Sanskrutik Karykram books and stories free download online pdf in Gujarati

સાંસ્કૃતિક કાર્યક્રમ !

સાંસ્કૃતિક કાર્યક્રમ !

“હું શું કહું છું ?” શ્રીમતીજી ઉવાચ અને મેં કાન સરવા કર્યા ! બોલો, શું કહો છો કે નાં મારે નથી સાંભળવું એવું ઓપ્શન તો હોયજ નહિ આમાં ! “મારે વિસાવદર જવું છે, ત્યાં આશ્રમ માં ત્રણ દિવસ રહી ને મૌન પાળવું છે” શ્રીમતીજી આગળ બોલ્યા !

લો, કરો વાત, અલા ભાઈ, આમાં પણ વિસાવદરવાળાઓ લાભ ખાટી જશે ? સાલું આપણે જીંદગી માં કોઈ પુણ્ય કર્યા જ નહિ હોય ? “પ્રિયે, તમે અહી રહી ને જ આ કાર્ય કરો ને ? સાલું ત્રણ તો ત્રણ દિવસ, શાંતિ તો રહે, અને વિસાવદર નો ખર્ચો બચે એ લટકા માં” આવો મને વિચાર મનમાં આવ્યો પણ એની પાછળ રહેલા ગૃહકલેશ ને ટાળવા મેં અહી અત્યારેજ મૌન પાળવાનું ઠીક સમજ્યું ! આમપણ સાહેબ પરણેલા પુરુષ ને તો કાયમ નું મૌનવ્રત હોયજ છે, એના માટે આપણે ક્યાં વિસાવદર ના આશ્રમ માં લાંબા થવાનું છે ?

“ભલે ભલે, સહર્ષ જઈ આવો, ક્યારે જાવ છો ?” મેં બને એટલી મીઠાશ ઘોળીને પૂછ્યું. આમ પણ ત્રણ દિવસ શાંતિ તો રહેશે ઘરમાં અને બંદા જલસા કરશે એવા ગલગલીયા મન માં થઇ રહ્યા હતા.

“જવું તો આ શુક્ર શની રવિ જ છે, પણ પછી તમે શું કરશો ?” શ્રીમતીજી ઉચાટ માં બોલ્યા !

લો, જાણે કે હું નાનો કીકલો હોવ અને એમના વગર એક ડગલું પણ ના ભરી શકતો હોવ એવી વાત થઇ આ તો !

“અરે ડાર્લિંગ (સાલું, એકલા રહેવાના ઉન્માદ માં આવા સંબોધનો ક્યારેક નીકળી પણ જાય) તું લગીરે ચિંતા ના કર, હું ચલાવી લઈશ, તે નિર્ધાર કર્યો છે તો હવે જઈ જ આવ (મારું હારું ક્યાંક એનો પ્રોગ્રામ કેન્સલ થાય તો પાછી આફત)

“જમવાનું શું કરશો ? બાજુ વાળા મંછામાસી પણ જોડે આવાના છે, બહાર નું ખાઈ ને તમારી તબિયત બગડે છે યાદ છે ને ?” શ્રીમતીજી એ ચિંતા કરી.

અલ્યા ભાઈ એ મંછા નું ખાઈ ખાઈ ને જ મારી તબિયત બગડે છે એવું એને કોણ સમજાવે, સાલું મારી પત્ની જયારે જયારે બહાર ગઈ છે એ મંછા ને અને એના ખાવાને મારા માથે મારી ને ગઈ છે, બહુ ડેન્જર બાઈ છે એ ! એનું ખાવાનું ખાઈ ખાઈ ને એનો બિચારો પતિ વહેલો પરવારી ગયો આ દુનિયામાંથી અને હવે એ મંછાડોસી મારી પાછળ પડી છે ! આ વખતે તો એનો પણ ભય નથી એટલે મારી અંદર ના ગલ્ગલીયાઓ એ તાંડવ મચાવ્યું !

“અરે પ્રિયે (યાદ રાખો ગલ્ગલીયાઓ નું તાંડવ મચ્યું છે એટલે આવા વહાલવાચક સંબોધનો તો આવવાનાજ, સાહેબ) તું ચિંતા ના કર, મનુ છે ને, એને ઘેર બોલાવી લઈશ, આમેય આ વિકેન્ડ રજા જ છે. એની મીસીસ પણ બહાર જવાની છે. અમે બંને મિત્રો કૈક કાચું પાકું બનાવી લઈશું” મેં શ્રીમતીજી ને આશ્વસ્ત કરવા નો પ્રયાસ કર્યો.

