Saurashtrani Rasdhar - Varnavo Parmar books and stories free download online pdf in Gujarati

વર્ણવો પરમાર

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


વર્ણવો પરમાર

સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધડીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાંચ ઝાડનાં ઝુંડની વચ્ચે એક મીઠા પાણીનો વીરડો છે, એક પુરુષો પાળિયો છે, ને એક સતીના પંજાની ખાંભી છે.

આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. ચૌદ ગાઉ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઇ વિસામો લેવાની છાંયડી. દિવસને વખતે કોઇ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે, તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહિ તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે. રાતે ચાલેલો વટેમાર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને ‘વર્ણવા પીરની જગ્યા’ કહે છે.

આ વર્ણવો પરમાર કોણ હતો? પચીસ વર્ષનો એક ક્ષત્રી જુવાનઃ હજુ તો દસૈયા નહાતો હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઊતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હીંચકતું હતું. પ્રેમીની આંખના પાંચ પલકારા જેવી પાંચ જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ એને ઘેરીને ક્ષત્રી ડાયરો એના સંયમની ચોકી કરતો;

અને ત્યાર પછી તો એ કંકુની ટશર જેવા રાતા ઢોલિયામાં, સવા મણ રૂની એ તળાઇમાં, સમુદ્રફીણ સરખા ્‌એ ધોળા ઓછાડમાં ગોરી રજપૂતાણીની છાતી ઉપર પડ્યાં પડ્યાં રાત્રીના ત્રણ પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જાતા; રાત્રિથી જાણે એ ક્ષત્રીબેલડીનાં સુખ નહોતાં સહેવાતાં, નહોતાં જોવાતાં.

આજ છઠ્ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રજપૂતાણી એની મેડી ઉપરથી કમાડની તરડ સોંસરવી. ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી, પણ વર્ણવાનું માથું તો એ બીડેલી બારી સામે શી રીતે ઊંચું થઇ શકે? ઉઘાડી સમશેરો સરખી કેટલીયે આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તો હતાં ક્ષત્રીનાં પરણેતર!

ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરેઘર વાછરું રોવા લાગ્યાં. બૂંગિયો ઢોલ ગાજ્યો; અને ચારણે ચોરે આવીને હાકલ મારી કેઃ

ક્ષત્રી લાગે ખોટ, ગઢવી જાતાં ગાવડી,

દેખી વ્રણવા દોડ, મત લજાવ્યો માવડી!

ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઇને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો. મિયાણાની ગોળીઓનો મે’ વરસતો હતો તેમાં થઇને વર્ણવો પહોંચ્યો. બીજા રજપૂતોને પાછળ મેલીને દોડ્યા આવતા એ મીઢળબંધા વરરાજાને જોતાં તો મિયાણાને પણ થયું કે ‘વાહ રજપૂત!’ એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભરી આવી. જુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોપ્યું ને કહ્યુંઃ ‘જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે.’

સહુને પોતપોતાના પશુ પહોંચી ગયાં. પણ સુતારની બાયડી પોતાનાં રોતાં છોકરાંને કેડે વળગાડીને કકળતી આવીઃ “એ બાપુ વર્ણવા! બધાંયનાં ઢોર લાવ્યો, ને એક મારી બોડી ગા જ રહી ગઇ? મારાં ગભરુડાં જ શું છાશું વિના ટળવળશે?”

વર્ણવો ફરી વાર ચડ્યો. “બહેન, તારી બોડી વિના પાછો નહિ આવું” કહેતો ઊપડ્યો. પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાને માટજે કાપી નાખી હતી. ગૌમાતાનું રુધિર ભાળીને વર્ણવો મરણિયો બન્યો. આખા રણમાં રમખાણ જામ્યું.

ઠેઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું; ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તરવાર ને માથે ઊછળતી રુધિરની ધાર; મરડકની ધારથી ત્રણ ગાઉ ઉપર ધડ પડ્યું.

રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવા ને મર્યો હોય તો મોંમાં જળ મેલવા, પેલી મેડીએ બેસીને વાટ જોતી રજપૂતાણી પણ મંગળ ચૂંદડીએ, માથે ગંગાજળનો ઘડો મૂકીને રણમાં આવી. સ્વમીનું શબ જોયું, પણ માથું ન મળે.

એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો. ધડની સાથે જ બળી મરી.

(છપ્પય) ૧

હાંકી ધેન હજાર, સુણી આજુદ્ધ સજાયો,

કર ગ્રહિયો કબ્બાન, ૨ અહુચળ ખાગ ૪ ઉઠાયો.

વરણવ ૫ સરવર ઝાળ, રણ મહીં જુદ્ધ રચાયો,

પણ પડતે પરમાર, પાટ ઇંદ્રાપર પાયો.

જળપાત્ર લે જમના તણું, મૂકી પાણ ૬ હંદા મથે,

એ દિન નીર અમૃત ભર્યું, હિંદવાણી નાર પોતે હથે.

જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવોએ એનાં જળ પીધેલાં હશે, અને કરોડો હજુ પીશે. આસપાસ ત્રણ દિશે ચૌદ ગાઉમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી.

વસિયો વણમાં વર્ણવો, દીનો મારતાં દેન,

પાણ થઇ પરમારનું, ધાવે મસ્તક ધેન,

(વર્ણવો તો રણમાં માર્યો, એના શરૉીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું.)

રણને સામે કાંઠે, આડેસર ગામની અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતુંઃ પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે? આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે! ગાયનો ધણી ગોવાળનો રોજ ઠપકો આપે કેઃ ‘કોઇક મારી ગાયને દોહી લે છે.’

એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા મંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એ જ ગાય નોખી તરી ગઇ. ને બીજી દિશામાં ચાલતી થઇ. ભરવાડને કૌતુક થયું. ધણને રેઢું મૂકીને એ ગાયની પાછળ ચાલ્યો.

આઘે એક ઝાડની નીચે ગાય થંભી ગઇ. ચારેય પગ પહોળા કરીને ઊભી રહી એના ચારેય આંચળમાંથી ખળળ ખળળ દૂધની ધાર ચાલી, અને જમીનમાં પાંદડાંના ગંજ નીચેથી ઘટાક! ઘટાક! ઘટાક! કરતું કોઇ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આઉ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઇ. ભરવાડ પાંદડાં ઉખેળીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તકનું દૂધેભર્યું મોં દીઠું!

તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે.

આજ કોઇ વાર કોઇ ગાફિલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે છે. પાણી વિના એને ગળે શોષ પડે છે. જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઇ તેજસ્વી ઘોડેસવાર, એક હાથમાં મીઠા પાણીની મશક લઇને મારતે ઘોડે હાજર થાય છે. અને બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સીંચે છે. એવી વાતો ઘણાને મોઢેથી સંભળાય છે.