Kayo Love - Part - 31 books and stories free download online pdf in Gujarati

કયો લવ - 31

કયો લવ ?

ભાગ (૩૧)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩૧

ભાગ (૩૧)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

ભાગ: ૩૦ માં આપણે વાચ્યું કે ઈન્સ્પેકટર મોરેનાં નિર્દેશાનુસાર બે હવલદારો જ્યાં રોઝને કેદ કરીને રાખવામાં હતી, એ દાદરને ત્યાં પહોંચે છે..જયારે બીજી તરફ રોબર્ટ, ઈન્સ્પેકટરના પિસ્તોલની ગોળીથી બચવા માટે પ્રિયાને ચાકુથી બાનમાં ધરે છે....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૦ જરૂર વાંચજો.....)

હવે આગળ.....

પરંતુ ઈન્સ્પેકટર મોરેનો ખડતલ ચહેરો જોતા રોબર્ટ અનુમાન લગાડી ગયો કે, તે ગોળી ક્યારે પણ છોડી શકે છે. એટલે પોતાને હરહાલમાં બચાવા માટે તેણે જોરથી બધાને સંભળાય એવી રીતે કહ્યું, “ કોઈ નહીં આયેગા સામને.” એટલું કહીને એક સેકેંડનો પણ વિલંબ કર્યા વગર દાંત ભીંસતા, ડાબા હાથનું ચાકુ જે પહેલાથી પ્રિયાના ડાબા હાથના બાવડા પર તાકેલું હતું. તે જ ચાકુથી તેણે જોરથી પ્રિયાના બાવડે ચીરો માર્યો......

એક મોબ ડાન્સ દરમિયાન પ્રિયાની મુલાકાત સના અને રોબર્ટ સાથે થઈ હતી. જો કે, ત્યારે પ્રિયાએ એવી ધારણા ધારી પણ ન હતી કે તેણે એવી કોઈ મુસિબતોથી ગુજરવા પડશે અને એ પણ ચાકુ જેવા હથિયારનો વાર પર તેણે આ રોબર્ટ જેવા હટેલા આદમી દ્વારા જ થશે..!!

પ્રિયાનાં બાવડે ચાકુનો વાર જોતા પણ ઈન્સ્પેકટર મોરેના ખડતલ ચહેરાની રેખા જરા પણ ન બદલાઈ. એ એવા જ હાથમાં પિસ્તોલ લઈ નિશાન તાકીને ઊભા હતા. જયારે શિંદે નામનો પોલીસ કોન્સ્ટેબલ પોતાની જગ્યા પરથી સહેજ ખસ્યો.

ઓરડીનો માહોલ તંગ થઈ ગયો હતો.

પ્રિયાના બાવડે રોબર્ટ ઓચિંતો ચાકુનો હુમલો કરશે એવું કોઈએ પણ વિચાર સુદ્ધા કર્યો ન હતો. આ જોતા જ સૌમ્યએ મોટી રાડ પાડી અને પ્રિયા તરફ દોડયો, પરંતુ તેને ત્યાં જ ઊભા રહેવા સિવાય બીજો કોઈ ઉપાય જડ્યો નહિ. સૌમ્યની રાડ સાંભળતા જ આદિત્ય અને રુદ્ર પણ ઓરડીના અંદર ધસી આવ્યા.

સૌમ્યએ જયારે રાડ પાડી ત્યારે જ પ્રિયાને ભાન થયું કે તેની સાથે શું બની ગયું હતું....

રોબર્ટનું ચાકુ પ્રિયાના બાવડે જરૂર વાગીને ચીરો પાડયો હતો, પરંતુ સદ્ભાગ્યે પ્રિયાએ આજે બ્લેક ઈનર પર જીન્સનો, થ્રી ફોર્થ બાયનો ટુકું જેકેટ પહેર્યું હતું. સૌમ્યની રાડ સાંભળતા જ તેના ડાબા બાવડે ધીમા પરંતુ કોઈ તેજ ચચરાટ થયો હોય, તેવા દર્દનો અહેસાસ થવા લાગ્યો. પરંતુ તેના બંને હાથો સફેદ જાડા દોરડા વડે બાંધી રાખ્યા હતા. ચાકુના ધારથી જીન્સનું જેકેટ ચિરાયું હતું અને તેમાંથી લોહી વહીને પસરી રહ્યું હતું.

