Vastavikatani Dharti Par in Gujarati Drama by Yashvant Thakkar books and stories PDF | વાસ્તવિકતાની ધરતી પર

Featured Books
Categories
Share

વાસ્તવિકતાની ધરતી પર

વાસ્તવિકતાની ધરતી પર

નાટક

-ઃ લેખક :-

યશવંત ઠક્કર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પાત્રો

•સૂરજ - પતિ

•રજની - પત્ની

•કેતન - મિત્ર

•રાજેશ - મકાન માલિક

•વસંત - દીકરો

•જે. બી. ચૌહાણ - ઈન્સ્પેકટર

કથા

સૂરજ અને રજની એક એવું દંપતી છે જે જીવનમાં વાસ્તવિકતાનો વિચાર કર્યા વગર માત્ર કલ્પનામાં જ રાચે છે. તેઓ પોતાનું ઘરનું ઘર વસાવી શકતા નથી. દીકરાનો ઉછેર પણ સારી રીતે કરી શકતા નથી. પરિણામે જીવનના અંતિમ પડાવમાં તેઓને પસ્તાવો થાય છે. પોતાની જાતને ગુનેગાર માનવાનો વખત આવે છે. પ્રસ્તુત નાટકમાં, કલ્પના અને વ્યવહારિકતા વચ્ચે સમતુલા ન જાળવી શકનારને કેવું પરિણામ ભોગવવું પડે છે એ દર્યાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અપેક્ષા : મારાં બીજાં નાટકોની જેમ આ નાટક પણ વાચકોને ગમશે એવી આશા રાખું છું. વાચકો પોતાને યોગ્ય લાગે એવા પ્રતિભાવ આપે એવી અપેક્ષા છે.

જય જય ગરવી ગુજરાત.

વાસ્તવિકતાની ધરતી પર

- યશવંત ઠક્કર.

વાસ્તવિકતાની ધરતી પર

દૃશ્ય - ૧

(પચીસેક વર્ષનાં સૂરજ અને રજની સાંજના સમયે સરોવર કિનારે એકાંતમાં બેઠાં હોય એવું દૃશ્ય. બંને કવિતા બોલતાં હોય એ રીતે અને મક્કમતાથી વાતો કરે છે.)

સૂરજ : આપણા જીવનનો વધુ એક દિવસ અંત તરફ જી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં પૃથ્વી પર અંધકારના ઓળા પથરાઈ જશે. પૃથ્વી પર ભલે અંધકારનું આગમન થતું રહે પરંતુ આપણા જીવનમાં તો અંધકારને જરા પણ સ્થાન નહીં હોય. રજની, તું સાંભળે છે મારા શબ્દો? મારા હૈયાની લાગણી તારા હૈયા સુધી પહોંચે છે?

રજની : પહોંચે છે. સૂરજ, પહોંચે છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઝીલી લે છે એવી જ રીતે તમારા હૈયાની લાગણી મારૂં હૈયું ઝીલી લે છે અને મારી આસપાસ વેરાઈ જાય છે ચાંદની શો આનંદ. નર્યો આનંદ.

સૂરજ : જેવી રીતે કમળોથી આ સરોવર શોભી રહ્યું છે એવી જ રીતે મીઠી મધુરી પળોથી આપણું જીવન શોભતું રહેશે.

રજની : હા સૂરજ, કુદરતના ખોળે આપણું નાનકડું ઘર હશે.

સૂરજ : ઘરને સુંદર સુંદર આંગણું હશે.

રજની : એ આંગણામાં હું સાત સાત રંગોથી રંગોળી પૂરીશ.

સૂરજ : આપણા ઘરને ફળિયું હશે. ફળિયામાં ગુલમહોરનું વૃક્ષ હશે.

રજની : એ ગુલમહોરની સાક્ષીએ પાંગરતો આપણો સંસાર હશે. મહેકતો સંસાર.

સૂરજ : આદર્શ સંસાર. સૂરજ અને રજનીનો સંસાર.

રજની : એક જ પંથના પ્રવાસી એવા આપણે જીવનપંથ પર સદાય હસતાંગાતાં રહીશું.

સૂરજ : દુનિયાનાં બીજાં લોકોની જેમ આપણે ગાડરિયું જીવન નહીં જીવીએ. આપણી જીવવાની રીત અનોખી હશે.

રજની : સૂરજ, મારી મંઝિલ તમે છો અને તમારી મંઝિલ હું છું. આપણે એકબીજાંને પ્રાપ્ત કરી ચૂક્યાં છીએ.

સૂરજ : હવે તો ‘એકબીજાંને સતત ચાહતા રહેવું’ એ જ આપણો મુદ્રાલેખ હશે.

રજની : દુનિયાદારીની વાતો આપણે મન ગૌણ હશે.

સૂરજ : આપણાં હિસાબકિતાબ દુનિયાના હિસાબકિતાબથી જુદા હશે. આપણે લાગણીના સરવાળા કરીશું.

રજની : આપણે નિરાશાની બાદબાકી કરીશું.

સૂરજ : આપણે આનંદઉલ્લાસના ગુણાકાર કરીશું.

રજની : આપણે શંકાનો ભાંગીને ભુક્કો કરીશું.

સૂરજ : તો ચાલ રજની, આપણે ઊંભાં થઈએ. આ સરોવરનું પાણી હથેળીમાં લઈએ અને આ સરોવરની સાક્ષીએ, આ કમળની સાક્ષીએ અને આ નારંગી રંગના સૂર્યની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈએ કે- અમે જીવનભર અમારી રીતે જ જીવીશું. દુનિયાની ક્યારેય પણ પરવા નહીં કરીએ.

