Sorthi Barvatiya - Part 1 (Bhimo Jat) books and stories free download online pdf in Gujarati

Sorthi Barvatiya - Part 1 (Bhimo Jat)

સોરઠી બહારવટિયા

ભાગ-૧

ભીમો જત© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ભીમો જત

(આશરે ઈ.સ. ૧૮૦૦ - ૧૮૫૦)

નાથણીનો નર છે વંકો,

રે ભીમા, તારો દેશમાં ડંકો !

ભાતરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત,

રાત પડ્યો, ભીમા, રીડિયા રે, ગામેગામ ગોકીરા થાય.

- નાથણીનો.

ઓળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારું થાય,

ઉપલેટા ગામના બ્રાહ્મણ જમાડ્યા, ગોંડળ થરથર થાય.

- નાથણીનો.

તરવારુંનાં તારે તોરણ બંધાણાં ને ભાલે પોંખાણો ભીમ,

ઢોલ ત્રાંબાળુ ધ્રશકે વાગે, વારું ચડી છે હજાર.

- નાથણીનો.

ઓચિંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોડ,

લાલબાઈ૧ તને ધ્રુસકે રોવે, ફૂલબાઈ૧ જોવે વાટ.

- નાથણીનો.

ગોંડળ-તાબાના મેદવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેર બે દીકરીઓ ને એક દીકરો છે.

“ભીમા મલેક !” મેરવદરના ફોજદારે ધીરેધીરે ડારા દેવા શરૂ કર્યાઃ “ભા કુંભાજીએ સંદેશો કહેવરાવ્યો છે.”

“શું કહેવરાવ્યું છે, સાહેબ ?” ભીમા જતે સલામ કરીને પૂછ્યું.

“કહેવરાવ્યું છે કે બે સાંતી જમીન ખેડો છો તે છૂટી જશે.”

“પણ કાંઈ વાંકગુનો ?”

“બહારવટિયાને તમે રોટલા આપો છો.”

“ફોજદાર સાહેબ, અમે સુવાણે રોટલા નથી આપતા, આપવા પડે છે. કાલે ઊઠીને કાકાઓ મેરવદરને ફૂંકી મારશે, જાણો છો ? અને ખેડુનાં સાંતી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા. વસતીને માતે એક કોરથી બહારવટિયા આદુ આવે ને બીજી કોરથી તમે.”

ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડળ પહોંચાડ્યો એ વાંચીને ભા કુંભાજીએ એક સો મકરાણીનું થાણું મેરવદર ગામના ટીંબા માથે મોકલી દીધું અને બહારવટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાંતીની જમીન ખાલસા કરી.

સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો.

“અમારો ચાર ભાઈઓનો જુવાર-બાજરીનો આછો-જાડો જે રોટલો હતો, તે પડાવી ભાવ કુંભોજી ગોંડળના રાજમો’લમાં હવે દૂધચોખા શ દાવે જમશે ?”

એટલું બોલીને એણે ચારેય ગમ આંખો ફેરવી.

“અને, ભીમા મલેક !” ગામલોકોએ ભેળા થઈને પોકાર કર્યોઃ

“મેરવદરને માથે સો મકરાણીનું થાણું બેઠું; તારે એકને પાપે આખા ગામની બેડલી બૂડી !”

ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો. ચારેય ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પિરયાણ કર્યું. પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે. જઈને પોતે પૂછ્યુંઃ “તારી શી મરજી છે, જતાણી ?”

“મરજી બીજી શી હોય ?” જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો : “ભા, કુંભાજીની હારે ભરી પીઓ.”

“અને તું ?”

“હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરાં મોટાં કરીશ.”

“ગોંડળની ફોજ કનડશે તો ?”

“તો મનેય હથિયાર વાપરતાં ક્યાં નથી આવડતાં ?”

“ઠીક ત્યારે, અલ્લાબેલી !”

“અલ્લાબેલી ! અમારી ચિંતા મ કરજો.”

ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઊંચેરી દેખાય.

માથું જાણે આભમાં રમતું હતું. ભવાં જાડાં , આંખો કાળી ચમકતી ને ઠરેલીઃ અને એ ગૌરવરણા ચહેરાને ફરતી કાજળઘેરી દાઢીમૂછ એક વાર જોયા પછી કદી ન ભુલાય તેવો મારો બતાવતી હતી. એવા જવાંમર્દ ભાયડાને ‘અલ્લાબેલી’ કરતી નાથીભાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું.

ચારેય ભાઈઓએ સૂરજ આથમવા ટાણે ભાદરકાંઠે જઈને નમાજ પઢી. ભાદર માતાનાં ભરપૂર વહેતાં નીરમાંથી ખોબોખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની બે સાંતીની સીમ હતી તેમાંથી ચપટીચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યોઃ “માતાજી, તેં આજ સુધી અન્ન દીધાં ને ભાદર માતાએ પાણી આપ્યાં. એ અન્નપાણીથી બંધાયેલી આ કાયા જો ઉપરથી ને ભીતરથી પાક રહી હોય, તો તો બા’રવટામાં ભેરે રે’જો, ને જો તમારું કણ સરખુંયે કૂડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોતપનોત નીકળી જજો.”

