Sundar dekhava mate saral upaay books and stories free download online pdf in Gujarati

સુંદર દેખાવા માટે સરળ ઉપાય

સુંદર દેખાવા માટે સરળ ઉપાય

- મિતલ ઠક્કર

* શક્ય હોય ત્યાં સુધી ઓછી ઊંચાઈ ધરાવતી યુવતીઓએ પેન્સિલ હિલ ધરાવતા જ સેન્ડલ પહેરવા. બોક્સ કે પ્લેટફોર્મ હિલવાળા સેન્ડલ કે ચપ્પલ જરા પણ ન પહેરવા.

* જો તમારા વાળ અસ્તવ્યસ્ત રહેતા હોય અને જો તે જાડા પણ હોય તો હેર-સલૂનમાં જઈને હેર-કટ કરાવો. સ્ટાઈલિસ્ટને તમારા વાળ એવી રીતે કાપવાનું કહો કે જેથી વાળનો ભાર ઘટે અને તેમને ઓળવા સરળ બને. બ્લો-ડ્રાઈંગ અને સ્ટ્રેટનિંગ કરવામાં પણ સરળતા રહેશે.

* લોકોને એવું લાગે છે કે વાળને બહુ વાર ધોવાથી માથાના બધાં વાળ ખરવાની સંભાવના અર્થાત્ ગંજાપણું આવવાની શક્યતા વિશેષ રહે છે. ગંજાપણાની સમસ્યા મોટેભાગે આનુવાંશિક હોય છે, એ ઉપરાંત વાળ ખરે છે તો તેની જગ્યાએ નવા વાળ ઊગે છે. તો જો તમે વાળમાં રોજ શેમ્પૂ કરતાં હોવ તો તેની અમુક હદ સુધી નકારાત્મક અસર પડી શકે છે, પરંતુ તે ગંજાપણાનું કારણ નથી બની શકતું.

* બધાં જ પ્રકારની ત્વચામાં ભીનાશ અને મુલાયમતા લાવવા માટે મધ અને એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. વીસેક મિનિટ રાખ્યા પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. બધા જ પ્રકારની ત્વચા પર દરરોજ કોટનવૂલ પેડથી ઠંડા ગુલાબજળથી ટોન કરો. જેથી ત્વચાની આભા નિખરી ઊઠશે.

* સાબુથી ત્વચા શુષ્ક થઈ જતી હોવાથી ભૂલેચૂકેય ચહેરા પર સાબુ ન લગાવો. ચહેરો ધોવા ફેસ વૉશ, દૂધ, દહીં અથવા બેસનનો વપરાશ કરો.

* મૃત ત્વચા દૂર કરવા ફૂટ સ્ક્રેપર અથવા પ્યૂમિક સ્ટોનનો ઉપયોગ કરો. બહારથી આવીને તરત પગને એકદમ સાફ કરી લો. ત્યારબાદ ગ્લિસરીન અને વેસેલીન સમાન માત્રામાં મિક્સ કરીને એડી પર લગાવો.

* કેશમાં વિનેગર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. તેનાથી વાળ ચમકી ઉઠશે.

* રિન્કલ્સ એટલે કે ત્વચા પર પડતી કરચલીઓ. કરચલી ત્યારે પડે જ્યારે ત્વચા ઢીલી થઈ ગઈ હોય. ત્વચાને ટાઇટ બનાવવા માટે મુલતાની માટીમાં એક ઈંડું અને એક ચમચી દહીં નાખવું. જો તમે ઈંડું ન નાખવા માગતા હો તો તમે ઈંડાને બદલે મિલ્ક પાઉડર નાખી શકો છો. એને બરાબર મિક્સ કરી ચહેરા પર ૪૦ મિનિટ રહેવા દેવું. ૪૦ મિનિટ પછી થોડા નવશેકા પાણીથી ધોવું અને છેલ્લે ઠંડું પાણી છાંટવું.

* તાજગીભર્યા દેખાવ માટે હોઠ પર ક્લીયર-લિપ-ગ્લોસ લગાવો. આંખોની નીચેની ધાર પર કોપર-લાઈનરથી રેખા કરો. જેથી તમારે આઈ-શેડો વગર ચાલશે. આંખોની અંદરના ભાગમાં કાજલ લગાવો. આખી પ્રક્રિયા દોઢ મિનિટમાં પૂરી થશે.

