Kavyanuvadan-Rasasvadan - 9 books and stories free download online pdf in Gujarati

કાવ્યાનુવાદન-રસાસ્વાદન - 9

‘ગંજાવર ભૂલ’ (‘Colossal Mistake', a Poem by Rabab Maher)નું ગદ્યાત્મક વિશદ અર્થગ્રહણ - વલીભાઈ મુસા

ગંજાવર ભૂલ(જે સુખાંત નીવડે છે)

ભાગ-૧ પુરોવચન

વાર્તાકથનકાર ઢબે, કવયિત્રી પોતાના કાવ્યને પહેલી જ લીટીના શબ્દો ‘એક યુવતીની કઠોર કહાની’ થી શરૂ કરે છે. આમ આ પ્રારંભિક શબ્દો સૂચક છે કે જેથી વાચક એક યુવતીનાં દુ:ખદર્દના સાક્ષી બનવા માટે માનસિક રીતે તૈયાર રહે. કાવ્યના શીર્ષકમાં અને પ્રારંભના કંડિકાસમૂહની છેલ્લી લીટીમાં કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જાય છે કે કાવ્યનો સુખદ અંત આવશે જ અને તેમ છતાંય કાવ્યપઠનના રસની જાળવણી ઉપર તેની કોઈ વિપરિત અસર થતી નથી. ચાલો આપણે કાવ્યવસ્તુમાં વિગતવાર આગળ વધીએ કે જેથી આપણે કવિકર્મ અને કાવ્યસૌંદર્યને માણી શકીએ.(૧)

ભાગ-૨ દુર્ભાગી નારીનું નિરાશામય જીવન

એક નારી બિનભરોંસાપાત્ર ચારિત્ર્ય ધરાવતા એક ખોટા માણસને પરણે છે. તે શરૂઆતથી જ પોતાના વૈવાહિક જીવનથી સંતુષ્ટ નથી. તેને વિપરિત સંજોગો સાથે અનુકૂલન સાધવામાં અને દુષ્ટ પતિ સાથે જીવન પાર પાડવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આમ છતાંય પોતાના સુખમય દાંપત્યજીવન માટેની ખૂબ મથામણના અંતે પણ છેવટે તેને પરાજય ખમવો પડે છે. પરંતુ કવયિત્રી તેની હારને વિજય તરીકે ઓળખાવે છે એ અર્થમાં કે એ હારથી તેનાં તમામ દુ:ખદર્દ અને માનસિક પરેશાનીઓનો અંત આવી જાય છે. (૨)

હવે આપણે અયોગ્ય પતિના તેની પત્ની તરફના માનસિક વલણ તરફ આવીએ. સામાન્ય રીતે આવા જુલ્મી પતિનો પત્ની પરત્વેનો મહત્ત્વનો ઉદ્દેશ એ રહેતો હોય છે કે કેવી રીતે તેના ઉપર સત્તા વાપરવી અને તેને અંકુશમાં રાખવી. અહીં આપણા કાવ્યમાંનો પતિ પણ તેની પત્ની સાથે આક્રમક રહે છે. તે બળપૂર્વક તેના મન અને આત્માને પોતાનાં ગુલામ બનાવવા માટે જોહૂકમીપણું દાખવે છે. તે સારી રીતે જાણે છે કે તે પત્ની વગર અધૂરો છે અને તેથી જ તો તે પૂર્ણ માણસ બનવા માટે તેની ગુંથેલી જાળમાં તેને ફસાવવા માગે છે. એકબીજા પરત્વેના પ્રેમના અભાવવાળા દાંપતીય સંબંધો આપસી ઘર્ષણ અને ઝઘડાઓ સિવાય બીજું શું લાવી શકે! તેની ઘૃણાસ્પદ વર્તણૂક એવી છે કે તે પોતે તો જેવો છે તેવો જ રહેવા માગે છે, પણ પત્ની પાસે અપેક્ષા રાખે છે કે તે આદર્શ પત્ની બની રહે. તે માને છે કે તેણીએ તેને પ્રેમ કરવો જ જોઈએ અને બદલામાં તેને માત્ર કિંમત કે ભીખ રૂપે કંઈક નાણાં આપે. કેથેરિન પલ્સિફરે સાચે જ કહ્યું છે કે ’એવાં લગ્નો હંમેશાં નિષ્ફળ જતાં હોય છે કે જ્યાં એક વ્યક્તિ શીખવાનું, વિકસવાનું અને ઊંચે ઊઠવાનું ચાલુ રાખે છે અને બીજી વ્યક્તિ જડની જેમ સ્થિર ઊભી રહે છે.’ (૩)