રોબર્ટ પાસે હવે બે જ માર્ગ રહ્યા હતા. એક તો સરેન્ડર, ક્યાં તો પછી ભાગી છુટવું. અને રોબર્ટે બીજો માર્ગ પસંદ કર્યો.

પરંતુ રોબર્ટ ચાલક હતો. તેણે પહેલા ઈન્સ્પેકટરને સંબોધતા કહ્યું, “ઈન્સ્પેકટર પિસ્તોલ નીચે....અરે પિસ્તોલ નીચે....નીચે રખો પિસ્તોલ..”

ઈન્સ્પેક્ટર મોરેને શું સુજ્યું હશે..!! પરંતુ તેમણે રોબર્ટનું સાંભળીને પિસ્તોલ નીચે ફરસ પર પાડી દીધી.

“સના, મેરે પીછે આ જા...” પ્રિયાને આગળ ધક્કો મારતો, રોબર્ટ ઘણી શાંતિથી પગલા ભરતો કહી રહ્યો હતો. અને હંમેશા કોઈ સંકેત આપતો હોય તેમ ઈશારાથી આંખો દ્વારા સનાને કહેતો. અને સના એ ઈશારો સમજી જતી.

રોબર્ટ થોડો ફર્યો, અને ઉલ્ટા પગે પગલા ભરવા લાગ્યો, જેથી બહાર નિકળીને પણ તે ઓરડીના અંદર ઊભેલા લોકોની હિલચાલ પર નજર રાખી શકે અને પ્રિયાને પણ એવી રીતે જ ચાલવાની ફરજ પાડતો રહ્યો.

સનાએ સલુકાઈથી બંને હાથે ચાકુ પકડી રાખ્યા હતા. તે પોતે પણ ચાકુની નિશાનેબાજ હતી. એ જાણે નિશાન લઈને જ ઊભી હોય તેમ ચાકુ દેખાડતી જાણે રોબર્ટ અને પ્રિયાનું પ્રોટેકશન કરી રહી હોય તેવી રીતે પગલા ગણતી ચાલી રહી હતી. રોબર્ટ અને પ્રિયા ઓરડીના દરવાજા સુધી પહોંચી ગયા હતા, પરંતુ સનાનો ચહેરો હજુ પણ ઈન્સ્પેકટર મોરેના સામે હતો. તેણે લાગ જોઈને જોરથી નીચે પડેલી પિસ્તોલને લાત મારી, એ લાત એટલી જોરથી હતી કે પિસ્તોલ ઓરડીના બારણાની બહાર જઈ બંગલાના બહારની તરફ દીવાલને ત્યાં ધૂળમાં જઈ પડી.

રોબર્ટને પિસ્તોલ લેવાનું મન થઈ આવ્યું પરંતુ તે ખૂબ જ દુરના અંતરે જઈને પડી હતી. તેણે હમણાં એવી કોઈ પળોજણમાં પડવું ન હતું, જેથી કોઈ મુસિબતમાં પડી જવાય.

ઓરડીના બારણાનું બારસાખ વટાવી રોબર્ટ પ્રિયાને લઈને સહેજ બહાર ઊભો થઈ ગયો. પરંતુ તેની નજર હજુ પણ ઓરડીના અંદર રહેલા વ્યક્તિઓ પર હતી.

ઓરડીના અંદરનું માહોલ એવી રીતના હતું જાણે મેદાનમાં કબડ્ડીનો કોઈ ખેલ ખેલાતો હોય. સનાનો જાણે દાવ હોય તેવી રીતે તે ઊભી હતી, અને જાણે સનાને પકડવા માટે, પહેલા ઈન્સ્પેકટર મોરે, એણી બાજુમાં સૌમ્ય, એના થોડે દૂર કોન્સ્ટેબલ શિંદે, અને એમણી બાજુમાં આદિત્ય અને રુદ્ર ઊભો હતો. અને એક ખૂણામાં કોમ્પ્યુટર ઓપરેટર હજુ પણ હાથ થોડા ઊંચા જ રાખીને ગભરાયેલા ચહેરે ઊભો હતો. એટલે કે સના વચ્ચે અને ઈન્સ્પેકટર મોરે અને ટીમ યુ આકારમાં ગોઠવાઈ ગયા હોય તેવી રીતે ઊભા હતા.

