Priy Manan books and stories free download online pdf in Gujarati

પ્રિય મનન - Letter to your Valentine

પ્રિય મનન

નમ્રતા કંસારા

પ્રિય મનન,

હું માનસી, લખાણ જોઇને તમે સમજી જ ગયા હશો… વિચારતા પણ હશો કે આજે અચાનક હું આમ આ પત્ર કેમ લખી રહી છું..? કેમકે કંઇ કામ હોય તો આપણે વાતચીત પણ કરી જ શકીએ. પત્રની શી જરૂર..? હું પણ એમ જ માનુ છું. પણ શું કરું? આના સિવાય બીજો કોઇ ઑપ્શન જ નથી. તમે પણ જાણો જ છો..! અને હા, જાણું છું કે તમે કંટાળેલા હશો… થાકેલા હશો.. કેમકે મીડ નાઇટ થઇ ગઇ હશે…! પણ પ્લીઝ અકળાશો નહીં. બસ.. મનની વાત કરવી છે... કહેવી છે… એટલે લખ્યો છે. અને વિશ્વાસ પણ છે કે તમે તેને પૂરો વાંચશો.

સૌ પ્રથમ તો સૉરી, તમારી કામની ડાયરીમાં આમ આ પત્ર મૂકવા માટે. પણ તમારા સુધી મનની વાત પહોંચાડવાનો આજ એક રસ્તો હતો. અને જાણતી હતી કે રોજ રાત્રે સૂતા પહેલાં તમે તમારી નોટ્સ આ ડાયરીમાં લખો છો. ભલે ગમે તેટલા થાકી જ કેમ ના ગયો હોવ..! અને એટલે જ બુકમાર્કના બે પાનાં પછી આ લૅટર મૂક્યો. જેથી નોટ્સ લખાયા પછી તમારું તેના પર ધ્યાન જાય. અને અત્યારે કદાચ તે તમારા હાથમાં જ હશે. અને તમે તેને વાંચી પણ રહ્યા હશો. કદાચ…ફીલિંગ્સ પહેલાં જેવી નહિ હોય.

મનન, આજે આપણા લગ્નને વીસ વર્ષ પૂરા થયા. તમે વિચારવા લાગ્યા હશો, નહિ..! કેમકે આજનો દિવસ કદાચ તમને યાદ જ નહીં હશે! અને તમે એમ પણ વિચારતા હશો કે મને કેવી રીતે યાદ છે અથવા કેમ યાદ છે ? હા..મને યાદ છે, જોકે હું એમ કહી શકું કે મને તે ક્યારેય ભૂલાયો જ નથી. ના, હું તમને યાદ ન રાખવા બદલ સંભળાવતી નથી કે તમારો વાંક પણ નથી કાઢતી, એટલે પ્લીઝ અકળાશો નહિ. બસ એટલું કહીશ કે આ દિવસ યાદ રહી જાય એવો કદાચ આપણે જ રાખ્યો નથી. બરાબર કહું છું ને ! કેમકે કોઇ એક પર દોષ નાખવો યોગ્ય પણ નથી. ક્યાં આપણે આજના દિવસે રાત્રે 12:૦૦ના ટકોરે એકબીજાને એનિવર્સરી અને વેલેન્ટાઈન્સ બંને વિશ કરતાં. અને ક્યાં અત્યારે આપણે એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. અને એટલે જ આટલા મોટા ઘરમાં એક જ છતની નીચે આપણે અલગ-અલગ રૂમમાં રહીએ છીએ. ખરું કહ્યું ને..?!

