Silki books and stories free download online pdf in Gujarati

સિલ્કી

સિલ્કી

પપ્પા, સાંજના 6 વાગવા આવ્યા હવે બીજે ક્યાં કરવાનો છે ખેલ, જલ્દી ચલોને પછી અંધારું થઈ જશે. અહિયાં કશેક નજીક માં જ કરી કાઢીએ હવે.. હા બેટા, જ્યાં થોડી મોટી સોસાયટી દેખાય ત્યાં જઈને કરીએ તો જરાક કમાણી પણ થાય. એમ કહીને કરશનભાઇ આગળ-આગળ ચાલવા લાગ્યા. એમની હાથલારીમાં જ બધો સામાન હતો તે લઈને આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર એક મોટી સોસાયટી દેખાઈ ત્યાં આગળ ગેટ પાસે લારી ઊભી રાખીને સામાન ગોઠવવા માંડ્યા લાકડાનું સામસામે બેલેન્સ કરી 5-6 ફૂટ જેટલી હાઇટ રાખી દોરડું બાંધ્યું. આશરે 20 ફૂટ ચાલી શકાય એટલું દોરડું સામસામે બાંધ્યું હતું. કરશનભાઈ એ ઢોલ અને ડમરું તૈયાર કર્યા.

કરશનભાઈને એમનો પરિવાર શહેરની અલગ અલગ જગ્યા પર નટનો ખેલ કરતાં હતા. સવારથી નીકળી પડે જ્યાં લાગે ખેલ કરવા જેવો છે એ કરતાં અને એવી રીતના એમનું પરિવારનું ગુજરાન ચલાવતા. જે રૂપિયા મળે છૂટક એમાંથી ઘર માટે ખાવા-પીવાનો સામાન ખરીદતા. ઘર પણ કેવું હોય ખુણામાં ફૂટપાથ પર અમુક જગ્યા રોકીને બનાવેલું ઘર!!! ત્યાં જ સુવાનું, ખાવાનું, રહેવાનું બધુ ત્યાં જ હોય એટલી જગ્યામાં. પહેલા ખાલી પતિ-પત્ની હતા કરશનભાઇ અને મંજુબેન પછી સીલુંનો જનમ થયો. નાની મીઠુડી સરસ હતી. નામ તો સિલ્કી હતું પણ બધા સીલું કઈને જ બોલાવતા... જન્મી ત્યારે એના વાળ બઉ સિલ્કી હતા ત્યારથી નામ જ સિલ્કી પડી ગયું, આમ પણ ગરીબ ને ક્યાં કશા નામથી લેવા દેવા હોય છે જે નામ હોય ક્યાં કોઈ ફરક પાડવાનો હતો!! સીલું નાની હતી ત્યારથી નટના ખેલ જોઈ જોઈને મોટી થઈ, 5 વર્ષની હતી ત્યારથી એ પણ આ લોકો જોડે ખેલ કરવા માંડી. ધીરે ધીરે કરી ને એ પણ શીખી રહી હતી... સિલ્કીના ભાગમાં નીચે નાના-મોટા ખેલ કરવાના જ આવતા, નીચે ગરબાને નાચ કરે ઢોલની તાલ પર, 4-5 માટલાં માથા પર રાખીને એનું બેલેન્સ કરવાનું, માટલાં માથા પર રાખી નીચે થાળી હોય ત્યાં પગથી બેલેન્સ કરતાં કરતાં આગળ પાછળ જવાનું આવું બધુ નાનું-નાનું કરતી. મોટે ભાગે ઓછા જોખમવાળા ખેલ એ કરતી. મંજુબેન દોરડા પર ચાલતા, દોરડા પર સાઇકલની જેવું નાનું ટાયર પેંડલવાળું લઈને ચલાવતા. પહેલા ખાલી મંજુબેન એકલા કરતાં હતા હવે સીલું નો બી સાથ મળવા માંડ્યો હતો.

આજે કરશનભાઇ અને એમની 7 વર્ષની દીકરી સિલ્કી બે જણ જ હતા. એમની વહુ મંજુબેન આવ્યા નહતા એમનો નાનો દીકરો મોન્ટુ થોડો બીમાર હતો. બધુ ગોઠવાઈ જતાં કરશનભાઇ એ બુમ પાડી, ચલ સીલું બેટા શરૂ થઈ જા ખેલ બતાવવા…. કરશનભાઇ થોડા નજીક આવ્યા અને સીલુંને કીધું, જો બેટા ધ્યાન રાખીને કરજે, સાચવજે અને બધા ને મજા પડે એવો સરસ ખેલ કરજે. આજે ખાલી 20-30 રૂપિયા જ કમાણી થઈ છે, ખબર નહીં ઘરે શું લઈ જઈશું. ખાવાનું બનાવવા માટે પણ લઈ જવાનું છે અને તારા ભાઈ માટે દવા પણ લઈ જવાની છે. આજે આ છેલ્લો ખેલ હશે પછી અંધારું થઈ જશે તો મજા નહીં આવે એટલે જે કમાણી થશે એ આમાંથી જ થશે.