“રેવા દો, મને ખબર છે તમારા બેય ની. મારી પીઠ પાછળ જલસા કરવાના પ્રોગ્રામ હશે તમારા બીજું તો શું હોય ?” શ્રીમતીજી બગડ્યા

“લે વહાલી (ગલગલીયા નું તોફાન હજી ચાલુ જ છે) તું શું વાત કરે છે ? તને મારા પર ભરોસો નઈ કે ?” મેં બને એટલી નિર્દોષતા અવાજ માં લાવી ને આજીજી કરી.

“નાં” ઠંડા સત્તાવાહી અવાજે શ્રીમતીજી એ મારી નિર્દોષતા પર પાણી રેડી દીધું ! પછી હાથનો અંગુઠો મોઢા પાસે લાવી ને કહે “તમારા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો ની મને જાણ છે હો ?”

પત્યું ! ગુસ્સો એવો આવ્યો કે મેં મારા તમામ વૈચારિક ગલ્ગલીયાઓને લાત મારી ને મગજ માંથી કાઢી મુક્યા. અને ફરીથી સ્ટ્રેટેજી બદલી “હોતું હશે હવે ડીઅર, એ તારી ગેરસમજણ છે, હું કઈ એવું નથી કરવાનો, તારી બા ના સમ બસ ?”

“ખબરદાર મારી બા ને વચ્ચે લાવી છે તો આમાં” ? શ્રીમતીજી તાડૂક્યા. “યાદ છે ને લાસ્ટ ટાઈમ હું બે દિવસ બહાર ગયેલી અને તમે બંને એ શું કરેલું ?” પાછી આવી ત્યારે આખું ઘર રમણ ભમણ હતું, રસોડા માં બળી ગયેલા શાક અને ભાત ના તપેલા પડ્યા હતા, લેંઘા માં તમે ઈસ્ત્રી કરવા ગયેલા એમાં એ બળી ગયેલો અને ચારેકોર બહારથી મંગાવેલા નાસ્તા ના પડીકા પડ્યા હતા ! મને એ નથી સમજાતું કે તમે લેંઘા ને કેમ ઈસ્ત્રી કરવા ગયેલા?”

માર્યા ઠાર, હવે શ્રીમતીજી ને કોણ સમજાવે કે એ તો રાત્રે સંસ્કૃતિક કાર્યક્રમ કરતા કરતા ભૂલ થી સિગારેટ લેંઘા પર પડી ગયેલી અને એમાં કાણું પડી ગયેલું, હવે આને ઢાંકવા માટે શું કરવું ? એટલે મારા નાનપણ ના ભેરુ મનું એ મને સુજાડ્યું કે એક કામ કર, લેંઘાનો જે ભાગ સિગારેટ થી બળી ગયો છે એની ઉપર ગરમ ઈસ્ત્રી મૂકી દે અને એને વધારે બાળી નાખ ! શ્રીમતીજી પૂછે તો કેજે કે ભૂલથી ઈસ્ત્રી કરતા કરતા થઇ ગયું ! લો બોલો સાહેબ દુનિયા માં આવા જીગરજાન અને કાળજાના કટકા જેવા દોસ્તો હોય પછી આઈડિયા ની કોઈ કમી હોય ? મેં એમ જ કર્યું. કરતા તો કરી દીધું પણ સાલું મનીયાએ એ ના કીધું કે કોઈ માણસ એના રાતે પહેરવાના લેંઘા ને ઈસ્ત્રી કેમ કરે ! સાલું ભરવી દીધો આજે એણે યાર ! હવે શું કરું ? અત્યારે ને અત્યારે મનું ના પછવાડે ગરમ ઈસ્ત્રી ચાંપી દઉં એવી દાઝ ચડી ગઈ.

