Gift books and stories free download online pdf in Gujarati

GIFT

ગિફટ

આ કાવ્યા પણ-જયારે જુવો ત્યારે એનો ફોન વ્યસ્ત જ આવે. આખો દિવસ ના જાને શું કર્યા કરે છે ફોન પર?? તરંગ મનમાં ચિડાતો, વારે-વારે કાવ્યાને રીંગ લગાડી, પરિણામ શૂન્ય આવ્યું.

પોતે કેટલા પ્રેમથી કેન્ડલ લાઈટ ડિનરનો પોગ્રામ ઘડયો આજનો, લગાતાર પંદર વખત રીંગ ગઈ પણ કાવ્યાનો ફોન વ્યસ્ત આવ્યો, આજે તો મારે વાત જાણીને જ રહેવી છે-કાવ્યા આટલી બધી વાતો કોની સાથે કરે છે? તરંગ મનમાં ધૂંધવાતો રહયો, ઓફિસના કામમાં મન ના લાગ્યું. તેના સહકર્મચારી સુરેશે પૂછયું - તરંગ શું વાત છે? કેમ ધૂંધવાયો છે? એનીથિગ સીરીયસ? મે આઇ હેલ્પ યુ? અરે મી. સુરેશ એવી કોઇ વાત નથી, ઘરે ફોન લગાડયો હતો, તે વ્યસ્ત આવતા ચિંતા થઈ એટલે મન જરા,,?

આ પહેલા બે એક વખત આવું થયું છે, તો સહેજ ચિંતા ઉદભવી -બીજું કંઈ નથી! કદાચ ભાભી કામમાં વ્યસ્ત હશે એટલે ફોન?? પરંતુ ફોન વ્યસ્ત આવે છે એનું શું? તરંગે સહજ ગુસ્સાથી કહયું. આજે ઓફિસથી જલ્દી ઘરે જઈ કાવ્યાને પૂછીશ - આ બધું શું ચાલી રહ્યું છે? તેનું મન શંકા કુશંકા વચ્ચે ઘેરાવા લાગ્યું.

શું કાવ્યાને કોઈ બીજા સાથે પ્રેમ થઇ ગયો હશે? ના,,, ના,,, આવું ના બને, તરંગ ખુદ પોતાના આ વિચારથી વિચલિત થઈ ગયો. મને કાવ્યા પર સંપૂર્ણ વિશ્વાસ છે! એના પિયરમાં કોઈ પ્રોબ્લેમ હશે?? એટલે જ આટલી લાંબી વાત ચાલતી હશે.

મનમાં ઉઠતા અનેક સવાલોના ખુદ જ જવાબો શોધવાની નાકામ કોશિશ તરંગ કરતો રહયો. નજર સમક્ષ તરંગ -કાવ્યાની પહેલી મુલાકાતની ક્ષણ તરવરી ઊઠી. બંને તેમના એક મિત્રના લગ્નમાં મળ્યા હતા. ફ્રેન્ડસ સાથે મજાક મસ્તીમાં તરંગની નજરમાં કાવ્યા વસી ગઈ હતી. કાવ્યા ખૂબ સુંદર હતી, તેના ગાલમાં પડતા ખંજન તેની સુંદરતાને વધારે નિખારતા હતા -ઉપરથી ચિબુક પરનો તલ -જાણે કે ખૂબસુરતીનો પહેરો ભરતો હોય એમ લાગતું!! તેનું સૌંદર્ય જોનારને મંત્રમુગ્ધ કરી નજરમાં વસી જતું હતું! એવી આ સૌંદર્ય માનુની તરંગની આંખોમાં વસી ગઈ. મિત્ર પાસેથી તેના વિશે માહિતી મેળવી તેના ઘરે વેવિશાળ માટે પૂછાવ્યુ. બંને પરિવારમાં મંજૂરી મળતા તેમના લગ્ન થયા. કાવ્યા -તરંગના જીવનમાં ઉલ્લાસ અને પ્રેમરસની કાવ્ય બની પ્રવેશી!!

