Spekturnno khajano - 5 books and stories free download online pdf in Gujarati

સ્પેક્ટર્નનો ખજાનો - ૫

પ્રકરણ:૫ ઉપડ્યા...

પ્રોફેસર બેને કહી તો દીધું હતું કે મેક્સ બધું સંભાળી લેશે, પરંતુ તેમ છતાં મને બહુ જ અજુગતું લાગતું હતું.

નેવી(નૌકાદળ)ની કોઈ પણ વસ્તુ ખાનગી રીતે ઉઠાવી જવી એ કોઈ રમત વાત નથી હોતી. અને ઉપરાંત એ એક પ્રકારે ગુનો પણ બને છે.

હાલતુરત તો આ વાતનો કોઈ જવાબ જડતો નહોતો. એટલે એ વાતને પડતી મૂકીને હું સફરની તૈયારીમાં લાગી ગયો. પ્રોફેસર બેને યોજનાવાળા લિસ્ટની એક-એક કૉપી અમને દરેકને આપી દીધી હતી જેથી સૌ પોતપોતાની રીતે તૈયારી કરી શકે. ઉપરાંત પ્રોફેસરે જો કોઈ વધારાની વસ્તુ લેવાની હોય તો એની પણ સૂચના અમને આપી હતી. એટલે દરેકને જે કંઈ પણ સફરને લગતું અને લઈ જવા જેવું લાગે તો એને પણ સાથે લઈ લેવાની છૂટ હતી.

મેં કબાટમાંથી મારો મનપસંદ થેલો કાઢ્યો. એના પર થોડી ધૂળ જામી ગઈ હતી. ફૂંક મારી, હાથ થપથપાવીને મેં ધૂળ ખંખેરી.

એ મરુન કલરનો ખભે ઊંચકવાનો થેલો હતો. મારી દરેક સફરનો એ સાથી હતો. અમે બે વર્ષ પહેલાં ઉત્તર પેસિફિક મહાસાગરમાં આવેલા ‘ગાલાપેગોસ’ ટાપુઓની છેલ્લી સફર ખેડી ત્યાર પછી એ ધૂળ ખાતો કબાટમાં જ પડ્યો રહ્યો હતો. હવે ફરી પાછી એની જરૂર પડવાની હતી.

ત્યાર બાદ મેં ત્રણ-ચાર જોડી કપડાં થેલામાં નાખ્યા અને લિસ્ટ પ્રમાણેની બીજી વસ્તુઓ એક પછી એક થેલામાં  નાખવા માંડી.

           ***

આજે હતો શુક્રવાર...!

સફરનો દિવસ આવી પહોંચ્યો હતો.

આજે હું રોજ કરતાં વહેલો ઊઠી ગયો હતો અને દૈનિક ક્રિયાઓ પતાવીને પેક કરેલા મારા સામાનને ચકાસતો હતો. ત્યાં જ બારણામાં મમ્મી ઊભેલી દેખાઈ.

‘તૈયારી થઈ ગઈ, એલેક્સ ?’ એણે નજીક આવતાં પૂછ્યું. એની આંખોમાં આજે મને એક અલગ જ ચમક દેખાતી હતી.

‘યસ મોમ ! બધું થઈ ગયું.’ મેં કહ્યું. સામે મેં પણ મારી આંખોમાં એના જેવી જ ચમક પાથરી દીધી.

એણે મારા ખભા પર હાથ મૂક્યો, ‘એલેક્સ, આ વખતે જરા સંભાળજે. બે વર્ષ પહેલાં તું ગાલાપેગોસ ગયો ત્યારે તારી સાથે તારા કાકા હતા અને ગાલાપેગોસ દ્વીપસમૂહ પર તો થોડો-ઘણો માનવ વસવાટ પણ હતો. પરંતુ આ વખતે તારે એક ઉજ્જડ ટાપુ પર જવું છે... નિર્જન ટાપુ પર જવાનો ખતરો તું બરાબર જાણે છે.’