એમ નદીને અને ધરતીને પગે લાગીને ચારેય ભાઈઓએ એકસાથે વગડાની વાટ લીધી અને જતોનાં ગામડાંમાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા. પચાસ ઘોડસવાર અને બાર પેદલ સિપાઈ; ચાર ભાઈઓ પોતેઃ પણ છાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું.

શું કરવું, તેનો વિચાર ભીમાને મૂંઝવે છે. તેટલામાં એક સહાય મળી.

કુતિયાણા-તાબાનું રોઘડા ગામઃ અને એ ગામમાં તૈયબ સંઘી નામનો ગામેતી રહે. તૈયબ ગામેતીએ ભીમાને સમાચાર કહેવરાવ્યા કે “પ્રથમ આપણે બેય જણા એક ગામતરું કરીએ. પછી મોટે બહારવટે નીકળીએ, માટે તું અહીં આવ.”

બાસઠ માણસની ફોજ સાતે ભીમો રોઘડે ગયો. સામે તૈયબ ગામેતીએ પણ એટલાં જ માણસો પોતાનાં લીધાં. ભાદરકાંઠે બેસીને પરિયાણ કર્યું.

ભીમે વાત છેડીઃ “તૈયબ ગામેતી ! હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કકળતો નીકળ્યો છું. મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માંગુ છું, પણ તમે ખાનદાન રે’જો, એટલું કહી મેલું છું.”

એવા સોગંદ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોંણ ગામ ભાંગ્યું. ભાંગી, લૂંટીને ગાંસડીઓ બાંધી. તૈયબ કહે કે “ભીમા મલેક, હવે ભાગીએ, ઝટ ઠેકાણે થઈ જઈએ.”

“તૈયબ ગામેતી !” ભીમાએ મલકીને કહ્યુંઃ “ભીમાથી કાંઈ એમ ભગાશે ? તો તો જૂનાગઢવાળા શું કહેશે ?”

“ત્યારે ?”

“જૂનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે.

અને વાર આવવાની વાટ જોઈએ.”

એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવરાવ્યા. ત્રણ દિવસ ધજા ચડાવીને રોજની અક્કેક ચોરાસી જમાડી. રોજ રાત બધી ડાંડિયારાસ રમ્યા.

ચોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા, ત્યાં જૂનાગઢની વારનાં ભાલાં ઝબક્યાં. તૈયબ ગામેતીએ કહ્યુંઃ “ભીમા મલેક ! તમારે વાંકે આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝળાવશે. હવે શું કરવું ? ભાગી નીકળાય તેમ નથી. શત્રુઓ લગોલગ પહોંચ્યા છે.”

“મારો વાંક હોય તો તમે કહો તેમ કરું, તૈયબ ગામેતી !”

“ત્યારે તમે ઊભા રહીને વારને ઠોઈ રાખો, ત્યાં હું માલનો ઉપાડ કરી નાખું.”

ભોળે ભીમડી કહ્યુંઃ “ભલે !”

ઘરેણે-લૂગડે લાદેલ સાંઢિયા અને ઘોડાં હાંકીને તૈયબ રોઘડે આવ્યો.

રોઘડામાં માલ સંતાડીને પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફૂંકી દીધી કે “દોંણ ગામ ભીમડે ભાંગ્યું છે.”

આ બાજુ ભીમો જૂનાગઢની વાર સામે ધીંગાણાં કરતો કરતો, તૈયબને સારી પેઠે ભોગવાનો સમય આપતો આપતો ચાલ્યો આવે છે.

આગળ પોતે છે ને પાછળ જૂનાગઢની ફોજ છે. એમ કરતાં ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા, અને બન્ને ફોજની ભેટંભેટા થઈ ગઈ.

“ભીમાભાઈ !” નાનેરા ભાઈ હસન મલેકે તલવાર ઉઠાવીને રજા માગી : “આજ હવે મારો વારો છે.”

એમ બોલીને ત્રણસો જૂનાગઢિયા સિપાહીઓની સામે પોતે એકલો ઊતર્યો ને પંદર શત્રુઓને ઠાર કરી પોતે મરાયો.

મીં ગજે ને કેસરી મરે, રણમેં ધધુકે રત,

હસન મલેક પડકારે મરે, જાચો ચોજાં જત.

(જેમ મે’ ગરજે અને એ સાંભળી સિંહ માથાં પછાડી મરે, તેમ હસન મલેક પણ શત્રુના પડકાર સાંભળતાંની વારે જ સામે ત્રાટકી મર્યા, એટલે જ હું એને સાચો જત કહું છું.)

