03 - Sorthi Santo - Sant Mekran books and stories free download online pdf in Gujarati

03 - Sorthi Santo - Sant Mekran

સોરઠી સંતો

(સંત મેકરણ)

ઝવેરચંદ મેઘાણી



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

સંત મેક(ર)ણ

૧. હું સૌ માંયલો નથી

રણને કાંઠે સવાર પડતું હતું. ઊડી ઊડીને થાકેલી રેત હજુ જાણે કે પડી હાંફતી હતી. સવારનાં કિરણો એ રણ-રેતની કણીઓને સોનાનો રસ પાતાં હતાં.

નગરઠઠાના માર્ગ માથે એ એક ગામ હતું. પાદરમાં મસીદ હતી. મિનારા પરથી બાંગ પુકારાતી હતી. હોજને કાંઠે કોઈ મુસ્લિમ વજૂ કરતો હતો. કોઈ હાતપગ ધોઈને નમાજ પઢતો હતો.

મુસ્લિમોને કાને અવાજ પડ્યો : ‘જી નામ ! જી નામ ! જી નામ !’

સૌની આંખો દરવાજા સોંસરી ગઈ. પડખે થઈને એક ધોરી માર્ગ જતો હતો. તે મારગે કોઈ મુસાફર ‘જી નામ ! જી નામ !’ જપતો પંથ કાપતો હતો.

“ખડો રહે, એ હેઈ મુસાફર !” વજૂ કરતા મુસ્લિમોએ બહાર નીકળી હાક મારી.

વટેમાર્ગુએ ઊભા રહીને પાછળ જોયું. એના અંગ પર ભદ્રભેખ હતો. એને દાઢી નહોતી. એના માથા પર કાપડી સાધુઓ ઢાંકે છે તેવો ઊંચો ટોપ હતો. શરીરે પરમિયા રંગની કફની હતી. ખંભે તુંબડાની કાવડ હતી. ગળામાં માળા હતી.

એણે અવાજ દીધો : ‘જી નામ !”

“કોણ છો ?”

“વાટમારગુ છું.”

“નૂગરો છો ? તારા માથે કોઈ મુર્શદ, કોઈ ગુરુ, કોઈ ઉસ્તાદ નથી ? અને ભેખ પહેર્યો છે ?”

“કેમ ભાઈ ? ગરમ કેમ બનો છો ? કાંઈ પૂછતા નથી, ગાછતા નથી, ફોડ પાડીને સમજાવતા નથી. છે શું આવડું બધું ?”

“ઊભો કેમ નથી રે’તો ?”

“જેને પંથ કાપવો છે એને ઊભા રહેવાનું કારણ ?”

“આ બાંગ સાંભળતો નથી ? બે’રો છો, બાવા ?”

“સાંભળું છું અને આંહીંથી મારો પણ શબદ મિલાવું છું. જી નામ !”

“એ શબદ ન મિલાવાય. ને હિન્દુ-મુસલમીનના હરકોઈ ભેખધારીએ આ જાતનો અવાજ સાંભળીને ઊભા રહી અદબ કરવી જોઈએ.”

“એવો રિવાજ છે ?”

“રિવાજ જ નહીં, ફર્જ છે.”

“એવી ફરજ સૌને પાડો છો ?”

“બેશક.”

“ત્યારે હું એ સૌ માંયલો નથી.” મુસાફર સાધુએ રમૂજ અને તુચ્છકારથી મોં મલકાવ્યું.

“તું શું ટીલું લાવ્યો છે !” કહેતા મુસલમાનો મુસાફરની નજીક ગયા.

“ત્યારે તમારી આ બાંગ શું ટીલું લાવી છે ?” પ્રવાસીએ વિશેષ મોઢું મલકાવ્યું. પચાર-સો મુસ્લિમોના ધગધગતા મિજાજની એના મન પર કોઈ અસર નહોતી.

“મોં સમાલ, સાધુ !”

“જુઓ ભાઈ, તમે જડા જણ છો, તોય મારે મારું મોં સંભાળવાની જરૂર નથી. મારું મોં એની જાતે જ પોતાને સંભાળી લ્યે છે. પણ હું તમને પૂછું : તમે બાંગ પુકારો છો ને હુંય ધણીનું ‘જી નામ‘ જપું છું. હું તમને મારા જપ વખતે ઊભા રહી અદબ કરવા કહેતો નથી. અંતરમાં અદબ તો આપોઆપ ઊઠે છે, જ્યાં જ્યાં માલિકની ભક્તિના સાદ ઊઠે છે ત્યાં. પણ તમારી બાંગને માટે જો તમારો ખાસ દાવો હોય તો તે સાબિત કરી બતાવો.”

“શી સાબિતી ?”

“સાબિતી એ, કે બાંગ સાંભળતાં ગાને ધાવતાં વાછરું મોંમાંથી આંચળ છોડી દ્યે ને પાણીના વહેતા ધોરિયા થંભી જાય, એવી કોઈ તાકાત બતાવો, તો હું ડરીને ઊભો રહું. બાકી તમે દમદાટી દઈને ઊભો રાખો એવો પાણી વગરનો સાધુ હું નથી. લ્યો, જી નામ !”

“એ ઊબો રહે.” પાછળ હાકલ થયા ને દોટાદોટ સંભળાઈ.

“મિયાં સાહેબો !” મુસાફરે પાછા ફરીને ચમકતાં નેત્રો નોંધ્યાં : “અમે ગામડે ગામડે બાંગો સાંભળીને અટકતો જાઉં તો મેં નાની (હિંગળાજ) કબ પોગું ? આશાપરાનો મઠ હજી વેગળો છે. એકલો નીકળ્યો છું તે સમજીને નીકળ્યો છું. આ ભેખ ભાળો છો ને, એ તો મારો પોશાક છે. મારાં કાંડાં છે ભટી રજપૂતનાં.”

“તારું નામ ?”

જવાબમાં સાધુ લલકારી ઊઠ્યો :

ગામ ખોંભડી ગરુ ગંગોજી, ભટિયા કુળરા ભાણ હુવાઃ

નેણલે નરખો ! હેતે હરખો ! સતગરુ કા મેં પંજા લિયા.

મુસાફરે ગાન કર્યું. અજાનના સૂરોમાં એ ગાનના વાણાતાણા વણાયા.