* સનસ્ક્રીન વધારેમાં વધારે ચાર કલાક ત્વચા પર રહી શકે છે. આપણું શરીર સતત ફ્લુઇડ એટલે કે પરસેવો કે પાણી જેવા પદાર્થનો સ્રાવ પેદા કરે છે. તેથી ચાર કલાક બાદ ફરીથી સનસ્ક્રીન લગાવવું. જ્યારે સ્વિમિંગ કરવા જાઓ ત્યારે તો દર કલાકે સનસ્ક્રીન વડે પ્રોટેક્શન લેવું.

* માથામાં ખંજવાળ આવતી હોય એના માટે વરિયાળી અને ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો. એક કપ ગરમ પાણી મૂકો. પાણીને ઉકાળીને એમાં એક ચમચી ક્રશ કરેલી વરિયાળી નાખો. ત્યાર બાદ ૩૦ મિનિટ સુધી ઠંડું થવા દો. ત્યાર બાદ એમાં વેજિટેબલ ગ્લિસરીન અને ઍપલ સાઇડર વિનેગર નાખો. ત્યાર બાદ આ મિશ્રણને ગાળી લો. એનાથી સ્કૅલ્પ અને વાળ ધોવાથી ઇચ્છનીય પરિણામ મળશે.

* કોપરેલ તેલમાં ચાર-પાંચ ટીપાં લીંબુનો રસ નાખો અથવા આમળાનું તેલ કોપરેલ તેલમાં નાખી વાળમાં ૩૦ મિનિટ સુધી મસાજ કરો. એનાથી માથામાં ઠંડક થાય છે અને માથાની દુર્ગંધ પણ દૂર થાય છે.

* નેઇલ-એક્સટેન્શન પછી એટલે કે નકલી નખ લગાવ્યા બાદ જ્યારે નખ મૂળ સ્વરૂપમાં આવી જાય ત્યારે નખની સ્થિતિ બહુ જ નાજુક થઈ ગઈ હોય છે. તેથી નખને રિપેર કરવા માટે એના પર દરરોજ ઘીથી મસાજ કરવાથી નખ પુન:જીવિત થાય છે.

* કેરીના પલ્પ સાથે મગ અથવા મગની દાળને પલાળીને એની પેસ્ટ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. ચહેરા પરની મૃત ત્વચાને કાઢવા માટે એ બહુ જ ફાયદાકારક છે.

* પરફ્યુમનો ઉપયોગ કરતાં પહેલાં બૉટલને બરાબર હલાવો. ડીઓડરન્ટને સ્કિનથી ચારથી પાંચ મીટર દૂર રાખીને છાંટો અને છાંટ્યા પછી એ સુકાય પછી કપડાં પહેરો. બીજી એક મહત્વની બાબત એ કે પરફ્યુમને છાંટ્યા પછી એને ક્યારેય રબ ન કરો. એને એની મેળે જ સુકાવા દો. સ્નાન કર્યા પછી તરત જો ડીઓડરન્ટનો ઉપયોગ થાય તો તમારા શરીરમાં રહેલા ભેજમાં સુગંધ એ સ્કિનમાં લાંબો સમય સુધી રહે છે.

* સ્કિનને અઠવાડિયામાં એક વાર ડીપ ક્લેન્ઝરની જરૂર હોય છે. એ માટે ઓટ્સમાં લીંબુનો રસ નાખીને એમાં જરાક પાણી મિક્સ કરીને ફેસ પર સ્ક્રબની જેમ ઘસો. એ પછી ૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી મોઢું ધોઈ લો. આમ અઠવાડિયામાં એક-બે વાર કરવું.

* અવાકાડોના પલ્પમાં દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. એ પછી વીસ મિનિટ પછી મોઢું ધોઈ નાખો. આ તમને ઍન્ટિ-એજિંગમાં મદદ કરશે. આને અઠવાડિયામાં એક વાર લગાવવું.

* તાપમાંથી ઘરે આવીએ ત્યારે અથવા સખત ઉનાળાને કારણે ચહેરાની ત્વચા પર બળતરા થતી હોય છે. એ બળતરાને નાથવા માટે વરિયાળીને પાણીમાં પલાળીને વાટીને એ પેસ્ટ ત્વચા પર લગાવવી અથવા વરિયાળીને કુકરમાં બાફીને એના પાણીને ઠંડું થવા દેવું અને એ પાણીથી ચહેરાને ધોવો. એકદમ રિફ્રેશિંગ અસર માટે આમ કરી શકાય.