“અરે જીગર (હા ભાઈ હા, જીગર, કહેવું પડે, ત્રણ દિવસની મજા લેવાની છે) તું બી ક્યાં આ લેન્ઘાઓ ની માથાકૂટ માં પડી ગઈ.” મેં વાત ટાળવાનો પ્રયત્ન કર્યો “અરે ભાઈ આ વખતે હું ઈસ્ત્રી જ નહિ અડું બસ ? તારી બા નાં સમ પણ પાછા લઉં છું બસ ? અને ખાવાપીવા માં ધ્યાન આપીશ. તું તારે નિશ્ચિંત થઇ ને જા અને ફતેહ કર” મેં બને એટલી નરમાશ લાવી ને શ્રીમતીજી ને આશ્વસ્ત કરવા નો મરણીયો પ્રયાસ કર્યો.

શ્રીમતીજી એ શંકા થી મારી સામે જોયું અને પછી મન માં ને મન માં કૈક નિર્ણય કર્યો હોય એમ જતા રહ્યા.

મેં બહાર જઈ ને મનુ ને ફોને જોડ્યો અને ખુશખબર આપ્યા. જોડે જોડે ગાળો પણ દીધી લેંઘા વાળી મેટર માં !

“સાલા તું આ વખતે રેવા દેજે, તને ત્રણ પેગ પછી ચડી જાય છે, અને ઉંધી સિગારેટો સળગાવતો અને કપડાઓ બાળતો થઇ જાય છે. એ તો હું હતો એટલે નહિ તો તે આખા ઘર માં આગ લગાડી હોત અને જોડે મનેય લેતો ગયો હોત. હું નૈ આવું આ વખતે” મનુ એ ફોન માં ભાવ ખાધો. “ખબર છે ને લાસ્ટ ટાઈમ ચડેલી માં તું કપડા ધોવા બેસી ગયેલો અને નાહવાના લક્સ સાબુ થી કપડા ધોઈ નાખેલા અને આખા ઘરમાં મારી પાસે તાર બંધાવી ને ભીના કપડા સુકવેલા! સાલું આખું ઘર પાણી પાણી થઇ ગયેલું. એમાયે પાછું ધોકો ના મળ્યો તો જમીન પર પછાડી પછાડી ને બે ત્રણ કપડા તો ફાડી પણ નાખેલા!”

સાલાને મન માં તો ગલગલીયા થતાજ હશે પણ આડોડાઈ કરે છે. હું પણ કઈ કમ નથી એવું નક્કી કરી ને મેં કીધું “જો મનુ, તારે નાં આવું હોય તો કઈ નહિ, હું એકલો પ્રોગ્રામ કરી લઈશ, આતો વળી તને એમ ના થાય કે મેં જાણ નતી કરી એટલે મેં કીધું. બાકી તું પણ રેવા દે, સાલા, ત્રણ પેગ પછી તારું ઈંગ્લીશ એવું ચાલુ થાય છે કે માણસને તાત્કાલિક ધોરણે આત્મવિલોપન કરવાનું મન થઇ જાય. તું રેવા દે ભાઈ, આટલા વર્ષો ની ભાઈબંધીનો બદલો આપી દીધો તે આજે, તું રેવા જ દે” મેં ગળગળા થઇ ને કીધું.

“બસ હવે, ડાહ્યો ના થા, માલ પડ્યો છે ?” મનુ સીધો મૂળ વાત પર આવ્યો

“હા ભાઈ હા, એટલે તો કહું છું, આવી જજે શુક્રવાર રાતે, જલસા કરીશું જલસા” મેં આનંદિત થઇ ને સમાપન કર્યું.

અત્યંત ગંભીર મુખ રાખી ને હું ઉભો હતો, શુક્રવાર ની સવાર આવી ગઈ હતી. આ પણ એક કળા છે હો સાહેબ, મન માં ગમ્મે એટલો આનંદ નો દરિયો હીલોળે ચડ્યો હોય, મુખ પર ગંભીરતા ધારણ કરી રાખવી એ એક સાંસારિક પુરુષ કે જેની બૈરી બહારગામ જતી હોય એ જ કરી શકે , આમાં એ ભલભલા યોગીઓ થી પણ એ ચડી જાય.

