Chithare bandhela sanskaar books and stories free download online pdf in Gujarati

ચીંથરે બાંધેલા સંસ્કાર..!!

ચીંથરે બાંધેલા સંસ્કાર..!!

"મમ્મી..મારુ ચાર્જર નથી મળતું..અને મોબાઇલ માં બેલેન્સ પણ નથી..તારા છોકરા ને સમજાવી દેજે..સાવ નક્કામો છે..અડધી રાત સુધી જાગ્યા કરે છે...મારી વસ્તુ લે છે તો સરખીયે નથી મુકતો..એના મોબાઇલ માં બેલેન્સ ના હોય તો મારા મોબાઇલ નું બેલેન્સ ખતમ કરી નાખે..હવે મારે શું મંજીરા વગાડવાના ??!"

રચના એ આદતવશ સવાર માં મોબાઇલ ચેક કર્યો તો ઝીરો બેલેન્સ વીથ લો બેટરી..!!અને ચાર્જર એની જગ્યા પર પણ નથી..બધે ફંફોસી વળી..છેવટે મમ્મી ના નામ ની બુમો પાડવા લાગી..પણ એને મમ્મી ના પ્રતિભાવ ની ખબર જ હતી..કારણ કે આ લગભગ દરરોજ નો જ સીન હતો..!

"તું તો મારા છોકરા ની પાછળ જ પડી ગઈ છે..એને વગોવવામાં થી ઉંચી જ નથી આવતી..નવાઇ ની નોકરી નથી કરતી તે બુમા-બુમ કરી મુકી છે...કંઇ કામ નથી કરવુ ને બુમો પાડવી છે બસ..!ઉઠી ને તરત મોબાઇલ નું અથાણુ કરવુ છે તે ચાર્જર અને બેલેન્સ ની રામાયણ લઈ ને બેઠી છે..?!એક જ છોકરો છે મારે..એનેય જીવવા નથી દેતી..કહી દઉં છું એ ઉઠે તો એની સાથે ઝગડવા ના બેસી જતી..રાતે મોડા સુધી વાંચે છે એ..એ કેટલી મહેનત કરે છે..અને ઉપર થી એનો સ્વભાવ પણ થોડો ગરમ છે..જેમ-તેમ બોલી જાય તો મને કહેવા ના આવતી...!"

આ છે સ્મિતાબેન..બેન્ક માં ક્લાર્ક છે..જાણે એક નો એક છોકરો શ્રવણ ની જેમ કાવડ પર બેસાડી ને જાત્રા લઇ જવાનો હોય એમ એ પુત્ર પ્રેમ માં પાગલ છે..!

"મમ્મી પ્લીઝ..મહેરબાની કર..છોકરા ના ગુણગાન ગાવાનું બંધ કર..તનેય ખબર જ છે કે એ રાતે વાંચતો નથી પણ મોબાઇલ મંતરવા માંથી જ ઉંચો નથી આવતો..તારો કુંવર ઉઠે તો જરા પુછજે રાત્રે મોડો કેમ આવ્યો હતો..?!છોકરો રખડેલ અને માં એના પ્રેમ માં પાગલ બની બેઠી છે..

રચના ના અવાજ માં ચીડ અને આક્રોશ ભારો ભાર ઉભરાતા હતા..!

સ્મિતા બેન રસોડા માંથી બબડતા-બબડતા બહાર આવ્યા : "ચાલ તું નહાવાનું કર અને નીકળ..મારેય મોડુ થાય છે..તારી કચ-કચ બંધ કર અને મારે મારા છોકરા પાસે હવાતિયા નથી કરાવવા..એને ગમે એ રીતે જીવવા દે.. એ આટલુ અઘરું ભણે છે..થોડા કલાકો માઇન્ડ ફ્રેશ કરે છે તો તને કેમ ખુંચે છે..?એના થી બળવાનું બંધ કર..તને 'ય ભણવાનું કીધુ હતુ તારું ભણવામાં મગજ ના ચાલ્યું તો મારો છોકરો શું કરે..?એને શાંતિ થી જીવવા દે..!"

"તું વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે મમ્મી..!" રચના થોડી ઢીલી પડી..

"તો શું કાયમ એની ફરીયાદ કર્યા કરે છે..!"

"મમ્મી તારી રોટલી બળવાની વાસ આવે છે જા અંદર.."

રચના એ બન્ને હથેળી થી આંખો બંધ કરી પછી ઉંડો શ્વાસ લીધો..બધા વિચાર ખંખેરી નાખ્યા..

