SUKH HAPPINESS 11 books and stories free download online pdf in Gujarati

સુખ - હેપ્પીનેસ (૧૧)

લોકડાઉન માં અનલોક

*************

આજે લોકડાઉન નો સત્તરમો દિવસ છે.

કંટાળ્યા છો ? હા..

કેમ ? ઘરમાં રોજ નવી નવી પ્રવૃત્તિ કરીએ છીએ પણ હવે તો એનો સ્ટોક પણ ઘટતો લાગે છે. સમય પસાર કરવો અઘરું લાગે છે.

કારણ જાણો છો ? કેટલાંય વર્ષોથી આપણે આપણા બાપ-દાદાઓ દ્વારા ધરોહરમાં મળેલ વાતો, પ્રવૃતિઓ, સગપણ, પ્રેમ, રીવાજો વગેરે વગેરે ભૂલી ગયાં છીએ કે મોડર્ન દેખાવાની કે રહેવાની પળોજણમાં બાજુએ મુકતા ગયાં અને ભીડમાં આગળને આગળ દોડતા ગયાં.. ખરેખર ત્યાં કોઈ સ્પર્ધા નહોતી પણ આપણેજ સ્પર્ધાનું રૂપ આપી દિધું. ક્યારેક રહેણીકરણીમાં તો ક્યારેક ઠાઠમાઠનું પ્રદર્શન કરવામાં. ચાલો.. વાંધો નહી પૈસા છે તો વાપરવામાં વાંધો શું ? વાંધો તો એ જોનાર બીજી આંખોને પડ્યો અશક્ત બુધિજીવીને. વેસ્ટર્ન પોષાખ (જે હાલ રવિવારીઓમાં ખુબ જ સસ્તા છે) પહેરી લીટરેટ બતાવવામાં, પણ સાહેબ, સ્કીન કલર ચાઢી કરી ગયો. બસ, દોડ આંધળી દોડ.

આજે જયારે દિવસોથી ઘરમાં છીએ ત્યારે બર્મુડા અને બનીયાનમાં દાદા કોન્ડકે જેવાં લાગીએ છીએ. પત્ની મનમાં હસતી હશે.

પત્ની કે માં જો તમે એને વિશ્રાંતિ આપતાં હો તો ? એને મદદ કરતાં હો તો ? બધાં કરતાં એ લાંબા લોકડાઉનમાં છે. કારણ બધાજ ઘરમાં છે. જાતજાતની ફરમાઈશો અને એની પાછળ વધતું જતું કામ.

સાહેબ, બધાં ભેગાં મળીને એને અનલોક કરોને. કેટલાં વર્ષોથી એ લોકડાઉનમાં છે આપણી ખાતરદારી કરવામાં. આપણી રજા એને આપી બધું કામ આપણે કરીએ તો ? ફરજ નહી આપણી ? એને રજા આપી અનલોક કરવાની ? આ જ સમય છે, કંઇક નવું કરવાનો. જાણે સંયુક્ત કુટુંબમાં રહેતાં હોય તેમ. ઘણો સમય એની પ્રવૃતિને રંગ આપતાં નીકળી જશે, દિલને આનંદ થશે. પત્ની હોય કે માં ખુશ થશે. પત્ની કે માં ને સમય આપવામાં ક્યાં લોકડાઉન છે ? અનલોક કરો.

પરવારી ગયાં ? સમય હજી છે, વાંચન કરીએ, એક બીજાને વાર્તા કરીએ. કોર્પોરેટ જગતની નહી. ઓફિસની નહી. ગમ્મત કરીએ. ગમ્મતમાં હસીએ. ખુબ હસીએ, પેટ દુખે ત્યાં સુધી. વર્ષોથી તમે મૂછમાં મલક્યા હશો, હસ્યાં તો નહી જ હોય. અરે...તમારી પ્રાણપ્રિયા તરફ તો નજર કરો... તમને હસતાં જોઈ એ કેટલી ખુશ થઇ હશે ? શું એ પણ હસે છે તમને જોઈને ? તો એને પણ હસાવો... ખુબ ખુબ હસાવો... વર્ષોથી એ તમારાં ઘરની દિવાલોમાં કેદ... દિવાલો સાથે વાત કરતી હશે, આજે કદાચ એની સાથે તમારાં ઘરની દિવાલો પણ હસશે. સાહેબ વાંચન, પ્રેમ, હાસ્ય ક્યાં લોકડાઉન થયેલ છે ? એને અનલોક કરો. પરિવાર માટે, પરિવાર સાથે.