પાછળથી રોબર્ટ થોડું દબાઈને કહી રહ્યો હતો, “ સના..ચલ અબ જલ્દી કર”

સનાની નજર ભલે ઈન્સ્પેકટર અને એણી ટીમ પર હતી પરંતુ એના કાન સરવા કરી એ બધું જ સાંભળી રહી હતી.

સના હવે ઊંધા પગલેથી ઝડપથી ચાલવા લાગી. અને બારણાના બારસાખ સુધી પહોંચી ગઈ.

રોબર્ટ એટલું કહેતાની સાથે જ કંઈક યાદ આવ્યું હોય તેમ તેણે બંને ચાકુ ડાબા હાથમાં લઈ લીધા, અને પોતાના જમણા હાથનાં મદદથી જેમતેમ કરીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. અને કોલ લગાડી દબાયેલા સ્વરે કહેવા લાગ્યો, “રઘુ તાલા ખોલકે આદમીકો નીચે ભેજો...જલ્દી પીછે ભેજો...” ફોન કટ કરીને તે ખિસ્સામાં જ મોબાઈલ રાખવા જતો હતો...

અને સના પણ ત્યારે જ લાગ જોઈ ઝડપથી બહારથી દરવાજો બંધ કરવા લાગી. અને તે જ સમયે એક સાથે અલગ અલગ સ્થળે ચાર જેટલી ઘટના સર્જાઈ.

એક તો એ કે જયારે રોબર્ટ, રઘુ સાથે ફોન પર વાત કરીને મોબાઈલ પેન્ટના ગજવામાં રાખવા જતો હતો ત્યારે જ, તે જ સેકેન્ડે ઓરડીના પાછળના ભાગે ઊભેલા બારીમાંથી જોઈ રહેલા બંને કોન્સ્ટેબલ, એક ઓરડીના જમણે તરફના દિવાલેથી ફરીને દોડતો આવ્યો અને બીજો ઓરડીના ડાબા તરફની દિવાલને ત્યાંથી ફરીને દોડતો આવ્યો અને બંનેએ એટલા જોરથી પોતાના હાથમાં રહેલા ડંડાનો વાર કર્યો કે રોબર્ટ ત્યાં જ ઢળી ગયો.

જમણે બાજુએથી આવેલા કોન્સ્ટેબલે, રોબર્ટના જમણે હાથે જોરથી ડંડો માર્યો હતો, અને એના હાથમાંથી મોબાઈલ નીચે પડ્યો હતો. તે જ સમયે પ્રિયા ચિલ્લાવી હતી અને ત્યાંથી ખસવા જતા તે નીચે ધૂળમાં પટકાઈ હતી. જયારે ડાબા તરફથી આવનાર કોન્સ્ટેબલે રોબર્ટને બંને પગનાં ઢીંચણના પાછળના ભાગે જોરથી ડંડો લગાવ્યો હતો અને તે પોતાનું બેલેન્સ ગુમાવી નીચે ધૂળમાં આડો પડ્યો હતો.....

અને બીજી ઘટના એ કે સના શું થયું એ પાછળ જોવા ગઈ ત્યારે જ ઈન્સ્પેકટર મોરેએ અંદરથી જોરથી દરવાજો ખોલ્યો. સના છટકી જવા માટે, એ બધું જ કામ પડતું રાખી ત્યાંથી ભાગવા લાગી.....

અને ત્રીજી ઘટના એ થઈ કે એ જ સમયે રાહ જોતી બહાર ઊભેલી સોનીને ફાળ પડવા લાગી. તેના દિમાગમાં અનેકો વિચાર ચાલવા લાગ્યા. તેણે હવે મનોમન નક્કી કરી લીધું કે, એ પોતે ક્યારની બહાર જ ઊભી છે, એક વાર સાવચેતીથી ગેઈટનાં અંદર જઈ જોવામાં શું વાંધો છે ?? અને એવો જ વિચાર કરી તે ગેઈટની અંદર આવવા માટે સીધી જ દોડતી આવી રહી હતી....

