Apurna Viram - 38 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 38

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૮

----------------------------------------------------------------

રાતના સાડા અગિયાર.

સત્તરમી સદીમાં પોર્ટુગીઝોએ બાંધેલો મઢનો ભવ્ય કિલ્લો અંધકારમાં સદંતર ઓગળી ગયો હતો. રાત્રિ એટલી ગાઢ હતી કે આકાશમાં ચંદ્રપ્રકાશનો અંશ સુદ્ધાં દેખાતો નહોતો. કિલ્લાની આગળ થોડા નીચાણવાળા ભાગમાં મુકતેશ્વર મહાદેવનું મંદિર સ્તબ્ધ ઊભું હતું. એક-બે માંદલા બલ્બ સળગતા હતા, પણ એનો ઉજાસ મંદિરના પરિસરમાં પણ પૂરો ફેલાઈ શકતો નહોતો. દિવસ હોત તો નાના મોટા ખડકો, મરેલી મચ્છીને સૂકવવાની જગ્યા, કાંઠે લાંગરેલી નેવીની યાટ તેમજ વરસોવા બીચથી જુહુ બીચથી બાંદરાથી લગભગ વર્લી સુધીનો દરિયો આ એક જગ્યાએથી દેખાતો હોત, પણ અત્યારે અંધકારના વજનદાર લપેડામાં બધું જ એક ઝાટકે ભૂંસાઈ ગયું હતું. બંગલાથી માંડ દોઢ-બે કિલોમીટરના અંતરે આવેલી આ જગ્યા બિહામણી બની ગઈ હતી.

સાંકડી કેડી પરથી ઉતરીને એક સફેદ વેન મંદિરની બાજુમાં ઊભી રહી. સૌથી પહેલાં સામન્થાએ બહાર આવી. આસપાસ સહેજ ફરીને, ટોર્ચ ઘુમાવીને એણે જગ્યા ચકાસી લીધી. અહીં નિર્જન સન્નાટા સિવાય બીજું કશું નહોતું. એનો ઈશારો થતાં જ વિદેશી સ્ત્રી-પુરુષો ચુપચાપ વેનમાંથી ઉતરવા લાગ્યાં. સૌના પગ ખુલ્લા હતા ને બધાએ ઘૂંટણ સુધી પહોંચતો પહોળો કાળો કોટ પહેર્યો હતો. કોટ સાથે જોડાયેલું હૂડ ટોપીની માફક ચડાવી લેવાથી સૌનાં મસ્તક ઢંકાયેલાં હતાં. વીસથી પચાસ વર્ષની ઉંમરના આ પેગન સ્ત્રી-પુરુષો દુનિયાભરના દેશોમાંથી આવ્યાં હતાં. જેની ખાસ અપેક્ષા નહોતી એ બ્રિટિશ પેગનોનું ટોળું પણ છેલ્લી ઘડીએ પહોંચી ગયું હતું.

ડ્રાઈવરની સીટ પરથી એલેકસ કૂદકો મારીને બહાર આવી ગયો એટલે સામન્થા કિલ્લાની વિરુદ્ધ દિશામાં, મંદિરની સામેના ઢોળાવવાળા ધૂળિયા વિસ્તાર પર ચાલવા લાગી. સૌએ કતારમાં એની પાછળ પાછળ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ચુપચાપ કદમ માંડ્યા. અડધોઅડધ સ્ત્રી-પુરુષોના ખભે કપડાંનો થેલો લટકતો હતો. એમાં પેગન વિધિ માટે જરુરી ચીજવસ્તુઓ હતી.

ત્રણસો-ચારસો મીટર ચાલ્યા હશે ત્યાં સામે અગિન્ ભડભડતો દેખાયો. બાજુમાં મિશેલ રાહ જોતી ઊભી હતી. એણે પણ અન્ય પેગનોની જેમ હૂડવાળો કાળો ઓવરકોટ ધારણ કર્યો હતો. એના ચહેરા પર ગંભીરતા હતી. બધા પેગન સ્ત્રી-પુરુષો નજીક આવીને ફરતે કુંડાળામાં ઊભાં રહી ગયાં. મિશેલે ન સ્વાગત કર્યું, ન અભિવાદનના શબ્દો ઉચ્ચાર્યા. આ પ્રકારનો શિષ્ટાચાર કરવાનો સમય પણ નહોતો, પરંપરા પણ નહોતી.

