Sorthi Barvatiya - Part 2 (Jesaji Vejaji) books and stories free download online pdf in Gujarati

Sorthi Barvatiya - Part 2 (Jesaji Vejaji)

સોરઠી બહારવટીયા

ભાગ -૨

જેસાજી - વેજાજી

(ઇ. સ. ૧૪૭૩ - ૧૪૯૪)

જૂના સમયનું બહારવટું


©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

મને સાંપડેલાં આ વૃત્તાંતો ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક છે કે અનૈતિહાસિક છે, તે નિર્ણય ઉપર પહોંચવા માટે કોઈ સરકારી, દરબારી અથવા પ્રજાકીય દફતરો નથી; તેમ જ એ બધાં કેવળ ચારણ-ભાટનાં જ કહેલાં નથી; બહારવટિયાનાં સગાંસંબંધીઓ, અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ થયેલાઓ, નજરોનજરના સાક્ષીઓ વગેરે બન્યા તેટલા જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે. તેથી ઇતિહાસના અંધકારમાં અમુક અંશે પણ હું આ સામગ્રીને માર્ગદર્શક માનું છું અને તેનો આધાર લઈને હું બહારવટિયાનાં કૃત્યોની સાંગોપાંગ છણાવટ કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે :

૧.ઇતર દેશોના તેમ જ ઇતર પ્રાંતોના બહારવટિયા : તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટિયાનાં જીવનવૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગૂંથણ.

૨.આપણે ત્યાં બહારવટિયાનાં ઐતિહાસિક પુસ્તકો : કિનકેઈડ અને કૅપ્ટન બેલનાં લખાણો પર સમાલોચનઃ રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીત ઇતિહાસ.

૩.સોરઠી બહારવટિયાઓના વિભાગો. બહારવટે નીકળવાનાં કારણો : સત્તાના જુલમો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણિયો પડકાર.

૪.તેમનાં સંકટો : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય ! બાળબચ્ચાંથી અને ઘરબારથી વંચિત બનીને નોતરેલાં પીડનો : ભૂખમરા ને દગલબાજીયુક્ત કરુણ મૃત્યુઓ.

૫.તેઓનાં ઠામઠેકાણાં : લશ્કરો : હથિયારો : સાલસંવત : રાજસત્તાનાં સૈન્યો મોટી સંખ્યામાં તેમ જ વિપુલ સામગ્રીવાળાં હોવા છતાં ધરપકડમાં વિલંબ થવાનાં કારણો : બહારવટિયાને આશરો આપનારાં સ્થાનો : સૈન્યોની કુનીતિ : પ્રજાપીડિત તપાસનીતિ : બહારવટિયાને જતો કરવામાં સિપાઈઓની બદદાનત.

૬.બહારવટિયાના વહેમો : ઇષ્ટ દેવતાઓની ઉપાસના : ગેબી મદદગારો પર વિશ્વાસ : અમુક જાતનાં તાવીજો અને અમરત્વ આપનારી વસ્તુઓ : દેવોપાસનાનાં સારાં-માઠાં તત્ત્વો.

૭.નારી-સન્માન : ચારિત્ર્યની નિર્મલતા : વીરધર્મ : શત્રુ પ્રત્યેનો ધર્મ : નેકી : એકવચનીપણું : ‘કોડ ઓફ ઑનર’ : પરંતુ તે બધાંની વિચિત્ર ગતિ.

૮.શારીરિક તપશ્ચર્યા.

૯. મોજીલી પ્રકૃતિ : પરોપકારવૃત્તિ : ધનસંચયની વાંછનાનો અભાવ.

૧૦.લૂંટફાટનાં કારણો : શાહુકારો પ્રતિ દાઝ : ચોપડા શા માટે બાળે ? પ્રજા જાલિમ રાજા સાથે શા માટે સહકાર કરે ? એ એની રીસ : મૂડીદારની ચૂસણનીતિનો કિન્નો.

૧૧.ખેડૂતો પ્રતિ રોષ : સાંતી શા માટે છોડાવે ? જમીન પર કોનો હક્ક ? અન્યાયથી ઝૂંટાવી લીધેલી પોતાની ધરતીમાંથી એક કણ પણ શત્રુરાજસત્તાના કોઠારમાં ન જવા દેવાનો નિરધાર.

૧૨.અંગ્રેજો પ્રત્યેની દાઝ : ગોરાઓની કતલ : તેનાં ઊંડાં કારણો : એનાં યશોગીતો : અંગ્રેજ રાજસત્તા સામે નિર્ભર બની હથિયાર ધરવાનો પોરસ : પ્રજાને નિઃશસ્ત્ર બનાવી દઈ નિવીર્યતામાં ઉતારવા માટે કંપનીના કારોબારનું આગમન હોવાનો તેઓનો સંદેહ.

૧૩.લોકોનો સહકાર : પ્રજાની દિલસોજી કેટલી હદે સાંપડી શકે ? પૂરેપૂરી કેમ ન પ્રાપ્ત થઈ ? થઈ હોત તો તેઓને અન્ય જલદી મળી શકત કે નહિ ? બહારવટિયો લોકસત્તાને કેમ ન અપનાવી શક્યો?

૧૪.ઘાતકી આચરણો : કેટલે અંશે બચાવ કરવા યોગ્ય ? કેટલે અંશે ધિક્કારપાત્ર ? યુગનાં તત્ત્વોનો રંગ કેટલો, ને કેટલી આત્મગત ક્રૂરતા ? યુદ્ધનીતિની આવશ્યકતાને લીધે કેટલું આસુરીપણું અને અંતઃકરણમાં ઊતરેલી અધમતા કેટલી ?

૧૫.યુગ-સંસ્કારોનો અભાવ : ન રાષ્ટ્રભાવ, ન ધર્મભાવ, ન માલિકીહક્કની પવિત્રતાનો ખ્યાલ : ન કોઈ ન્યાય તોળનાર મધ્યસ્થ સત્તા વા સંસ્થાનું અસ્તિત્વ : ન કોઈ વિશ્વાસપાત્ર વગદાર પક્ષ સમાધાની કરાવનારા : અહિંસાવાદનો યુગ વર્ત્યો નહોતો : ન શિક્ષણ : ન વીરત્વના અન્ય આદર્શોની હાજરી : બહુમાં બહુ તો રામાયણ-મહાભારતનું જ શ્રવણ અને તેમાંથી નીપજતું યુગ-સંસ્કારોનું સિંચન : શરીરે ને આત્માએ કરી બલવંત : આત્મૌદાર્યના ચમકાર : શિયળના વ્રતધારી : શત્રુશૌર્યનેય વંદના દેનારા : ભોળા : મરણોન્મુખ : અડગ ને અણનમ : મહાપ્રાણ : પરંતુ મધ્યયુગની પરિમિતતાના પીંજરામાં પુરાયેલા : જ્ઞાનની જ્યોત પહોંચેલી નહિ : અણઘડ્યું રહી ગયેલું વીરત્વ : પાસા પાડીને તેજસ્વી બનાવનારું કોઈ પડખે ન મળે.

૧૬.તેઓના પ્રશસ્તિ-ગીતો : રણ-કાવ્યો : નાના દોહાથી લઈ મોટાં ‘એપિક’નાં અનુકારી કાવ્યો : એ કાવ્યના રચનારા કોણ કોણ ? લૂંટારા પાસેથી ઇનામો લેવાની અધમ લોલુપતામાંથી જ અવતરેલાં ? કે વીરપૂજા અને શૌર્યપ્રેરણાની ભાવનામાંથી જન્મેલાં ?

૧૭.બહારવટિયાને શૂરવીર કહેવા કે નહિ ? જગતે વીરત્વનાં બિરદે કોને કોને નવાજેલા છે ? વિશ્વની તવારીખના મહાવીરોથી લઈ નાના મોટા યુદ્ધવીરો, ત્યાગવીરો, દાનવીરો, કલાવીરો, સુધારાવીરો, સ્ત્રી-સન્માનના વીરો નક્કી કરવામાં દુનિયાએ કઈ તુલા ને ક્યાં તોલાં વાપરેલાં છે ? એ તુલા પર બહારવટિયો જોખમાય તો તેનું વજન કેટલું? આદર્શ વીરનરો ઇતિહાસના આરંભથી માંડીને આજ સુધી કેટલા ? ઘણાખબા ‘હીરોઝ ઇન મેકિંગ’ વત્તેઓછે અંશે.

૧૮.આજનાં તોલાં-ત્રાજવાં : મૂડીવાદના હત્યાકાંડો : યુદ્ધવેપાર, જાહેર જીવન, કલા-સાહિત્ય, પત્રકારત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વત્તાવગેરેમાં દાતા-પદે અને નેતા-પદે રાજ કરતાં દંભ, દુરાચાર, સંહાર-નીતિ, પ્રજાના હ્રાસ : સરખામણીમાં બહારવટિયો કેટલો પાપી ઠરવો ઘટે?

