ગલતી સે મિસ્ટેક
-રાકેશ ઠક્કર
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી આરાએ એક દિવસ હરખને સીધું જ પૂછી લીધું:"હરખ, મારી સાથે લગ્ન કરીશ?"
આરાના સવાલથી હરખ ચોંકી ગયો હતો. તે આરાને સારી રીતે ઓળખતો હતો. કોલેજની છોકરીઓમાં જે ખરેખર રૂપનો ખજાનો હતી તે ટોપ ફાઇવમાં આરાનું નામ હતું. તે જ્યારે ટીશર્ટ અને જીન્સ પહેરીને આવતી ત્યારે છોકરાઓની આંખોમાં છવાઇ જતી હતી. એવું ન હતું કે હરખ હીરો જેવો સુંદર ન હતો. તે હેન્ડસમ હતો. અને ખાસ તો શરીરથી એકદમ ફિટ હતો. તેનું શરીર સૌષ્ઠવ કોઇ પણ છોકરીને આકર્ષે એવું હતું. ઘણી છોકરીઓ તેને પસંદ કરતી હતી. પણ આરા આ રીતે તેના ગળામાં વરમાળા પહેરાવવાની સીધી ઓફર કરશે એવી તેને કલ્પના ન હતી.
હરખ અત્યારે કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. તેને રૂપવતી આરા પસંદ હતી. એ તેના સમાજની જ હતી. પણ તે એક નિર્ણય લઇને બેઠો હતો. તે એવી છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો જેનું રૂપ સામાન્ય હોય. તે એક ઘરરખ્ખુ છોકરીને પત્ની બનાવવા માગતો હતો. અને આ વાત આરાને કહી શકે એમ ન હતો.
તેના વિચારોમાં ખલેલ પાડતી હોય એમ આરા મજાકીયા સ્વરમાં બોલી:"મહાશય, હું તમને કહી રહી છું. હમણાંથી જ મારા સપનામાં ખોવાઇ ગયા કે શું?"
હરખ તંદ્રામાંથી જાગતો હોય એમ ગંભીર થઇને બોલ્યો:"આરા, માફ કરજે પણ હું તારી સાથે લગ્ન કરવા માગતો નથી."
"વ્હોટ? હું તૈયાર છું અને તું કંઇક બીજું જ વિચારે છે? તારા ધ્યાનમાં મારાથી પણ સુંદર કોઇ છોકરી છે?"
"ના... તારાથી સુંદર તો નથી....પણ...."
"અરે! સો છોકરા મારો હાથ પકડવા તૈયાર છે છતાં તું મારા મનમાં વસી ગયો છે એટલે તારી સાથે સહજીવનની કલ્પના કરી રહી છું અને તું મારી વાત ઠુકરાવી રહ્યો છે? એવી તો કોણ આ કોલેજમાં છે જે તારી સંગીની બનવાની છે?" આરાને હરખની વાત તેના રૂપ માટે અપમાન જેવી લાગી હતી.
"જો આરા, મારી વિચારધારા કંઇક અલગ છે. તારા જેવી રૂપવતીને પરણવાનું ઘણાનું સપનું હશે. પણ હું માનું છું કે સામાન્ય રૂપવાળી છોકરી ગૃહિણી બનીને વધુ સારી રીતે રહે છે."
"તો શું શ્રીદેવી, માધુરી કે ઐશ્વર્યા સારી ગૃહિણી બની શકી નથી? એ બધી જ અત્યારે બાળકોને જન્મ આપી ઘર ગૃહસ્થી સંભાળી રહી છે." આરાને હરખની વાતનું લાગી આવ્યું હતું.
હરખ બચાવ કરતો હોય એમ બોલ્યો:"જો હું તારા માટે ખરાબ વિચારતો નથી. પણ અમારા જેવા મધ્યમવર્ગીય ઘરમાં સામાન્ય છોકરી વધુ એડજસ્ટ થઇ શકે એમ મારું માનવું છે..."
"હું પણ સારી ગૃહિણી બનવાની લાયકાત ધરાવું છું. તું અજમાવી જો."
"જો કહેવું સરળ છે..."