આપણા લવ કમ અરેન્જ્ડ મૅરેજ હતાં મનન, યાદ છે…! આપણે એકબીજાને સ્કુલ ટાઇમથી ઓળખીએ છીએ. પડોશી પણ રહી ચૂક્યા છીએ આપણે…! મનન, તમને યાદ છે તમે એકદમ ફોકસ્ડ વિદ્યાર્થી હતા, હેલ્પફુલ નેચરના અને ઉંમર કરતાં ઘણું બધું વિચારતા..તમારા નામ અનુસાર. તમને ખબર હતી કે તમારે જીવનમાં શું કરવું છે; શું બનવું છે. અને એક જ ક્લાસમાં હોવાના લીધે હું પણ તમને જોઇને ફોકસ્ડ બની રહી હતી. યાદ છે તમને…! મારે સાયકોલોજીસ્ટ બનવું હતું અને પપ્પાએ મને સાયન્સ લેવડાવ્યું ડૉક્ટર બનાવવા માટે. કેમકે તેમને મારા નિર્ણયો પર ક્યારેય ભરોસો જ નહિ હતો…! કન્ડિશન હતી એમની કે, જો હું સારા પર્સન્ટેજ લાવી શકીશ તો તેમને મારી પસંદનું કંઇ પણ કરવા દેવા તૈયાર હતા. પણ તેમની કંડિશનના કારણે મારું ભણવા પ્રત્યે બિલકુલ ધ્યાન જ નહિ રહ્યું હતું. મારો કૉન્ફીડન્સ જતો રહ્યો હતો. પણ એના કરતાં પણ વધારે હું ફ્રસ્ટેટેડ હતી, ગુસ્સે હતી પપ્પાના નિર્ણય પર. જેનું કથળતું પરિણામ મારા રિઝલ્ટ પર પણ દેખાવા લાગ્યું હતું. અને મમ્મી-પપ્પાનો અવિશ્વાસ પણ મારા પર વધુ મજબૂત બન્યો હતો. એક વખતની રેન્કર, ડફર બની ચૂકી હતી. ત્યારે તમે મને સમજાવી હતી પણ પપ્પા વિરુદ્ધ નહીં. અને સ્ટડીઝમાં પણ આપણે સાથે જ તૈયારી કરતાં. એમ કહી શકું કે સાયન્સના પર્સન્ટેજ તમને જ આભારી હતાં. અને પાછું કન્ફ્યુઝન, પાછો પપ્પાનો ડૉક્ટર બનવા માટેનો ફોર્સ. પણ તમને યાદ છે…તમે મારા ઘરે આવ્યા હતાં અને મારા પક્ષમાં બોલ્યા હતા. જોકે પપ્પા તરફથી તમને ઠપકો પણ મળ્યો હતો. પણ તમે પપ્પાને તેમની કન્ડિશન યાદ કરાવીને મારા પક્ષમાં બોલ્યા હતાં. અને પછી પપ્પા માની ગયા હતાં. ના…મારા પર ભરોસો કરીને નહિ, પણ તમારા પર ભરોસો કરીને. એમને પહેલેથી તમારા પર જ ભરોસો રહ્યો છે ! મને પણ હતો. કેમકે તમે એક એવા ક્લાસમેટ હતાં કે જેની દોસ્તી પર આંખ બંધ કરીને ભરોસો કરી શકાય. અને તમે એ સાબિત પણ કર્યું જ હતું. પછી આપણે સાથે જ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ તમે તમારી આઇ.પી.એસ.ની તો હું મારી એમ.એ. ની તૈયારીઓમાં લાગી ગઇ હતી. આપણા રહેઠાણ બદલાઇ ચૂકયા હતા. પણ આપણે કોન્ટેક્ટમાં તો હતાં જ. અને એકબીજાની મદદ પણ કરતાં. ત્યારબાદ તમે આઇ.પી.એસ.ની એક્ઝામ્સમાં પાસ થયા અને ટ્રેઇનિંગ માટે હૈદરાબાદ ગયા. તમારું પોસ્ટિંગ અલગ-અલગ જગ્યાએ થતું. મારું ભણતર પણ લગભગ પતી જ ગયું હતું. આપણે ફોનથી કોન્ટેક્ટમાં રહેતાં. એકબીજાને લૅટર પણ લખતાં. કેમકે તમારું એવું માનવું હતું કે ફોન કરતાં પત્ર દ્વારા આત્મીયતા વધુ જળવાય છે. જોકે ફોન પર તમારા પ્રિય વ્યક્તિનો અવાજ સાંભળવાથી સૂકુન પણ મળે છે. પણ લૅટરને તમે ગમે ત્યારે ખોલીને વાંચી શકો છો અને તમારા પ્રિય વ્યક્તિના વિચાર પણ હંમેશા તમારી પાસે તેના જ હાથે લખાયેલ લખાણમાં જળવાઇ રહે છે. જોકે આપણા પત્રોમાં હંમેશાં એકબીજાના ખબર-અંતર ઓછા અને દેશ-દુનિયા-સમાજના શિક્ષણના મુદ્દાઓ જ વધારે રહેતાં. અને ચડસાચડસી પણ. બરાબર કહ્યું ને..! પણ આપણે એકબીજાના વિચારોને માન આપતા...