૧૯.૧૯. રાજસત્તાઓની મદાંધતા ને સ્વાર્થાંધતા : રાજ્યવિસ્તારની લોલુપતા તેમ જ આવશ્યકતા : વીરનરો પ્રતિનો અનાદર : ઇન્સાફની અદાલતોમાં ન્યાયનાં નાટકો : અંગ્રેજ લશ્કરી સહાય પર અવલંબન : અંગ્રેજ સત્તાએ એ અવલંબન આપવામાં ધારણ કરેલી મનાતી પક્ષકાર નીતિ : નાનાઓને પોતાની રાવબૂમ સાંભળનાર કોઈ નહિ હોવાના નિરાશાજનક ખ્યાલો : એજન્સીની મોટી જવાબદારી.

૨૦.બહારવટું તો સદાકાળ ચાલ્યું છે; રાજસત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે : દરેક યુગનું બહારવટું જુદી ભાતનું, પણ સિદ્ધાંત તો એક : રાજસત્તા, ધર્મસત્તા, હરકોઈ સત્તાના અધર્મ સામે મરણિયો હુંકાર : મધ્યયુગી બહારવટિયાનું મક્કમપણું, મરણિયાપણું, ત્યાગ, સહનશક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, એ નવા યુગને આરે અવતારવા લાયક : એનું મૃત્યુંજયત્વ આદરને યોગ્ય : એનાં ઘાતકીપણાં, નિર્દયતા વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.

૨૧.સોરઠની લડાયક જાતિઓનું ભાવિ : એની ખાસિયતો : નેકી, નીતિ, ભોળપ વગેરે કુલપરંપરા, એના ભાવિનો આંટી-ઉકેલ : એની અત્યારની ગુનાહિત દશા : એને માટે કોણ જવાબદાર ? એના નાશ થકી સમાજને લાભ-હાનિ : એનું અસ્તિત્વ ઇષ્ટ કે અનિષ્ટ ? ઇષ્ટ હોય તો તે કેવે સ્વરૂપે? ને સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે ?

યુરોપીય સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક સર વૉલ્ટર સ્કૉટ એ વાત બોલશે. યુરોપ-અમેરિકાનાં રોમાંચક અને શૌર્યપ્રેરક ચિત્રપટો ‘ગોશો’ અને ‘રૉબિનહૂડ’ એ બોલશે. ગોવર્ધનરામભાઈનું ‘સરસ્વતીચંદ્ર’ બોલી રહ્યું છે. આપણા આધુનિક નવલ-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં પણ ‘બહારવટિયા’નું તત્ત્વ ગૂંથાતું થયું છે. તેવે સમયે બહારવટિયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ નેકી અને નેકટેકનાં જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવાં સર્જનો વધુ સ્વાભાવિક તેમ જ ઓછાં નાટકીય બને, એ ઉદ્દેશની સફળતા માટે જૂનાં વૃત્તાંતો સંઘરવાનો ઉપયોગ છે.

રાણપુર : ૪-૮-’૨૮ ઝવેરચંદ મેઘાણી

(બીજી આવૃત્તિના નિવેદનમાંથી)

આ આવૃત્તિમાં ઉમેરેલાં શોભનચિત્રો, મનુષ્યોનાં અને સ્થળોનાં કાલ્પનિક જ છે. સંગ્રહની અંદર સહાય આપવા માટે શ્રી રાણાભાઈ આલા મલેકનો બેટવાળા શ્રી રતનશી લધુભાઈનો, ચિરોડાવાળા શ્રી દેવસિંગજીભાઈ સરવૈયાનો, શ્રી ધીરસિંહજી વેરાભાઈનો તથા મિત્ર હાથીભાઈ વાંકનો આભાર માનું છું. ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો’ નામના પુસ્તકના સંપાદકોનો પણ ઋણી છું. આંસોદરના ગઢવી દાદાભાઈને પણ કેમ ભુલાય ?

રાણપુર : ૧૩-૪-’૨૯

ઝવેરચંદ મેઘાણી

(ચોથી આવૃત્તિ)

ત્રીજી આવૃત્તિ વેળાએ મારી હાજરી આંહીં ન હોવાથી જે કેટલુંક મઠારકામ બાકી રહી ગયું હતું, તે આ વખતે કર્યું છે. પેટામથાળાં નવેસરથી મૂક્યાં છે.

વાઘેરોના બહારવટાની પ્રત્યક્ષ અનુભવેલી અને જોયેલી હકીકતો એના મિત્રોના જ મુખબોલમાં મને કહેનાર બેટ-નિવાસી રતનશી શેઠ ગઈ સાલ ગુજરી ગયા. પંદરેક વર્ષ પર મારી અને તેમની મુલાકાત થઈ હતી ત્યારે એમનું વય ચુંમોતેર હતું, એવી નોંધ મારી નોંધપોથીમાંથી નીકળે છે. તેમની તસવીર મૂકીને આ પુસ્તક જોડે તેમનું સ્મરણ જોડું છું.

વાઘેર-બહારવટાની સાથે સીધા સ્વાનુભવમાં મુકાયેલી એક બીજી વયોવૃદ્ધ વ્યક્તિનો નોંધ પણ જૂની પોથીમાંથી જડે છે. એ હતાં આરંભડા ગામનાં વાઢેલ-કુળનાં ઠકરાણી. એ ઓઝલવંતાં દાદીમા જોડે મારી મુલાકાત ગોઠવનારા હતા મારા સાથી શ્રી ભૂપતસિંહ વાઢેલ (ભાવનગર રેલવેના ભૂતપૂર્વ ગાર્ડ).

તે વખતે ૯૦ વર્ષનાં આ રજપૂતાણીએ મને નજરોનજર નિહાળેલી વાતો કહેલી, એ કેમ વણપ્રસિદ્ધ રહી ગઈ તેનું મને જ વિસ્મય છે. એના શબ્દોનું ત્રુટક ટાંચણ મારી નોંધમાં છે :

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેેસાડી કચ્છમાં નાગરેચી લઈ ગયા હતા. તે પહેલાં તો ટાંકાની અંદર પડીને મરી જવાનું સૌ બાઈઓએ નક્કી પણ કર્યું હતું. પણ નાગરેચીથી ચાંદોભાઈ, જાલમસંગના સસરા, દીકરીના સમાચાર પરથી આવ્યા. સરકારને ખબર દીધી; કહ્યું કે વાવટો ચડાવી જાઓ... ભાંગલ વહાણ માંડવીનું સમું થાવા આવેલ. એમાં અમને સૌને બેસાર્યાં. વચ્ચે વહાણમાં પાણી ભરાણું. તોફાન જાગ્યું. ખારવાએ બચાવ્યાં. બે છોકરાં મરી ગયાં.

આ સાહેદી દેનાર દાદીમા પણ પરલોકવાસી થયાં છે. મને ઓરતો તો આ વાતનો રહી ગયો છે કે આવી વ્યક્તિઓની પાસે નિરાંતે બેસીને, બેત્રણ વાર પહોંચીને, તેમની જૂની યાદદાસ્તનાં વધુ પડો કેમ ઉખેળ્યાં નહિ !

રાણપુર : ૨૫-૧૨-’૪૧

ઝવેરચંદ મેઘાણી

(નવમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલું. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’ અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧

જયંત મેઘાણી

ક્રમ નિવેદન

જેસાજી - વેજાજી (ઇ. સ. ૧૪૭૩ - ૧૪૯૪)

જૂના સમયનું બહારવટું

૧.સ્મશાનમાં

૨.નટના પંખામા

૩.હુરમ બહેન

૪.ચારણે બચાવ્યા

૫.ગંગાદાસ દાદા

૬.ગંગદાસનું મોત

૭.વણારશી શેઠ

૮.ભૂતના મહેમાન

૯.બાદશાહની ચોકી

૧૦.હામીની પસંદગી

૧૧.મા’જન મળ્યું

૧૨.પઠાણ હામી

જેસાજી - વેજાજી

(ઈ. સ. ૧૪૭૩ - ૧૪૯૪)

જૂના સમયનું બહારવટું

આશરે ઈ.સ. ૧૩પ૦માં જૂનાગઢની ગાદી ઉપર રા’ખેંગાર રાજ કરેઃ એને ભીમજી નામે એક કુંવર હતો.

કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ ! તમે પોતે જ વધાવો તો ?”

રા’ની નીષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે.

રા’બોલ્યા, “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો ?”

ભીમજીઃ “ના, બાપુ ! નહિ જ, નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે, બાપુ !”

રા’ખેંગારજી પરણ્યા, પુત્ર થયો, એટલે પાટવી કુંવર ભીમજી ચારસો પચાસ ગામડાં લઈ સરવાની ગાદીએ ઊતર્યો.

કોઈ કહે છે કે ચારસો પચાસ નહિ, પણ ચાર ચોરાસીઃ એટલે એકસો છત્રીસઃ રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે એક જ ચોરાસી.

