restaurants books and stories free download online pdf in Gujarati

રેસ્ટોરન્ટ

સમય ˗ સવારના ૬.૪૫,

ખોલી નં. ૧૧,

ગલી નં.

શ્રમિક આવાસ,

શહેરનો અત્યંત ગરીબ તથા ખરાબ કહેવાય તેનો વિસ્તાર.

ખોલી નં. ૧૧માં બારણું ખુલે છે. એ ખોલીમાંથી શંકર તેની જોડે એક પાણીની ડોલ લઇને લગભગ દોડતો દોડતો જ કોમન ટોઇલેટ તરફ વધ્યો અને તરત જ અંદર ઘુસી ગયો. બહાર પોતાનો વારો આવે એની રાહ જોઇ રહેલા લોકો એ બહારથી જ ગાળો દેવાનું ચાલુ કરી દીધું. ત્યારબાદ શંકરની પત્ની સુરેખા તેની પુત્રી રીનાને ઉંઘમાંથી ઉઠાડે છે. રીના આળસ મરડીને ઉંઘમાંથી ઉઠે છે. તે પોતાનું રોજિંદુ કામ પતાવીને પોતાના રોજના રસ્તે રોજનું કામ, ભીખ માંગવાનું કામ કરવા નીકળી જાય છે.

રોજ જ રીના અલગઅલગ રસ્તે ભીખ માગતી. ક્યારેક કોઇ વખત સોસાયટી આવતી. ક્યારેક કોઇ વખત સ્કુલ આવતી. પણ રીના એક રસ્તો વધારે ગમતો. એ રસ્તામાં વચ્ચે રેસ્ટોરન્ટ આવતી. એ જ્યારે પણ એ રસ્તામાંથી ગુજરતી હતી, ત્યારે એ ઘણાં સમય માટે એ રેસ્ટોરન્ટ પાસે ઉભી રહેતી. જાત જાતના લોકો આવતા, રેસ્ટોરન્ટમાં જમવા જતા. રીના ત્યાં ઊભીઊભી એ બધું જ જોયા કરતી. ક્યારેક હોટેલનો સ્ટાફ રીનાને ખખડાવવા પણ આવતો. તો ક્યારેક રેસ્ટોરન્ટમાં જમવા આવતાં અમુક લોકો એને ભીખ આપતા તો કોઇ રીનાને જોઇને જાણે રીનાએ કોઇ નજર લગાવી હોય એમ પોતના ભોજનમાંથી થોડું સાઇડ પર મુકી દેતા.

રીનાને બસ એક જ ઇચ્છા હતી કે તે પોતના માતાપિતા જોડે એક વાર એ હોટેલમાં જમવા માટે જાય. એક દિવસ રીના એ એના પિતાને કહિ જ દીધુ.

રીના - પપ્પા, આપણે એક દિવસ બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઇશું.

સુરેખા - રીના, આ શું નવું માંડ્યુ છે. તને ખબર છે ને કે રેસ્ટોરન્ટમાં જવાના આપણા ગજા નથી.

રીના - ખબર છે. પણ શું આપણે એક વાર પણ નહીં જઇ શકિયે? શું આપણે બસ ઘરમાં બેસી રહેવાનું?

સુરેખા અને રીના વચ્ચે આ બાબતે ઘણી લાંબી વાતો ચાલી પણ છેવટે શંકરે જવાબ આપ્યોશંકર - રીના, તારે રેસ્ટોરન્ટમાં જ જવુ છે ને? આવતા મહિને તારો જન્મદિવસ છે. આપણે તારા જન્મદિવસે રેસ્ટોરન્ટમાં જઇશુ. બસ ખુશ?

રીના - હા પપ્પા, એક્દમ ખુશ.

એ રાત્રે રીનાને ઊંઘ જ ના આવી. આખી રાત એ એમ જ વિચાર્યા કરતી કે હવે અમે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઇશુ એટલે રેસ્ટોરન્ટ વાળો પણ મને જોઇને કોઇ દિવસ મને ભગાવશે નહિ.

શંકર પોતાના પરીવારને રેસ્ટોરન્ટમાં લઇ જવાનો હોવાથી ઘરના અમુક ખર્ચા પર કાપ મુકવા માંડયો. છેવટે શંકરની પુત્રી રીનાનો જન્મદિવસ આવી ગયો. પુત્રી રીનાની વાત માનીને તેના જન્મદિવસ નિમિત્તે શંકર પોતાના પરીવારને આજે બહાર રેસ્ટોરન્ટમાં જમવા માટે લઇ જવાનો છે.