નહિ! ત્યારબાદ તમારું પોસ્ટિંગ અમદાવાદ થયું. તમે આવ્યા. આપણે મળ્યાં. આપણા વિચારોનો બદલાવ આપણી પસંદ-નાપસંદ સાથે મેળ ખાવા લાગ્યો હતો. ચડસાચડસી નહિવત થઇ ગઇ હતી. સમજદારી વધી હતી. આપણો મનમેળ પણ સારો જ હતો. અને એ દિવસ…મારી માટે સ્વપ્ન સમાન જ હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા મનની વાત સાચી થવા જઇ રહી છે. મારી હિંમત તો થઇ જ નહોતી. પણ તમે જ સામેથી મારી સમક્ષ વેલેન્ટાઇન્સ ડે ના દિવસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મારી તો હા જ હતી. પણ આપણી કાસ્ટ અલગ હતી, અને પપ્પા હા નહિ જ કહે તેવો ડર પણ હતો. પણ મારા વિચાર વિરુદ્ધ મમ્મી-પપ્પા બંનેએ હા કહી. કેમકે તેઓ તમને પહેલેથી જ પસંદ કરતાં હતાં. અને તમારા મમ્મી-પપ્પાની પણ હા જ હતી. અને આપણા લગ્ન થયા. હું ખૂબ જ ખુશ હતી. ભાગ્યશાળી માનતી હતી પોતાને કે મને તમે મળ્યાં. કેમકે તમારા તરફથી મને બધું જ સુખ મળ્યું હતું. બધી જ છૂટ. તમને યાદ છે……આપણું પહેલું બાળક આવવાનું હતું, આપણે બધાં ખુશ હતા. પૂરી સંભાળ રાખી હતી તમે. પણ આપણી ખુશી લાંબી નહિ ટકી. આઠમાં મહિને આપણી મૃત બાળકીનો જન્મ થયો. હું ભાંગી પડી હતી. ઘરનાની સમજાવટ પણ મારી માટે બેઅસર હતી. ત્યારે તમે પહેલાં પોતાની જાતને સંભાળી ત્યારબાદ મને. અને તમારી અને ઘરનાની સમજાવટના પગલે મેં મારું કામ ચાલુ કર્યું. દોઢ વર્ષ પછી. તમારા દ્વારા મળતા સુખના કારણે હું મારું દુખ ભૂલવા લાગી હતી. અને ખુશીનો સમય ફરી આપણા બારણે દસ્તક લઇને ઊભો હતો. મને ડર હતો.. પણ તમે મારી હિંમત હતા. અને મંથનનો જન્મ થયો. તમારું જ પ્રતિબિંબ. બિલકુલ તમારા જેવો. દેખાવ… વિચાર… સમજદારી. એ પણ તમારી જેમ જ હોંશિયાર, એકદમ પરફેક્ટ. આપણે ખુશ હતા બધી જ રીતે. મમ્મી-પપ્પા અહીં અમદાવાદ રહેતા અને આપણે તમારી પોસ્ટિંગ અનુસાર જગ્યા બદલતા રહેતા. તમે તમારી હોંશિયારીથી ઉંચા પદ મેળવતા રહ્યા અને તમારા ઉત્કર્ષથી આપણે બધાં ખુશ રહ્યા. તમે બીઝી રહેવા લાગ્યા. કેમકે તમારી જવાબદારીઓ વધી રહી હતી. અને આ કામના ભારણમાં તમે તમારી પૂરી જાત ખૂંપી દીધી હતી. તમારા કામ, સ્ટ્રેસના કારણે તમારું વર્તન બદલાઇ ચૂક્યું હતું. તમે તમારી સાથે તમારા પોતાના પર પણ કડક-સખ્ત થઇ ગયા હતા. મનન! માનું છું કે કામ જરૂરી છે. કેમકે એના લીધે જ તમે તમારા પોતાનાને એ બધું જ સુખ આપી શકો છો જે તેને મળવું જોઇએ. અને સાચું કહું તો તમે પણ અમને દરેક સુખ આપ્યું જ છે. પણ મનન, આ સુખના ચક્કરમાં તમે તમારી જાતને જ ભૂલી ગયા. અને પોતાને કે પોતાના પરિવારને કામના લીધે ભૂલી જવું.. તે કેવો ન્યાય? તમને થતું હશે કે હું જૂની બાબતોને ઉખેડું છું. અને એ પણ જાણું જ છું કે તમે વર્તમાનમાં જીવતા વ્યક્તિ છો. પણ તમે ભૂતકાળ પર નજર કરશો તો કદાચ તમને સમજાશે કે હું શું કહેવા માંગુ છું. આપણા સંબંધની મધુરતા તો તમારા હોદ્દામાં જ કશે ઓગળી ગઇ હતી. અને સાચું કહું ને તો આ નિરાશા મારી માટે હતાશા બની ચૂકી હતી. પણ પછી એક જ આશ હતી કે આપણને જોડતી કડી મંથન તો ખુશ રહે !

