Food Safari - No Back Dessert books and stories free download online pdf in Gujarati

ફૂડ સફારી - નો-બેક ડેઝર્ટ

જીન્દગીમાં મજા એટલે કે મોજનું એક મહત્વનું સ્થાન છે અને દરેકને આ મજા અલગ અલગ વસ્તુમાંથી આવે છે. પરંતુજો કોઈ સૌથી કોમન વસ્તુ હોય કે જેનાથી મોટાભાગના લોકોને મજા આવતી હોય તો એ છે સ્વીટ્સ, એટલે કે ગળી વાનગીઓ. અને એટલે જ ડેઝર્ટ, એટલે કે સ્વીટ્સ, એ કોઈપણ ક્વીઝીનનો સૌથી શ્રેષ્ઠ ભાગ હોય છે અને સૌથી મનપસંદ પણ!

"ડેઝર્ટ" સામાન્ય રીતે રાત્રિભોજન પછી આવતો કોર્સ છે.મોટાભાગે ડેઝર્ટનો અર્થ મીઠો ખોરાક છે પણ કોઈક વાર ચીઝ જેવી તીવ્ર સ્વાદ ધરાવતી વસ્તુ પણ ડેઝર્ટ તરીકે પીરસવામાં આવે છે જેમકે ચીઝકેક.‘ડેઝર્ટ’ શબ્દ જૂના ફ્રેંચ શબ્દ "desservir" માંથી આવ્યો છે જેનો અર્થ થાય છે'ટેબલ સાફ કરવું'.

વિજ્ઞાનીઓ આપણને કહે છે કે ખાંડ બિન જરૂરી ખોરાક છે. પ્રાચીન સમયમાં, હકીકતમાં, સ્વીટ્સ એ ફક્ત શ્રીમંતો માટે અનામત વૈભવ હતી. પ્રાચીન રોમમાં ગરીબોનું ભોજન અનાજ અને કોઈપણ ઉપલબ્ધ માંસ અથવા શાકભાજી રહેતું, જયારે શ્રીમંતો ત્રણ કોર્સનું ભોજન કરતા હતા, જેમાં અંતિમ કોર્સમાં સ્વીટ્સ પીરસવામાં આવતી.

આજે ડેઝર્ટ ફક્ત શ્રીમંતો પુરતું જ સીમિત નથી રહ્યું.આપણે સહુ નિયમિત રીતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ વડે જાત ને વાર – તહેવારે ટ્રીટ આપીએ છીએ.

ડેઝર્ટએ ભોજનનો ભાગ હોય એવું ફક્ત પ્રાચીન રોમ સંસ્કૃતિમાં જ નહોતું, ગ્રીકો તેમજ પ્રાચીન ઇજિપ્તવાસીઓ પણ ડેઝર્ટને એટલા જ ઉત્સાહથી માણતા હતા.ઘણા લોકો માને છે કે ડેઝર્ટ સંસ્કૃતિનો વિકાસની રજૂઆત કરે છે. તે ફક્ત જમ્યા બાદ, પેલેટ ક્લીન્ઝીંગ કરવા માટેનું સાધન નથી.પરંતુ ડેઝર્ટ એ, સરળ ભોજન અને તેને લગતા મીકેનીક્સથી પર એક દિવ્ય એક્સપ્રેશન છે.

જયારે જયારે તમે જાતને કામનાં બોજ તળે દબાયેલી મહેસૂસ કરો, દુનિયાને તમારી વિરુદ્ધ ઉભેલી જુઓ, જાતથી કંટાળી જાઓ ત્યારે એક ચમચી આઈસ્ક્રીમ, ચિઝકેક, કપકેક કે પછી ચોકલેટ મૂઝ ખાઈ જોજો. એમાં કેટલી દિવ્યતા છૂપાયેલી છે એ તરત ખબર પડી જશે.

આપણી એક ગેરમાન્યતા એવી છે કે કોઈપણ આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ બનાવવા માટે ઓવેનની જરૂર પડે જ, કે પછી તેમાં ઈંડાની જરૂર પડે જ. પરંતુ હકીકત એવી નથી. આજે જમાનો ફાસ્ટ લાઈફ-સ્ટાઇલનો છે, દુનિયાના ગમે તે ખૂણે જાઓ, લોકો દોડતા જ જોવા મળે છે. પરિણામે આજે ‘મેક-અહેડ’ કે પછી ‘નો-બેક નો-કૂક’ ડેઝર્ટનો જમાનો આવ્યો છે. પરિણામે કોઈપણ જાતના બેકિંગ વગર સરસ ડેઝર્ટ બનાવી શકાય છે. જેમકે, નો બેક્ડ ચિઝકેક, ટ્રફલ કે મૂઝ.