ડોરબેલ રણકી..

રચના : "મમ્મી આ નિતાંત ની કોલેજ માંથી કુરિયર આવ્યુ છે.."

રચના એ કવર ખોલ્યું..નિતાંત ની કોલેજ ના લેટરહેડ પર પ્રિન્ટેડ લેટર હતો..

નિતાંત ની સતત ગેર-હાજરી ને કારણે એને કોલેજ માંથી બરતરફ કરવામાં આવેલ છે..બાકી નીકળતી ફી ની રકમ જમા કરાવવાની નોટીસ અને વાલી મિટીંગ માં ક્યારેય હાજર ન રહેલા માતા-પિતા વિશે ટીપ્પણી !

આટલુ વાંચતા સુધી માં તો રચના ની આંખો પહોળી થઈ ગઈ..!

"જો મમ્મી તારા એક ના એક લાડકા દિકરા ના પરાક્રમ..!"

સ્મિતાબેને લેટર વાંચી ને રચના તરફ જોયું એના ચહેરા ના હાવભાવ જાણે સ્મિતા બેન ની મજાક ઉડાવતા હતા..નિતાંત ની હકીકત જાણી ને ડઘાઇ ગયા અને છોભીલા પડી ગયા..

"આવુ તો ના બને..એ તો દરરોજ કોલેજ જાય છે..રાત સુધી વાંચે પણ છે જ..!" સ્મિતા બેન માંડ થુંક ગળે ઉતારી ને બોલ્યા..

"બસ કર મમ્મી..દેખતી આંખે આંધળી ના થા..એની કોલેજ ના એક પણ ફ્રેન્ડ આપણા ઘરે નથી આવતા જે આવે છે એ બધા વિશે મારે કંઇ કહેવાની જરૂર નથી..તને ખબર જ છે.." રચના એકી શ્વાસે બોલી ગઈ

"સારુ હવે તું બહાર કોઇની સાથે આ વાત ની ચર્ચા ના કરતી.." સ્મિતા બેને એકદમ ધીરે થી કહ્યુ.

સ્મિતાબેન ને નિતાંત કંઇક આડા રસ્તે છે એવી ગંધ તો હતી જ પણ એને 'માતૃ પ્રેમ' કહેવાય કે 'લાપરવાહી' કે પછી એને વાતવાત માં છાવરવાની આદત..એ કંઇ ખોટુ કરે..,સામે બોલે..,કે બહેન ની સામે ગેર-વર્તન કરે તો પણ એની બધી જ જરૂરીયાત એના માંગ્યા પહેલા જ પુરી કરવાની..

એમા નિતાંતે નવાઇ નુ દશમુ પાસ કરી લીધુ અને સ્મિતાબેન એક વેંત અધ્ધર ચાલવા લાગ્યા..

પછી ડિપ્લોમા-ઈલેક્ટ્રિકલ-એન્જીનીઅરીંગ કોલેજ માં એડમિશન લીધુ..પેમેન્ટ શીટ પર...

અને સ્મિતાબેન કે એને કંઇ સારુ શિખવાડવાને બદલે કે એની ભુલો સુધારવાને બદલે એની પર હંમેશા ઢાંક પિછોડો જ કરતા આવ્યા હતા..અને પૈસા તો નિતાંત ને વાત વાત માં જોઇયે..કોલેજ માં પ્રોજેક્ટ..,સેમિનાર..,સ્ટેશનરી મટીરિયલ..અને બુક્સ..બ્રાન્ડેડ કપડા..,શુઝ..,ટુ-વ્હીલર નું પેટ્રોલ..!!

એવુ નહી કે સ્મિતાબેન-અશોકભાઇ પૈસાદાર છે..પણ સ્મિતાબેન ને પોતે 'હવાતિયા' કરી ને નિતાંતને 'રાજકુમાર' ની જેમ પાલવવો છે..

અશોકભાઇ અને રચના સમજે છે પણ સ્મિતાબેન ની આગળ કઈ પણ બોલવુ એટલે દિવાલ પર માથુ પછાડવા બરાબર છે..!

બધા માં-બાપ ને પોતાના બાળકો વહાલા જ હોય છે..પણ સ્મિતાબેન નું બાળપણ ગરીબી માં વીત્યું હતું..દારુડીયો બાપ અને માં ના ઝગડા જોયા હતા..તો એક એવી ગાંઠ વાળી હતી કે મારા છોકરાઓ ને ઓછુ નહી જ આવવા દઉં..અને એમના નસીબે અશોકભાઇ સ્વભાવે શાંત હતા..પણ દિકરા-દિકરી વચ્ચે વેરો-આંતરો કરવાનું ક્યાંથી શીખ્યા એ તો એ જ જાણે..!