ત્યારે જ ચોથી ઘટના એ જ સમયે થઈ હતી, તે એ કે, તિવારી અને મુકેશ નામના જે બે કોન્સ્ટેબલો પહેલાથી જ રોઝને રાખવામાં આવેલા કમરાના નીચે આવેલી દાદરાને ત્યાં પહોંચ્યા જ હતા. તેઓ હવે ઈન્સ્પેકટર મોરેના નિર્દેશાનુસાર ઉપર જઈ દરવાજો તોડવા જ જવાના હતા. તેઓ બંને ધીરેથી લાકડાના પગથિયા ચડી રહ્યા હતા, ત્યારે જ સામેના પેસેજમાંથી કોઈના પગલાનો અવાજ બંનેનાં કાને સંભળાવા લાગ્યો. એ અવાજ સાંભળતા જ બંને કોન્સ્ટેબલ સાવધ થઈ ગયા અને થોડા નીચું થઈને ડોકિયું કરવા લાગ્યા. ત્યાં જ ઉપર પહેલો ચઢનાર તિવારી નામના કોન્સ્ટેબલે જોયું કે તે વ્યક્તિ ત્યાં અટકીને વાંકા વળીને સામેના દરવાજાનું તાળું ખોલી રહ્યો હતો. અને તે જ સમયે હવલદાર તિવારી ધીમા પગલે પરંતુ ઝડપથી એ તાળું ખોલનાર વ્યકિતને ત્યાં જઈ, ગળામાં પાછળથી એવો દબોચી લીધો અને મોં પર જોરથી હાથ રાખી દબાવ્યું અને ધીરેથી દબાયેલા અવાજે કહેવા લાગ્યો, “ તાલા ખોલ જલ્દી સે..”

એ તાળું ખોલનાર વ્યક્તિ કોઈ પહેલવાન ન હતો, કે ના કોઈ તે લડવા માટેના દાવપેચ જાણતો હતો. તે તો કોઈ સાવ મરમાંદો જેવો, શરાબ ઢીંચીને જેમ તેમ લથડીયા ખાતો રઘુ નામનો, રોબર્ટનો આદમી હતો. તેણે ચુપચાપ તાળું ખોલવાનું કામ કર્યું. ત્યાં જ મુકેશ નામનો કોન્સ્ટેબલ પણ પહોંચી ગયો જેના બંને હાથમાં ડંડા હતાં. રઘુએ તાળું ખોલ્યું, પરંતુ જયારે દરવાજાને વાસેલી કડી ખોલવા લાગ્યો, ત્યારે હવલદાર મુકેશે તેણે અટકાવ્યો અને ધીમેથી પૂછ્યું કે કેટલા આદમી છે અંદર..? ત્યારે રઘુએ હાથની આંગળીઓ દ્વારા બે નો ઈશારો દેખાડ્યો. રઘુના હાથમાં ચાવીનો ગુચ્છો હતો, તે હવલદાર મુકેશે ઝડપી લીધો અને પોતાના પાટલૂનનાં ખિસ્સામાં મૂકી દીધો.

અને તે સાથે જ હવલદાર મુકેશ તેણે જોરથી થપ્પડ મારવા માટે હાથ ઉપાડ્યો જ હતો ત્યાં તો, રઘુ નામનો આદમી બંને હાથ જોડી લીધા. હવલદાર તિવારીની નજર આમેતેમ ફરતી હતી, તેણે જોયું કે લગોલગ લાગેલો બીજા રૂમનો દરવાજો અર્ધખુલ્લો હતો. તેણે રઘુને જેવો પકડ્યો હતો મોં પર હાથ રાખીને તેવો જ સીધો જ ઘસડીને રૂમમાં નાંખીને દરવાજાને કડી લગાવી દીધી....

