Darpan tu sachu bolje books and stories free download online pdf in Gujarati

દર્પણ તું સાચું બોલજે

દર્પણ તું સાચું બોલજે

સવાર પડી નથીને સહુ પ્રથમ દર્શન કરવાના પેલાં નટખટ લાલાના અને પછી, સ્વના દર્પણમાં. ઝરણાની આ રોજની આદત હતી. ચંચળ ઝરણા જેવી ઝરણા દર્પણ સામેથી ખસવાનું નામ ન લેતી. કુદરતે ખૂબ છૂટે હાથે તેન રૂપ અને ગુણની લહાણી કરી હતી. મમ્મી બૂમ પાડ્યા કરે પણ સાંભળે તે બીજા. ઝરણાની ખૂબસુરતી પર કૉલેજના મિત્રો દીવાના હતાં. ઝરણા કોઈને ઘાંસ ન નાખતી. તેને ખબર હતી, આ દિવાનગી લાંબો સમય નહી ટકે. સહુ તેનો લાભ લેવા માગતા હતા, ઝરણાને માતા તેમજ પિતાની ઈજ્જત વહાલી હતી. તે માનતી હતી, " ગોરા તો ગધેડાં પણ હોય છે.' આ બધા ભ્રમરવૃત્તિના જુવાનિયાને તે મચક આપતી નહી.

એક વખત દર્પણ સાથે વાત કરતાં તેના દિમાગમાં તુક્કો આવ્યો. 'કાચને પારો ચડે તો દર્પણ બને, મારા દિમાગનો પારો ઉતરે તો હું સારી વ્યક્તિ બનું'. તેણે કદી દિમાગ પર રૂપ અને ગુણનો પારો ચડવા દીધો ન હતો. ભણવામાં અને ઈતર પ્રવૃત્તિઓમાં હમેશા ગળાડૂબ રહેતી. રૂપ નિહાળવાનું ગમતું. મનમાં ઈચ્છતી યોગ્ય પાત્ર મળશે તો મારું જીવન સાર્થક કરીશ.

આજે કોને ખબર કેમ તે મોડી ઉઠી, દર્પણમાં મોઢું જોવાની તકલિફ પણ ન લીધી. ગઈકાલે જીગર બસસ્ટોપ પર સાથે ઉભો હતો. તેની સાદગી ઝરણાને સ્પર્શી ગઈ. તેના અંતરમાં ઉથલપાથલ થઈ ગઈ. સવારે મમ્મીએ પૂછ્યું, ' આજે કૉલેજ જવાનું નથી?'

ગપ્પું મરાઈ ગયું,'મા પહેલાં બે પિરિયડ ફ્રી છે". કહી દોડીને બાથરૂમમાં ભરાઈ ગઈ. બાથરૂમમાં દર્પણમાં નજર પડતાં છળી મરી. વાળ અસ્તવ્યસ્ત હતાં. મુખડાં પર સ્મિત ગાયબ. આંખોમાં એક નજાકત ડોકિયા કરી રહી હતી.

'એય દર્પણ તું સાચું બોલજે'.

'પૂછ તો ખરી?'

'મારા અંતરમાં ઝાંકીને જો, મને શું થયું છે'?

દર્પણ ખડખડાટ હસી પડ્યું. તેના પડઘા ઝરણાના કાનને ચીરી તેને બેહાલ કરી રહ્યા.

'મને શું ખરેખર કોઈની સાથે પ્રેમ થયો છે? શું મને જીગર માટે લાગણી ઉદ્ભવી છે?'

દર્પણનું હાસ્ય ધીરું થયું. હવે તે માત્ર મલકી રહ્યું.

'એ ય સાચું બોલ ? 'હું ઉંઘમાંથી જાગી, જો તો ખરું મને આ શું થઈ ગયું છે? અરે, હજુ ગઈકાલ સુધી તો હું રમતિયાળ હતી. આજે કેમ શર્મિલી બની ગઈ'?

