Sundartani samasyaoma salaah books and stories free download online pdf in Gujarati

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

મીતલ ઠક્કર

ભાગ-૫

* કાકડી અને એલોવેરાથી બનતા માસ્ક પફી આઇઝ, આંખોની આસપાસ ડાર્ક સ્પોટ્સ, બારીક રેખાઓ અને કરચલીઓ દૂર કરશે. આ સિવાય તે તમારી થાકેલી આંખોને રાહત આપીને તેમાં ચમક લાવશે અને હાઇડ્રેટ કરશે. કાકડીને યોગ્ય રીતે છીણીને પેસ્ટ બનાવી લો. હવે 4 ચમચી પેસ્ટ કરેલી કાકડી અને 1 ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક કોટન પર યોગ્ય રીતે ફેલાવી લો અને તેને આંખો પર અંદાજિત 15 મિનિટ સુધી રાખો અને પછી ધોઇ લો.

* તમારી બેગમાં હંમેશા એક ક્યૂટિકલ ઓઇલ (જે માર્કેટમાં તમને સરળતાથી મળી જશે) તેની એક બોટલ રાખો. જ્યારે પણ તમે ફ્રી થાવ તો દિવસમાં 2થી 3 વખત તેને પગની આંગળીઓ પર લગાવીને મસાજ કરો. આનાથી તમારાં ક્યૂટિકલ્સ મજબૂત બનશે અને ઝડપથી નખ તૂટવાની સમસ્યા પણ નહીં થાય.

* હડપચીની નીચેના કાળા ભાગને સામાન્ય કરવા માટે લીંબુ અને દહીં ભેળવી પેસ્ટ બનાવી કાળા ભાગ પર લગાડવી. અને પાંચ મિનિટ સુધી મસાજ કરવો. એકાંતરે આ ઉપચાર કરવાથી ફાયદો થશે.

* શરીરના આંતરિક કારણોને લીધે વાળમાં ખોડો થતો હોય છે તેથી પહેલાં આંતરિક કારણોના નિવારણ કરવા. અસમતોલ આહાર તેમજ અપૂરતા પ્રમાણમાં પાણી પીવાથી વાળમાં ખોડાની શક્યતા વધે છે. રોજિંદા આહારમાં સલાડ તેમજ તાજા ફળોનું પ્રમાણ વધારો. ઉપરાંત દિવસમાં આઠ-દસ ગ્લાસ પાણી પીઓ, હુંફાળા કોપરેલથી વાળમાં મસાજ કરવો અને લીંબુનો રસ લગાડવો. બે કલાક સુધી વાળમાં રહેવા દઇ હળવા શેમ્પૂથી વાળ ધોવા. ઘણા લોકોમાં એવો ભ્રમ છે કે ઉત્તમ પરિણામ માટે વાળમાં તેલ આખી રાત રહેવું જોઇએ પરંતુ આ ખોટું છે.

* ચામડીના ડેડસેલ(મૃત કોષ)માં રહેલું મેલેનિન પણ ચામડી પર કાળા ધબ્બાનો દેખાવ આપે છે. એને દુર કરવા માટે સ્ક્રબ કરો. એનાથી ચામડી પરના ડાર્ક સ્પોટ્સ હળવા થઈ જશે. બદામને વાટીને દહીંમાં ભેળવો અને એ મિક્સચર ચહેરા પર લગાવો. ૧૫ મિનિટ તેને રહેવા દો, પછી પાણીથી ધોવા માટે પાણી લગાવો અને ધીમે ધીમે નાના નાના વર્તુળ બને એ રીતે આંગળીઓ ચહેરા પર ઘસતા રહો. એમ કરવાથી ચામડી ઉપરથી મૃત કોષ નીકળી જશે અને ચામડી પર લોહીનો પ્રવાહ વધતાં ચામડી સ્વસ્થ અને ફીટ બને છે. એથી તમારો ચહેરો યુવાન દેખાવા લાગે છે.

* 1 ચમચી વરીયાળીને અડધા કપ પાણીમાં ઉકાળો. અડધા કલાક બાદ આ મિશ્રણમાં 1 ચમચી ઓટમીલ અને 1 ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ હળવા ગરમ પાણીથી ધોઇ લો. નિયમિત રીતે આવું કરવાથી મળશે ક્લિયર સ્કિન.

