Spectran no khajano books and stories free download online pdf in Gujarati

સ્પેક્ટર્નનો ખજાનો - ૧

‘સ્પેક્ટર્ન...’ વિશે થોડુંક!

નવમા ધોરણમાં હતો ત્યારે એક મિત્રએ મને ડૉ. આઈ. કે. વીજળીવાળાની એ વખતે પ્રકાશિત થયેલી કિશોર સાહસકથા ‘હીરાનો ખજાનો’ વાંચવા આપેલી. એ સમયે તો હજુ માંડ વાંચતો થયો હતો એટલે માત્ર વાંચવા ખાતર એ વાંચેલી, પરંતુ એ વિસ્મયકારક સાહસકથાએ મારા દિલોદિમાગમાં એવું તો જબરજસ્ત સ્થાન મેળવ્યું કે એ પછી મારી વાંચનભૂખ સદંતર ઊઘડી ગઈ. એ પછી મારી વાંચનયાત્રાએ અટકવાનું નામ નથી લીધું. પુસ્તકોએ મારી જાતનું ક્યારે પરિવર્તન આણી દીધું એની મને ખબર ન રહી ! મેં ડૉ. વીજળીવાળાની અન્ય સાહસકથાઓ વાંચી અને એ પછી હું ચડ્યો સાહસ-વિજ્ઞાન કથાઓના જનક ‘જૂલે વર્ન’ના સાહિત્ય પર. જૂલે વર્નના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. લગભગ ૧૦૦ જેટલી કૃતિઓ આપી ચૂકેલા આ ફ્રેન્ચ લેખકની કથાઓના માત્ર દસ-બાર જેટલાં ગુજરાતી અનુવાદો થયાં છે, પરંતુ એ જૂજ અનુવાદોએ પણ ગજબનો ઉત્સાહ પૂર્યો અને એના ભાગરૂપે આજે ‘સ્પેક્ટર્નનો ખજાનો’ આપ સૌના હાથમાં છે !

એક વરસની યાત્રાને અંતે મને અંદરથી કંઈક લખવાનું મન થયું અને દસમા ધોરણમાં મેં મારી પાસે રહેલા નાનકડા શબ્દભંડોળની મદદથી એક સાહસકથા તૈયાર કરી, પણ એનો અંત ન લાવી શક્યો. પછીના ત્રણ વરસ એ ધૂળ ખાતી પડી રહી. જ્યારે હું કૉલેજના બીજા વરસમાં આવ્યો ત્યારે ઘરનાં ખૂણામાં ધરબાઈ પડેલી મારી વાર્તાએ મને સાદ દીધો. એ જાણે કહી રહી હતી કે - મને આમ ખૂણામાં રહેવું નહીં ગમે. મને તું સાહિત્ય યોગ્ય શબ્દોથી શણગાર અને તારા જેવા જ બીજા કિશોર/ટીન એજર્સ વાચકો સામે મને પ્રસ્તુત કર ! નિષ્ફળતાની ચિંતા ન કર. માત્ર તારું કાર્ય લોકો સુધી પહોચવું જોઈએ. બસ... – મેં ફરી પાછી કલમ ઉપાડી અને વાર્તાને યોગ્ય રીતે મઠારવા લાગ્યો. જોગાનુજોગ એ વખતે ‘માતૃભારતી’ની મને જાણ થઈ. ‘માતૃભારતી’ પર મારી સાહસકથાને મૂકવાના એ બીજા સ્વાર્થે ખરેખર તો સાહસકથા પૂરી થઈ છે એમ હું માનું છું. મેં માતૃભારતી પર એને હપ્તાવાર રજૂ કરી અને એ બહાને આખરે વાર્તાનો અંત પણ લખાયો. વાચકોએ વખાણી, મને સંતોષ થયો. ખાધું, પીધું ને રાજ કર્યું ! પૂરું ? નહિ...! લગભગ એક વર્ષે મારું નસીબ જબરું ખૂલ્યું અને એનું કારણ હતું ‘અમોલ પ્રકાશન’ને મોકલેલો મારી વાર્તાનો એ ઈ-મેઈલ ! વાર્તા પસંદગી પામી ત્યારનો જે આનંદ હતો એ અત્યારે હું વર્ણવી નહીં શકું. મારા માટે જાણે ‘પિતાએ પુત્રની આંગળી પકડી’ હતી ! ‘માતૃભારતી’ના સ્થાપક અને કર્તાહર્તા મહેન્દ્ર શર્મા તો આંગળી ઝાલવાની બાબતમાં પહેલા !

