Apurna Viram - 25 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 25

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨૫

“તને થયું છે શું, મહેરબાની કરીને કહીશ?”

આર્યમાને પ્રશ્ન ફેંક્યો, પણ ડબલબેડ પર લેટેલી મિશેલનો સન્નાટો અકબંધ રહૃાો. એની આસપાસ ઊગી નીકળેલાં અદશ્ય આવરણ સાથે ઘસાઈને પ્રશ્ન કશેક દૂર ફેંકાઈ ગયો.

“મિશેલ?”

મિશેલના સપાટ ચહેરા પર કશું જ ઊપસ્યું નહીં. આર્યમાન એને એકધારો તાકી રહૃાો હતો, “લિસન ગર્લ, ઈનફ ઈઝ ઈનફ. આજે તું અઘોરી પાસે ગઈ એ ગઈ, હવે પછી એની સાથે કોઈ વ્યવહાર ન જોઈએ.”

મિશેલ હજુય નિર્જીવ પથ્થરની જેમ સૂતી રહી એટલે આર્યમાને એને રીતસર હડબડાવી નાખી, “મિશેલ? સાંભળે છે તું?”

“હં?” મિશેલ ચિત્તભ્રમ જેવી સ્થિતિમાંથી એકદમ બહાર આવી, “શું?”

આર્યમાને ગુસ્સો તીવ્ર બનતો જતો હતો, પણ એણે સંયત રહેવાની ભરપૂર કોશિશ કરી, “જો મિશેલ, હું તને હવે વધારે રિસ્ક લેવા નહીં દઉં. એ અઘોરી તને શવસાધના માટે છેક નાગપુર બાજુ ઢસડી ગયો ત્યારે જ મારે તને રોકવી જોઈતી હતી. જોઈ લીધીને તારી કેવી હાલત કરી નાખી એણે? અને કાલે તું એ માણસ પાસે જઈને ફરી પાછી નવો બકવાસ સાંભળતી આવી?”

“એણે વજ્રોલી વિદ્યા વિશે વાત કરી, આર્યમાન! અને વજ્રોલી... ”

“નોનસેન્સ છે આ વજ્રોલી વિદ્યા!” આર્યમાન ઉકળી ઉઠ્યો, “શિશ્ન વડે પાણી શોષવું, દૂધ શોષવું, પારો શોષવો... ઈટ્સ ડિસ્ગસ્ટીંગ! સ્ત્રીની યોનિમાંથી રસ શોષી લેવો છે એ માણસને? કાયાકલ્પ કરવો છે? અમર બની જવું છે? જરા તો કોમન સેન્સ વાપર! એ ઘટિયા વાતો કરતો જ જાય છે અને તું વિરોધ પણ કરતી નથી?”

“આર્યમાન, સિદ્ધહસ્ત અઘોરીઓ માટે આ બધું જ શક્ય છે અને-”

“શટ અપ, મિશેલ! પ્લીઝ!”

મિશેલ ખામોશ થઈ ગઈ. એનાથી લાંબો નિશ્વાસ છૂટી ગયો. કમરાની એકદમ હવા ભારે થઈ ગઈ. મિશેલ વિચારી રહી હતીઃ

આર્યમાનને મેં હજુ ફકત વજ્રોલી વિદ્યાની જ વાત કરી છે. બાબા ગોરખનાથને આ વિધિ માટે સુમનનું શરીર જોઈએ છે એ વિશે એક શબ્દ સુધ્ધાં ઉચ્ચારીશ તો આર્યમાન બોમ્બની જેમ ફાટશે!

મિશેલ બેઠી થઈ. સાઈડટેબલ પરથી પાણીની બોટલ ઉઠાવીને થોડા ઘૂંટડા ભરી લીધા. પછી ધીરે ધીરે પણ સંપૂર્ણ દઢતા સાથે કહેવા માંડી, “જો આર્યમાન, મને બરાબર સમજાય છે કે તને મારી પરવા છે એટલા માટે તું ગુસ્સે થઈ રહૃાો છે. મને એ પણ સમજાય છે કે બાબાની આ બધી વિધિઓ તર્ક વડે સમજી શકાય એવી નથી કે સામાન્ય માણસના ગળે ઉતરે એવી નથી... પણ એક વાત હવે તું સમજી લે. મારી સાથે ડીલ કરતી વખતે તારે સતત યાદ રાખવાનું છે કે હું એક પેગન છું! અગમનિગમ અને અગોચર તત્ત્વોમાં માનું છું! હું હેકોટે દેવીની ભકત છું અને હેકોટે અગમનિગમ અને જાદુવિદ્યાની દેવી છે! એવું કેટલુંય છે જે પાંચ ઈન્દ્રીયો અને બુદ્ધિથી પામી શકાતું નથી. મને એ તત્ત્વોમાં રસ છે. આ જગતની અકળ શકિતઓ મને આકર્ષે છે અને....”