શત્રુની ફોજને રોકતો ભીમો તેરમે દિવસે ભાદરકાંઠા ભેળો થઈ ગયો. પહોંચીને એણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો.

રોઘડે પોતાના આવવાની જણ દેતાં એણે જવાબ મળ્યો કે તૈયબ ગામેતી એ લૂંટના માલમાંથી રતી માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે.

“ઈમાનને માથે થૂંકનાર આદમીને હજારું લ્યાનત હજો !”

એટલું બોલીને ભીમો પાછો ચડી નીકળ્યો : ગોંડળની સીમમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહારવટિયાના પડછાયા ઊતરવા લાગ્યા. સાપની ફૂંકે ચોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ. ‘‘‘

ચાય ચડિકે આવિયા, એતાં દળ અહરાણ

ગલોલીના ઘમસાણ, ભારથ રચાવ્યો તેં ભીમડા !

(ભીમનાં ગુપ્તસ્થાન પર એટલાં બધાં અરિદળ આવ્યાં. હે ભીમડા ! તેં બંદૂક-ગોળીઓનાં ઘમસાણ ચલાવી સંગ્રામ રચાવ્યો.)

“એલા, સળગાવી મેલો આ ઢાંક ગામને; આ ગામની વસતી ભીમા જતને રોટલા પોગાડે છે.” એવી હાલક દેતી ગોંડળ, જૂનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ, પાંચ હજાર માણસોની, ઢાંક ગામને પાદર આવીને ઊભી રહી.

વસતીને આવીને હાથ જોડ્ય : “ઓ માબાપ ! અમારો ઈલાજ નથી. અમે જાણીબૂજીને રોટલા આપતા નથી, પણ અમારાં ભાત જોરાવરીથી ઝૂંટવી લ્યે છે.”

“બોલાવો એ બા’રવટિયાને ભાત દેનાર ભતવારીઓને.”

પંદર-વીસ કણબણોને કોરડો મારી, એનાં બાળબચ્ચાં રોતાં મેલાવીને, લોહીને આંસુડે રોતી હાજર કરી. ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વછૂટી જાય એવી ત્રાડ દઈને ધમધમાવવા મંડ્યા : “બોલો, રાંડું, કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધાં ?”

“મારા પીટ્યા ! તારાં વા’લાંમાં વિજોગ પડે ! તને ભગવાનનોય ભો નથી ! અમે તે શું વા’લપના રોટલા દઈ આવીએ છીએ ? તારા કાકાઓ બબ્બે જોટાળિયું બંધૂકું સામી નોંધીને ઊભા રહે છે અને ધરાર અમારાં ભાત ઉપાડી જાય છે.” કણબણો ફાટતે મોંએ સાચી વાત બોલવા માંડી.

“બોલો, ક્યાં ક્યાં છે બા’રવટિયા ? નીકર જીભ ખેંચી કાઢીશ.”

“આ પડ્યા ચાડિકે તારા કાકા ! પાંચ હજારની ફોજ ફેરવછ તો જા ને એને મારવા ! સિત્તેર જ માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો.”

ચાડિકાના ડુંગર સાથે થોડા પથ્થરોની ઓથ લઈને બહારવટિયો લપાણો છે. ભેળા ફક્ત સિત્તેર માણસો છે. દારૂગોળાનો તોટો નથી. એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. ઊંચા પથ્થર ઉપર ચાડિકો બેઠો હતો તેણે વારનાં હથિયાર ચમકારા કરતાં દીઠાં. ચાડિકાએ ખબર દીધા કે “બંધૂકું ધરબો.”

ડુંગર ઉપર સિત્તેર બરકંદાજ અને નીચે પાંચ હજારની પલટન : સાંજોસાંજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટિયા પ્રભુને ખોળે બેસી ગયા. અંધારામાં બહારવટિયાને અદૃશ્ય થયા જોઈને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મોંએ પાછી વળી.

ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે “ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો ! એને કનડ્યા વગર ભીમો નમશે નહિ.”

“નાથી ડોશી !” સિપાહીઓ દમદાટી દેવા લાગ્યાઃ “ભીમો ઘેર આવે છે કે નહિ ?”

“ન આવે શા સારુ, ભાઈ ! મારા ઓઢણાનો ખાવંદ છે, ચૂડલાનો પે’રાવતલ છે, ને મારી સંભાળ લેવા કેમ ન આવે ?” નાથીએ ગાવડીને ખજવાળતાં ખજવાળતાં નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો.

“ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી ?”

“હું શીદ ખબર દઉં !”

“ગોંડળનો ચોર છે માટે.”

“ગોંડળનો ચોર હશે, પણ મારો તો લખેશરી ખાવંદ છે ને !

જેનો ચોર હોય એનાં બાવડાં ક્યાં ગ્યાં છે ? ગોતી લ્યે, જો મોઢે મૂછ હોય તો.”

