operation abhimanyu 14 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૧૪

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૧૪

જયારે તમારો સમય સારો ચાલી રહ્યો હોય ત્યારે તેને પાંખો આવી જાય છે અને સમયને પસાર થતાં વાર લાગતી નથી. આવું જ કંઇક આપણી નિહારિકા સાથે બની રહ્યું. ઓપરેશન અભિમન્યુની કહાનીનો પૂર્વાર્ધ સાંભળવામાં શિયાળો ક્યારે વિતી ગયો ખબર જ ના રહી. ઉનાળાના શરૂઆતના દિવસો પસાર થઇ રહ્યા હતા. હોળી અને ધુળેટીના તહેવારો પૂર્ણ થતાં જ વાતાવરણે પોતાનો મિજાજ બદલ્યો. સવારે આગ ઝરતી ગરમી અને લુ પસાર થયા બાદ સાંજે પણ અમદાવાદની ગલીઓમાં હુંફાળું વાતાવરણ રહેતું. છતાં પલ્લવીની માવજતના લીધે સુભાષ કોહલીના બગીચામાં ઠંડકનો માહોલ હતો. આવી એક શમી સાંજે સુભાષ કોહલી અને પલ્લવી બંને બગીચામાં બેઠા-બેઠા કશીક તૈયારીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.

“તેને આ કેન્ડલ્સ પસંદ આવશે.!” પલ્લવીએ મસ્તમજાની ચોકલેટ કેક પર 2 અને 8 એવા આકારોવાળી મીણબતીઓ ગોઠવતા કહ્યું. પેલી ચોકલેટ કેક પર લાલ રંગના ક્રીમ વડે ‘Happy Birthday Miss Anchor’ એવું લખેલું હતું અને તેની થોડી નીચેની જગ્યાએ સફેદ ક્રીમ વડે આજની તારીખ લખેલી હતી ’૨૨-3-૨૦૧૭’.

“તેને આ પસંદ નહિ આવે, મહિલાઓને કદી પોતાની ઉમર પૂછો તો તેને ના ગમે. આ કેન્ડલ્સ જોઇને તે દુખી થશે.” સુભાષ કોહલીએ પોતાનો મત પ્રગટ કર્યો.

“હું તેને ઓળખું છું સુભાષ, તેને આ પસંદ આવશે જ.” પલ્લવીએ કહ્યું.

“તમે કોઈને ઓળખતા હોત તો આપણી દુનિયા જ અલગ હોત ને.! કોઈની પસંદ નાપસંદની પરવાહ તમે ક્યાં કદીય કરી જ છે.?” ધીમા સ્વરે સ્વગત જ બોલી રહ્યા હોય એમ સુભાષ કોહલીએ કહ્યું. તેના દ્વારા બોલાયેલા ધીમા સ્વરો પણ રાત્રીના આઠ વાગ્યાની નિરવ શાંતિમાં પલ્લવીએ સાંભળ્યા. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. આંખમાં આવેલું અશ્રુનું એક ટીપું લુછીને ડૂસકું ભરતા તે ઘરની અંદર ચાલી ગઈ.

પલ્લવીના ઘરમાં અંદર ગયા બાદ તુર્ત જ સ્કુટી પર નિહારીકાનું આગમન થયું. તેના આગમનને પારખી લેતા સુભાષ કોહલી તરત જ પલ્લવી પાછળ ગયા.

“શીઝ કેમ.!” ઘરના બેઠક રૂમમાં પ્રવેશ્યા બાદ સુભાષ કોહલીએ કહ્યું. પલ્લવી ત્યાં ડાબી બાજુના સિંગલ સોફા પર બેઠી-બેઠી આંસુઓ સારતી હતી. તેણે સુભાષ કોહલીને કશો જવાબ ન આપ્યો.