'મધુરરજની '-લગ્નની એ પ્રથમ રાત! જેના માટે દરેકના દિલમાં અરમાન હોય છે, એક બીજાના મનોભાવ વાંચવાના, સ્પંદનોને અનુભવવાના, એક બીજાને સમર્પિત થવાના! તરંગ ખૂબ રોમેન્ટિક થતાં -કાવ્યાને પોતાના આશ્લેષમાં ભરતા બોલ્યો, કાવ્યા - મને આજે આ અમૃતધારાની ઝરણાનુ ટીપેટીપુ પી જવાનું મન થયું છે! એવું લાગે છે કેટલાય યુગોથી આ તરસ મારા હોઠો પર આવીને બેઠી છે. જે તારા મદમસ્ત રસીલા અધરોને તરબોળ કરવા કયારના ઝંખી રહયા છે! બસ, આ તરંગને તારામાં વિલીન કરી દે, તારું રોમેરોમમાથી તે છલકાઈ ઊઠે અને હું તારામાં અને તું મારામાં વિલીન થઇ એકાકર થઈ જઈએ આજ! એમ કહી કાવ્યાના રસીલા અધરો પર તરંગે ગાઢ ભીનું ચુંબન કર્યું! કાવ્યા એમાં મદહોશ બની ડૂબતી ચાલી, તરંગના હાથ ખૂબ હળવેથી ખૂબ માર્દવતાથી તેના વાળમાં, તેના ગાલ પર, કટિબંધ પર ફરતા રહયા!

રંગીલી રાત - માદક પ્રિયા સંગિનીનો સાથ હતો. બંને એક બીજાને સમર્પિત થઈ રહ્યા હતા!! રાતનો વહેતો સમય તેમના પ્રેમના સૂરને રેલાવી રહયો હતો. જેના મૂક સાક્ષી - રૂમની દીવાલો અને મઘમઘતા ફૂલો બની રહયા હતા!!

એ રાત પછી તરંગ કાવ્યામય બની ગયો હતો. લગ્ન પછીના દિવસો પ્રેમરસથી ભરપૂર પસાર થતાં હતા. સમય વહેતો ગયો, એમના એ પ્રેમરસમા કદી ઓટ ના આવી. કાવ્યાએ સંપૂર્ણ ઘરની જવાબદારી ઊઠાવી લીધી હતી, તરંગના મમ્મી પપ્પા આવી ગુણિયલ વહુ પામી ધન્ય બની ગયા હતા. લગ્નજીવનને ચાર વર્ષ થઈ ગયા, પરંતુ એમના 'પ્રણયબાગમા' પ્રેમનું એક ફૂલ ખીલ્યું નહતુ. જેનો રંજ બંનેને રહેતો હતો, પરંતુ કદી એકબીજાને મનની વેદના જતાવતા નહી.

આજે ઘરે જતા મધુરરજની યાદ આવી જતાં તરંગના મનમાં લહેર છવાઈ ગઈ. મન જલ્દી ઘરે પહોંચવા અધુરી બન્યું. આજે કાવ્યા સાથે કેન્ડલ લાઈટ ડિનરનો પોગ્રામ ઘડયો, સાથે ફરીશુ, અને રાતે!!!! પોતાના વિચારથી મનમાં હસી ઊઠયો.

ઘરે આવી જોયું ઘરે તાળું હતું, અચરજ થયું. મમ્મી પપ્પા મંદિર ગયા હશે, પરંતુ કાવ્યા કયાં ગઈ? ફરી ફોન લગાવ્યો ફોન લાગ્યો નહી.

તેને આવેલો જોઈ પડોશના અરવિંદ કાકા તેની પાસે આવી બોલ્યા - તરંગ બેટા, કયાં હતો તું?? તને કેટલા ફોન કર્યા તારો ફોન વ્યસ્ત જ આવતો હતો. બેટા કાવ્યાને,,,
કાકા શું થયું કાવ્યાને? મમ્મી પપ્પા કયાં છે? કાકા ના મુખેથી કાવ્યનું નામ સાંભળી મનમાં ધ્રાસકો પડયો. બેટા-પૂરી વાતની ખબર નથી પરંતુ કાવ્યાને અચાનક ચકકર આવવાથી પડી ગઈ હતી. બેહોશ બની ગઈ હતી એટલે 108 એમ્બ્યુલન્સ બોલાવી. તારા મમ્મી પપ્પા એને 'અદાણી 'હોસ્પિટલ લઇ ગયા છે. તને ખૂબ ફોન લગાવ્યા, તારો ફોન સતત વ્યસ્ત જ આવ્યો.