દર્પણ તો મુંગુ મંતર થઈ ગયું. તે કાંઈ જવાબ આપે ખરું? એ તો જેવી ઝરણા તેનું મુખ નિરખે કે તરત, તેના મનના વિચારોનું પ્રતિબિંબ તેના મુખડાના હાવભાવ દ્વારા પ્રસ્તુત કરે. માંડ માંડ તૈયાર થઈને કૉલેજ જવા તૈયાર થઈ. વર્ગમાં દાખલ થતાં નજર ફેરવી જીગર દેખાયો નહી. ખેર, રોજની જેમ પોતાની સીટ ઉપર આવીને ગોઠવાઈ ગઈ. આખો વર્ગ ભરેલો હતો. આજે તેની સહેલી નીરા જે તેની બાજુમાં બેસતી હતી, આવી નહતી. તેને આજે કોઈ છોકરો જોવા આવવાનો હતો. નીરા ગુટલી મારી, બ્યુટિપાર્લરમાં પહોંચી ગઈ હતી. છોકરો ડોક્ટર હતો તેથી સારી છાપ પાડવી હતી. ત્યાં જીગર આવતો દેખાયો. ઝરણાની બાજુની જગ્યા ખાલી હતી, તેથી ત્યાં ગોઠવાઈ ગયો.

ઝરણાના હાલ ભુંડા થયા. તેનું દિલ ધક ધક કરતું. ધ્યાન રાખતી બાજુમાં જીગરને તેનો અવાજ ન આવે. જીગર મુંબઈમાં નવો હતો. નાના ગામમાં મોટો થયો હોવાથી તેના મ્હોં પરની તાજગી અને ખુમારી આંખે ઉડીને વળગે તેવા હતાં. શહેરના છોકરાઓ જેવો રોમિયો નહી, પણ ખૂબસૂરત જુવાન લાગતો.

જીગર પણ યુવાન હતો. ઝરણાંની બાજુમાં બેસવા મળ્યું તેથી તેના મુખ પર રોનક ફરી વળી. ઝરણાનું ધ્યાન આજે જરા પણ વર્ગમાં ન હતું. જેના વિચારોથી તે પરેશાન હતી તે એની બાજુમાં માત્ર છ ઈંચ દૂર બેઠો હતો. એક જ વર્ગમાં હતા તેથી ઓળખે એ સ્વભાવિક હોય. બન્નેએ સ્મિતની આપલે કરી નજર ફેરવી લીધી. ભલે બન્ને સાથે એક જ વર્ગમાં હતાં પણ બોલવાના પ્રસંગો તો ભાગ્યેજ આવ્યા હતાં. એક વાત માનવી પડશે , દિલ છે ને કોઈની માલિકી સ્વિકારતું નથી. જો એ કોઈના પર વારી જાય તો કારણ શોધવાની ગડમથલ પણ કરતું નથી.' આમ બન્ને જુવાન હતાં. માત્ર દૂરથી એકબીજાને જોઈને દિલે વાત કરી હતી એમ જ માનવું રહ્યું. આ મુખડું એ દિલનો આયનો છે. દિલના ભાવ મુખ પર ઉપસી આવતાં વાર લાગતી નથી.

જેમ દર્પણ જુઠું ન બોલે તેમ સ્મિત પણ દિલના ભાવ બેધડક પ્રસ્તુત કરે છે. બન્ને જણાને એક સરખો અનુભવ થયો. નજર ફરી અને તરત ઝુકી ગઈ. ઝરણાએ પર્સમાંથી છુપી રીતે નાનું દર્પણ કાઢ્યું અને મ્હોંના ભાવ નિરખી રહી. તે માનતી હતી કે જેમ દર્પણ મુખના ભાવ સ્પષ્ટ બતાવે છે, તેમ અંતરના ભાવનું ચિત્ર પણ પ્રસ્તુત કરે છે. વાત એમ છે ને કે દિલના ભાવ છુપાવી શકાય. ખોટો તેનો બચાવ પણ કરી શકાય.

મનમાં ને મનમાં, ' એય દર્પણ સાચું બોલ. મારી નિંંદ ખુલી ગઈ છે. શું મારા જીવનમાં ફુલ ખીલી રહ્યા છે? બહાર બસ આવવાની તૈયારીમાં છે?'

'મારા મન મંદિરમાં પ્રેમની જ્યોત જલી રહી છે. હવે આ જીગર પાસે કેવી રીતે કબૂલ કરવું'!