રજની-સૂરજ : અમે સૂરજ અને રજની આ સરોવર, કમળ અને નારંગી રંગના સૂર્યની સાક્ષીએ પ્રતિજ્ઞા લઈએ છીએ કે- અમે જીવનભર અમારી રીતે જ જીવીશું. દુનિયાની ક્યારેય પણ પરવા નહીં કરીએ.

(પ્રતિજ્ઞા પૂરી થાય એ સાથે જ દૃશ્ય પૂરૂં થાય.)

દૃશ્ય - ૨

(જૂના ઘરના ઘરનાં ફળિયાનું દૃશ્ય. ફળિયામાં ખાટલા પર સૂરજ અને રજની બંને બેઠા હોય અને કેતનનો પ્રવેશ.)

કેતન : શું કરો છો સૂરજભાઈ? આવું કે?

સૂરજ : કોણ? કેતનભાઈ? આવો આવો.

રજની : આવો કેતનભાઈ. આજે તો અમારૂં આંગણું પાવન થઈ ગયું હો.

કેતન : અરે! હું તો એક કલાક પહેલાં તમારૂં આંગણું પાવન કરવા આવ્યો હતો પણ બારણે મોટું તાળું જોઈને પાછો ગયો.

સૂરજ : અમે સરોવર કિનારે ગયાં હતાં.

રજની : સરોવર કિનારે જવાનો અમારો રોજનો નિયમ છે.

કેતન : હા ભાઈ હા. નવાં નવાં પરણ્‌યાં છો એટલે તમને સરોવર કિનારો જ દેખાય. જૂનાં થશો પછી સરોવર કઈ દિશામાં આવ્યું છે એ પણ ભૂલી જશો.

રજની : એ વાતમાં તમે ખાંડ ખાઓ છો કેતનભાઈ. તમે બધાંને તમારા જેવા જ ન સમજતા.

સૂરજ : આ કેતનભાઈને ક્યાં ખબર છે કે આપણે કઈ માટીનાં છીએ. જીવન વિષે આપણા વિચારો કેટલા ઊંંચા છે એ બાબતથી એ બિચારા અજાણ છે. ગમે તેમ તોય દુનિયાના ચીલે ચાલનારાને?

કેતન : તમને નહીં પહોચાય હોં. જવા દો એ વાત. હું તો આજે એક ખાસ કામ માટે આવ્યો છું.

રજની : કામ વગર તો તમે આવો એવા નથી. તમે લોકો દરેક વ્યવહારમાં સ્વાર્થની ભેળસેળ કર્યા વગર રહી નથી શકતા.

કેતન : ભાભી, આજે હું જે કામ માટે આવ્યો છું એમાં મારો જ નહીં, તમારા લોકોનો પણ સ્વાર્થ સમાયેલો છે.

સૂરજ : પણ અમે લોકો તો સ્વાર્થથી સદાય દૂર રહેનારાં માણસો છીએ.

રજની : અમે તો માત્ર લાગણીના સહારે જીવનારાં જીવો છીએ.

કેતન : તમે લોકો આમ સાવ વેવલાં ન થઈ જાવ. મારી વાત સાંભળો. કામની વાત છે.

સૂરજ : જલ્દી સંભળાવો. મારા મનમાં શંકાઓના ગુણાકાર થવા માંડયા છે.

કેતન : જુઓ સૂરજભાઈ, આપણી ઑફિસના લોકોએ ભેગા થઈને એક યોજના બનાવી છે. ઘરનું ઘર બનાવવાની યોજના. આ સંકડા ઘરના બદલે પોતાનું ઘર હોય એવી તમારી પણ મરજી હશે જ.

સૂરજ : અમારૂં તો એક સપનું છે જ કે એક મજાનું ઘર હોય.

રજની : એ ઘરને એક સુંદર મજાનું આંગણું હોય.

સૂરજ : એ આંગણામાં રજનીએ સાત સાત રંગોથી પૂરેલી રંગોળી હોય.

કેતન : લો કરો વાત! તમે લોકો તો કવિતા કરવા લાગ્યાં. પણ ઘરનું ઘર બનાવવું એટલું સહેલું નથી.

સૂરજ : જો અઘરૂં હોય તો એ વિષે વાત કરવાનો કશો જ અર્થ નથી.

કેતન : તમે મારી વાત તો સાંભળો. ઘર દીઠ કુલ એક લાખ રૂપિયા ખર્ચ થાય એવો અંદાજ છે. શરૂઆતમાં પચીસ હજાર જેટલી રકમ કાઢવી પડશે. બાકીની રકમની લોન આપણે આપણા ખાતા પાસેથી જ લેવાની છે.

સૂરજ : તમારી વાત પાયામાંથી જ ખોટી લાગે છે. પચીસ હજારની સગવડ અમારાંથી થાય નહીં.

કેતન : નાં કેમ થાય? સોનું હોય તો વેચી નાખો. સગાવહાલાં પાસેથી મદદ લો. ગેમે તે કરો. ઘર એમ જ બને.

રજની : સોનું નામે નથી. એટેલે વેચવાનો સવાલ જ નથી.

સૂરજ : કોઈની સામે હાથ લાંબો કરવો નથી. એક વખત કોઈના ઉપકાર હેઠળ આવી જીએ તો પછી અમે અમારી રીતે જીવી ન શકીએ. સ્વમાનને ભોગે અમને કશું ન ખપે.