* ગુલાબજળનો ટોનર તરીકે ઉપયોગ કરી શકાય. ગમે ત્યારે એને ચહેરા પર ડાયરેક્ટ સ્પ્રે કરીએ તો ત્વચાને ફાયદો થાય. ગુલાબજળમાં અડધું લીંબુ નિચોવીને પીવાથી પણ ફાયદો થાય છે.

* ઘરમાં જે હળદરનો પાઉડર છે એ સ્કિન પર લગાવવો નહીં, કેમ કે એમાં કંઈ પણ મિક્સ કરેલું હોઈ શકે.

* જેના હોઠ પાતળા હોય તેને નૅચરલ જે લિપ-લાઇનર છે એની જરાક બહારની તરફ લગાડવું જેનાથી લિપ જાડા લાગશે. જેના લિપ મોટા હોય તેને નૅચરલ લિપ-લાઇનર પર લગાડવું અથવા જરાક લિપ-લાઇનરની અંદરથી લગાડવું. આનાથી હોઠનો સારો ઉઠાવ આવશે.

* દૂધમાં હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વધારે માત્રામાં તમારા હોઠ પર લગાવો. આનાથી તમારા હોઠ ઉપરના વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે હળદરને પાણી સાથે પણ વાપરી શકો છો.

* રોજ-રોજ આઇલાઇનર લગાવવાથી પાંપણમાં ડૅન્ડ્રફ થાય છે અને પછી ખંજવાળ આવે છે. આથી આપણે ત્યાં ખંજવાળીએ છીએ. બીજું, તમારી આંખમાં ઇન્ફેક્શન થાય છે. એમાં લાલાશ આવે છે. વાળ પણ ખરી જાય છે. સારી કંપનીનું આઇલાઇનર વાપરવું. એ સિવાય આઇશૅડો ક્રીમ-બેઝ્ડ જ વાપરવી જેથી તમારી પાંપણની સ્કિન ખરાબ ન થાય

* શિયાળામાં અલોવેરા જેલ મૉઇશ્ચરાઇઝરનું પણ કામ કરે છે. અલોવેરા જેલથી સ્કિન ઑઈલી નથી રહેતી, ઊલટાની વધુ સોફ્ટ થાય છે, જેના લીધે સ્કિનનું વૉટર ખતમ નથી થતું અને રિન્કલ્સ નથી થતાં.

* અલોવેરાની જેલમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને એની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ફેસ પર અને આંખોની આસપાસની સ્કિન પર લગાવો. એનાથી તમારી સ્કિન પરની મૃત ત્વચા નીકળી જશે.

* બદામ, કાકડી અને ઓટ્સને એકસાથે ગ્રાઇન્ડ કરી તમે એને સ્ક્રબની જેમ વાપરી શકો છો. આને ૧૦ મિનિટ રાખીને ધોઈ લેવું. આ ત્રણથી કંઈ પણ સાઇડ-ઇફેક્ટ નથી થતી. એનાથી પૂરી બૉડીની સ્કિન સૉફ્ટ થાય છે.

* સૂર્યના તાપને લીધે કાળી પડી ગયેલી ત્વચાને ફરી પહેલાં જેવી બનાવવા માટે વૉટરમેલનનું જૂસ કાઢી, ગાળી એને રૂના પૂમડા અથવા કૉટનના કપડામાં લઈ કાળી પડી ગયેલી સ્કિન પર લગાવો. ૧૫ મિનિટ રહેવા દઈને ધોઈ નાખો. સનબર્નમાં રાહત મળશે અને ત્વચા પણ લાઇટ થશે. આ પૅકમાં વૉટરમેલન સાથે કાકડીનો રસ પણ ઉમેરી શકાય.

* એક ચમચી અળસીને થોડીવાર પાણીમાં ભીંજવી રાખીને પેસ્ટ બનાવવી. ચહેરા પર લગાડી સુકાઈ જાય બાદ ઠંડા પાણીથી દૂર કરવું. આ પેકના ઉપયોગથી ત્વચા મુલાયમ તેમજ ચળકતી થાય છે.