“પલ્લવી પ્લિઝ આ ડ્રામા આપણે એના ગયા પછી કન્ટીન્યુ કરીશું.!” સુભાષ કોહલીએ કહ્યું. આંસુઓ લુછીને સ્મિત કરતા પલ્લવી ઉભી થઇ અને ગેટની બહાર જતી રહી. સુભાષના શ્વાસ થંભી ગયા. બે પળ માટે કાળ, ચોઘડિયું, સમય અને પોતાની ઉમર વિસરાઈ ગઈ. યાદ રહી તો બસ એક જ વાત.! તે જયારે નાનકડી વાત પર એકાદ લીટર આંસુઓ સાર્યા બાદ જે સ્મિત આપે છે ત્યારે તે સૌથી વધારે હસીન લાગે છે. કદાચ એટલા માટે જ પોતે કોલેજકાળમાં તેને દરેક વાતે પરેશાન કરીને રડાવતો પછી પોતે જ તેને હસાવીને ખુશ કરી દેતો. હે ભગવાન તેની અદાઓ હજુ આ ઉમરે પણ બદલાઈ નથી. ક્યાંક એ મારો જીવ ના લઇ લે.!

“હવે તમે ક્યાં ભૂલા પડ્યા મિ. એસ.પી.?” ફરી પાછી બેઠકરૂમમાં પ્રવેશેલી પલ્લવીને જોઇને સુભાષ કોહલી વર્તમાનમાં પાછા ફર્યા.

“ચાલો...ચાલો...” તેમણે કહ્યું અને બંને હસબંડ-વાઈફ બગીચામાં પ્રવેશ્યા. નિહારિકા ગેટની અંદર પ્રવેશી ચુકી હતી એટલે સુભાષ અને પલ્લવીએ પોતપોતાની નક્કી કરેલી જગ્યાઓ લઇ લીધી.

ધીમા ડગ ભરતી નિહારિકા પોતાની રોજની જગ્યા જ્યાં બેસીને તે એસ.પી. સાહેબ પાસેથી ઓપરેશન અભિમન્યુની કહાની સાંભળતી હતી એ જગ્યાએ આવી અને આજુબાજુ જોયું તો કોઈ દેખાતું નહતું.

“એસ.પી. સાહેબ...પલ્લવીદીદી...!” તેણે થોડા ઊંચા અવાજે બુમો પાડી.

“હેપ્પી બર્થડે ટુ યુ....

હેપ્પી બર્થડે ટુ યુ....

હેપ્પી બર્થડે ડીયર મિસ એન્કર,

હેપ્પી બર્થડે ટુ યુ....” ઘરની જમણી બાજુએ બેડરૂમની બાલ્કની પાસેથી નીકળતા એસ.પી. સાહેબ અને બગીચાના જમણી બાજુના ખૂણે આવેલી પત્તાની વેલો પાસેથી નીકળતી પલ્લવી બંને એકી સાથે ધીમા સ્વરે બોલી રહ્યા હતાં. નિહારિકા તેમને જોતા આશ્ચર્યચકિત થઇ ગઈ. પાસેના ટેબલ પર ચોકલેટ કેક પડી હતી. તેની ફેવરીટ.!

“ઇસ ધીસ અ ફર્સ્ટ સરપ્રાઈઝ ઓફ ધ ડે.?” એસ.પી. સાહેબે પૂછ્યું.

“નો.! એસ.પી. સાહેબ તમે બહુ લેટ છો.” છણકો કરતા નિહારીકાએ કહ્યું.

“ઓહ નો.! મેં કહ્યું હતું ને પલ્લવી કે આપણે ગઈકાલે રાત્રે જ સરપ્રાઈઝ આપવાની જરૂર હતી.”

“ઈટ મે બી લાસ્ટ. બટ બિલીવ મી ઇટ્સ રીયલી સરપ્રાઈઝીંગ”

“ઓકે બિંગો.” એસ.પી. સાહેબે કહ્યું.

