Vyomnath books and stories free download online pdf in Gujarati

વ્યોમનાથ

વ્યોમનાથ

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

વ્યોમનાથનુ ચિત્ત ખુબ જ ઉદાસ હતુ. તેને પોતાના ફેવરેટ નાસ્તા ગાંઠિયા જલેબી પર તેનુ ધ્યાન ન હતુ. રાતના બે વાગી ગયા હતા. તે પોતાની ઓફિસમાં સાવ એકલો હતો. બહાર હોર્નનો અવાજ સંભળાયો. અત્યારે અડધી રાતે નીરવ શાંતિમાં તે અવાજે તેનુ ધ્યાન ભંગ થયુ અને તે નાસ્તો ટેબલ પર મુકીને બારી પાસે જોવા ગયા. તેની ઓફિસની બાજુમાં રહેતો ધ્યાનચંદ તેની નાઇટ ડયુટી પુરી કરીને ઘરે આવ્યો હતો. વળી કડકડતી ભુખે તે ફરી ગાંઠિયા જલેબી પાસે આવ્યો. સવારે પણ આવી જ કડકડતી ભુખ લાગી હતી અને એટલે બહુ નજાકત અને પ્રેમથી આ ગાંઠિયા અને જલેબી તેના આસિટન્ટ પુર્વ સાથે મંગાવ્યા હતા. પરંતુ તેના નસીબમાં અત્યારે અડધી રાતે ઠંડા લુખા સુકા ખાવાના લખ્યા હશે કે તેને આખો દિવસ અન્નનો દાણો પણ નસીબ ન થયો.

બહુ ઉત્સાહથી આજે વહેલો સવારે ચાર વાગ્યે ઉઠી ગયો હતો. સવારે જ નક્કી કરી લીધુ હતુ કે ચાર પાંચ નાના નાના કેસ એકઠા થઇ ગયા હતા તેને આજે સોલ્વ કરી લેવા અને કાલે તો વીકેન્ડ પર રજા લઇ પરિવાર સાથે ફરવા નીકળી જશે. ઘણા સમયથી તે કયારેય પરિવાર સાથે બહાર ગયો ન હતો. તેની પત્ની સ્વાતિ હમેંશા ફરિયાદ કરતી રહેતી બસ કામ કામ અને કામ જ. આજે તેની ફરિયાદ હમેંશા માટે દુર કરી દેવા તેને ઇચ્છા હતી આથી આગલી રાત્રે જ તેને પિકનિક માટે ગોવાની ટિકિટ બુક કરાવી લીધી હતી. તેના લાડકા દીકરા સોહમને પણ બે દિવસ સ્કુલમાં રજા હતી આથી સારો મેળ હતો. બધા બે દિવસ ફુલ એન્જોય કરીશુ. એવુ તેને નક્કી કરી લીધુ હતુ. નસીબથી વધારે કયાં કોઇને મળે છે? એક ફોને તેના બધા પ્લાન પર પાણી ફેરવી દીધુ. હમેંશાની જેમ જ. સવારે હજુ નાસ્તો મંગાવ્યો હતો ત્યાં જ શહેરના નામાંકિત વ્યાપારી મનોજ શુકલનો ફોન આવ્યો, “ડિટેકટીવ સાહેબ જલ્દી આવી જાઓ.” તેનો નાસ્તો અને તેના બાકી રહેલા બધા કેસ બધુ રહી ગયુ અને તે સીધો મનોજ શુકલના ઘરે નીકળી ગયો.