એલેકસે અને સામન્થાએ એક મોટા થેલામાંથી જાડા બ્લુ રંગના કાચનાં એકસરખાં પાત્ર કાઢીને સૌને પકડાવ્યા. પછી એક બોટલ કાઢીને દરેકમાં પ્રવાહી રેડ્યું. આ વિશિષ્ટ રીતે તૈયાર થયેલું દ્રાવણ હતું, જેનું પેગન વિધિ પહેલાં અનિવાર્યપણે સેવન કરવું પડતું. કોઈ આપસમાં વાત કરતું નહોતું. કઈ વિધિ કરવાની છે, કેવી રીતે વિધિ કરવાની છે તે વિશે આગોતરી સ્પષ્ટતા થઈ ચુકી હતી. કેટલી ખતરનાક ક્ષણનો સામનો કરવાનો છે એની પણ સૌને જાણ હતી. દ્વાવણનું સેવન થતાં જ સૌ ઝપાટાભેર હરકતમાં આવતા ગયા. કોઈએ લાંબી સફેદ મીણબત્તીઓ પ્રગટાવીને સૌના હાથમાં પકડાવી. કોઈએ હેકાટે દેવીની પ્રતિમા કાઢીને અગ્નિની બાજુમાં એની સ્થાપના કરી. હેકાટે અગમનગમ અને જાદુવિદ્યાની ગ્રીક દેવી છે. એ અગ્નિ, પ્રકાશ, ધરતી, સમુદ્ર અને આકાશની દેવી પણ ગણાય છે.

મિશેલનો મોબાઈલ રણક્યો. થોડે દૂર જઈને એ વાત કરવા લાગી.

“બાબા, ક્યાં પહોંચ્યા તમે?”

“એરંગલ બીચવાળો રોડ પસાર થઈ ગયો...” અઘોરી ગોરખનાથના અવાજમાં ઉચાટ સ્પષ્ટ વર્તાતો હતો.

“ઓકે. તમે અત્યારે જે રોડ પર છો એના પર જ આગળ વધતા જાઓ. આગળ મચ્છીમાર કોલોની આવશે. તમારે એલ-એન્ડ-ટી કેમ્પસ કે જેટી તરફ નથી જવાનું. એની પહેલાં જ રાઈટ ટર્ન લઈ લેજો. તમારી જમણી બાજુ એરફોર્સનું મકાન આવશે. બસ, ત્યાં જ નીચેની બાજુ મુકતેશ્વર મહાદેવનુ મંદિર છે.”

“હું પહોંચું છું. તેં વિધિની તૈયારી શરુ કરી દીધી છેને?”

“મેં પાક્કે પાયે તૈયારી કરી રાખી છે, બાબા!” મિશેલના હોઠ પર ઝેરી સ્મિત ઝબકી ગયું. મોબાઈલ થેલામાં મુકીને એ પાછી પેગનના સમુહમાં ભળી ગઈ.

એક ઊંચી પાતળી યુવાન છોકરીએ ડફલી જેવુ વાદ્ય કાઢીને ધીમી થાપથી વગાડવાનું શરુ કર્યું. શાંત વિસ્તારમાં ડફલીનો અવાજ ધીમે ધીમે ગુંજવા લાગ્યો...

૦ ૦ ૦

“થેન્ક ગોડ... આવી ગયું ઘર, ફાયનલી!”

મોક્ષનો ચહેરો સંતોષથી ચળકી ઉઠ્યો. રુપેશ અને રુપાલી સીધાં જ પોતાનાં ઘર તરફ આગળ વધી ગયાં હતાં.

બંગલાના કમ્પાઉન્ડમાં ઊગેલાં ઊંચા વૃક્ષો, એને પેલે પાર શરુ થઈ જતો રેતાળ બીચ, પાડોશના બંગલા, વક્રાકાર ક્ષિતિજ અને એના પર ફેલાયેલું આકાશ - આ બધું જ અંધકારની વિરાટ ચાદર નીચે ઢંકાઈને ધીમું ધીમું હાંફતું હતું અને મોક્ષ એને નરી આંખે જોઈ શકતો હતો. દસેય દિશાઓ, પોતાની ભ્રમણકક્ષામાં ગતિ કરી રહેલી પૃથ્વી, આસમાનમાં વિખરાયેલા અસંખ્ય ગ્રહો, સમગ્ર બ્રહ્માંડ... કદાચ આ બધું જ હાંફી રહૃાું હતું એક કોસ્મિક લયમાં.