ત્યારબાદ નિહારીકાએ કેક પરની મીણબતીઓ બુઝાવી અને કેક કાપીને પોતાનો બર્થ ડે ઉજવ્યો.

“તો કેવો રહ્યો આજનો દિવસ.?” ઉજવણી પુરી થઈ ત્યારબાદ બગીચામાં રોજની પોતપોતાની જગ્યાએ બેઠક લઈને એસ.પી. સાહેબ અને નિહારિકા બંને બેઠા હતા. થોડીવારની શાંતિ બાદ સુભાષ કોહલીએ પૂછ્યું.

“એસ યુસવલ...રીપોર્ટીંગ રીપોર્ટીંગ એન્ડ રીપોર્ટીંગ.” નિહારીકાએ કહ્યું. આજે સૌપ્રથમ વાર પલ્લવીએ પણ ઓપરેશન અભિમન્યુની કહાની સાંભળવા બગીચામાં એસ.પી.સાહેબ અને નિહારિકા સાથે બેઠક લીધી. નિહારિકા માટે તે ખરેખર સરપ્રાઈઝિંગ હતું.!

“તો પછી આપણું સરપ્રાઈઝ કેમ લાસ્ટ રહ્યું.?” એસ.પી. સાહેબે વાત શરૂ કરતા પહેલા કહ્યું.

“એક્ચ્યુઅલી મને મમ્મી-પપ્પાએ સવારે સરપ્રાઈઝ પાર્ટી આપેલી. આઈ ઓલરેડી ક્નોવ્સ કે તેઓ આવું કંઇક આયોજન કરશે જ. કેમ કે પપ્પા કંઈપણ છુપાવેલું નથી રાખી શકતા. ત્યારબાદ રીપોર્ટીંગ રીપોર્ટીંગ એન્ડ રીપોર્ટીંગ.! એસ આઈ સેડ. સાંજે વધુ એક પાર્ટી મળી જેના વિષે હું કદી વિચારી ન શકું.!” આટલું કહેતાં નિહારીકાએ પોતાના કપાળ પર આવતા વાળને હાથ વડે કાન પાછળ નાખ્યા.

“આર યુ ટોકિંગ અબાઉટ ધીસ વન.?” સુભાષ કોહલીએ પ્રશ્ન કર્યો.

“નો..નો.. સર.! ડાયરેક્ટર સર યાદ છે.?” નિહારીકાએ પૂછ્યું. જવાબમાં એસ.પી. સાહેબે ફક્ત હકારમાં માથું ધુણાવ્યું. “એમણે પાર્ટી આપેલી.!”

“રિયલ્લી.?” આશ્ચર્યચકિત થતા એસ.પી. સાહેબે પૂછ્યું.

“યાહ...સો માય ડેય વોસ ફેન્તાસ્તિક.!” આટલું કહીને નિહારિકા હસવા લાગી.

“ઓકે નાવ ધ ટાઇમ ફોર વન મોર બ્લાસ્ટ.” એસ.પી. સાહેબે બાજુની ખુરશી નીચેથી ગિફ્ટ પેપરમાં વિન્ટાડેલું એક બોક્સ કાઢતા કહ્યું.

“વ્હોટ.?” એસ.પી. સાહેબે તે બોક્સ નિહારિકાને ધર્યું. તેણે પલ્લવીદીદીની સામે જોયું. પલ્લવી હંમેશાની માફક સ્મિત આપી રહી.

“ઓપન ઈટ.!” એસ.પી. સાહેબે કહ્યું. નિહારિકા કાળજીપૂર્વક ગિફ્ટ પેપરની એક પછી એક સેલોટેપ ઉખાડવા લાગી. થોડી જ વારમાં આખેઆખું પેપર અલગ થઇ ગયું.

“ગેસ કરો કે બોક્સમાં શું હશે.?” નિહારિકા બોક્સ ખોલવા લાગી પરંતુ તેને અટકાવતા પલ્લવીએ પૂછ્યું. નિહારીકાએ બોક્સ હલાવીને ચેક કરી જોયું.