ઉત્સાહી અને સાહસીક પ્રકાશકમિત્રો અમોલભાઈ અને આનંદભાઈ સાથે અમદાવાદમાં મિટિંગ થઈ. આનંદભાઈએ કથાની એક-એક લીટીને ચકાસી જોઈ અને એનાં નિષ્કર્ષરૂપે તેમણે મને કથામાં જે તાર્કિક સુધારાઓ જણાવ્યા એ જાણીને હું એમનાથી મોહિત થઈ પડ્યો. એમના અદ્દભૂત જ્ઞાન દ્વારા સોનામાં સુગંધ ભળી હોય એમ કથામાં જે સુધારાઓ થયા એનાથી કથા પહેલાં કરતાં પણ વધારે ખીલી. એટલે જો કથા વાચકોને ગમશે તો એનો જશ મારા બંને પ્રકાશકમિત્રોને પણ જશે.

હવે કથા વિશે વાત કરીએ. પેસિફિક મહાસાગરમાં આવેલા ‘સ્પેક્ટર્ન’ નામના કાલ્પનિક ટાપુ પરના અજ્ઞાત ખજાનાની આસપાસ કથા ઘૂમે છે. દક્ષિણ અમેરિકાના પેરુ દેશના સાહસિક એલેક્સ અને એના મિત્રોને એક ધૂની પ્રોફેસરના અવાવરા ઘરમાં રહસ્યમય સંજોગોમાં પ્રોફેસરનો મૃતદેહ મળે છે અને સાથે જ એલેક્સના મિત્રમંડળનો એક સભ્ય પણ બેહોશીમાં સરી પડ્યો છે ! પ્રોફેસરના ઘરમાંથી તેમને એક ભેદી ડાયરી પણ મળી આવે છે અને છેવટે આ બધી ઘટનાઓનો છેડો અડકે છે સ્પેક્ટર્ન ટાપુ પરના એ અજ્ઞાત ખજાના સાથે કે જે લીમાના લોકોની અમાનત હોવાનું દર્શાવે છે. છએ સાહસિકો એક પ્રોફેસર અને એક નેવી અધિકારી સાથે નીકળી પડે છે એ ખજાનાની શોધમાં. શું તેઓ બધી મુસીબતો અને અડચણોનો સામનો કરીને ખજાના સુધી પહોંચી શકશે ? લીમાના લોકોની અમાનત સમા એ ખજાનામાં શું ધરબાયેલું હશે ? ખજાના પાછળનું રહસ્ય શું હતું ? આ બધા જ પ્રશ્નોના જવાબો મેળવવા તમારે એલેક્સ-ટીમ સાથે આ રોમાંચક સફરે ઊપડવું જ રહ્યું !        

હવે ઝાઝું નહીં કહેતાં એટલું જ કે ગુજરાતી ભાષામાં સાહસકથાઓનો હાલ દુકાળ પ્રવર્તે છે ત્યારે જો આ સાહસકથા પાણીનાં એક બુંદ જેટલી પણ ગરજ સારશે તો પણ હું એને મારી સફળતા માનીશ.

છેલ્લે, મારો હાથ પકડનારા પ્રકાશક મિત્રો આનંદભાઈ અને અમોલભાઈનો અને મહેન્દ્રભાઈનો ખૂબ જ અંતઃકરણથી આભાર વ્યક્ત કરું છું. જો તેઓએ મને ટેકો ન આપ્યો હોત તો આ શક્ય ન બનત. તો ચાલો મિત્રો, નીકળી પડો રહસ્ય અને રોમાંચની એક મજેદાર સફર ખેડવા. સફર કેવી રહી એ અંગે મને નિષ્પક્ષ અભિપ્રાયો આપશો ને ?

- પરમ દેસાઈ

(desaiparam1997@gmail.com)       

પ્રકરણ:૧ ભેદી ઘટનાઓ...!

પશ્ચિમ અમેરિકા ખંડમાં આવેલો દેશ પેરૂ...!