સના ત્યાંથી ભાગી હતી. તે જ સમયે ઈન્સ્પેકટર મોરે પોતાની પિસ્તોલ જે ધૂળમાં પડી હતી તેણે ઊઠાવી લીધી. અને હવલદાર શિંદેને નિર્દેશ આપતા કહ્યું, “ સીમા મેડમ...ગાડી...ઔર ઈસકો સંભાલો..” એ વાક્ય હવલદાર શિંદે સમજી ગયો હતો. એટલું કહી ઈન્સ્પેકટર મોરે ત્યાંથી ભાગતાં, જર્જરિત બંગલે દાદરાને ત્યાં પહોંચી ગયા.....અને બીજા બે હવલદારો સના ના પાછળ ભાગ્યા હતા.

ત્યાં જ રોબર્ટની બાજુમાં પ્રિયા પણ નીચે પડી હતી, હાથ બાંધેલા હોવાથી અને ડાબા હાથના બાવડાનો ખૂનથી લથપથ થયેલો દર્દ હવે અસહ્ય થવા લાગ્યો હતો. તેણી બાજુમાં આદિત્ય, સૌમ્ય અને રુદ્ર પણ એકસાથે નીચે બેસી ગયા હતા. આદિત્ય, પ્રિયાના હાથમાં બાંધેલું દોરડાની ગાંઠ છોડવા મંથી રહ્યો હતો. અને તે તેમાં સફળ થયો. પ્રિયાને એમ જ લાગી રહ્યું હતું કે તેની આંખોમાં અંધારા આવી રહ્યા હોય, અને બધું જ હવે ઝાંખું ઝાંખું દેખાતું હોય તેમ તેની આંખો બંધ થવા લાગી.....

બંને હવલદાર તિવારી અને મુકેશ બારણાની કડી જ ખોલી રહ્યાં હતાં, ત્યાં જ ઈન્સ્પેક્ટર મોરે પગથિયા ચડીને પેસેજ સુધી પહોંચી ગયા. ઈન્સ્પેકટરને જોતા જ તિવારીએ રઘુ નામના આદમીની બાતમી આપી. ઈન્સ્પેકટર મોરેએ રઘુ નામના આદમીને રૂમની બહાર કાઢવા માટેનું સૂચન આપ્યું. રઘુની થોડી પુછપરછ ત્યાં જ થઈ. ત્યાર બાદ, રઘુએ એવું જ કર્યું જે રોબર્ટે પહેલાથી ફોન પર કહ્યું હતું, અને ઈન્સ્પેકટર મોરેએ પણ તેવું જ કરવા કહ્યું. અને સાથે ધમકાવ્યો કે મોટેથી અવાજ કરીને કહેજે.

રઘુએ દરવાજાની કડી ખોલી, તે દરમિયાન ઈન્સ્પેકટર મોરે અને બંને હવલદાર બારણાની બારસાખની આજુબાજુ ચિપકાઈને ઊભા રહ્યા.

બે ભડકિયા વાળું બારણુંને રઘુએ ધડામ લઈને ખોલ્યું. આ જોઈને અંદરના બંને નકાબધારી માણસો સાવધ થઈ ગયા. ત્યાં જ ઓરડાના અંદર સુધી પણ રઘુ ગયો ન હતો, તે થોડાક પગલા માંડ માંડ ચાલ્યો હશે. તેણે પોતાનાથી કંઈ બોલાતું ન હતું. તે પોતે ડરેલો હતો. રઘુને જોઈને બે નકાબધારીમાંથી એકે ઈશારાથી હાથ હલાવીને પૂછ્યું, “ક્યાં હુવા ?”

એટલું સાંભળતા જ પરસેવાથી રેબઝેબ રઘુએ માંડ જીભ ઉપાડતા જોરથી જાણે બરાડા પાડતો હોય તેવી રીતે કહેવા માંડયું, “ રોબર્ટ ભાઈને તુરંત નીચે તુમદોનો કો બુલાયા હૈ, બંગલે કે પીછે...”

બંને કાળા રંગના નકાબધારી આદમીઓ અસમજથી એકમેકને જોવા લાગ્યા.

એમાંથી એકે ઈશારાથી પૂછ્યું કે, “યહા પર કોન સંભાલેગા..?”

