Dikari Mari Dost - 25 books and stories free download online pdf in Gujarati

દીકરી મારી દોસ્ત - 25

દીકરી મારી દોસ્ત

  • .....
  • રાસની રઢિયાળી રમઝટ.....
  • વહાલ માત્ર,..વહાલની એ યાત્રા...વહાલું ગીત

    ઝિલ, વાતાવરણમાં રમઝટ છે. અને મનમાં એ રમઝટની સાથે સાથે બીજું ઘણું ઝળહળી રહે છે. મનમાં મેઘધનુષના રંગોની જેમ વિચારો. બદલાતા રહે છે. બે દિવસ..બસ..બે દિવસ આ ધમાલ, આ ઉત્સાહ...અને પછી...પછી કેવો યે સૂનકાર.! પણ એ સૂનકારની યાદે આજની રમઝટને ગુમાવવી થોડી પોષાય ? કાલના વિચારો માં આજ ને વેડફવાની ભૂલ તો કોઇ મૂરખ જ કરે. માનવે અતીતની આંધી અને અનાગત ની આશંકામાંથી બહાર નીકળવું જ રહ્યું. ક્ષણ ક્ષણ અને કણ કણના બનેલ જીવનને તો જ માણી શકાય ને ? ” જીવન એટલે... ક્ષણ ક્ષણ....કણ કણ... ક્ષણ કયારે સરી જાય....કણ કયારે ખરી જાય ? ”

    આ ક્ષણે તો ચાલી રહી છે.મન:ચક્ષુ સમક્ષ ગરબાની રમઝટ. દીપ પ્રગટાવી તેં અને શુભમે રાસ ગરબાના શ્રી ગણેશ કર્યા.પાણીમાં પુષ્પોની વચ્ચે તરતા દીવાથી વાતાવરણમાં ઉલ્લાસ સાથે સુગંધી પ્રસન્નતાની ઝલક ફરી વળી. અને માઇક પરથી ઇશ્વરની સ્તુતિ સાથે ફરી એકવાર અરજણ વાઘેલાનો બુલંદ સ્વર કલબના કમ્પાઉન્ડમાં ગૂંજી રહ્યો. રંગબેરંગી શણગાર, ઝગમગ રોશની અને ગરબે ઘૂમતા સ્નેહીજનોનો રજવાડી ઠાઠ.

    જૂન મહિનાની એ વરસાદી સાંજે થોડીવાર પહેલાં એક વરસાદી ઝાપટાએ હાજરી પૂરાવીને સૌને થોડા ચિંતાતુર બનાવી દીધેલ. કે વરસાદ ..રંગમાં ભંગ તો નહીં પાડે ને ? પણ ના , એ તો ઇશ્વરે શુકન કરી દીકરી પર વહાલના અમીછાંટણા છાંટી આશીર્વાદ આપ્યા હતા. જાણે આ શુભ પ્રસંગ પર પોતાની મંજૂરીના હસ્તાક્ષર કર્યા હતા. એટલે હવામાં પહેલાં વરસાદની ..ભીની માટીની ખુશ્બુ હતી. ફૂલોની તાજગી હતી. સુગંધી વાયરા સાથે ઉત્સાહનો ધોધ ઉછળી રહ્યો હતો.

    અને મયંકે થીમ પણ કેવી સરસ રીતે બનાવી હતી. તને એક જગ્યાએ બેસાડી હતી. હાથમાં ગુલાબનું મઘમઘતું પુષ્પ લઇ શુભમ તને પ્રપોઝ કરવા આવ્યો. અને....

    ”મેરે દિલમે આજ કયા હૈ ? તું કહે તો મૈ બતાઉં....”

    ના સ્વરો હવામાં રેલાઇ રહ્યા. તું મુસ્કરાતી હતી. શુભમે તને ગુલાબ આપ્યું..અને તરત

    ” ના ચાહું સોના ચાંદી,ના ચાહુ હીરા મોતી... યે મેરે કિસ કામકે?.........પ્યારમે સૌદા નહીં ”

    આ ડાન્સથી સ્ટેજ થિરકી રહ્યું. શુભમની બહેનો નો ઉત્સાહ ડાન્સ દ્વારા વ્યકત થઇ રહ્યો હતો. અને પછી તો પ્રસંગને અનુરૂપ ..ફિલ્મી ગીતોની વણથંભી રફતાર ચાલુ રહી. ”લે જાયેંગે..લે જાયેંગે..દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે..”