તમારામાં કે બાળકોમાં કંઇક ક્રિએટીવીટી જાગ્રત થઇ છે ? તો કંઇક ક્રિએટીવ કરો. ઘરમાં કે બાલ્કનીમાં હજુ ઘણો ભંગાર તો ભેગો કરેલ જ હશે જ કારણ ઘણાં દિવસોથી ભંગારવાળો પણ ક્યાં આવ્યો છે ? આયડીયા લગાવો. ખાલી ભેજેમેં આઈડીયાજ બહોત આતે હૈ. ક્રિએટીવીટીને ક્યાં લોકડાઉન છે ? અનલોક કરો.

હજુ સમય છે... કસરત, યોગ માટે વાપરો. ભલે પેટ બહાર આવ્યું હોય પણ કોઈક કસરત કે યોગ તો કારગત હશે ને ? સ્વાસ્થ માટે કસરત કે યોગ એ ક્યાં લોકડાઉનમાં છે ? સમયનો ઉપયોગ કરીએ, એને અનલોક કરીએ.

કદાચ હવે સાંજ પડવાના સમય સુધી તો તમે આવી જ ગયાં હશો. સુરજ બિચારો લોકડાઉનમાં નહોતો. એ એનું કામ અબજો વર્ષોથી કર્યા જ કરે છે. એને કંટાળો નથી આવતો. જો એ કંટાળી જાય તો ? ના, ના, એવું ના થાય તે માટે પ્રાર્થના કરીએ. બધાં સાથે મળીને – હે પ્રભુ.. વિશ્વ ઉપર આવી પડેલ આ કરોના વાયરસથી બધાનું રક્ષણ કરજે. પોતા માટે પણ પ્રાર્થના કરાય... પ્રાર્થાના ક્યાં લોકડાઉનમાં છે ? એને પણ હવે સમય છે તો સારા કામ માટે અનલોક કરીએ.

સાહેબ, ઢળતી સાંજે ઘરડાં માં-બાપને પણ પુરતો સમય આપજો. એને પણ તમારી પ્રવૃતિમાં સામેલ કરજો અથવા એનાં એ એકલ રૂમમાં જઈ એને ઉત્સાહિત કરજો. એ આધાર સ્થંભ છે આપણા પરિવારનો. એની મમતા ક્યાં લોકડાઉન છે ? જાતે દેખરેખ રાખી અનલોક કરજો.

પોતાનાં આત્માના અવાજને સમજીએ. ધ્યાન કરીએ. ‘મેડિટેશન’ એવું બોલીએ તો જરા વજન પડે સોસાયટીમાં. ભલે ગમે તે હોય પ્રયોગ સાધ્ય થવો જોઈએ. પ્રયત્ન હોવો જોઈએ. નિશ્ચય હોવો જોઈએ. એક તક મળી છે એનો પુરો લાભ લઈએ. કદાચ જીન્દગીમાં આવી તક નહી આવે. પરંતું આ દિવસો બાદ એટલે કે લોકડાઉનના દિવસો બાદ પણ આપણે પ્રેમ, મદદ, દયા, મમતા, એક બીજાની સંભાળ, હાસ્ય, વાંચન, ગમ્મત, પૂજા, પ્રાર્થના, ક્રિએટીવીટી, કસરત, યોગ, સમયનો ઉપયોગ વગેરે જેવી ઘણી સારી પ્રવૃત્તિઓ જીવનમાં વણી લઈશું. લોકડાઉન બાદનો સુર્ય નવો સુર્ય છે એવું મહેસુસ કરી એનાં કિરણોનો લાભ લઈશું. પ્રકૃતિમાં જીવીશું. પ્રકૃતિને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. આપણે ચુક્યા, પ્રકૃતિ નહી. હિસાબ તો દેવો જ પડશે. દંડ તો ભોગવવો પડશે. આપણી પ્રવૃતિઓએજ લોકડાઉન કરાવ્યું હવે આપણે જ અનલોક કરવું પડશે. ઘરમાં રહીને, સુરક્ષિત થઈને !

(ફરી મળીશું... )