એવુ નથી કે એમને રચના માટે લાગણી નથી પણ એમને રચનાનો વાતવાતમાં નિતાંતનો વાંક કાઢવાનો સ્વભાવ નથી ગમતો..!

સ્મિતાબેન હજી લેટર વાળી વાત ગળે ઉતારવાની કોશિષ કરતાજ હતા...અને એમને યાદ આવ્યુ કે દર વખતે નિતાંત ફી ના પૈસા કેશ માં જ લઈ જતો હતો અને ફી ની રસીદ બતાવવામાં હંમેશા આનાકાની જ કરતો હતો..

એટલા માં નિતાંત નીચે આવ્યો..

"મમ્મી બસો-ત્રણસો રૂપિયા આપજે ને.."નિતાંતે સ્વભાવગત દર વખત ની જેમ પૈસા માંગ્યા..

"કેમ..?" : સ્મિતાબેને આશ્ચર્ય થી પુછ્યુ..

"કેમ સવાલ કરે છે..?દર વખતે તો નથી પુછતી.." : નિતાંતે પણ આશ્ચર્ય થી જ પુછ્યુ..

"પૈસા આપુ તો સવાલ પણ કરુ જ..!" : સ્મિતાબેન નો અવાજ થોડો ગુસ્સો પકડતો જતો હતો..

"અરે યાર..કોલેજ માં પ્રોજેકટ કરવાનો છે..તું વધારે પુછા-પુછ ના કર.. : નિતાંત નો અવાજ પણ થોડો ઉંચો થયો..

"ઉંચા અવાજે વાત ના કર અને તારું જુઠ્ઠાણુ વધારે વખત નહી ચાલે.." એમ કહી ને સ્મિતાબેને કોલેજ માંથી આવેલ લેટર નિતાંત ને પકડાવ્યો..એમને એમ હતુ કે નિતાંત આ વાંચી ને ભુલ સ્વીકારી ને માફી માંગી લેશે ..પણ એમની ધારણાથી ઉલ્ટુ થયુ..નિતાંતે લેટર ડુચો વાળી ને ફેંકી દીધો...

"તને આવુ તો નથી જ શિખવાડ્યુ નિતાંત..!"સ્મિતાબેન નિતાંતના વર્તનને આંખો પહોળી કરી જોઇ રહ્યા.

"મમ્મી તેં કંઇ સારુ પણ નથી જ શિખવાડ્યું..!" : રચના બબડી અને તૈયાર થઈ ને ઓફીસ જવા નીકળી ગઈ

"તું મને પૈસા આપી દે આપણે પછી વાત કરીશુ" : નિતાંતે શાંત થઈ ને બોલ્યો..

"હવે શું વાત કરવી છે..?આ પૈસા કઇ વાત ના માંગે છે..?અને કોલેજ નથી જતો તો જાય છે ક્યાં તું ?ચાલ આજે જ તારી કોલેજ માં...મળવુ છે મારે..મારા પૈસા નું પાણી કરી નાખ્યું આ નાલાયકે..કમાવા જા તો ખબર પડે કે કેટલા વીસે સો થાય છે..બસ ફરફરીયુ આવી ગયુ..પણ મારા ભરેલા પૈસા નુ શું...અને આ ફી ભરવા ની નોટીસ કેમ છે..?તું તો કેશ ભરી જ દેતો હતો ને ?!" : કર્કશ અવાજ માં સ્મિતાબેને હૈયા વરાળ કાઢવાનું શરૂ કર્યું અને વધારે ગુસ્સે ત્યારે થયા જ્યારે જોયુ કે નિતાંત ને એમની વાતો થી કોઇ ફર્ક નથી પડ્યો..

"નિતાંત..જવાબ આપ..હું કંઇ પુછુ છુ તને.." સ્મિતાબેને ગળા માંથી નીકળ્યો એટલો મોટો અવાજ કાઢ્યો..

"જો મમ્મી માથાકુટ ના કર...બુમો ના પાડ...તને તો આદત છે..પહેલા રચના અને પપ્પા ને જ ભાષણ આપતી હતી..હવે મારો પણ નંબર આવી ગયો..અને સીધી રીતે પૈસા આપી દે મને અરજન્ટ જરૂર છે...મગજ ખરાબ ના કર..!" નિતાંતે તોછડાઇ થી જ સંભળાવ્યુ..