‘મારા પર તને ગર્વ છે ને ?’ મેં પૂછ્યું.

‘હોય જ ને, એલેક્સ !’ એણે ગર્વભેર કહ્યું.

‘તો પછી તારે કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અને આ વખતે પણ પ્રોફેસર સાહેબ તો છે ને અમારી સાથે.’

મમ્મીએ સીધો જ કંઈ જવાબ ન આપ્યો. જાણે કોઈક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ હોય એમ એકીટશે મારા ખભા પાછળ તાકી રહી... શૂન્યમાં. પછી એણે મારી સામે જોયું, ‘ઠીક છે, એલેક્સ. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. જા... તારું આગલું સાહસ સર કર.’

મેં એની સામે માત્ર સ્મિત જ ફરકાવી દીધું. એ સ્મિતમાં જ એને જવાબ મળી ગયો. પછી મેં ઉમેર્યું, ‘અને આમ પણ અમે બધા વચ્ચે એક કોડલેસ ફોન રાખવાના છીએ. જ્યારે સિગ્નલ મળશે ત્યારે ઘરે...તારી સાથે વાત કરી લઈશ.’

મમ્મી મંદ-મંદ હસી અને મારા ખભા પરથી હાથ લઈ લીધો. પછી મેં કહ્યું, ‘પપ્પા તો હમણાં બે-ત્રણ દિવસ આઉટ ઓફ ટાઉન હશે...તો એમને મારા પ્રણામ કહેજે અને જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી એમ એમને ખાતરી પણ આપજે.’

‘હા ચોક્કસ !’ મમ્મી આટલું જ બોલી અને હું મારો થેલો ખભે ભરાવીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યો. પછી એકદમ કંઈક યાદ આવ્યું હોય એમ અંદરના રૂમમાં દોડીને ગયો. કબાટ ખોલ્યો અને થોડા ગરમ કપડાં સાથે લઈ લીધા. મને અચાનક જ યાદ આવ્યું હતું કે પ્રોફેસર બેને અમને ગરમ કપડાં પણ સાથે લઈ લેવાનું કહ્યું હતું. કારણ,કે ‘સ્પેક્ટર્ન’ની આજુ-બાજુના પેસિફિક મહાસાગરના વાતાવરણમાં ક્યારે કયો પલટો આવી જાય એ કહી શકાય એમ નથી હોતું.

ગરમ કપડાં બેગમાં નાખીને હું દરવાજે પહોંચ્યો. મમ્મી ત્યાં જ ઊભી હતી. મેં એની આંખોમાં જોયું. એની આંખોમાં મારા માટે ગર્વ તો હતું પણ સાથે-સાથે થોડી ચિંતા પણ ડોકીયું કરતી હતી.

મેં એને આંખોથી જ જવાબ વાળી ‘બાય’ કહ્યું અને આગળ ચાલતો થયો. થોડા દુઃખ સાથે અને ઘણીબધી હિંમત સાથે મેં મારું ઘર છોડ્યું હતું.

થોડે દૂર પહોંચીને મેં પાછળ ફરીને જોયું.

મમ્મી હજુ પણ દરવાજે ઊભી હતી પૂરી મક્કમતા સાથે કે – એલેક્સ જરૂર વિજયી બનશે.

મેં પણ એક સ્મિત વડે – જલદી જ પાછો આવીશ – એવો છેલ્લો જવાબ આપીને મોં ફેરવી લીધું અને પ્રોફેસર બેનના ઘર તરફ ઝડપથી ચાલવા લાગ્યો.

   ***

‘અલ્બિનો હરેરા’ના છેડે આવેલા પ્રોફેસર બેનનાં એ સુંદર ઘરે હું પહોંચ્યો ત્યારે ત્યાં મુખ્ય દરવાજા પાસે ક્રિક, થોમસ અને વોટસન પોતપોતાના થેલાઓ ખભે ભરાવીને ઊભા હતા. પ્રોફેસર બેન કદાચ અંદર કંઈક કામસર ગયા હશે એવું અનુમાન મેં કર્યું.