“એક મિનિટ!” હજુ તો બંગલાના કમ્પાઉન્ડમાં પગ મૂકે ન મૂકે ત્યાં ડફલીનો અવાજ એના કાને પડ્યો. મોક્ષ સતર્ક થઈ ગયો, “સાંભળ્યું, માયા?”

માયા થંભી ગઈ. ડફલીના દબાયેલા ધ્વનિતરંગો અહીં સુધી પહોંચતા હતા.

“શાનો અવાજ હશે?”

“મને શી રીતે ખબર પડે?”

“મિશેલ ક્યાં છે?” મોક્ષનો ચહેરો અચાનક ખેંચાઈ ગયો.

“એના રુમમાં હશે.”

“ના, એ ઘરમાં નથી! એ બહાર છે. મને ખબર છે એ ક્યાં છે...” મોક્ષની આંખો ચકળવકળ થવા લાગી.

“અંદર ચાલ, મોક્ષ.”

“ના! મિશેલ મને ખેંચી રહી છે...”

“મોક્ષ?”

“બહાર ચાલ... ઓહ!”

મોક્ષના મોંમાંથી રાડ નીકળી ગઈ. એ અને માયા વેગપૂર્વક ઘરની બહાર શોષાઈ ગયાં. પ્રચંડ શકિતશાળી એકઝોસ્ટ ફેન કમરામાં ઘુમરાઈ રહેલી હવાને બહાર ફેંકી દે તેમ.

ષ્ઠષ્ઠ

૦ ૦ ૦

“આ બધું શું છે?”

સામેનું દશ્ય જોઈને અઘોરી ગોરખનાથની આંખો ફાટી ગઈ. કાળો ઓવરકોટ પહેરેલાં પચ્ચીસ ગોરા સ્ત્રી-પુરુષો એકબીજાનો હાથ પકડીને અગ્નિ ફરતે વિચિત્ર અવાજો કરતાં નૃત્ય કરી રહૃાાં હતાં. બે-ત્રણ જણાં અજાણ્યાં વાદ્યો વગાડી રહૃાાં હતાં. કોઈએ ગોરખનાથના આગમનની નોંધ સુદ્ધાં ન લીધી.

“કોણ છે આ બધાં?”

“શાંતિ રાખો. બધું સમજાઈ જશે.”

ગોરખનાથનો ક્રોધ ભભૂકી ઉઠ્યો, “મિશેલ, તું બરાબર જાણે છે કે શવસાધના માટે આપણા હાથમાં બહુ જ ઓછો સમય છે, છતાંય તને અત્યારે આ ફિરંગીઓનું નાટક દેખાડવાનું સૂઝે છે?”

“આ નાટક જોયા વગર તમારો છૂટકો નથી, અઘોરી ગોરખનાથ!” મિશેલના અવાજમાં કરડાકી આવી ગઈ. ષ્ઠ

ગોરખનાથ ચોંકી ગયા, “મારી શિષ્યા થઈને મારું નામ લઈને બોલાવે છે, મૂરખ? તારી આ હિંમત?”

“આ તો શરુઆત છે. આગળ જો તો ખરા શું શું થાય છે!” મિશેલ પળે પળે રંગ બદલી રહી હતી.

“આ શું માંડ્યું છે તેં?” ગોરખનાથ કાળઝાળ થઈ ગયા, “શબ ક્યાં છે?”

“શાનું શબ? ક્યું શબ?”

ગોરખનાથ માની ન શક્યા, “મારી સાથે ચાલાકી કરે છે તું? સામા જવાબ આપે છે? જો વધારે ઉસ્તાદી દેખાડી છે તો તારા એવા હાલ કરીશ કે...”

“તમે મારું કશું બગાડી નહીં શકો! જે ઘડીએ તમે આ ઢાળ ચડીને ઉપર આવ્યા તે જ ઘડીથી તમે મારા ઊર્જાક્ષેત્રમાં કેદ થઈ ચુકયા છો. તમારી તમામ શકિતઓ શૂન્ય થઈ ચુકી છે.”