રજની : હા. રજનીભાઈ, લોન લેવી, વ્યાજ ભરવું, હપ્તા ભરીને ખેંચાવું એ બધી વાતો અમારી વિચારસરણીની વિરૂદ્ધની છે. અમારે એવી ઉપાધિમાં નથી પડવું.

કેતન : તમે લોકો ગજબ કરો છો. આજના જમાનમાં લોન કોણ નથી લેતું? કોણ વ્યાજ નથી ચૂકવતું? વળી, આપણા ખાતા તરફથી ઓછા વ્યાજે લોન મળે છે તો લાભ લેવામાં ખોટું શું છે? સમયને માન આપો. આવી તક ફરી નહીં મળે.

સૂરજ : અમને અમારી રીતે જીવવા દો ભાઈ. અમારે જવાબદારીના બોજા હેઠળ કચડાવું નથી.

રજની : અમે મુકત મને વિહરનારાં પંખીડાં છીએ. અમને વ્યવહારની જાળમાં ફસાવવાની વાત ન કરશો.

કેતન : ભાભી, આ કેતન તો છે જ બેફીકર જીવ. પણ તમે તો સમજો. જીવનમાં પડકાર તો ઝીલવા જ પડે. જવાબદારી પણ ઉપાડવી પડે. આ બધું ઉજ્જવળ ભવિષ્ય માટે કરવાનું હોય છે. સમજ્યાં?

સૂરજ : અમે બધું સમજીને બેઠા છીએ. કેતનભાઈ, તમે મહેરબાની કરીને આ વાત છોડો.

રજની : કેતનભાઈ, આંટીઘુંટી વગરની કોઈ વાત કરો તો મજા આવે.

કેતન : તમે લોકો નહીં માનો.

સૂરજ : શા માટે માનીએ? સુખ પાછળ અમે આંધળી દોટ શા માટે મૂકીએ?

રજની : એ બધું તમને સોંપ્યું. સવારથી સાંજ સુધી દોડયા કરો.

સૂરજ : હસીને કર્યા કરો હાયવોય! હાય રે સુખ હાય રે સુખ!

(સૂરજ અને રજની બંને હસે. એ સાથે દૃશ્ય પૂરૂં થાય.)

દૃશ્ય - ૩

(ફળિયાનું દૃશ્ય. વેલનું કૂંડું હોય. પરચુરણ ચીજો પડી હોય. સૂરજ અને રજની ઊંભાં હોય. રાજેશ મેજરટેપથી ફળિયાનું માપ લેતો હોય.)

સૂરજ : આ શી નવાજૂની કરો છો રાજેશભાઈ?

રાજેશ : કશી નવાજૂની નથી કરતો. જરા માપ લઉં છું. ફળિયાની જગ્યા નકામી પડી છે એટલે ઉપયોગમાં લેવાનો વિચાર છે.

સૂરજ : કેવો ઉપયોગ?

સૂરજ : તમારાં માટે આવવા-જવાની જગ્યા છોડીને બાકીની જગ્યામાં બાંધકામ કરવાનો વિચાર છે.

સૂરજ : આ ફળિયું નકામું નથી. અમને ખૂબ કામમાં આવે છે. અમારી કેટલીય વસ્તુ આ ફળિયામાં પડી રહે છે.

રજની : અમે ઉનાળામાં તો રાત્રે આ ફળિયામાં જ સૂઈ જીએ છીએ. બેચાર મહેમાન હોય ત્યારે આ ફળિયું જ અમારી લાજ રાખે છે. અરે! ગળગળા અવાજે અમારો વસંત તો આ ફળિયામાં જ રમતાં રમતાં મોટો થાય છે.

સૂરજ : ફળિયું તો આ ઘરની શોભા છે. ફળિયાને ન વતાવશો.

રાજેશ : તમારી બધી વાત સાચી પણ શહેરની વચમાં આવી મોકાની જગ્યા છે તો હું પણ એનો લાભ લઉંને?

સૂરજ : તમે તમારા સ્વાર્થ ખાતર અમારૂં સુખ છીનવી લેવાની વાત કરો છો. આ તો અમને પરેશાન કરવાની વાત છે.

રાજેશ : આમાં પરેશાન કરવાની વાત જ ક્યાં આવી? મારા બાપુજીએ તમને આ મકાન ભાડે આપ્યું છે. ફળિયું ભાડે નથી આપ્યું. તમને વાપરવા દીધું એ જુદી વાત છે.

રજની : રાજેશભાઈ, અમે તમારા કેટલા જૂના ભાડુવાત છીએ એનો વિચાર તો કરો.

રાજેશ : એ વાત સાચી. પણ હું તમને હેરાન કરતો હોઉં તો મને દોષ આપો. મારી જગ્યામાં હું બાંધકામ ન કરૂં?

સૂરજ : અમારાં માટે આ એક ઘર છે પરંતુ તમારા માટે આ માત્ર એક મકાન છે. અને, તમને મકાનની ક્યાં તંગી છે? માત્ર પૈસા કમાવા ખાતર આ ફળિયાનો ભોગ લેવા બેઠા છો?

રજની : ગળગળા અવાજે અમે ફળિયામાં આ વેલ ઉછેરી છે એનો તો વિચાર કરો.

સૂરજ : ગળગળા અવાજે આ ફળિયું નહીં હોય તો અમે આકાશ નહીં જોઈ શકીએ એનો વિચાર કરો.