તોછડાઇ તો પહેલા પણ હતી જ પણ આજે વાત કંઇ અલગ હતી...

સ્મિતાબેન ડઘાઇ ગયા..હમણા સુધી નિતાંતનું ઉપરાણુ લઈ ને પતિ-પુત્રી સાથે ઝગડ્યા હતા...કેટલાય પૈસા વગર કારણ જાણ્યે આપ્યા હતા...દશમા માં પાસ થયા પછી તરતજ મોબાઇલ અને ટુ-વ્હીલર પણ અપાવી દીધુ હતું..અને ખાવા-પીવા-પહેરવા-ફરવા માટે કોઇ પાબંદી નહી...બસ પોતે જ આખો દિવસ બેન્ક માં અને ઘરમાં ઉંધુ ઘાલી ને કામ જ કર્યુ હતું...મન માં એમ ધારી ને કે બધી સુખ-સુવિધા અને લાડકોડ આપી દેવાથી સંસ્કાર આપોઆપ જ આવી જશે..સોસાયટી કે કુંટુંબ માં કોઇ કંઇ નિતાંતની બાબત માં કહેવા જાય તો એમને લાગે કે બધા એમની અદેખાઇ કરે છે અને એને રોકડુ જ પરખાવી દે બીજી વાર કોઇ સલાહ આપવાની હિંમત જ ના કરે..!છોકરા વિશે બડાઇઓ તો મારવાનું ક્યારેય ચુકે જ નહી..!

સ્મિતાબેને જોયુ કે નિતાંતના હાથ પગ ધુજવા લાગ્યા છે...

એને ધ્રુજતા અવાજે જોર થી બુમ પાડી.. "આ છેલ્લી વાર કહું છુ પૈસા આપ..!"

સ્મિતાબેને પણ જોર થી જ કહ્યુ.. : "મારી વાતો ના જવાબ આપ અને પૈસા તો નહી જ આપુ જા થાય એ કરી લે..."

નિતાંત ને લાગ્યુ કે આ રીતે પૈસા નહી જ મળે...

એ ઉપર ની રૂમ મા ગયો અને અંદરથી દરવાજો બંધ કર્યો...અને થોડી વાર માં તો જાણે કોઇ પાગલ હોય એમ આખા રૂમ માં તોડ ફોડ કરી નાખી....આજુબાજુ વાળા લોકો ભેગા થઈ ગયા..

સ્મિતાબેન ગભરાઇ ગયા હતા...નિતાંત નુ આવુ રૂપ જોઈ ને એ પણ ધ્રુજવા લાગ્યા..

એ રડતા રડતા બારી માંથી બોલ્યા : "ચાલ બહાર આવી જા હું પૈસા આપુ છું.."

છતા એ બહાર ના જ આવ્યો..થોડી વાર માં આજુ બાજુ વાળા લોકો વીખરાઇ ગયા..હજી પણ સ્મિતાબેન રડતા-રડતા નિતાંત ને બહાર આવવા વીનવતા હતા..એ નીચે ગયા એટલા માં નિતાંત પણ નીચે આવ્યો

"ચાલ પૈસા આપ..!" : નિતાંત દાદાગીરી થી બોલ્યો..

સ્મિતાબેને ત્રણસો રૂપિયા કંઇ પુછ્યા વગર જ આપી દીધા..સાંજે રચના અને અશોકભાઇ ને બધી વાત કરી..

ત્રણે જણે ખુબ લાંબી ચર્ચા કરી પણ કોઇ સોલ્યુશન ન જ આવ્યુ વાત નું..!

બસ આ જ સીલસીલો ચાલુ જ રહ્યો..સ્મિતાબેન ને નોકરી છોડવી પડી..પૈસા કે કોઇ પણ વસ્તુ માંગતા જ ના આપવામાં આવે તો ઘર નો સામાન તોડી નાખે..ગુસ્સે થઇ જાય..ધ્રુજવા લાગે..મારામારી પર ઉતરી આવે..એકલા એકલા હસવાનું..,નિતાંત ની આંખ નીચે કાળા કુંડાળા થવા લાગ્યા હતા.. હોઠ સુકાયેલા જ રહેતા હતા ચહેરા પર સોજા લાગતા હતા..ચહેરો સાવ નિસ્તેજ લાગવા લાગ્યો..વાત વાત માં ચીસા ચીસ-ગાળો !ક્યારેક જાત ને પણ નુકશાન કરતો..ગાડી અને પૈસા મળતાજ ક્યાંક ઉપડી જતો...અને કલાકો પછી આવતો..પાછો આવે ત્યારે સીધો ઉપર ની રૂમ મા જતો રહે બોલ્યા ચાલ્યા વગર..!ભણવાનું તો ક્યારનુય બંધ હતું..ક્યારેક દારૂ પી ને પણ આવતો..