ત્યારે રઘુએ ફરી ઉત્તર વાળ્યો, “ રોબર્ટ ભાઈને મેરે કો બોલા હે કી, બહાર સે તાલા લગા દેના...”

એમાંથી એકજણે રોબર્ટને કોલ કરવા માટે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો.

ત્યાં જ રઘુ ફરી કહી ઉઠયો, “ અરે ભાઈ ફોન કર લેના યહા સે જાતે જાતે...અભી જલ્દી બુલાયા હે..”

આ સાંભળીને પણ પેલા નકાબવાળા આદમીએ રોબર્ટને કોલ કર્યો, પરંતુ સામે રીંગ જઈ રહી હતી. તે આદમીને થોડી શંકા થવા લાગી.

રઘુએ ફરી કહેવા માંડયું, “ અરે તુમ દોનો કો અભી કે અભી બુલાયા હે...તાલા મારને મુજે બોલા હે..”

બંનેએ વિચાર્યું કે બહાર લોબી સુધી જઈને એક વાર લટાર મારીને આવવામાં કશો વાંધો નથી, નીચે શું બની રહ્યું છે એ પણ બાલ્કનીથી જોઈને જાણવા મળશે..!! એટલું વિચારીને બંને વ્યક્તિઓએ એકમેકને ઈશારો કર્યો અને બંને બારણાની બહાર નીકળવા લાગ્યા.

પહેલા ચોરપગલે કાળા માસ્કથી સજ્જ, એક પહેલવાન લાગતો આદમી હાથમાં ચાકુ લઈને બહાર નીકળી રહ્યો હતો. તેની પાછળ એવો જ બીજો આદમી પણ એવી રીતે જ ચાકુ લઈને નીકળ્યો.

પહેલો આદમી સહેજ બારણું વટાવીને બે જ પગલા આગળ વધ્યો હતો, ત્યાં તો ઓચિંતો જ તેના ખભા પર કોઈએ ભારે ફટકો મારીને હુમલો કર્યો. તે થોડો નમ્યો, પણ નીચે પડ્યો નહીં. તે પહેલવાન જેવો માણસ હતો, જો ત્યાં રઘુ જેવો પાતળો આદમી હોત, તો તે ત્યાં જ ફટકાનો માર ખાઈને ઢળી પડ્યો હોત.

ફટકો દરવાજાની ડાબી બાજુએ ઊભેલા હવલદાર તિવારીએ ડંડાથી તે પહેલવાન લાગતા આદમીના ખબા પર જોરથી માર્યો હતો.

તે જ હુમલો જોઈને બીજો પાછળ આવતો આદમી સજાગ થઈને સામેથી વાર કરવા લાગ્યો, પરંતુ ઈન્સ્પેકટર મોરેએ, “હેન્ડ્સ અપ..” કહીને સામે પિસ્તોલ તાકી.

બંને થોડી મિનિટો માટે સ્થિર થઈને હાથમાં જ ચાકુ લઈને ઊભા રહ્યા. તેમની પાસે બચવા માટેના બે જ રસ્તા દેખાતા હતા. તાબે થવું, ક્યાં તો સામે લડીને ઝપાઝપી કરી ભાગી જવું. જે બીજા નંબરનો આદમી હતો, જે બારણાની વચ્ચે જ ઊભો હતો, તેણે તાબે થવા માટેનો ઈરાદો બનાવી લીધો હતો. કારણકે મોરેએ તેણે ઘણા નજદીકથી નિશાના પર લીધો હતો. જયારે જે પહેલો આદમી હતો, એ માર ખાઈને પણ દિમાગમાં ભાગવા માટેના વિચારો દોડાવી રહ્યો હતો, ફક્ત તે એક મોકાની જ રાહ જોઈ રહ્યો હતો. કારણકે તેણે ભાગવા માટેનો સાફ રસ્તો દેખાઈ રહ્યો હતો. તેને નીચે જવાના પગથિયાનો રસ્તો ચોખ્ખો દેખાઈ રહ્યો હતો.