“ટેડી...આર યુ ધેર.?” મોં પર પ્રશ્નાર્થચિન્હ બનાવતા નિહારીકાએ કહ્યું.

“બિંગો...યુ આર કરેક્ટ.” એસ.પી. સાહેબે કહ્યું. નિહારીકાએ બોક્સ ખોલ્યું. તેમાંથી તેને પોતાના હાથ જેટલી સાઈઝનું ગુલાબી કલરનું ટેડીબેર મળ્યું જેના પેટ પાસેના હિસ્સા પર હેપ્પી બર્થ ડે.! એવું લખેલું હતું.

“આઈ થીંક ધીસ ઈસ બેસ્ટ સરપ્રાઈઝ ઓફ ટુડે.” એસ.પી. સાહેબે કહ્યું.

“નો..ઇટ્સ નોટ.!” બંને હાથે ટેડી પકડીને બગીચાના ઘાસ તરફ પોતાની દ્રષ્ટિ રાખીને નિહારીકાએ કહ્યું. પ્રશ્નાર્થભાવે એસ.પી. સાહેબ નિહારીકાને જોઈ રહ્યા.

“હું હજુ બેસ્ટ સરપ્રાઈઝની વેઇટ કરું છું.!” નિહારીકાએ એસ.પી. સાહેબ સામે જોતા કહ્યું. એસ.પી. સાહેબને કદાચ નિહારિકા શું કહેવા માંગે છે એ વાતની ખબર ન પડી એટલે તેમણે પોતાના કપાળ પર ચોંટેલો પેલો પ્રશ્નાર્થચિન્હવાળો ભાવ હટવા દીધો નહિ.

“...અને એ મને ઓપરેશન અભિમન્યુની આગળની વાર્તા સાંભળવાથી મળશે.” નિહારીકાએ કહ્યું. એસ.પી. સાહેબને વાત ખબર પડી એટલે પ્રશ્નાર્થ ચિન્હ હટીને નીચે ઘાંસમાં પડી ગયુ.

“તમારા લોકોની વાર્તા ક્યાં પહોંચી છે.?” પલ્લવીએ વચ્ચે પ્રશ્ન કર્યો.

“એ એમાં ગઈકાલે એસ.પી. સાહેબે અગત્યના પુરાવા આપી શકે એવા એક લંગડાભાઈને...ઢીશુમ...પતાવી નાખ્યો.!” પોતાની આગવી અદામાં નિહારીકાએ કહ્યું.

“ઓહ્હ ગ્રેટ.! એ પછી તો હું પણ એ લોકોની ટીમનો હિસ્સો બનેલી. આજે તો મારે પણ તમારી વાર્તા સાંભળવી જોઈએ.” પલ્લવીએ કહ્યું.

“યાહ યુ વેલકમ.!” એસ.પી. સાહેબે કહ્યું. “અને જેવું મેં કહેલું નિહારિકા એ રામચરણનો પ્રાણ લેનાર ગોળી મેં નહતી ફાયર કરેલી.” ત્યારબાદ નિહારિકા સામે જોતા બાકીનું વિધાન પૂરું કર્યું.

“એસ.પી. સાહેબ હવે આ સસ્પેન્સનો પડદો પાડો.!” નિહારીકાએ કહ્યું. ગેટ પરની લાઈટને એકીટસે જોતા એસપી સાહેબ ધ્યાનમગ્ન થયા.

@ @ @

“મિસ. પલ્લવી...” હું, રાઘવ, અસલમ, કરતાર અને પલ્લવી સૌ રાઘવની ચેમ્બરમાં બેઠા હતા. ચેમ્બરમાં કોઈ મરી ગયું હોય એવી મૃત્યુવત શાંતિ પ્રસરાયેલી હતી. સૌ એકબીજાના મોઢા જોતા હતા. ફક્ત રાઘવ જમીન તરફ નીચું મોઢું રાખીને અદબ વાળીને બેઠો હતો. આશરે અડધી કલાકની શાંતિ બાદ રાઘવે પલ્લવી સામે જોઇને કહ્યું.