રાજધાની તરીકે ‘લીમા’ શહેર ધરાવતો આ દેશ તેના શુષ્ક મેદાની પ્રદેશોમાં ફેલાયેલાં તથા ઘણાખરા પહાડોની ગોદમાં વસેલાં સુંદર શહેરો અને ‘મેન્કોરા’ બીચ માટે વિખ્યાત છે. પ્રખ્યાત ‘એમેઝોન’ નદીના ભાગ પર વસેલાં તેના અમુક શહેરો તેની એક અલગ જ છાપ છોડે છે. ખ્યાતિપ્રાપ્ત સ્થળોનો તો જાણે અહીં ભંડાર હોય એમ દુનિયાની સાત અજાયબીઓમાંની એક એવી ‘મચ્ચુ-પિચ્ચુ’ અજાયબી પણ અહીં આવેલી છે.

૧૯૬૦નું વરસ. એ વખતે પેરૂની જમાવટ બરાબરની ખીલી હતી. મારા પિતાજીનો ધંધો વર્ષોથી અહીં લીમામાં જ હોવાથી અમે આજથી વીસેક વરસ પહેલાં, લગભગ મારા જન્મથી જ અહીં જ સ્થાયી થયા હતા. વ્હાલું ભારત યાદ તો આવતું પણ હવે બધું સમેટીને ફરી ત્યાં વસવાટ કરવો એ હમણાં શક્ય નહોતું. અહીં જ મારા મિત્રો બન્યા, અહીંથી જ મેં અભ્યાસ લીધો અને અહીં જ હું કોલેજ પણ કરતો. ડિગ્રી મેળવવા હજુ એક વરસ બાકી હતું.

તે દિવસે અમે અમારા રહેણાક વિસ્તારની પાછળ થોડે દૂર આવેલા એક પહાડની તળેટીમાં નાનકડા મેદાનમાં ફૂટબોલ રમતાં હતા.

હું ગોલકી તરીકે હતો અને આજે મારાથી લગભગ સાત ગોલ છૂટ્યા હતા.

હું કીપિંગ કરી રહ્યો હતો. વોટ્સન પગેથી બોલ ઘુમાવતો મારી તરફ આવ્યો. હું સતેજ થઈ ગયો અને બંને હાથ અને પગ બની શકે એટલા પહોળા કર્યા.

‘ફટાક’ કરીને વોટ્સને કિક મારી અને બોલ સીધો મારા બંને પગની વચ્ચેથી ‘સરરર...’ કરતો નેટમાં ઘૂસી ગયો.

‘યાર એલેક્સ ! આ શું કરે છે તું...? એક વાર તો ગોલ બચાવ...’ મારી સામે આંખો કાઢીને થોમસે કહ્યું. મારા મિત્રોને મારું અક્ષિત નામ અંગ્રેજીમાં બોલતા ફાવતું નહી એટલે તેમણે મારું કાયમી નામ એલેક્સ રાખ્યું હતું.

‘પણ તમે મને ગોલકી રાખો તો આમ જ થવાનું...’ મેં કહ્યું.

‘ઠીક છે ચાલ...આજનો દિવસ રહી જા, કાલથી ક્રિક રહેશે...’ થોમસે ક્રિક સામે ઈશારો કરતાં કહ્યું. ક્રિક અમારા સૌમાં સૌથી નાનો હતો.

ગેમ ફરી શરૂ થઈ. વળી વોટ્સન બોલને ગગડાવતો, બધાથી બચાવતો મારી તરફ આવ્યો. મારી ટીમના બે જણ – થોમસ અને વિલિયમ્સ બોલને પેલી તરફ ધકેલવાની વ્યર્થ કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ વોટ્સને તેમના પગ વચ્ચેથી બોલ કાઢીને મારી તરફ દદડાવ્યો. હું ફરી સતેજ થઈ ગયો અને પોઝીશનમાં આવ્યો ન આવ્યો ત્યાં તો વોટ્સને જોસથી કિક મારી દીધી.

‘સરર..’ કરતો બોલ મારી ઉપરથી, નેટ ઉપરથી થઈને તળેટીમાં આવેલા એક ઘરમાં ઘૂસી ગયો. અંદરના ભાગમાં કાચ તૂટવાનો તીણો અવાજ અમે સાંભળ્યો.

બે-પાંચ પળ માટે અમારા સૌમાં સન્નાટો પથરાઈ ગયો. આવું આ અગાઉ ક્યારેય નહોતું થયું. અમારા વોટ્સન ભાઈ આજે જબરા જોશમાં આવ્યા હતા અને જોરથી બોલને પેલા જુના ઘરમાં ધકેલી દીધો હતો.

