Mari algari himalaya yatra - 4 books and stories free download online pdf in Gujarati

મારી અલગારી હિમાલય યાત્રા - ૪

ત્રીજા ભાગમાં આપણે જોયેલું કે હું ગંગામાં સ્નાન કરીને જુના વસ્ત્રો ત્યાગ કરી, સન્યાસીના વેશમાં આવ્યો અને હરિદ્વાર ફર્યો અને ત્યાં ચાલતી તમામ ગોરખ લીલાઓ જોઈ અને પછી ઋષિકેશ તરફ આગળ વધ્યો. હવે આગળ.....

***

હરિદ્વારથી ઋષિકેશ જતી બસ પચરંગી યાત્રીઓથી ખીચો ખીચ ભરી હતી.

અંતે એક વિદેશી મુસાફર પાસેની બચેલી સીટ પર મેં મારી જગ્યા લઇ લીધી.

હું તમામ યાત્રીમાંનો એક હોવા છતાં એક ન હતો. યા તો હું શૂન્ય હતો યા તો દુનિયા. પણ કંઇક જે હતું એ અંદર ગજબનું હતું. મન માં આનંદ આનંદ સિવાય બીજું કઈ ન હતું.

બાજુમાં બેસેલા વિદેશી મુસાફરે મને ઋષિકેશ વિશે થોડું પૂછ્યું. હું જે થીયરી જાણતો હતો ત્તે મેં તેને કહી.

એણે મને ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજી માં પૂછી લીધું કે , “હું ઋષિકેશમાં ક્યાં આશ્રમમાં રહું છુ” ?

એની વાત પરથી મને ખબર પડી ગઈ કે , એને એવું લાગતું હશે કે હું ઋષિકેશના કોઈ આશ્રમનો સંન્યાસી છુ. પણ હું તો હતો મસ્ત આઝાદ અલગારી.

એટલે મેં સ્પષ્ટતા કરી અને કહ્યું કે ત્યાં મારો આશ્રમ નથી. હું તો એમ જ હિમાલય અને આધ્યાત્મની યાત્રા પર ત્યાં જઈ રહ્યો છુ. પછી તેને પૂછ્યું કે . “ Where are you from ?”

તેણે કહ્યું “ઇઝરાયલ”

“wow. thats nice” મેં કહ્યું.

ઇઝરાયલ એટલે બીજા વિશ્વ યુદ્ધ બાદ યહુદીઓએ પેલેસ્ટાઇનમાં ભેગા થઇ બનાવેલો દેશ. હિટલર ના યહૂદી અત્યાચાર પછી યહૂદી બહુમતી વાળો આ નાનકડો દેશ તલવાર ની અણી પર બનેલો. મારા મગજ માં હિટલર, વિશ્વયુદ્ધ . યહુદીઓ, નો ઈતિહાસ ચાલવા લાગ્યો.

મેં તરત જ તેને પૂછી નાખ્યું.

“Are you jew (યહૂદી)” ?

તેણે કહ્યું “ How do you know” ?

મેં કહ્યું , “ ભાઈ , મેં આખો વિશ્વયુદ્ધ ઈતિહાસ વાચ્યો છે.” ઇઝરાયલ કેવી રીતે અને ક્યારે બન્યો? હિટલરે યહૂદીઓ પર કેવા કેવા અત્યાચારો કરેલા પર કરેલ તેની આખી કહાની મેં તેને કહી સંભળાવી.

એટલું વળી પુરતું ન હતું ત્યાં વળી મેં તેને યહૂદી ધર્મ , તેના પયગંબર એવા અબ્રાહમ અને મોજીસ નાં ૧૦ કમાન્ડમેન્ટમ વિષે પણ તેની સાથે ચર્ચા કરી.

આ બધું સાંભળીને તેને મારામાં ગઝબનો રસ પડેલો. તેણે મને અંગ્રેજીમાં કહ્યું કે “તમે ભારતીય યોગીઓ-સન્યાસીઓ ગજબનું જ્ઞાન ધરાવો છો “

મેં તરત જ મનમાં કહ્યું “ કાશ દોસ્ત આવું હોત, અહીના કેટલાય બાવાઓ તો ધુતારા, ઢોંગી છે. પોતાની દુકાનો જ ચલાવે છે. તેને આધ્યાત્મ સાથે રૂપિયાનો પણ સબંધ નથી “

પણ મેં તેની સામે ભારતની ઈમેજ બચાવી લીધી. એ ચોક્કસથી એના દેશમાં જઈને કહી શકશે “ That is really Incredible India “

પછી મેં તેને ઋષિકેશ જવાના કારણ વિષે પૂછ્યું તો તેણે સીધો જ જવાબ અપાતા કહ્યું “ ફોર યોગા “

વાહ અદભુત. આ વિદેશીઓ ક્યા ક્યાંથી યોગા માટે અહી આવી રહ્યા છે. ચોક્કસથી આ ઇસ્ટ અને વેસ્ટ વચ્ચે બ્રીજ બની રહ્યો છે. ઇસ્ટ નું આધ્યાત્મ અને વેસ્ટ નો ભૌતિકવાદ નજીક આવી રહ્યા છે. એવું હું સતત મનમાં વિચારી રહ્યો હતો.