“કોણ, મેકણ કાપડી તો નહીં ?” એક બુઢ્ઢા સંધીએ નામ પિછાન્યું.

“મેકણ નહીં, મેકો. ને હું નૂગરો નથી. મારો મુર્શદ પણ તમારા - અરે આપણા સૉનું - પૂજવા ઠેકાણું જમિયલશા જોગીનો ગિરનારી ગોઠિયો છે દાતા દત્તાત્રેય.

દાતા મેરો દતાતરી ને મેકો મંગણહાર.’’

“જાવ, જાવ બાપુ.” જઈફ મુસ્લિમે બીજા સર્વની સામે ઇશારત કરી કે ચૂપ રહો.

“ઊભા રો’, ઊભા રો’, સાંભળતા જાવ !” એમ કહીને મુસાફરે બુલંદ ગળે ચાબખો માર્યો : “હું તો તમને-અમને બેઉને સંભળાવું છું :

ઠાકર તે ઠુકાયો, મુલ્લાં ડિનીંતે બાંગ,

ઉન માલક જે ઘરજો છે નકોં તાંગ.

ઠાકર-મંદિરમાં આરતીઓ ઠોકાય છે અને મસ્જિદમાં મુલ્લાં બાંગો દઈ બોલાવે છે. પણ એ માલિકના ઘરનો તમને ક્યાંય પત્તો નથી મળતો. અને વળી -

ઊંચો થિયે નીચો થિયે, હથ દો કિયા હીં;

ફોકી ધોઈ કૂટરો થ્યો, અલા મિલેંદો ઈં !

એમ અલા મળશે ? ઊઠબેઠ કરવાથી ને હાથ ઊંચાનીચા કરવાથી ? પૂંઠ ધોવાથી ને રૂપાળા થવાથી ?’’

મુસ્લિમો ગાડિયા હતા. સાફ દિલના હતા. એ દિલ પર આ શબ્દ-ચાબુક પડ્યા. કોઈએ કહ્યું : “સાચા શબદ છે.”

“પતંગશા પીર શું કરે છે ? તમારા ભાઈ ?” જાણકારે કુશળ ખબર પૂછ્યા.

મેકરણે જવાબ દીધો :

‘પીર’ ‘પીર’ કુરો કર્યો, નાંય પીરેંજી ખાણ;

પંચ ઇંદ્રિયું વસ કર્યો (ત) પીર થિંદા પાણ.

“અરે દોસ્તો ! પીર પીર શું કરો છો ? જેટલાએ લીલી કફની ધરી તે તમામ શું પીર ? પીરોની તે શું ખાણ છે ? પાંચ ઇન્દ્રિયોને વશ કરીએ તો આપણે પણ પીર બનીએ. મારો ભાઈ પંડે ઇસ્લામધરમી બન્યો છે. પતોજી હતો તે મટી પતંગશા થયો છે. મને એનો અણગમો નથી. એની બેઠક બેતો અને કાફીઓ વચ્ચે હતી. એના બાળપણના એ સંસ્કાર. એનોય પંથ છે પ્રભુનો. એ તો હજી ખોજ કરે છે, એને પીર ન કહો. અને સાંભળો :

પીર પેગંબર ઓલિયા, મિડે વેઆ મરી;

ચોંણ ઉડાંજ્યું ગાલિયું, નાવો કોય વરી.

“પીરો, પેગમ્બરો ને ઓલિયા, મણ્યેય (તમામ) મરી ખૂટ્યા, તેમની મૃત્યુ પછીની વાતો કહેનારો કોઈ મોતને સામે કાંઠેથી હજુ પાછો નથી આવ્યો.”

“આને હવે ઝાઝો વતાવવા જેવું નથી. આ તો આંહીં ઊભો કંઈક આપજોડિયા ચાબખા સંભળાવશે. માટે જવા દ્યો એને હવે.” ગામલોકોએ આપસ આપસમાં સંતલસ કરીને કહ્યું.

“ઠીક મેકાજી ! પધારો હવે. મોડું થાય છે આપને.”

“લ્યો ત્યારે, જી નામ !”

“જી નામ !”

એવી સામસામી સલામ થઈ ગઈ, ને મુસાફર પોતાને માર્ગે પડ્યો.

૨. દત્તાત્રેયનો મેળાપ

અઢારમો સૈકો ચાલતો હતો. કચ્છ જેવી પાણિયાળી ધરા હતી. માથાનાં ફરેલ માનવીઓને જન્મ દેતી એ કચ્છ-ધરાએ ખોંભડી ગામના હરી રજપૂત હળધ્રોળજીને ઘરે પવાંબાઈ રજપૂતાણીની કૂખે બે દીકરા જન્માવ્યા. એક પતોજી, ને બીજો મકોજી. પતાજીની બેઠક બાલ્યાવસ્થાથી જ જ્યાં ઇસ્લામના ભાવોથી ભરેલી સુંદર બેતો ને કાફીઓ ગાનારા દાયરા ભરાતા તેની વચ્ચે હતી ને મેકોજી હિંદુ ધર્મની હવામાં ઊછર્યો ને રંગાયો. ઘર છોડીને ક્યારે એ નીકળ્યો, ગુરુ ગાંગોજી કોણ હતા ને ક્યાં મળ્યા, તેનો કોઈ પત્તો નથી. કચ્છ, પારકર અને ઠઠા તેમ જ થર નામે ઓળખાતા પ્રદેશોની ઇષ્ટદેવી ગણાતી આશાપરાનો પંજો એને મળ્યો હતો એટલું જ એનાં ભજનોમાંથી તારવી શકાય છે. હિંગળાજનો મઠ કચ્છ ને સિંધ વચ્ચે આવ્યો છે. એ દેવીને આજે પૂજા બેની જ ચડે છે : એક કાપડી પંથના સાધુઓની, ને બીજી કુંવારકાની. હિંગળાજને પહેલા થાપા મેકાજી નામના બાળ-જોગીએ ચોડ્યા કહેવાય છે.