‘અલ્યા વોટ્સન...આ શું કર્યું...?’ આખરે થોમસે શાંતિનો ભંગ કરતાં ચિડાયેલા અવાજે કહ્યું, ‘હવે બોલ લેવા જવાની મારામાં હિંમત નથી.’

‘પણ યાર...ભૂલથી મરાઈ ગઈ કિક...’ વોટ્સને જવાબ વાળતાં કહ્યું, ‘વાંધો નહીં, હું હમણાં જ જઈને બોલ લઈ આવું છું, તમે લોકો અહીં જ રહો, હું આ આવ્યો...’ કહીને એ થોડે દૂર રહેલા પેલા જુના ઘર તરફ ચાલ્યો ગયો.

અમે એની રાહ જોતાં ત્યાં જ, એક મોટા પથ્થર પર આમ-તેમ બેસી ગયા.

‘વોટ્સન આજે કંઈક રંગમાં લાગે છે, નહીં ?’ જેમ્સે રમુજ કરી.

‘હા...એ તો એણે મારેલી કિક પરથી જ જણાઈ આવે છે.’ મેં કહ્યું, ‘ભાઈને આજે કંઈક મોજ આવી લાગે છે. કઈ મોજ હશે એ તો હવે એને ખબર.’

‘ઘરે મનગમતું જમવાનું મળ્યું લાગે છે. એને અને “ખાવા”ને તો જન્મોજનમનો સંબંધ છે.’ વિલિયમ્સે વળી બીજી રમૂજ કરી. અલબત્ત એના આ વાક્યથી અમે હસી પડ્યા.

બે-પાંચ મિનિટ એમ જ પસાર થઈ ગઈ. એ પછી થોડી વાર શાંતિ પથરાઈ ગઈ.

‘આ વોટ્સન કેમ હજુ આવ્યો નહીં...?’ ચુપકીદીનો ભંગ કરતાં થોમસે શંકા વ્યક્ત કરી, ‘બોલ શોધતાં આટલી વાર...?’

‘કેમ, તને બહુ ઉતાવળ લાગે છે થોમસ...’ વિલિયમ્સે જરા અધીરાઈથી કહ્યું, ‘કે ક્યારે વોટ્સન બોલ લાવે ને ક્યારે હું પાંચ-સાત ગોલ ફટકારી દઉં – એવું વિચારતો હોઈશ ને તું...?’

આ સાંભળીને પથ્થરની ધાર પર બેઠેલા થોમસે સીધું જ, ક્રોધિત નજરે વિલિયમ્સ સામે જોયું. પછી એ ઊભો થઈ ગયો, ‘એવું વિચારતો નથી વિલિયમ્સ, પણ હવે તો હું એટલા ગોલ કરીને જ રહીશ.’ એની આંખો તેજ બની ગઈ, ‘તારો કટાક્ષ હું ન સમજુ એવો મૂરખ હું નથી.’

‘કટાક્ષ...? કેવો કટાક્ષ...?’ હવે વિલિયમ્સ પણ ઊભો થઈ ગયો, ‘ઓ ભાઈ, મેં જસ્ટ કહ્યું છે. એ કોઈ કટાક્ષ નહોતો.’

‘એ તું મને બનાવીશ નહીં, હું તારી મશ્કરી બરાબર સમજુ છું.’ અચાનક જ થોમસ વિલિયમ્સની એકદમ નજીક આવીને ઊંચા અવાજે બોલ્યો, ‘મને ફૂટબોલની રમત રમતાં નથી આવડતી તો મારી આવી મશ્કરી કરે છે તું ? આ તારું કાયમનું છે, વિલિયમ્સ. તને તો આવડે છે ને ફૂટબોલ રમતાં...! તો એ આવડત તારી પાસે જ રાખ. મને સૂચનો આપવાની જરૂર નથી.’ કહેતાં કહેતાં એનો ચહેરો લાલઘુમ થઈ ગયો.

