જ દિવસે સાંજે મારો ડ્રાઇવર અમદાવાદ આવી ગયો હતો અને મેં સમજાવ્યું કે ગાડી ક્યાં પાર્ક કરવાની હતી. જ્યાંથી રીકીએ ઉપાડી હતી ત્યાં જ અડધી રાત્રે જઇને પાર્ક કરવાની હતી. અહીંયા હું અને રીકી ત્રણ ચાર દિવસ રોકાઇ અને પછી શીતલને લઇ ને મુંબઇ જતા રહેવાનાં હતાં. બાળકની અને શીતલની બન્નેની તબીયત સારી હતી અને બીજા દિવસે રજા પણ આપી દીધી હતી.

    *****