એક દિવસ ગિરનાના કબજેદાર ગણાતા જોગીસમૂહમાં જાણ થઈ કે આપણા પહાડની છાયાભોમમાં, સરભંગ ઋષિનો જે ઠેકાણે આશ્રમ હોવાનું કહેવાય છે, એ જ ઠેકાણે એક અજાણ્યા જુવાને ધૂણો ચેતાવ્યો છે. નથી એ કોઈ મંદિરમા ંજતો, નથી એ એકેય દેવની મૂર્તિ રાખતો, નથી કોઈ ધર્મક્રિયા કરતો. એવો બેમાથાળો કોણ છે ?

ધૂણો નાખ્યો ધરાર આંબલિયું મોઝાર;

તરસૂળ ત્રણ પાંખાળા ખોડે ડાડો મેકરણ.

દત્ત ગરનરીની જમાતે પોતાના ગરાસ જેવી ગણેલી આ ગરવા ફરતી પૃથ્વીમાં રજા સિવાય એ કોણ દાખલ થયો છે ? ગુરુ દત્તની પાસે ફરિયાદ થઈ.

ગામડે ગામડે આ દત્તાત્રેયનો ધોકો ફરતો. એ ધોકાની નિશાની ન ધરાવનારી ઝોળીમાં કોઈ ભિક્ષા નાખતું નહોતું. દત્તની સ્થાપેલી શિસ્ત સડી અને કડક હતી. દત્તે પોતાની જમાત માટે કપરી તાવણ ઠરાવી હતી. દત્તના ચેતાઓ દિગમ્બરો રહેતા, તપોધનો હતા, ગુફાવાસીઓ હતા. ચલમ અને સાફી એ આ જમાતના સંગઠનનું પ્રતીક હતું. ન્યારા ન્યારા પંથ ચલાવનારાઓને દત્ત ડારતા હતા. ભેખની ભવ્યતા ગુરુ દત્તે સાધી છે તેટલી કો વિરલાએ જ સાધી હશે.

એવા દત્તના ધોકાને પોતાના ધૂણા પર રોકી રાખનાર આ જુવાન કોણ હતો ?

દત્તની ચાખડીઓએ ગિરનારના પથ્થરો ગુંજાવ્યા. દત્ત નીચે ઊતર્યા ને ત્યાં ગયા, જ્યાં ગરનારથી આઠેક ગાઉ પરની પુરાણપુરાણી જગ્યાનો ઉજ્જડ વેરાન ટીંબો નવેસર ચેતાવતો મેકણ નામનો જુવાન બેઠો હતો.

દત્તે મિલન-બોલ પુકાર્યો :

સત સરભંગ !

લોહીમાંસ કા એક રંગ !

જવાબ જડ્યો : “જી નામ !”

આ જવાબમાં અજાણ્યો શબ્દ સાંભલીને ગુરુ દત્ત નવાઈ પામ્યા. એણે પ્રશ્ન કર્યો :

દત્ત પૂછે ડીગંબરા, તું જોગી કે જડાધાર ?

કળાસંપૂરણ કાપડી, તારો આગે કુણ અવતાર ?

“તું કોણ છો, હે દિગમ્બર ? તું આટલો તેજસ્વી ક્યાંથી ? તારાં આ રૂપ ક્યાંનાં ? તું યોગી છે ? કે સાક્ષાત્‌ શંકર છે ? તારો પૂર્વાવતાર કયો ?”

જવાબમાં એ નવસ્ત્રો જુવાન આટલું જ બોલ્યો :

દાતા મેરે દતાતરી ! મેકો મંગણહાર.

“હે ગિરનારી ! હું મેકો તો તારી પાસે માગણહાર બનીને આવ્યો છું.

ને હું બીજો કોઈ નથી :

મેં સંગાથી રામકા, ઓરનકા કુલ નાંઈ;

ખટ દરસનમાં ફરન્તાં દરસન મળિયાં આંઈ.

“હે ગુરુ, છ દર્શનોનું ભણતર ભણ્યો છું. તે પછી જ તમારાં ગેબી દર્શન જડ્યાં છે.”

“શું માગે છે તું ?”

“સાચો જીવન-પંથ સાચો ધર્મ.”

“માગતા પહેલાં શી શી તૈયારીઓ કરી છે, જુવાન ?”

“ગિરનારને બાર વરસ પરકમ્મા દીધી છે. બાર વરસ કંદમૂળ જમીને ઝરણાંનાં પાણી પીધાં છે. તમારા કાયદાનું પાલન કરી ચૂક્યો છું.”

“ચોર બનીને કેમ આવ્યો ?”

“શાહુકાર બનીને આવ્યો હોત તો તમારી પાસે પહોંચવાય દેત કે તમારા ચેલા ?”

“કઈ ધરતીનો બેટો છે તું ?”

“કચ્છ-ધરાનો.”

“જા ત્યારે, જન્મ દીધો છે જે ધરતીએ, એને જ ચરણે ચાકરી ધરી દે. તેનાં ભૂખ્યાંની ભાળ લે. ત્યાં જઈ ધ્રૂણો ચેતાવ. સકળ ધર્મનો સાર એ એક જ ધરમ છે. બીજી બધી સાંપ્રદાયિક ઇન્દ્રજાળ છે.”

“આદેશ આપો. નિશાની આપો. જગતને ધૂતનારા ફરે છે તેની વચ્ચે મને કોણ ઓલખાવશે ?”

“ઓળખાવશે તો તારી કરણી જ એકલી. પણ, લે આ બે તુંબડાં. ખંભે કાવડ ઉપાડ, ને દેહ તૂટી ન પડે ત્યાં સુધી ફેર.”

કાવડનું સેવાચિહ્ન આ પ્રમાણે સૌ પહેલું મેકરણને સોંપાયું. સોંપ્યું ગુરુ દત્તાત્રેયે.

૩. બે પશુઓ

ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છ-સિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ પેટમાં સમાઈ ગઈ છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતર્યાં છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હૂહૂકાર કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠઠા, થર, સિંધ અને પારકર જવાનો ધોરીમારગ એ રણને ફોસલાવતો, પટાવતો ચાલ્યો જાય છે.

“મારું થાનક આંહીં જ હોય’ એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઈ. ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો.

પરોઢ થાય છે ને હમેશ એ ઝૂંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે.

“લાલારામ ! મોતીરામ ! વેળા થઈ ગઈ કે ?” એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે.

ઝૂંપડીને આંગણે ઊભનારા એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઈક વિશેષ હતા - એક ગધેડો ને એક કૂતરો હતા.