ધીરે ધીરે કરીને સિલ્કી એક પછી એક ખેલ ચાલુ કર્યા. એક પછી એક ખેલ બતાવા માંડી. પહેલા સિલ્કીએ ઢોલના તાલ પર સરસ મજાનો નાચ કર્યો. જેમ ઢોલ વાગતા જાય એમ વધારે તાનમાં નાચ કરે સીલું... ઢોલના અવાજથી બધા ધીમે ધીમે ભેગા થવા માંડ્યા. થોડી વાર જોતાં પછી બધા પાછા વિખેરાઈ જતાં અને કોઈક કોઈક ત્યાં પડેલી થાળીમાં 2 રૂપિયા તો કોઈ 5 રૂપિયા નાખતું. સિલ્કીની નજર ત્યાં જ હતી જોઈ એ એટલા રૂપિયા ભેગા થયા નહતા. એટલે થોડી ચિંતામાં પણ આવી ગઈ હવે છેલ્લો ખેલ કરવાનો વારો આવ્યો દોરડા પર ચાલવાનો. સિલ્કીએ એના પપ્પાને કીધું હું દોરડા પર સાઇકલ ચલાવીશ આજે, કરશનભાઇ એ આનાકાની કરી પછી કીધું તું કરે તો સાચવીને કરજે તને હજુ એટલું આવડતું નથી તો!!! સીલું એ કીધું હા હું સાચવીને કરીશ મને કઈ થવાનું છે નહીં. કરશનભાઈનો હાથ પકડીને એક લાકડાની ધાર પાસે આવી ને ઊભી રહી. હાથમાં લાકડી પકડીને પહેલા બેલેન્સ કરતી-કરતી આગળ વધી, ધીમે ધીમે કરીને હાથમાં પકડેલી લાકડીને ગોળ ગોળ ફેરવતી સામે પહોચી ગઈ, ત્યાં ઉભેલા થોડા લોકોએ તાળીઓ બી પાડી... સીલુંની નજર સામે ઊભેલી એક કાર પર ગઈ કારમાં એના જેટલી જ એક છોકરી આ બધુ જોતી હતી , એને બી મજા આવતી હતી એ જોઈ ને લાગ્યું એને. કારમાં કદાચ એની મમ્મી સાથે હતી. સીલું વિચારવા માંડી હું ક્યારે પણ આવી કારમાં બેસી શકીશ? કેવું નસીબ છે એક એક પૈસા માટે દરરોજ મહેનત કરવી પડે છે અને પાછા આજે તો એના ભાઈ માટે દવા પણ લઈ જવાની હતી અને હજુ આટલા રૂપિયા જ ભેગા થયા નહતા એ યાદ આવતા સાઇકલનું નાનું પેંડલવાળું ટાયર માંગ્યું કરશનભાઇ જોડે અને સરખું દોરડા પર સમતોલન ગોઠવીને આગળ ચલાવા માંડી પણ એના મગજમાં વિચાર તો ચાલુ જ હતા. વિચારમાં ને વિચારમાં ક્યારે એનું સમતોલન જતું રહ્યું એ ખબર જ ના પાડી અને એકદમ જ જમીન પર નીચે પટકાઈ...