આવુ લગભગ એક-દોઢ વર્ષ સુધી ચાલ્યુ ત્યાં સુધી એની હાલત વધારે ખરાબ થતી ગઈ...હજી પણ સ્મિતાબેન છોકરો છે સુધરી જશે ની રટ લગાવી ને જ બેઠા હતા..અને સમસ્યા ની જડ સુધી જવાને બદલે એ દોરા-ધાગા-ભુવા-બાધા-આખડી-દરગાહ-ભભૂત-વિધી ઓ ની મદદ લેતા રહ્યા..

નિતાંત એક દિવસ અડધી રાત્રે બહાર જવા નીકળ્યો સ્મિતાબેન પણ કુતુહુલ વશ પાછળ ગયા..ત્રણ-ચાર સોસાયટી વટાવી ને અવાવરુ મેદાન માં થોડા છોકરાઓ ટોળે વળ્યા હતા..પૈસા આપી ને નિતાંતે કંઇ લીધુ થોડી વાર ત્યાજ બેઠો અને એના પાછા આવતા પહેલા સ્મિતાબેન ઘરે આવી ગયા..

સવાર માં નિતાંત ટોઇલેટ માં હતો ત્યારે પહેલુ કામ સ્મિતાબેને એનુ ડ્રોઅર ચેક કર્યુ..એમા પડીકીઓ અને છુટી વેરાયેલી સફેદ ગોળીઓ હતી..એમને સમજતા વાર ન લાગી..

વ્યસનની આદત રાતોરાત તો ન'તી જ વળગી...નિતાંત ને ખોટી સંગત લાગી હતી માં-બાપ નું ધ્યાન હતુ નહી પૈસા ની છુટ વધતા નિતાંતે એ લોકો સાથે મળી ને દારૂ પીવાનુ શરૂ કર્યુ..વાંચવા ના બહાને કેટલીય રાતો આવી રીતે ગાળી હતી..પૈસા આપતા સહેલાઇ થી અને નજીક મા જ નજીવી કિંમતે નશાયુક્ત પદાર્થો મળતા હતા...નિતાંત પણ ડ્રગ એડિક્ટ બની ગયો હતો..વધારે તપાસ કરતા સ્મિતાબેન ને ખબર પડી કે નિતાંતે ફોર્ટવીન ઇન્જેક્શન લેવાનું પણ શરૂ કર્યુ છે..શરૂઆતમાં એને આખો દિવસ નશો રહેતો,પરંતુ જેમ જેમ વધારે એડિક્ટ થયો તેમ તેમ નશો ગણતરીના કલાકો માં જ ઉતરી જતા વધારે નશો કરવા લાગ્યો..અને કંઇ ના મળે તો ઘર માં પડેલ ઓઇલ-પેઇન્ટ સુંઘ્યા કરતો..!!

હવે આ વાત બહાર પડેતો સમાજ માં ઘણી જ બદનામી વહોરવી પડે અને એમ પણ નિતાંત ને કારણે પડોશીઓ સાથે ના સંબધો માં પણ ખટાશ આવી ગઈ હતી..એક-બે વાર પોલીસ ની પણ મદદ લીધી પણ નિતાંત ની ઉંમર હજી સત્તર વર્ષ ની જ હતી તો પોલીસ ન મતે એ જુવેનાઇલ હોવાથી એના પર કાયદકીય કાર્યાવાહી કરવી યોગ્ય ન'તી..અને સ્મિતાબેનને એવી હૈયાધારણા આપી કે એ આસપાસ ના વિસ્તાર માં આવા નશીલા પદાર્થો ના વેચાંણ અંગે તપાસ કરશે પણ નિતાંત ની સમસ્યાનુ સમાધાન તો ના જ થયું..

