Anokho sambandh books and stories free download online pdf in Gujarati

અનોખો સબંધ

" અનોખો સબંધ "

"જલ્દી ઉઠી ને તૈયાર થઇ જા, ભુલી ગયો આજે વિમલ ની સગાઇ માં જવાનું છે" મમ્મી એ હિરેન ને ઉઠાડતાં કહ્યું..

"યાદ છે મમ્મી, બસ પાંચ મિનિટ" હિરેન ઊંઘ માં બોલ્યો.

આજે હિરેન ના ફૈબા ના દીકરા વિમલ ની સગાઇ હતી અને તેના માટે મીના બેન તેમના દીકરા ને ઉઠાડી રહ્યા હતા, મીના બેન ના ઘર માં હિરેન અને મીના બેન જ રહેતા હતા, હિરેન ના પપ્પા બે વરસ પહેલા એક ટૂંકી બીમારી માં જ અવસાન પામ્યા હતા. પણ ત્યારથી મીના બેન એકદમ સ્વસ્થ અને મજબૂત બની ને હિરેન ને સંભાળ્યો હતો. હજી ચાર માસ પહેલા જ હિરેન નો અભ્યાસ પત્યો હતો અને તેની એક ખાનગી કંપની માં નોકરી લાગી હતી. તેથી હવે મીના બેન ને કોઈ ચિંતા રહી ન હતી, બસ તેમનું એકજ સપનું હતું અને તે હતું હિરેન ના ધામધુમ થી લગન કરવા, મીના બેન નો સ્વભાવ બહુ પ્રેમાળ અને તેમના આખા કુટુંબ માં તેમની ગણતરી એક સમજુ વહુ તરીકે થતી. હિરેન માં પણ માતા ના જ ગુણ આવ્યા હતા, તેને પણ બધા સાથે સારું બનતું હતું.

હિરેન પણ માતા નું સપનું જલ્દી પૂરુ કરવા માગતો હોય તેમ તેણે કોલેજ માં એક મિત્ર પણ બનાવી હતી અને તેનું નામ હતું હિરલ, હિરેન અને હિરલે મળી ને હિરલ ના ઘર ના ને લગન માટે મનાવી પણ લીધા હતા અને આજે વિમલ ની સગાઇ માં જ બંને તેમના લગન માટે મીનાબેન સાથે વાત કરવાના હતા અને તેના માટે બોલકી હિરલે પ્લાન બનાવી જ રાખ્યો હતો.

હિરેન અને મીના બેન વિમલ ની સગાઇ માં પહોંચ્યા, સમય થતા જ સગાઇ ની બધી વિધી ચાલુ થઈ ગઈ અને સમયસર વિધી પતી પણ ગઈ પછી કેક કાપવામાં આવ્યું અને જે વ્યવહાર માટે ની પ્રકિયા પણ પુરી થઇ. પછી અચાનક જ એક સુંદર તૈયાર થયેલી યુવતી સ્ટેજ પર આવી અને તેણે માઇક સંભાળ્યું, હા આ સુંદર યુવતી બીજું કોઈજ નહી પણ હિરલ હતી. હિરલ નક્કી કર્યા મુજબ માઇક પર આવી હતી, આ હિરેન, હિરલ, વિમલ અને બીજા મિત્રો નો એક પ્લાન હતો.

હિરલે માઇક સંભાળ્યું અને બોલી "આજે અહીંયા એક કંઈક નવું થવા જઇ રહ્યું છે અને હા તે નવું હુ કરવા જઈ રહી છુ" આટલું બોલ્યા પછી તે હિરેન અને વિમલ સામેં જોઈ ને મલકાઈ. હિરલ લીલા કલર ના ડ્રેસ માં એકદમ સુંદર લાગી રહી હતી અને તેની આછી બ્લુ આંખો તેની સુંદરતા માં વધારો કરી રહી હતી. હિરલ આટલું બોલી તો સગાઇ માં આવેલા મહેમાનો બધા સ્તબ્ધ થઇ ગયા અને વિચારવા લાગ્યા કે હિરલ શું નવું કરશે અને મોટાભાગના તો તેને ઓળખતા પણ ન હતા.