    આ ગીત પર થિરકતા શુભમના ચહેરા પર જાણે જંગ જીત્યા હોવાનો એહસાસ ચમકી રહ્યો હતો.

    “ અબ હમ તો ભયે પરદેશી....” ગીતની સાથે તને યે શુભમનો ભાઇ હાથ પકડીને સ્ટેજ પર ખેંચી ગયો..અને તરત

    ” આપ યહાં આયે કિસલિયે? આપને બુલાયા ઇસલિયે..”

    ના ગીત સાથે ઝૂમતી મસ્તીથી હવા પણ હસી ઉઠી. અને પછી તો રાજાકી આયેગી બારાત.. કે આજ કલ તેરે મેરે પ્યારકે ચર્ચે .... કે પછી કહોના પ્યાર હૈ...સુનનેકો બેકરાર હૈ... અને તુમ પાસ આયે.......કુછ કુછ હોતા હૈ..” વિગેરે વિગેરે .....ફિલ્મી ગીતો એ વાતાવરણ માં એક હવા જમાવી હતી. આમે ય આજકાલ બધા લગ્નોમાં પણ પિકચરનું અનુકરણ થતું જ રહે છે ને ? પિકચરમાં જે ધમાલ બતાવે છે તે બધાને આકર્ષી રહે છે. અને એ રીતે એન્જોય કરવું , ધમાલ કરવી નવી પેઢીને ગમે છે. જોકે આમ તો આ વાત પૂરતું તો કંઇ ખોટુ નથી. સગવડ હોય અને પ્રસંગ હોય ત્યારે બધા પોતાની રીતે માણે તો મજા જ આવે. પણ પછી એમાં દેખાદેખી નું દૂષણ ન પ્રવેશવું જોઇએ. કે સગવડ ન હોય તો પણ કરવુ જ પડે...એવું ન થવું જોઇએ. માણવાની અનેક રીતો કયાં નથી ? દરેકે પોતાને અનુકૂળ આવે એ રીત અપનાવી કોઇ ભાર..બોજા વિના પ્રસંગને ગૌરવ અપાવવું જોઇએ. યાદ છે..તારી જ બહેનપણી હેતલના લગ્નની વાત તેં કરી હતી ? વરપક્ષવાળા શ્રીમંત હતા..અને તેમણે દહેજની તો કોઇ માગણી નહોતી કરી..પણ અમારી જાનને સારી રીતે સાચવશો એવું ખાસ કહ્યું હતું. અને પછી જાનને કેમ સાચવવી એની સૂચનાઓનું લાંબુ લીસ્ટ આપેલ. અને એ બધું કરવામાં હેતલના પપ્પાને ધોળે દિવસે તારા દેખાઇ ગયા હતા. અને તેમની જાનમાં આવેલ લોકો જાણે કંઇ પણ માગવાનો પોતાનો અબાધિત અધિકાર હોય તેમ જાતજાતની ડીમાન્ડ કરતા હતા. કન્યાપક્ષને કેમ હેરાન કરવો એ જ જાણે એક માત્ર ધ્યેય હતું. જમવા બેઠા ત્યારે પણ પીરસવા આવે ત્યારે કોઇ જ વ્યક્તિ કંઇ ના પાડે જ નહીં. ને બધુ માગ્યા જ કરે. ખાવામાં કોઇને રસ નહોતો..કન્યા પક્ષનું બધું ખૂટી જાય...અને તેઓ હેરાન થાય એવી મનોવૃતિ સ્પષ્ટ દેખાતી હતી. હેતલ બિચારી મૌન રહી ને બધું સહન કરતી હતી..પણ કશું બોલી ન શકી. દીકરી હતી ને..! બંને કુટુંબોએ એકબીજાનું ગૌરવ જાળવવું જોઇએ તેને બદલે....

    છોકરીના મનમાં આ સગાઓ પ્રત્યે સન્માનની ભાવના કેમ જન્મી શકે ? અણગમાના ..પૂર્વગ્રહના બીજ નવજીવનની શરૂઆતની પળે જ રોપાઇ જાય તો ભવિષ્યમાં એને પાંગરવાની શકયતા નકારી કેમ શકાય ? બે વ્યક્તિના જીવનના આ અણમોલ પ્રસંગે તો બંનેએ એકબીજાના કુટુંબની ગરિમા જાળવવી જોઇએ જેથી સંબંધો મીઠાશથી મહોરી ઉઠે.

