Perfect Planning books and stories free download online pdf in Gujarati

પરફેક્ટ પ્લાનીંગ

પરફેક્ટ પ્લાનિંગ

રાતના 3:10 થયા. છેલ્લા અઢી કલાકથી બેડ પર પડખા ફેરવું છું. બાજુમાં રૂમ પાર્ટનર નસકોરા બોલાવતો હતો, રૂમ પાર્ટનર કહું કે બેન્ચ પાર્ટનર બંને એક જ.. એક-બે વાર લાત મારી કે નાક પકડી રાખ્યું પણ એ થોડી વાર શાંત થઇ ફરીથી એનું એન્જીન સ્ટાર્ટ કરી દેતો, પછી તેને બેક ગ્રાઉન્ડ મ્યુઝિક સમજીને વાગવા દીધું..! આજ પહેલા આવું ક્યારેય નથી બન્યું કે આટલો ટાઈમ સુધી આવી રીતે જાગતો હોય. એ પણ નથી ખબર પડતી કે એવું તે ક્યુ તત્વ છે કે જેને લીધે ઊંઘ નથી આવતી. આજે થયેલી ફોન પરની વાતથી ઊંઘ જાણે છુ થઇ ગઈ.. નથી ગમતું, સૌથી પ્રિય રમકડું ખોવાય ગયું હોય એમ લાગે છે, રડવાનું મન થાય છે, કોઇકને બધી જ વાત કહી દઈ દિલ હળવું કરવાની ઈચ્છા થાય છે.. પણ કોને કહું.? જેની સાથે બધા સિક્રેટ્સ શેર કરતો એની જ વાત હવે કોને કરું..?? સુવાની ટ્રાય કરું છું તો એની સાથે કરેલી મસ્તી, કેન્ટીનમાં બેસતી સમયે ખેંચેલી ખુરશીનો કિસ્સો, તેના મમ્મીની તબિયત બગડી ત્યારે થયેલી દોડા- દોડી, ફ્રેન્ડના મેરેજમાં કરેલ હંગામો કે હું ફ્રસ્ટ્રેટ થયો ત્યારે તેને કરેલો સપોર્ટ બધું જ નજરે દેખાતું હતું.. મારી ખાસ-મ-ખાસ મિત્ર.. આજે તો તેના માટે ખુશીનો દિવસ હતો અને તેના અવાજ પરથી ખુબ ખુશ લાગતી હતી.. આજે માત્ર અડધી કલાક વાત થઇ ને તેમાં તેનું ખુશીનું રાઝ જણાવ્યું તો મને આનંદ થયો, પણ દિલના કોઈક ખૂણે ટાંચણી વાગી હોય એવું ફીલ થયું..

'હેય, મારા માટે આજે સ્પેશ્યલ ડે હતો.. આજે આપણા ક્લાસના પેલા વાસુએ મને હમણાં સાત વાગ્યે #Queches માં બોલાવેલી, એન્ડ યુ નો તેને મને ત્યાં પ્રપોઝ કર્યું.. વાઉં મસ્ત મોટી બધી મારા ફોટાવાળી કેક બનાવડાવી હતી.. અને એને ત્યાં જ મને રિંગ આપી પ્રપોઝ કર્યું.... તો તે શું કર્યું.? ના પાડી દીધીને એ ચપડગંજ્જુને..??.. ના હવે, આજે તો એ શૂટમાં મસ્ત હેન્ડસમ લાગતો હતો અને તેને જોઈને હું ના જ પાડી ના શકી.. એટલે હું વિચારીશ એમ કહીને આવતી રહી, બટ નાવ આઈ ફીલ સમથીંગ સમથીંગ...'

પછી કંઈક વિચાર આવ્યો અને બેડ પર બેઠો થયો, મોબાઈલમાં ટાઈમ જોયો તો 3:17 થયા હતા. ઉભો થઇ રૂમની લાઈટ ચાલુ કરી, બોટલમાં ભરેલ પાણી પીધું, સિગારેટ પીવાની ઈચ્છા થઇ.. આટલી રાત્રે કોઈ પાનનો ગલ્લો ખુલ્લો ના હોય એટલે છેક રેલવે સ્ટેશન સુધી જવું પડશે. શહેરમાં ક્યાંય નહીં તો બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન નજીકની મોટ્ટા ભાગની દુકાન તો ખુલ્લી જ હોય. અને નાઈટ ડ્રેસના લેંઘામાં મોબાઈલ-પાકીટ લીધા અને પછી જોરથી રૂમ પાર્ટનરની પાછળ લાત મારી.. એ સફાળો બેઠો થઈ ગયો, પણ મને જોતા 'અમારી ભાષાના' 2-4 શબ્દ કહ્યા..!!

'ચાલ, ચા પીવા..'

'અત્યારે સાડા ત્રણે તને ચા પીવાનો ક્યાંથી શોખ જાગ્યો..??' એ પોતાના મોબાઇલમાં લોક ખોલી અડધી આંખે ટાઈમ જોતા બોલ્યો.

'મને ઊંઘ નથી આવતી એટલે ઈચ્છા થઇ..' મેં સ્મોકિંગનું ના કહ્યું, નહીતો તે સાથે આવાની પહેલા જ ના પાડી દેત..

'મારે નથી આવવું.. તું જા એકલો..' તે ગોદડું માથે નાખી ફરીથી એના પલંગમાં લંબાતા બોલ્યો.

પણ મેં તેનું ગોદડું ખેંચતા કહ્યું, 'તને ય ખબર છે કે હું એકલો નહીં જાવ, અને ગયા શનિવારે હું તારી સાથે આવ્યો હતો એટલે તારે પણ અત્યારે મારી સાથે આવવું જ પડશે..'