“બરો કચ્છ પણ હાથમાં બેડિયું પડશે. બહુ ફાટ્યા આવી લાગે છે, ખરું ને ?”

“બસ ! ભા કુંભાજી ખડ ખાવા બેઠો ? મરદની ઝીંક ઝિલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું છે ? મારાં કાંડાંમાં કડિયું જડવી છે ? તમે ખીચડીના ખાનારા, લાજ-આબરૂ સોતા પાછા વળી જાઓ, નીકર ઘરવાળિયુંના ચૂડલા ખખડી જાશે. હું જતાણી છું, જાણો છો ?”

“એલા, ઝાલીને બાંધી લ્યો એ શૂરવીરની પૂંછડીને.”

એમ હુકમ થતાં તો નાથીબાઈએ કછોટો ભીડ્યો. ભેટમાં જમૈયો ધરબ્યો અને તરવાર ઉપાડી. પોતાની બે નાની દીકરી અને એક દીકરો લઈને ઓસરીએથી નીચે ઊતરી. જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો ‘જે દાતાર ! જે જમિયલશા !’ એવો અવાજ કરતી જતાણી તરવાર વીંઝતી પડમાં ઊતરી. ત્રણ મકરાણીઓને જખ્મી કર્યા. પોતાના કપાળમાં પણ તરવારનો ઘા ઝીલ્યો.

નાથીબાઈના અંગ ઉપર હાથ પડ્યાની જાણ થતાં આખું ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈને તૈયાર થયા. મકરાણીઓએ તરત થાણાનો

માર્ગ લીધો. પણ પછી તો મેરવદરમાં રહેવામાં આબરૂને આંચ આવવાનું જોખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ.

અને ત્યાંથી ભા કુંભાને કહેવરાવ્યું : “રાજપૂતનો બેટો આવી હલકાઈ ન દાખવે. અને છતાં મને પકડાવી હોય તો હાલ્યા આવજો !”

બબિયારાના ડુંગર ઉપર ગેબનશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બા’રવટિયો ગામ ભાંગીને જ્યારે જ્યારે બબિયારે આવતો ત્યારે પીરની કબર પર કિનખાબની નવી સોડ્યા અને નવી લીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબિયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે.

પીરના થાનક ઉપર ગુલમહોરનાં ઝાડવાં લાલ ચૂંદડીને ઓઢીને ઊભાં હોય તેવાં ફૂલડે ભાંગી પડે છે. સવાર-સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તરવારને પણ ધૂપ દે છે, તસબી ફેરવે છે અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગીને અને ભાણજી દરબારને ઠાર મારીને ગઈ કાલે જ ભીમો આવ્યો છે. ત્યાં આજ એક દૂત દોડતો દોડતો બબિયારે ચડ્યો આવે છે.

“કેમ, વલીમામદ ? શા સમાચાર ?” ભીમે તસબી ફેરવતાં ફેરવતાં પૂછ્યું.

“ભાદરકાંઠો તો આખોય ઉજ્જડ. ફક્ત વાઘરીઓ તરબૂચના વાડા વાવે છે.”

“ભલે વાવતા બચાડા ! પણ ખબરદાર, સાંતી નામ જૂતવા દેશો મા, હો કે ?”

ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મોં શ્યામ થઈ ગયેલું છે.

“કેમ મોઢે મશ ઢળી છે, સુલતાન ?”

“ભીમા બાપુ, મકરાણીઓએ નાથી ડોશીને માથે હાથ કરી લીધો.”

“ઠીક; જતાણીએ ક્યાં ઘા ઝીલ્યા ?”

“બરાબર કપાળ ઉપર.”

“બસ ત્યારે, પારોઠના૧ ખાધા હોત તો મને પસ્તાવો થાત.”

“ડોશી બહુ રૂડાં લાગ્યાં, બાપુ ! ત્રણ મકરાણીને સુવાર્યા અને બચ્ચાંને લઈ માલણકા ચાલ્યાં ગયાં.”

“ભીમા મલેક !” સંગાથીઓ મૂછે વળ દઈને તાડૂક્યા : “ભા કુંભો બાયડી ઉપર હાથ કરવા ગયો અને હવે આપણે ઉપલેટા-ધોરાજીને આગ જ લગાડવી જોશે ને ?”

“ના ભા, આગ મેલે ઈ તો નરાતાર હલકાઈનાં કામાં. ભીમાને એ ધંધો ભજે નહિ. ફરીવાર બોલશો મા.”

“અને, જાનમામદ, તું જઈને ઉપલેટે રાજવાળાને ખબર કર કે આજથી ત્રીજે દી હું પડું છું. માટે સાબદાઈમાં રહે.”

“પણ, બાપુ, ચેતી જાશે, હોં !”

“ચેતવવા સાટુ તો તને મોકલું છું. ચેતવ્યા વગર કાંઈ આપણો ઘા હોય, ભા ?”