ગોરખનાથ ઘા ખાઈ ગયા. એક ક્ષણમાં તેમના મનમાં સહસ્ત્ર પશ્નો નાગની ફેણની જેમ બેઠા થઈ ગયા.

“કોણ છે તું?” ગોરખનાથનો ચહેરો વિકૃત થઈ ગયો, “સાચું બોલ! કોણ છે તું?”

મિશેલના હોઠ પર વક્ર સ્મિત આવી ગયું.

“પેગન! એક સિદ્ધહસ્ત પેગન! હું એકલી નહીં, સામે દેખાય છે એ સૌ સિદ્ધહસ્ત પેગન છે.”

સ્તબ્ધ થઈ ગયા ગોરખનાથ.

ઓહ, તો મિશેલ પેગન છે! પહેલાં દિવસથી લાગતું હતું કે આ છોકરી સામાન્ય નથી. એનામાં એવું કશુંક તત્ત્વ છે જે પકડી શકાતું નથી. તો એ “કશુંક” તત્ત્વ એટલે આ! પેગન! અગમનિગમ અને અગોચર વિદ્યામાં માનતી જમાત, જે અમેરિકા-યુરોપ-ઓસ્ટ્રેલિયા જેવા આધુનિક દેશોમાં સદીઓથી પનપે છે, જે પોતાની કઠોર સાધનાથી રાક્ષસી તાકાત ઉપાર્જિત કરી શકે છે!

“તું જુઠ્ઠુ કેમ બોલી, મિશેલ? તારો ઈરાદો શો છે?” ગોરખનાથે પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ એક તસુ પણ ચસકી ન શક્યા. એમનો પગ જાણે કોઈએ જમીન સાથે બાંધી રાખ્યા હતા! ગોરખનાથ ધ્રુજી ઉઠ્યા. શું આ પેગનોએ સર્જેલા શકિતક્ષેત્રમાં મારી શકિતઓ ખરેખર શૂન્ય થઈ ગઈ છે?

ગોરખનાથના ચહેરા પર ઊપસેલી લાચારી મિશેલે જોઈ નહીં, કેમ કે એ તો અગ્નિ ફરતે વર્તુળાકારે ફરી રહેલા પેગનોમાં ભળી ગઈ હતી. એકાએક એ થંભી. એની સાથે બધા ઊભા રહી ગયા. મિશેલ કશુંક બોલવા માંડી. ગોરખનાથથી એક પણ શબ્દ પકડાતો નહોતો, કેમ કે એ પેગનોની સાંકેતિક ભાષાનો પ્રયોગ કરી રહી હતી. જાણે નશો ચડ્યો હોય તેમ સૌના ચહેરા પર કેફ ઘૂંટાવા લાગ્યો.

મિશેલે વર્તુળના કેન્દ્ર પાસે આવી. એણે પોતે પહેરેલા ઓવરકોટના બટન ખોલવા માંડ્યા અને પછી એક ઝાટકે કોટ શરીર પરથી દૂર કર્યો. એ સંપૂર્ણપણે નગ્ન થઈ ગઈ. ઓવરકોટની નીચે એણે કશું પહેર્યું નહોતું. ફકત કમર પર કંદોરા જેવી પાતળી સેર બાંધી હતી જે ભડભડતી અગ્નિમાં ચમકી રહી હતી. એ એક કસાયેલા શરીરવાળા યુવાનની નજીક ગઈ. યુવાને બન્ને હાથ આકાશ તરફ ઊંચા કર્યા. મિશેલે સંપૂર્ણ નિસ્પૃહતાથી યુવાનના શરીર પરથી ઓવરકોટ દૂર કર્યો. પછી પોતાની બન્ને હથેળી એ નગ્ન પરુષના પગ, પડખાં અને હાથ પર સરકાવતી મસ્તક સુધી લઈ ગઈ. યુવાને મત્ત થઈને આંખો મીંચી લીધી. આ એક વિધિ હતી જે દરેક પેગને પોતાની જમણી તરફ ઉભેલા સ્ત્રી કે પુરુષ પર દોહરાવવાની હતી. આ સૌ નગ્નતાને જીવનશૈલીમાં વણી લેનારા ન્યુડિસ્ટ પેગન હતા. તેઓ દિશાઓને વસ્ત્રની જેમ ધારણ કરવામાં માનતાં હતાં. પ્રકૃતિ સાથે એમનું સંપૂર્ણ અનુસંધાન હતું. વિધિ દરમિયાન કુદરત સાથે એકાકાર થતી વખતે વસ્ત્રોનો દુન્યવી અવરોધ તેમને નામંજૂર હતો. ગોરખનાથ વિસ્ફારિત નેત્રે નગ્નતાનો મહિમા જોતા રહૃાા. કોઈની નજરમાં વાસના નથી, કોઈના સ્પર્શમાં લાલસા નથી. જે કંઈ છે તે સંપૂર્ણપણે સહજ છે, સ્વાભાવિક છે.

