દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 2)

દીકરી મારી દોસ્ત

પ્રકરણ...2..

હેતે સુણાવું હાલરડા..

માળાનો મણકો,મીઠો રણકો...જીવનનો ટહુકો.

બેટા, ઝિલ, સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી..ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ર્વર્ય અને હરખથી છલકાઇ ગઇ. આમ તો દેખીતું કોઇ પરિવર્તન તારામાં નહોતું આવ્યું. અને છતાં..છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. અને સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી.

“ પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,

એના ગમતા આકાશ પાસે દોડી ગયું. ”

યૌવનને ઉંબરે પગ મૂકતી છોકરીના તન, મનમાં ઉઠતાં આવેગોથી દરેક મા પરિચિત હોય જ છે. કેમકે એ અવસ્થામાંથી તે પોતે પણ પસાર થયેલ છે. અને છતાં...ઘણીવાર મા દીકરી વચ્ચે આ પ્રશ્ને ચકમક..તણખા ઝરતા રહે છે. એનાં કારણો જોકે ઘણાં હોઇ શકે અને બધા માટે એ કારણો અલગ અલગ જ હોય...એટલે એ માટે કોઇ સર્વસામાન્ય નિયમ બાંધી ન શકાય. પણ લગભગ દરેક મા થોડી ઘણી રોકટોક કરતી રહે છે. દીકરી રાત્રે મોડી આવે ત્યારે ચિંતા કરતી રહે છે. અને એ ચિંતા શબ્દોમાં વ્યકત થાય છે ત્યારે દીકરીને મા જૂનવાણી લાગે છે.

“ એમાં શું ? “ આ દીકરીનો સર્વસામાન્ય જવાબ હોય છે. જે મા ને સ્વીકાર્ય નથી હોતો.

યાદ છે ? આપણી સામે રહેતા અંજુ આન્ટીની પુત્રી, દિશાની સગાઇ થઇ અને ગામમાં જ સાસરું હોવાથી રોજ બંને ફરવા જતા. અને રાત્રે મોડું થતું ત્યારે આન્ટી કેવા ગુસ્સે થતા. પુત્રીને માનો ગુસ્સો સમજાતો નહીં...અને મા દીકરી વચ્ચે રોજ એ પ્રશ્ને ચકમક ઝરતી રહેતી. અંજુ આન્ટીના એક સગાની પુત્રીની સગાઇ આવા જ કોઇ સંજોગોને લીધે તૂટી ગઇ હતી. તેથી આન્ટી ડરતા હતા. જોકે પાંચે આંગળીઓ સરખી ન હોય. બધાની સાથે કંઇ આવું નથી થતું...છતાં દીકરીની મા ની ચિંતા અવગણી શકાય તેમ પણ નથી જ. અત્યારે સમાજમાં બનતા બનાવોથી દરેક માના મનમાં એક અજાણ્યો ડર રહે જ છે.

ખેર.. અત્યારે આ વાત અચાનક મનમાં ઉગી આવી. બાકી પાંખ આવે ને પંખી માળામાંથી ઉડી જાય એમ દીકરી પણ સમય આવે અને પોતાના આગવા આકાશમાં ઉડી જાય. દીકરીના મા બાપે જીવનનું આ પરમ સત્ય સ્વીકારવું જ રહ્યું. અને ફકત દીકરી જ નહીં....દીકરા માટે પણ આ એટલું જ સત્ય છે. પાંખો આવે ને ઉડયન શરૂ થાય એ તો કુદરતનો ક્રમ છે. એનો અફસોસ શા માટે ? એક ધરામાં પ્રગટી , બીજી ધરામાં ધરબાવું એ દરેક પુત્રીની આગવી વિશિષ્ટતા છે. હું એને મજબૂરી નહીં કહું. સદીઓથી ચાલી આવતો એ ક્રમ છે.

આજે તારી પણ આગવી દુનિયાની શરૂઆત થઇ છે. એને હોશે હોંશે મૌન બની હું નીરખી રહુ છું...વધાવી રહુ છું. અને મારા અંતરમાંથી અજાણતા જ તમારા બંને માટે આશિષો વરસી રહી છે. તારી ક્ષિતિજો વિસ્તરતી રહે..અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે..એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઇ હોઇ શકે ?

આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું “મીઠી” કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને ? તારું એ માનીતું કાવ્ય....! જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ મને કરતી આવી છો. અને હું ગાતી આવી છું.

” ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ ”

આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે. તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી. કેમકે મને યે એ બહું પ્રિય છે. અને ન જાણે કેમ પણ એ કાવ્ય તારી ઉંઘ સાથે અજબ રીતે સંકળાઇ ગયું. તને ઘોડિયામાં હીંચોળતી હું કેટલાયે કાવ્યો લલકારતી રહેતી. ગાતા ભલે ને સારુ નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી. અને તું જાણે હું લતા મંગેશકર હોઉં અને ગાતી હોઉં..તેમ સાંભળતી રહેતી. કેટલાંયે જોડકણાં, હાલરડાં અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી. તું કંઇ ન સમજતી અને છતાં મને થતું કે તું બધુ સમજે છે.! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચુ હસતી..ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા.અને સાથે યાદ આવતી આ પંક્તિ ” પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી; મૃદુ,મલિન મ્હોમાં, બ્રહ્માંડો અનેક અવલોકતી. ”

શિશુની આંખમાં બ્રહ્માંડ જોવા , અનુભવવા માટે એક મા ની દ્રષ્ટિ જોઇએ. તારી આંખો બંધ થાય..એટલે તું સૂઇ ગઇ માની હું ગાવાનું બંધ કરતી. અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઇ ખોયાની બંને સાઇડ પકડી ને ટગર ટગર મારી સામે જોઇ ડીમાન્ડ કરતી હોય તેમ જોઇ રહેતી. અને બે મિનિટ રાહ જોઇને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં કહેતી. અર્થાત્ રડવાનું ચાલુ કરી દેતી. ને હું ગમે તેટલી થાકી ગઇ હોઉં તો યે મારું ગાવાનું ચાલુ થઇ જાય ! અને તું સંતોષ પામી..” હં હવે બરાબર..” નું સ્મિત કરી ધીમેથી સાચવીને પાછી ઘોડિયામાં લંબાવી દેતી..!

પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઉંઘ આવે ત્યારે અચૂક “ મીઠી..” એટલું બોલતી. અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે. અને મારે હવે એ કાવ્ય ગાવાનું છે..! આ વાત તો તું આજે યે યાદ કરે જ છે ને ? આજે યે હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલી યે વાર રાત્રે મારી પાસે ‘ મમ્મી, મીઠી ગા ને..આજે ઉંઘ નથી આવતી..’ કહી ને ગવડાવ્યું છે. પપ્પા ફોનનું બીલ ભરતા રહેતા અને આપણે મા દીકરી ” મીઠી ” ગાતા રહેતા.

મને ડર છે કે પછી ખાત્રી છે કે લગ્ન કરી ને તું અમેરિકા જઇશ ત્યારે યે કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે ‘ મમ્મી, મીઠી ગા ને..’ અને શુભમ બીલ ભરતો રહેશે...!

“ માઇલોના માઇલો નું અંતર ખરી પડે.... જયાં અંતરનો સેતુ નિરંતર.”

અને ત્યારે આપણી વચ્ચેનું માઇલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઇ જશે..સાત સાગરની પાર. કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે નહીં ? હાલરડા...કદાચ આપણી સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. બાળ શિવાજીને હાલરડા સુણાવી ભવિષ્ય માટે તૈયાર કરતી માતા જીજાબાઇનું સ્મરણ આજે સહેજે થઇ આવે છે.

“ આભમાં ઊગ્યો ચાંદલો ને જીજીબાઇને આવ્યો બાળ,

બાળુડાને માતા હિંચોળે, ધણણણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરુ ના આવે , માતા જીજીબાઇ ઝૂલાવે ” આ ભાવવાહી હાલરડું ઇતિહાસમાં એક સ્થાન બનાવી ચૂકયું છે. બાળ શિવાજીને ગર્ભમાંથી જ સંસ્કાર આપતી, આવનાર ભવિષ્ય માટે તૈયાર કરતી, માતા જીજાબાઇનું નામ ઇતિહાસકારો આદરપૂર્વક લે છે. આજે વિજ્ઞાન પણ કહે છે. બાળકના સંસ્કાર..તેની શીખવાની શરૂઆત માતાના ગર્ભમાંથી શરૂ થઇ જાય છે. ( અને હવે તો ઘણી જગ્યાએ સગર્ભા સ્ત્રીને આ માટે રીતસરની ટ્રેનીંગ આપવામાં આવે છે. કેમકે માતાના વિચારોની અસર બાળક પર ગર્ભમાંથી પડે છે. એ સાબિત થઇ ચૂકયું છે. ) મહાભારતમાં બાળક અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ ચક્રવ્યુહના છ કોઠા શીખીને જન્મેલ..તે વાતથી આપણે કોઇ અજાણ નથી જ. એટલે હાલરડા સાંભળતું બાળક કંઇ નથી સમજતું એમ કેમ કહી શકાય ? હા, બની શકે કે પછી ભવિષ્યમાં એને એ મુજબના ખાતર, પાણી અર્થાત વાતાવરણ ન મળે તો એ બધું વિસરાઇ જાય.