શ્રીમતીજી હાથ માં બેગ પકડી ને ઉભા હતા, સૂચનો નો મારો ચાલુ હતો “હું શું કહું છું ? પાણી આવે એટલે ભરી લેજો, પાછા નળ ખુલ્લો ના મુકતા, કંકુ (અમારી કામવાળી બાઈ) ને આવાનો ટાઈમ થાય એટલે ઘેર રેજો, નાસ્તા ના ડબ્બાઓ મુક્યા છે ઉપર ચિઠ્ઠી ચોટાડીને, ખાખરા ટેબલ પર છે, કપડા ધોવાના થાય એટલે સાઈડ માં મૂકી દેજો, જાતે ધોવાનો પ્રયાસ ના કરતા, ઈસ્ત્રી તો અડતા પણ નઈ, દૂધવાળો આવે એટલે એક જ કોથળી લેજો અને એને કેજો કે સોમવાર થી પાછી બે કોથળી આપતો જાય. ઓલા ભૂરિયાને રોટલી નાખવા જતા નહિ, ખબર છે ને કે ગઈ ફેર એણે તમને બચકું ભરી લીધેલું, એ તમને જરીક પણ પસંદ નથી કરતો, દૂર રેજો એનાથી....”

આવી રીતે આપણી ઈજ્જતનો કચરો થઇ રહ્યો હતો ત્યાજ મંછામાસી ની બૂમ આવી કે કેટલી વાર અને શ્રીમતીજી એ છેલ્લી વાર મારી સામે જોયું, મેં સામે બને એટલું ભોળું મોઢું રાખી ને સ્મિત કરવાનો પ્રયાસ કર્યો અને એ નીકળી પડ્યા !

અડધો કલાક વીત્યો એટલે મેં મનું ને ફોન કર્યો, અને ખુશખબર આપ્યા. ઓફિસેથી છૂટી ને બંદા આઠ વાગ્યે રાહ જોશે અને નાસ્તા ના પડીકા લેતો આવીશ એવી જાણ પણ કરી દીધી.

સાંજે ઘેર આવી ને ફટાફટ ફ્રેશ થઇ ને હું બેઠો હતો અને આવનારા રંગીન સાંસ્કૃતિક પ્રોગ્રામ વિષે વિચારતો વિચારતો મરક મરક થતો હતો ત્યાંજ ડોરબેલ વાગી ! સાલું મનીયો આટલો જલ્દી આવી ગયો ! ભારે ઉતાવળો ભાઈ !

જેવું મેં બારણું ખોલ્યું અને મને સખ્ખત ઝાટકો લાગ્યો ! મારી આંખો ફાટી રહી ગઈ, અને મો ખુલ્લું રહી ગયું !

સામે મારા સાસુશ્રી ઉભા હતા હાથ માં બેગ લઇ ને !

“કેમ છો જમાઈરાજ ? મજામાં ને ? બકુડી બિચારી મૌનવ્રત માં આશ્રમ ગઈ છે તો મને ફોન કરી ને કેહતી ગઈ કે તમે ઘેર એકલા છો અને મને યાદ કરો છો તો હું આવી ગઈ” બા એ મર્માળુ સ્મિત કરીને મને મારા આઘાત માંથી જગાડ્યો.

બધું ચક્કર ચક્કર ફરતું હોય એવું લાગ્યું મને, મોબાઈલ પર મનું ના કોલ પર કોલ આવતા હતા અને હું બાજુ ની ખુરશી માં ફસડાઈ પડ્યો !

એટલામાં બા ના મોબાઈલ પર કોઈ નો ફોન આવ્યો, બા બેગ નીચે મૂકી ને વાતો કરવા લાગ્યા

“હેં ? શું કહ્યું ? બકુડી એ ? ક્યા ? ક્યારે ? કેવી રીતે ? તમે કોણ બોલો ? ક્યાંથી બોલો ? હા ભાઈ હા, એ વાત ની કરી શકે, એને મૌન વ્રત છે એટલે. હું અબ ઘડી આવું છું, અત્યારની ટ્રેન મળી જશે વિસાવદર ની. તમારો ખુબ ખુબ આભાર હો ભાઈ” સાસુમા શ્વાસ રોકીને એક ધારું બોલે રાખતા હતા.

ફોન કાપીને એમણે મારી સામે જોયું, “મને કહે કે હું ભાઈબંધો જોડે શિરડી જાઉં છું અને હવે પોતે ત્યાં વિસાવદરમાં જઈને બેઠા છે, ખબર નહિ કોની જોડે લશ્કર લડાવ્યા છે? આતો ભલું થાય બકુડીનું કે એ ન્યા એમને જોઈ ગઈ અને મને તાત્કાલિક કોઈ ભાઈ જોડે ફોન કરીને જણાવ્યું. ચાલો હું જાઉં છું હો, આજે નહિ છોડું એમને” ક્રોધિત આંખે ફૂંફાડા મારતા એ ગયા !