ઈન્સ્પેકટર મોરેએ હથિયાર નીચે ફેંકવા માટેનો કડકાઈથી આદેશ આપ્યો. બંને પહેલવાન લાગતા આદમીઓએ ચાકુ નીચે પાડ્યા હતા.

હવલદાર મુકેશને રૂમના અંદર જઈને તપાસ કરવા માટેનું સૂચન ઈન્સ્પેકટર મોરેએ આંખના ઈશારાથી કર્યું.

હવલદાર મુકેશ અંદર સાવચેતીથી ગયો, એણે અંદર જઈને ચારે તરફ તપાસ આદરી, તે સાથે જ બુમો પાડી હતી, “સર દો લડકિયા હે યહાં પર..”

આ સાંભળી ઈન્સ્પેકટર મોરેને થોડો વિચાર આવ્યો, “દો લડકિયા..!!” પરંતુ વિચાર કરવાનો ઝાઝો સમય ન હતો. અને ત્યાં જ રૂમમાં પડેલો દોરડો લઈને હવલદાર મુકેશ બહાર આવ્યો. એણે દરવાજાની વચ્ચે ઊભેલા આદમીના હાથે દોરડું બાંધ્યું. દોરડું ખાસ્સું લાંબુ હતું. તેથી પહેલા નંબરના પહેલવાન લાગતા આદમીને પણ એ જ દોરડા વડે બાંધવાનો વિચાર કર્યો. હવલદાર તિવારી જે પહેલા નંબરના આદમીના પાછળ ઊભો હતો, તે પણ પોતાની જગ્યા પરથી ખસીને, હવલદાર મુકેશને હેલ્પ કરવા માટે આગળ ગયો.

સામે પક્ષે બંને હાથ જોડીને બાંધવા માટે તે પહેલવાન લાગતા પહેલા નંબરના આદમીએ હાથ લંબાવ્યા જ હશે એમ માણીને હવલદાર મુકેશ હાથ તો બાંધવા ગયો, પરંતુ તે પહેલવાન લાગતા આદમીએ બંને હાથે મુઠ્ઠી વાળીને હવલદાર મુકેશના નાક પર વાર કર્યો, અને તે સાથે જ તેણે જોરથી ધક્કો માર્યો. ધક્કો એટલા બળથી માર્યો હતો કે તે ઈન્સ્પેકટર મોરે પર જઈને પડ્યો. અને બંને રીતસરના બેલેન્સ ગુમાવી નીચે પડયા. તે જ સેકેન્ડે સામેથી હવલદાર તિવારી કોઈ વાર કરે એના પહેલા જ તે પહેલવાને, હવલદાર તિવારીને પણ જોરથી ધક્કો માર્યો. અને તેની સાથે જ તેણે જેમ પાણીથી ભરેલા મોટા મોટા ખાડાને કૂદકા મારીને ઓળંગવાનું કામ કરવાનું હોય તેવી રીતે જ ફક્ત તેણે એક જ લાંબો કૂદકો માર્યો હતો અને નીચે ઉતરવાના દાદરના પગથિયા સુધી પહોંચી ગયો, કારણ તે ઊંચો આદમી હતો.

તે ફટાફટ ઊંધો થઈ ગયો, એટલે સુઈ જ ગયો હોય એમ બંને હાથોના બેલેન્સ વડે તે પગથિયાથી ઉતરવાને બદલે તે સીધો જ ઢસડાઈને નીચે પટકાયો, તે ઘણો છોલાયો પણ હતો. પરંતુ તેણે બેસી રહેવાનું કામ ન કર્યું, જેવો તે બંને પગો પર પટકાયો હતો, તે સાથે જ તે સફાળો ઊભો થઈને બહારના મેઈન ગેટ સામે ભાગવા માંડ્યો.

તે સાથે જ ઈન્સ્પેકટર મોરે પણ ઊભો થયો હતો. પોતાની પિસ્તોલ લઈને દાદરાના પગથિયા ઊતરવા લાગ્યો.

તે પહેલવાન મેઈન ગેટથી ભાગવા માટે દોડી રહ્યો હતો....અને તે જ સમયે સામેથી સોની પણ દોડતી અંદર આવી રહી હતી....

(ક્રમશ.....)