“યસ સર..!” પલ્લવીએ ઊંચું માથું કરતા કહ્યું.

“કમ્પ્યુટર પર ટાઈપીંગ ફાવે ને.?” રાઘવે પૂછ્યું. પલ્લવીએ ફક્ત હકારમાં માથું ધુણાવીને હા ભણી. “એક રેઝીગનેશન લેટર ટાઇપ કરવાનો છે. કરી આપશો.?” રાઘવે આગળ ચલાવ્યું.

“શ્યોર સર.!” પલ્લવીએ કહ્યું. ત્યારબાદ તેણે ઓફિસનું કમ્પ્યુટર ઓન કર્યું અને તેમાં માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન કર્યું. “બોલો શું ટાઇપ કરવાનું છે.” માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન કર્યા બાદ તેણે રાઘવને પૂછ્યું.

“લખો...” રાઘવે પોતાની રીવોલ્વીંગ ચેર પર પોતાનું માથું પાછળની તરફ ઢાળી આંખો બંધ કરતા કહ્યું. “લખો કે...હું સુભાષ કોહલી...” રાઘવે કહ્યું એટલે હું સચેત થઇ તેની સામે જોવા લાગ્યો. તે પણ પોતાની બેઠક પર સીધો થતાં તીક્ષ્ણ નજરે મારી સામે જોવા લાગ્યો. તેની આંખોમાં મારા પ્રત્યેનો ગુસ્સો સાફ દેખાઈ આવતો હતો.

“નહિ..નહિ.. એડિટ કરો.... એડિટ કરો... હું એ.સી.પી. સુભાષ કોહલી મારા પદ પરથી રાજીનામું આપું છું. મેં મારા ઉપરી એસ.પી. રાઘવ શર્માના આદેશ બહાર મારી બંદુક વડે ફાયર કરતા એક અગત્યના શકમંદનું એન્કાઉન્ટર થયેલ જેની સંપૂર્ણ જવાબદારી લેતા આ રાજીનામું આપું છું. મહેરબાની કરીને મારું આ રાજીનામું આપ સ્વિકાર કરશો.” રાઘવ બોલતો ગયો અને પલ્લવી ટાઇપ કરી રહી. બે મિનીટ માટે ફરીથી એ જ મૃત્યુવત શાંતિ પ્રસરી ગઈ. કોઈ કશું બોલ્યું નહિ.

“સર હું હજુ એકવાર કહું છું કે એ ગોળી મેં ફાયર કરી જ નહતી.” આખરે ચેહરા પરથી મારા બંને હાથ હટાવીને હું મારી રિવોલ્વિંગ ચેર પરથી ઉભો થયો અને ભારે હિંમત ભેગી કરીને બોલ્યો.

“સુભાષ અમે તારી રિવોલ્વર ચેક કરી છે. તે એકમાત્ર ગોળી ફાયર કરી જે રામચરણને છાતી સોંસરવી ઉતરી ગઈ.” અસલમે કહ્યું. મને અત્યારે તેના પર ગુસ્સો આવતો હતો.

“આપણે રામચરણની બોડીનું પોસ્ટમોર્ટમ કરાવીએ. બધી વાત ખબર પડી જશે.” મેં કહ્યું.