ભીમજીના છત્રસંગજી ને સુરસંગજી થયા. છત્રસંગજીના તે સરવૈયા અને સુરસંગજીના તે ચુડાસમાઃ

છત્રસિંહજી

મેપજી ગંગદાસજી

કવાટજી સોડાજી

જેસોજી વેજોજી

આખી સરવૈયાવાડ આ બધાની. પણ રા’માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો, તેથી બહારવટું મંડાયેલું. ગંગદાસજી રા’ની સામે બહારવે હતા.

ઈ.સ. ૧૪૭ર-૭૩માં માંડળિકને મહમદ બેગડાએ પદભ્રષ્ટ કર્યો, મુસલમાનોનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટિયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું.

આખરે ઈ.સ. ૧૪૯૩માં સમાધાની થઈ. પાદશાહે ચોક હાથસણીનાબે તાલુકા, કુલ ૬૪ ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઈતિહાસમાં અમરેલી પરગણામાં ૧૪૪ ગામ આપ્યાં લખેલાં છે.

૧. સ્મશાનમાં

લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે,

(ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત !

(હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ ! કવાટજીના પુત્ર જેસાજી ! તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહરૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.)

“કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી ! કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો, ભાઈ! પે’લો ભાગ તમારો.”

મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઊઠી. નવરાતના દિવસો ચાલે છે.

અવાજ દેનાર આદમી રજપૂત છે. પખડે ઢાલ, તરવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાનાં મોટાં ખોડસાંનો દેવતા ચારેય બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝિલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો, સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણેયહથિયાર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાય એ ગરાસિયો આગમાં એક ધીંગો ઘેટો શેકે છે.

શેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેટાના ભડથામાંથી કટકો કાપ્યો અને ઊંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી ! કોઈ ઉપવાસી !”

હાકલ પૂરી થાતાં જ પાછળથી રાજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મોં રાખીને બોલ્યો, “આ લ્યો ભા ! તમારેતો મોઢું દુખાડવામાંય લાજ આવતી હશે ! ઠીક ! મારે મોઢું જોઈને કરવું છે ય શું !”

રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથેળીમાં મૂકી દીધો, એ લઈને હાથ પાછો ચાલ્યો ગયો.

બીજું બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મોંમાં મેલવા જાય છે, ત્યાં ફરી વાર એ જ હાથ ફરી લાંબો થયો ને હથેળી ધરી.

“વળી પાછો લોભ લાગ્યો ? ઠીક ! લ્યો ! ભાગો !”

બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો. લઈને હાથ પાછો ખેંચાઈ ગયો. ત્રીજો ટુકડોઃ ચોથો ટુકડોઃ પાંચમોઃ છઠ્ઠો.

વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતં આખો ઘેટો ખલાસ થયો તોયે હાથ તો ફરી વાર નીકળ્યો.

“રંગ છે તમને, ભા ! પત્ય લેવી છે ? લ્યો ત્યારે !”

રજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ દઈને એણે પિંડી કાપી. કાપીને લોહીનીતરતી એ હાથમાં મેલી; ને જ્યાં બીજી પિંડી વધેરવા જાય છે ત્યાં ‘મા ! મા !’ એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીઓ ખળકાવતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરીઃ “કોણ છો તું ?”

“બાપ ! હું શક્તિ !” એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યાં.

“કાં માડી ! કાંડું કાં ઝાલો ?”

“બાપ ! હવે હાઉં ! ધરાઈ રહી.”

“રજપૂતનું પણ લેવું’તું, મા ?”

“પણ નો’તું લેવું, કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છો, બાપ ?”

“માડી, હું બહારવટિયો છું. સારું માણસ તો આંહીં ક્યાંથી બેઠું હોય?”

“નામ ?”

“જેસો.”

“સાખે ?”

“સરવૈયો.”

“એકલે પંડ્યે છો ?”

“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરુપદે બેઠા છે.”

“કોની સામે ખેડો છો ?”

“બાદશાહ સામે. જૂનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”

“શી બાબત ?”

“અમારાં ૪પ૦ ગામ જૂનાગઢે આંચકી લીધાં છે.”

“બાળબચ્ચાં ?”

“જગદમ્બા જાણે. એની સામું જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટના પંખામાં છૂપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઉંની હત્યા કરે.”

“કેટલુંક થયાં નીકળ્યા છો ?”

“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”

“બા’રવટે પાદશાહને પોગશે, બચ્ચા ?”

“સારાં ઘોડાં મળે તો પોગાય, માડી ! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ.”

“જેસાજી ! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઊંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જાશે. જાવ, બાપ ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશેઃ માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડોમાં હડિયાપાટી કરશે. જેસાજી ! તેં મને તારું અંગ અર્પણ કર્યું, તો મારું વરદાન સમજ્જે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”

એમ કહીને શક્તિ અલોપ થઈ ગયાં.

ર. નટના પંખામાં

“ગઢવા ! જમવા માંડો ! કેમ થંભી ગયા ?”

પણ ગઢવો ખાતો નથી. ગામનો પાદર નટ લોકોના પંખા (પંખા=ટોળાં) ઊતર્યા છે. સાંજઃ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે-ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારમાં તેડી લાગ્યાં. બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ હાથળીમાં હાથ બોળતો નથી.

“ગઢવા, વહેમાવ છો ?”

“તમે કેવાં છો, મા ! મારી ચારણદેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉં છું.”

“ગઢવા ! વન થાશો ? તો વાત કરીએ.”

“માડી ! વન તો વાયેય હલેઃ હું તો પા’ણો થાઉં છું. કહો જે કહવું હોય તે. હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”

“ત્યારે, ગઢવા !

પે પલાટીમેં પાટ, પંડ પાલટીએં નૈ,

ઘર ઓળખીએં ઘાટ, જગતે જે જેસંગતણા.”

“ગઢવા ! બહુ બૂરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી, અમે ગરાસિયાં છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરુષોને માથે પાદશાનો કોપ ભમે છે.”

“કોણ - જેસોજી-વેજોજી તો નહિ ?”

“એ જ. અમે એનાં ઘરનાં માણસો !”

“તમારી આવી દશા, બોન્યું ? આ બા’રવટાં ? પંડ્ય પર વસ્તર ન મળે ? ખાવાની આ રાબ-છાશું ?”

“હોય, બારોટ ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરુષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને ! તરવાર લઈને જે દી જોડે ઘૂમશું તે દી વળી વશેકોઈ વદશે. આજ તો આભને ઓળે છોરુડાં ઉઝેરીએ છીએ, ગઢવા !”

ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી! છઉં તો પાદશાહનો દસોંદી. પણ તમારા ઠાકોરને ન ઉગારું તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજ્જો !”

“હજાર હાથવાળો ઉગારશે, ગઢવા ! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બા’રવટિયા પાદશાહને શરણે જાય, ઈ તો કદી નહિ થાય.”

“જેસોજી-વેજોજી પાદશાહને શરણે જાય ? હથિયાર મેલે ? તો તો ગંગા અવળી વહે. અને રંગ છે તમને, રજપૂતાણીયું ! આમ રઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો, રંગ !”

હજી સૂર ઝળહળે, હજી સાબત ઇંદ્રાસણ,

હજી ગંગ ખળહળે, હજી પરઝળે હુતાશણ.

છપ્પા બોલતાં બોલતાં ચારણનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યોઃ

(જો) જેસો ને વેજો જાય, ઓળે અહરાણું તણે,

(તો તો) પે પાંડરૂ ન થાય, કાળી ધેને કવટાઉત.

(જો જેસા-વેજા જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાયઃ તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળું જ બની જાય, ધોળું ન રહે.)

૩. હુરમ બહેન

વેજે વેજળકોટ, શીરાબંધ ચણાવિયો,

મલેમલની ચોટ, સાવઝવાળી સોંડાઉત.

(સોંડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ ચૂનાબંધ વેજલ કોઠો ચણાવ્યો. પાદશાહની પાસે સાવજ સરીખો વેજોજી મલ્લની માફક દાવપેચ ખેલે છે.)

કલબલ બીબડિયું કરે, પડ પડ મરે પઠાણ,

વેજો નાખે વાણ્ય, સાવઝવાળી સોંડાઉત.

(જ્યાં વેજોજી સાવજ સરખી ગર્જના કરે છે, ત્યાં તો ડરીને પઠાણ (પોતાનાં ઘોડાં પરથી) પટકાઈ પટકાઈ મરે છે, ને એની સ્ત્રીઓ - બીબીઓ કલ્પાંત કરવા લાગી છે.)

જૂને હળ જૂતે નહિ, કે ધાતિયા ઘડે,

કીધલ લૈ કડે, સરઠું લેવા સોંડાઉત.

(વેજાજીના ત્રાસથી જૂનાગઢની જમીનમાં હળો જૂતી શકતાં નથી. આખી સોરઠ એ સોંડાજીના પુત્રે કબજી કરી લીધી છે.)