વૈવાહિક સંબંધોમાં, પતિપત્નીના એકબીજા પરત્વેના હક્કો અને ફરજો અતૂટ રીતે સંકળાયેલ હોય છે. જ્યારે કોઈ એક અન્ય પાસેથી કોઈ હક્કની અપેક્ષા રાખે, ત્યારે તેણે પોતાની ફરજના પાલન માટે પણ તૈયાર રહેવું જોઈએ. આપણા કાવ્યમાંનો પતિ હંમેશાં પોતાની પત્ની પાસેથી પ્રેમ અને સન્માનની અપેક્ષા રાખતો હોય છે, પણ પોતે તો પોતાનાં કાર્યો અને વચન પરત્વે ઉદાસીન જ રહે છે. તેની પોતાની વર્તણૂકમાં ફેરફાર કરવાની તેની કોઈ તૈયારી નથી હોતી, પણ ઊલટાનો પોતાની પત્નીમાં પૂર્ણતાની અપેક્ષા રાખતો હોય છે. આ પ્રકારનું પતિનું વલણ એક રીતે તો સરમુખત્યારશાહી જેવું જ ગણાય, કે જેને કોમળ લાગણીઓવાળા દાંપત્યજીવનના સંબંધોમાં કોઈ સ્થાન હોઈ શકે નહિ. (૪)

તે સ્ત્રીના ગૌરવને ભૂલી જાય છે અને પત્નીને કોઈ લેખામાં ગણતો નથી. તે તેને સરસ વસ્ત્રપરિધાન કરેલી શો કેસમાં મૂકવા લાયક કોઈ ઢીંગલી હોય તેમ સમજે છે અને વળી તેને દાયજો ચૂકવીને ખરીદી લીધી હોય તેમ એ માને છે. તે તેને પોતાની મિલકત ગણે છે અને ઇચ્છતો હોય છે કે તે જીવનભર પોતાની સાથે જ રહે. તેે તેને પોતાના નાટકના કોઈ એક પાત્ર તરીકે જુએ છે કે જેને ઉચ્ચારવા માટે ખુદના શબ્દો પણ ન હોય અને પોતે અગાઉથી રેકર્ડ કરેલી સંગીતની તર્જની જેમ તે પોતે વાગ્યા જ કરે. (૫)

તે ફરી લખાયેલા નાટકના કોઈ લેખકની જેમ તે તેના અસ્તિત્વને સાવ જ બદલી નાખે છે. વળી તે સિફતપૂર્વક તેના અવાજને એવી રીતે દબાવી દે છે કે તે પોતાના થતા શોષણની સામે વિરોધનો એક શબ્દ પણ બોલી શકે નહિ. તે સભ્યતાના આદર્શોની બધી હદોને ઓળંગી જઈને તેને એવી શરમજનક સ્થિતિમાં લાવી દે છે કે તે તેના સ્ત્રી તરીકેના મરતબાને સાવ જ ગુમાવી બેસે. તે એવો અમાનવીય થઈ જાય છે કે તેની પાસે તેનું પોતાનું કશું જ રહેવા દેતો નથી. તે તેના ઉપર માનસિક જુલ્મ કરવાની એવી તરકીબ અપનાવતો હોય છે કે તે કદીય પોતાના વિચારોને વ્યક્ત કરી શકે નહિ. (૬)

તે તેને સંંપૂર્ણપણે પોતાના ખુદના ઉપર અવલંબિત કરી દે છે. તેને તેની પોતાની દુનિયાથી સાવ અલિપ્ત કરી દેવામાં આવતી હોય છે. તેને તેનાં માતાપિતાના ઘર સાથેના કે મિત્રવર્તુળ સાથેના સંબંધોથી સાવ દૂર કરી દેવામાં આવે છે. આમ આવો એકધારો તેને અપાતો સતત માનસિક ત્રાસ એ જુલ્મી પ્રત્યેની તેની ગુસ્સાની ભાવનાને જગાડે છે. (૭)