રાજેશ : એવા વિચારો કરવાનો મારી પાસે સમય નથી. દુનિયા જે ઝડપથી દોડી રહી છે એની સાથે મારે પણ કદમ મિલાવવા પડે છે.

સૂરજ : આ ફળિયામાં બાંધકામ નહીં કરો તો અમને કેટલી રાહત થશે એની કલ્પના તો કરો.

રાજેશ : એવી કલ્પના હું કેવી રીતે કરી શકું? રાહતની જ વાત કરતા હો તો ફળિયામાં બાંધકામ થશે તો બીજાં કેટલાંય લોકોને રાહત થશે.

રજની : પૈસેટકે તમને ફાયદો થશે. એમાં બીજાંને રાહત કેવી રીતે થશે?

રાજેશ : આ ફળિયામાં જે બાંધકામ થશે એમાં ભોંયતળિયે દુકાનો બનશે. એ દુકાનોથી ભાડે રાખીને કેટલાંય લોકો ધંધો કરશે એને બે પૈસા કમાશે. દુકાનોની ઉપર બે માળ બનશે. એમાં કેટલાંય લોકો ભાડે રહેશે. શહેરમાં મકાનોની કેટલી તંગી છે એ તો તમે જાણતા જ હશો. તમારે પણ બીજાં લોકોનો વિચાર કરવો જોઈએ.

સૂરજ : મારી પાસે મારૂં પોતાનું એક ઘર હોય તો હું બીજું મકાન બનાવવાનો વિચાર પણ ન કરૂં. રાજેશભાઈ, તમે જો આ ફળિયામાં બાંધકામ કરશો તો અમે તમારૂં આ ઘર ખાલી કરી દઈશું એટલું યાદ રાખજો.

રાજેશ : હસીને તમે મારૂં મકાન ખાલી કરતાં હો તો તમારાં જેવું કોઈ નહીં. હું બાંધકામનો આખો પ્લાન ફેરવી નાખું. ભલે તમે ન બોલો પણ હું કહું છું કે, તમે આ મકાન ખાલી કરશો તો હું તમને રોકડા પંદર હજાર આપીશ.

સૂરજ : વાહ રાજેશભાઈ વાહ! તમે અમને લેભાગુ સમજો છો? અરે! અમે પંદર વર્ષોથી આ ઘરમાં રહીએ છીએ તે માત્ર ભાડુઆત તરીકે નહીં પણ તમારાં એક સ્નેહી તરીકે. તમારા બાપુજીએ બે વખત અમને રોક્યા ન હોત તો અમે વર્ષો પહેલાં તમારૂ મકાન ખાલી કરી દીધું હોત.

રજની : એક વખત તો તમારા બાપુજીએ અમારો બાંધેલો સામાન પણ છોડાવી નાખ્યો હતો. એમના આગ્રહથી તો અમે આ જૂનાપુરાણા ઘરમાં રહી શક્યાં.

રાજેશ : મારા બાપુજીની વાત જુદી હતી. એ જૂના માણસ હતા. હું એમના જેવો ન થઈ શકું. મારી વાત તો એકદમ સ્પષ્ટ છે. તમે આ મકાન ખાલી કરતાં હો તો રોકડા પંદર નહીં પણ વીસ હાજર આપીશ. બસ?

સૂરજ : અમે તમારૂં મકાન ખાલી કરી દઈશું. પરંતુ, હરામના પૈસા નહીં લઈએ. સમજ્યા?

રાજેશ : એ હરામના પૈસા ન કહેવાય. તમે જૂના ભાડુવાત છો એટલે તમારા હકના પૈસા કહેવાય. સૂરજભાઈ, મારા જેવો સ્પષ્ટ વાત કહેનારો તમને બીજો કોઈ નહીં મળે.

સૂરજ : તમારૂં ગણિત તમને મુબારક. રાજેશભાઈ, પૈસાને ઠોકર મારનારો મારા જેવો માણસ તમને પણ બીજો કોઈ નહીં મળે.

રાજેશ : જેવી તમારી મરજી. પણ જે કાંઈ કરો એ સમજી વિચારીને કરજો. બાકી, મારૂં માનો તો એકાદ નાનકડું તો નાનકડું પણ પોતાનું ઘર બનવી લો. મારાથી બનતી મદદ કરવા પણ તૈયાર છું.

રજની : વટથી બીજાંની મદદ લેવી હોત તો તો વર્ષો પહેલાં લઈ લીધી હોત. પરંતુ, અમે કોઈના ઉપકાર હેઠળ આવવામાં નથી માનતાં.

સૂરજ : અરે! મારા જ ખાતામાંથી લોન લઈને ઘરનું ઘર બનાવી લીધું હોત. પરંતુ, અમેં કોઈના દેવાદાર બનવામાં નથી માનતાં.

રજની : અમે માથાં ઊંંચાં રાખીને જીવનારાં માણસો છીએ. તમારૂં ઘર વહેલાંમાં આવેલી તકે ખાલી કરી દઈશું. તમે પણ જિંદગીભર યાદ કરશો.

રાજેશ : તમે સામે ચાલીને મારૂં મકાન ખાલી કરતાં હો તો મને તો ફાયદો જ છે. હું બાંધકામનો આખો પ્લાન ફેરવી નાખીશ.

સૂરજ : ભલે. તમે બાંધકામનો પ્લાન ફેરવજો. અમે અમારો સામાન ફેરવીશું. અમારી આ ભૂમિ સાથેની લેણાદેવી પૂરી થાય છે.