“બધી વાત ખબર પડી જશે પણ ત્યાં સુધી એ.સી.પી. સુભાષ કોહલી તમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. તમારો સસ્પેન્સન લેટર જલ્દીથી તમને મળી જશે.” આટલું કહીને રાઘવ પોતાની ચેર પરથી ઉભો થયો અને રૂમની બહાર જવા લાગ્યો. રૂમની બહાર જતાં-જતાં તેના મોબાઈલ ફોનમાં રિંગ વાગી. તેણે ફોન ઉપાડી હેલ્લો કહ્યું અને ત્યારબાદ રૂમની બહાર નીકળી ગયો. અમે લોકો બાઘાની જેમ એકબીજાની સામે જોઈ રહ્યા. આ દરમ્યાન મેં એક તિક્ષ્ણ નજર અસલમ પર નાખી. તે જાણે કશું જ બન્યું ન હોય એમ મેગેઝીન વાંચવા લાગ્યો.

અચાનકથી ચેમ્બરનો દરવાજો ફરી ખુલ્યો અને રાઘવ પોતાના મોબાઈલને હાથમાં પકડીને ચેમ્બરની અંદર દાખલ થયો. તેણે પોતાના મોબાઈલ તરફ ઈશારો કર્યો એટલે અમે સૌ તેના મોબાઈલ તરફ જોવા લાગ્યા.

“રાઘવ તારે અંદર આવવાની જરૂર નહતી. આપણે એકલામાં પણ વાત કરી શકત.” રાઘવનો મોબાઈલ ફોન સ્પિકર પર હતો. તેમાંથી થોડા દિવસ પહેલા સંભળાયેલો જાણીતો અવાજ આવતો હતો. હા તે ફરી એકવાર રણજીતનો જ અવાજ હતો.!

“ઓકે હવે અંદર આવી જ ગયો છો તો બધાને મારા હાય હેલ્લો અને સતશ્રી અકાલ.!” તેણે આગળ ચલાવ્યું.

રાઘવ આ દરમ્યાન કશું બોલતો નહતો. તેનું ચુપ રહેવું અમારા સૌ માટે સૂચક હતું. ”રાઘવ, હમણાં-હમણાં મારા દોસ્ત સુભાષે જે કહ્યું એ સાવ સાચું હતું. એણે રામચરણને નથી માર્યો. એ પાકો નિશાનેબાજ છે એ તો તમે સૌ જાણો જ છો. એણે ચલાવેલી ગોળી તો રામચરણને હાથમાં વાગી હતી અને એ વાત પોસ્ટમોર્ટમ થયા પછી ખબર પડી જશે.” રણજીતે કહ્યું અને ત્યારબાદ થોડો વિરામ લીધો.

“રામચરણના પ્રાણ લેનાર એ ગોળી....મેં ચલાવી હતી.!” રણજીતે આગળ ચલાવતા કહ્યું. આ સાંભળીને રાઘવ પોતાનું કપાળ ખંજવાળવા લાગ્યો. અમે સૌ આ સાંભળીને સત્બ્ધ બની ગયા.

“કમીના, કુતરા.!” ગુસ્સામાં આવીને અસલમ પોતાની ચેર પરથી ઉભા થતાં બોલ્યો.

“ગાળો બચાવીને રાખજો હજુ ઘણું બધું જોવાનું બાકી છે. મેં પહેલા પણ કહેલું આ તો હજુ શરૂઆત છે. આગળ આવી ઘણીબધી ઘટનાઓ થવાની છે.” રણજીતે કહ્યું. આ દરમ્યાન એક લેડી ઓફિસર ચેમ્બરમાં આવી. તે કશુંક બોલવા જઈ રહી હતી, પરંતુ રાઘવે તેને ઈશારા વડે ચુપ કરી દીધી.

“મારું લોકેશન કદાચ તમને મળી ગયું લાગે છે. આ મેડમ કંઈક એના વિષે જ વાત કરવા આવ્યા છે. બાય દ વે તમારા માટે મારું લોકેશન જાણવા કરતા એ લોકેશન જાણવું વધારે અગત્યનું છે જ્યાં મેટ્રોની માફક જ મોટા પાયે જાનહાની થવાની છે.” રાઘવના કપાળે પરસેવો સ્પષ્ટ દેખાવા લાગ્યો.