તે કમજોર અને લોભિયો માણસ છે. તે જુલ્મી પણ છે, કેમ કે તે તેણીના ગાલ ઉપર તમાચા પણ મારે છે. તે નાણાંને વધારે મહત્ત્વ આપે છે અને તેથી જ તો તેણીને બીમારીમાંથી સાજી કરવા તે ખર્ચ કરતો નથી. નાણાંથી પોતાના ઉજ્જ્વળ ભવિષ્યને જાળવી રાખવા તે નાણાં ગુમાવવા હરગિજ તૈયાર નથી. તે નથી ઇચ્છતો કે પત્નીની બીમારી પાછળના દવાઓના ખર્ચના કારણે તેનું વધતું જતું ધન ઓછું થઈ જાય. (૮)

અહીં તેની ધૃષ્ટતાની પરાકાષ્ઠા જોઈ શકાય છે કે જ્યારે તેની પત્ની બીમાર પડે છે ત્યારે તે તેની એ જ બીમારીનો તેની જ વિરુદ્ધ દુરુપયોગ કરે છે. તે બીમાર હોવા છતાં તેને ઠંડા પાણીએ નહાવાની ફરજ પાડે છે. તેણી પોતાના વિરુદ્ધની તેના પતિની ગંદી રમતોને સમજી જાય છે. તે પોતાના દુ:ખદાયક વિવાહિત જીવનથી ત્રાસી જાય છે અને પોતાની ગમગીનીનો ભાર ઓછો કરવા માટે તેને લાગે છે કે તે પોતાની દુ:ખદ કહાની કોઈકને કહી સંભાળાવે. (૯)

તે તેણીને અપમાનિત કરવાના હેતુએ અપશબ્દોથી ભાંડે છે. તેણીની લાગણીને દુભાવવી તથા તેને માનસિક ત્રાસ આપવો તે તેની કાયમની આદત બની ગઈ છે. તેણીના જીવનનો આ દુ:ખમય જીવનગાળો તેને હતાશા તરફ ધકેલી દે છે અને તેના આત્મસન્માનને હાનિ પહોંચે છે. હવે તે તેના પતિને ખુલ્લો પાડવા કૃતનિશ્ચયી બને છે અને પોતાના વૈવાહિક જીવનનો અંત લાવી દેવાના મક્કમ ઈરાદા ઉપર આવી જાય છે. (૧૦)

ભાગ-૩ ભયંકર ભૂલોની કબૂલાત

હવે પોતાનામાં હિંમત ધારણ કરીને ઉત્સાહપૂર્ણ અવાજે છેવટે તેણે કહ્યું, 'હું કબૂલ કરું છું કે મેં મારા હૃદયના ધબકાર તમારા ઉપર ન્યોછાવર કરીને તમને મેં જે ચાહ્યા હતા તે મારી ભૂલ હતી. આપણા ભલા માટે મેં આજસુધી ચૂપકીદી સેવી હતી. મેં મારી જાતનું બલિદાન આપી દીધું હતું, પણ એ બધું સાવ એળે ગયું.' (૧૧)

મેં હંમેશાં વિચાર્યા કર્યું હતું કે તમે સુધરશો અને મારી સાથે સારું વર્તન કરશો, પરંતુ એમ વિચારવું એ મારી ભૂલ હતી. તમે એક પુરુષ હોવાના કારણે મારી સાથે સારી રીતે વર્તશો એવો મેં તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ તમારા બદઈરાદાનો એવો સાચો રંગ પરખાઈ ગયો કે તમે જીવનભર મારું શોષણ કરવા માટેની યોજનાઓ ઘડ્યે રાખતા હતા. આજે આ બધું મારી સામે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. (૧૨)

એ મારી ભૂલ હતી કે મેં મારા જીવનના સઘળા આદર્શોને તમારા આગળ બલિ ચઢાવી દીધા હતા અને હું જે નહોતી ઇચ્છતી એ જ મારે કર્યે રાખવું પડ્યું હતું. મેં મારા જીવનના દરેક તબક્કે મારા લગ્નજીવનને ભાંગી પડતું બચાવવા સમાધાન કર્યે રાખ્યું હતું. મારા માટે દયાજનક એવી પરિસ્થિતિ હતી કે મારે જ મારી જાતને એવી રીતે બદલવી કે જેથી હું સમાજમાં તિરસ્કારપાત્ર બની રહું. (૧૩)