છેવટે નિતાંત ને ડ્રગ-ડી-એડીક્શન સેન્ટર માં એડમીટ કરવાનો નિર્ણય લીધો...હજી પણ સ્મિતાબેન મન થી તૈયાર ન'તા જ એક ના એક છોકરા ને લાંબા સમય સુધી દુર રાખવો..કદાચ એમને હજી પણ કોઇ ચમત્કાર ની આશા હતી...નિતાંત દિવસે દિવસે પાગલ થતો જતો હતો..છેવટે ભારે હૈયે સ્મિતાબેન-અશોકભાઇ-રચના એ નિતાંત ને પ્રાઇવેટ ડ્રગ-ડી-એડીક્શન સેન્ટર માં દાખલ કર્યો..ત્યાં પણ એને ઘણી ધમાલ મચાવી..અને છેલ્લે તો ઘણુ જ રડ્યો..સ્મિતાબેન અને રચના નિતાંત ની આવી હાલત જોઇ ને ભાવુક થઈ ગયા..અશોકભાઇ પોતાની જાત ને જ દોષ દેતા હતા કે એમને નિતાંતની પાછળ જોઇએ એવુ ધ્યાન ના આપ્યું પણ હવે શું થઇ શકે..?!હજી પણ એ સમજી નથી શક્યા કે નિતાંત ને ખરેખર કંઇ વાત પીડે છે..

શરૂઆત માં જ્યારે પણ સ્મિતાબેન નિતાંત ને મળવા જાય ત્યારે નિતાંત જોર જોર થી રડવા લાગે..અને ઘરે લઈ જવા માટે આજીજીઓ કરે..

અને નિતાંત જલ્દી સારો થઈ ને ઘરે આવી જાય એ માટે પણ એમને કેટલીયે બાધા-આખડીઓ માની લીધી છે..!

હજી પણ સ્મિતાબેન જ્યારે પણ નિતાંત ની વાત કોઇ ને કરે તો એમ જ કહે છે : "મારા છોકરા ને કોઇ ની નજર લાગી ગઈ અને

એ આડા રસ્તે ચડી ગયો..!"

પછી સમય જતા નિતાંત નોર્મલ થવા લાગ્યો...હવે,સ્મિતાબેન અને રચના પણ અઠવાડીયે એક વાર એને મળવા જવા લાગ્યા...ત્યાના ડોક્ટર્સે ચેતવ્યા પણ ખરા કે હજી નિતાંત ની ટ્રીટમેન્ટ અધુરી છે પણ સ્મિતાબેન ફરીથી પુત્ર-પ્રેમ માં મોહાંધ થવા લાગ્યા હતા કારણ કે જ્યારે પણ સ્મિતા બેન મળવા જાય ત્યારે નિતાંત વહાલી વહાલી વાતો કરે...,માફી માંગે..,અને ફરી આવુ ક્યારેય નહી કરે ની ખાતરી આપે...અને એકવાર નિતાંતે ફરીથી ભણવાનું શરૂ કરવાની ઇચ્છા જણાવી...સ્મિતાબેનને આજ જોઇતુ હતુ...સમાજ માં અને સોસાયટી માં નિતાંત ને લીધે ઘણી બદનામી થઇ હતી...એમને પરિસ્થિતિ સુધારવી હતી...

એમને ઘરે આવી ને અશોક ભાઇ અને રચનાને નિતાંતની ઇચ્છા જણાવી...અશોકભાઇની ના છત્તા પણ બીજા જ દિવસે રચના અને સ્મિતાબેન સેન્ટર પર ડોક્ટર ને મળવા ગયા..

"જુઓ સ્મિતાબેન,ડ્રગ્સ ના પેશન્ટ આટલા જલદી સાજા થતા નથી...એમને ત્રણ થી છઃ મહીનાની સારવાર આપવી પડે અને પછી પણ એમની પર વિશ્વાસ તો ના જ કરી શકાય...એ લોકો એ ના એ જ વાતાવરણ ના સંપર્ક માં આવતા જ ફરીથી નશો કરવાનુ શરૂ કરી દેતા હોય છે...એમની ઇચ્છા શક્તિ મજબુત હોય તો એ લોકો ફરી નશો ના કરે પણ નિતાંતને હું ઓળખી શક્યો છુ ત્યાં સુધી એને ફરી થી બગડતા જરાય વાર નહી લાગે...એનો સ્વભાવ ચંચળ છે..તમારે પછી ઘણી કાળજી લેવી પડશે.." ડોક્ટરે સમજાવટ ના સ્વર મા કહ્યુ

"ના..રે મારા છોકરા ને હું જ ઓળખુ છું એને કીધુ કે ભણવુ છે તો એ ભણશે જ...અને હું તો એની કોલેજ માં પણ જઇ આવીશ..તમે બસ રજા આપો..! સ્મિતાબેને એમની જીદ પકડી રાખી...