હજી તો હું કઈ રીએક્શન કરું એ પહેલા મનુ બારણે ડોકાયો ! “ગયા ? હાશ !”

એ મારા સામે લુચ્ચું હસ્યો અને મારી બાજુની ખુરશી માં ફસડાઈ પડ્યો.

હું બાઘા ની જેમ એની સામે જોઈ રહ્યો અને એ મારી સામે હસતો રહ્યો !

“સાલા શું ઘુવડ ની જેમ જોવે છે ? ગયા તારા સાસુ, ચલ હવે ઉભો થા અને સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલુ કર”

હું હજુ એની સામે આંખો ફાડી ફાડી ને જોઈ રહ્યો હતો !

“જો ભાઈ તું આમ જોયા નાં કર, સાલા આંખો ના ડોળા બહાર આવી જશે, હું સમજાવું તને, જેવો હું તારા ઘર તરફ આવતો હતો ત્યાં મેં તારા સાસુ ને આવતા જોયા ! મને થયું જ કે ભાભી એ આપણા કાર્યક્રમ ને પંચર કરવા એમને મોકલ્યા લાગે છે, પણ બંદા પણ ઓછા નથી હો ! યાદ કર એક વાર તું બહાર હતો એટલે તે મને એમને લેવા સ્ટેશને મોકલેલો, યાદ છે ? એમનો મોબાઈલ નંબર પણ આપેલો ! બસ ! ઈ મેં સેવ કરી રાખેલો તો આજે કામ આવ્યો ! મેં બહાર પીસીઓમાં થી ફોન કરી ને બકુલાભાભી વતી બોલું છું એમ કહી ને એમને ભડકાવ્યા કે એમના પતિશ્રી એટલે કે તારા સસરાશ્રી પણ ત્યાં વિસાવદર ગામ માં પધાર્યા છે. બસ, મને ખબર હતી કે આ સાંભળતા જ સાસુજી ને માતાજી આવશે અને એ તાત્કાલિક વિસાવદર જવા રવાના થઇ જશે !” મનુ એકી શ્વાસ માં બોલી ગયો હસતા હસતા !

“મનિયાઆઆઆ” મેં જોર થી ચીસ પાડી ! “સાલા આ શુ કરી નાખ્યું તે ? તારી ભાભી ને ખબર પડશે તો ? એ નહિ છોડે મને” મેં આક્રંદ કર્યું !

“અરે શું ધૂળ ને ઢેફા ખબર પડશે ? આપણે ક્યાં આપણો ફોન વાપર્યો છે ? અને ભાભી ને તો ત્રણ દિવસ નું મૌનવ્રત છે, એ ક્યાં તને તાત્કાલિક ફોન કરીને ખખડાવાના છે ? તું તારે જલસા કર ને ભાઈ ! અને હા, બરફ મુક્યો છે ને ફ્રીજ માં?” મનું એ મને આશ્વસ્ત કર્યો !

ચાલો ! જે થવાનું હતું એ થઇ ગયું ! હવે શું કરવાનું ? હું માથું ખંખેરીને ઉભો થયો અને અંદર ના રૂમ માં ગયો.

બે કલાક પછી હું, મનુ અને મારા સસરાશ્રી રૂમ માં બેઠા હતા,

“સાલા લેંઘા નું ટેક કેર કરજે હો ધીસ ટાઈમ, નોટ એવરી ટાઈમ મનુ વિલ ગીવ જોરદાર આઈડિયા ઓફ ડૂઇંગ ઈસ્ત્રી અને સેવિંગ યુ, એન્ડ નો કપડા વોશિંગ પ્લીઝ બ્રધર” ચડેલી માં ભયાનક ઈંગ્લીશ માં મનુ મને સમજાવતો હતો. હું પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માં આનું ઈંગ્લીશ સહન કરવું સારું કે શ્રીમતીજી નો ક્રોધ એ વિચારતા વિચારતા સસરા સામે જોઈ ને હસી પડ્યો ! એ પણ અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ માં બધું પડતું મૂકી ને જોડાયા હતા ! અલબત્ત મનુમહારાજ નાં આગ્રહ અને ફોન પછી!

ઉમંગ ચાવડા