હિરલ એટલું બોલી ને સ્ટેજ પર થી નીચે ઉતરી અને હાથ પકડી ને મીના બેન ને સ્ટેજ પર લઇ આવી અને બોલી " આંટી, મે તમારા વખાણ બઉ જ સાંભળ્યા છે અને તમે આટલા સુંદર પણ લાગો છો તો હુ આજે તમને બધા ની સામે પ્રપોઝ કરવા માગુ છુ, આંટી મારા સાસુ બનશો ?"હિરલ આટલું બોલી ત્યાં જ સગાઇ માં હાજર સૌ ખડખડાટ હસવા લાગ્યા અને મીનાબેન પણ આ પહેલાથી આયોજિત પ્લાન સમજી ને હસી પડ્યા અને તેમણે પ્રેમ થી હિરલ નો કાન ખેંચી ને બોલ્યા " રહી શકીશ મારી સાથે ?"

સગાઇ નુ વાતાવરણ એકદમ હળવું થઇ ચૂક્યું હતું બધા હિરલ અને હિરેન ના આ પ્લાન ના વખાણ કરી રહ્યા હતા, આવી રીતે મીના બેન નું સપનું પુરુ થવા જઈ રહ્યું હતું.

પછીના અઠવાડિયે હિરલ ના મમ્મી પપ્પા પણ મીનાબેન ને આવી ને મળી ગયા અને નક્કી કર્યા મુજબ ચાર મહિના પછી ધામધૂમ થી હિરલ અને હિરેન ના લગન કરવા માં આવ્યા.

"મને લાગે છે કે તમારે ક્યાંય ફરવા જવું જોઈએ" એકદિવસે સાંજે જમતા જમતા મીના બેને હિરલ ને કહયુ.

"ના મમ્મી, અમે ક્યાંય નઇ જઈ એ અને ક્યાંય જવાનું નક્કી કરશું તો તમારે પણ આવવું પડશે' હિરલ બોલી

"અત્યારે તમે બંને જઈ આવો પછી આપણે જશું"

"ના એટલે ના તમે આવશો તો જ અમે કંઇક વિચારશું" હિરલ લાડકુ મોઢું કરી ને બોલી.

અંતે મીના બેને થોડા સમય ની વાતચીત પછી હાર સ્વીકારતા બોલ્યા " સારું થોડા મહિના પછી આપણે જઈશું"

દિવસો અને મહિનાઓ વિતી રહ્યા હતા અને મીના બેન અને હિરલ નો સબંધ વધુ અને વધુ ગાઢ બનતો જતો હતો, તે લોકો એક સાસુ વહુ કરતા પણ વિશેષ માં દીકરી હોય તેમ રહી રહ્યા હતા, અન્ય લોકોને તેમની ઈર્ષા થાય તેવો મજબૂત તેમનો સબંધ છે, આ યુગ માં સાસુ વહુ નો આવો સબંધ ભાગ્યે જ ક્યાંય જોવા મળે. એટલેજ તો આ ત્રણ જણા નું નાનું કુટુંબ એક મિશાલ બની ચૂક્યું હતું અન્ય લોકો માટે. હિરલ અને મીનાબેન ના કારણે આખો દિવસ માહોલ મસ્તી ભર્યો રહેતો અને ઘણીવાર તો બંને ભેગા મળી ને ઝગાડવાનું નાટક પણ કરતા હિરેન ને ચિડાવવા માટે પણ તેમનો પ્લાન થોડા સમય જ ચાલતો અને પછી હિરેન ને ખબર પડી જતી કે સાસુ વહુ ભેગા મળી ને તેની ફીરકી ઉતારી છે, પછી તે પણ નારાજ થઇ જતો અને પછી હિરલ અને મીના બેન તેને મનાવતા, આવી રીતે આ ઘર હમેશા ખુશીઓ થી ભરેલું રહેતું.

પણ કહેવાય છે ને કોઈની વધારે પડતી ખુશી તો ભગવાન ને પણ નથી જોવાતી, તો એવુજ બન્યું આ ત્રણ જણા ના નાના પરિવાર ને.