સામે વિલિયમ્સ પણ પહેલા આશ્ચર્યાઘાત પામ્યો. પણ પછી ધીમે-ધીમે એનો ચહેરો પણ કમાનની જેમ છટકવા લાગ્યો. હવે પરિસ્થિતિ તંગ બની રહી હતી. સાવ નજીવી વાતમાં બંને જણાઓએ વાતાવરણમાં ગરમાટો લાવી દીધો હતો. હવે આ ગરમાટો ઉગ્ર બને એ પહેલાં જ કંઈક કરવું પડશે એમ વિચારીને મેં વાત અટકાવી :

‘અરે અરે ! આ શું છે હેં...? તમે લોકોએ તો પળવારમાં દોસ્તીની એસીતેસી કરી નાખી. આટલા વર્ષોના સંબંધો એમ જ ભૂલી ગયાં...? આટલી વાતમાં ઝઘડો કરવા જાઓ છો ? યાર...તમે બેઉ નાના – નર્સરીમાં ભણતા બાળકો નથી કે આવી હરકત કરી નાખી. તમને શરમ આવે છે કે નહીં, હેં...?’ મેં થોમસનો ખભો હચમચાવતાં કહ્યું. એ નીચું જોઈ ગયો. જ્યારે વિલિયમ્સ દૂર ક્યાંક ક્ષિતિજમાં એકીટશે તાકી રહ્યો...કેટલીયે વાર સુધી...જાણે કોઈક ભૂતકાળની વાત વાગોળી રહ્યો હોય. મને એનાં ચહેરા પર થોમસ પ્રત્યેની લાગણીની રેખાઓ ફરતી જોવા મળી.

બાજુમાં બેઠેલા ક્રિક અને જેમ્સ એકધારું અમારી તરફ જોઈ રહ્યાં હતા.

આ દરમિયાન વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું. કોઈ કંઈ જ બોલતું નહોતું.

થોડી વારે દૂર, તળેટીમાં આવેલા ચર્ચમાં ઘંટ વાગવા લાગ્યા ત્યારે જ શાંતિને કાપતો એ ઘંટનો ધીમો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો. આ દૈવી વાતાવરણે જ જાણે વિલિયમ્સમાં કંઈક ચેતન પૂર્યું હોય એમ વિલિયમ્સે નીચું માથું કરીને ઉભેલા થોમસના ખભા પર ધીમેથી હાથ મૂક્યો.

થોમસમાં પણ ચેતના આવી અને એણે માથું ઉચું કર્યું. એના ચહેરા પર પોતાની ભૂલ હતી એ જાતની ભાવના દર્શાવતું ધીમું સ્મિત હતું. બે-પાંચ પળ એણે વિલિયમ્સ સામે જોઇને પછી કહ્યું, ‘ઇટ્સ ઓકે યાર ! ક્યારેય નહીં ને આજે જ આપણે કેમ આવી બાલીશતાભરી વિચિત્ર વાત પર ઉગ્ર બની બેઠા...! અરે હજી તો આપણે આપણા યુવાનીના સપનાંઓ પૂરા કરવાના છે. આવા ઝઘડામાં મજા નથી. આપણે હજુ ઘણાં (મીઠા) ઝઘડાઓ કરવાના બાકી છે યાર...’

થોમસની આ વાત સાંભળીને વિલિયમ્સ ખડખડાટ હસી પડ્યો, ‘સાચું કહ્યું ભાઈ, ચાલ હવે આ વોટ્સનયાનું શું છે ? અહીયાં “મીની વોર” પૂરું થઈ ગયું, પણ હજી એ ડોકાયો નથી.’

‘અમે બેઉ જોઈ આવીએ...?’ જેમ્સે પૂછ્યું.

‘અરે ના ના...તમે પણ સમજ્યા નહીં...?’ મેં કહ્યું, ‘એ પેલા ઘરવાળા પ્રોફેસર જોડે ગપ્પાં મારવા બેસી ગયો હશે.’

‘અહીયાં ગેમ અટકેલી છે ને એને કાંઈ પડી નથી. આપણે પણ જઈએ જ ને...’ ક્રિક આગ્રહભર્યા અવાજે બોલ્યો.

મને એની વાતમાં વજૂદ લાગ્યું. આમ પણ આટલી બધી વાર કમસેકમ એક બોલ શોધવામાં તો ન જ જવી જોઈએ. આટલી બધી વાર કેમ લાગી હશે એ જાણવું પણ અમારા માટે એક કુતૂહલ થઈ પડ્યું હતું.