* 1 ચમચી વરીયાળીને 1 લીટર ગરમ પાણીમાં નાખો. હવે આ વરાળથી થોડું અંતર રાખીને ચહેરાને આગળની તરફ ઝૂકાવો. એક ટૂવાલથી ચહેરો, ગરદન ઢાંકેલી રાખો. (જે પ્રકારે તમે સ્ટીમ લો છો, તે જ પ્રક્રિયાને અનુસરો) 5 મિનિટ સુધી એ જ રહેવા દો. નિયમિત રીતે આવું કરવાથી તમને મળશે ગ્લોઇંગ સ્કિન.

* કાળી દાઝ અને બ્લેક હેડ્સ મોટા ભાગે ચહેરા પર જામેલા મેલની યોગ્ય સફાઇ નહીં થવાથી થાય છે. એ માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઇએ. ચહેરાની સફાઇ માટે બે ચમચા ચોખાનો જીણો લોટ, એક એક ચમચો બેસન અને ઘઉંનો જાડો લોટ તેમજ બે નાની ચમચી ચંદનના પાઉડરને ગુલાબજળ અથવા દૂધમાં મેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવી ૧૦-૧૨ મિનિટ સુધી રહેવા દો. સુકાય ત્યારે આંગળીઓથી ગોળ ગોળ ઘસો. આ રીતે ઘસવાથી બ્લેક હેડ્સ દૂર થશે.

* મોટા કપાળવાળી બહેનોએ મોટો, નાના કપાળવાળી બહેનોએ નાનો અને લાંબા ચહેરાવાળી બહેનોએ મધ્યમ આકારનો ચાંલ્લો લગાડવો જોઇએ. પહેરેલા કપડાના રંગને મેચ થતાં રંગનો ચાંલ્લો વધારે સારો લાગે છે. તમે ક્રોસ મેચિંગ બ્લાઉઝ અને સાડી પહેરી હોય તો સાડીના રંગનો ચાલ્લો સારો લાગે છે અને જો ક્રોસ મેચિંગ સલવાર અને કુર્તો પહેર્યો હોય તો કુર્તાના રંગનો ચાંલ્લો વધારે સારો લાગશે.

* જો હોઠ ફાટી ગયા હોય તો તેના ઉપર સીધી લિપસ્ટિક ન લગાવો. હોઠને મુલાયમ બનાવવા સૌથી પહેલા લિપ બામ લગાવો. ત્યાર બાદ એક કલાકે ટૂથ બ્રશ ભીંજવીને હોઠ સાફ કરી લો. હવે હોઠને હળવેથી સ્ક્રબ કરો. આમ કરવાથી અધર પરની મૃત ત્વચા દૂર થઈ જશે અને ઓષ્ટ મુલાયમ લાગશે.

* જો તમારા પગની ત્વચા સુકી હોય તો એક ચમચી નમક લઈ તેમાં થોડાં ટીપાં લીંબુ નીચોવો. આ મિશ્રણને હળવે હાથે પગ પર ઘસો. મિશ્રણ ત્વચામાં શોષાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ નાખો. વાસ્તવમાં નમક-લીંબુનું મિશ્રણ સ્ક્રબનું કામ કરશે. તમારા પગ પર રહેલા મૃત કોષોને દૂર કરી ત્વચા સુંવાળી બનાવશે. લીંબુમાં રહેલા વીટામીન 'સી' થી તડકાને લીધે કાળી પડેલી ત્વચા પણ ઉજળી બનશે.

* ખોડાથી વાળને બચાવવા કેશને સાફ રાખવા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર વાળના પ્રકાર પ્રમાણેના શેમ્પૂથી ધોવા. છેલ્લે રિન્સ કરતી વરતે વાળમાં શેમ્પૂન રહી જાય તેની ચોકસાઇ રાખવી. ઉપરાંત દિવસમાં ત્રણ-ચાર વાર વાળમાં કાંસકો ફેરવવો.કેશને વધુ પડતા ગરમ પાણીથી ધોવાની બદલે હુંફાળા પાણીથી ધોવા. પૌષ્ટિક આહાર લેવો. રોજિંદા આહારમાં દૂધ, દહીં, શાકભાજી, ફણગાવેલા અનાજ લેવાવાળને ધૂળ,તડકો વગેરેથી રક્ષણ આપવું. ખોડો હોય તો વાળને જૈતૂનના તેલથી માલિશ કરી ગરમ પાણીમાં જાડો ટુવાલ પલાળી નિચોવી બાંધી વાળ ફરતે બાંધવો આ રીતે બે-ત્રણ વાર કરવું. વાળમાં અઠવાડિયામાં બે વાર ભૃંગરાજ તેલ નાખવું.