“સર, બેસો બેસો.” વ્યોમનાથને આવતાવેંત જ મનોજ શુકલે તેને સોફા પર બેસાડીને કહ્યુ. “તમને આજે એવી શુ મુસીબત આવી પડી?” વ્યોમનાથે ચેર પર બેસતા કહ્યુ. “વાત જ એવી છે. પોલીસને પણ કહેવાય એમ નથી. આથી, તમને બોલાવવા પડયા. “ઓહ્હ, એવુ શુ બની ગયુ? તમારી પાસે તો ઘણા માણસો છે. ગાર્ડ્સ અને પ્રાઇવેટ ડિટેકટીવ્સ અમારા જેવા નાના ડિટેકટીવની શી જરુરિયાત પડી?” “અમારા માણસો તમારા જેવા કાબેલ નથી. વળી, વાત જ એવી છે કે ગામ ઢંઢેરો પીટાઇ એવો નથી.” “વાઉ, હા બોલો.” “પ્લીઝ, આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઇએ. કોઇને કહેતા નહિ હો.” “હા, અમારો ડિટેકટીવનો નિયમ જ છે. અસીલની બધી વાતો અમે ગુપ્ત જ રાખીએ છીએ. તેની જરાય ફિકર ન કરજો. બસ હવે જલ્દી વાત જણાવો તો જલ્દી કેસ સોલ્વ થાય.”

***

“હુ જયારે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે અમે બધા મિત્રો પિકનિક માટે માથેરાન ગયા હતા ત્યારે હુ અને મારી ક્લોઝ ફ્રેન્ડ જયોતિ થોડા નશામાં એકબીજાના હાથ પકડીને રસ્તા ઘુમી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી કોઇ અમારી તસવીર ખેંચી રહ્યુ હોય તેવુ લાગ્યુ. મારા પિતાજી ખુબ જ રૂઢિચુસ્ત અને શિસ્તવાદી હતા. મને ખુબ જ ડર લાગ્યો કે આવી અમારી તસવીર કોઇ રીતે મારા પરિવાર પાસે પહોંચી જશે તો બહુ ખરાબ બનશે. હુ ડરી તેની પાછળ ભાગવા લાગ્યો. તે માણસ પોતાનુ મુખ સંતાડી આગળ ભાગી રહ્યો હતો. તે મારા કરતા ખુબ જ આગળ હતો. અચાનક તે રસ્તે જતી કાર સાથે અથડાયો અને સ્થળ પર જ તેનુ મૃત્યુ થઇ ગયુ અને તેનો કેમેરો પણ પડીને તુટી ગયો. આથી હુ દુરથી રિલેકસ થઇને જતો રહ્યો. મે કયારેય વધારે તપાસ કરવાની કોશિષ પણ ન કરી કે તે કોણ હતો અને શા માટે અમારી આવી ફોટો ખેંચતો હતો? ત્યારબાદ હુ રોજીદી લાઇફમાં મશગુલ બની ગયો. અને તે મારી બેફીકરાયનુ પરિણામ આજે ભોગવી રહ્યો છું.” આટલુ માંડ બોલીને મનોજ શુકલ હાંફવા લાગ્યા અને પાણીનો ઘુંટડો ભરીને તે આમતેમ જોવા લાગ્યા. ઘરમાં લગભગ કોઇ દેખાતુ ન હતુ છતાંય તેને કોન્ફોર્મ કરી લીધુ. “બધાને બહાર મોકલી દીધા છે. મને ખુબ જ ડર લાગી રહ્યો છે. કોઇને ખબર પડ્શે તો મારા કેવા હાલ થશે?” “પણ એવુ શુ છે કે તમે આટલા બધા ડરી રહ્યા છો? કાંઇક ખુલાસો કરો તો ખબર પડે.”