મિશેલ સૂચક રીતે અટકી. એની દષ્ટિ તીક્ષ્ણ બની ગઈ.

“...અને હું ઓસ્ટ્રેલિયાથી ઈન્ડિયા શા માટે આવી છું એ તને બરાબર યાદ છે, રાઈટ આર્યમાન?”

આર્યમાન અસ્વસ્થ થઈ ગયો. કશું બોલ્યા વિના ટિપોઈ પરથી સિગારેટ અને લાઈટર ઉઠાવી એ ટેરેસ-બાલ્કનીમાં ચાલ્યો ગયો. મિશેલ એની ખુલ્લી માંસલ પીઠને જોઈ રહી. પછી હળવેથી આર્યમાન પાસે જેઈ, એને પાછળથી ભેટીને ઊભી રહી. સિગારેટ ફેંકીને એ ચુપચાપ અંધકાર નીચે દબાઈ ગયેલા દરિયાની દિશામાં જોતો રહૃાો. મિશેલ એની સામે આવી.

“કમ હિઅર!”

આર્યમાનને આલિંગનમાં લઈ, એનું મસ્તક નમાવી મિશેલે લાંબું ચુંબન કર્યુ. પછી એની આંખોમાં આંખો પરોવીને કહૃાું, થેન્કસ ફોર યોર કન્સર્ન, સ્વીટહાર્ટ! પણ હું ખુદની સંભાળ રાખી શકું છું. હું બરાબર જાણું છું કે મારે શું કરવું છે અને શું નથી જ કરવું. મારી જાતને હું કોઈ જ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી રાખ, પ્લીઝ!”

આર્યમાન ગરમ થવા લાગ્યો.

“યુ નો વોટ, તારા ફ્રસ્ટ્રેશનનું કારણ ખરેખર જુદું છે, આર્યમાન!” મિશેલની આંખોમાં મસ્તી છવાઈ ગઈ. આર્યમાનની છાતી, એની ગરદનને ચુમતી ચુમતી એ કહેતી ગઈ, “ઘણા દિવસ ખાલી ગયા છે... અને ઘણી રાતો. આઈ નો! પણ આજે હું વ્યાજ સહિત સાટું વાળી દેવા માગું છું!”

આર્યમાન મરક્યો.

“શ્યોર?” એણે મિશેલને બે હાથોથી ઉંચકી લીધી, “લેટ્સ ગો!”

“હા... પણ પહેલાં શાવર લઈ લે. ગો!”

કમરામાં આવી, મિશેલને હળવેથી બિસ્તર પર ફેંકી આર્યમાન બાથરુમ તરફ વળી ગયો. બાથરુમનો દરવાજો બંધ થતાં જ મિશેલના મનમાં જુદા જ વિચારો સળવળવા લાગ્યાઃ

બાબા ગોરખનાથે ફોન પર યોનિપૂજા અને બલિનો ઉલ્લેખ કર્યો હતો, પણ હું એમને મળી ત્યારે એના વિશે એક શબ્દ સુધ્ધાં કેમ ન ઉચ્ચાર્યો?

શું વજ્રોલી વિદ્યાને જ યોનિપૂજા કહેતા હશે?

....અને શું એક વાર વજ્રોલી વિધિ થઈ જાય પછી એ કન્યાની બલિ ચડાવી દેવા માગતા હશે?

- અને યંત્ર!

બાબા સમજે છે કે એમનું યંત્ર મારી પાસે સુરક્ષિત છે, પણ તેના વિશે હું કશું જ જાણતી નથી.

બાબાએ યંત્ર વિશે એક પણ વખત પૃચ્છા કેમ ન કરી?

૦ ૦ ૦

“તમારાં નામની અમને હજુ સુધી ખબર પડી નથી. શું છે તમારું નામ?”

અસામાન્ય કહી શકાય એવું કશું જ નહોતું. ના આ પ્રશ્નમાં, ન પરિસ્થિતિમાં.