પચાસ અસવારે ભીમો ઉપલેટા માથે પડ્યો. ચોકીદારો હતા એટલાની કતલ કરી, હુકમ દીધો કે “હાં, ચલાવો હવે લૂંટ.” પોતે આગળ ચાલ્યો.

એક ઘરના ફળિયામાં પગ મેલતાં જ અંદર તુળસીનો ક્યારો અને કવલી ગાય દીઠાં.

“એલા, પાછા વળો. ખબરદાર, કોઈ એક નળિયાને પણ હાથ લગાડશો મા !”

“કાં બાપુ ? પટારા ભર્યા છે.”

“ઈલાજ નથી, બ્રાહ્મણનું ઘર છે.”

બહારવટિયા બીજે ઘરે દાખલ થયા. ભીમે ત્રાડ દીધી : “કેવો છો, એલા !”

“વાણિયો છું.”

“ભાઈયું મારા ! પગરખાં બહાર કાઢીને ઘરમાં ગરજો, હો કે !”

“કેમ બાપુ ?”

“વાણિયો ઊંચ વરણ લેખાય. એનું રસોડું અભડાય. પણ હમણાં ઊભા રે’જો,” એમ કહીને ભીમો વાણિયા તરફ ફર્યો : “શેઠ, પટારામાં ઘરેણાં હોય તેટલાં આંહીં આણીને મેલી દિયો, એટલે અમારે તમારું ઘર અભડાવવું જ ન પડે.”

રસોડામાં ચૂલે બાઈઓ રાંધતી હતી, એની ડોકમાંથી દાગીના કાઢીને વાણિયે હાજર કર્યા. તુરત ભીમે પૂછ્યું : “ક્યાંથી લાગ્યો ?”

“બાપુ ! મારી ઘરવાળીના અને દીકરાની વહુનાં અંગ માથેથી ઉતરાવ્યાં.”

“ઈ મારે ન ખપે, બાઇયુંનાં પહેલાં પાલવડાં કાંઈ ભીમો ઉતરાવે ?”

એટલું બોલી ઘરેણાં પાછાં દઈ ભીમે બજાર ફાડવાનું આદર્યું. દુકાને દુકાને ખંભાતી તાળાં ટીંગાતાં હતાં તે બંદૂકને કંદેકંદે તોડી નાખી વેપારીઓના હડફા ઉઘાડ્યા. વેપારી પાઘડી ઉતારીને આડો ફરે એટલે પૂછે કે “વ્યાજ કેટલું કાછ ?”

“એ બાપુ, તમારી ગૌ.”

“બોલ મા, ભાઈ, ચોપડાને આગ લગાડી દઈશ.”

વાણિયાણીઓ આવીને આડી પડે, એટલે પોતે વાંસો વાળી જોઈ જાય અને કહે : “ખસી જા, બાપુ બે’નડી ! ઘેર તારી ભોજાઈયુંને માથાં ઢાંકવા સાડલા નથી.”

લૂંટી, માલ સાંઢિયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેગું કરી ચોક વચ્ચે ‘જીંડારી’ નામની રાસને મળતી રમત લેવરાવી :

જીંડારી લઈશ રે જીંડારી લઈશ,

કુંભાજીના રાજમાં જીંડારી લઈશ.

આવાં ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઈ વાર આવી પહોંચી નહિ, એટલે જમિયલશાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો.

ઉપલેટું ઊંધે નહિ,

ગોંડળ થરથર થાય,

લીધી ઊંડળ માય,

ભલ ધોરાજી ભીમડા !

પાનેલી ગામના લખમણ સોનીના દીકરાની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને ઓઝત નદીની ઊંડીઊંડી ભેખડોના પથ્થર વપર ખડખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી,

મોર જાજે ઉગમણે દેશ,

મોર જાજે આથમણે દેશ,

વળતો જાજે રે વેવાયુંને માંડવડે હો રાજ !

-એવાં લાંબા ઢાળનાં ગીતોને સૂર સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે જ ઊંચી ઊલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજિયા ચારણોના નેસડા આવે છે, અને પદમણી- શી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ટૌકા કરે છે : “એલા, આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા ? ભીમડો કાકો ભાળ્યો છે ? તમારા ડિલની ચામડી સોતા ઉતારી લેશે.”

“એ...ભીમો કોઈ દી જાનુંને લૂંટે નહિ.”

એમ બોલીને ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે. એમાં બરાબર વાવડિયાવાળી વાવ દેખાણી ને સૂરજ આથમ્યો. અંધારાં ઘેરાવા લાગ્યાં. પાછળ અને મોઢા આગળ, બેય દિશામાં ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં કે તરત પાંચ બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલંગ મારીને વોળાવિયાની ગરદન પકડી. એના જ ફેંટા ઉતારીને એને જકડી લઈ વાવનાં પગથિયાં ઉપર બેસાર્યા અને પડકારો કર્યો કે “ઊભાં રાખો ગાડાં !”