તમને યાદ છે… મંથન નાનો હતો ત્યારે કહેતો કે આપણે સાથે ફરવા જઇએ. અને ક્યારેક તે બનતું પણ. પણ ક્યારેક જ! પછી તમારી થકાવટને જોઇને તે જ ક્યારેય નહિ બોલતો. પણ નાનું બાળક કંઇક ઉપલબ્ધિ મેળવે એટલે પોતાની ફૅમિલી સાથે જ સેલિબ્રેટ કરવાનું વિચારે, જીદ કરે. જેનાથી અકળાઇને તમે એના પર ગુસ્સો પણ કર્યો છે. જોકે હું એને બહાર મનાવીને લઇ જતી પણ ત્યાં પણ તેનો મૂડ હંમેશા ઓફ જ રહેતો. તમારી પાસે કંઇ શીખવા આવતો ત્યારે પણ તમારી વ્યસ્તતા જોઇને તે મોઢું લટકાવીને ત્યાંથી જતો રહેતો. તે બધું જ જાતે શીખ્યો છે. મારી પાસે પણ નથી આવ્યો. અને તમારા મિલિટરી જેવા વાતાવરણમાં તે ઢળ્યો પણ છે. તમારો સ્ટ્રેસ એણે જોયો છે. પણ તમે એનો સ્ટ્રેસ નથી જોઇ શક્યા. અને એ જ બાબતે હું તમારી સાથે વાત કરવા આવતી, પણ તમને તો તમારી વ્યસ્તતામાં મારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નહોતો રહેતો. તેમ છતાં, મેં વાત કરી છે... અને તમે મને ખોટી પણ સમજી છે..! જોકે ત્યારબાદ તમને મારી સામાન્ય બાબત પણ ખોટી જ લાગી છે. તમને મારા વિચારો પ્રત્યે પણ કોઇ માન નથી રહ્યું. તમારી ઉપલબ્ધિઓએ તમારો મૂળ સ્વભાવ જ બદલી દીધો મનન! તમારી ઋજુતા, સમજ બધું ક્યાંક જતું રહ્યું. તમે તમે નહિ રહ્યાં. મારી નાનકડી વાત પર ચીડ, ગુસ્સો, મંથનના ભણતર પ્રત્યે કડકાઇ અને તમારું પથ્થરદિલ ! આ બધું જોઇને હું ત્રાસી ગઇ હતી. આપણો સંબંધ આવો રહેશે એનો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. પછી હું પણ તમારી સાથે ઝઘડી પડતી. તમારા વાક્બાણ મારા સપનાઓના ચૂરેચૂરા કરતા. જે વ્યક્તિના કારણે હું જે બનવા માંગતી હતી તે બની, પરંતુ મારા સપના તમારી પોસ્ટિંગમાં ક્યાંક અદ્રશ્ય થઇ ગયા. મને મારા સપનાઓના છેદને વધુ ચિડચિડી બનાવી દીધી. અને છેલ્લા સાત વર્ષથી નાની-નાની વાત પર ઝઘડા, કંકાશ, અહમનો ટકરાવ… અને અત્યારે, આપણે એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. આપણે એક છત નીચે રહીએ તો છીએ; પણ ફક્ત મંથનના લીધે. પણ આપણે તો તેનો પણ વિચાર નથી કર્યો મનન! આપણા કંકાશ વચ્ચે પણ તેણે પોતાનું પ્રોમિસ જાળવી રાખ્યું, હંમેશા આગળ રહેવાનું. અને આપણે…? યાદ પણ છે તમને આવું કોઇ પ્રોમિસ? તેને ડૉકટર બનવું છે. પણ તમે એને તમારી જેમ જ આઇ.