ઘુમાવદાર ઊંચાઈ પર માથેરાનનું ઘટાદાર જંગલ છે. જંગલની હરિયાળીમાં ઓગળી ગયેલો શાનદાર બંગલો છે. ખુલ્લો હવાદાર ડ્રોઈંગરુમ છે, જેમાં ત્રણ વ્યકિતઓ વચ્ચે સંવાદ થઈ રહૃાો છે. એક પુરુષ છે - મોક્ષ. બે સ્ત્રીઓ છે - માયા અને બુરખાધારી સ્ત્રી. મોક્ષ અને માયા ઈટાલિયન સોફા પર બેઠાં છે. સામે બુરખાધારી સ્ત્રી ઊભી છે.

સપાટી પર બધું બરાબર દેખાય છે, પણ સપાટીને પેલે પર કશુંક વિચિત્ર છે. કશુંક અસહજ છે. એ શું છે તે પકડાતું નથી.

શું આ બુરખાધારી સ્ત્રીના હોવા માત્રથી હવામાં અસ્વાભાવિકતા છંટાઈ જાય છે? સંદર્ભો અવાસ્તવિક બની જાય છે? એ અત્યારે સોફાની સામે ઊભી છે, છતાં એવું કેમ લાગે છે કે જાણે એ ભોંયતળિયું ફાડીને ઊગી નીકળી હોય, વૃક્ષની જેમ?

શાર્લોટ લેક પર એનો આકસ્મિક ભેટો થઈ ગયો હતો. તે વખતે એની સાથે અન્ય એક બુરખાધારી યુવતી પણ હતી. મોક્ષ ઈચ્છતો હતો કે આ દુખિયારી વડીલ સ્ત્રી ઘરનાં નાનામોટાં કામનો ભાર ઉપાડી લે તો એને આર્થિક મદદ મળે અને માયાને પણ નિરાંત રહે. સ્ત્રી અત્યારે ઘરે આવી હતી અને મોક્ષે એનું નામ પૂછ્યું હતું.

મોક્ષનો સવાલ સાંભળ્યાં પછી પણ સ્ત્રીના ચહેરાની ભાવશૂન્યતામાં કશો ફર્ક નહોતો પડ્યો. એ અપેક્ષાથી તાકી રહૃાો હતો, “બોલો?”

“મારું નામ મુમતાઝ.”

સ્ત્રી પાછી ચુપ થઈ ગઈ. મોક્ષ જાણતો હતો કે એનો અને એની સહેલીનો પતિ કશેક ગાયબ થઈ ગયા છે. વધારે કશી પૃચ્છા કરવાની જરુર ન લાગતા એણે કહૃાું, “ઠીક છે. તો પછી કામ આજથી જ, ઈન ફેકટ, અત્યારથી જ શરુ કરી દો. બરાબર છે માયા?”

માયા અદબ ભીડીને બેઠી હતી, “હા.”

“અચ્છા, તમારું રહેવાનું ક્યાં છે, મુમતાઝબહેન?” મોક્ષે પૂછ્યું.

મુમતાઝ કશું બોલી નહીં. માત્ર એને તાકતી રહી. મોક્ષે ઉત્તર માટે વધારે રાહ ન જોઈ, “તમે ઈચ્છો તો અહીં સર્વન્ટ્સ કર્વાટરમાં રહી શકો છો.”

“રહેવાનું તો એવું છેને સાહેબ, કે આવડું મોટું માથેરાન પડ્યું છે. ગમે ત્યાં રહી લઈશ, ” બોલતી વખતે મુમતાઝ અવાજમાં કોઈ આરોહ-અવરોહ આવતા નહોતા. એ અવાજને એક સપાટી પર રાખીને યંત્રની જેમ બોલતી હતી, “કર્વાટરમાં કહેશો તો કર્વાટરમાં રોકાઈ જઈશ. તમને રાતે ટાણે-કટાણે ગમે ત્યારે જરુર પડી તો હાજર થઈ જઈશ.”

“ના ના, એવી કોઈ જરુર પડવાની નથી, પણ આ તો...”

“મુમતાઝબહેન,” માયાએ એકદમ ઊભાં થતાં કહૃાું. એના અવાજમાં કંટાળો અને ચીડના છાંટા હતા, “આવો, તમને ઘર બતાવી દઉં. કામ સમજાવી દઉં.”

“ઘર મેં જોયેલું છે, મેડમ.”

માયાએ થંભી ગઈ. એની કપાળ પર સળ ઉપસી આવી, “ઘરે જોયેલંુ છે એટલે?”

“એટલે એમ કે ઘર જેવું ઘર છે. એમાં જોવાનું શું? બહારથી જ ખબર પડે છે કે મોટો બંગલો છે. સાફસફાઈમાં સારો એવો સમય નીકળી જશે. મને ખાલી એટલું કહો કે ઘરમાં તમે બે જ માણસ છો?”

“હા.”

“બચ્ચાં નથી કોઈ?”