ગાડાં ઊભાં રહ્યાં. માણસો ફફડી ઊઠ્યાં.

“નાખી દ્યો ઝટ ઘરેણાં, નીકર હમણાં વીંધી નાખીએ છીએ.”

એટલું કહીને બંદૂકો લાંબી કરી.

વરરાજાના અંગ ઉપર એના બાપે માગીમાગીને ઘરેણા ઠાંસ્યાં હતાં.

ફાગણ મહિનાનો ખાખરો કેસૂડે ફાટી પડતો હોય એવાં લૂમઝૂમ ઘરેણાં વરરાજાએ પહેર્યાં હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો, કાંપતે અવાજે બોલ્યો : “ભાઈ, આ બીજો બા’રવટિયો વળી કોણ જાગ્યો ?”

“ઓળખતો નથી ? ભીમડો કાકો !”

“હેં ! ભીમાબાપુના માણસો છો તમે ! ભીમોબાપુ જાનુંને તો લૂંટતો નથી ને ?”

“કોણ છે ઈ ?” કરતો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજ્યો. “આંહી લાવો જે હોય એને.”

સોની જઈને પગમાં પડી ગયો. “એ બાપુ ! આ પારકાં ઘરેણાં; માગીમાગીને આબરુ રાખવા લીધાં છે.”

“તો ભા, તારું હોય એટલે નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો વધુ હક પહોંચે છે.”

“ભીમા બાપુ ! મારી ઉમેદ ભાંગો મા. વેવાઈને માંડવે મારી આબરુ રાખવા દ્યો; વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”

“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં. અને, ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને પેરામણી અમારે દેવી છે, કે’દી વળશો ?”

“પરમ દી બપોરે.”

જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે ભીમો વાટ જોતો હતો.

“આ લે આ દીકરીને માટે એક કાંઠલી.”

કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો; પણ મોંએથી બોલાયું નહિ.

“કેમ હાથ ચોર્યો ?”

“બાપુ, આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ.”

“સાચી વાત. આંહીં તો ચોરીની જ ચીજ છે, ભા. શાહુકારી વળી બા’રવટિયાને કેવી ? આપો એને રૂપિયા રોકડા.” એમ બોલીને ભીમો હસ્યો.

બહારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેડે ચાલી ગઈ.

“બાપુ, દીકરી ઉંમરલાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે.”

“તે મા’રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એસ શું ? પાનેલીમાં એટલા પટલિયા ને શેઠિયા પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરાત ન કરી ?”

પાનેલીના પટેલની પાસે હું ગયો’તો, બાપુ, અને એણે જ મને કહ્યું કે “તારા ભીમાકાકાની પાસે જા ! એ બ્રાહ્મણ-બાવાને બહુ આપે છે !”

“એમ...! એવડું બધું કહી નાખ્યું ?” એટલે બોલીને ભીમે કહ્યું : “અબુમિયાં ! કાગળ લાવ. અને એમાં એટલું જ લખો કે ‘પાનેલીના પટેલ, તમારી સલાહ, પ્રમાણે આ બ્રાહ્મણને રૂ. ૧૦૦૦ અમે દીધા છે, ને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચૂકવી દેજો. નીકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું.’ ”

ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી. “લ્યો મા’રાજ, પટેલને દેજો, ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો.”

“સારું, બાપુ !” કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈ ઊપડ્યો.

“ઊભા રો’, મા’રાજ.”

બ્રાહ્મણને પાછો બોલાવીને ભલામણ દીધી, “તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નીમી છે ?”

“બાપુ, માગશર સુદ પાંચમ.”

બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડળની ધરતી ઉપર ઘોડાં ફેરવવા માંડ્યા. ઉજ્જડ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાનજોધ સંધીને વડલાને છાંયડે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો. નિર્દોષ,

મધુર અને નમણી એ મુખમુદ્રા નિરાંતે જંપી ગઈ છે. જેને જગાડતાં પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે. પાસે સંધીનાં વાછરડાં ચરી રહ્યાં છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠાંબેઠાં ભાલાની અણી અડકાડી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો.

“ઊઠ, એ ભા !”

ઝબકીને સંધી જાગ્યો.

“કેવો છો તું ?”

“સંધી છું.”

સંધી નામ પડતાં જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સાથીઓ આ ઘાતકીપણું જોઈને ‘અરર !’ ઉચ્ચારી ઊઠ્યા. ભીમાના બહારવટામાં એ ગજબ અધર્મ હતો.

“ભીમા મલેક ! તું ઊઠીને આવો કાળો કેર કચ્છ ?”

“બોલશો મા, બેલી !” ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી :

“સંધીનો વંશ નહિ રહેવા દઉં. ડૂંડાં વાઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલુ.

દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે.

ખૂટલ કોમ સંધીની !”