ચીઝકેક:

ચીઝકેકમાં સામાન્યરીતે ક્રીમ ચીઝ વાપરવામાં આવે છે અને ફેંટેલું ક્રીમ, જો ક્રીમ ચીઝ ના મળે તો ઘરે બનાવેલો દહીંનો મસ્કો પણ વાપરી શકાય છે, પરિણામે આ ડેઝર્ટ ધીરે ધીરે ખૂબ પ્રખ્યાત થઇ રહ્યું છે.

  • લેમન ચીઝકેક:
  • સામગ્રી:

    બેઝ માટે:

    250 ગ્રામ મારી બિસ્કીટ, ભુક્કો કરેલા

    100 ગ્રામ બટર

    ફીલિંગ માટે:

    500 ગ્રામ ક્રીમ ચીઝ

    ૨ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક

    ૧ કપ લીંબુનો રસ.

    રીત:

  • મારી બિસ્કીટના ભૂકામાં ઓગાળેલું બટર ઉમેરી, તેને બરાબર મિક્સ કરી દો.
  • સ્પ્રિંગ ફોર્મ કેક ટીન, એટલે કે જેનો બેઝ છૂટો થઇ શકે છે તેવા કેક ટીનમાં નીચે આ મિશ્રણને બરાબર દબાવીને ગોઠવી દો. ફીલિંગ તૈયાર થાય એટલો સમય બેઝને ફ્રીજમાં ઠંડો થવા દો,
  • ફીલિંગ બનાવવા માટે, એક બાઉલમાં ક્રીમ ચીઝ અને એક ટીન કન્ડેન્સ્ડ મિલ્કને સુંવાળું થાય ત્યાં સુધી ફેંટો.
  • હવે તેમાં બીજું ટીન કન્ડેન્સ્ડ મિલ્ક અને લીંબુનો રસ ઉમેરી બરાબર મેળવી દો.
  • આ મિશ્રણને બેઝ પર પાથરી, ફ્રીજમાં ૮ થી ૧૦ કલાક સેટ થવા દો.
  • સેટ થઇ જાય એટલે ઠંડી ઠંડી સર્વ કરો.
  • વિવિધ વિકલ્પ:

  • ઉપરની રેસિપીમાં જ અન્ય કોઈ પણ ફ્લેવર ઉમેરી જે-તે ફલેવરની ચીઝકેક બનાવી શકાય છે.
  • ટ્રફલ:

    ટ્રફલ એ ચોકોલેટમાંથી બનાવવામાં આવતા બોલ્સ છે, જો કે તેની મૂળ રેસિપીમાં થોડા ઘણા ફેરફાર કરવાથી તેને અનેક ફ્લેવર્સમાં બનાવી શકાય છે. ટ્રફલ ‘બાઈટ-સાઈઝ’ ડેઝર્ટ હોવાથી બાળકોમાં અને પાર્ટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે.

  • ચોકોલેટ ટ્રફલ:
  • સામગ્રી:

    ૩/4 કપ હેવી ક્રીમ

    1 કપ આઈસીંગ સુગર
    250 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ (ગનાશ માટે)

    350 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ (ડીપ માટે)

    સજાવટ માટે, બારીક સમારેલા ડ્રાયફ્રૂટ


    રીત:

  • બેકિંગ ડીશને પાર્ચમેન્ટ પેપર મૂકી તૈયાર કરો.
  • 250 ગ્રામ ચોકોલેટ ચીપ્સ અને હેવી ક્રીમને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
  • તૈયાર થયેલા મિશ્રણને લગભગ ૨ કલાક માટે ફ્રીજમાં ઠરવા દો.
  • હવે અન્ય બાઉલમાં 350 ગ્રામ ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
  • ફ્રીજમાં મૂકેલા મિશ્રણમાંથી થોડું લઇ તેને ગોળ આકાર આપો. આ ગોળાને પીગળેલી ચોકલેટમાં ડૂબાડી, વધારાની ચોકલેટ નીતરી જવા દો.
  • ત્યારબાદ તેને ડ્રાયફ્રૂટના મિશ્રણમાં રગદોળી બેકિંગ ડીશમાં મૂકો.
  • ગોળાને લગભગ અડધો કલાક ફ્રીજમાં સેટ થવા દો.
  • તૈયાર થઇ જાય એટલે સર્વ કરો.
  • નોંધ:

  • ડાર્ક ચોકોલેટ ચિપ્સને બદલે મિલ્ક ચોકોલેટ ચિપ્સ પણ વાપરી શકાય.
  • વિવિધ વિકલ્પ:

  • ઉપરની રેસિપીમાં જ ડાર્ક ચોકોલેટને બદલે વ્હાઈટ ચોકોલેટ લઇ, તેમાં ડીપમાં ફ્રુટ પલ્પ ઉમેરી ફ્રુટ ફ્લેવરના ટ્રફલ બનાવી શકાય છે.
  • ગનાશમાં કોફી ભેળવી કોફી ટ્રફલ બનાવી શકાય છે.
  • મૂઝ:

    મૂઝ, જેનો ફ્રેન્ચમાં સીધો અર્થ છે ફીણ, એક ખૂબ જ પ્રખ્યાત ફ્રેંચ ડેઝર્ટ છે. મૂઝ સામાન્યત: એક ‘એરી’- હવાથી ભરેલું’- વાનગી હોય છે, જે ગળી અથવા નમકીન હોઈ શકે.ગળ્યા મૂઝ ફેંટેલા ક્રીમમાં ગળપણ અને ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે.