એને મારા જીદ્દની ખબર જ હતી, એટલે વધારે લપ કર્યા વગર ઉભો થઇ બાથરૂમમાં જતો રહ્યો..

થોડી વારમાં બંને બાઈક પર સવાર હતા. રસ્તા ભીના હતા કદાચ થોડી વાર પહેલા જ ઝરમર-ઝરમર છાંટા આવી ગયા હશે, થોડી ઠંડી પણ હતી, એમાં બાઈક ચલાવતા-ચલાવતા T-શર્ટની હાફ બાયમાંથી પવન અંદર જતો એટલે ક્યારેક આખું શરીર ધ્રુજી જતું. પાછળ બેઠા બેઠા એ કંઈક મોબાઈલમાં મથતો હતો, એને હજી સુધી મને પૂછ્યું ના હતું કે 'ક્યારેય નહીં ને આજે કેમ તને અચાનક ચા પીવાની ઈચ્છા થઇ.?' કેમ કે દરવખતે એ જ મને રાત્રે ઉઠાડતો, અઠવાડિયામાં એકાદ રાઉંડ તો રહેતો જ અમારો આ તરફ.. હું પણ રાહ જોતો હતો કે એ મને પૂછે તો હું મારા દિલની વાત તેને કહી દઉં કે 'તારા ભાઈને લવ થઇ ગયો એની બેસ્ટ ફ્રેન્ડ જોડે..!!' પણ બંને શાંતિથી સુમસાન સડક પર જતા હતા. સ્પીડોમીટરમાં બતાવતી 70ની સ્પીડમાં જ વિચારો પણ દોડતા હતા. સ્ટેશન સામે 4-5 ચાની કેબીનમાંથી સિલેકટેડ જગ્યાએ પહોંચી બ્રેક મારી. રાતનો સમય એટલે ગણ્યા ગાંઠ્યા માણસોની અવર-જવર હતી. ત્યાં ઉભા રહ્યા એટલામાં ચા આવી ગઈ. નાનો કાચનો ગ્લાસ હાથમાં લેતા એ બોલ્યો,

'બોલ શું થયું.?'

'શું 'શું થયું? ?'

'કપાળમાં કઈ લખેલું દેખાય છે.? બોલને હવે શું ચાલે છે તારા મનમાં..?' એને એક હાથથી કપાળ બતાવતા કહ્યું.

'મને વિશ્વા ગમવા લાગી, યાર.. મને એની સાથે લવ થઇ ગયો..' મેં ચા ની ચુસ્કી ભરતા કહ્યું.

'એતો મને ખબર જ છે, તને નહોતી ખબર કે એ તને ગમે છે કે નહીં..'

'મીન્સ..??' મને તેની વાત ના સમજતા પૂછ્યું.

'તમે બંને કોલેજ આખો દિવસ સાથે રહો છો, રાત્રે ય દરરોજ એની સાથે વાત કરવામાં તું બે-ત્રણ કલાકનું બેલેન્સ વાપરી નાખશ.. અને તોય તમે બંને એમ જ કહો છો કે 'વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ..!''

હું કાંઈ ન બોલી શક્યો. એટલે તે ચા પીવા અટક્યો અને પછી ફરીથી બોલ્યો, 'અને બાય ધ વે તને કેમ આજે અચાનક એવું ફીલ થયું..??'

'અરે, આજે વિશ્વા સાથે વાત થઇ ત્યારે ખબર પડી કે પેલા વાસુએ તેને પ્રપોઝ કર્યું અને આય ગાંડી કાલે 'હા' પડી દેવાની છે, એટલે મને ઊંઘ ય નથી આવતી અને નથી ગમતું..'

'એને જ પ્રેમ કહેવાય, ગાંડા..'

'પણ હવે શું..?? પેલાએ તો પ્રપોઝ કરી લીધું ને આ કાલે હા પાડી દેવાની છે હવે મારાથી થાય પણ શું..??' મેં ચા પુરી કરી ગ્લાસ બાંકડા પર મુકતા નિરાશા સાથે બોલ્યો.

'હજી તો અડધી રાત પડી છે.. બોલ તું અત્યારે વિશ્વાને પ્રપોઝ કરીશ.?' એ મને જુસ્સો ચડાવતાં બિન્દાસ રીતે આટલું બોલી ગયો.

'એટલે શું તું અત્યારે એના રૂમે મને લઇ જઈશ..??'

'એ હું ગમ્મે તે કરું.. બોલ તું એને મળતા જ પૂછી લઈશ.?' એને પણ પોતાનો ગ્લાસ પૂરો કર્યો.

''હા પૂછી લઇશ.. જા પેલા એને અહીં લઇ આવ..' એને અડધું જ વાક્ય સાંભળ્યું હશે, ત્યાં એને ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો..

'તારી તો મોટી મોટી જ ના ખૂટી.. બોલ સિગારેટ પીઈશ..??' મેં એને હાંકતા કહ્યું. ત્યાં નજીકની દુકાનમાં જઈ #Black સળગાવીને તેની પાસે આવીને ઉભો રહ્યો. એ મોબાઈલ ખિસ્સામાં નાખતા મારી સામે મરક મરક હસવા લાગ્યો. મને તેનો આ અંદાજ કાઈ સમજાણો નહીં. પણ ત્યાં જ પાછળથી તીણો અને જાણીતો અવાજ સંભળાણો..

'સ્મોકીંગ ઇઝ ઈંજિરિયસ ફોર હેલ્થ..'

પાછળ ફરીને જોયું તો મોઢામાંથી સિગારેટ નીચે પડી ગઈ. એ તરફ વિશ્વા, વાસુ ને બીજા બે-ચાર મિત્રો મારા પર હસતા હતા અને વિશ્વાએ તરત દોડીને મને હગ કરી લીધું...