(રજની વેલને વહાલ કરે અને સૂરજ ફળિયામાં બેસીને જમીન પર હાથ ફેરવે. દૃશ્ય પૂરૂં થાય.)

દૃશ્ય - ૪

(સૂરજ અને રજનીની ઉમર ચાલીસેક વર્ષની. બંને થાકેલા અને ઉદાસ હોય. ભાડાનાં અંધારિયા ઘરમાં બેઠાં હોય.)

સૂરજ : રજની, મકાનમાલિક આવ્યા હતા?

રજની : હા, ભાડું લઈ ગયા અને બે મહિનામાં મકાન ખાલી કરવાનું કહી ગયા છે.

સૂરજ : કરી દઈશું. છેલ્લાં વીસ વર્ષોથી મકાન ખાલી કરતાં આવ્યાં છીએ. એક વધારે. ઘર ખાલી કરવું હોય તો દુઃખ થાય. મકાન ખાલી કરવામાં દુઃખ શાનું?

રજની : વારેવારે મકાન ખાલી કરવાથી આપણે ભલે દુઃખી ન થઈએ પણ આપણો વસંતને કંટાળ્યો છે. એમાંય આ સાંકડા ઘરમાં તો એને જરાય નથી ગમતું. આખો દિવસ બહાર જ રહે છે. ખાવા ને સૂવા માટે જ ઘેર આવે છે.

સૂરજ : એવું તો ચાલે જ નહીંને? ભાડાનું મકાન તો જેવું હોય એવું નિભાવવું પડે. આપની પાસે હરામનો પૈસો નથી કે, મોટું મકાન લઈએ.

રજની બીડીની જૂડી લાવીને આપે.

રજની : મને તો ડર લાગે છે કે, વસંત આપણા કાબુ બહાર જશે. કાલે એના ગજવામાંથી આ બીડીની જૂડી મળી. મને તો એ ખરાબ સોબતે ચડયો હોય એવું લાગે છે.

સૂરજ : બીડીની જૂડી બાજુ પર મૂકીને ઘર સાંકડું હોય એટલે બીડીઓ પીવાની? સાંકડાં ઘરમાં રહેનારા બધાં બીડીઓ પીવા માંડે તો તો પછી દુનિયામાં બધે ધુમાડો ધુમાડો જ થઈ જાયને.

(વસંત ગીત ગાતો ગાતો પ્રવેશ કરે.)

વસંત : દુનિયા ને હમ કો દિયા ક્યા... દુનિયા સે હમને લિયા ક્યા...

હમ સબ કી પરવા કરે ક્યોં... સબ ને હમાર કિયા કયા..

સૂરજ : દીકરા વસંત, તને ભલે કોઈની પરવા ન હોય પણ અમને તારી પરવા છે. આંખો દિવસ ક્યા હતો?

વસંત : મારા ભાઈબંધને ત્યાં વાંચવા ગયો હતો.

સૂરજ : આપણા ઘરમાં બેસીને નથી વંચાતું?

વસંત : કટાક્ષમાં આપણું ઘર? આ અંધારિયા ગોડાઉનને તમે ઘર કહો છો?

રજની : દીકરા, જેવું છે એવું પણ આ આપણું ઘર છે.

વસંત : આપણું ઘર! સૂર્યનું એક પણ કિરણ દાખલ ન થઈ શકે એવું આપણું ઘર!! આ ઘરમાં મને ગભરામણ થાય છે. આ ઘરમાં બેસીને હું કઈ રીતે વાંચી શકું?

સૂરજ : વાંચવું પડે. ગમે એવા ઘરમાં બેસીને પણ વાંચવું પડે. હું તારા જેવડો હતો ત્યારે ગામડે ઘરના વાડામાં ઝાડ નીચે બેસીને વાંચતો હતો.

વસંત : તમે નસીબદાર હતા કે ઘરને વાડો હતો અને વાડામાં ઝાડ હતું. આ ઘરમાં તો ઝાડનું એકાદ ચિત્ર પણ લટકાવી શકાય એવું નથી. દીવાલને જ્યાં હાથ અડે ત્યાં પોપડા ખરે છે.

સૂરજ : આવાં ઘરમાં ઊંછરીને જ ઘણાં લોકો મહાન બને છે.

વસંત : અને, આવાં ઘરમાં ઊંછરીને જ ઘણાં લોકો ગુંડા કે બહારવટિયા પણ બને છે.

સૂરજ : ગુસ્સામાં તને અવળું વિચારવું જ ગમે છે?

વસંત : સાચુ કહું તો આકરૂં લાગે છે. પણ પૂછો તમારી જાતને. ઊંંચા ઊંંચા વિચારો કર્યા સિવાય તમે લોકોએ શું કર્યું છે?

રજની : દીકરા, અમને આવડયું એ રીતે અમે જીવ્યાં છીએ. પણ સ્વમાનથી અને શાંતિથી જીવ્યાં છીએ. ખોટી હાયવોય નથી કરી. ક્યારેય કોઈના ઉપકાર હેઠળ આવ્યાં નથી.

વસંત : દંભ! મમ્મી, તમે જિંદગીભર નર્યો દંભ કર્યો છે. જવાબદારીથી ભાગ્યાં છો.

સૂરજ : અમારે જેમ જીવવું હતું એમ અમે જીવ્યાં. તારે જેમ જીવવું હોય એમ તું જીવજે.

વસંત : એ તો જીવું છું. તમારે સલાહ આપવાની જરૂર નથી.