  • ચોકોલેટ મૂઝ:
  • સામગ્રી:

    300 ગ્રામ હેવી ક્રીમ

    1 કપ આઈસીંગ સુગર
    400 ગ્રામ ડાર્ક ચોકોલેટ ચિપ્સ

    100 ગ્રામ બટર

    રીત:

  • બટર અને ચોકોલેટ ચીપ્સને ડબલ બોઈલર પર મૂકીને પીગળાવી દો.
  • પીગળી જાય એટલે આ મિશ્રણને બાજુ પર રાખો, રૂમ ટેમ્પરેચર પર આવવા દો.
  • એક બાઉલમાં ક્રીમ લઇ તેમાં આઈસીંગ સુગર નાખી હેવી પીક્સ નાં બને ત્યાં સુધી ક્રીમ ને ફેંટો.
  • તૈયાર ક્રીમમાં ચોકોલેટના મિશ્રણને ધીમે ધીમે, હલકા હાથે ભેળવો.
  • બધી જ ચોકોલેટ ક્રીમમાં મિક્સ થઇ જાય એટલે મૂઝને ચાર બાઉલમાં વહેંચી દો. આ બાઉલને પ્લાસ્ટિક રેપ કે ક્લિંગ રેપથી ઢાંકી 2 થી ૩ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા દો.
  • ઠંડુ ઠંડુ સર્વ કરો.
  • વિવિધ વિકલ્પ:

    ઉપરની રેસિપીમાં જ ક્રીમમાં બટર અને ચોકોલેટના મિશ્રણને બદલે પાણીમાં ઓગળેલી કોફી કે ફ્રુટ પલ્પ ઉમેરવાથી કોફી મૂઝ કે ફ્રુટ મૂઝ બનાવી શકાય છે અથવા ડ્રાયફ્રૂટનાં બારીક ટુકડા ઉમેરી ડ્રાયફ્રુટ મૂઝ બનાવી શકાય છે.

    પરફે:

    આ પણ એક ફ્રેંચ ડેઝર્ટ છે. પરફે નો અર્થ થાય છે, પરફેક્ટ, એટલે કે પરિપૂર્ણ. આ ડેઝર્ટ ખરેખરમાં બધા જ ડેઝર્ટનું એક મિશ્રણ છે. પરફેમાં વિવિધ લેયરમાં ક્રીમ, આઈસ્ક્રીમ, જેલી, ફ્રેશ ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ્સ બધું જ એક લેયરમાં ગોઠવીને, કાચના ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. આ ડેઝર્ટની ખૂબી એ છે કે તમે ચાહે એટલા લેયર, તમારી પસંદ મુજબ મૂકી શકો છો અને પસંદ ન હોય એ લેયર કાઢી શકો છો.

  • મેંગો એન્ડ યોગર્ટ પરફે:
  • સામગ્રી:

    1 કપ દહીંનો મસકો, ફેંટીને સ્મૂધ કરેલો

    2 ટેસ્પૂન બદામનો ભૂકો

    1 કેરી, પ્યુરી કરેલી

    મધ, સ્વાદમુજબ
    થોડા ડ્રાયફ્રૂટ, બારીક કાપેલા

    રીત:

  • દહીના મસ્કા અને મધને બરાબર મિક્સ કરો.
  • હવે કાચના એક ગ્લાસમાં નીચે આ મિશ્રણ ભરો, લગભગ ૨-૩ ટેસ્પૂન જેટલું.
  • તેના પર લગભગ અડધા જેટલી કેરીની પ્યુરી ભરો.
  • તેના પર ડ્રાયફ્રુટ ગોઠવો.
  • ફરીથી આ જ પ્રમાણે લેયર બનાવો.
  • લગભગ ૧ કલાક માટે ઠંડુ કરી, સર્વ કરો.
  • વિવિધ વિકલ્પ:

  • દહીના મસ્કાની જગ્યાએ ક્રીમ કે પીગાળેલો આઈસ્ક્રીમ પણ વાપરી શકાય છે.
  • કોઈપણ ફ્રુટને, પ્યુરી તરીકે કે સમારીને વાપરી શકાય છે.
  • ભારતીય મીઠાઈઓને પણ પરફેની રીતે ગોઠવીને વાપરીને એક અલગ રીતે સર્વ કરી શકાય છે, ટૂંકમાં પરફે એક કોરું કેનવાસ છે, તમારી ઈચ્છા અને સ્વાદ પ્રમાણે બનાવીને મહેમાનોને સર્વ કરી શકાય છે.