માયા સહમી ગઈ. મુમતાઝ તરફથી આવા પ્રશ્ન ફેંકાશે તેવી ધારણા નહોતી.

“ના. અમે બે જ છીએ. બચ્ચાં નથી.”

“કશો વાંધો નહીં, બહેન. જેવી અલ્લાહની મરજી.”

ગાલ પર તમાચો પડ્યો હોય તેમ માયા સમસમી ગઈ. મુમતાઝ કિચન તરફ ચાલી ગઈ, પણ માયા બે-ચાર ક્ષણ દિશાહીન બનીને ત્યાં જ ખોડાયેલી ઊભી રહી. પછી એ બેડરુમમાં જતી રહી. પલંગની ધાર પાસે ઊભાં ઊભાં કપડાંની ગડી કરવા લાગી. એનો ચહેરો સખત થઈ ગયો હતો.

મોક્ષ તરત એની પાછળ ગયો.

“માયા?” મોક્ષે સમજદારીપૂર્વક કહૃાું, “જસ્ટ ઈગ્નોર હર, પ્લીઝ.”

“હું કશું બોલી?” માયાએ ઊખડેલા અવાજે કહૃાું.

“સી, આ લોકોને બિલકુલ ભાન નથી હોતું. શું પૂછાય, શું ન પૂછાય...”

“કેમ? બરાબર તો પૂછ્યું એણે. ઘરમાં આપણે બે જ છીએ? બચ્ચાં નથી? ના, બચ્ચાં નથી... આવડા મોટા ઘરમાં અમે પતિ-પત્ની બે જ છીએ અને દિવસરાત સતત એકબીજા સાથે અથડાયા કરીએ છીએ.”

માયાની આંખો તરલ થવા લાગી. મોક્ષને વેદના થઈ આવી. એણે માયાના ખભે હાથ મૂક્યો.

“ડોન્ટ ટચ મી!” માયાએ ઝાટકો મારીને એનો હાથ ઝાટકી નાખ્યો. એનો અવાજ તૂટી ગયો, “તું પ્લીઝ જા અહીંથી. મને કામ કરવા દે.”

“માયા, લિસન...”

માયાએ ગરદન ઘુમાવીને મોક્ષ તરફ જોયું. એની દષ્ટિ એટલી વેધક હતી કે મોક્ષ ચુપ થઈ ગયો. એ બહાર લોબીમાં ચાલ્યો ગયો. માયા પલંગ પર બેસી પડી. થોડાં અસહાય આંસુ વહી ગયાં. ગઠ્ઠો થઈ ગયેલી પીડાનાં થોડાં પોપડાં ખર્યા. થોડા વરવાં સત્યો નાચીને પાછાં શાંત થઈ ગયાં.

એ પાછી કપડાં સંકેલવા લાગી.

શર્ટ અને જીન્સ છે, ગાઉન અને સલવાર સુટ છે, સ્વેટર અને જેકેટ છે, પણ નાની નાની ચડ્ડીઓ કે વેંત જેવડાં બનિયાન નથી. કલરફુલ ફ્રોક કે “માય મમ્મી ઈઝ ધ બેસ્ટેસ્ટ” લખાણવાળાં ટચુકડાં ટીશર્ટ નથી. ઓગળી ગયેલી ચોકલેટના ડાઘ નથી કે ટપકી ગયેલા ટોમેટો સાસના નિશાન નથી. કોઈ કપડાં પર રંગીન સ્કેચપેનનાં લીટાં નથી. કોઈ ખિસ્સામાંથી ન ખવાયેલી પીપરમેન્ટ કે ધોવાઈ ગયેલું મિકી માઉસનું સ્ટિકર નીકળતું નથી...

માયા રડી પડી.

સમ્રાજ્ઞીથી લઈને રસ્તે રઝળતી ભીખારણ સુધી, બુદ્ધિમંત વિદૂષી મહિલાથી લઈને અક્ષરજ્ઞાન વગરની અભણ બાઈ સુધી, દેશની વડાપ્રધાનથી લઈને સીધીસાદી ગૃહિણી સુધી સૌને સંતાન છે... એક મને છોડીને.

કેમ નથી?

માયાને લાગ્યું કે એ ચીસ પાડી ઉઠશે. લડીને, તડજોડ કરીને, માંડ માંડ સ્વીકારી લીધેલું એક સત્ય છે, પણ એમાંથી અચાનક અણીદાર કાંટા ઊગી નીકળ્યા હતા. સંતુલનની ગાંસડીને માંડ માંડ સમેટીને બાંધી રાખી છે. જો સભાન નહીં રહેવાય તો વેરવિખેર થતાં વાર નહીં લાગે.