હું કંઈ પણ બોલ્યા વગર એ જૂના ઘર તરફ ઝડપથી આગળ વધી ગયો. થોમસ, વિલિયમ્સ વગેરે પણ પેલા પથ્થર પરથી ઊભા થઈને મારી સાથે જોતરાયા.

***

તે એક નાનકડી ટેકરીની તળેટીમાં આવેલું સુંદર બે-મજલું ઘર હતું. વર્ષોથી સાફ-સફાઈ જ ન થઈ હોય એવું એ લાગતું હતું. જરાક બીક લાગે તેવું રહસ્યમયી પણ ભાસતું હતું. આજુબાજુમાં એના સિવાય બીજું કોઈ ઘર કે મેન્શન નહોતું. આ ઘર એકલું જ જાણે નાની-નાની ટેકરીઓની આગોશમાં સમાયેલું હતું. ફિલ્મોમાં બતાવાય છે એવું ખૂબ જ જૂનું-પુરાણું લાકડા અને પથ્થર મિશ્રિત ઘર હતું.

આ ઘરમાં વિજ્ઞાનના કોઈક ધૂની પ્રોફેસર પણ રહે છે એવું મેં સાંભળ્યું હતું. એકાદ-બે વાર એમને મેં જોયા પણ હશે. એ પ્રોફેસર પણ કોઈ ‘રહસ્ય’થી ઓછા નહોતા. ક્યાં જાય છે, ક્યારે આવે છે, શું કરે છે એ કોઈનેય ખબર નહોતી. પોતાના અવાવરુ થઈ ગયેલા ઘર પ્રત્યે તેણે કોઈ જ જાતનું લક્ષ સેવ્યું નહોતું. આ એક નવાઈની વાત હતી. બહારથી કોઈને પણ એમ જ લાગે કે આ ભૂતિયા ઘરમાં કોઈ રહેતું નહીં હોય, પણ હકીકતમાં ત્યાં એક ‘ભૂત’ જ કહી શકાય એવા ધૂની પ્રોફેસર રહેતા હતા.

ચાલતાં ચાલતાં અમે બરાબર એ ઘરની સામે આવીને ઊભા રહ્યા. ચાલતાં-ચાલતાં પણ હું એ જ વિચારતો હતો કે બોલ લેવા ગયેલા વોટ્સનને એ ધૂની પ્રોફેસરમાં એવો તે શું રસ પડ્યો હશે કે કેટલીયે વાર સુધી એ ત્યાં જ જડાઈને બેસી ગયો હતો !

‘ઓય એલેક્સ...!’ ત્યાં જ પાછળથી ક્રિકે મને ધીમા અવાજે બોલાવ્યો, ‘ઘરમાં જવામાં કાઈ જોખમ જેવું તો નથી ને...?’

એ હંમેશા આવી નેગેટિવ વાતો જ કર્યા કરતો. અત્યારે પણ એણે કક્કો ઘૂંટવાનો શરૂ કર્યો હતો.

‘ના હવે, પેલા પ્રોફેસર તો હશે ને કદાચ ઘરમાં...? પછી શું વાંધો છે ?’ મારી બદલે જેમ્સે જવાબ આપ્યો.

‘અને વોટ્સન પણ છે...’ વિલિયમ્સે ઉમેર્યું.

મને આવી ફાલતુ વાતોમાં રસ નહોતો. હું આગળ નાની ઝાંપલી પાસે જઈને ઊભો રહ્યો. થોડી વાર પહેલાં વોટ્સન અંદર ગયો હોવાથી એણે ઝાંપલીને સહેજ અટકાવી હતી.

ઝાંપલી ખોલીને હું અંદર ચાલવા લાગ્યો. વચ્ચે સીધો સપાટ રસ્તો સામે દેખાતા ઘરનાં મેઈન દરવાજા પાસે પૂરો થતો હતો અને એ સાંકડા રસ્તાની આજુબાજુ અલગ-અલગ વૃક્ષો-વેલાઓથી સજાવેલો મોહક બગીચો હતો. પ્રોફેસરને વનસ્પતિઓ પ્રત્યે દિલચશ્પી હશે એવું એ બગીચાને જોઈને લાગતું હતું.