ગીરમાં રાવલ નદીના કિનારા પર જૂનાગઢની દિશામાંથી ઘોડાં જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઊભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસવારોને લઈને ભેખડો ટપી સામે કાંજે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઊભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટિયાનો પીછો લીધો છે. ઠેઠ જૂનાગઢથી ફોજ તગડતી આવે છે.

ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મોંમાં તરવાર ઝાલીને ખિસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળા પલંગ મેલીને અંદર ચાલ્યા. બે પલંગ દીઠા. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગિયા જેવો ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તરવાર કાઢવા ઠેકવા ગયો ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પૂછ્યુંઃ “કેમ પારોઠ દીધી, ભાઈ ?”

“પાદશાહની બીકથી નહિ, બાપ ! ધરમની બીકથી.”

“શું છે ?”

“હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”

“કોઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”

વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી.

“હવે ભાઈ ! હવે કરું આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તરવારુંને કે દી ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ઘુમાવે છે.

જેસાજીએ મોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઊંચો કર્યો.

“કાં ?”

“આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરું છું. મોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર જદુનંદનના બાળક !”

બોલવાનો સંચળ થયો ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયણાં પોયણાં જેવા ઊઘડ્યા. “ઓ ખુદા !’ એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.

વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઊભી રહી.

“હટી જા, બોન ! તું બોન છો, બીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસુરને તો આજ નહિ છોડીએ.”

“હું તમારી બોન ! તમે મારા ભાઈઓ. કાપડું માગું છું.”

“માગ્ય ઝટ !” “મારો ખાવંદ -મારો પાદશાહ - કાપડમાં આપો.” “પત્યું, વેજા ! જેવાં આપણાં તકદીર ! વળો પાછા. હવે તો પાદશાહ ભલે બોનને કાપડમાં રહ્યો.”

બેય જણા ઊતરી ગયા. દાંતમાં લીધેલી તરવારો ઝબૂકતી ગઈ.

શું થયું તેની બીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થરથર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યુંઃ “જેસો-વેજો આપણા મહેલમાં !”

“હેં !” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે ?”

“ચાલ્યા ગયા.”

“કેમ ?”

“પાદશાહનો જીવ મને બોન કહી કાપડમાં દીધો.”

પણ પછી તો પાદશાહની ઊંઘ જતી રહી. દીવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનના ઝપાટામાં ને ઝાડના ફરફરાટમાં એણે બહારવટિયા જ જોયા કર્યાંઃ

મોદળ ભે મટે નહિ, સુખે નો સૂવાય,

મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત.

(મોદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સુવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં હરણાં જેમ કૂદકા મારતાં હોય એમ ભયના ફફડાટ થાય છે.)

૪. ચારણે બચાવ્યા

મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક-ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બે-ઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાનો ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળબચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયમામમતા ભરી કોથળીઓ ખાલી કરે છે.

ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો લલકાર સાંભળ્યો :

પડ ધ્રૂજે પૃથમી તણું, કડકે નોબત કોય,

જેસા, સમું ન જોય, કાન કાં ફૂટ્યા કવટાઉત !

(ઓ જેસા ! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો ? તારા કાન કાં ફૂટી ગયા ?)

જેસા, સામું જોય, ગડહડી નોબત ગુંજે,

(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત !

(ઓ જેસા ! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.)

ત્રેહત્રાયાં ત્રંબાળ, (કાં) સાંભળ નૈ સરતાનનાં !

જેસા હજી ન જાગ, કાન કાં ફૂટા કવટાઉત !

નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં !

જેસા હજી ન જાણ, કાન કાં ફૂટા કવટાઉત !

(ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ ? તારા કાન કાં ફૂટી ગયા ?)

આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા.

“ભાઈ વેજા! કોક આપણને ચેતવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.”

વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા, નદીનાળાં ટપીને બહારવટિયા નાસી છૂટ્યા.

કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટિયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયો. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટિયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યુંઃ “તેં ચેતવ્યા ?”

“હા, પાદશાહ સલામત ! ચેતવ્યા, ને હું તારો ચારણ૧ છું. તુંને આજ ખોટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા, બાપ !”

“ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.”

“એ પાદશાહ !” હસીને ચારણ હાકલ દીધીઃ

અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની,

જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો.

(સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય !)

“ઐસા !” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.”

હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી.

દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં,

(ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત.

(પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.)

માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.

૧ કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. કોઈ કહે છે કે સાંજણ ભંગડો.

પ. ગંગદાસ દાદા

ગીર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઊંચી ઊંચી ભેખડો ચડી છે. ઊંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક કયાંઈક ડુંગરા ઊભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઊભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવજ હૂંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવજ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણો આયરોઃ તેવી જ ચરે છે સાવજશૂરી ભેંસોઃ આમ રાવલની ગોદમાં તો બધાં બળિયાં પાકે છે. શાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જુગમાં શાપ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે-શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીનાય ભુક્કા બોલાવે એવી મસ્તીમાં બેપૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખડો રીડિયા કરે છે. દયા-માયા એને સંસારમાં કોઈની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઊઠે છે કે માર માર ! માર માર માર ! બીજી વાત નહિ.

શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઊતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જૂનાગડી સેનાની સન્મુખ ઊભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રૂંધી રાખી હતી. સંધ્યાની લાલપમાં રંગાતી આ બે મરણિયા ક્ષત્રિયોની મુખકાન્તિ નિહાળીને પઠાણો પાછા ફર્યા.

આંખે તમ્મર આવે એવો ઊંડો વાંકડો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી; એને કાંઠે કાંઠે નાનકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈએને જાણતું જ નહિ. કેડીએ રોઝડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રાજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.

સૂવરનાળો, રાવલ અને ઝેરકોશલીઃ ત્રણેય નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલકોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઊંચી આભ અડતી અને સીધી દીવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટિયા પાવરે પાવરે પાણી ખેંચતા તે પરથી એનું નામ પાવરાવાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટપી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ બહારવટિયાને ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.

એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા, “ભાઈ વેજા ! જોયા દાદાને ?”

“હા, ત્રીજી પેઢી સુધી એને માથેય આ વીતક લખ્યાં હશે !”

“ઉઘાડે ડિલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”

“અને વીણી વીણી ખભા ઉપર શું નાખે છે ?”

બેય પાત્રો દાદાને પડખે ગયા. ઉઘાડી પીઠ ઉપર માંસમાં મોટો ખાડો દીઠો, ને ખાડામાં કીડા ખદબદે છે.

“કાં દાદા ! પાઠાને કેમ છે ?”

“બાપ, જીવાત્ય પડી ગઈ છે. ઉઘાડું છું ત્યાં તો ઊછળી ઊછળીને બહાર પડે છે.”

“તે પાછા વીણો કાં ?”

“બાપ ! એને મરવા ન દેવાય; પાછો પાઠામાં મેલું છું. એને એનું ગર છંડાવાય કાંઈ ?”

“અરે દાદા, જીવાત્યને આમ જિવાડવી ? ફોલીને ખાઈ ન જાય ?”

“પણ બેટા, બહારવટાનો ધરમ તો જતિધરમ છે, જીવાત્યને મરવા ન દેવાય. એના જતન કરાય.’

“તો તો ડિલને ફોલી ખાશે.”

“તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પિંડો કરીને ભરીએ; જીવડાં લોટ ખાય ને કાયા બચી જાયઃ બેય વાતે સગવડ.”

દુખિયો ડોસો લહેરથી દાંત કાઢવા લાગ્યો.

ધોળી ફરકતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટિયાના બાપનો એ સગો કાકો હતો. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જૂનાગઢ-અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે ભત્રીજાના બે દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થોડો વિસામો લેતો હતો. બહારવટાના ઊંચા ધર્મોની તાલીમ એણે બેય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.

“દાદા !” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ? ક્યાંય લોટ મળ્યો-ન મળ્યો !”

“ભાઈ, વિસામો તો આ શરીર શી રીતે માણે ? મન અમદાવાદજૂનાગઢના કોટકાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના ઘોડામાં આંબતું નથી તેથી આંહીં બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પરોવતા હોય એવું આકળું બને છે.”

“દાદા ! હવે પ્રભુભજન !”

“બાપા, એક વાર અમદાવાદ શે’રની બજારમાંથી સાચં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લી વાર પાદશાહને જાસો જઈ આવું, પછી હાંઉં ! કાયમનો વિસામો. બીજે અવતાર ક્યાં બા’રવટું ખેડવા આવવું છે ?”

રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પિંડો ભરતો જાય છે ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મોંમાં તો સિસકારોય નથી. આ દેખાવ જોઈને બહારવટિયાના કલેજામાં જાણે શારડી ફરે છે.

૬. ગંગદાસનું મોત

ભડ જે ભાલાળા તણે, ઘઘુંબે ઘમસાણ,

અમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત !

(ભાલાવાળા બહારવટિયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો - કલ્પાંતો મંડાય છે.)