ઓહ,,, કાવ્યા? એ સાંભળી હતાશાથી નીચે બેસી ગયો. અરેરે,, કાવ્યાને મારી જરૂર હતી, અને હું એના પર ગુસ્સે હતો. કંઇક નિર્ણય કર્યો, કાકા હું હોસ્પિટલ જાઉં છું. પપ્પાનો ફોન આવે તો કહેજો હું ત્યાં જવા નિકળી ગયો છું. કારમાં ઝડપથી હોસ્પિટલ જવા રવાના થયો.

શું થયું હશે કાવ્યાને? ચકકર કેમ આવ્યા અચાનક? બધાની કાળજી રાખે છે પરંતુ ખુદના શરીર પ્રત્યે આટલી નિષ્કાળજી કેમ??

ઈમરજન્સી સારવાર આપ્યા બાદ કાવ્યાને આઇ.સી.યુ. માં ખસેડવામાં આવી. તરંગને આવી ગયેલો જોતા તેના પપ્પાના ચહેરા પર નારાજગી અને ચિંતાના ભાવ તરવરી ઊઠયા. તરંગ બેટા કયાં હતો? કેટલા ફોન કર્યા? તારો ફોન સતત વ્યસ્ત આવતો હતો. કાવ્યા ઘરમાં બેભાન થઈ ઢળી પડી હતી, અમે ઘરમાં હતા છતાં અમને મોડી જાણ થયી બેટા. એના મમ્મી પપ્પા ને જાણ કરી દીધી છે, તું કયાં હતો બેટા??

સોરી, પપ્પા - હું કાવ્યાને ફોન લગાવતો હતો અને તમે એના ફોનથી મને -એટલે સામસામે વ્યસ્તતા આવતી હતી. આઇ એમ સોરી -પાપા!

પાપા -ડોકટર શું કહે છે? કાવ્યા શા કારણે બેભાન બની? ખબર નથી બેટા, ડોકટર હજુ બહાર નથી આવ્યા.

બધા વ્યગ્ર થઈ ડોકટરની રાહ જોવા લાગ્યા, થોડા સમયમાં ડોકટર બહાર આવતા -તરંગ ડો. ને પૂછયું, ડોક્ટર કાવ્યાને કેમ છે? તેને શું થયું છે? તમે???? ડોક્ટર હું તરંગ શાહ -કાવ્યાનો હસબન્ડ. ઓહ મી. તરંગ -મારી સાથે આવો, થોડી ચર્ચા કરવી છે તમારી સાથે, એમ બોલી બંને તેમની કેબિન તરફ ચાલવા લાગ્યા.

કેબિનમાં વાતાવરણ ગંભીર બની ગયું હતું, ડો. દેસાઇ તરંગને કેવી રીતે વાત કહેવી એ અવઢવમાં હતા. ડોક્ટર કાવ્યાને??

મી. તરંગ, જે કહું છું એ હિંમત રાખી ને સાંભળજો. તમારી પત્નીને બ્રેઇન ટયુમર છે. વ્હોટ??? બ્રેઇન ટયુમર?? તરંગ વ્યાકુળતાથી બોલી ઊઠયો, નહી -નહી ડોક્ટર, તમારી કયાંક ભૂલ થતી હશે. કાવ્યાને એ ના થાય!!!!

મી. તરંગ બધા રીપોર્ટ પહેલાજ કરાવ્યા હતા. તમારી પત્નીને આ વાતની ખબર છે! શું??? કાવ્યાને ખબર છે?? કયારે આ બધું???? તરંગ અચરજથી ડોક્ટર સામે જોઈ રહયો.

મી. તરંગ -તમારા પત્ની છેલ્લા 9 મહિનાથી મારી પાસે ટ્રીટમેન્ટ કરાવે છે. તેજ વખતે તેમને જણાવ્યું હતું કે તેમની હાલત ખરાબ થઇ ગઈ છે એ ટયુમરનુ ઓપરેશન શકય બને એ હાલતમાં નથી. કદાચ તમે આ વાત જાણતા નથી એમ લાગે છે.

મી. તરંગ બીજી પણ એક વાત છે તમારા માટે! બીજી કઈ વાત ડોક્ટર?? મી. તરંગ -સી ઇઝ પ્રેગનેન્ટ નાઉ!!!