“રોકસ્ટાર રોકી યાદ છે ને સુભાષ.?...તૂટેલા દિલના દર્દીઓ રોકસ્ટાર રોકીને એક વખત સાંભળી લ્યો. કેમ કે કદાચ હવે એ તમને સાંભળવા ન મળે.!” મને અત્યારે આ અવાજ રણજિત કરતા કોઈ યમદુતનો અવાજ હોય એવું લાગી રહ્યું.

“આવું શા માટે કરી રહ્યો છો તું.? એવું શું થયું કે જેના લીધે તને આપણા બાળકની પણ નથી પડી.” આખરે રડતાં-રડતાં પલ્લવી બોલી.

“આ વાત મારો મકસદ પૂરો થયા બાદ ફક્ત સુભાષને કહીશ. સુભાષ, એક દોસ્ત તરીકે પલ્લવીની મદદ કરજે.! બસ એટલી આશા રાખું છું.”

“રણજીત...રણજીત... હેલ્લો.!” મારો અવાજ સાંભળવા કદાચ સામે રણજીત નહતો રહ્યો. તેણે કોલ કાપી નાખ્યો.

@ @ @

એ દિવસે ત્યારબાદ ચેમ્બરમાં અજીબ શાંતિ ફેલાઈ ગઈ. હવે શું કરવું અને શું ન કરવું એ બાબતે રાઘવ ખુદ અસમંજસમાં હતો. અંતે આ પરિસ્થિતિમાં તેણે મરાઠાની મદદ લેવાનું ઉચિત સમજ્યું. મરાઠાને ઓફિસે કોલ લગાડતા તે હાલ શર્માસાહેબની સાથે અબ્રોડ હોવાનું જાણવા મળ્યું. રણજીતની વાત રેકોર્ડ કરવામાં આવેલી એ અમે શર્મા અને મરાઠાને સંભળાવવા માંગતા હતા. ગમે એમ મરાઠાસાહેબનો અમે કોન્ટેક કર્યો અને એમને સઘળી વિગતો જણાવી. પેલો રેકોર્ડ કરેલો કોલ પણ એમને વ્હોટસએપ કરી દીધો. કોલ રેકોર્ડીંગ સાંભળ્યા બાદ તેમનો અમને કોલ આવ્યો. તેમણે અમને આપસી મતભેદો ભૂલીને સુબ્રમણ્યમ તથા અશ્વિની સાથે મળીને કામ કરવાનું સુચન કર્યું. રાઘવે આ વાત સુબ્રમણ્યમને જણાવી. એ દિવસે બપોરે સુબ્રમણ્યમએ એક જનરલ મિટિંગ બોલાવી જેમાં અશ્વિની સહીત સૌ કોઈ હાજર હતા. મિટિંગમાં પણ સૌથી પહેલા સૌની હાજરીમાં એ કોલ સૌને સંભળાવવામાં આવ્યો.

“રાઘવ અહી સૌથી પહેલો પ્રશ્ન એ ઉઠે છે કે આરોપી તમારી દરેક હિલચાલથી માહિતગાર છે. એના વિષે તમે કશું સર્ચ કર્યું.?” રેકોર્ડીંગ સાંભળ્યા બાદ સુબ્રમણ્યમએ સવાલ કર્યો. રાઘવ તદ્દન નિરુત્તર હતો. આવી પરિસ્થિતિમાં અમે સૌ કોઈએ રાઘવને પહેલીવાર જોયો હતો.

“સુબ્રમણ્યમસાહેબ.! એસપી શર્મા આરોપીની પત્નીને દરેક જગ્યાએ સાથે લઈને ફરે તો પછી આરોપીને દરેક હિલચાલની જાણ તો રહેવાની જ.” અશ્વિનીએ શરૂઆતથી જ રાઘવ પર માછલા ધોવાનું કામ શરૂ કર્યું.