મનોજભાઇએ ડરતા ડરતા કહ્યુ,

“બે દિવસ પહેલા મને એક કોલ આવ્યો કે હું મેઇલ ચેક કરી લઉ. હુ મોટે ભાગે પર્સનલ મેઇલ આઇ.ડી. વીકમાં એકાદ વાર જ ચેક કરુ છું. કોઇ અજાણ્યા વ્યક્તિનો આમ ફોન આવતા મે ફટાફટ મારો મેઇલ ચેક કર્યો. જે જોઇને હું એકદમ ગભરાય ગયો. તેને મારી પુરી જીંદગી પર નજર રાખી હતી અને મારી ઘણી એવી પર્સનલ ફોટો અને વિડિયો બનાવીને મોકલ્યા હતા અને જ્યોતિ સાથેના તે ફોટા પર મોકલ્યા હતા. મારી પાસે બે કરોડ રૂપિયા માંગ્યા છે. હું મારી તમામ સંપત્તિ વેચી દઉ તો પણ માંડ હું બે કરોડ રૂપિયા ભેગા કરી શકુ અને જો હું આવુ કરવા જાઉ તો પણ મારા પરિવારને શંકા જાય. અને તેઓએ મને ધમકી આપી કે જો હું તેને બે કરોડ રૂપિયા નહિ આપુ તો મને બદનામ કરી દેશે.” આટલુ બોલીને મનોજ શુકલે વ્યોમનાથને બધા ફોટા અને વિડીયો ક્લિપ્સ બતાવી. ઘણા ફોટા અને ક્લિપ્સ સામાન્ય હતા પરંતુ ઘણા ખુબ જ અસામાન્ય હતા. બે નંબરના બિઝનેશના પણ હતા. “સર, આ બધા સાચા નથી મેં એવુ કદી કર્યુ નથી. તેઓએ મને બદનામ કરવા ટ્રિકથી ઘણાં ખોટા વિડિયો અને ફોટા બનાવ્યા છે. કોર્ટમાં હું બધુ સાબિત કરવા અને આની પાછળ કોણ છે તે શોધવા માટે જઇશ ત્યાં સુધી મારા પરિવાર અને સમાજનો વિશ્વાસ ગુમાવી બેસીસ.”

“પ્લીઝ તમે જેમ બને તેમ જલ્દી તપાસ કરી આપજો. તેઓએ મને માત્ર બે દિવસનો સમય જ આપ્યો છે.” “તમે ચિંતા ન કરો. હું હમણા જલ્દી જ કેસ સોલ્વ કરી આપીશ. જે કોઇ છે તેને જરૂરથી સામે આવવુ પડશે. હવે તમે જુઓ આ વ્યોમનાથનો કમાલ.” “ખુબ ખુબ આભાર આપનો. તમારી ફીના એડવાન્સ પૈસા તમારા ખાતામાં હમણા જ જમા થઇ જશે. બાકીના તમારી રીત મુજબ કેસ સોલ્વ થયા બાદ મળી જ્શે.” વ્યોમનાથએ કોલ આવ્યો હતો તે નંબર અને સમય તથા મેઇલની બધી ડિટેઇલસ લઇ લીધી. અને તે નીકળી ગયો. મોડી રાત્રી સુધી તેને બધી ઇન્ફોમેશન એકઠી કરી. તેને ખાવા પીવાનુ ભાન પણ ન હતુ. રાત્રે બે વાગ્યે તેના આસિસન્ટન્ટ પુર્વને રજા આપી ત્યારે તેના ભુખનો મારો શરૂ થઇ ગયો અને તેને સવારના ગાંઠિયા યાદ આવ્યા. તેની પત્નીના જલ્દી ઘરે આવજોના ફોન પુરા થઇ ગયા હતા. તે ફરીથી ગુસ્સે થઇ સુઇ ગઇ હશે. તેનુ કામ જ એવુ હતુ કે દરેક વખતે બધાને ઇમરજંસી જ હોય જ છે. રાત ઉજાગરાને દોડાદોડી તેની જીંદગી બની ગઇ હતી.

તેની પત્ની સ્વાતિ તેની સાથે થોડીવાર નારાજ રહેતી પછી ફરી થોડીવાર જ માની જતી હતી. તેના પિકનિકના બધા પ્લાન પર પાણી વળી ગયુ હતુ. તેને નાસ્તો પુરો કરીને ટિકિટ કેન્સલ કરાવી દીધી અને પછી આરામ કરવા માટે ઘરે ગયો.

***

“અરેરે...... મનોજ શુકલને બદનામ કરનાર કોણ હશે? શું વ્યોમનાથ આ કેસ સોલ્વ કરી શકશે? જાણવા માટે વાંચો આવતા અંકે........”