સૂરજ : શું ખાક જીવે છે? ભણવું નથી એટલે ગમે તે બહાને ઘરની બહાર રહેવું છે અને અવળા ધંધા કરવા છે.

વસંત : હું કોઈ અવળા ધંધા કરતો નથી.

સૂરજ : બીડીની જૂડી બતાવીને તો આ બીડીની જૂડી તારા ગજવામાં ક્યાંથી આવી? ભાઈબંધને ત્યાં વાંચવા જાય છે કે બીડીઓ ફૂંકવા?

વસંત : હજી તો બીડી સુધી જ પહોંચ્યો છું. કાલે કદાચ...

સૂરજ : કાલે ઊંઠીને તું કદાચ દારૂ પણ પીએ એમને?

વસંત : દારૂ પણ પીવો પડે. આવી જિંદગી જીવવાની હોય ત્યાં બીજું શું થાય?

રજની : એવું ન કરાય દીકરા. બીડી... દારૂ એ બધાં વ્યસનોથી દૂર રહેવામાં જ ભલાઈ છે. એ જિંદગીમાં બરબાદી લાવે.

વસંત : મમ્મી, બરબાદી તો પહેલેથી જ છે. તમે લોકોએ મને વારસામાં આપી છે.

રજની : ચૂપ કર. તું તારી જિંદગી ન બનાવી શકતો હો તો એ તારી નબળાઈ છે. અમને દોષ શા માટે આપે છે?

વસંત : તમે દોષી છો જ કારણ કે તમે મને જન્મ આપ્યો છે.

રજની : અમે તને ઊંછેરીને મોટો પણ કર્યો છે.

વસંત : મને કેવી જિંદગી જીવવા માટે મોટો કર્યો છે એ કહો.

રજની : વસંત દીકરા, માબાપ સાથે આવી રીતે વાત ન કરાય. અમારાં દિલ દુભાય છે.

સૂરજ : એને ક્યાં ભાન છે? દુનિયાની ઠોકરો ખાશે ત્યારે માબાપની કિંમત સમજાશે.

વસંત : આ દુનિયામાં તમારી કિંમત કશી નથી. લોકો તમને લુખ્ખાં કહે છે લુખ્ખાં.

સૂરજ : મોટેથી ગુસ્સામાં બસ કર. દીકરા તું બસ કર. તારા શબ્દો મારાથી સહન નથી થતા. તું અત્યારે જ આ ઘરમાંથી બહાર નીકળ. તારે જ્યાં જવું હોય ત્યાં જા. ઊંભો છે શું? જા, તારૂં મોઢું અમને ફરી બતાવતો નહીં. છાતી પર હાથ રાખીને હે ભગવાન...

સૂરજ આઘાતનો માર્યો પડી જાય.

રજની : તમને આ શું થઈ ગયું? વસંત, જલ્દી ડોકટરને બોલવ. તારા પપ્પાને કશું થઈ ગયું છે. જલ્દી જા.

(વસંત ડૉક્ટરને બોલવવા જાય. રજની સૂરજની પાસે બેસી જાય. એ સાથે દૃશ્ય પૂરૂં.)

દૃશ્ય - ૫

(ઉદાસ સૂરજ અને રજની સાંજના સમયે સરોવર કિનારે એકાંતમાં બેઠાં હોય એવું દૃશ્ય. બંનેનાં અવાજમાં નિરાશા ભરી હોય.)

રજની : સૂરજ, તમે હૃદયરોગના દર્દી હોવા છતાં અહીં આવવાની હઠ લીધી એ ઠીક નથી કર્યું.

સૂરજ : રજની, તને યાદ છે? લગ્ન પછી આપણે રોજ આ સરોવરના કિનારે આવીને બેસતાં હતાં.

રજની : હા. અહીં બેસીને જ આપણે ભવિષ્યનાં સપનાં જોતાં હતાં.

સૂરજ : નર્યાં સપનાં જોતાં હતાં અને જવાબદારીથી દૂર ભાગતાં હતાં.

રજની : કેવી વાત કરો છો? તમે પણ વસંતની વાત સાચી માનો છો?

સૂરજ : મને આપણા વસંતની વાત સાવ સાચી લાગે છે. આપણે હંમેશા જવાબદારીથી ભાગ્યાં છીએ. દુનિયાની સાથે ચાલવાના બદલે એક તરફ ઊંભાં રહીને દુનિયાનો વાંક કાઢતાં રહ્યાં. ખોખલા આદર્યોને સાચવીને પ્રગતિ માટે મળેલી તકોને ગુમાવતાં રહ્યાં. હું આજે આ સરોવરની સાક્ષીએ, આ કમળની સાક્ષીએ અને આ નારંગી રંગના સૂર્યની સાક્ષીએ કબૂલ કરૂં છું કે, હું નામે સૂરજ મારી જિંદગીમાં સાવ નિષ્ફળ ગયેલો માણસ છું.

રજની : એવું ન બોલો. તમે જો તમારી જાતને નિષ્ફળ માનતા હો તો એ નિષ્ફળતા માટે હું પણ જવાબદાર છું. કારણ કે હું તમારી અર્ધાંગિનીનો છું.

સૂરજ : તારો શો વાંક? તું તો હંમેશા મારો પડછાયો બનીને ઊંભી રહી.