"સારુ તો...અમે તમારી જ જવાબદારી પર રજા આપી તો દઇશુ પણ એના હાથ માં ક્યારેય પૈસા આપશો નહી..થોડા સમય સુધી એ જ્યાં પણ જાય ત્યાં તમારે સાથે જ રહેવુ..બાથરૂમ-ટોઇલેટ કે નહાતી વખતે વધારે સમય લગાવે તો ધ્યાન રાખજો..એના મિત્રો ના સંપર્ક માં પણ તમારે રહેવુ પડશે...અને એને રાત્રે ક્યારેય એકલા રૂમ માં ભણવાની પરવાનગી ન આપતા.." ડોક્ટરે ચિંતિત સ્વર માં કહ્યુ પણ સ્મિતાબેન ને જાણે આ બધી વાતો માં રસ જ નહતો એમને તો માત્ર નિતાંતને ઘરે લઇ જવો હતો...

ઘરે આવતાની સાથે જ સ્મિતાબેને નિતાંત ની ફરમાઇશ પુરી કરવામાં લાગી ગયા...પહેલા તો એને ભાવતુ નોનવેજ જમવાનું બહારથી મંગાવ્યુ..પછી એના કહેવાથી નવા કપડા લાવવા પૈસા સહેલાઇ થી આપી દીધા...અશોકભાઇએ આ બાબતે ટકોર કરી તો "હશે હવે છોકરો છે..કંટાળીને આવ્યો છે..." કહી ને વાત ટાળી દીધી..કોલેજ માં પણ મળી આવ્યા પણ જ્યારે કોલેજ જવાનો દિવસ આવ્યો ત્યારે ફરી નિતાંત ગલ્લા-તલ્લા કરવા લાગ્યો..."આજે નહી કાલ થી શરૂ કરીશ" જેવા બહાના કરવા લાગ્યો અને પછી શરત મુકી કે જો થોડા ઘણા પૈસા અને ટૂ-વ્હીલર આપે તો જ એ કોલેજ જશે..સ્મિતાબેન ને તો જો છોકરો ભણતો હોય તો ગમે તે કરવા તૈયાર હતા..!એની દવાઓ હજી પણ ચાલુ જ હતી પણ નિતાંતને દવાથી ઘેન ચડતું અને દવા લેતાની સાથે જ સુઇ જતો અને જ્યારે જાગતો ત્યારે જોયુ ના હોય એમ ખાવા પર તુટી પડતો..અને વગરકામ ની લવારીઓ કર્યા કરતો !સ્મિતાબેને વિચાર્યા વગર દવાઓ આપવાનું જ બંધ કરી દીધુ..!

થોડા દિવસો બધુ નોર્મલ ચાલ્યુ..પણ પછી હતુ એવુ ને એવુ..!પણ આ વખતે નિતાંત ઘર માં વધારે કંઇ નુકશાન કરે એ પહેલા એને સરકારી નશા મુક્તિ કેન્દ્ર માં દાખલ કરી દીધો..કારણ કે આ પહેલા પ્રાઇવેટ સેન્ટર માં સ્મિતાબેનના ઘણા રૂપિયા થયા હતા..!!

******

મહીના પછી..

"આગળ દીવાળી આવે છે..નિતાંત ને ઘરે બોલાવી લઇએ ?મારો છોકરો બીચારો એકલો દવાખાના મા રીબાય છે..એનેય મન થતુ હશે ને ?" સ્મિતાબેન રડતા-રડતા બોલ્યા

"જો..આ પહેલા પણ તેં એની ટ્રીટમેન્ટ પુરી થવા દીધી ન હતી..જોયુ ને પાછળ થી શું થયુ?ફરી એવુ ન થાય એ માટે એની સારવાર પુરી થઇ જવા દે..એકાદ દિવસ જઇ ને મળી આવીશુ..!" અશોકભાઇ એ સમજણ ના સ્વર માં કહ્યુ

"એ જે હોય એ હું ના જાણુ...સપરમા દા'ડે મારે મારો છોકરો ઘરમાં જોઇયે.."

રચનાની પણ ઇચ્છા હતી કે નિતાંત ઘરે આવે અને પહેલાની જેમ જ બધા સાથે મળી ને દિવાળી મનાવે...રચના અને સ્મિતાબેન સાંજે દવાખાને પહોંચી ગયા.પણ ડોક્ટરે રજા આપવાની ચોખ્ખી ના કહી છત્તા પણ એ લોકોએ જીદ કરી..,બહાના બનાવ્યા અને રજા લઇને જ જંપ્યા...