હિરલ હવે ગર્ભવતી હતી, બે મહિના પછી તેમના ઘર માં ચોથું સભ્ય આવવાનું હતું, અને તેના કારણે મીના બેન અને હિરેન પણ ખુશ હતા, તે લોકોએ તો આવતા મહિને ખોળો ભરવાની વિધિ પણ રાખી લીધી હતી પણ તે પહેલા મીનાબેન ને હિરલ ને લઇ ને કુળદેવી ના દર્શન કરવા જવું હતું. આથી હિરેન પોતાના મિત્ર ની ગાડી લઇ આવ્યો અને હિરલ ને કોઈ તકલીફ ના પડે તેવી રીતે કુળદેવી એ દર્શન કરવા જવાનું નક્કી કર્યું.

સવારે વહેલા આંઠ વાગે ત્રણેય જણા કુળદેવી એ દર્શન કરવા નિકળા અને દશ વાગે તો કુળદેવી ના મંદિરે તે લોકો પહોંચી પણ ગયા. મીનાબેને હિરલ માટે સારા સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરી અને બંને ને દર્શન કરાવ્યા, મીનાબેન હવે દાદી બનવા ના હતા એટલે તેમની ખુશી નો પાર ન હતો. દર્શન કરી લીધા પછી મીનાબેન બોલ્યા " હે માતાજી હવે ત્રણ મહિના પછી અમે ચાર જણા દર્શને આવશું " અને હિરલ ના માથે પ્રેમથી હાથ ફેરવી મલકાયા.
પછી થોડો સમય માતાજી ના શરણે બેસી ને તે લોકો પાછા આવવા નીકળ્યા.

પાછા વળતી વખતે ગાડી માં પાછળ ની સીટ પર બેસી ને સાસુ વહુ વાતો કરતા હતા અને આગળ હિરેન ગાડી ચલાવતો ચલાવતો આ વાતો સાંભળી રહ્યો હતો અચાનક જ હિરેન થી બેલેન્સ અને કંટ્રોલ છૂટ્યો, કદાચ તે અચાનક રસ્તા પર આવી ચડેલ ગાય ને બચાવવા ગયો અને તેણે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો, તે લોકો ની ગાડી સામેની બાજુ ફંગોળાઈ અને રોડ ની સાઈડ માં આવેલ ઉંડા ખાડા માં જઈ પડી, અને જોરદાર અવાજ સાથે તેમની ગાડી સળગી ઉઠી. આ અકસ્માત જોઈ ને બીજા વાહન ચાલકો રોકાઈ ગયા અને તેમણે જેમતેમ કરી ને ત્રણેય જણા ને બહાર કાઢ્યા, મીનાબેન અને હિરલ પાછળ બેઠા હોવા ના કારણે થોડા વધારે ઇજાગ્રસ્ત થયા હતા અને મીના બેન તો થોડા દાઝયા પણ હતા.

રાહદારી ઓ અને અન્ય વાહનચાલકો ની મદદ થી તે લોકો ને હોસ્પિટલે પહોંચાડવા માં આવ્યા, જ્યાં ત્રણેય જણા ની સારવાર કરવા માં આવી. સારવાર દરમિયાન હિરલ અને હિરેન તો બચી ગયા હતા પણ મીનાબેને પોતાનો જીવ ગુમાવી દીધો હતો અને હિરલે એક માં સમાન સાસુ ની સાથે સાથે પોતાની કૂખ માં રહેલું બાળક પણ ગુમાવી ચુકી હતી.

થોડા સમય પછી બંને ની ઇજા તો સારી થઇ ગયી પણ હવે આ ઘર પહેલા ની જેમ તોફાને નથી ચડતું, હવે આ ઘર માં કોઈ ઝગડા નું નાટક પણ નથી કરતુ કે કોઈ એકબીજા ની મજાક મસ્તી પણ નથી કરતુ, માં કરતા પણ વધારે એવા સાસુ ગુમાવવા ના કારણે જાણે હિરલ ના હોઠ કોઈએ સીવી દીધા હોય તેવું લાગે છે અને આખું ઘર જાણે બંને જણા ને કરડવા આવતું હોય તેવું લાગી રહ્યું છે. અને હિરલ ને તો એક જ વાક્ય વારંવાર સંભળાઈ રહ્યું છે અને તે છે " હે માતાજી હવે ત્રણ મહિના પછી અમે ચાર જણા ફરીથી દર્શને આવશું "

હિરલ હવે જાજુ બોલતી નથી, તે એકદમ ચૂપચાપ જ રહે છે.

-સમાપ્ત-