બધા ત્યાં ઊભા હતા એ સિલ્કીની આજુ બાજુ ભેગા થઈ ગયા. કરશનભાઇ પણ દોડતા દોડતા આવી ગયા.. જોયું તો માથા પર ઢીમચું થયું હતું અને હાથમાં કોણી પાસે છોલાયું હતું. કરશનભાઇ વિચારવા માંડ્યા અરે ભગવાન, અમારા જેવા ગરીબ માણસ પર તું શું કરવા મુસીબતોનો વરસાદ કરે છે? આ છોકરીને વાગ્યું એની દવાના હવે ક્યાંથી રૂપિયા લાવીશ? સીલું બી દર્દના માર્યા કણસતી હતી કદાચ જમણા પગ પર વધારે ઇજા થઈ હતી ડોક્ટરને તો બતાવું જ પડશે. ત્યાં ભેગા થયેલા લોકો એ 5-10 રૂપિયા આપીને મદદ તો કરી પણ કેટલા રૂપિયા ભેગા થાય? લોકો સાથે બોલતા બી જાય શું કરવા આટલી નાની છોકરી ને આવા જોખમ વાળા ખેલ કરાવતા હશે... ત્યાં એક બેન એમની નજીક આવ્યા અને કરશનભાઇ ને કીધું તમારી દીકરીને મારી કારમાં બેસાડી દો હું તમને ડોક્ટર પાસે લઈ જાઉં તો કરશનભાઇ કે ના હું ડોક્ટરને બતાવી આવીશ, એમને એ વાત ની ચિંતા હતી કદાચ આ બેન કોઈ મોટા ડોક્ટર પાસે લઈ જાય તો પૈસા બી જોઈ એ ને આપવા આટલા એના કરતાં કોઈ નાના ડોક્ટર ને બતાવીશ કે પછી સરકારી હોસ્પિટલમાં ઓછા ખર્ચામાં થાય તો ખરું... તો એ બેન એ એમાં પર્સમાંથી ૧000-૧૦૦૦ બે નોટ કાઢી અને કરશનભાઇને આપવા લાગ્યા. કરશનભાઇ અને સિલ્કી એમની સામે બાગાંની જેમ જોઈ રહ્યા. કરશનભાઇ એ હાથ જોડીને પૈસા લેવાની ના પાડી, ત્યારે એ બેનએ કીધું તમે કહો તો હજુ વધારે આપું, અને ડોક્ટર પાસે તમને લઈ જવામાં પણ મને વાંધો નથી અને કહ્યું તમે આ પૈસા લઈ લો તમારે આનો ઈલાજ કરાવાની જરૂર છે, તો કરશનભાઇ એ કીધું ના એવા મારે મફતના રૂપિયા ના લેવાય... તો પેલા બેન એ કીધું આ મફતના નથી મારી દીકરી જે ત્યાં કારમાં બેઠી છે અને ઈશારો કરી જ્યાં કાર હતી એ બતાવી એને આ નાની છોકરીને ખેલ કરતાં જોઈ એ જોઈને કેટલી ખુશ થઈ છે હું જાણું છું એ મારી દીકરી છે પણ એ સહારા વગર ચાલી નથી શક્તી એના એક પગમાં પોલિયો છે તો હું નથી ઈછતી કે તમારી આ છોકરીને પણ પગમાં કશું થાય અને હું તમને તમારી જ મહેનતના પૈસા જ રાજી ખુશીથી આપું છું, અને આ મારૂ કાર્ડ છે તમારે હજુ ઈલાજ માટે વધારે રૂપિયા જોઈતા હોય તો ફોન કરજો... કરશનભાઇ વિચારમાં પડી ગયા શું કરવું? બીજે કશે થી તો અત્યારે વ્યવસ્થા થાય એવી હતી નહીં પછી સીલું સામે જોયું ને એમની આંખો મિચાઈ ગઈ અને પેલા બેન સામે હાથ જોડી ને પૈસા લઈ લીધા અને કીધું તમારો ઉપકાર રહેશે અમારા પર પણ હું તમને ધીરે ધીરે કરી ને પાછા આપી દઇશ!! પેલા બેન એ કીધું કઈ જરૂર નથી તમે અત્યારે આની પહેલા સારવાર કરાવો પછી બીજી બધી વાત કહીને એમની કાર પાસે પહોચી ગયા. થોડા લોકોની મદદ લઈ ફટાફટ બધો સામાન લારીમાં મુક્યો અને રિક્ષા બોલાવીને સિલ્કીને રિક્ષામાં બેસાડી અને ત્યાં સોસાયટીના વોચમેનને કીધું થોડી વાર લઈને લારી લઈ જશે...

રિક્ષામાં બેઠા પછી સીલુંએ કીધું આંટી કેટલા સારા હતા પણ એમની બિચારી છોકરી ચાલી નથી શક્તી એ સાંભળીને દુખ થયું પછી પુછ્યું કે પપ્પા મને સારું તો થઈ જશે ને ત્યારે કરશનભાઇ એ કીધું હા બેટા થોડા દિવસ માં સારું થઈ જશે. પપ્પા, અચાનક ખુશ થઈને સિલ્કી એ કીધું હવે આપડે ભાઇલા માટે દવા બી લઈ જવાશે આંટીએ તમને કેટલા બધા રૂપિયા આપ્યા તો ત્યારે કરશનભાઇ એ કીધું બેટા એમને તારી સારવાર કરવા આપ્યા છે.. તે ભલેને આપડે ભાઇલા ની બી દવા લઈ લઈશું. આપડે આજે ચિંતા કરતાં હતા રૂપિયાની તો જો ભગવાને આપણને કેવી મદદ કરી ભલેને તે મારો પગ ભાંગ્યો પણ ભાઇલા માટે દવા તો લઈ જવાશે અને એવું કઈને એમના ખોળામાં સુઈ ગઈ. સિલ્કીની આ વાત સાંભળીને કરશનભાઇ પણ વિચારવા લાગ્યા ભલેને ભગવાન દુખ આપે પણ એની સામે લડવાની તાકાત અને મદદ બી મોકલે જ છે !!! એમ વિચારી આકાશ સામે જોઈ ને ભગવાનનો આભાર માન્યો.