* અગાઉ ચહેરા પર લગાડવાના પાવડરમાં ટેલ્ક આવતું હતું. જે દરેક કરચલીઓ પૂરી દેતું હતું. આજના પાવડરોથી આવી સમસ્યા સર્જાતી નથી. ખરેખર તો આ ફાઉન્ડેશનની ઉપર પાવડર લગાડવો અનિવાર્ય છે. પણ તમારે એવા શેડનો પાવડર પસંદ કરવો જોઈએ જે તમારા વર્ણની સૌથી નજીક હોય અને તેને લગાડવા તમારે પફનો ઉપયોગ કરવો જોઈએ.

* નખ વધારે પડતા ખરાબ હોય તો ખૂશબૂદાર લોશન ન સ્પર્શે તેનું ધ્યાન રાખવું. આ પ્રકારના લોશનમાં સમાયેલ આલ્કોહોલ નખને હાનિ પહોંચાડે છે. નખ વધુ પડતા સખત હોય તો એસિટોન રહિત નેઇલ પોલીશનો ઉપયોગ કરવો, કારણકે એસિટોન નખને વધુ સખત બનાવે છે. નેઇલ પોલીશ દૂર કર્યા બાદ ક્યુટૂકલ ક્રીમ અથવા ઓલિવ ઓઇલથી માલિશ કરવું.

* ચહેરા પર ફોડલીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રિત કરી લગાવાય છે. બંને રીતે લગાવવા માટે સુખડનો પાવડર સારો રહેશે, પરંતુ માત્ર સુખડની પેસ્ટ જ લગાવવી હોય તો તેનું લાકડું ઘસીને લગાડવું વધારે ફાયદાકારક છે.

* આંખ નીચેના કાળા કુંડાળા સામાન્ય થઇ ગયા છે તેને દૂર કરવા દૂધમાં કેસર એક કલાક પલાળી રાખી ચહેરા પર નિયમિત લગાડવું આ ગોલ્ડ ફેશિયલનું કામ કરે છે. મિક્સરમાં બે બટાકાને ખમણી તેની પેસ્ટ બનાવી ચહેરા પર ૧૦ મિનિટ સુધી મસાજ કરી પંદર મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવાથી કુદરતી બિલ્ચનું કામ કરશે.

* લિપ-લાઇન પેન્સિલથી હોઠની આસપાસ ઝીણી રેખા દોરવી. લિપસ્ટિક લગાડવા સ્વચ્છ અને નરમ બ્રશનો ઉપયોગ કરવો. લિપસ્ટિકમાંથી બ્રશ પર પૂરતા પ્રમાણમાં લિપસ્ટિક લઇ હોઠની ટોચ ઉપર લગાડવું.વચ્ચેથી શરૂઆત કરી કિનારી પર લગાડતા જાવ. એજ પ્રમાણે નીચેના હોઠ પર કરવું. ટીશ્યૂને અડધું વાળી બન્ને હોઠની વચમાં મૂકવું. વધારાની લિપસ્ટિક દૂર કરવા હોઠને ધીરેથી એકસાથે દબાવો. એથી લિપસ્ટિકનો રંગ સારી રીતે બેસી જશે અને આઉટલાઇન સેટ થઇ જશે. આ રીતે લિપસ્ટિક લગાડવાથી પાણીના ગ્લાસ પર કે ચાના કપ પર ડાઘ પણ નહીં પડે.

* ચોખાના લોટમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી તે સ્ક્રબનું કામ કરે છે. મૃત ત્વચા દૂર થાય છે.

* કેળાને છૂંદી તેમાં એવોકોડો ઓઇલ ભેળવી આ મિશ્રણ માસ્કની માફક વાળમાં લગાડવું અને કલાક બાદ વાળ ધોઇ નાખવા. તેનાથી વાળનું ટેકસચર સારું થાય છે.

* કોણી, ઢીંચણ પરથી કાળા ધાબા દૂર કરવા અડધો ચમચો કોપરેલમાં અડધા લીંબુનો રસ ભેળવી લગાડી થોડીવાર બાદ ધોઈ નાખવું.

* મુલતાની માટીના ઉપયોગથી ખીલમાં ફાયદો થાય છે. જ્યારે ખીલ થાય ત્યારે મુલતાની માટીનો ભૂક્કો બે ચમચા, એક નાનો ચમચો લીંબૂનો રસ, એક નાનો ચમચો ચણાનો લોટ,અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. ખીલયુક્ત ત્વચા પર અઠવાડિયામાં બે વખત લગાડવું.

***