આવે ઘર અહરાં તણે, જેસંગ વાહળી જાણ,

(ત્યાં તો) ખોદે લઈ ખરસાણ, કબરૂં નવિયું કવટાઉત !

(જ્યારે જેસાજીની ફોજ અસુરોના - મુસલમાનોના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.)

તેં માર્યા મામદ તણા, ત્રણસેં ઉપર ત્રીસ,

(ત્યાં તો) વધિયું વીધા વીસ, કબરસ્તાનું કવટાઉત !

(ઓ કવાટજીના પુત્ર ! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘાં વધારવું પડ્યું.)

અમદાવાદ શહેરની હીરા મોતીની બજારમાં એક હાટ ઉપર એક રજપૂત ડોસો બેઠો છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તરવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.

પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.

મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર ! મોતીનો આંકડો ચૂકવતા જાવ !”

“આંકડો ચૂકવશે મામદશા બાદશા ! કહે જે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે; એના મૂલ જો એ નહિ ચૂકવે તો હું એનો મોલ ફાડીશ.”

એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હોવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બુમરાણ વચ્ચે કેડી કરતો, ઊભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે જેઓ આડા ફર્યા તેમાંના કંઈક પઠાણ પહેરેગીરોનાં માથાં તરવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો રમતો ગયો.

કોપાયેલા પાદશાહના પાણીપંથા ઊંટ અને ઘોડાં બહારવટિયાની પાછળ ચડ્યાં. કેડે કેડા રૂંધાઈ ગયા. કંઈક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડઘી ગાજતી અટકતી નથી અને ગંગાદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.

“કાં દાદા ઢીલપ કેમ વરતાય છે ?” જેસો પૂછે છે.

“કાંઈ નહિ, બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો !” વળી થોડી વાર હાંક્યા પછી ડોસા ધીરા પડે છે.

“ના, ના, દાદા ! ખરું કહો, શું થાય છે ?”

“બાપ ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”

“કાં, લોટ નથી ભર્યો ?”

“ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરી વાર ભૂખી થઈ હશે.”

“શું કરશું ?”

“કણી અફીણ હશે ? તો ડિલને ટેકો થાય ને પીડા વીસરાય.”

ત્રણેયમાંથી કોઈના ખડિયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડા પૂરપાટીએ લીધ્યે જાય છે. ઊભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.

કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો ખુતાડીને એણે ઊંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.

“લ્યો દાદા, અફીણ ! ઠાકરની દયાથી મારા ભાથામાંથી આટલું જડી આવ્યું.”

અફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોડાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઊંડી ને ઊંડી ઊતરતી જાય છે.

ગંગદાસજીએ ઘોડો ઊભો રાખ્યો, નીચે ઊતરીને પોતે ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધોઃ “જેસા-વેજા ! બાપ, બેમાંથી એક જણો ઝટ મારું માથું વાઢી લ્યો, પછી માથું લઈને ભાગી નીકળો.”

“અરે, દાદા ! આ શું બોલો છો ?”

“હા, બાપ ! હવે મારાથી ડગલુંયે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહીં જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારું માથું કાપશે તો હું અસદ્‌ગતિ પામીશ. માટે મારી સદ્‌ગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો. વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”

જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહા પાપ એની નજર આગળ ઊભું થયું. એ બોલ્યો, “ભાઈ વેજા ! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિંમત હોય તો વાઢી લે.”

“વાઢી લે, મારા દીકરા !” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”

ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવરામાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યા. માર્ગે ઝાડવાં ને પંખીડાંયે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ! ગોત્રગરદન ! ગોત્રગરદન ! ગોત્રગરદન !

બહારવટિયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. ઓચિંતું જેસાજીને ઓસાણ આવ્યું.

“ભાઈ વેજા ! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશો ?”

“દેન પાડશે.” “પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. બાપુ અસદ્‌ગતિએ જાય.”

“તો તો આ ગોત્રગરદન કરી એળે જાય ! શું કરશું ?”

“હાલો પાછા ! ચિતામાં માથું હોમ્યે જ છૂટકો છે.”

બહારવટિયા પાછા આવ્યા. મરણિયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચિતામાં હોમી દઈને અલોપ થયા.

૭. વણારશી શેઠ

જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા,

રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત !

(કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાયે મુસલમાનોની બીબીઓ રોતી રહી.)

જેસાના જખમેલ, જ્યાં ત્યાં ખબરું જાય,

(ત્યાં તો) મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત !

(જેસાજીને હાથે અમક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે. એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકુળતા ચાલે છે.)

ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પ્રથી,

નડિયું સેંસ લલાટ, કૂંટ તાહળું કવટાઉત !

(ઓ કવાટજીના કુંવર ! તારાં ભાલાં કેવાં જોરથી ભોંકાયાં ? યવન યોદ્ધાઓનાં મસ્તક પર ઝીંકાતા એ ભાલાએ માથાના ટોપ વીંધ્યા, બખ્તર વીધ્યાં, પુરુષ વીંધ્યો, ઘોડાનું પલાણ વીધ્યું ને જાણે કે ધરતી વીધંને એ ભાલો શેષનાગના લલાટ પર અટક્યો.)

મારી દળ મામદ તણા, ખુટવીઆ ખાગે,

જેસા લોબાન જે, કીદો મોંઘો કવટાઉત !

(ઓ જેસાજી ! તેં પાદશાહના સૈયમાંથી એટલા બધા મુસલમાનો મારી નાખ્યા છે કે એ બધાંની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માંગ વધી પડવાથી લોબાન મોંઘો થઈ પડ્યો છે.)

“વાણારશી શેઠ ! થોડીક વાર આ ડગલો પહેરી લ્યો. આજ તમે અમારા મેમાન છો. તમને ટાઢ્યું નો વાય, માટે આ ડગલો પેરી લ્યો.”

જંગલમાં બાન પકડાયેલા, જૂનાગઢવાળા વણારશી શેઠે કડકડતી ટાઢમાં બહારવટિયાનો ડગલો પહેર્યો; થોડી વાર થઈ ત્યાં શેઠનું સુંવાળું શરીર સળવળવા લાગ્યં. ગુલાબી ચામડી ઉપર ચાઠાં ઊઠ્યાં. શેઠ ડગલો કાઢવા લાગ્યા. પણ તુર્ત જ બહારવટિયાએ એને અટકાવ્યાઃ “ના શેઠ, ડગલો એમ ન કઢાય. એ તો હવે જ્યારે તમારી ચિઠ્ઠી જૂનેગઢ શેઠાણી પાસે સીકરાઈને આવશે ને, ત્યારે ડગલો તમારા ડિલ માથેથી ઊતરશે.”

“ભાઈ સાહેબ ! પણ આમાં મારું શરીર વીંધાઈ જાય છે. રૂંવે રૂંવે આગ હાલ છે.”

“શેઠ, અમે ડગલામં કાંઈ એરુ-વીંછી થોડા ભર્યા હશે !”

“પણ બાપુ ! એ જેસાજી બાપુ ! મને વેદના બહુ થાય છે.”

“અરે વાણિયા ! એમાં બીજું કાંઈ નથી, અમારા ટોલા છે, અમારા ચાંચડ-માંકડ છે, ભાઈ ! અમે તો રોજ આ ડગલા પેરીએં છીએ. પણ ટોલા બાપડા હવે તો અમારા ડિલમાં લોહી વિના શું પીવે ? આજ ટોલાને ઠીક તમારું મીઠું લોહી મળ્યું ! શેઠિયા માણસનું ગળ્યું લોહી બાપડા આ બહારવટિયાના ટોલાને ક્યાંથી મળે ?”

“એ બાપા ! આ તો ગઝબ ! નથી રે’વાતું.”

“ફકર રાખો મા. શેઠ ! શેર-અધશેર લોહીમાં કાંઈ મરી નહિ જાવ. તમને અમારે બરછીએ નથી વીંધવા. તમને વાણિયાને અમે વાઢીએ-કાપીએ નહિ. નાહક લોહી ભાળીને તમને ઉનત્ય આવે. ઈ કરતાં આ ટોલા ભલા. તમનેય પુણ્ય થાય ને મારેય એક દી પાશેર લોહીનો બચાવ થાય.”

“પણ મારાથી આ નથી સહેવાયું. મને મોકળો રહેવા દ્યો. તમે રાખશો એટલા દી આંહીં રહીશ.”

“ભાઈ વેજા !” જેસો બોલ્યો, “શેઠને હવે સંતાપ મા. ઉતારી લે ડગલો.”

ડગલો ઉતારતાં જ વાણિયાએ ‘હાશ’ ઉચ્ચાર્યું. શરીર પર જિવાત્યના ચટકાનું ચિતરામણ થઈ ગયું છે.

“વણારશી શેઠ,” બહારવટિયો બોલ્યો, “આ ડગલો અમે રોજ પહેરીએ છીએ. અમારા દુઃખનો કાંઈ ખ્યાલ આવે છે ?”

“શા સારુ ટોલા સાચવો છો, બાપુ !”