મેકરણ સાધુ એ ગધેડાને માથે છાલકું મૂકતા અને છાલકાનાં બેઉ ખાનાંમાં અક્કેક પાણી ભરેલું માટલું ગોઠવતાં ગોઠવતાં એ ગધેડા લાલારામના ગુણ ગાતા :

લાખિયો મુંજો લખણે જેડો હુંદો ભાયા જેડો ભા !

બ કાં ચા લખ ધોરે ફગાયાં લાલિયા, તોજી પૂછડી મથા.

“લાલિયા, મારા ભાઈ જેવા ભાઈ ! લખવા જેવું તો તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બે-ચાર લાખ માનવીને ધોળ્યાં કરી ફેંકી દઉં; તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે ?”

“અરે મોતિયા !” સાધુ પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતા : “તને હું ભૂલી ગયો છું એમ તેં માન્યું ? લે, આ તારા નામની સાખી :

મોતિયો કુતો પ્રેમજો ને ડેરી વીંઘી હીરજી,

જીયાં મન પોંચે ઈંયાં લે જાય.

“જાવ ભાઈ ! મારા સાચા બે ટેલવાઓ ! ઊપડો હવે.”

ગધેડો ને કૂતરો રણની દિશામાં ચાલી નીકળતા. ગધેડા પર લદાયેલ બન્ને માટલાં ઉપર એક પાણીનું ડબલું મૂકવામાં આવતું અને પાછળથી મેકરણ સાધુ સાદ કરતા :

“મોતિયા, જોજે હો, જે કોઈ જળ પીવે, તે ઊંચેથી પીવે. ડબલું મોઢે ન માંડે, હો ! હિંદુ, મુસલમીન કે ઢેડભંગી, કોઈ કોઈનો જીવ ન દૂભવાય.”

લોકો કહેતા કે બાવો ચક્કર છે. પણ લાલિયો ને મોતિયો મેકરણના મનની વાત પામી જતા. વાણીના ભેદ જનાવરને સુગમ છે. જનાવરો હૈયાના બોલ ઝીલે છે. ધીકતા સૂરજની હેઠળ એ રણના ઊંડાણમાં મુસાફરોને આ બે પ્રાણીઓ મળી જતાં. ડબલું ભરીને મુસાફરો પાણી પીતાં. ડબલું કોઈ મોઢે માંડતું તો મોતિયો કૂતરો એનું કપડું ખેંચીને સાન કરતો કે ગુરુએ બોટવાની ના પાડી છે !

ચારપગું આ પાણી-પરબ ચારેય પહોર રણમાં ભમતું. ઝાંઝવાંની માયાવી નદીઓ પાણી માટે પાફાં મારતા એકલદોકલ વટેમાર્ગુની પણ મોતિયાને ગંધ આવતી. મોતિયો ‘ડાઉ ડાઉ’ના લાંબા અવાજ કરતો; લાલિયો મોતિયટાની પછવાડે પછવાડે પગલાં માંડતો. અનેક માર્ગભૂલ્યાંના કંઠે આવેલા પ્રાણ લાલિયા-મોતિયાની વહાર વડે પાછા વળતા.

પાણી ખૂટતું ત્યારે બેઉ પશુ વાછાં વળતાં. ઝૂંપડીએ ઊભેલો જોગી એ બેઉને લાડ કરવા તૈયાર હતો. રણકાંઠાનાં ને પહાડગાળાનાં ગામડાંમાંથી કાવડ ફેરવીને ભીખી આણેલા રોટીના ટુકડામાંથી પહેલા બે ભાગ આ લાલિયા-મોતિયાના જ નીકળતા.

દિવસોના દિવસ મેકરણે ખારાં રણ ખૂંદ્યાં હશે. પાણીની મટકી માથા પર ઉઠાવી ઉઠાવીને ફેરવી હશે. તે પછી જ આ બે પશુઓ પાળ્યાં હશે ને બેઉને રણના કેડા-કેડીઓમાં પલોટ્યાં હશે.

રાહદારી રસ્તાને કાંઠે ઊભેલું મેકરણનું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું. રણમાં મેકરણે સરાી વસાવી દીધી. મુસાફરખાનું બાંધ્યું મેકરણે. જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઈ, તેમ તેમ મેકરણનાં ખભા કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી. રોટીની એણે કદી કોઈને ના ન કહી. રોટી આપવાની એને કચ્છીઓએ પણ ના ન પાડી.

૪. રા’દેશળનો મેળાપ

કચ્છના કોઈ એક ગામડામાં ભળકડે ઘંટી ફેરવતું કોઈ ગાતું હતું :

જામાણો જો જૂડિયો બાવા !

એવો ધ્રંજ જો અખાડો જી મેં બાવા !

મેકરણ તું મુંજો ભા.

તોજી ગાલ જો મુંકે સચો સા,

મેકરણ તું મુંજો ભા.

તું મારો ભાઈ છે, ઓ મેકરણ, તારી વાતોમાં મને સાચો સ્વાદ આવે ધે, ઓ ભાઈ મેકરણ !

કોઈક મીઠા આર્દ્ર સ્વરે ગાતું હતું :

પંજસો જો પટકો તોંજે

લાય ડનું દેસલ રા’,

મેકરણ તું મુંજો ભા !

તને પાંચસો રૂપિયાનું કપડું લાવીને કચ્છના રા’દેશળે દીધું, ઓ ભાઈ મેકરણ !

કાપડી હુવો કોડ મંજા. - મેકરણ૦

સત ભાંતીલી સુખડી

ભેંણજે ઘરે તું ભોજન ખા. - મેકરણ૦

ઓ ભાઈ, સાત જાતની સુખડી તારે સારુ બનાવી છે મેં. બહેનને ઘેર એક દિવસ જમવા તો આવ.

હીમા ચારણ્ય વીનવું

પોયરો મુંજો પલે પા !

મેકરણ તું મુંજો ભા !

હું હીમા ચારણી વીનવું છું, મારી મજૂરીનો સ્વીકાર કર, ઓ મારા ભાઈ મેકરણ !