'એ આયના, હું તારા દ્વારા મારા દિલને શોધું છું. મને મારી ઓળખાણ કરાવ'.

'અરે, સાંભળ હું જીવનના એવા મોડ પર આવીને ઉભી છું, મારો હાથ ઝાલી મને રાહ દેખાડ'.

' દર્પણ, સાચું બોલજે. હું તને કરગરું છું. '

દર્પણ જોડે ખૂબ લાંબો વાર્તાલાપ કર્યો. દિલની વાત જીગર ન સાંભળી જાય તેની તકેદારી રાખી.

જીગર બાજુમાં બેઠો હતો, કંઈક ગરબડની ગંધ આવી. છોકરીઓ કરતાં છોકરાઓ આ બાબતમાં ખૂબ હોશિયાર હોય છે. કોઈ પણ છોકરી વિષે જો વાત ચાલુ થાય તો તેમની બધી પોલ છતી થઈ જાય. તેમની બાજ જેવી નજર બધું બરાબર નોંધ કરતી હોય છે. ભલે ઝરણા સાથે બોલવાના પ્રસંગ બહુ ઓછા નસિબ થયા હતાં. છતાં તે જાણતો હતો, 'ઝરણા ખૂબ સુંદર અને સજાગ છોકરી છે. ઝરણા માટે તેના દિલમાં ઈજ્જત અને પ્યાર હતાં. પોતાને અપમાનિત થવામાં રસ ન હતો તેથી પહેલ કરતો નહી. '

જુવાનિયાઓમાં ઝરણા હમેશા ચર્ચાનો વિષય બનતી. જીગર એક પણ શબ્દ તેના વિષે બોલતો નહી. કદાચ તેના દિલમાં ઉંડે ઉંડે ઝરણા પોતાની થાય એવી આશાની જ્યોત જલતી હોય! આ ભાવના "ટેલીપથી" દ્વારા ઝરણાના દિમાગે તો નહી ઝિલ્યા હોય ને ? તે હમેશા સજાગ રહેતો, જાગીરદાર બાપે મુંબઈ ભણવા મોકલ્યો હતો. પ્રેમ કરીને ભણતર બગાડવા નહી ! પણ જુવાન દિલ કાબૂમાં ન રહે. પ્યાર તો કાંઈ કહીને થતો હશે ?

આમ જોઈએ તો બન્ને જણાના દિલો દિમાગ પર એક જ ભૂત સવાર હતું. એક પણ શબ્દ બોલ્યા વગર આખો દિવસ પસાર થઈ ગયો. બાજુ બાજુમાં બેઠા હતાં એટલે આખા દિવસનું વર્તન સ્વભાવિક હતું કે પ્રેમ સભર એ કળવું મુશ્કેલ હતું. કોલેજ ચાર વાગે સમાપ્ત થઈ ગઈ. પાછાં બન્ને જણા એક બસ સ્ટોપ પર આવીને ઉભા હતાં.

ઝરણા વિચારે પહેલ તો તેણે જ કરવી જોઈએ. જીગરમાં ચંપલ ખાવાની તૈયારી ન હતી. ચાલાક ભલેને બસની રાહ જોતો હતો પણ ઝરણાની નાનામાં નાની હિલચાલ પર ધ્યાન રાખતો. બસ આવી ઝરણા પહેલી ઉતરતી તેથી તેને ખબર ન હતી જીગર ક્યાં રહે છે. જીગરે તો તેની બધી તપાસ ખૂબ બારિકાઈથી કરી હતી. કડંક્ટર ટિકિટ લેવા આવ્યો. ઝરણા પર્સમાં પૈસા ઢુંઢતી હતી. જીગરે બે ટિકિટ કઢાવી. બસ, વાત કરવાની તક અણધારી આવી મળી.

જુવાન હૈયા 'સમય વર્તે સાવધાન'ની જેમ વાતે વળગ્યા. ખૂબ જહેમત ઉઠાવી દિલના ભાવ પ્રસ્તુત ન થાય. નરી નિષ્ફળતા સાંપડી. હૈયે હતું તે હોઠે આવી ગયું. દર્પણ ખડખડાટ હસી રહ્યું. તેની સાથે બન્ને એ તાલ મિલાવ્યો.

*****