    જોકે આ સાથે જ અત્યારે મારા હિતુ કાકાનું ઉદાહરણ પણ મને યાદ આવે છે. કાકા તો ખૂબ શ્રીમંત હતા. પરંતુ તેમના દીકરાના લગ્ન એક સાવ સામાન્ય ઘરની છોકરી સાથે નક્કી કર્યા હતા. કેમકે છોકરી બીજી બધી રીતે યોગ્ય હતી. સરસ હતી. કાકાને એક જ દીકરો ને ખૂબ હોંશીલા. એટલે ધામધૂમથી લગ્ન કરવાનું ખૂબ મન હતું. વેવાઇ આર્થિક રીતે પહોંચી શકે તેમ નહોતા..એ ખબર હતી. જોકે દીકરીનો બાપ દીકરીના સુખ માટે શક્ય તે બધું કરવા તૈયાર હોય જ. પણ કાકા એ વેવાઇને પ્રેમથી..તેમનું સ્વમાન જરાયે ઘવાય નહીં તે રીતે પૂરા આદરથી સંકોચાતા હૈયે પોતાના મનની વાત કરી.

    લગ્નનો બધો ખર્ચ કાકાએ ભોગવ્યો..ખૂબ ધામધૂમ કરી..પણ કોઇને આજ સુધી કયારેય જાણ ..કે આછો અણસાર સુધ્ધાં નથી આવ્યો કે એ બધો જ ખર્ચો કાકા એ કરેલ. અને તે વાતનો આડકતરો ઉલ્લેખ પણ કયારેય કોઇ પાસે જ ન થયો. કોઇને ખબર ન પડી. રંગેચંગે લગ્ન થયા. અને આજે બંને કુટુંબ વચ્ચે હેતપ્રીતના જે સંબંધો છે...તેની તોલે બીજું શું આવે ? અને કાકાના ઘરને તે છોકરીએ આજે સ્વર્ગ સમુ બનાવી દીધું છે. કાકાએ પોતાના સૌજન્યથી કન્યાપક્ષને જીતી લીધો હતો અને હવે તેમની દીકરીએ કાકાના ઘરના બધા સભ્યોને સ્નેહથી પોતાના કરી લીધા છે. આવા ઉદાહરણો સમાજ માટે પ્રેરણારૂપ બને છે. મને પણ વરસો પછી તે છોકરીએ ( ભાભીએ ) પોતે વાત કરી ત્યારે જ જાણ થઇ.

    મનમાં કેટલા પ્રસંગો ઉભરાતા હતા. યાદોની વણથંભી વણઝાર ચાલતી હતી ત્યાં જૂઇના

    “ચલે જૈસે હવા યે સનનન..સનન્નન...” ઉડે જૈસે પરિન્દે ગગન ગગન....” ના શબ્દ સાથે હું વર્તમાનમાં આવી પહોંચી. જૂઇના એ સરસ મજાના ડાન્સે તો ઝાડ પર સૂતેલ પક્ષીઓને પણ જાણે કલરવ કરતા કરી દીધા. રાતના બે વાગ્યે પણ વાતાવરણમાં અને દરેકના દિલમાં જાણે ઉષા-સંધ્યાના રંગોની લાલી રેલાતી હતી. અંતે વડીલો એ યાદ કરાવ્યું કે કાલે લગન છે. છોકરાઓ થાકી જશે..હજુ કાલે નાચવાનું છે ને ? હવે બંધ કરો. અને વાત પણ સાચી હતી. સુખદ..ક્ષણો......આનંદની ક્ષણો ને યે અંત તો હોય જ છે ને ?

    ગરબે ઘૂમતી..રાસની રમઝટમાં ઉલટભેર ભાગ લેતી કોઇ પણ પુત્રીને જોઇ મનમાં અનાયાસે એક આશાનો... શ્રધ્ધાનો રણકાર રમી રહે છે.

    કાલે જેને અજાણ્યા વિશ્વમાં પ્રવેશવાનું છે, પારકાને પોતાના કરવાના છે,એક અજાણ્યા ભાવિનો , નવી દિશાનો નવો દરવાજો ખુલી રહ્યો છે...ત્યારે મનમાં કોઇ આશંકા વિના કેટલી શ્રધ્ધાથી દરેક દીકરી તેને આવકારવા તૈયાર થાય છે.!