ડોક્ટરે રજાઓ પછી તરતજ નિતાંતને મુકી જવાની સુચના આપી,દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી અને કડક શબ્દો માં કહ્યુ કે નિતાંત નું વર્તન ઘણીવાર પાગલ જેવું હોય છે અને આ સમયગાળા દરમિયાન નિતાંત ને કંઇ પણ થાય તો એની જવાબદારી ડોક્ટર્સ નહી લે તો એની પર ધ્યાન આપવું અને એ કોઇને નુકશાન ના કરે એ ખાસ જોવું..

ડોક્ટરે ફરી એકવાર રજા નહી લેવા માટે સ્મિતાબેન ને સમજાવી જોયા પણ સ્મિતાબેન એને ઘરે લઇ જવા મક્કમ હતા...એ એવુ વિચારતા હતા કે "મારા છોકરાનું ધ્યાન મારા કરતા વધારે કોઇ થોડુ રાખવાનું છે..!"

સ્મિતાબેનને એમ લાગ્યુ કે દવાખાના માં રહ્યા પછી નિતાંત વધારે પાગલ જેવુ વર્તન કરવા લાગ્યો છે...નિતાંત વાત-વાત માં ઉશ્કેરાઇ જતો..ઘરે આવતા મહેમાનોની સામે એ લોકો ક્ષોભજનક પરિસ્થિતિ માં મુકાઇ જતા...બધાના ગયા પછી સ્મિતાબેન ગુસ્સામાં નિતાંતને ગમેતેમ બોલી નાખતા અને પછી જોર-જોર થી રડવા લાગતા...ઘરનું વાતાવરણ ફરીથી ડહોળાવા લાગ્યું..

મમ્મી-પપ્પાએ એને સરકારી દવાખાના માં એડમિટ કરી દીધો અને મળવા પણ ન આવ્યા..આ વાત એના મન માં ઘર કરી ગઇ હતી..એકજ વાત યાદ કરીને એ રડ્યા કરતો અને બબડ્યા કરતો..!

સ્મિતાબેન ઉપરની રૂમ માં આવ્યા જ્યા નિતાંત બેઠો હતો..એમને ધીરે રહીને વાત શરૂ કરી..:"જો બેટા..આજે સાંજે મામા-મામી,ફોઇ-ફુવા અને એ લોકો નું આખુ ફેમિલી આપણા ઘરે આવશે..તારી તબિયત સારી નથી રહેતી તો તું અહીંજ સુઇ રહેજે હું જમવાનુ આપી જઇશ.."

"એવુ બોલને કે મારા લીધે તને શરમ આવે છે બધા લોકોની સામે..."નિતાંત બરાડી ઉઠ્યો..

સ્મિતાબેન નિતાંત ને માથે હાથ મુકી " એવુ કંઇ નથી બેટા...તું આરામ કરે એ સારુ છે..અને તારી દવાનો વખત થયો છે..લઇ લેજે.."

"ચલ નીકળ અહીથી..હવે, ઉપર ના આવતી..મને ઉંઘ આવે છે..."નિતાંત અવાજ માં તોછડાઇ લાવી ને બોલ્યો.

સ્મિતાબેન પસ્તાઇ રહ્યા હતા નિતાંતને ઘરે લાવી ને..!!

બધા મહેમાનના ગયા પછી સ્મિતાબેન થાળી પીરસીને ઉપર ગયા..રાત ઘણી થઇ ગઇ હતી..નિતાંત રૂમ માં ન હતો..બાથરૂમ નો અંદરથી બંધ..! સ્મિતાબેન ને અંદેશો આવી ગયો...એમને અશોકભાઇ અને રચનાને ઉપર બોલાવ્યા..પડોશીઓ પણ ભેગા થઇ ગયા..આખરે દરવાજો તોડવો પડ્યો...

નિતાંત તરફડી રહ્યો હતો...બાથરૂમમાં ટેબ્લેટ્સના ખાલી પત્તા પડ્યા હતા..પંદર દીવસની દવાઓ એકી સાથે એને લઇ લીધી..એમ્બ્યુલન્સ આવી..

અને સ્મિતાબેનની ચીસો..અશોકભાઇ ના આંસુ અને રચનાના ડુસકા અને નિતાંતની ચીર ખામોશી થી વાતાવરણ ભરાઇ ગયું..!!