રીના - પપ્પા, આજે આપણે રેસ્ટોરન્ટમાં જમવા માટે જવાનું છે તે યાદ છે ને?

શંકર - હા રીના, મને બરાબર યાદ છે. જન્મદિવસની ખુબ ખુબ બધાઇ.

સુરેખા - એપ્પી બથ દે, રીના.

સુરેખાને તો હેપ્પી બર્થ ડે પણ બોલતા નથી ફાવતુ ત્યાં શંકર તેના પરીવારને રેસ્ટોરન્ટમાં જમવા માટે લઇ જવાનો છે.

રીના - હું જે રસ્તે ભીખ માંગુ છુ, એ રસ્તામાં વચ્ચે જ એક રેસ્ટોરન્ટ આવે છે. આપણે ત્યાં જ જઇશું.

શંકર - સારુ રીના, આપણે ત્યાં જ જઇશુ.

શંકર, સુરેખા અને રીના આજે ત્રણેય જણ બહુ જ ખુશ હતા. રીનાતો બસ સાંજ પડવાની જ રાહ જોયા કરે. આજના એના રેસ્ટોરન્ટના અનુભવને એ જીંદગીભર સાચવીને રાખવા માગે છે. આજની સાંજ રીના માટે અતિ-મહત્વની સાંજ છે. છેવટે એ ઘડી આવી જ ગયી.શંકર, સુરેખા અને રીના રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે પોત-પોતાની રીતે તૈયાર થવા લાગ્યા. તેઓની પાસે હયાત કપડામાંથી સૌથી સારા કપડા ત્રણેય જણાએ પહેર્યા છે. રીના સૌથી આગળ રેસ્ટોરન્ટ તરફ ચાલે છે. અને પાછળ પાછળ શંકર તથા સુરેખા ગભરાતા હ્રદયે ચાલે છે. ઘણૂ અંતર કાપ્યા પછી છેવટે રેસ્ટોરન્ટ આવે છે.રીના સૌથી આગળ રેસ્ટોરન્ટની અંદર જવા માટે દરવાજો ખોલે છે ત્યાં જ....વેઇટર - એ ભીખારી, અંદર ક્યાં જાય છે? આ કોઇ ભીખ માગવા માટેની જગ્યા નથી.આ શબ્દ સાંભળી રેસ્ટોરન્ટની અંદર હાજર તમામ વ્યક્તિઓ શંકર, સુરેખા તથા રીના તરફ જોઇને હસવા માંડે છે. બધા જ ત્રણેયના કપડા જોઇને વધુ હસવા માંડે છે. શંકર તેના પરીવારને વધુ અપમાન સહન ના કરવુ પડે એટલા માટે પરિવારને લઇને ત્યાંથી નીકળી જાય છે.

રીનાની આંખમાંથી આંસુઓ રોકાતા ના હતા. શંકર અને સુરેખાએ રીનાને સમજાવવાનો ઘણા પ્રયત્નો કર્યા પણ રીના રડવાનું રોકી શકતી ના હતી. છેવટે શંકરના ઘણા પ્રયત્નો પછી રીના ઢાબા પર જમવા માટે તૈયાર થઇ. શંકર તેના પરીવારને લઇને એક ઢાબા પર જમવા માટે લઇ જાય છે. ઢાબાવાળો તથા ત્યાં હાજર કોઇ પણ વ્યક્તિ શંકર તથા તેના પરિવાર સામે જોઇને હસતુ ના હતું. શંકર, સુરેખા તથા રીના એ પેટ ભરીને ઢાબા પર જમ્યા.

શંકર, સુરેખા અને રીના માટે આજનો દિવસ ઘણો જ યાદગાર બની રહ્યો. રીના હવે જ્યારે પણ કોઇ પણ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થાય છે ત્યારે એને રેસ્ટોરન્ટની અંદર બેઠેલા તમામ વ્યક્તિઓ ઉપર દયા આવે છે. કારણ બસ એક જ, રેસ્ટોરન્ટના માલિકો કે એમાં કામ કરતા લોકોને વ્યક્તિ પ્રત્યે નહીં˒ પણ તેમની પોતાની કમાણી વધારનાર ગ્રાહકો પ્રત્યે લાગણી છે.

રીનાએ તે દિવસ પછી સપનાઓ જોવાના જ છોડી દિધા.

શૈશવ ભગતવાલા