"અચ્છા તો કોણ છે તારી સપનાની રાણી એ પણ કહી દે.." આરા રીસમાં બોલી.
"સમતા..." હરખ આનંદમાં બોલ્યો.
"ઓહ! પેલી શ્યામલી સમતાની વાત કરે છે? આખો દિવસ ચોપડામાં માથું નાખીને ફરે છે એ?" આરા નવાઇથી બોલી.
કોલેજમાં હોંશિયાર વિદ્યાર્થીની તરીકે સમતા જાણીતી હતી. પણ આરાના રૂપ સામે તો એ કંઇ જ ન હતી.
"હા, એ જ સ્કોલર સમતા. હું રૂપનો નહીં ગુણનો પૂજારી છું. સાદગી મને વધુ પ્રિય છે. અને મને ખાતરી છે કે સમતા અમારા ઘરમાં સારી ગૃહિણી તરીકે શોભશે."
"હરખ, તું આમ કહીને મારા રૂપનું અપમાન કરી રહ્યો છે. તું કેવી રીતે કહી શકે કે હું સારી ગૃહિણી બની નહીં શકું? દરેક છોકરી એ તાલીમ મેળવે જ છે. પણ માત્ર ઘરકામ પર જ આખું જીવન ચાલતું નથી. તું મારી લાગણી ઠુકરાવીને ભૂલ કરી રહ્યો છે. હજુ પણ વિચારી લે."
"આરા, મેં તો કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ આ બાબતે વિચારી લીધું હતું."
આરા તરત જ ત્યાંથી ચાલી ગઇ.
હરખને બીજા દિવસે ખબર પડી કે આરાએ કોલેજના સૌથી હેન્ડસમ ગણાતા ગર્વિત સાથે સગાઇ કરવાનું જાહેર કરી દીધું હતું.
થોડા જ દિવસોમાં પરીક્ષા આવી અને કોલેજ પૂરી થઇ જતાં બધા પોતપોતાના માર્ગે નીકળી ગયા.
હરખે એંજીનીયરીંગ પૂરું કરીને એક કંપનીમાં નોકરી શરૂ કરી દીધી અને સમતા સાથે લગ્ન પણ કરી લીધા. સમતા ઘરમાં આવ્યા પછી તેના પરિવારને એમ હતું કે ઘરરખ્ખુ સાબિત થશે. પણ સમતાને આ ઘર નાનું લાગી રહ્યું હતું. હરખનો પગાર પણ ઓછો લાગતો હતો. તે નોકરી કરવા માગતી હતી પણ હરખનું માનવું હતું કે પરિવારની જવાબદારી હોવાથી એ વાત શક્ય ન હતી. તેને પોતાના ભણતરનું અભિમાન હતું. તેને આગળ ભણવું હતું અને મુક્ત ગગનમાં ઉડવું હતું. ઘરમાં તેને બંધન લાગતું હતું. તેને લાગતું હતું કે તેનું સ્થાન ઘરમાં કામવાળી જેવું હતું. ધીમે ધીમે નાની-નાની વાત પર ઘર કંકાસ થવા લાગ્યો. છ માસમાં જ હરખ અને સમતા વચ્ચે અનબન એટલી વધી ગઇ કે બંનેને એમ લાગ્યું કે હવે સાથે રહી શકે એમ નથી. અને છૂટા પડવાનો નિર્ણય લઇ લીધો. હરખને લાગ્યું કે તેના બધા સપના ચૂરચૂર થઇ ગયા છે. તે હતાશ થઇ ગયો.
સમતા ચાલી ગયા પછી હરખના જીવનમાં શૂન્યાવકાશ સર્જાઇ ગયો.
એક દિવસ એક લગ્નપ્રસંગમાં અચાનક તેની નજર આરા પર પડી. તેનાથી દૂર ભાગવા તે એક ખૂણામાં જતો રહ્યો. તે રસોડામાં અમસ્તું જ નિરીક્ષણ કરવા લાગ્યો. પણ આરા તેને જોઇને તેની પાછળ પાછળ આવી.
"હાય હરખ! ક્યાં ભાગે છે? મને ભૂલી ગયો કે શું?"