‘ઓ હો...એલેક્સ ! આવી ગયો !’ જેમ્સ બોલ્યો.

‘યાહ...ફાઈનલી આજે સફરનો દિવસ આવી ગયો...’ મેં કહ્યું, ‘અને હું પણ...’ દ્વિઅર્થી વાક્ય બોલીને મેં ખભે લટકાડેલો મારો થેલો જમીન પર મૂક્યો. એ ખાસ્સો ભારે થઈ ગયો હતો.

વાતાવરણમાં અત્યારે તો શુષ્કતા સાથે થોડી ગરમી હતી.

‘એલેક્સ ! તને ખબર છે ? આજે શુક્રવાર છે અને શુક્રવારને સારો દિવસ માનવામાં નથી આવતો.’ વળી પાછું ક્રિકે પોતાની નકારાત્મક શૈલીમાં કહ્યું.

‘યાર ક્રિક, તું કેમ સાવ આવો છે ? નકારાત્મકતાની પણ કંઈક હદ હોય. આ બધી માન્યતાઓ છે. કશું જ સાચું નથી હોતું.’ મેં ગરમ અવાજે કહ્યું. ક્રિકે કંઈક ભૂલ થઈ ગઈ હોય એમ થોડી જીભ બહાર કાઢતાં કાન પકડ્યા, ‘ઓકે. સોરી.’

હું કંઈ બોલ્યો નહીં. ઈશારા વડે જવાબ આપી દીધો.

થોડી મિનિટો થઈ હશે ત્યાં જૂની મોડેલની કોઈક કાર બરાબર ઘર સામે આવીને ઊભી રહી. પછી અંદરથી કોઈક ઉતર્યું. ગોરો અને ત્રિકોણાકાર ચહેરો, ઘટ્ટ વાળ અને દાઢી-મૂછ, આંખોમાં તેજ, શરીરે એકદમ ખડતલ.

મેં આટલું નિરીક્ષણ કર્યું ત્યાં તો પાછળથી પ્રોફેસર બેનનો અવાજ આવ્યો, ‘આવ મેક્સ !’

તો આખરે એ અટપટો માનવી મેક્સ આવી પહોંચ્યો હતો. એણે થેલાની જગ્યાએ સૂટકેસ લીધી હતી. એ સૂટકેસ હલાવતો પ્રોફેસર બેન પાસે ઊભો રહ્યો. એનું મોં ક્યારનું ચાલતું હતું. એ ચ્યુઇંગમ ચગળતો હતો અને ધીમું-ધીમું હસતો હતો.

‘છોકરાઓ...આ છે મેક્સ. મેં તમને કહ્યું હતું એ.’ પ્રોફેસરે અમારી સામે જોઈને મેક્સનો પરિચય કરાવ્યો. મેક્સ ચ્યુઇંગમ ચગળતો એકધારું સ્મિત ફરકાવ્યે જતો હતો. પહેલી નજરે જરા ગાંડા જેવો લાગતો હતો. અમે એની સાથે હાથ મિલાવ્યા. પછી પ્રોફેસરે મેક્સ સામે જોઈને અમારા બધાંનો પણ પરિચય આપી દીધો.

પરિચયપ્રક્રિયા ચાલતી હતી ત્યારે બાકીના બે જણ જેમ્સ અને વિલિયમ્સ આવી પહોંચ્યા.

‘જો મારું અનુમાન સાચું હોય તો તમે મેક્સ છો, ખરું ને ?’ વિલિયમ્સે મેક્સ સામે જોતાં કહ્યું.

‘જી તમારું અનુમાન બિલકુલ સાચું છે. આઈ એમ મેક્સ.’ મેક્સે કહ્યું. અત્યારે બહુ ઠંડી નહોતી, છતાં પણ એણે જીન્સ પેન્ટ પર કાળું જાકીટ ચડાવ્યું હતું.