    “ પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો..અને અન્યના ઘરમાં દીવો કરે.. એ દીકરી એવું કોઇએ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિ જેને કહીએ છીએ..એ આ નથી શું ? અન્યના ઘરમાં અજવાસ ફેલાવવો...! ઇશ્વર..દીકરીઓની આ આસ્થાના દીપને જલતો જ રાખજે.

    અને..અને હવે કાલની પ્રતીક્ષા....આ ઘરમાં આજે તારો છેલ્લો દિવસ....! એટલીસ્ટ દીકરી તરીકે તો છેલ્લો દિવસ.! જોકે આ શબ્દ હકીકતે સાચો નથી જ. કાલથી કંઇ તું આ ઘરની દીકરી નથી મટી જવાની. અને છતાં..છતાં યે છેલ્લો દિવસ....કેમ ? કેવી રીતે ? આજે અત્યારે તો આ બધા પ્રશ્નોના જવાબ નથી. કોઇ મા પાસે ન હોઇ શકે. પણ બની શકે ..વરસો પછી તું જ આનો જવાબ આપે. તું કયારેક પિયર આવીશ ત્યારે હું રોકાવાનો આગ્રહ કરતી હઇશ અને...અને તું કહેતી હઇશ બધી દીકરીઓની જેમ, ’ મમ્મા. મારે હવે ઘેર જવું પડશે. શુભમ મારા વિના હેરાન થતો હશે...........!! ’

    અને હું પરમ આનંદથી દરેક મા ની જેમ જોઇ રહીશ. અને ત્યારે હું પૂછીશ કદાચ..’ આ ઘર નથી ? ધર્મશાળા છે ? ’ જેમ મારા પપ્પા મને પૂછતા હતાં હમેશ તેમ જ.

    દરેક દીકરી..અને મા બાપ વચ્ચે આ મધુર સંવાદો રચાતા જ રહે છે ને ? દીકરી હસતી આવે ને હસતી જાય..એથી વિશેષ કોઇ પણ મા બાપને શું જોઇએ ? ઇશ્વર, સૌ દીકરીઓનું હાસ્ય અખંડ રાખે.

    “ બેટા, તારા આગમનથી તારા ઘરમાં ખુશી છલકી રહે..એવા પ્રયત્નો જરૂર કરજે, તું કુટુંબને જોડવા આવી છે તોડવા નહીં જ. નાની નાની વાતોને અવગણતા જરૂર શીખજે. બીજાની ખુશીનું ધ્યાન રાખજે અને તને તારી ખુશી આપમેળે શોધતી આવશે. કોઇ અણબનાવ કે અપ્રિય ઘટના બને અને જીવનમાં એવું તો અનેક વાર બનતું જ રહેવાનું. દરેક વખતે, દરેક વાત આપણને ગમે તેમ જ થાય એવું બની શકે નહીં...અને એવું જરૂરી પણ નથી જ. ત્યારે શમતા જાળવજે. ગુસ્સાથી થોડી ક્ષણો કદાચ તું તારું ધાર્યું કરી શકીશ..કદાચ થોડું મેળવી શકીશ..પણ જે ગુમાવીશ તે અમૂલ્ય હશે. અને અમૂલ્ય વસ્તુ ગુમાવવાનું કોને પોષાય ? પતિની નજરમાં તારું સ્થાન ઉંચુ જ રહેવું જોઇએ. તેની આંખોમાં તારા માટે સ્નેહ ને આદર હમેશા જળવાવા જોઇએ. અને તે જળવાશે તારા વર્તનથી... સ્નેહથી તારી ફરજ બજાવીશ એટલે હક્ક, અધિકાર તો આપમેળે તને શોધતા આવશે. અધિકાર માગી ને મેળવવામાં સાચો આનંદ નહીં મેળવી શકાય. વગરમાગ્યે આપણા વર્તનથી અધિકાર મળે એનો આનંદ અનેરો હોય છે. બસ...જરૂર પડે છે ફકત થોડી ધીરજની. અધિકાર પામવાની ઉતાવળ કરવાને બદલે થોડી પ્રતીક્ષા કરવાની. ઘર કંઇ એકબીજા સામે મોરચા માંડવાની જગ્યા નથી. કાળના અગાધ ઉદધિમાં જીવન બહું ટૂંકુ છે એને કુરુક્ષેત્ર બનાવવાનું કોઇને ન શોભે.