એ પણ મારી ભૂલ હતી કે મેં તમારામાં વિશ્વાસ મૂક્યો હતો એ આશાએ હું તમારા વિષે જે કંઈ ખરાબ વિચારતી હતી તેને તમે ખોટું પાડશો. પરંતુ મારા ભાગ્યની એ વક્રતા રહી કે મારી તમામ ધારણાઓ ખોટી પડી અને આખરે તમે મારા મનમાં તમારી અસલ જાતને પ્રસ્થાપિત કરી દીધી. હવે હું તમને સમાજમાં ખુલ્લા પાડવામાં મારી જીભને પકડી નહિ રાખી શકું. (૧૪)

હું કબૂલ કરું છું કે એ મારી માફ ન થઈ શકે એવી ભૂલ હતી કે હું તમારી સાથે પરણી અને તમારા સાથે લાંબા સમય સુધી રહી. મારે કહેવું જ પડશે કે તમારા કારણે જ હું મારી ગરિમાને ઓળખી શકી અને તેને જાળવી રાખવા મારે તમારાથી આઝાદ થવું જ જોઈએ એ હકીકત મેં સ્વીકારી લીધી. (૧૫)

મારું તમારી સાથેનું જોડાણ એ મારી ભયંકર ભૂલ હતી.આપણા વિવાહિત જીવનમાં જે કંઈ બનાવો બન્યા તે કદાચ મારા જીવનની ટૂંકામાં ટૂંકી દાસ્તાન બની રહી. મારા જીવનની હવે પછીની ખરી વાર્તા હું તમારી સાથે પરણી ના હોત તો લખાઈ ન હોત! હું એક જીવંત ઓરત છું અને તમારી સાથેના અપમાનજનક સંબંધોએ મારા ઉચ્ચતમ ચારિત્ર્યને ક્ષતિ પહોંચાડી. (૧૬)

ભાગ-૪ સમાપન

કાવ્યનો સમાપન ભાગ કવયિત્રી પોતે ચર્ચાની એરણ ઉપર લે છે. તેણી દુખિયારી પત્નીની વતી તેના પતિનો આભાર માને છે કે તેણે એ બિચારી સાથેના અમાનવીય વ્યવહારથી મુક્તિ મેળવવા છૂટાછેડાનો સાચો માર્ગ કંડારી આપ્યો. તેણે પરોક્ષ રીતે તેણીને છૂટાછેડા લેવાના નિર્ણય ઉપર આવી જવા માટે મદદ પૂરી પાડી. તેણે એવી અનુકૂળતા કરી આપી કે જે માણસ તેને અપમાનિત કરે છે અને તેની સાથે ખરા બ રીતે વર્તે છે તેની સાથે તેણે હવે વધુ લાંબો સમય સાથે ન રહેવું જોઈએ. તેણે એવું સ્પષ્ટ કરી આપ્યું કે હવે તેણીએ નવા સારા પતિને પસંદ કરી લેવો જોઈએ. આમ તે પત્નીને હવે સાચું ભાન થયું કે સુખ આપી શકે તેવી રીતે જિંદગીને મોડ આપી પણ શકાય છે. તેને ખ્યાલ આવી ગયો કે જે ઉદ્ધત પતિ સાથે તેણે કેટલુંક દાંંપત્યજીવન વ્યતીત કર્યું તે ખરેખર જેવું હોવું જોઈએ તેવું તે સાચું જીવન ન હતું. એમ કહેવાય પણ છે કે પ્રતિકૂળતાઓમાંથી પણ સુખ શોધી શકાય છે અને આમ તેણી નવેસરથી પોતાની જાતને ઓળખી કાઢી શકી અને પોતાના બીજા પતિ તરીકે તે સાચા માણસને મેળવી શકવા સમર્થ બની. આમ તે સારા અને ખરાબ પતિ વચ્ચેના ભેદને પણ પામી શકી. તેને એ પણ જાણવા મળ્યું કે પતિમાં કયા સારા ગુણો હોવા જોઈએ અને એ રીતે તે પોતાના સ્વપ્નને અનુરૂપ નવા પતિને પ્રાપ્ત કરી શકે. (૧૭)

પત્નીનું પહેલું લગ્નજીવન દુ:ખોથી ભરેલું હતું, પરંતુ હવે તેનું બીજું લગ્ન યોગ્ય જીવનસાથીની પસંદગીના કારણે વધારે સુખમય છે. અગાઉ કરતાં હવે આ નવતર દાંંપત્યજીવન સ્વતંત્રતા, પ્રેમ અને ઉલ્લાસથી ભર્યુંભર્યું છે. તેણીના આ નવીન સુખમય જીવનને અહીં વર્ણવવું અસ્થાને છે, કેમ કે તેના માટે તો એક નવીન કાવ્ય જ રચવું પડે. આમ અહીં જ કાવ્ય સુખાંતે પૂરું થાય છે, જેવી રીતે કે કાવ્યના શીર્ષકમાં જ તેને અગાઉથી જણાવી દેવાયું છે. (૧૮)

