Jivan saundary books and stories free download online pdf in Gujarati

જીવન સૌંદર્ય

જીવન સોંદર્ય

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૬

શ્રેષ્ઠ સૌંદર્ય

એક વ્યક્તિ જિજ્ઞાસુ વૃત્તિનો હતો. એક દિવસ તેના મનમાં સવાલ થયો કે શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે? આ સવાલનો જવાબ મેળવવા તે નીકળી પડયો. તેણે નક્કી કર્યું કે જુદી જુદી વ્યક્તિઓને મળીને જાણકારી મેળવવી.

રસ્તામાં સૌથી પહેલા એક તપસ્વી મળ્યા. તેમને પ્રશ્ન પૂછયો. કે આપણા જીવનનું શ્રેષ્ઠ સૌંદર્ય કયું છે? તેમણે કહ્યું:''શ્રધ્ધા જ સૌથી સુંદર છે. કેમકે માટીને પણ તે ભગવાનમાં પરિવર્તિત કરી દે છે.'' એ વ્યક્તિને આ જવાબથી સંતોષ ના થયો. તે આગળ વધ્યો. આગળ જતાં એક પ્રેમી યુવાન મળ્યો. તેની સામે પોતાનો સવાલ રજૂ કર્યો. તેણે કહ્યું:''આ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સૌંદર્ય ફકત પ્રેમ છે. પ્રેમથી માણસ દુનિયાની મોટામાં મોટી તાકાતને પણ હરાવી શકે છે.'' આ જવાબથી પણ તેને સંતોષ ના થયો.

આગળ જંગલના માર્ગે જતો હતો ત્યારે એક યોધ્ધા મળ્યો. તેનો જવાબ સાંભળ્યો. તેણે કહ્યું:''શાંતિમાં જ સાચું સૌંદર્ય છે. કેમકે યુધ્ધની વિનાશ લીલાને હું મારી આંખે જોઈને આવ્યો છું. મેં જોયું કે કેવી રીતે ઈર્ષા અને લોભના વશમાં થઈ લડવામાં આવેલી લડાઈથી અનેક જિંદગીઓ બરબાદ થાય છે. અનેક ઘર ઉજડી જાય છે.'' જિજ્ઞાસુ વ્યક્તિને હજુ યોગ્ય જવાબ મળી રહ્યો ન હતો. તેને કોઇના જવાબથી સંતોષ ન હતો. તે થોડો આગળ વધ્યો. અને એક ગામમાં પ્રવેશ કર્યો.

એક સ્ત્રી રડતી આવતી હતી. એ દુ:ખી સ્ત્રીને રડવાનું કારણ પૂછયું ત્યારે તે બોલીઃ''ભાઈ, મારી દીકરી રમતા-રમતા ન જાણે કયાં ચાલી ગઈ છે. હું તેને શોધી રહી છું.'' ત્યાં જ તેની છોકરી આવી ગઈ. સ્ત્રીએ તેને ભેટીને વહાલ વરસાવ્યું. ત્યારે તેને ખુશ જોઈ જિજ્ઞાસુએ પોતાનો સવાલ પૂછયો. પેલી સ્ત્રી બોલીઃ''ભાઈ, મારી નજરમાં તો મમતામાં જ શ્રેષ્ઠ સૌંદર્ય છુપાયેલું છે.'' સ્ત્રીની વાત સાંભળી એ વ્યક્તિને પોતાના પરિવારની યાદ આવી ગઈ. તેને ખ્યાલ આવ્યો કે તે ઘણા દિવસથી ઘરની બહાર છે. તે તરત જ ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચીને તે હેતથી પત્ની અને બાળકોને ભેટી પડયો. તેમને જોઈને તેને અસીમ શાંતિનો અનુભવ થયો. તેને લાગ્યું કે પરિવાર જ શ્રેષ્ઠ સૌંદર્ય છે. પછી તેણે બધાનો વિચાર કરીને માન્યું કે શ્રેષ્ઠ સૌંદર્યનો અર્થ હકીકતમાં દરેક વ્યક્તિ માટે અલગ-અલગ છે. અને જેની પાસે જે અર્થ છે એ તેની નજરમાં મહત્ત્વનો છે.