માતાના અવાજને બાળક ચોક્કસ ઓળખે જ છે. એ અવાજ કદાચ એના અજ્ઞાત મનમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. એ અવાજ માતા પોતાની આસપાસ છે એનો અહેસાસ બાળકને કરાવે છે. એટલે જ બાળક સમજતું હોય કે નહીં..પણ એને ગીત, સંગીત ગમે છે. અને સંગીતની અસર વૃક્ષ પર પણ થતી હોય તો ચૈતન્યથી ભરપૂર, પરમના અંશ સમાન બાળક પર કેમ ન થાય ? માતાના કંઠે ગવાતા હાલરડામાં છલકતો ઉત્સાહ બાળક ચોક્કસપણે અનુભવી શકે છે. શિશુને પોઢાડતી દરેક મા એ કંઇક ગાયું કે ગણગણ્યું જ હશે. હાલરડાના એ શબ્દો મા ના અંતરના ઉંડાણમાંથી પ્રગટ થાય છે. એ સામાન્ય શબ્દોમાં ભાવનાનો અર્ક ભળેલ હોય છે. અને તેથી જ એ અવિસ્મરણીય બની દરેક બાળકની યાદ સાથે જોડાઇ જાય છે. એ શબ્દો વહાલના પ્રતીક બની રહે છે. જેમ તારે માટે “ મીઠી ” શબ્દ વહાલનો...લાડનો પર્યાય બની ગયો છે.

કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે...શું યાદ કરું ને શું ભૂલું ? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમુ ? આ બધું શું કામ લખુ છું..એ યે આજે અત્યારે તો ખબર નથી. બસ છલકાઉ છું ..એટલે શબ્દો સરતા જાય છે. કોઇ સભાનતા વિના..

આ કંઇ મારી એકની વાત નથી. દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે. દરેક મા દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે. વહાલનો દરિયો સેતુ બનીને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે. કોઇ ઓટ વિના. અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઉછળતા મોજા....એ કયારેક ન દેખાય તો પણ હાજર હોય જ.! ઉપરથી સૂકી દેખાતી નદી ને પણ ખોદો તો એની ભીનાશ અકબંધ હોય જ. એમ ઘણીવખત સંજોગોને લીધે ઉપરથી શુષ્ક જણાતા મા કે દીકરીના અંતરના ઉંડાણમાં તો લાગણીનો અખૂટ ઝરો વહેતો જ રહે છે.

નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇ ના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.

હકીકતે તારા ફોનની રાહ જોઇ ને બેઠી છું. આંખોમાં ઉંઘ નથી એટલે હાથમાં ફરી એકવાર ડાયરી લઇને બેઠી છું. અને મનમાં જે ભાવો ઉઠે તેને શબ્દદેહ આપુ છું. આજે શું કર્યું શુભમ સાથે ? કયાં ફર્યા ? શું વાતો કરી ? મને ખબર છે કે મને વાત કર્યા વિના તને યે ઉંઘ નહીં જ આવે. અને મને તો આવવાનો સવાલ જ નથી. બસ..હવે કાલે વાત.

પપ્પા જાણી જોઇને તારી કોઇ વાત મારી પાસે કાઢતા નથી . કેમકે એને ખબર છે કે હું રડીશ. એ પણ તને એટલી જ યાદ કરે છે. જો કે પુરૂષ હમેશા પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો.. પણ હું જાણુ છું...અનુભવુ છું. પપ્પાનું મન પણ છલકાઇ રહ્યું છે. ફકત આંખો જ મારી જેમ નથી છલકતી. દરેક દીકરીની જેમ તું પણ પપ્પાની ચમચી રહી ને ! તારી કિલકારી તો કેટલે દૂરથી પણ પપ્પા સાંભળી શકે છે. દીકરી હમેશાં બાપની સંવેદનાને અનાયાસે વધુ ઉજાગર બનાવે છે. વહાલને એક વિશિષ્ટ અર્થ દીકરી દ્વારા મળે છે.

મારી જેમ જ કયા માતા પિતા પાસે આવા કોઇ ને કોઇ સંસ્મરણો નહીં હોય ?

“ હૈયાના ઝાડવાને મૂળિયાં અનેક, એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.

“ તું સારી પત્ની, સારી વહુ, સારી માતા , સારી ભાભી વિગેરે જરૂર બનજે...પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં..પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મ સન્માન અને અભિમાન વચ્ચે બહું બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતા શીખજે. અહંકાર હમેશાં બંને પક્ષે વિનાશકારક જ બની રહે છે. પતિની આગળ કે પાછળ નહીં..પણ પતિની સાથે ચાલી રહેજે. તને મિત્ર પતિ મળ્યો છે. ત્યારે સાચા અર્થમાં તમ પતિ પત્ની વચ્ચે મૈત્રીનું આકાશ વિસ્તરી રહે.. અક્ષુણ્ણ મૈત્રીનો દીપ તમારી વચ્ચે પ્રજવલિત રહે એ પ્રાર્થના.......અને મૈત્રી એ પિંજર નહીં.....ખુલ્લું.....મુકત આકાશ છે એ ભૂલીશ નહીં. તમારી મિત્રતાનું વર્તુળ સદા વિસ્તરી રહેશે...એ શ્રધ્ધા સાથે. ”

“ પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલા સાત; પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવન નો સંગાથ. ”