હવે પુનઃ મંત્રોચ્ચાર શરુ થયા. મિશેલ વર્તુળની વચ્ચે આવીને મોટેથી મંત્રો બોલવા લાગી. બાકીના પેગન ફરીથી એકમેકનો હાથ પકડીને ગોળગોળ ઘુમવા લાગ્યા. આ વખતે ગતિ વધારે હતી, શરીરો વધારે આવેગથી ઊછળી રહૃાાં હતા. સૌ એકસૂરમાં કશુંક ગાઈ રહૃાા હતા. વચ્ચે વચ્ચે પરિભ્રમણ અટકાવીને, જ્યાં ઊભા હોય ત્યાં જ ગોળ ગોળ ફરીને, બંદગી કરતા હોય એવી મુદ્રામાં બન્ને હાથ ઘનઘોર આસમાન તરફ ઉઠાવી લેતા હતા. કાળા ડિબાંગ માહોલ વચ્ચે અગ્નિશિખાઓના પ્રકાશમાં ભેદી ક્રિયા કરી રહેલાં નગ્ન શરીરો ભયાનક દેખાતા હતા.

“માયા, જો!” ઊંચી ચટ્ટાનની પાછળ છુપાઈને તાલ જોઈ રહેલા મોક્ષનો અવાજ તરડાઈ ગયો.

બંગલાના કમ્પાઉન્ડમાંથી શોષાઈને, ખેંચાઈને, ઊછળીને એકાએક પોતે અહીં કેવી રીતે પહોંચી ગયા? કશું જ સમજાતું નહોતું. કશું સમજવા-વિચારવાનો અવકાશ પણ નહોતો. આંખ સામે જે ખેલ થઈ રહૃાો હતો એ એટલો ખોફનાક હતો કે વિચારો ચુંથાઈ જતા હતા.

“યાદ છે, મિશેલને આપણે પહેલી વાર આ જ જગ્યાએ આવી જ કંઈક વિધિ કરતા જોઈ હતી? પણ ત્યારે ત્રણ જ લોકો હતા. અત્યારે આટલા બધા પેગનો ક્યાંથી આવી ચડ્યા?”

પણ માયાનું ધ્યાન થોડે દૂર પથ્થરની જેમ ખોડાઈ ગયેલા ગોરખનાથના તંગ હાવભાવ પર ચોંટી ગયું હતું. કોણ છે આ માણસ? આટલો ગભરાયેલો કેમ દેખાય છે?

“મિશેલ, બંધ કર, બસ કર...” પરસેવે રેબઝેબ થઈ ગયેલા ગોરખનાથ છટપટાઈ રહૃાા હતા. જાણે કોઈએ ગળું દબાવી દીધું હોય તેમ એમનો શ્વાસ રુંધાઈ રહૃાો હતો, “મિશેલ... બચાવ... બચાવ મને...”

મિશેલે હાથ ઊંચો કર્યો. ઊછળતાં શરીરો થંભી ગયાં. મિશેલે ગંભીર ચહેરે કશીક સૂચના આપી ને અત્યાર સુધી ગોરખનાથની હાજરી માત્રની ઉપેક્ષા કરનારા પેગનોએ એક ઝાટકા સાથે ગરદન ઘુમાવીને ગોરખનાથ પર સામુહિક ત્રાટક કર્યું. અંગારાની જેમ સળગી રહેલી પચાસ આંખોમાંથી જાણે એક સાથે સનનન કરતાં તીર વીંઝાયા. ગોરખનાથ ચિત્કારી ઉઠ્યા. ડફલી અને ડ્રમના અવાજો ઉગ્ર થતા ગયા. પેગનો આંખનું મટકું માર્યા વગર ધીમે ધીમે ગોરખનાથ તરફ આગળ વધવા લાગ્યા. ગોરખનાથને જાણે લાલચોળ લાવારસમાં ડૂબાડી દેવામાં આવ્યા હોય એવી ભયાનક યાતના થઈ રહી હતી. સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠે એવી કાળી ચીસ પાડી એમણે.