વ્હોટ??? રીયલી ડોક્ટર!!! અચાનક ખુશીના સમાચાર મળતાં તરંગ કાવ્યાની બિમારી એક ક્ષણ ભૂલી ગયો. ચહેરા પર ખુશી ઝળકી ઊઠી -બીજી જ પળે કડવી સચ્ચાઇ સામે આવી જતાં ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. વિચારી રહયો -કિસ્મતનો આ કેવો ખેલ?જે ખુશી માટે અમે બંને તડપતા હતા, એ ખુશી મળી ત્યારે કાવ્યાની જિદંગીની બાદબાકી થઈ રહી છે! તરંગ ગંભીર સ્વરે ડો. ને પૂછયું, શું કાવ્યા આ બાળકને જન્મ આપી શકે એટલો સમય છે એની પાસે??

એક આશાભરી નજરે તરંગ ડો. સામે જોઈ રહયો. ડો. દેસાઇ તેને શું જવાબ આપે? મી. તરંગ - દવાથી તે કેટલો સમય કાઢી શકશે એ કહેવું મુશ્કેલ છે. મારી સલાહ આ બાળકને?? નહી તો, તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. યસ ડોક્ટર,,,!!!

ડો. ની કેબિનમાંથી તરંગ બહાર તો આવ્યો, એક જીવતી લાશ સમાન! જેની ચેતના કોઈએ હરી લીધી હતી. તેની ગંભીર મુદ્રા જોઇ તેના મમ્મી પપ્પા સમજી ગયા -પરિસ્થિતિ ગંભીર છે.

તરંગે જયારે હકીકત જણાવી ત્યારે સમજી ના શકયા -ખુશી મનાવવી કે ગમ વ્યકત કરવો? ભગવાનની આ કેવી લીલા, કેવી કસોટી?? ખુશી પણ કેવા સમયે આપી??

થોડા દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ કાવ્યાને ઘરે પરત લાવ્યા. તેના મમ્મી પપ્પા દીકરીની આવી હાલત જોઇ નહતા શકયા. બંને પરિવારોમા ઉદાસી છવાઈ ગઈ. ઘરે લાવ્યા બાદ તરંગ કાવ્યા પર ગુસ્સે થયો. આ બિમારીની જાણ તે મને કેમ ના કરી???

અરે તરંગ, તમે ખોટી ચિંતા કરો એટલે ના કહયું મ્લાનવદને હસતા કાવ્યા બોલી. અને પ્લીઝ - હું કોઈ પણ સંજોગોમાં આ બાળકને જન્મ આપીશ -મારી પાસે સમય ભલે ઓછો છે પરંતુ હું જતા જતા આપણા પ્રણયની 'ગિફટ 'તમને આપીને જ,,,!

નહી કાવ્યા મારે તારા વગર આ ગિફટ નથી જોઇતી. તું એક વખત સારી થઈ જા. તરંગ તમે પણ જાણો છો હવે એ શકય નથી. મારો સાથ તમારી સાથે ટૂંકો થવાનો છે! તમારી હમસફર બનીને સાથે ચાલવાનો વાયદો અહી સુધી હતો બસ! અનાયસે જિદંગીએ મને માતૃત્વની ભેટ આપી છે-એ હું જીવવા માગું છું! પ્લીઝ મને સાથ આપોને! આટલું બોલતા તે હાફવા લાગી.

તરંગ લાચાર નજરે તેની સંગિનીને જોઇ રહયો. તેના કપાળને ચૂમતા બોલ્યો - પ્રિયે! તારી આ ઇચ્છા છે, તારી ઇચ્છાનું હું માન રાખીશ! મારું મન ના કહે છે, છતાં તારી ખુશીને કારણે સંમતિ આપીશ. એક શરતે, આજ પછી તારે પલંગ પરથી નીચે નથી ઊતરવાનું, સંપૂર્ણ આરામ કરવાનો ઘરના કોઇ પણ કામ નહી કરવાના એ મંજૂર હોય તો જ,,, એમ બોલતા તરંગની આંખમાથી અશ્રુના બિંદુઓ ટપકી પડયા. કાવ્યાએ તેને હાથમાં ઝીલતા બોલી -પ્લીઝ તરંગ દુ:ખી ના થાઓ. એ વિચારો આપણા પ્રેમનું એક મઘમઘતુ ફૂલ ખીલવા જઈ રહ્યું છે! મારા ગયા પછી પણ પ્રેમની સુવાસ ફેલાવતું રહેશે જિંદગીમાં!!