કોઈ કહે છે હીમા ચારણી : ને બીજો બોલે છે આયરોની દીકરી લીરબાઈનું નામ. મેકરણ કાપડીએ એને રણમાં મરતી બચાવી હતી ? કે માત્ર ભક્તિથી આકર્ષી હતી ? તાગ મળતો નથી. પણ એક કોઈ જુવાન બાઈનું નામ મેકરણની સાથે જોડવામાં આવે છે. સગાં-વહાલાંઓએ રંજાડેલી એ કન્યા ધ્રંગ-લોડઈના થાનકમાં આવીને સમાઈ ગઈ હતી. આયરોએ મેકરણને મારવાના એક કરતાં વધુ પ્રયત્નો કર્યા હતા. તેના જવાબમાં મેકરણે સાખી ગાઈ હતી કે :

સકરકે ન સંજણે ધુરકે વખાણે;

મોબત જ્યું મઠાયું વચાડા કુણબી કો જાણે !

સાકનરે ન ઓળખનારા અક્કલહીનો ગોળને વખાણે છે. પણ કણબીઓ (ખેડૂતો) બિચારા સાકરની મીઠાઈઓને શું જાણે ?

સંગત જેં જી સુફલી જનમેં રામ નાય રાજી

જેં જે પૂછડે પ્યા પાજી તેંજી બગડી વઈ બાજી.

બૂરી સંગત જેઓ કરે છે, તેમાં રામ રાજી નથી. જેમને પૂંછડે પાજી લોકો પડ્યા છે તેમની બાજી બગડી ગઈ છે.

એક દિવસ કચ્છના રાજા રા’ દેશળજી શિકારે નીકળ્યા છે. સાથે બીજા સાથીઓ પણ છે. સાંજ પડી ગઈ છે.

“ઓલ્યાં બે જાનવર કોણ હાલ્યાં જાય છે ડુંગરામાં ?” રા’દેશળે ચકિત બનીને પૂછ્યું.

“એક ગધેડો ને એક કૂતરો છે.” સાથીઓએ સમજ પાડી.

“આ પહાડોમાં ગધેડો ને કુત્તો !” રા’ને નવાઈ લાગી. આંહીં તો ચિત્તાઓનો વાસ છે. આંહીં મારા એ શિકારનાં જાનવર ગધેડા-કૂતરાને જીવતા જ કેમ રહેવા દ્યે ?”

“નધિયાણાતાં નથી, બાપુ ! એનો ધણી જબર છે.”

“કોણ ?”

“એક જોગી છે. નામ મેકરણ. એનાં પાળેલાં છે બેઉ.”

“રેઢાં રખડે છે ?”

“ના ભૂજની ખેપે જઈને આવે છે.”

“ભૂજ જઈને ? રેઢાં ? સા માટે ?”

“બાવો મેકરણ એને અનાજ લેવા મોકલે છે. કૂતરાની ડોકે બાવો ચિઠ્ઠી બાંધે છે. ગધાને લઈને કુત્તો ભૂજના શેઠિયાઓ કને જાય છે. ચિઠ્ઠી પ્રમાણે અનાજ લુવાણાઓ ગધાની પીઠે લાદી આપે છે. ગધાની રક્ષા કુત્તો કરતો હોય છે. એની ગંધમાત્રથી પણ આપણા પહાડી ચીતરા ભાગી નીકળે છે.”

“આ દાણાદૂણીનું બાવો શું કરે છે ?”

“રણને કાંઠે ભૂખ્યાંદુખ્યાંને રોટલા ખવરાવે છે.”

“ચાલો, જોઈએ તો ખરા એનું મુકામ.”

ગધો અને કુત્તો ચાયા જતા તેને ધ્યાનમાં રાખીને પહાડની ગાળીની અંદર રા’દેશળે ઘોડાં હાંક્યાં.

થાનકની ઝૂંપડીએ ગધેડાનાં છાલકાં ઉતારતા ઉતારતા મેકરણ તાવમાં ધ્રૂજતા હતા. એનું ઉઘાડું શરીર રણના શિયાળુ પવનઝપાટાની સામે મહામુસીબતે ટક્કર લેતું હતું. દિવસ આથમી ગયો હતો. ડુંગરા વચ્ચે અંધારું હતું. મેકરણ એ બેઉ પ્રાણીઓને કહેતા હતા :

“ઠક્કર શેઠિયાઓએ પૂરું અનાજ ન આપ્યું કે, લાલિયા ? કાંઈ ફિકર નહીં, આવતે અવતાર એની વાત છે. ગદાડાંને માથે મરણતોલ ભાર ભરીને પોતાનાં જાનવરોના નિસાપા લેનાર લુવાણાઓને હું બરાબર પોગીશ.”

ઘાઘલ થીંદા, ગડોડા, આં થીંદોસ ઘુવાર;

ભાડા કીંધોસ ભુજ્જા દીંધોસ ધોકેજા માર.

“લોહાણા (ઘાઘલ) બધા ગધેડા જન્મશે, ને હું એનો ગોવાળ બનીશ. પછી ભૂજનાં ભાડાં કરતો કરતો એને ધોકાના માર મારીશ.

કૂડિયું કાપડિયું કે’ લુવાણા ડીદા લાઉં;

મેકણ ચે, ભેરિયું કયું હલે હડકા ગડોડા ને બ્યું ગાઉં.’’

“કાપડીને અને લુવાણાને તે શે બને ? ગધેડાં અને ગાયો ભેગાં કેમ હાલી શકે ?”

“કાંઈ ફિકર નહીં, બેટા લાલિયા-મોતિયા ! હવે કેટલીક આવરદા કાઢવી રહી છે ? આજનો દિન તો ગુજરી ગયો !

આજ અજૂણી ગુજરઈ સિભુ થીંધો બ્યો;

રાય ઝલીંધી કિતરો, જેમેં માપ પેઓ !

“આજનો દિન વીતી ગયો. કાલ સવારે બીજો ઊગ. જે અનાજના ઢગલામાં માપ પડ્યું છે, પાલી અથવા માણું ભરાઈ ભરાઈને ઠલવાવા લાગેલ છે, તેને ખૂટી જતાં કેટલીક વાર ! વળી હું તે શા માટે કડવા શબ્દો બોલું છે !

જીઓ તાં ઝેર મ થિયો, સક્કર થિયો સેણ;

મરી વેંધા માડુઆ, રોંધા ભલેજા વેણ.