માયાએ કપડાંની થપ્પીઓને કબાટમાં મૂકી. પછી બિસ્તર પર લાંબી થઈ. ઊંચી છત પર એકાકી પંખો સૂનો લટકતો હતો. માયા એકીટશે જોતી રહી. એને લાગ્યું કે પંખાના એક પાંખિયાની ધારમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળી રહૃાા છે અને પાંખિયું સંકોચાઈ રહૃાું છે. ધીમે ધીમે આખું પાંખિયું નામશેષ થઈ ગયું. ધૂમાડો પણ અદશ્ય થઈ ગયો. ફકત બે પાંખિયાં બચ્યાં. બે પાંખિયાંવાળો અપંગ પંખો. કદાચ આ સ્થિતિમાંય તે ફરી શકશે, ગતિમાન રહી શકશે, પણ તે અધૂરો છે, કદરુપો છે.

માયાએ આંખો મીંચી દીધી. બંધ પાંપણો નીચેથી પાણી ક્યારે દબાઈને બહાર રેલાઈ આવ્યું એનું માયાને ધ્યાન ન રહૃાું. ઓશીકું ક્યાંય સુધી ચુપચાપ ભીંજાતું રહૃાું.

“માયા!”

એણે આંખો ખોલી. મોક્ષ એની બાજુમાં બેઠો હતો.

“આઈ એમ સો સોરી...” એણે ઘવાયેલા અવાજે કહૃાું.

“ડોન્ટ ફીલ સોરી,” માયા બેઠી થઈ, “હું ઠીક છું. ટેવાઈ ગઈ છું આ બધાથી.”

“ આ મુમતાઝને કામ પર રાખતી વખતે મારા મનમાં એવો કંઈક ભાવ પણ હતો કે એ કામકાજ કરવા આવશે તો ઘરમાં કોઈકની હાજરી વર્તાશે, વાતચીત કરવા માટે નવી વ્યકિત મળશે. મને શું ખબર કે-”

“તારે વાત કરવાવાળું જ કોઈ જોઈતું હોય તો રિતેશને કેમ બોલાવી લેેતો નથી? સાથે રુપાલી પણ આવશે તો મનેય કંપની રહેશે.”

મોક્ષ વિચારમાં પડી ગયો.

“રિતેશ-રુપાલી... પણ એ લોકો માથેરાન નહીં આવે.”

“કેમ નહીં આવે? આપણે પણ આવ્યાં જ છીએને માથેરાન. આપણે આવી શકીએ છીએ તો એ લોકો પણ આવી જ શકે છે.”

મોક્ષે જોરથી આંખો મીંચી દીધી. એકમેકમાં ભળી ગયેલાં કેટલાંય ઊલટપુલટ દશ્યો અને અવાજો વંટોળની જેમ બંધ આંખોના કાળા પટલ પરથી પસાર થઈ ગયાં.

“સાહેબ!”

આ મુમતાઝનો અવાજ હતો. મોક્ષે આંખો ખોલી. એ બેડરુમના દરવાજા પાસે ઊભી હતી, “રિતેશભાઈ અને રુપાલીબેન માથેરાન પહોંચે એટલી વાર છે!”

મોક્ષ ચોંક્યો, “તમે રિતેશ-રુપાલીને કેવી રીતે ઓળખો, મુમતાઝબહેન?”

“એક મિનિટ!” માયા બોલી, “તમે અમારા વિશે, આ ઘર વિશે કેવી રીતે જાણો છો? તે દિવસે તમે બોલ્યાં હતાં કે અમારી વિદેશી મહેમાન અહીં આવીને જાતજાતનાં કાંડ કરે છે અને...”

“તમે મારા કહેવાનો મતલબ બરાબર સમજ્યા નથી, મેડમ!” મુમતાઝે રહસ્યમય સ્મિત કર્યું, “તમારી વિદેશી મહેમાન અહીં જરુર આવી ગઈ છે, પણ તમારી પીઠ પાછળ આ ઘરમાં જે કાંડ કરે છે એ તો કોઈ બીજું જ છે.”

“કાંડ એટલે કેવા એકઝેટલી કેવા કાંડ?”

“તમને રાતે કોઈના રડવાનો અવાજ નથી આવતો? ચીસો નથી સંભળાતી? રસોડાની દીવાલ પર લોહીના છાંટણાં નથી દેખાતા?”

મોક્ષ અને માયા ધ્રૂજી ઉઠ્યાં, “કોણ કરે છે આ બધું?”

“લીઝા!”