‘હવે વાતો કરવામાં સમય નથી બગાડવો. બધા કારમાં બેસો.’ પ્રોફેસર બેને મોટેથી કહ્યું. પછી એ તેમના પત્ની મિસિસ લીનાને મળવા અંદર ચાલ્યા ગયા.

કાર મોટી હતી એટલે છ-સાત જણા આરામથી સમાઈ જઈ શકે એવું હતું. સૌથી પહેલાં જેમ્સ અંદર ઘુસ્યો. પછી થોમસ, પછી હું...એમ એક પછી એક અમે કારમાં ગોઠવાઈ ગયા. મેક્સ કારનાં દરવાજા પાસે પ્રોફેસર બેનની રાહ જોતો ઊભો હતો.

અમારા માટે સસ્પેન્સ વધતું જતું હતું. આ કારમાં પ્રોફેસરે ક્યાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હશે એ કોઈ નહોતું જાણતું. પણ એ સસ્પેન્સમાં એક જાતની મજા છુપાયેલી હતી !

થોડી વારે પ્રોફેસર બેન આવ્યા અને પાછળનો દરવાજો ખોલી અમારી સાથે કારમાં ગોઠવાઈ ગયા.

મેક્સ પણ ડ્રાઈવિંગ સીટ પર બેઠો અને કાર સ્ટાર્ટ કરીને આગળ ધપાવી.

લીમાના એક પછી એક વિસ્તારો નજર સામેથી પસાર થતાં ગયાં. અમારી હાઉસિંગ રેસિડેન્સી વાળો વિસ્તાર પણ આવ્યો એવો જ અદ્રશ્ય થઈ ગયો. આશરે અડધો કલાક પછી કાર એક રેતાળ વિસ્તારમાં ઘૂસી અને થોડે આગળ જઈને ઊભી રહી.

લીમાનો રહેવાસી હોવા છતાંય મને આ જગ્યાની જાણ નહોતી. પાછળની તરફ ઢોળાવોવાળા પહાડો હતા અને આગળ થોડે દૂર લીમાનો શાંત શીતલ દરિયો હિલોળા લેતો હતો.

જેવો હું કાર માંથી ઊતર્યો કે સામે જ પીળા રંગની પ્રાઇવેટ કેબિન ક્રુઝર કિનારે દેખાઈ. લગભગ પચાસેક ફૂટની હતી અને સમુદ્રનાં શાંત પાણીમાં જરાસરખી હાલકડોલક થતી હતી.

‘વાહ...’ કારમાંથી ઉતરતાં વેંત જ વોટસનના મોંમાંથી ઉદ્દગાર નીકળી પડ્યો. બધા એને જોઈ રહ્યા. મેક્સ આરામથી ચ્યુઇંગમ ચગળતો અમને જોતો હતો.

‘કમ ઓન બોયઝ...હવે ક્રુઝરમાં બેસો.’ પ્રોફેસર બેને હાથ વડે ઈશારો કર્યો. અમે આશ્ચર્ય પામતાં એ કેબિન ક્રુઝર તરફ ચાલ્યા. ક્રુઝરને આગળની તરફ નાનું તૂતક હતું. એ પછી સુકાનીની કેબિન અને એને જોડીને જ બીજી લાંબી મુસાફરોની કેબિન હતી.

થોડી જ વારમાં અમે ક્રુઝરની અંદરની લાંબી કેબિનમાં બેઠક લઈ લીધી. બંને બાજુ અમુક અંતરે લંબચોરસ પારદર્શક કાચની બારીઓ હતી. એક બારી પાસે હું બેઠો. લગભગ દરેક જેટલા પ્રવાસીઓને લઈ જઈ શકે એવી એ ક્રુઝર બોટ હતી. અંદર રહેવા-કરવાની જરૂરી બધી જ સગવડો હતી. બધાને ક્રુઝર ખૂબ પસંદ પડી.