તેના ઉત્સાહને જોઇને મેં ભારતના આધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ માસ્ટર વિષે તેણે ઘણું બધું કહ્યું. તે અવાક બની જિજ્ઞાસાથી બધું સંભાળતો રહ્યો અને વચ્ચે વચ્ચે કહેતો જાય કે “ ઇન્ડિયા ઈઝ ગ્રેટ , ઇન્ડિયા ઈઝ વન્ડરફુલ “

બીજી બાજુ મારું મન સતત એ વિચારી રહ્યું હતું કે “ શાં માટે આપણે વિદેશીઓને ભારતની સારી છાપ નાં આપી શકીએ ? ઘણા રાજ્યોમાં વિદેશીઓને લુંટી લેવામાં આવે છે. ક્યારેક તેઓ ભારતથી કંટાળીને ભાગી જાય છે. અને સાથે લેતા જાય છે એક ખરાબ છાપ . આવું તો ન જ થવું જોઈએ. આ તો આપણા પર જ કલંક છે. “

મેં કદાચ એક વિદેશીને ભારતનું આવું કલંક લઈને જતા બચાવ્યું તેનું થોડું ગૌરવ થઇ આવ્યું.

અમારી આ આખી ચર્ચામાં બસના મુસાફરો વારંવાર અમારી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા. બારી બહાર હિમાલયની પ્રકૃતિ, જંગલો, અમારી ચર્ચા અને લોકોનાં ચેહરા આ બધું એક એકસાથે કમાલ હતો. સાચું કહું તો મને મજા પડતી હતી.

“ ચાલો ઋષિકેશ “ આવી માસ્તરની બૂમ સાથે જ અમે બસ સ્ટેન્ડ પર ઉતારવા માટે તૈયાર થયા. બસસ્ટેન્ડ પર વર્ષોથી મુસાફરોની પ્રતીક્ષા કરતા હોય એમ રીક્ષા વાળાઓ બસના દરવાજાને ઘેરી વળેલા. અને જેવું કોઈ બસમાંથી ઉતારે કે “ ચાલો, રામ ઝૂલા, લક્ષમણ ઝૂલા “ એવું બોલી બોલી તેને ખેંચી ખેંચી લઈ જાય.

મારા આ સાન્યસીના વેશના કારણે મારી પાસે રીક્ષાઓ વાળાનું ટોળું થવાની કોઈ જ સંભાવના ન હતી. બાવા તો ચાલતા ભલા....એવું એ પણ જાણતા. પણ કોઈ વિદેશીને જુએ એટલે રીક્ષાવાળા તેને છોડે ક્યાંથી ? બધાને ડોલર, પાઉન્ડ જ સામે દેખાય. લૂંટી લો આ ભુરીયા ને .....એવું જ લોકોને મનમાં આવે.

મારા એ વિદેશી સાથીદાર સાથે પણ આવું જ થયું. બધા એને ઘેરી વળ્યા, પણ મેં તરત જ રીક્ષાવાળાઓને કહ્યું “ ઓ ભાઈ, વો આદમી મેરે સાથ હે “

એ સાંભળતા જ બિચારા બધા ચુપ ચાપ જતા રહ્યા. હાથમાં આવેલ એક મુરાગો એક બાવાના કારણે જતો રહ્યો એવું તેનું લાગ્યું જ હશે એ સ્પષ્ટ રીતે તેના હાવભાવ પરથી જણાઈ આવતું હતું. પણ એમાં હું શું કરું ??

ભૂખ્યા ઠેયાલા પેલા ઇઝારયેલીને મેં ચા ખારી ખવડાવી, ભૂખમાં ગાજર પણ ચાલે એમ તે થોડી જ વારમાં બધું ઝાપટી ગયો. એ આવું ખાશે કે નહિ તે આવેલો વિચાર મને તરત જ ઓગળી ગયો.