રજની : આજે મને સમજાય છે કે, હું હંમેશા તમારો પડછાયો બનીને ઊંભી રહી એ મારી ભૂલ હતી. મેં સદાય તમારી હામાં હા ન મેળવી હોત તો કદાચ આપણી જિંદગીમાં આવા દિવસો આવ્યા ન હોત. તમારી પાસે, તમારી જાતને દોષી માનવનું કારણ ન હોત.

સૂરજ : આપણી જિંદગી તો આપણી રીતે જીવી નાખીશું. પણ વસંતનું શું થશે?

રજની : મને પણ એની જ ચિંતા થાય છે.

સૂરજ : સંતોષનું બહાનું કાઢીને મેં ઑફિસમાં ક્યારેય ઓવરટાઈમ ન કર્યો.

રજની : અરે! મને કેવી કેવી નોકરી મળતી હતી પણ ન કરી.

સૂરજ : રાજેશભાઈ માકન ખાલી કરવા બદલ મોટી રકમ અપાતા હતા પણ એ રકમ ઠુકરાવી દીધી. કેતનભાઈની વાત માની હોત તો પણ આપણું એકાદ નાનાકડું ઘર બની ગયું હોત.

રજની : વારે વારે મકાન બદલવા પડયા ન હોત. તમારી મોટાભાગની કમાણી તો ભાડાં ભરવામાં જ જતી રહી.

સૂરજ : એ તો ઠીક પણ ઘરનું સારૂં ઘર હોત તો વસંતનો ઉછેર પણ સારી રીતે થયો હોત. આપણી ભૂલનો ભોગ વસંત બન્યો છે. અભાવના કારણે એના વિચારો અવળા રસ્તે ચડયા છે.

રજની : એને દુનિયાની ચમકદમકની ભૂખ લાગી છે. એને સાચાંખોટાંની પરખ પણ નથી.

સૂરજ : રજની, આમ તો ઘણું મોડું થઈ ગયું છે. આપણે આપણું ભવિષ્ય બદલી શકીએ એમ નથી. પરંતુ, આપણા દીકરાનું ભવિષ્ય બદલી શકીએ તો પણ ઘણું.

રજની : મને તો કશી સમજ નથી પડતી. વસંત કશું આડુંઅવળું પગલું ન ભરે તો સારૂં.

સૂરજ : હા. અત્યારે તો એને સાચવી લેવાની જરૂર છે. આપણો અહંકાર ભૂલીને એની માફી માંગીશું. એને પ્રેમથી સમજાવીશું કે જિંદગીમાં સુખી થવા માટે જેમ માત્ર ઊંંચા ઊંંચા વિચારો કામ નથી લાગતા એમ શુખ પાછળની આંધળી દોટ પણ કામ નથી લાગતી.

રજની : એને પુરૂષાર્થનો મહિમા સમજાવવો તો પડશે જ. એ શુભ કાર્યની શરૂઆત આજથી જ અને અત્યારથી જ કરવી પડશે. ચાલો ઘેર. કદાચ એ આજે ઘેર આવે પણ ખરો. .

સૂરજ : આવે તો તો સારૂં. એની માફી માંગીને એક મોટા બોજામાંથી મુકત થઈએ.

(બંને ઊંભાં થઈને મંચ પરથી વિદાય લે.)

દૃશ્ય - ૬

(સૂરજ અને રજની બેઠાં હોય. બારણે ટકોરા પડે.)

સૂરજ : રજની, બારણું ખોલ. વસંત આવ્યો લાગે છે.

રજની : ખોલું છું. કેટલા દિવસે આવ્યો! ભગવાને આપણી સામે જોયું ખરૂં.

(રજની બારણું ખોલવા જાય. બારણું ખોલીને.. અરે! આ તો પોલીસ!)

(પોલીસ ઈન્સ્પેકટર જે.બી. ચૌહાણનો પ્રવેશ.)

ઈન્સપેકટર : મિસ્ટર સૂરજ મહેતાનું ઘર આ જ કે?

રજની : ગભરાઈને હા હા. આ જ છે. સૂરજ મહેતાનું ઘર આ જ છે. પણ...

ઈન્સપેકટર : હું પોલીસ ઈન્સપેકટર જે.બી.ચૌહાણ છું. કાર્ડ બતાવીને આ મારૂં કાર્ડ જોઈ લો.

સૂરજ : કાર્ડ જોતાં જોતાં અમારે આંગણે પોલીસ ઈન્સપેકટર? કોઈ કારણ?

ઈન્સપેકટર : હું તમારા ઘરની જડતી લેવા આવ્યો છું?

સૂરજ : પણ શા કારણે? જડતી લેવા જેવું આ ઘરમાં છે શું? એક નજર નાખશો તો ઘરની જડતી લેવાઈ જશે. પરંતુ જડતીની જરૂર શા માટે? અમે તો સજ્જન માણસો છીએ.

રજની : ઈન્સપેકટર સાહેબ. તમારી કશી ભૂલ થતી લાગે છે.

ઈન્સપેકટર : હું પૂરી ખાતરી કરીને જ આવ્યો છું. વસંત મહેતા તમારો જ દીકરોને?

રજની : હા. મારો જ દીકરો. શું થયું છે એને?

ઈન્સપેકટર : તમારો દીકરો ડરગ્સની દાણચોરી કરતાં પકડાઈ ગયો છે. અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. વિશેષ તપાસ માટે આવ્યો છું. તમારે મારા કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. પણ સહુથી પહેલાં તો મારે તમારા ઘરની જડતી લેવી પડશે. ઘરમાં ડરગ્સનો વધારે જથ્થો હોય એવી શક્યતા છે.