"ના...ના. આ તો જરા અહીં નજર કરવા આવ્યો હતો. બોલ કેમ છે? ક્યાં છે તારો હીરો?" હરખના અવાજમાં સહેજ કટાક્ષ ભળ્યો.
આરાએ લગ્નમાં આવેલા લોકોની ભીડમાં આમતેમ નજર ઘૂમાવી. પછી એક યુવાન તરફ હાથ બતાવી કહ્યું:"જો પેલો ભૂરા શર્ટવાળો..."
હરખે નજર નાખી તો નવા વસ્ત્રોમાં સજ્જ એ યુવાન શ્યામ રંગનો હતો અને સામાન્ય રૂપ ધરાવતો હતો."
"પણ તું તો પેલા ગર્વિત સાથે લગ્ન કરવાની હતી ને?" હરખને નવાઇ લાગી રહી હતી.
"જો અહીં બધી વાત થાય એમ નથી. આપણે ઉપર અગાશી પર જઇને વાત કરીએ. તું થોડીવાર પછી મારી પાછળ આવજે."
બંને અગાશી પર ભેગા થયા પછી હરખે ફરી પૂછ્યું:"તેં વિચાર કેમ બદલી નાખ્યો? મારા વિચારોની અસર થઇ કે શું!"
"ગોરા ગર્વિત સાથે મેં સગાઇ કરી પછી મને ખબર પડી કે તેને પોતાના રૂપનો ગર્વ છે. અને મને તે રમકડું સમજતો હતો. લગ્ન પહેલાં તે પતિ તરીકેના બધા અધિકાર ભોગવવા માગતો હતો. હું મારી મર્યાદા સાચવતી હતી. બે મહિનામાં જ મને લાગ્યું કે હું પતિવ્રતા બનીને રહીશ પણ તે એકપત્નીવ્રત બનીને રહે એવો નથી. એટલે સગાઇ તોડી નાખી. અને સામાન્ય રૂપવાળા સૂરજ સાથે લગ્ન કરી લીધા. હવે તું કહે કે તારી સપનાની રાણી ક્યાં છે? લઇને આવ્યો નથી?"
હરખ થોડી ક્ષણો માટે ચૂપ થઇ ગયો. પછી બોલ્યો:"આરા, હું ખોટો પડ્યો. સામાન્ય રૂપની પત્ની તો હતી. પણ એ એક સ્ત્રી તો હતી જ. શ્યામ હતી પણ તારા જેવી દિલની સાફ ન હતી. કજીયાળી હતી. તેની સાથે મેળ ના જામ્યો. મારા સપના અને વિચારો મુજબ જીવન ના ચાલ્યું. મને એ સમજાઇ ગયું છે કે છોકરી રૂપવતી હોય કે ના હોય પણ સારા સ્વભાવની તો હોવી જ જોઇએ. પણ એ તો અનુભવે જ સમજાય. અમે પરસ્પરની સંમતિથી છૂટા પડી ગયા. આજે થાય છે કે તારી ઓફર ઠુકરાવીને ભૂલ કરી હતી. હું ખોટો પડ્યો."
"હરખ, હું પણ ખોટી પડી. અને ભૂલ તો બધાથી થાય છે. એને સુધારી પણ શકાય..."
હરખ આશ્ચર્યથી તેને જોવા લાગ્યો. તેને સમજાયું નહીં કે આરા શું કહેવા માગે છે.
"હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું....હરખ."
"પણ, તારા લગ્ન તો..."
"એ મજાક હતી. મેં તને જે છોકરો બતાવ્યો એને હું પણ ઓળખતી નથી. તારી વાત જાણવા હું ખોટું બોલી હતી. હું હજુ કુંવારી જ છું. મને તારા જેવો બીજો કોઇ મળતો નથી. આજે ફરી હું જ તને લગ્ન માટે કહું છું."
"ચાલ હવે બે ખોટા ભેગા મળીને સાચું જીવીએ. આપણે "ગલતી સે મિસ્ટેક" કરી હતી એમ માનીશું." કહેતો હરખ હેતથી આરાને ભેટી પડ્યો.
નીચે ચાલતા લગ્નમાં શરણાઇના મંગળ સૂર રેલાઇ રહ્યા હતા.
*