“હે ભગવાન!” દૂર ઊંચી શિલા પાછળથી આખું દશ્ય નિહાળી રહેલી માયા ભયભીત થઈને મોક્ષને વળગી પડી. મોક્ષ અવાચક થઈ ચુક્યો હતો. આખું દશ્ય વધુ ન વધુ અવાસ્તવિક બની રહૃાું હતું.

પેગનોના ઝુંડે હવે ગોરખનાથ ફરતે વર્તુળ બનાવીને ફરવાનું શરુ કર્યું. એમના ચહેરા પર પ્રત્યેક ક્ષણે તીવ્રતા ઘૂંટાતી જતી હતી. મંત્રજાપ ઝડપી બનતા ગયા. અંગભંગિમાઓ આક્રમક થતી ગઈ. પેગનોના સામુહિક ઊર્જા સામે ગોરખનાથની શકિત કુંઠિત થઈ ચુકી હતી. પોતાના પર આ રીતે અણધાર્યો હુમલો થવાનો છે એવી તો કલ્પનાય એમણે ક્યાં કરી હતી? જો પહેલેથી સહેજ અંદેશો પણ આવી ગયો હોત તો પ્રતિ-આક્રમણ માટે પોતાની વિદ્યાના ઓજારો કાઢીને તૈયાર રહેત... પણ મિશેલેે છેલ્લી ઘડી સુધી અંધારામાં રાખ્યા!

વિધિ હવે પરાકાષ્ઠા તરફ પહોંચી ચુકી હતી. કેટલાક પેગનોના શરીર ધ્રૂજવા લાગ્યા હતા. એમનું ત્રાટક હજુ અકબંધ હતું. મિશેલે છેલ્લી વાર પોતાના બન્ને હાથ આકાશ તરફ ઊંચા કર્યા. આ સંકેત હતો. બાકીના સૌ પેગનોએ એનું અનુકરણ કર્યું. મંત્રોચ્ચાર બંધ થયો. હવામાં કાન ફાડી નાખે એવો સન્નાટો છવાઈ ગયો... ને સૌએ એકસાથે પોતાના બન્ને હાથ ગોરખનાથ તરફ લંબાવીને દસેય આંગળીઓથી હવામાં ઝાટકો માર્યો.

ગોરખનાથ આંખો અધ્ધર ચડી ગઈ. ધડામ કરતા એ નીચે પછડાયા. જોરદાર આંચકી ઉપડી હોય તેમ તેમનું શરીર તરફડવા લાગ્યું... ને થોડી ક્ષણોમાં શાંત થઈ ગયું.

મોક્ષ અને માયા હબકી ગયાં.

મરી ગયો આ માણસ?

પેગનોનું ત્રાટક તૂટ્યું પણ ચહેરા પરની તીવ્રતા યથાવત હતી. જાણે તેમની ગતિવિધિ પર હજુય પૂર્ણવિરામ મૂકાયું નહોતું.

“મોક્ષ અને માયા આવી ગયાં છે...” મિશેલે સૌને કહૃાું, “ત્યાં... પેલા ખડકની પાછળ!”

સૌએ ખડક તરફ નજર ઘુમાવી. મોક્ષ કાંપી ઉઠ્યો!

પેગનોના ઝુંડથી ઠીકઠીક અંતરે મોટા ખડકની પાછળ છુપાઈને બન્ને ઊભાં હતાં, છતાં સૌ કેવી રીતે તેમને જોઈ શકતા હતા?

મિશેલ ધીમે ધીમે આગળ આવી. જાણે આહ્વાન કરતી હોય તેમ એ બોલી, “મોક્ષ... માયા! હું જાણું છંુ કે તમે બન્ને અહીં જ છો. મારી સામે આવો!”

કોઈ પ્રતિક્રિયા નહીં.

“હું તમને કોઈ નુકસાન નહીં કરું. પ્લીઝ, મારી નજીક આવો.”

“ચાલ!” માયાએ સંયત થઈને કહૃાું.

“તું પાગલ થઈ ગઈ છો?” મોક્ષનો અવાજ ફાટી ગયો, “આ લોકોએ પેલાની શી હાલત કરી, જોયું નહીં તેં?”