સૂરજ : લઈ લો. સાહેબ. અમારા ઘરની જડતી લઈ લો. તમને પણ ખ્યાલ આવશે કે, અમારી ઘરવખરી કેટલી ઓછી છે.

ઈન્સપેકટર : મિસ્ટર મહેતા, મને રિપોર્ટ મળ્યા જ છે કે, તમે લોકો સજ્જન છો. સીધાં અને સરળ છો. કોઈપણ પ્રકારનું ગુનાહિત કામ કરો નહીં એવાં છો. છતાંય મારે તમારા ઘરની જડતી લેવી પડે છે. કારણ કે તમારા દીકરાએ ગંભીર ગુનો કર્યો છે.

સૂરજ : એમાં તમારો શો વાંક? ઈન્સપેકટર સાહેબ, તમે ખુશીથી તમારી ફરજ બજાવો.

(ઈન્સ્પેકટર ઘરમાં તપાસ કરે...)

રજની : આ બધું શું છે સૂરજ? આપણો દીકરો દાણચોર થયો? ધરતી માગ આપે તો સમાઈ જવાનું મન થાય છે.

સૂરજ : જેનાં માબાપ ખોખલા આદર્યોની વાતો કરતાં રહે અને સંતાનોની સંભાળ ન રાખે એમનું સંતાન અવળા રસ્તે ચડે એમાં શી નવાઈ? જોયુંને? આપણને આપણી ભૂલ સુધારવાની તક પણ ન મળી.

રજની : આજે તો આપણે એની માફી માંગવાનાં હતાં. પ્રેમથી એને સાચીખોટી વાતોની સમજ આપવાનાં હતાં. શું ધાર્યું હતું ને શું થઈ ગયું! એક સુખ જાણે હાથમાં આવતાં આવતાં છીનવાઈ ગયું.

સૂરજ : આજે માત્ર આપણા ઘરની જડતી નથી લેવાઈ રહી પરંતુ આપની જિંદગીની પણ જડતી લેવાઈ રહી છે.

રજની : કેવાં કેવાં સપનાં જોયાં હતાં! કુદરતના ખોળે નાનકડું ઘર! ઘરના આંગણામાં સાત સાત રંગોની રંગોળી!

સૂરજ : ફળિયામાં ગુલમહોરનું વૃક્ષ! એ વૃક્ષની સાક્ષીએ પાંગરતો ને મહેકતો આપણો સંસાર!

રજની : દુનિયાના હિસાબકિતાબથી અલગ હિસાબકિતાબ રાખવાની એ પ્રતિજ્ઞા!

સૂરજ : કોઈની પણ પરવા નહીં કરવાની એ જિદ! એ જિદ જ જંજીર બનીને આજે નડી! રજની, અપનો વસંત અવળા રસ્તે ચડયો એની માટે જવાબદાર આપણે છીએ. આપણે હમેશા આપણો જ વિચાર કર્યો. એની ઈચ્છાઓનો તો ખ્યાલ જ ન રાખ્યો. ઈન્સપેકટરને મોટેથી ઈન્સપેકટર સાહેબ, ધરપકડ મારા દીકરાની નહીં, મારી કરો. ખરો ગુનેગાર હું છું. હું મારા ગુના કબૂલ કરવા માંગુ છું.

રજની : તમે શાંત થાવ. ચૂપ રહો ચૂપ. ઈન્સપેકટર સાહેબ શું માનશે એનો તો વિચાર કરો.

ઈન્સપેકટર : બોલો મિસ્ટર મહેતા, શું કહો છો? કયા ગુના કબૂલ કરવા માંગો છો?

સૂરજ : ઈન્સપેકટર સાહેબ, મેં ઘણા ગુના કર્યા છે. ઊંંચા ઊંંચા વિચારો કરવાનો ગુનો કર્યો છે. જવાબદારીઓથી દૂર ભગવાનો ગુનો કર્યો છે. મારા દીકરાની જરૂરીયાતો નહીં સંતોષવાનો ગુનો કર્યો છે. એને દાણચોર બનવા માટે મજબૂર કરવાનો ગુનો કર્યો છે.

રજની : ઈન્સપેકટર સાહેબ, તમે એમના બોલવા સામે ન જોતા. એમને આઘાત લાગ્યો છે એટલે જે મનમાં આવે એ બોલે છે. પોતે શું બોલે છે એનું એમને ભાન નથી.

સૂરજ : નહીં ઈન્સપેકટર સાહેબ, હું જે બોલું છું એનું મને પૂરેપૂરૂં ભાન છે. આજે હું માત્ર આ ઈન્સપેકટર સમક્ષ જ નહીં, આખી દુનિયા સમક્ષ કબૂલ કરૂં છું કે, મોટેથી મેં ગુનો કર્યો છે. મેં માત્ર કલ્પનાની ધરતી પર ભટકવાનો ગુનો કર્યો છે. મેં વાસ્તવિકતાની ધરતી પર કદમ નહીં મૂકવાનો ગુનો કર્યો છે. રડે સાંભળો દુનિયાના લોકો, મેં વાસ્તવિકતાની ધરતી પર કદમ નહીં મૂકવાનો ગુનો કર્યો છે. વાસ્તવિકતાની ધરતી પર કદમ નહીં મૂકવાનો ગુનો કર્યો છે.

(રડતાં રડતાં બંને હથેળીઓથી પોતાનું મો છુપાવીને ગોઠણિયાભેર પડી જાય. એ દૃશ્ય સાથે નાટક પૂરૂં થાય.)