પણ...ખરેખર અમારે અહીં આવવા જેવું નહોતું. હવેની થોડી જ પળોમાં અમારા જીવનમાં એક તોફાન શરૂ થવા જઈ રહ્યું હતું. એક રોમાંચક તોફાન ! પરંતુ મને કે મારા મિત્રોને એનો રજમાત્ર પણ અંદેશો નહોતો આવ્યો. કંઈક અમંગળ બનવાના એંધાણ દેખાઈ રહ્યાં હતાં. પણ એનાથી બિલકુલ બેખબર અમે બગીચો પસાર કરીને ઘરનાં મેઈન દરવાજા સામે આવી ગયા.

દરવાજો પણ સહેજ ફાંટ રહે એ રીતે અટકાવેલો હતો.

મેં દરવાજાને ધીમેથી ધક્કો માર્યો.

‘ચીરરર...’ના કીચૂડાટ સાથે દરવાજો અંદરની તરફ ખૂલી ગયો. હવે થોડી જ વારમાં એ ઘટના બની જવાની હતી જે અમારા માટે ઇતિહાસના એક પાના સમાન હતી.

હું અંધારિયા ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યો. મારા મિત્રો મારી પાછળ ધીમા પગલે આવી રહ્યા હતા.

‘વોટ્સન...’ મેં બૂમ પાડી. કોઈ જ અવાજ આવ્યો નહીં. હું વિચારમાં પડ્યો. થોડે આગળ જઈને ફરી બૂમ પાડી જોઈ, ‘એ વોટ્સન...ક્યાં છે તું ?’ પરંતુ વ્યર્થ. મારો અવાજ પડઘો બનીને રહી ગયો. કોઈ જવાબ મળ્યો નહીં.

હવે મારું દિલ જોરથી ધડકવા લાગ્યું હતું.

બાજુમાં જ એક રૂમ મેં જોયો. કદાચ પ્રોફેસરનો સ્ટડીરૂમ હતો. એ રૂમનાં દરવાજે ઊભા રહીને મેં એક વાર પ્રોફેસરની બૂમ પાડી જોઈ, ‘હેલ્લો પ્રોફેસર...! તમે છો...?’

કોઈ જ લાભ ન થયો. સામે છેડે સુનકાર વ્યાપેલો હતો. બધું જ શાંત હતું.

છેવટે મેં એ રૂમમાં પગ મૂક્યો.

ધીમે ધીમે અંધકારથી મારી આંખો ટેવાઈ ગઈ. મેં રૂમમાં નજર ઘુમાવી અને એક જગ્યાએ પહોંચીને મારી આંખો ફાટી પડી. મોં ખુલ્લું જ રહી ગયું.

હું ત્યાં ને ત્યાં જડવત્ બનીને ખોડાઈ ગયો.

મારું હ્યદય જોરશોરથી ધબકવા લાગ્યું.

‘વોટ્સન...’ મારા મોં માંથી રાડ ફાટી પડી. સામે વોટ્સન બેભાન અવસ્થામાં પડ્યો હતો !

મારી રાડ સાંભળીને મારા મિત્રો અંદરના રૂમમાં ધસી આવ્યા. એલોકો પણ વિસ્ફારિત આંખે દ્રશ્ય જોઈ રહ્યા. ત્યાં જ બીજો ધડાકો થયો.

વોટ્સનથી થોડે દૂર ખૂણામાં પેલા ધૂની પ્રોફેસરનો દેહ પડ્યો હતો !

મારી આંખો ફાટેલી જ રહી ગઈ હતી. આ બધું શું થયું હતું એ કંઈ જ ખબર નહોતી પડતી.

અમે ત્યાં ને ત્યાં જ જડાઈ ગયા.

થોડી વારે હું સ્વસ્થ થયો અને વોટ્સન પાસે દોડી ગયો. ઘૂંટણીએ બેસીને એને હોશમાં લાવવા પ્રયત્ન કરવા લાગ્યો.

જેમ્સ, વિલિયમ્સ વગેરે પણ આવીને વોટ્સનને ભાનમાં લાવવાનાં પ્રયત્નો કરવા લાગ્યા.

મેં બે-ત્રણ વાર વોટ્સનને ઢંઢોળ્યો, ‘વોટ્સન...! ઓ વોટ્સન...! ઊઠ...! વોટ્સન...!’ પણ એ મચક નહોતો આપતો. આથી હું બાજુમાં ખૂણામાં પડેલા પ્રોફેસરને ભાનમાં લાવવામાં લાગી ગયો.