સંધીની ઘોર કતલ કરતો ભીમો આગળ વધ્યો. ત્રણસો સંધીને ઠાર માર્યા સંધીઓને ગામડેગામડે હાહાકાર બોલી ગયો. પછી તો સંધીઓ દાઢી મૂંડાવીને પોતાની જાતને છુપાવવા લાગ્યા.

સંધીઓના વેરના મનસૂબામાં ગક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે. તે ટાણે એણે આઘેઆઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળ અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા. કાંઈક સાંભર્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું. “એલા, આજ કઈ તથ, ભા ?”

“માગશર સુદ પાંચમ.”

“હેં, શું બોલો છો ?”

“કાં ભા ?”

“પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ કન્યાદાન દેવું છે.”

સાંજની રૂંઝયોકૂંઝયો વળી ગઈ હતી, તે ટાણે ભીમે ઘોડાં હાંક્યાં. રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.

“કોળ છો ?” અંદરથી અવાજ આવ્યો.

“ખોલો. ગોંડળથી અસવારો આવ્યા છીએ.”

“શું કામ છે ?”

“બા’રવટિયો ભીમો આ ગામ ભાંગવાનો છે, એટલે બંદોબસ્ત કરવા આવ્યા છીએ.”

ભીમા જતનું નામ પડતાં જ દરવાજા ઊઘડ્યા. એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઊતરી પોતાના બેય અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવાટિયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો, ભાળતાં જ તેઓનાં કલેજાં ફફડી ઊઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો પુકારી ઊઠ્યો : “કોણ, બાપુ ?...”

“હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા,” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી બ્રાહ્મણને ચૂપ રાખ્યો.

ઇસવરિયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેગા થયા છે. ગામગામના સંધીઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાયેલી સૂરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયેહૈયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈ ઉપર ગયું.

એક જુવાન સંધિયાળી પોતાનું ઓઢણું ખભે નાખીને ઉઘાડાં અંગે ચાલી આવે છે.

“આ કોણ છે પગલી ?” કોઈએ પૂછ્યું.

“ઓ અલ્લા ! આ તો હાસમની ઓરત.”

“એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઊપડ્યો ને ?”

મોટેરા બધા મોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડીને બાઈને ટપારી, “એ વંઠેલ ! તારો દી કેમ કર્યો છે ? આ દાયરો બેઠો છે, ને તું ખુલ્લે મોંએ હાલી આવછ ? તારો જુવાન ધણી હજી કાલ મરી ગયો તેની મરજાદ ચૂકી ? માતે ઓઢી લે, કમજાત !”

“માથે ઓઢું ? મોઢું ઢાંકું ?” દાંત ભીંસીને બાઈ બોલી. એના

ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા.

એણે ડોળા ફાડ્યા. “આમાં હું કોની લાજ કરું ?”

“કાં ?”

“હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ ! મારા ધણીને ઠાર મારી, ગામને ઝાંપે સહુ સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસારી. શાબાશ, ભીમા જત ! સંધીઓની તેં દાઢિયું બોડાવી, મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો !”

એટલું બોલી ખભે ઓઢણું ઢળકતું મેલી, ઉગાડે માથે પોતાનો ચોટલો પીંખતી અને ખડખડ દાંત કાઢતી સંધિયાણી ચાલી ગઈ. ઘરમાં જઈને પછી બાઈએ છાતીફાટ વિલાપ આદર્યો. બાઈના કલ્પાંતે તમામનાં કલેજાંમાં કાણાં પાડી દીધા.

ત્રણસો સંધીઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડળના ગઢની દેવડી જઈ ઊભા રહ્યા. ભા કુંભાજીની પાસે સોગંદ લીધા કે “ભીમાને માર્યા વગર અમારે અમારાં ઘરનાં પાણી ન ખપે”, કુંભાજીએ એકસો મકરાણી તેઓની મદદમાં દીધા અને ચારસોની ગિસ્ત બબિયારાના ડુંગર ઉપર ચડવા લાગી.

પ્રભાતનો પહોર હતો. બબિયારાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠોબેઠો તસબી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયાં બેઠો હતો. પડખે બીજા ત્રણ-ચાર રક્ષકો હતા. છેટે પા ગાઉ ઉપર એક ધારડી હતી, તેની ખોપમાં બીજા પચાસ માણસો તમામ હથિયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા.

ભીમાની અને અબામિયાંની પાસે ફક્ત બબ્બે તલવારો જ હતી. કોઈને દુશ્મનો ખ્યાલ પણ નથી.

ત્યાં તો જેમ ઝાડવાં ને પથ્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઊભા થઈને પાછો હટવા જાય છે, ત્યાં એણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકાર સાંભળ્યા :

“હાં ભીમા ! આજ પાછો પગ ભીમાનો ન હોય. પાછે પગલે થાતાં તો મોત બગડે હો, ભીમા !”

ભીમો ભાગી જાય,

(જો) કરનર કી ઢોરી કરી,

(તો તો) ધરતી ધાન ન થાય,

કરણ્યું ઊગે કીં.

(જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો તો પૃથ્વી પર ધાન ન નીપજે; અને સૂર્યનાં કિરણો કેમ ઊગે ?)

સાંભળીને ભીમો થંભ્યો. અબામિયાંએ હાકલ કરી : “અરે ભીમા ! ગાંડો મ થા. પાંચમે કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ્ય, હમણાં ત્યાં પહોંચીએ એટલી વાર છે, એકોએકને ફૂંકી નાખીએ.”

“બસ મિયાંસાહેબ !” ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધો : “મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક ડગલું પણ નહિ હટાય.

જીવતર તો ખૂબ બગાડ્યું છે, પણ હવે આખરની ઘડી શીદ બગાડું ?”

ફોજની મોખરે ભીમાએ સંધી બાવા ઝુણેજાને દીઠો અને ત્રાડ દીધી : “બાવા ઝુણેજા ! અમે પાંચ જ જણ છીએ ને તમે ચારસો છો. હું કાંઈ તમને પહોંચવાનો નથી. ખુશીથી મને મારી નાખજો. પણ મરતાં મરતાંયે જો મરદના ઘા જોવા હોય તો આવી જાઓ તરવારની રમત રમવા.”

“ભલે, ભીમા !” કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમો અને અબામિયાં બંને મંડાયા. ભીમા પાસે બે તરવારો હતી. હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈદઈને વાંસના ચોકના ઘા કરવા માંડ્યા. એમ બોંતેર જણાને સુવાડ્યા, પણ પોતાને છોઈવઢ પણ ઘા થયો નહિ. બાવો ઝુણેજો ઊભો ઊભો પડકાર કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાના માણસોનું ખળું થતું જોયું, ત્યાર પછી એણે ઈશારો કર્યો અને તરત જ મકરાણીઓની બંદૂકો ધાણી ફૂટતી હોય એમ ધડાધડ એકસામટી વછૂટી. ભીમો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો.

પડતાં પડતાં ભીમે કહ્યું : “રંગ છે ! છેવટે દગો !”

ભીમો પડ્યો, પણ ચત્તોપાટ પડ્યો. એની મૂછોની શેડ્યો ઊભી થઈને આંખોમાં ખૂંતી ગઈ.

આભેથી અપસર ઊતરી,

નર વરવાનું નીમ,

અબોમિયાં અવસર થિયો,

ભાલે પોંખાણો ભીમ.

બાર-બાર વરસના બહારવટના બબિયારના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથું કાપી લઈને ગિસ્ત ગોંડળ ચાલી. ધ્રાફા ગામને પાદર ગિસ્ત નીકળી છે. મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથું પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતાં જ ધ્રાફાનો રાજપૂત દાયરો ખળભળી ઊઠ્યો. પાચંસો રાજપૂતા તરવાર ખેંચી આડા ફર્યા.

“કેમ, ભાઈ ?” ગિસ્તના સરદારે પૂછ્યું.

“જમાદાર, જરાક શરમ રાખો. મૂએલાની લાશને આમ બેહાલ નહિ કરાય. ભીમાનું માથું ધ્રાફાને પાદરથી તમે લઈ જશે શકો નહિ. અને લઈ જાવું હોય તો ભેળાં અમારાં માથાં પણ સંગાથ કરશે.”

માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગિસ્ત ખાલી હાથે ચાલતી થઈ.

બબિયારાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ જાળનાં ઝાડવાંની છાંયડીમાં ભીમાના સાથીઓ બેઠાબેઠા કસુંબા ઘૂંટે છે, ત્યાં અસવાર વિનાની બે ઘોડીએ કારમી હાવળો દેતી, ડુંગરના ગાળાને ગજાવતી, જઈને ઊભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય, તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે.

“આ ઘોડિયું તો ભીમાની અને અબામિયાંની,” અભરામ મલેક બોલી ઊઠ્યો : “નક્કી એ બેયને કાંઈક આફત પડી.”

દોડીને અભરામની વાર બબિયારે ચડી. જઈને જુએ ત્યાં બંને લાશો પડેલી હતી. હજી અબામિયાંનો જીવ ગયો નહોતો. અભરામે એના મોંમાં પાણી મૂકીને કહ્યું : “તારા જીવને ગત કરજે. તારા અને ભીમાના મારનારને અમે મારશું.”

તમામ લાશોને દફનાવી અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા ઝુણેજાને માર્યો.

ભીમાની કબર, બબિયારાના ભાગો ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજૂદ છે. લગભગ સને ૧૮૫૦ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે.

ભીમો કોઈનાં નાક-કાન નહોતો કાપતો. બાન નહોતો પકડતો. ગામ નહોતો બાળતો.

(આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક, ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એમનું વર્ણવેલું વિશ્વાસપાત્ર હોય એવું એ ભાઈની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે.)