*
સૌંદર્યનું ઝરણ બધે વહેતું દીસુ છું હું,

બ્રહ્માંડ મુજ નજર મહીં સૌંદર્ય-વાસ છે.

*
જે આકર્ષક અને સુંદર છે, તે હંમેશા શ્રેષ્ઠ નથી હોતું. પરંતુ જે શ્રેષ્ઠ છે તે હંમેશા સુંદર હશે.


***
વિદ્વતા વસ્ત્રમાં નહીં મસ્તકમાં હોય

ધર્મરાજ યુધિષ્ઠિર વિદ્વાનોનો ખૂબ આદર - સત્કાર કરતા હતા. તેમની સાથે ચર્ચા અને વાદવિવાદ કરવાનું તેમને ગમતું હતું. એક વખત તેમને મળવા માટે એકસાથે બે વિદ્વાન આવીને ઊભા રહી ગયા. તેમાં એક વિદ્વાને માથા પર પાઘડી રાખી ચંદનનું તિલક કર્યું હતું. ગળામાં રુદ્રાક્ષની માળા હતી. બીજા વિદ્વાનની વેશભૂષા સામાન્ય હતી. તેથી શ્વેત વસ્ત્ર ધારણ કરીને આવેલા એ વિદ્વાનના પહેરવેશથી યુધિષ્ઠિર તરત પ્રભાવિત થઈ ગયા અને તેને મુલાકાતની તક પહેલા આપી. તેની સાથે વિચાર વિમર્શ કર્યા પછી યુધિષ્ઠિરે કોષાધ્યક્ષને આદેશ આપ્યો કે યોગ્ય માત્રામાં સુવર્ણમુદ્રા આપી તેને સન્માનથી વિદાય આપો.

એ પછી યુધિષ્ઠિરે સાધારણ વેશવાળા વિદ્વાનને મળવા બોલાવ્યા. ધીમે ધીમે તેની સાથે યુધિષ્ઠિરને ચર્ચા કરવાની મજા આવી. તેની સાથે વિચાર વિમર્શમાં કેટલો સમય નીકળી ગયો તેનો યુધિષ્ઠિરને અંદાજ ના રહ્યો. અંતમાં યુધિષ્ઠિરે પોતાના હાથે તેને સુવર્ણમુદ્રાઓ આપી સન્માન કર્યું અને પોતે રાજભવનના દ્વાર સુધી વિદાય આપવા માટે ગયા.

વાયુપુત્ર ભીમ કયારનોય યુધિષ્ઠિરની વિદ્વાનો સાથેની મુલાકાત નિહાળી રહ્યો હતો. તેને યુધિષ્ઠિરનો બંને વિદ્વાનો સાથેના વ્યવહારનો ફરક સમજાયો નહિ. એટલે યુધિષ્ઠિરને પૂછયું :''વડીલ આ કેવું ? એક વિદ્વાનનું આરંભમાં અને બીજાનું અંતમાં સન્માન કર્યું. મને આ વાતનો મર્મ સમજાવશો?'' યુધિષ્ઠિર જરા હસીને કહેઃ''બેટા, પ્રથમ વિદ્વાને મને પોતાના પહેરવેશથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો. થોડીવાર એ પોતાના હેતુમાં સફળ રહ્યો એટલે મારી પાસે પ્રાથમિક લાભ લઈ ગયો. પણ વિદ્વતા તો વસ્ત્રોમાં નહિ મસ્તકમાં નિવાસ કરે છે. એ એટલો વિદ્વાન ના નીકળ્યો જેટલો બહારથી દેખાતો હતો. બીજો વિદ્વાન મનીષી નીકળ્યો. તેણે પોતાનું જ્ઞાન બાહ્ય દેખાવથી નહિ પણ વિચાર વિમર્શથી બતાવ્યું. તે મારી ધારણા કરતાં વધુ તત્વવેત્તા નીકળ્યો. એટલે મેં અંતમાં તેનું વધારે સન્માન કરીને મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો. જીવનમાં દેખાવનું નહિ ગુણનું મહત્ત્વ છે. અંતે તો માણસ તેના ગુણોથી જ પૂજાય છે.''*
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો,

આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

-'સૈફ' પાલનપુરી

*
બહારના દેખાવ કરતાં દિલની શુધ્ધ ભાવના વધારે અસર કરે છે.