પી.એસ. ઓફિસર બનાવવા માંગો છો. એણે તમારી વાત માની પણ...! કંઇ બોલ્યો નહિ. પરંતુ જે તે કરવા માંગતો જ નથી તેમાં તે આગળ કઇ રીતે વધી શકે…?! તેનું વર્ષ બગડ્યું. જેનો ઠપકો તમે તેને ત્યારે જ આપી પણ દીધો . અને ત્યારે જ આપણો ઝઘડો પણ વણસ્યો અને દૂરી પણ. મનન, આપણા આ ઝઘડાના લીધે જ મંથન બીજા દિવસે ઘર છોડીને જતો રહ્યો હતો. પહેલાં પોતાના દાદા-દાદીને ત્યાં ગયો હતો. અને જ્યારે તેમણે આપણને તેની જાણ કરી તો તે ત્યાંથી પણ જતો રહ્યો. ત્રણ દિવસે તે મળ્યો મનન ! આપણે મમ્મી-પપ્પાને પૂછ્યું, તો તેમણે કહ્યું કે તે કશું જ નહોતો બોલ્યો. શું બોલતો..!? પણ તે આપણાથી ભાગતો હતો મનન ! તે આપણાથી, આપણા ઝઘડાઓથી ત્રાસી ગયો હતો. ત્રાસી ગયો છે. પણ તેના મળ્યા પછી.. તમે એને એક તમાચો ઝીંકી દીધો. એ ફ્રસ્ટેટેડ હતો મનન. ધ્રુજતો હતો, ધૂંધવાતો હતો એ ! આપણા ઇગોએ તેની ખુશી, તેનું સપનું છીનવી લીધું છે મનન.. અને ક્યાં તમે, મને મારું સપનું પૂરું કરવા માટે મારી પડખે ઊભા રહ્યાં હતાં અને ક્યાં અત્યારે તમે તમારા દીકરાનું સપનું પૂરું કરવા માટે જ અવરોધક બનો છો. એને આપણા તમાચાની નહિ આપણા પ્રેમ અને હૂંફની જરૂર છે મનન ! શું આપણે તેને આટલું પણ નહિ આપી શકીએ ? માનું છું કે આમાં વાંક આપણા બંનેનો છે. પણ આપણે એટલા પથ્થરદિલ તો નથી કે આપણને પરિસ્થિતિઓ દેખાય નહિ અને તેની અસર પણ નહિ થાય… આપણે એકબીજાને નાનપણથી ઓળખીએ છીએ ને મનન. હંમેશા દરેક પરિસ્થિતિઓમાં સાથે પણ રહ્યાં છીએ. અને આજના જ દિવસે વીસ વર્ષ પહેલાં આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિગથી ભેગા પણ થયા. તો શું આપણે પરિસ્થિતિઓને પહેલાં જેવી નહિ કરી શકીએ ! આપણા વિખરાયેલા સંબંધને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિગથી દૂર નહિ કરી શકીએ..! મનન.. આજના દિવસે હું મારાથી જેટલી પણ ભૂલો થઇ છે તે બધાંની માફી માંગુ છું. કદાચ આપણા સંબંધને ટકાવવા પહેલ જરૂરી છે. ભલે તે કોઇ પણ કરે…

પહેલાં જેવો જ તમારો સાથ ઇચ્છતિ,

માનસી