મેક્સનો વિચાર કરતાં જ મને દારૂગોળાની વાત યાદ આવી ગઈ. મારાથી રહેવાયું નહીં એટલે મેં પ્રોફેસર બેનને પૂછ્યું, ‘પ્રોફેસર સાહેબ, હવે કહો તો ખરા કે પેલા બોમ્બ અને દારૂગોળાનું શું થયું ?’

મારા પ્રશ્નનો જાણે બધાને જવાબ જાણવો હોય એમ થોમસ, વોટસન વગેરે પણ એ તરફ ફર્યા.

‘પ્લીઝ એલેક્સ, અત્યારે કંઈ જ ન પૂછ. થોડી વાર રહીને તને બધું કહીશ.’ પ્રોફેસર બેન તૂતક પર ચઢતાં ઉતાવળમાં બોલ્યા અને પછી આગલી કેબિનમાં ગોઠવાયેલા મેક્સ સામે જોયું, ‘ચાલ મેક્સ ! શરૂ કરી દે. તૈયાર છે ને ?’

‘યસ પ્રોફેસર, ઓલવેઝ રેડી.’ મેક્સે કહ્યું અને કંટ્રોલ પેનલમાં એક બટન દબાવ્યું. ક્રુઝરમાં કંઈક મશીન ચાલુ થયું.

પ્રોફેસર બેન કેબિનમાં ઘુસ્યા, મેક્સની બાજુમાં બેઠા અને કેબિનનો દરવાજો બંધ કર્યો.

ક્રુઝરનાં મશીનો ચાલુ થવાની ધણધણાટી થઈ અને પાવરફુલ મોટર-એન્જિન ગર્જી ઊઠ્યું. મેક્સે એનાં હાથમાં રહેલું ગીયર સહેજ આગળ તરફ કર્યું. ગીયરની બાજુમાં જ સુકાન હતું.

એક આછા ઝાટકા સાથે ક્રુઝર તટવિસ્તાર છોડીને આગળ વધી.

‘યે..હે..હેય..’ મેક્સ આનંદથી બરાડી ઊઠ્યો. અમે પણ ચીયર્સ કર્યું. મેં પાછળ તરફ પડતી બારીમાંથી નજર કરી. ક્રુઝર જેમ-જેમ સ્પીડ પકડતી ગઈ તેમ-તેમ પેલા પહાડોની ચટ્ટાનો દૂર-દૂર ઠેલાતી ગઈ. મેં જોયું તો આ તટવર્તી વિસ્તાર સાવ નિર્જન હતો.

ક્રુઝરે વધારે સ્પીડ પકડી. હવે દૂર છૂટી રહેલા લીમા શહેરની સુંદરતા અમે જોઈ રહ્યા હતા. દૂરના એક ખૂણે ઉભેલા મધ્યમ કદનાં બિલ્ડિંગો, એકસરખાં રહેણાંક મકાનોની હાર, તો વળી બીજા ખૂણે ક્યાંક ટેકરીઓ પર આજુબાજુ વસેલાં વિસ્તારોની ધીમે-ધીમે ઝાંખી થતી ઝલક હું નિહાળી રહ્યો - કેટલું સુંદર છે અમારું લીમા ! આલીશાન સડકો પર ઊભેલી હોટેલો, કેસિનો, ગોલ્ફ સ્ટેડીયમ... – હું એ વખતે લીમાની સુંદરતાના વિચારોમાં ખોવાઈ ગયો હતો.

પેરૂ સાઉથ અમેરિકામાં છેક પશ્ચિમ તરફ આવેલો હતો એટલે પેસિફિક મહાસાગર તરફ જવા માટે સીધી દિશામાં જ – પશ્ચિમ તરફ હંકારવાનું હતું. એટલે મેક્સે સીધે સીધી ક્રુઝરને મારી મૂકી. થોડા સમય પછી લીમા દેખાતું બંધ થઈ ગયું.

***