***

બીજાને ખોટું કરતા રોકીએ

કલકત્તામાં વિદ્વાન અને સમાજ સુધારક તરીકે રામતનુ લાહિરી જાણીતા હતા. એક સદાચારી વ્યક્તિ તરીકે તેમની શહેરમાં પ્રતિષ્ઠા હતી. તેઓ લાગણીશીલ અને સમજુ પણ હતા.

આ એ સમયની વાત છે જયારે તે કૃષ્ણનગર કોલેજમાં મુખ્ય અધ્યાપક તરીકે કામ કરતા હતા. તેમની જીવન ઉપયોગી વાત કહેવાની સરળ રીતથી તેમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત હતા. તેઓ જેવું કહેતા એવું જ જીવન જીવતા હતા. બધા જ તેમની પાસેથી કંઈક ને કંઈક શીખતા રહેતા હતા. તેમનો વ્યવહાર પણ અત્યંત મધુર અને પ્રેમભર્યો હોવાથી બધા જ પ્રભાવિત હતા.

એક દિવસ રામતનુ લાહિરી પોતાના મિત્ર અશ્વિનીકુમાર સાથે કયાંક જઈ રહ્યા હતા. બંને મિત્રો વાત કરતાં સડકના કિનારે ચાલીને જઈ રહ્યા હતા.

અશ્વિનીકુમાર સાથે ઉત્સાહથી વાત કરતા રામતનુ લાહિરીએ થોડીવાર પછી કોઈને સામેથી આવતા જોઈને અચાનક વાત બંધ કરી દીધી અને ચાલતા હતા એ બાજુ છોડી સડકની બીજી તરફ ચાલ્યા ગયા. જેથી એ વ્યક્તિ તેમને જોઈ ના શકે.

અશ્વિનીકુમારને તેમનું આ વર્તન થોડું અજીબ લાગ્યું. તેમને થયું કે રામતનુ તેમનાથી ડરે છે કે પછી કોઈ ઉધાર ચૂકવવાનું બાકી હશે એટલે મોઢું છુપાવી દીધું. સામેથી આવતી વ્યક્તિ પસાર થઇ ગઇ.

એ વ્યક્તિ જતી રહી પછી રામતનુ લાહિરી પાછા અશ્વિનીકુમાર સાથે આવી ગયા. એટલે તેમણે આશ્ચર્યથી પૂછયુઃ''મિત્ર, તમારે એ વ્યક્તિથી મોં છુપાવવાની કેમ જરૂર પડી?'' ત્યારે રામતનુ લાહિરી કહેઃ''મિત્ર, વાત એમ છે કે એ સજ્જને મારી પાસેથી થોડા રૂપિયા ઉધાર લીધા છે. પણ હવે જલદી ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી. એ જયારે પણ મને મળે છે ત્યારે મજબૂરીમાં નવી તારીખ આપે છે. અને કહે છે કે એ તારીખે ચૂકવી દેશે. પણ તે આપી શકતા નથી. હું એમને જોઈને બીજા રસ્તે એટલા માટે ચાલી ગયો કે હવે તેમણે જૂઠું બોલવું ના પડે. આ રીતે હું તેમને એક ખોટું કાર્ય કરતાં રોકી શકયો છું. હું એમને સારી રીતે ઓળખું છું મને વિશ્વાસ છે કે એમની પાસે રૂપિયા આવશે એટલે એ સામેથી જ આપવા આવશે.''
રામતનુ લાહિરીની વાતથી અશ્વિનીકુમાર પ્રભાવિત થયા. અને તેમના માટે ખોટો વિચાર કરવા બદલ અફસોસ થયો. તેમને એક નવી વાત શીખવા મળી કે બીજાને ખબર ના પડે એમ ખોટું કરતાં આપણે પણ રોકી શકીએ છીએ. અને એ જ માનવ તરીકેની આપણી સાચી ઓળખાણ છે.

*
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ',

ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

-મરીઝ
*
મિત્ર પાસેથી પૈસા ઉધાર લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે? – ગોનેજ

*****