“યુ આર હંડ્રેડ પર્સન્ટ સેફ, મોક્ષ! પ્લીઝ, ડરો નહીં. ટ્રસ્ટ મી!” મિશેલે ધીમેથી પોતાનો ઓવરકોટ શરીર પર ચડાવી લીધો. બીજા પેગનોએ પણ પોતપોતાનાં શરીર ઢાંક્યા.

માયાએ કહૃાું,“તારે મિશેલનો સામનો કરવો જ પડશે, મોક્ષ. બહાર નીકળ!”

“પણ-”

“મોક્ષ!”

માયા ધારદાર નજરે મોક્ષ સામે જોયું. એ ડઘાઈને સ્થિર થઈ ગયો. માયા એનો હાથ પકડ્યો, “ચાલ!”

મોક્ષને ઝાલીને એ શિલાની પાછળથી બહાર લાવી. મિશેલે ધ્યાનથી સામે જોયું. પહેલાં મોક્ષની આંખોમાં, પછી માયાની.

“એ લોકો આપણી તરફ આવી રહૃાાં છે...” મિશેલ બોલી.

પેગનો સતર્ક થઈ ગયા.

“કયાં છે?” સૌ આંખ ઝીણી કરીને જોવાની કોશિશ કરવા લાગ્યા.

“ત્યાં... પેલો મોટો ખડક દેખાય છે? એની જમણી બાજુ.”

માંડ પચ્ચીસ-ત્રીસ ફૂટનું અંતર હતું, સળગતી આગનો પૂરતો પ્રકાશ હતો, છતાંય કોઈને નહોતો મોક્ષ દેખાતો કે નહોતી માયા. પેગનોમાં ગણગણાટ શરુ થઈ ગયો.

“ઓહ માય ગોડ! મિશેલ... તું સાચું કહેતી હતી,” સામન્થા ચકિત થઈને કહી રહી હતી, “અમને આ બન્ને બિલકુલ દેખાતાં નથી!”

“એમને જરા પાસે બોલાવ તો!” એલેકસે કહૃાું.

“મોક્ષ! જરા નજીક આવશોે, પ્લીઝ? આ બધા આપણા મિત્રો છે. સહેજ પણ ડરવાની જરુર નથી,” મિશેલે વિનંતીના સૂરે કહૃાું.

મોક્ષનો હાથ પકડી માયા ધીરે ધીરે આગળ વધી. મોક્ષને જીવ ચૂંથાવા લાગ્યો. બિલકુલ અપિરિચિત હતી આ ક્ષણ. એમાં પ્રવેશતાં ન સમજાય એવો ડર લાગી રહૃાો હતો.

“એ લોકો પાસે આવી રહૃાાં છે, મિશેલ?” કોઈએ ફૂસફુસાતા અવાજે કહૃાું.

“હા.”

“યેસ! હું એનર્જી ફિલ્ડ ફીલ કરી શકું છું...” એક અમેરિકન પેગને આંખો ખેંચી, “શું એ લોકો પેલી ઈંટ પાસે છે?”

“એકઝેકટલી! ઈંટથી જરાક આગળ...”

“આર યુ શ્યોર કે આ બન્નેથી આપણને કોઈ ખતરો નથી?” એક આધેડ પુરુષે પૂછી લીધું. એના અવાજમાં દહેશત હતી.

“કોઈ ખતરો નથી. બહુ ભલા છે આ બન્ને.”

“પણ તારી જેમ અમે એમને જોઈ કેમ શકતાં નથી?” એકે અસ્વસ્થ થઈને કહૃાું.

મોક્ષ પેગનો વચ્ચે થઈ રહેલી વાતચીત સાંભળી રહૃાો હતો.

“આ લોકો શું બકવાસ કરી રહૃાા છે, માયા?” એ અકળાઈ ઉઠ્યો, “આ બધા આંધળા છે? આપણને જોઈ કેમ શકતા નથી?”

માયાના ચહેરા પર વેદના ધસી આવી. એ કશું ન બોલી.

“પ્લીઝ, કમ!” મિશેલ સાચવીને તેમની નજીક ગઈ, “જુઓ, હમણાં તમે જે કંઈ જોયું...”

“મિશેલ એક મિનિટ!” સામન્થા ઉત્તેજિત થઈ ગઈ, “તું મોક્ષ-માયાની બાજુમાં ઊભી છે?”