“તમારા ઓલા ધોળાં પીળાં લૂગડાંવાળા સાધુ શા સારુ ટોલા સાચવે છે, જાણતા નથી ?”

“એનાથી તો જીવ ન મરાય. એ તો સાધુ કહેવાય. જીવદયા પાળવાનાં એનાં વ્રત લેખાય.”

“ત્યારે, શેઠ, અમારેય બહારવટાનાં વ્રત હોય છે. અમે બહારવટિયા પણ અરધા જતિ. અમારાથી અંગ માથેથી જીવાત્ય ન મરાય. નીચી પડી જાયને, તોય ઉપાડીને પાછી લૂગડામાં મેલવી જોવે. નવાય નહિ, ધોવાય નહિ, આજ અઢાર-વીસ વરસથી અમારા આવા હાલ છે.”

ડાહ્યો વણિક વિચારે ચડી ગયો. થોડી વાર રહીને મોં મલકાવી બોલ્યો, “બાપુ, જૂ-લીખને જાળવો છો ત્યારે વેપારી-વાણિયાને બાન પકડી નાણાં કાં છોડાવો ? આટલી બધી હત્યા કાં કરો ! ખેડુનાં ખેતર કાં ઉજ્જડ કરો ? એમાં દયા કેમ નહિ ?”

“ના, તમ પર દયા ન હોય. શેની હોય ? તમારાં તો માથાં વાઢીને ગીરને ગાળે ગાળે એનાં તોરણ બાંધવાં જોવે.”

“કાં બાપુ !” શેઠની રોમરોમ થથરી ઊઠી.

“કાં પૂછો છો ? લાજતા નથી ? જે પાદશાહ અમારે માથે માછલાં ધોવે, એને તમે સલામું કરો ? એને કરવેરો ભરો ? એ અધરમીને ખેડૂતો કામી કામીને ખોરાકી પૂરે ! એનું રાજ તમે આંહીં નભાવો ! એક તો પરદેશી ને વળી અધરમી ! તમે એના કૂતરા બનીને પગ ચાટો, અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો, તોય અમારે તમને જાવા દેવા એમ ને ?”

બહારવટિયાને બોલે બોલે જાણે ગીરના ડુંગર સાદ પુરાવી રહ્યા છે. પંખીડાં ઝાડવાં ઉપર બેઠાં બેઠાં અંગ સંકોડીને લપાઈ ગયાં. બહારવટિયો ફરી બોલ્યોઃ

“તમથી તો આ ટોલા ને ચાંચડ-માંકડ ભલા ! પાદશાહને પૈસાય નથી દેતા ને સલામુંય નથી ભરતા. અમારાં ડિલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો, એટલે બાપડાં ક્યાં જાય ? પાશેર લોહી પીને પડ્યાં રહે છે. એને અમે કેમ મારીએ ? મારીએ તો તમને જ.”

વાતો થાય છે ત્યાં ઓચિંતો રથ ગાજ્યો. રાતોચોળ માફો દેખાણો. ભાલો ઉપાડીને ઠેક દેતો પંચકેશવાળો સાવજ વેજોજી ડુંગરાની ટોચે ગયો.

“મોટાભાઈ !” વેજાએ કહ્યું, “એક બાઈ માણસ ઊતર્યું દેખાય છે. હારે પાંચ આદમી દેખાય છે.”

“હથિયારબંધ ?”

“ના, માથા ઉપર અક્કેક કોથળી મેલી છે. મજૂર જેવા હાલ્યાઆવે છે.”

“વેજા ! બાપ સામો જા. જે કો બોન હોય એને આંહીં સાચવીને તેડી લાવ. વગડામાં જનાવરનો ભો છે.”

થોડી વારે વેજોજી એક બાને અને પાંચય કોથળીવાળા મજૂરોને તેડી ભોંયરે આવ્યો. બાને જોતાં જ વણારશી શેઠની મુદમુદ્રા, દિવેલ પૂરતાં જેમ ઠાકોરની આરતી ઝળેળી ઊઠે તેમ, ચમકી ઊઠી. આવનાર સ્ત્રીએ નીચું નિહાળીને સાડલાનો છેડો સરખો કર્યો.

બહારવટિયા સમજી ગયા. પાંચેય થેલી બહારવટિયાની સન્મુખ મુકાવીને એ સ્ત્રી આગળ વધી. ગરવી, ગોરી, પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાએ જાજરમાન અવાજે પૂછ્યું, “ભાઈ, તમે જ જેસાજી-વેજાજી ?”

“હા બાઈ ! અમે પોતે જ.”

“લ્યો, તમારાં દુખણાં લઉં.” આગળ વધીને બેય બહારવટિયાનાં નીચાં નમેલ માથાંને વાણિયણે વારણાં લીધાં.

“તમે કોણ છો, બા ?” બહારવટિયાએ પૂછયું.

“હું તમારી બોન છું, વીરા. ને તમે આ તમારા કેદીને જે દંડ કર્યો છે, એ દંડની કોરીઓ લઈને ચૂકવવા આવી છું.”

બહારવટિયા અજાયબ બન્યા. “આ શેઠ તમારે શું થાય, બોન ?”

“મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા એથી હું તમારાં ઘરવાળાને આશિષ દઉં છું કે ઈશ્વર એના ચૂડા અખંડ રાખે.”

“અખંડ ચૂડા !” બહારવટિયા હસી પડ્યા, “બાર વરસથી તો બોન, રજપૂતાણીયુંના ચૂડા વગર ખંડેય ખંડેલા જ છે. હવે આ અખંડ ચૂડાના કોડ રજપૂતાણીયુંને નહિ રહ્યા હોય.”

સાંભળીને સહુ અબોલ બની ગયા.

જેસોજી બોલ્યો, “બોન ! હવે તમે આ ડુંગરામાંથી પધારો. વણારશી

શેઠ ! હવે તમે છૂટા છો. આ થેલિયું પણ પાછી લઈ જાઓ.”

“કેમ બાપુ ?”

“અમારી બોનને કાપડાંમાં પાછી આપીએ છીએ.”

બાઈ બોલી, “ના બાપુ ! તમે રાખો. તમારે જોવે.”

“અમારે નહિ જોવે, બોન ! અમારે રૂપાના ખૂમચામાં નથી જમવું પડતું. અમારે પાદશાહને પકવાન પીરસીને ક્યાં જમાડવો છે ? તમે પાછું લઈ જાવ. અમારે તો તારી એક કોરી અગરાજ છે, બોન !”

વણારશીએ બહારવટિયાના પગની રજ લીધી. હાથ જોડીને કહ્યું, “બાપુ ! છું તો વાણિયો. સ્વાર્થમાં બૂડંબૂડાં છું. પણ તમારા બહારવટાનો અંત આણવા માટે મારાથી બનશે એટલું કરીશ.”

“ભાઈ ! વીરા !” શેઠાણી બોલી, “જૂનેગઢ આવો ત્યારે બોનની સાર લેજો, હો ! અને સાત પાદશાની પાદશાહી વચ્ચે પણ મારું ખોરડું માના પેટ સામું માનજો. તમે મને નવો અવતાર દીધો છે. કયે ભવ ઈ કરજ ઉતારીશ ?”

“રંગ છે તુંને, બોન !”

૮. ભૂતના મહેમાન

બેય બહારવટિયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારાં ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગળો દેખાતાં નથી. જુવાનો ભૂખથી અને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે.

ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં (કાદવના ખાડામાં) બેઠેલી એક ભેંસ ઊભી થઈ, અને ચાલવા લાગી.

જુવાનો જોઈ રહ્યા કે “આંહીં ભેંસ ક્યાંથી ?”

વેજો બોલ્યો કે “ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળુ કરવું છે.”

“બહુ સારું.”

અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીક વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાધરી ચાલી ગઈ.

અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાંનાં પેગડાં છાંડ્યાં. ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.

ઘડીક થયું ત્યાં તો એક સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો મહેમાનોને આદર આપીને ઘોડારમાં બેય ઘોડાં બાંધી આવ્યો.

વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી એવી એક સ્ત્રીએ આવીને શાક, રોટલા ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા, ઢળાણા. કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા ગયા.

મુસાફરો તે અજાયબીમાં પડ્યા છેઃ આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો ? આવડા મોટા ગઢમાં આ બે સ્ત્રી-પુરુષ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી ? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે ?

ત્યાં તો અંદરના ઓરડામં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે કણકી રહ્યો છે. આખી રાત કણક્યા કરે છે. જંપ લેતો જ નથી.

મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી નહિ. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે ઓરડામાં કણકારા બંધ પડ્યા તે વખતે મુસાફરોની આંખો મળી ગઈ.

સવારે તડકા સારી પેઠે ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. અને નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેય ઘોડાં બોરડીનં જાળાં સાથે બાંધેલાં; માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બિવરાવે તેવા અવાજ કરતી ધાંતરવડી નદી ચાલી જાય છે.

તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા છે. એનાં કલેજાં પણ થડક થડક થાય છે. પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યોઃ “ભાઈ! એ ગમે તે હોય, પણ આપણે એનો રોટલો ખાધો; ને હવે શું એનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું ?”

“સાચું ! ન જવાય, આજ પાછા પહોંચીને પત્તો મેળવીએ.”

રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ બન્ને ભાઈ ઊભા રહ્યાઃ એ જ દરબારગઢઃ એ જ ચોપાટઃ એ જ જુવાનઃ એ જ રાંધીને પીરસનાર રંભાઃ એની એ જ પથારી !

વાળુ કરીને ઊભા થયા એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા. અને પૂછ્યું, “બોલો ? કોણ છો તમે ! ને આખી રાત કણક્યા છો કેમ ?”

“તમને એ જાણી શો ફાયદો છે !”

“અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળવાનો ધરમ છે.”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યોઃ “જુવાનો ! ડરશો નહિ ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે “જુવાનો ! હું માંગડો વાળો!”

“માંગડો વાળો !!!” મુસાફરોના મોંમાંથી ચીસ નીકળી ગઈ.

“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમોતે મૂવો. ભૂત સરજ્યો છું. વણિક-પુત્રી પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરચ આ વડલાની વાડ્યમાં દટાઈને પડ્યાં છે. એ બરછીની કરચ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી હું કણકું છું, ભાઈ !”

“એનો ઈલાજ શો ?”

“તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”

એટલું બોલીને ‘ઓહ ! ઓહ !’ કરતો જુવાન ઓરડામાં ગયો, બારણાં બંધ થયાં. મુસાફરો સૂતા. સવારે એ-ની એ દશા દેખી.

વાડ્યના થડમાં ખોદણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું, બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.૧

૧ માંગડા વાળાની કથા ‘ભૂત રૂવે ભેંકાર’ઃ ‘સૌરાષ્ટ્રની રસધાર.’

૯. બાદશાહની ચોકી

ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે, નદીમાં પૂર ઘૂઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ધીરે રહીને હુરમ બોલીઃ “ઓહોહોહો, કેવી કાળી ઘોર રાત છે !”

પાદશાહે કહ્યું, “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તે કોણ ભમતું હોય ? બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા સૂબાનું વેર તોળાઈ રહ્યું છે !”

“જેસોજી-વેજોજી ને ?”

“હા ખાવંદ ! તમારા તો બા’રવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ.”

“બેગમ, અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડો વીંધતા હશે ? બખોલોમાં સૂતા હશે ?”

“બીજું શું કરે, ખાવંદ ! તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે ?”

“હુરમ, અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું ! ગામડાં

પાછાં સોંપીને બહારવટું પાર પાડું, એવું મન થઈ જાય છે.”

“અરેરે ! અટાણે એ આંહીં ક્યાંથી હોય ?”

“સાદ તો કરો !”

“અરે ખાવંદ, મશ્કરી ?”

“ના, ના. મારા સમ, સાદ તો કરો !”

ઝરૂખાની બારીએ જઈને રાણીએ અંધારામાં સાદ દીધોઃ “જેસાજી ભાઈ, વેજાજી ભાઈ !”

નીચેથી જવાબ આવ્યો, “બોલો બોન ! હાજર છીએ.” “ઓહોહો ! ભાઈ, અટાણે તમે અહીં ક્યાંથી ?” “પાદશાહની રખેવાળી કરવા, બોન !” “પાદશાહની - તમારા શત્રુની - રખેવાળી ?” “હા, બોન ?” “કેમ ?” “અમારે માથે આળ ચડે તે બીકે.” “શેનું આળ !” “તે દી બોનને પાદશા કાપડામાં દીધેલો છે. બીજો કોઈ દુશ્મન

આવીને માથું વાઢે, તો અમારાં નામ લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે. અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વીરાઓ ! રોજ ચોકી કરો છો ?”

“ના, બોન ! આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી ! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”

“પાદશાહ સલામત ! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજોઃ કાલે, બોરિય્ને ગાળે.”

એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા.૧

૧ કોઈ કહે છે કે જવાબ આપનાર બહારવટિયા નહોતા. પણ માંગડા વાળાનું પ્રેત હતું. (જુઓ ‘ભૂત રૂવે ભેંકાર’ઃ સૌરાષ્ટ્રની રસધાર.’)

૧૦. હામીની પસંદગી

ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય,

મામદના મુખમાંય, થીઓ કાંકરો કવટાઉત !

(અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર કાઢવો પડે તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળિયો પાદશાહના મોંમાંથી પાછો નીકળ્યા વિના ઈલાજ નથી.)

આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટિયાનું બહારવટું પાર પાડવાનો અવસર છે.

આજ પહેલા પો’રની રાતે બેય ભાઈઓ વેશપલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઊઠ્યોઃ “જોયું, મોટા ભાઈ ! શે’રના માણસને શરમ ન મળે !”

“હોય, ભાઈ ! બાઈયું તો બિચારી અટાણે જ કળશીએ જવા નીકળી શકે. અને અબળાની જાત ! આ રોગું અહરાણ ગાજે એમાં કેટલે આઘે જાય!”

“પણ પુરુષ ભાળીને ઊભીયુંયે ન થાય ?”

“ચૂપ ચૂપ ! સાંભળ ! આપણી વાતો થાય છે.”

બન્ને જણાએ અંધારે ખૂણે પીઠ દઈ ઊભા રહીને કાન માંડ્યાં. હંસલા મોતી વીણે એમ વેણે વેણ વીણી લીધું.

ગઢની રાંગે દિશાએ બેઠેલી વાણિયાણીઓ અરસપરસ આવી વાતો કરતી હતીઃ

“હાશ, દાદાને પરતાપે કાલ્ય બા’રવટિયાનું પાર પડી જાશે !”

“હા, બાઈ ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સુઝાડી. બાર વરસથી રોજ સાંજે દી છતાં દુકાનો વાસવી પડતી !”

“પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લે ને ?”

“ના રે ! આપણું મા’જન બહારવટિયાનું જામીન થયું છે ને !”

“અરે, બાઈ ! મા’જનેય શું કરે ! ધણીનો કોઈ ધણી છે ! મા’જન પાસે ક્યાં ફોજ છે ? પાદશાહ તો પકડીને પૂરી દ્યૈ બહારવટિયાને.”

“પૂર્યાં પૂર્યાં ! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે ? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ. ત્રણ દી સુધી હીરા, મોતી ને રેશમનાં હાટ જ ઊઘડે નહિ.”

“હા, હો ! ઈ ખરું. મા’જન હડતાળ પડાવે તો તો ત્રણ દી સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંય લાખ રૂપિયા દેતાંય મળે નહિ. બેગમુંને ફૂલના હારગજરાય ન મળે ને !”

“તો તો પાદશાહ બાપુ આવીને મા’જન આગળ હાથ જ જોડે હો, બો’ન ! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે ?”

વાતો સાંભળીને બહારવટિયા શ્વાસ લઈ ગયા.

“મોટા ભાઈ !” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન ! પાદશાહ દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે ! વાહ હામી ! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પોટલીએ બેસે, એના બાપબેટાથી બીજું શું બની શકે ? હડતાળું પાડશે ! હાલો, ભાઈ પાછા ! હેમખેમ બહાર નીકળી જાયેં. આંહીં જો ડોકાં ઊડશે તો મા’જન હડતાળ પાડશે !”

“ભાઈ ! બાપા ! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો, તેલની ધાર જો ! જોવા આવ્યા છીએ તો પૂરું જોઈને પાછા વળીએ.”

અંધારાની ઓથે ઓથે બહારવટિયા આગળ ચાલ્યા. ઘૂમતાં ઘૂમતાં, એક બીજો લત્તો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાયેલી, પગમાં ચટપટ બોલતા સપાટવાળી કોઈ અબોલ ઓરત ક્યાંઈક વરતાતી હતી.

“ભાઈ, પઠાણવાડો લાગે છે.”

ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઊઠ્યોઃ “કોઈ

મરદ આતા હૈ.”

“હાય હાય ! અપના મું દેખેગા !”

“અબ કહાં જાય !”

“યે કાંટાંમેં.”

“યે કૂવેમેં.”

બહારવટિયા નજીક પહોંચ્યા-ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા

સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઊંધે મોંએ કાંટાના જાળામાં પડતી દીઠી.

સડેડાટ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.

જેસો બોલ્યો, “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો

ને કુળલાજ જોયાં ?”

“હા ભાઈ, આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાઓની વાત હું નથી કરતો.’

“ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધાય બાંડાઓ નથી લાગતા.”

૧૧. મા’જન મળ્યું

“શેઠિયાવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાહને જઈને કે’જો કે મા’જનના હામીપણા માથે અમે નહિ આવીએ.”

“કાં, બાપુ !” ભાતભાતની પાઘડીઓવાળા શેઠિયાઓ હાથ જોડીને પૂછવા લાગ્યા.

“પાદશાહ દગો કરે તો તમે શું કરો ?”