“મેડમ એક્ચ્યુઅલી હું પહેલા જ કહી ચુક્યો છું કે...!” તેની વાતનો ઉતર આપવા માંગતો હતો પરંતુ રાઘવે હાથ વડે ઈશારો કરીને મને રોકી લીધો.

“ડી.આઈ.જી. સાહેબ સુભાષ સતત પલ્લવીની દેખરેખમાં હતો અને આ ઉપરાંત મેં બીજા ઘણા જાસૂસો પલ્લવીની પાછળ રોકી રાખેલા. ઇવન અત્યારે પણ તે મારા ઘણા જાસૂસોની દેખરેખ હેઠળ છે. બિલીવ મી શીઝ સ્પોટલેસ.!” રાઘવે કહ્યું. તેની આ વાત સાંભળીને મને હળવો આંચકો લાગ્યો. મનમાં એમ થતું હતું કે રાઘવને મારી વાતો પર ભરોસો નહિ હોય.?

“સુભાષ કદાચ તને મારા આ પગલાનું દુખ હશે. પલ્લવી સો ટકા નિર્દોષ છે પરંતુ મને લાગે છે રણજીત આ સમયે ક્યારેય પણ પલ્લવીનો કોન્ટેક સાધવા કોશિશ કરશે. ભલે આ તણખલું હોય પણ અત્યારની પરિસ્થિતિ સંભાળવા માટે એ પણ મદદગાર રહેશે.” રાઘવે મારા હાવભાવ જોઇને કહ્યું.

“એસપી રાઘવ અત્યારે તમારા માટે એ સર્ચ કરવું ખુબ જરૂરી છે કે આરોપીને પળેપળની લાઇવ ખબરો કોના મારફતે મળે છે.” સુબ્રમણ્યમએ કહ્યું.

“રેકોર્ડીંગમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપી પોતાનો બીજો હુમલો કરવાની તૈયારીમાં છે.” અશ્વિનીએ કહ્યું.

“અને તે રોકસ્ટાર રોકીના બેન્ડના અનુસંધાનમાં છે.” કરતારએ કહ્યું.

“મને લાગે છે આ વખતે રોકસ્ટાર રોકી પોતાનું ગિટાર વગાડી વગાડીને મારી નાખશે. આમે તેના ગીતો ખરેખર...જાનલેવા હોય છે.!” અસલમને આ સમયે પણ મસ્તી સુજી રહી હતી.

“ગેટ આઉટ.!” સુબ્રમણ્યમએ તેને કહ્યું.

“વ્હોટ.?” અસલમે પૂછ્યું.

“આઈ સેડ ગેટ આઉટ.!” સુબ્રમણ્યમએ કહ્યું. અસલમ ઉભો થઈને ચેમ્બરની બહાર નીકળી ગયો.

“વેલ એવું હોય તો આપણે હાલના રોકસ્ટાર રોકીના પરફોર્મન્સ અટકાવવા જોઈએ. તેને કાનૂની પરવાનગી ન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ.” સુબ્રમણ્યમએ કહ્યું.

“જી બિલકુલ, એવી રીતે જ આપણે ફરી એકવાર મોટી જાનહાની થતાં અટકાવી શકીશું.” રાઘવે કહ્યું.

“ઓહ્હ માય ગોડ.!” અશ્વિની આ દરમ્યાન એક અંગ્રેજી અખબાર વાંચી રહી હતી. એક ખબર પર તેનું ધ્યાન અટકતા તેણે આવા શબ્દો ઉચ્ચાર્યા. અમે સૌ તેની તરફ જોવા લાગ્યા.

“રોકસ્ટાર રોકી લાઇવ ટુડે એટ સિક્ષ પી.એમ. ઇન લુધિયાણા.!” છાપું વાંચતા તેણે શાંતિથી કહ્યું. અમારા સૌના મોઢા ખુલ્લા રહી ગયા. બીજો કોઈ પ્રશ્ન કરવા અમારામાં તાકાત ન રહી.