[રબાબ મહેર (કવયિત્રી) * વલીભાઈ મુસા (સરળ ગદ્ય સ્વરૂપે કાવ્યના રજૂકર્તા)]

(શિખરિણી)

નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો;તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં,વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો;નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને,વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના;વળી પાછા ભાળું મુખ ઉપર સર્વે મનુજનાં,વિમાસું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

(૨૧-૧૨-૨૦૧૧)

- પંચમ શુક્લ

સંપર્ક :-

Pancham Shukla

ઋણસ્વીકારઃ What a Wonderful World [written by Bob Thiele (as George Douglas) and George David Weiss and sung by Louis Armstrong] નો ભાવાનુવાદ.

પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી, ૨૦૧૨); નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૨)

What a wonderful world!

I see trees of green, red roses too;I see them bloom for me and you,And I think to myself what a wonderful world!

I see skies of blue and clouds of white;The bright blessed day, the dark sacred night,And I think to myself what a wonderful world!

The colors of the rainbow so pretty in the sky;Are also on the faces of people going by,I see friends shaking hands saying how do you do,They’re really saying I love you.

I hear babies crying, I watch them grow,They’ll learn much more than I’ll never know,And I think to myself what a wonderful world!Yes, I think to myself what a wonderful world!

* * *રસદર્શન/પ્રતિભાવ

ઇચ્છા તો થઈ આવે છે કે હાલ તરત જ વિમાને ચઢી, યુ.કે. જઈ, મારા-અમારા આ ભાણાભાઈ પંચમજીને ઊંચકીને ફેરફૂંદડી ફેરવી લઉં! અંગ્રેજી કાવ્યનો આવો ઉમદા કાવ્યમય અનુવાદ વાંચીને મૂળ કાવ્યના શીર્ષક ‘What a Wonderful World!’માંના શબ્દો જેવા જ આ મુજબના અનુધ્વનિત શબ્દો મનમાં ઉદભવે છે ‘What a Wonderful Translation!’

મારા એક લેખમાંની મારી અનુવાદમીમાંસાની કેટલીક વાતો કંઈક આવી હતી:

– કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે.

– ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

– કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.

– કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે.

– અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને’Fair flowers in the valley’(વનરામાં ગલ રાતાં ફૂલડાં).

ભાઈશ્રી પંચમ શુક્લે મૂળ કાવ્યના અનુવાદમાં સર્વ પ્રથમ તો શીર્ષકમાંના ‘Wonderful’ શબ્દ માટે ‘અનુપમ’ શબ્દ પ્રયોજીને અન્ય સમાનાર્થી સંભવિત શબ્દોને કોરાણે મૂકી દઈને આશ્ચર્ય (Wonder) સર્જ્યું છે. આ શબ્દની જ એવી તાસીર રહી છે કે આખું શીર્ષક ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ કાવ્યભાલે બિંદી સમાન શોભી ઊઠે છે.

કાવ્યના સફળ અનુવાદ માટેની મારી ઉપરોક્ત મીમાંસાની પ્રત્યેક હકારાત્મક આવશ્યકતાનું ભાઈશ્રી પંચમે અનુસરણ કર્યું છે અને તેથી જ તો ‘મેઘાણી’ જેવાનાં અનુવાદિત કાવ્યોની પંગતમાં શોભી શકે તેવું સરસ મજાના શિખરિણી ગેય છંદમાં લખાએલું આ કાવ્ય વારંવાર ગાઈએ તોય ધરપત ન થાય તેવું ઉત્તમોત્તમ છે. કાવ્યની પ્રથમ નવ પંક્તિઓમાંની દર ત્રીજા ક્રમે આવતી શીર્ષકની પુનરાવૃત્તિ કરતી પંક્તિઓમાંના પ્રથમ શબ્દો ‘વિચારું હું’, ‘વિલોકું હું’ અને ‘વિમાસું હું’ ની પસંદગી સરસ મજાના લયવૈવિધ્યને પ્રદર્શિત કરે છે.