“અમે શું ન કરીએ ? અમે હડતાળું પાડીએઃ હાટડે ખંભાતી તાળાં દેવરાવીએઃ ઘાંસીની ઘાણી ને કુંભારના ચાકડા બંધ કરાવીએ. અમે મા’જન શું ન કરી શકીએ ? શાકપીઠમાં બકાલાં સડ સડીને ગામને ગંધાવી નાખેઃ જાણો છો, ઠાકોર ? ભલેને અમને વેપારમાં હજારુંની ખોટ જાય, તોય શું, તમારા માથા પર ઓળઘોળ કરી નાખીએ, દરબાર !”

“હા શેઠિયાવ, તમે તો સમરથ છો, પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકામાંથી નવા કોંટા થોડા ફૂટે છે ! લીલાં માથાં ફરી વાર નથી ઊગતાં, ભાઈ !”

“ઈ તો સાચું, બાપા ! અમે તો બીજું શું કરીએ ? અમારી પાસે કાંઈ લાવલશ્કર થોડું છે ?”

“શેઠ ! મારી ન શકો, પણ મરી તો જાણો ને ?”

“ત્રાગાં કરવાનું કો’ છો ? અરરર ! અમે ત્રાગાળુ વરણ નહિ. ઇ તો ભાટચારણનું કામ !”

“સારું શેઠ ! જાવ ! પાદશાહને કે’જો કે અમારા હામી મા’જન નહિ.”

“ત્યારે ?”

“કાં રાણીજાયા, ને કાં બીબીજાયા !”

“બીબીજાયા ! મલેછ તમારા હામી ? મા’જન નહિ, ને મલેછ ?

જેને મોવાળે મોવાળે હિંસા ! અરરર !”

કલબલાટ મચી ગયો. મહાજનના શેઠિયા સામસામા લાંબા હાથ કરી જાણે પરસ્પર વઢી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. ‘અરરર ! અરરર!’ એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો.

મહાજન વીંખાયં. માર્ગે મિચકારા મારીને વાતો કરતા ગયાઃ “હંબ! થાવા દ્યો, પઠાણને હામી બનાવીએ. સામસામા મર કપાઈ મરે. કાં એનું બા’રવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છે. બેય રીતે કાસળ જાશે.”

“હંબ ! ઠીક થયું. નીકર, ભાઈ, આ તો પાદશાહના મામલા ! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘરાવે. અને આપણે સુંવાળું વર. ધોકા ખાઈ ઈ બીજા ! આપણે કાંઈ કાંટિયા વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય ?”

“હંબ ! બલા ટળી !”

“હંબ ! બળતં ઘર કરો કૃષ્ણાર્પણ !”

૧ર. પઠાણ હામી

પાંચસો ઘોડાનો ઉપરી પઠાણઃ લાલ ચટક મોઢુંઃ મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છેઃ હાવભાવ કે હાથજોડ જાણતો નથી. માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે. પાંચ જ અસવારે ઝાડીમાં ઊતર્યો. બહારવટિયાની પાસે જઈને જરાય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન !”

“જમાદાર ! પાદશાહ તમારા પાલણહાર છે. નિમકનો દેનાર છે, અમ સાથે દગો કરશે તો તમે શું કરશો !”

“મારેગા ઔર મરેગા.”

“બસ, ભાઈ વેજા ! આનું પાણી મરે નહિ, એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી ! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરખું.”

“ચાલો, જમાદાર !”

ઘોડે ચડીને પૂરે હથિયારે, ઘૂઘરમાળ ગજવતા બહારવટિયા પઠાણની ફોજ વચ્ચે વીંટાળીને ચાલ્યા. જૂનાગઢની બજારમાં તે દિવસ બહારવટિયાને નીરખવા માણસ ક્યાં માતું હતું ?

બહારવટિયા મહેલના ચોકમાં જ ઊભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીંથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.”

રજપૂતોને વીંટીને પાંચસેં ઘોડાવાળો પઠાણ ઊભો રહ્યો. બહારવટિયાને ભોળવીને કચારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો.

બહારવટિયાને ગરાસ પાછો સોંપાણો.

બન્ને ભાઈઓના જીવનનો અતિ દારુણ અને કરુણ રીતે વહેલો વહેલો અંત આવી ગયો. શાંતિ મળ્યા પછી બન્ને ભાઈઓ ઉદ્યમે ચડ્યા હતા.

જેસાજીને જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યાં. પણ પછી જેસોજી હાથસણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા. સ્ત્રીઓના કંકાસ હશે એમ લાગે છે.

દૈવયોગે વેજાજીનો કુંવર સંગજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યો. એની માતાને સંદેહ રહી ગયો કે કુંવર દગાથી મરાયો. એ વાત તો વિસારે પડી. જેસાજીના કુંવર રણમલનાં લગ્ન મંડાણાં, પણ કાકા જેસરથી આવ્યા નહિ. કુંવર પોતે જ કાકાને તેડવા ગયો. ત્યાં રાતે કાકાએ એનું ફુલેકું ચડાવ્યું. મોડી રાતે થાકેલા રણમલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો. તે વખતે કાકીને દીકરાનું વેર સાંભળ્યં. કંઈક બહાને વેજાજીને બહાર મોકલી પોતે એ પોઢેલા રણમલની હત્યા કરીઃ

રોયું રણમલિયા, માથે કર મેલે કરે,

સરઠું સરવૈયા, તું જોખમતે જેસાઉત !

(હે જેસાના પુત્ર રણમલ ! તું મરતે બધીયે સોરઠ માથા પર હાથ મૂકીને રડી.)

વેજાજીને જાણ થઈ. ઘણા વિલાપ કર્યા. સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળકાંઠે રહેવા ચાલ્યો ગયો, પણ રણમલના મામા મોસાળું લઈને આવેલા તેઓ પોતાના ભાણેજના ઘાતકનો જાન લેવા ચાલી નીકળ્યા. તેઓને પાછા વાળવા પ્રયત્ન કરતો, ઘણું ઘણું મનાવતો, કરગરતો, ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો. વેજલકોઠા પાસે પહોંચ્યો ત્યારે જેસાજીએ પોતાનાં ઝનૂની સગાંઓને કહ્યું કે “ઘડીક થોભો, હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું.”

એટલો સમય માગીને એ વેજલકોઠે ચાલ્યો. જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક સૂવરની પાછળ શિકારે નીકળેલ છે. સૂવર ઝપાટામાં આવતો નથી.

“હાંઉ, ભાઈ !” જેસો આડો પડીને ઊભો રહ્યો, “તું હવે એને ન માર. એ રણમલનો જીવ હશે, અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે.”

વેજોજી નીચે ઊતર્યો, પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો. જેસો બોલ્યો, “ભાઈ વેજા ! લાખ વાતેય તને રણમલના મામાઓ જીવવા નહિ દે અને તું મૂવા પછી જીવીને શું કરવું છે ? માટે પરાયે હાથે કપાવા કરતાં બેય જણા આંહીં જ અરસપરસ મરીને એક જ સાથરે સજાઈ કરીએ. જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા, મોત વખતે પણ માડીજાયા જ રહીએ.”

વેજો માથું નમાવીને બોલ્યો, “ભલે ભાઈ, પહેલો મને જ મારી નાખીને તમારો હાથ ઠારો.”

“ના વેજા ! એમ નહિ, પ્રથમ તું મને ઘા કર. પછી હું મરતો મરતો પણ તુંને મારીશ.”

“ના, તમે મારું માથું ઉડાવો. હું પછી તમને મારીશ.”

“ભાઈ વેજા, તારે માથે બે ખતા છેઃ મોટા બાપુની અને રણમલની; એટલે તારું માથું વઢાણા પછી તું મને નહિ મારી શકે. માટે પ્રથમ તારો ઘા.”

ભોંય પર પછેડી પાથરી બન્ને ભાઈ બેઠા, કસુંબા લીધા. હેત-પ્રીતથી ભેટ્યા. પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો. ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો.

જેસાએ એક હાથે પોતાનું કપાયેલું મસ્તક ધડ ઉપર ટેકવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો.

બન્ને ભાઈઓ આવી શાંતિથી વેજલકોઠા પાસે કામ આવ્યા.

બન્નેના સગલા (પાળિયા) જેસાધાર ઉપર રોપાયા. તે પછી જસાજીનાં બહેન ભાઈની ખાંભી માથે નાળિયેર ચડાવવા આવ્યાં. જુએ તો બેયનાં મોં ઉગમણાં હતાં. કોની કઈ ખાંભી એ બહેનથી ન વરતાયું.

હાથ જોડીને બહેન બોલીઃ “હે વીરો ! હું તમને કેમ ઓળખું ! મારાં હેત સાચાં હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણો જ રહે અને વેજોજી ગોત્રહત્યારો હોવાથી આથમણે મોઢે થઈ જાય !”

બહેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી આથમણી ફરી ગઈ હતી એમ કહેવાય છે.