“હે સ્નેહીજનો ! જીવતાં સુધી ઝેર ન બનજો, સાકર બનજો. હે માનવીઓ, આપમે તો મરી જવાનાં. રહેવાનાં છે ફક્ત સજ્જનોનાં વેણ.”

ટાઢિયા તાવમાં થરથરતા મેકરણ પોતાના ધૂણા માથે બેઠા હતા ત્યારે રા’ દેશળજી ઓચિંતા આવીને ઊભા રહ્યા.

“જી નામ !” જોગીએ અતિથિને આવકાર આપ્યો, પણ આસન ન છોડ્યું.

માણસોએ કહ્યું : “ડાડા ! રાવ દેશળજી છે.”

“પંડ્યે જ રા’ દેશળજી ! બેસો કચ્છ-ધરાના ધણી !”

રાવના દેહ ઉપર ઝળહળતો રાજપોશાક મેકરણને આથી વધુ કાંઈ અસર ન કરી શક્યો.

રાવે આસપાસ જોયું. ઠંડા પવનનાં કરવતો વહેતાં હતાં. તે વચ્ચે કાપડી ખુલ્લે શરીરે થરથરતો તાવેભર્યો રહેતો હતો.

“ટાઢ નથી વાતી ?” એણે મેકરણને પૂછ્યું.

“વાય તો ખરી જ ને. પણ કાયા એનો ધરમ બજાવે છે.”

“આ લિયો.” કહીને રા’દેશળે પોતાના શરીર પરથી સાચી જરીભરેલ શાલ ઉઠાવીને જોગીના શરીર પર ઓઢાડી દીધી.

જોગીએ હળવા હાથે શાલ ખેંચી લઈને સામે સળગતા ધૂણામાં ધરી દીધી.

“કેમ કેમ ?” રા’ને નવાઈ થઈ.

જોગીએ કહ્યું : “રા’ દેશળ, જેમ તારો એ મહામૂલો પટાળો તેમ મારો આ ધૂણો છે મારો પટારો : આવી મહામૂલી પાંભરીને હું મારા પટારામાં સાચવીને મૂકી દઉં છું, કોઈ ચોર ચોરી ન શકે, કોઈ દી પાંભરી જૂની ન થાય, કે ફાટી ન જાય.”

“પણ મેં તો પટોળો ઉમંગથી આપ્યો’તો.”

“સાચું સાચું, બાપ રા’ દેશળ. પણ -

કીં ડનો કીં ડિંધા, પટન મથે પેર;

મરી વેંધા માડુઆ, રોંધા ભલેંજા વેણ.

“કોરિયું કોરિયું શું કરો છો, ભાઈષ કોરિયુંમાં તો કૂડ ભરેલ છે. હે માનવી, મરી જશું ત્યારે તો મોંમાં ધૂળ જ પડવાની છે.

“અને, હે રા’ !”

કૈંક વેઆ કૈં વેધા, કુલા કર્યોતા કેર

માડુએ ધરાં મેકણ ચે, મું સુઝા ડિઠા સેર.

“કંઈક ગયા, કંઈક ચાલ્યા જશે. ઓ માનવી, શા માટે કેર કરે છે ? મેકરણ કહે છે કે મેં તો શહેરોનાં શહેરો માનવી વગરનાં સૂનાં બનેલાં દીઠાં છે.

હીકડા હલ્યા, બ્યા હલંધા, ત્રાય ભરે વિઠા ભાર;

મેકણ ચેતો માડુઆ ! પાં પણ ઉની જી લાર.

“રા’ દેશળ ! એક તો ગયા, બીજા જશે, ત્રીજા પોતાની ગઠડી બાંધીને જવાની તૈયારીમાં બેઠા છે. હે માનવી ! મેકણ કહે છે કે આપમે પણ એની જ હારોબાર હાલી નીકળવાનું છે.”

“મને કાંઈ જ્ઞાન દેશો ? કાંઈ ગેબી શબદ સંભળાવશો ?”

“કોને સંભળાવું ? અધિકારી ક્યાં છે ?”

મોતી મંગીઓ ન ડિજે, (ભલે) કારો થીએ કેટ;

જ્યાં લદી માલમી ન મિલે ત્યાં લગ તાળો દ્યો હટ.

“જ્ઞાન રૂપી મોતી, જેવાતેવા અપાત્રની માગણીથી તેને આપવું નહીં. ભલે એ પડ્યં પડ્યું કટાઈ જાય. ખરેખરો ગ્રાહક મળે ત્યારે તેની પાસે જ હૈયારૂરપી હાટ ઉઘાડવું જોઈએ.

મોતી મંગેઆ ન ડિજે, મર તાં ચડે કિટ’

ભેટે જડેં ગડજદેં પારખું, તડેં ઉઘાડજે હટ.

“ભલે કાટ ચડી જાય, પણ સાચા પારખુ ન ભેટે ત્યાં સુધી માનવી ! જીવનનાં જ્ઞાનરૂપી મોતી કોઈને આપીશ મા !”

“ત્યાં મારી કાંઈક તો વિનંતી સ્વીકારો !”

“તું પાસે તો એક જ વાત માગવી છે, રા’ દેશળ ! કે આંહીં મારી જગ્યાની આસપાસ શિકાર ન ખેલવો.”

તે દિવસથી ત્યાં આજ પણ રાજ-શિકારનો પ્રતિબંધ ચાલ્યો આવે છે.

૫. મેકરણ-વાણી

સીમમાં કોઈ સ્થળે ઊતરેલા મેકરણ ભજન ગાતા હતા -

સાયરાં હુદાં સૂર

એ જી વાલીડાનાં નેણુંમાં વરસે જીણાં નૂર

એ આવો ! આવો તો મળીએં જી.

મળતાની સાથે આપણ હળીમળી રહીએં ને

કાઢીએ દલડાનાંકૂડ.

એમાં સાયબોજી મારો રાજી રિયે

ફાગણ ફૂલ્યો ઝીણે ફૂલ.

એ આવો ! આવો તો મળીએં જી.

ખોટાબોલાનો ાપણ સંગ ન કરીએં ને,

આદ અનાદનાં બોલે કૂડ;

એવાંની સંગત આપણે કેદી ન કરીએં

(એની) આંખુમાં નાખો ઝીણી ધ્રૂડ

એ આવો ! આવો તો મળીએં જી.

હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા

એનાં કેશરવરણાં હોય નૂર;

એની તો સંગતું આપણ દોડી દોડી કરીએં ને

જમડાને ઈ તો રાખે દૂર -

એ આવો ! આવો તો મળીએં જી.

કાયા માયાનો તમે ગરવ ન કરજો

આંઈ તો રે’વાનું છે કૂડ;

મેકણ કાપડી એણી વિધે બોલ્યા રે,

જાવું છે પાણીહંદે પૂર -

એ આવો ! આવો તો મળીએં જી.

સંત મેકરણનો રાગ સૂરીલો નહોતો, એ ગાતા ત્યારે બરાડા જેવું લાગતું, એક કુંભાર ત્યાં દોડ્યો આવ્યો. જોઈને પાછો વળ્યો.

“કેમ, ભાઈ !” મેકરણે પૂછ્યું.

“કાંઈ નહીં, ડાડા !”

“ના, ના, કહો તો ખરા.”

“ઈ તો મારો ગધેડો છોવાણો’તો, તે ગોત કરવા નીકળેલ છું, ડાડા !”

મેકરણ સમજી ગયા. પોતાનો સૂર ગધેડા જેવો છે ! થોડી વાર દુઃખ પામ્યા. પણ પછી એકાએક મસ્તીમાં આવી જઈને પૂરી ખુમારીભરી સાખી લલકારી :

ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં;

હડકો રીજાવું નાથ કેબ્યાને પેદારસેં હણાં.

“રાગ અને રાગિણીઓ હું નથી જાણતો. ગાનાર તો ગાડર(ઘેંટા)ની જેમ આરડે છે. ભલે ભાંભરડા દેતા. મારે કંઈ મનુષ્યોને રીઝવવાં નથી. હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું જોડે જોડે મારું.”

ને આ સૂરીલા ગાનારાઓ કેવા છે ?

ઝાંઝકૂટા અને પેટમૂઠા, ઝિંઝ્‌યું ડિયેંતા ધાંઉ;

ઠાકર ચેતો ઈની પીઓ મૂઠો અંઈયાં આઉં.

ઝાંઝ કૂટનારાઓ અને પેટભરાઓ મોટા મોટા બરાડા પાડે છે. ઠાકોરજી તો કહે છે કે એવાઓની પાછળ હું જ મૂઓ પડ્યો છું.

કૂટ્યું કુટિયેં કુંજિયું, ડિયેં ઝાંઝેકે જોર

હિકડા ભૂખ્યા ભતજા, બ્યા રનેંજા ચોર.

જોરથી ઝાંઝ બજાવનારા અને મંજીરા વગાડનારા ખોટા છે. એમાંના કોઈક મીઠું મીઠું ખાવાના લાલચુ છે, ને કોઈક સ્ત્રીઓના ચોર છે.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા;

ખેડી ખેડી આપો ડઈ રિયા અખિયું કઢીતા કગા.

રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળકનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય, ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ગધા;

મીઠેજ્યું ચાંટું ખણીને સેરીએ સેરીએ ભગા.

રામને ન ભજનારાઓ ગધેડાનો અવતાર પામે છે. પછી મીઠાંનાં છાલકાં ઉપાડી ઉપાડીને શેરીએ સેરીએ ભાગતા હોય છે.

જે નર રામ ન ભુજિયા, સે સરજ્યા કૂતા;

ભૂખ ભડવે જેં પેટ મેં સેરીએ સેરીએ સૂતા.

રામને ન ભજનારા કૂતરા સરજ્યા. પછી એ નાલાયકો ભૂખ્યા પેટે શેરીઓમાં સૂતા હોય છે.

મંદિરોને, મૂર્તિપૂજાને, કીર્તનકારોનાં કૂડને, બાહ્ય ક્રિયાકાંડને સોટા લગાડતા મેકરણનું જ્ઞાન અનેક ગૂઢાર્થો ઉકેલતું અંતર્મુખ બનતું ગયું. પણ એનો સાચો પારખુ ન સાંપડ્યો. એણે પોકાર કર્યો કે -

ગૂઢારથ જ્યું ગાલિયું વધી વડ થઈયું,

તાણે કે ન પૂછિયું, મું પણ ન ચઈયું.

જીવનનાં નિગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધી વધીને વડ જેવડી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી, કે ન મેં કોઈને વગરપૂછ્યે કહી.

ગાલડિયું ગૂઢેરથ જ્યું, વધી વધી વડ થયું,

અંગે માડુએ ન પૂછ્યું, દલજી દલને રિયું.

ગૂઢાર્થોની વાતો મારા હૃદયમાં વધીને મોટા વડ જેવડી બની ગઈ, પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી. એટલે એ દિલની વાતો દિલમાં જ રહી ગઈ.

અને મને પૂછવા આવનારા કોણ હતા ? મારી પાસેથી કોઈ વરદાન લેવા આવ્યા. કોઈ સંસારી લાભ લૂંટવા આવ્યા.

વડા ધણીજી વિનતિયું જાગી કોન કિયું;

વણ કમાણીએ મોજું લાગે, (ભડવે કે) લાજુ કો ન થિયું !

મહાન ધણી ઈશ્વરની માગણીઓ તો કોઈએ પૂરી કમાણી કર્યા વગર તેઓએ ઇનામો માગ્યાં. નાલાયકોને શરમ પણ ન આવી.

એ ગૂઢાર્થોનું જ્ઞાન મેકરણે ક્યાં જઈને મેળવ્યું ?

જાં વિંઝાં જરાણમેં, તે ભાવરે માથે ભાર;

ખિલી કેં ન ખીંકારેઓ કેં ન કેઓ સતકાર.

હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ માટીના, ભાર તળે ચંપાયેલા હતા. મને કોઈએ હસીને બોલાવ્યો નહીં, કોઈએ મારો સત્કાર કર્યો નહીં.

જાં વિંઝાં જીરાણમેં, કરિયાં સેણે કે સડ;

મિટ્ટી ભેરા વ્યા મિલી હુંકારો ડિયે ન હડ.

હું સ્મશાનમાં ગયો. સ્વજનોને મેં સાદ પાડ્યા. પણ એ તો માટીમાં મળી માટી બની ગયા છે. એમનું હાડકું પણ હોંકારો આપે તેમ નહોતું.