અમે હવે ચાલતા ચાલતા ઋષિકેશનાં ગંગા કિનારે જવા ઉપડી ગયા. એક બાવો અને એક વિદેશી. ઋષિકેશની ગલીઓમાં સૌ કોઈ અમારી જોડી સામે ઘુરકિયાં કઈ કરીને આશ્ચર્યથી જોતું હતું. પણ અમે અમારી મસ્તી માં જ હતા......

ચાલતા ચાલતા અમે ગંગાના કિનારે જઈ પહોચ્યા. સાંજનો માહોલ હતો. ઘણા મંદિરોના ઘંટના આવાજો સંભળાઈ રહ્યા હતા. કિનારે આવતા અવાજ તરફ અમે આગળ વધ્યા. અને જઈને જોયું તો ત્યાં નદીના ઘાટ પર જ ગંગા મૈયાની આરતી ચાલી રહી હતી. એ એક અદભુત કલાત્મક આરતી હતી. અને તેની ભીડમાં અડધા તો વિદેશીઓ હતા. મારા આ વિદેશી મિત્રને હવે પોતાના જ જેવા વ્યક્તિઓને જોઇને જરા વધુ આનંદ થયો હોય તેવું તેની આંખો પરથી સ્પષ્ટ લાગતું હતું. તે આ વિશાળ ગંગાના પટ પરની આરતીનાં મધુર સુર સાથે જાને ધીમે ધીમે નાચી રહ્યો હોય એવું લાગતું હતું.

આરતી પૂરી થતા જ અમે ગંગા નાં બંને કિનારાને જોડાતા રસી-તારના બનેલા સામે જ દેખાતા રામ ઝૂલા સુધી પહોચ્યા. અને એ ઠંડા પવનની ધીમી લહેરમાં એ મહાન સાંકડા બ્રીજ પરથી અમે ધીમે ધીમે ચાલીને આશ્રમો તરફ જઈ રહ્યા હતા. મારી મંઝીલ હવે નજદીક હતી. મારે હવે આ બાવાઓની દુનિયામાં ભળી તેના આશ્રમમાં જ રહેવું હતું. આ વિદેશી મારી સાથે છે એટલે કોઈ આશ્રમ વાળો કદાચ મને આશ્રય નાં પણ આપે અને હું જેવી રીતે અહી રહેવા-ભળવા આવ્યો છું એવી રીતિ આ વિદેશી મારી સાથે રહી પણ નાં શકે એવું પણ હું મનમાં વિચારી રહ્યો હતો. એટલે હવે આ સંગાથી દુર થવું એ એક જ ઉપાય હતો.

બ્રીજ પૂરો થતા જ મેં તેને તે ક્યા રહેશે એ વિષે પૂછ્યું. એણે કોઈ હોટલની વાત કરી. ત્યારે મેં તેને મારી હકીકત કહી અને કહ્યું કે હું તો કોઈ આશ્રમાં આશ્રય લઈશ. અને અંતે અમે એક સ્મિત સાથે ફરી મળીશું બોલીને વિદાય લીધી. પણ છુટા પડતા એણે મારો અભાર માન્યો અને ફરી કહ્યું “ India and Indian people are great “.

બસ આ શબ્દો જ કાફી હતા...............મિલાવેલા હાથ છુટા પડતા જ, એ ડાબી તરફ હોટલના રસ્તે અને હું જમણી તરફ આશ્રમનાં રસ્તે પુછાતા પૂછતા નીકળી પડ્યો.

મારી અંદર એક અલગ જ રોમાંચ ભર્યો હતો, ઉત્સાહનું સંપૂર્ણ ઝરણું મારી અંદર વહી રહ્યું હતું. હવે હું અહી કોઈને મારી રીયલ કહાની નહિ કહું, નાં કોઈ મિત્ર બનાવીશ કે નાં કોઈ સાથે ગ્રુપમાં જોડાઇશ. હું મસ્ત અલગારી બનીને જ બાવાઓ સાથે આશ્રમમાં રહીશ.....

આવા વિચારો સાથે સાથે મારા પગ એ ઋષિકેશની મુખ્ય બજાર પર ચાલી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે રવીન્દ્રનાથ ટાગોરની પેલી કવિતા “ એકલો જાને રે “ નાં શબ્દો મોઢામાંથી બોલાઈ જતા હતા...........

( વધુ આવતા અંકે )

લેખક વિષે –

વિવેક ટાંક એ UPSC-GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈતિહાસ વિષયના લેકચરર છે. અને તેઓ ગાંધીનગર ખાતે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પણ જોડાઈ રહ્યા છે.