એ પછી શબ્દો અબોલ અને ખામોશ બની ગયા એ રૂમમાં, દીવાલો આ પ્રેમના મૂરતની સાક્ષી નિઃસહાય બની ઊભી રહી!

ડો. દેસાઇની સારવાર હેઠળ તેમના દિવસો પસાર થતાં હતા. રોજ નવી સવાર તરંગના મનમાં અજંપો લાવતી -આ દિવસ કાવ્યાનો છેલ્લો દિવસ તો નહી બની રહે??

જેમ જેમ સમય પસાર થતો ગયો કાવ્યાની હાલત બગડવા લાગી હતી. અચાનક એક દિવસ તેને લોહીની ઉલ્ટી થઈ. તરંગ -ઘરના લોકો ગભરાઇ ગયા, તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા. ડો. દેસાઇ એ જણાવ્યું તરત ઓપરેશન કરી બાળકને બચાવવું પડશે, કાવ્યા પાસે સમય ખૂબ ઓછો છે. ડો. બાળક તો??

મી. તરંગ હવે ભગવાન પર છોડી દો! એને આ નવજાતને જિદંગી આપી છે, જીવાડશે પણ એ જ હવે! ઓપરેશન નહી કરીએ તો બાળક -કાવ્યા સાથે જ ગર્ભમાં મૃત્યુ પામશે. આપણે એટલીસ્ટ એક જિદંગીને બચાવીએ!!

કાવ્યાને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા, અધૂરા મહિને બાળકનો જન્મ કરાવ્યો. અર્ધબેભાન અવસ્થામાં કાવ્યાએ પોતાના બાળકને જોયું, ચહેરા પર સ્મિત આવ્યું અને,,,,??

અધૂરા મહિને બાળકનો જન્મ થવાથી તેને કાચની પેટીમાં રાખ્યું.

ડો. દેસાઇ અને ડો. નાયક (ગાયનોલોજી) બહાર આવ્યા -ખુશ ખબર આપી દીકરી જન્મી છે! ડો. કાવ્યા??

વ્યથિત સ્વરે બોલ્યા -શી ઇઝ નો મોર યંગમેન! આઇ એમ સોરી! તરંગ વિચારી રહયો કેવી છે આ જિદંગીની કસોટી? એકનો જન્મ અને એકનું મૃત્યુ! આ કેવો વિરોધાભાસ!! અંદરથી એ તૂટી ગયો, લથડતા પગે થિયેટરમાં પહોચ્યો કાવ્યા પાસે. કાવ્યા તું જિદંગી જીતી ગઈ! એક જિદંગી આપીને તું જિદંગીમાંથી વિલીન થઇ ગઇ, કાવ્યા પ્લીઝ કમ બેક ડિઅર પ્લીઝ! એમ બોલતાં તરંગ ત્યાં રડી પડયો. સિસ્ટર્સની આંખો પણ ભીની થઇ રહી હતી.

તેના મમ્મી પપ્પા એ તેને સંભાળ્યો, બેટા તે તને એક 'ગિફટ 'આપીને ગઈ છે! એ અનોખી ગિફટની જવાબદારી તારી છે-આપણા સૌની છે બેટા! ખુદને સંભાળ!

તરંગ કાચની પેટીમાં રાખેલ પોતાના પ્રણયના અનમોલ વંશને જોવા ગયો. ગુલાબી ગુલાબી -રૂના ઢગલા જેવી પોચી પોચી કાવ્યાની પ્રતિકૃતિ જેવી એ દીકરી -તરંગના ત્યાં આવવાથી સ્મિત કરી તેનું સ્વાગત કરતા જાણે કહેતી હતી-'વેલકમ માય ડિઅર પાપા '!!!

તરંગ એ જોતા બોલ્યો - સંબંધના બંધનથી તું મુકત બની કાવ્યા, મને તારી કવિતાના એક નવા બંધનથી બાંધી ગઈ -માય લવ!!

ફાલ્ગુની પરીખ.