જાં વિંઝાં જીરાણમેં, ત કોરો ઘડો મસાણ,

જડેં તડેં માડુઆ ! ઈ પલ થિંદી પાણ.

હું સ્મશાનમાં ગયો. ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો. અરે માનવો, જતે દિવસ આપણી પણ એ જ પળ આવી પહોંચશે.

ઊ ભુંગા ઊ ભેણિયું, ઊ ભિતેં રંગ પેઆ;

મેકણ ચેતો માડુ આ ! રંગીધલ વેઆ.

આ એ જ ઝૂંપડાં છે. એ જ જગ્યાઓ છે. ભીંતો પરના એ જ રંગ કાયમ છે. પરંતુ મેકણ કહે છે કે અરે લોકો, એને રંગાનારા ચાલ્યા ગયા.

કુરો કરિયાં, કિત વિંઝાં, કે’ કે કરિયાં સડ !

જમ જોરાણું થૈં મુંકે, આડી ડઈ વ્યો અડ.

હું શું કરું ? ક્યાં જાઉં ? કોને સાદ કરું ? આ જમ જુલમી થયો અને મારી આડે પડદો નાખી ગયો.

કોણ તર્યું ? કોણ ખાટી ગયું ? આ અસારતામાંથી કોણ ઊગર્યું ? મેકણ કહી ગયા :

ખારાઈંધલ ખટેઆ; મેડીધલ મુઠા :

સરઘાપુરજી સેરીએ, મું ડીંઘલ ડિઠા.

ખાટી ગયા તો ખવરાવનારા; ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઠો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જ દીઠા છે.

અને બીજા કોણ તરી ગયા ?

જિની જુવાણી જારવઈ મોડે રખેઓ મન,

સરઘાપરજી સેરીએ કલ્લોલું તા કન.

જેમણે જુવાની જાળવી, અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગપરની શેરીએ કલ્લો કરી રહ્યા છે.

૬. સમાધ

મેકણ બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જાણ્યા. જડ્યું તેટલું લોકોને દીદું, અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એણે સંસારલીલાનો સંકેલો કર્યો. સંવત ૧૭૮૬ના આસો વદ ૧૪ના રોજ દિવાળીના આગલા પ્રભાતે ધ્રંગ-લોડાઈના સ્થાનકમાં એણે સમાઈ જવા માટે સમાધ ગલાવી.

દસ જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. અગિયારમો એક ઢેડ હતો. એનું નામ ગરવો.

બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્તાર કર્યો. અધમ ઢેડને પણ સાથે સમાધ ?

ત્યારે મેકણે જગતને જવાબ દીધો :

કેં કે વલિયું કોરિયું; કેં કે વલા વેઢ;

વલે કના વલા, મુંકે ઢાઢી બેઆ ઢેઢ.

“ઓ ભાઈઓ ! કોઈને કોરીઓ (દ્રવ્ય) વહાલી, તો કોઈને વેઢવીંટીના દાગીના વહાલા. મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ ને ઢેડો છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા.

“અને શો વાંધો છે એમાં ?”

પીપરમેં પણ પાણ નાય બાવરમેં બ્યો;

નિયમેં ઊ નારાણ પોય કંઢેમેં કયો ?

“પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજવાડામાં વળી બીજો કયો હોય ?”

“વળી, અંતકાળે હું મારાં વહાલાં સ્વજનો સિવાય બીજાં કેને પાસે રાખું ?”

વિઠે જિનીં વટ સે સો ઘટે શરીર જો,

મોંઘા ડઈને મટ, પરિયન રખજે પાસમેં.

“જેમની પાસે બેસવા માત્રથી શરીરનું દુઃખ ઓછું થઈ જાય, એવાં પ્રિયજનોને તો મોંઘાં મૂલ દઈને પણ પડખામાં જ રાખવા જોઈએ.

“માટે, ભાઈ લાલિયા, ભાઈ મોતિયા, તમે બેઉ પણ ભેગા જ ચાલો. તમને હું અળગા કેમ પાડું ? મારા સાચા ટેલવા તો તમે જાનવરો છો. મોતિયા-લાલિયાની પણ સમાધ ગાળી રાખો, ભાઈ !”

એમ મેકણે મૃત્યુમાં પણ જગતનાં ભ્રષ્ટોનો સાથ સ્વીકાર્યો.

સમાધ તૈયાર હતી. ઉત્સવ ઊજવણી ચૂક્યા. સમાધમાં બેસવાનું ટાણું થયું. તે વખતે ઢેડ ગરવો બહારગામથી આવ્યો.

“ગરવા, ભાઈ, ચાલો.”

ગરવાએ વિનંતી કરી :

“બાપુ, આઉં છોકરેકે કૂછિયાં ?” (હું મારા છોકરાઓની રજા લઈ આવું ?)

“ભાઈ, મોડું થઈ જશે.”

“હમણાં જ પાછો વળીશ.”

“ભલે ભાઈ, જઈ આવ.”

પૂરી વાર વાટ જોયા પછી પણ ગરવો ન આવ્યો. વેળા થઈ ચૂકી. ચોઘડિયું ચાલ્યું જતું હતું. મેકણે કહ્યું, “ભાઈઓ, ગરવો તો ન આવ્યો :

ગરવે ગોદડ ખણિયાં ઉગમતે પરભાત;

ગરબા બચારા ક્યા કરે ! માથે ઢેઢનકી જાત.

“ેમાં ગરવાનો બાપડાનો વાંક નથી. જાતનો સંસ્કાર નડ્યો એને. ચાલો ભાઈઓ ! જી નામ !”

“જી નામ !” પોકારીને સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડતો દોડતો ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો :

“બાપુ, હણે અચાં ?” (બાપુ, હવે આવું ?)

“હાણે એભા ! અતે જ રે’જે.” (હવે તો ભાઈ, ત્યાં જ રહેજે.)

પછી તો અગિયાર જણા એક પંક્તિમાં સમાયા, લાલિયો-મોતિયો મેકણની સામે સમાયા, ને ગરવા ઢેડે થોડે છેટે સમાધ લીધી.

આજે એ થાનકમાં અગિયાર સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની સમાધ પણ થોડે દૂર છે.

હિંદુ, મુસ્લિમ, હરિજનો, સર્વના ત્યાં મેળા ભરાય છે.