કાવ્યની ચૌદ પંક્તિઓ હોય તેટલા માત્રથી તેને સોનેટ ગણી શકાય નહિ. વળી મૂળ કાવ્યમાં ચૌદ પંક્તિઓ તો છે, પણ તેમાં સોનેટનાં મૂળભૂત લક્ષણોનો અભાવ વર્તાય છે; વળી તેટલું જ નહિ તે શેક્સપિઅર, મિલ્ટન કે પેટ્રાર્કની ઢબો સાથે પણ મેળ ખાતું નથી. આ તો મૂળ અંગ્રેજી કાવ્યને અનુલક્ષીને આ બધું લખ્યું, પણ પંચમજીના આ અનુવાદિત કાવ્યને પણ એ બધું સરખી રીતે લાગુ એટલા માટે પડી શકે છે કે તેઓશ્રી પોતાના અનુવાદકાર્યમાં મૂળ રચનાને ચુસ્ત રીતે વફાદાર રહ્યા છે. સોનેટના અર્ક રૂપે છેલ્લે આવતી વાત અહીં વચ્ચે વચ્ચે આવતી જાય છે. ‘આમ અને તેમ’ એવી સઘળી વાતોને પડતી મૂકીને આપણે આ કાવ્ય સોનેટ હોવા ન હોવાની વાતનો નિર્ણય પંચમભાઈ ઉપર છોડીએ.

ફરી એક વાર ભાઈશ્રી પંચમને ધન્યવાદ.

-વલીભાઈ મુસા

નોંધ : – (પૂરક માહિતી અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર, વલીભાઈ. સોનેટ સંદર્ભે તમારી રજૂઆત સાથે હું સહમત છું. – પંચમ શુક્લ)

$$$$$$$

ટૂંકો પરિચય ()

વલીભાઈ મુસા૧૦૫, નસીર રોડકાણોદર – ૩૮૫ ૫૨૦

ફોન - ૦૨૭૪૨-૨૪૨૯૭૭મો. - ૦૯૩૨૭૯ ૫૫૫૭૭ઈ-મેઈલ –

Blog URL:

musawilliam.wordpress.com (William’s Tales)musavalibhai.wordpress.com (વલદાનો વાર્તાવૈભવ)musavalda.wordpress.com (માનવધર્મ)

અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ. (ડ્રોપ્ડ); બિઝનેસમેન, પ્રથમ વાર્તા ‘સવિતા’ (૧૯૬૫), દ્વિભાષી બ્લૉગર(ગુજરાતી-અંગ્રેજી), વિવિધ સાહિત્યપ્રકારોમાં ૬૦૦ જેટલી રચનાઓ, કોઈ મુદ્રિત પુસ્તક નહિ, ૧૪ ઈ-બુક્સ, અનેક મુદ્રિત અને ઈ-સામયિકોમાં વાર્તાઓ પ્રસિદ્ધ, ‘વેબગુર્જરી’માં સહસંપાદક અને શ્રેણીલેખક.

$$$$$$$

પરિશિષ્ટ ()

(લેખકનાં પ્રકાશિત ઈ - પુસ્તકોની યાદી)

English : -

(1) In Changing Moods – Essay/Article(2) In Light Mood – Essay/Article(3) In Thoughtful Mood – Essay/Article

Gujarati : -

(4) Halva Mijaje (હળવા મિજાજે) – નિબંધ/લેખ(5) Jalsamadhi (જલસમાધિ) – વાર્તા(6) Maari Kanta (મારી કાન્તા) – વાર્તા(7) Mam KavitadaN (મમ કવિતડાં) – કાવ્ય(8) Parivartit Mijaje (પરિવર્તિત મિજાજે) – નિબંધ/લેખ(9) Prasanna Mijaje (પ્રસન્ન મિજાજે) –નિબંધ/લેખ(10) Sambhavi Mijaje (સમભાવી મિજાજે) – નિબંધ/લેખ/વિવેચન(11) Valda-no-Vartavaibhav (વલદાનો વાર્તાવૈભવ) – વાર્તા(12) Vicharshil Mijaje (વિચારશીલ મિજાજે) – નિબંધ/લેખ(13) Valda-nee Vasrika (વલદાની વાસરિકા) - પ્રકીર્ણ લેખો(14) Kavyanuvadan – Rasaswadan (કાવ્યાનુવાદન – રસાસ્વાદન) – અનુવાદિત કાવ્યોનાં રસદર્શન

$$$$$$$

સમાપ્ત