“હા.”

“એમની પોઝિશન બતાવીશ?”

“અહીં મોક્ષ ઊભો છે. અહીં, આ સૂકાયેલાં પાંદડાં પાસે!” મિશેલે આંગળીથી નિર્દેશ કર્યો, “અને એની ડાબી બાજુ માયા છે.”

પેગનો ચકિત થઈ ગયા.

“રિઅલી? કાન્ટ બિલીવ ધિસ! વન સેકન્ડ!” એલેકસ દોડતો પોતાના થેલામાંથી સ્ટિલ કેમેરા લેતો આવ્યો, “મને ફોટો લેવા દે!”

એલેકસે મિશેલ તરફ કેમેરા તાકીને અલગ અલગ અંતરેથી ફટાફટ પાંચ-છ તસવીરો ખેંચી લીધી. એક જણો વિડીયો કેમેરાથી શૂટિંગ કરવા લાગ્યો.

“લેટ્સ સી!”

સ્ટિલ અને વિડીયો કેમેરા પર ફટાફટ રિઝલ્ટ ચકાસવામાં આવ્યું. સૌની આંખો પહોળી થઈ ગઈ.

“આ લોકો નથી, મિશેલ!” સામન્થાની અવાજ ઉત્તેજનાથી ધડકી ઉઠ્યો, “ન વિડીયોમાં, ન તસવીરોમાં! બન્ને કેમેરામાં તું એકલી જ કેપ્ચર થઈ છે!”

“તારા દોસ્તો આંધળા છે કે પાગલ?” મોક્ષ ક્રોધથી તમતમી ઉઠ્યો, “ક્યારના શો બકવાસ કરી રહૃાા છે સૌ?”

“આ લોકો આંધળા પણ નથી ને પાગલ પણ નથી, મોક્ષ!” મિશેલનો અવાજ શાંત થઈ ગયો, “એ લોકો બિલકુલ સત્ય કહે છે!”

“વોટ નોનસેન્સ! ફોટામાં તું દેખાય ને અમે ન દેખાઈએ એવું કેમ બને?”

“તમે ખુદ ખાતરી કરી લો!” મિશેલે કહૃાું, “સેમ! મને બન્ને કેમેરા આપ તો!”

સામન્થા સહેજ ડરીને બે ડગલાં આગળ આવી. મિશેલના હાથમાં કેમેરા મૂક્યા.

“આ જુઓ...”

મિશેલ ફોટોગ્રાફ્સ સ્લાઈડ કરતી ગઈ. મોક્ષ પાગલ થઈ ગયો. તસવીરોમાં ખરેખર એકલી મિશેલ દેખાતી હતી. એની આસપાસનો આખો વિસ્તાર ખાલીખમ હતો!

“અને આ...” મિશેલે વિડીયો પ્લેબેક કર્યો.

ફરી એ જ સ્થિતિ! વિડીયોમાં એકલી મિશેલ ઊભેલી હતી. મોક્ષ-માયા ગાયબ હતાં.

“આ બધું શું થઈ રહૃાું છે?” મોક્ષ ઘાંઘો થઈ ગયો, “આ તારા જાદુટોણા છે? તું કોઈ ટ્રિક કરી રહી છે અમારા પર? તું કેમ કંઈ બોલતી નથી, માયા?”

માયા રડી પડી.

“આમાં કોઈ જાદુટોણા નથી. કોઈ ટ્રિક નથી,” મિશેલનો અવાજમાં અત્યાર સુધી ક્યારેય ન સાંભળવી મળી હોય એવી સંવેદનાથી ભીંજાયો, “ક્યાં સુધી સચ્ચાઈથી દૂર ભાગવું છે તમારે, મોક્ષ?”

“કઈ સચ્ચાઈ?” મોક્ષ હડબડાઈ ગયો.

“કમસે કમ હવે તો હકીકતનો સ્વીકાર કરો!”

“કઈ હકીકત?”

“એ જ કે... તમે બન્ને મનુષ્ય નથી! તમે આત્મા છો! છ મહિના પહેલાં માથેરાનથી પાછાં ફરતી વખતે તમારી કાર ખીણમાં ફેંકાઈ ગઈ હતી... અને તમારું મૃત્યુ થઈ ચુક્યું હતું!”