‘ઊઠો પ્રોફેસર...! પ્રોફેસર...!’ એમને પણ મેં વોટ્સનની જેમ ઢંઢોળી જોયા પરંતુ તેમનો દેહ એમનો એમ પડ્યો હતો. મને ધ્રાસકો લાગ્યો. કુતૂહલતાથી મેં એમના નાકે આંગળી રાખી. થોડીવાર સુધી એમ જ રહેવા દીધી.

બીજી જ મિનિટે મને ચક્કર આવવા લાગ્યા. હ્યદય એકદમ ધડકી ઊઠ્યું. હકીકતને હું કળી જ ન શક્યો.

એ ધૂની પ્રોફેસર મૃત્યુ પામ્યા હતા...! અચાનક જ થયેલા આવા અનુભવથી હું ચક્કર ખાઈને ત્યાં ને ત્યાં બેસી રહ્યો. મારું મગજ બહેર મારી ગયું હતું. પરંતુ અત્યારે હું બને તેટલો સ્વસ્થ રહેવાની કોશિષ કરી રહ્યો હતો.

‘એલેક્સ ! શું થયું...?’ મને સાવ સુન્ન બેઠેલો જોઈને પાછળથી જેમ્સે મારો ખભો દબાવ્યો. મેં એની સામે જોયું. મારી આંખોમાં ડોકિયા કરતો ભય એ તરત જ સમજી ગયો. હું ઘડીક પ્રોફેસરના દેહ સામે તો ઘડીક જેમ્સની સામે જોયા કરતો હતો.

જેમ્સે ફરી દોહરાવ્યું, ‘એલેક્સ ! શું થયું એ તો કહે.’

‘અ...અ...આ...પ...પ્રોફેસર...મ...મરી ગ...ગયા...છે...’ મારાથી ત્રૂટક શબ્દોમાં આટલું જ બોલાયું.

‘હેં....??’ જેમ્સની આંખો પણ અચંબિત થઈ ગઈ. મેં ખાલી હકારમાં માથું હલાવ્યું. હવે ખરેખર અમારો કાળ અમારા પર તૂટી પડ્યો હતો. થોડી વાર પહેલાં મેદાનમાં મોજથી હસતા-રમતા અમે હવે આઘાતમાં સરી પડ્યાં હતા. શું બની ગયું હતું એ કંઈ જ કળી ન શકાયું.

એ પછી થોડી વારે વોટ્સન ભાનમાં આવ્યો. અમે બધાંએ એની નજીક જઈને એને ટેકો આપીને બેઠો કર્યો. શરૂઆતમાં તો એ બાઘાની જેમ આમથી તેમ જોતો રહ્યો. પછી ત્યાં ટેબલનાં ખાના તરફ સંકેત કર્યો. એનો ચહેરો ભયભીત હતો. મને નવાઈ લાગી. તેમ છતાં હું ઊભો થઈને એ ટેબલ તરફ ગયો. ટેબલ ઉપર તથા આજુબાજુ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કેટલાય કાગળો, પુસ્તકો આમ તેમ ફંગોળાયેલા પડ્યાં હતા. ટેબલના બધાં ખાનાં આખે આખા ખુલેલા હતા. જાણે કોઈએ કંઈક વસ્તુ શોધવા માટે ફાંફા મારીને બધી વસ્તુઓ આમથી તેમ ફગાવી દીધી હોય એવું લાગતું હતું.

મેં ફરી વોટ્સન સામે જોયું. એ હજુ પણ ભયાવહ નજરે ટેબલના જમણા ડ્રોવર તરફ આંગળી ચીંધી રહ્યો હતો. મેં તરત જ એ ડ્રોવર ખોલ્યું. એમાં એક લાલ કવરવાળી ડાયરી પડી હતી. એને ઉઠાવીને મેં ફરી વોટ્સન સામે જોયું. એણે જોરથી માથું હકારમાં ધુણાવ્યું. હું સમજી ગયો અને ડાયરીને આમથી તેમ ફંફોસીને પછી તેના બધા પાનાં ઉથલાવવા લાગ્યો. દરેક પાનામાં કંઈક લખ્યું તો હતું, પરંતુ અત્યારે એ મને સમજાતું નહોતું.

પણ, મને નવાઈ એ લાગી હતી કે એવું તે આ ડાયરીમાં શું હશે કે વોટ્સન આટલી ગભરાયેલી હાલતમાં તેની તરફ જ ઈશારા કરી રહ્યો હતો...?

***