Anchai books and stories free download online pdf in Gujarati

અંચઈ

અંચઈ

“એઈ એઈ અંચઈ નૈ કર હો, મને બદ્દ્ધી ખબર પડે છે. હું કઈ નાનો કીકલો નથી હવે.” મેં જોરથી બૂમ પાડી. પણ એ માને ? ચિબાવલીએ મારા ચાળા પાડ્યા અને જીભ કાઢીને ત્યાંથી ભાગી ગઈ ! મેં ધૂળમાં પડેલી કોડીઓ ઉઠાવી અને મુઠ્ઠી વાળીને ચડ્ડીના ખિસ્સામાં મૂકી દીધી. મનોમન ધૂંધવાતો હું ઘરમાં ગયો અને મમ્મીને બૂમ પાડી “બા, ઓ બા, આ જોને, ચકુડીએ પાછી અંચઈ કરી મારી જોડે, તું એને કેમ કેતી નથી બા, એ હારવા આવે એટલે કાયમ આવુજ કરે છે અને પછી ભાગી જાય છે.” બા અંદર રસોડામાં હતા, એટલામાં મારા બાપુજી બહાર આવ્યા અને મારી વાત સંભાળીને ખડખડાટ હસી પડ્યા. “એ જમનાદાસ, તારી છોકરીને કઈ દે લા, મારા પોરીયા જોડે અંચઈ કરે છે રોજ”, એમણે જોરથી અમારી સામેના ઘરે સંભળાય એવી રીતે બૂમ પાડી. સામેથી બીજી બૂમ આવી “જા જા હવે ભગત, તારા પોરીયાનેજ સમજાવ, એ જ કાયમ અંચઈ કરે છે, મારી ચકુડીતો બિચારી ગાય જેવી છે” મારા બાપુજી ગુસ્સામાં આવીને બંને ઘરની વચ્ચે આવેલા ધૂળિયા રસ્તા પર ઉતરી આવ્યા. હું પણ હમણા બાપુજી મારો પક્ષ લઈને જમનાદાસકાકાને અને ચકુડીને બહુ ખખડાવશે એવી આશાએ એમની સાથે નીચે રસ્તા પર ઉતર્યો. સામેથી જમનાદાસકાકા પણ બહાર આવી ગયા અને એમની પાછળ ચકુડી પણ. “છેલ્લી વાર કહું છું જમના, માની જા, સમજાવ ચકુડીને” બાપુજી ગુસ્સામાં બોલ્યા. “નહિ તો શું કરી લઈશ ભગત?” કાકાએ પણ ગુસ્સામાં જવાબ આપ્યો. બંનેની આંખો માં રહેલો રોષ જોઇને હું બી ગયો અને ચકુડી પણ. મારામારી થશે તો ? એ બીકે મેં બાપુજીનો ઝભ્ભો ખેંચ્યો. “બાપુજી, જવા દો ને, એ તો ખાલી મસ્તી કરતી હશે, તમે ઝગડશો નહિ બંને” મેં બાપુજી ને આજીજી કરી. એ મારી તરફ ફર્યા અને મને કહે “સારું સારું, આ તો તું કહે છે એટલે જવા દઉં છું, બાકી આજે તો છોડત નહિ આને” ગુસ્સાથી એ બોલ્યા. ચકુડી કાકાની પાછળથી બહાર આવી અને એના કાન પકડીને મારી સામે હસી, હું પણ હસી પડ્યો અને અમે બંને પાછા રમવા ઉપડી ગયા. પાછળથી અમને અમારા બાપુજીઓનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.

***

“શું આવ્યું રીપોર્ટ માં?” નીરાએ પૂછ્યું. “કઈ ચિંતા જેવું નથી, થોડું બીપી લો છે એટલે તને અશક્તિ જેવું રહે છે. ડોકટરે દવા આપી છે, સારું થઇ જશે થોડા દિવસોમાં” મેં હસતા હસતા કહ્યું. “જુઠ્ઠા” નીરા જોરથી બબડી અને એણે ઊંડો શ્વાસ લીધો અને પાછી આંખો મીચી દીધી.

***

બધ્ધા બસમાં મારી સામે જોઈ રહ્યા હતા. આખી હનીમૂન કપલ બસ માં હું એકલોજ હતો. મારી બાજુની સીટ ખાલી હતી. મેં સીટ ઉપર મારો થેલો નાખ્યો અને આરામથી આંખો બંધ કરીને સુઈ ગયો.

***

“સર, તમે,,,,,” કાઉન્ટર પરના મેનેજરે મારી સામે આશ્ચર્યથી જોયું. “હા, હું જ પોતે મિસ્ટર રાહુલ ઉપાધ્યાય, મારો રૂમ બૂક છે ને?” મેં પૂછ્યું. મેનેજરે ડોકું ધુણાવીને હા પાડી અને મને રજીસ્ટર આપ્યું સહી કરવા. મેં સહી કરી અને એણે મને હાથમાં રૂમની ચાવી પકડાવી. હું સ્મિત કરીને ને ચાવી ઘુમાવતો રૂમ ભણી ઉપડી ગયો. મને મનોમન મેનેજર ની મનોસ્થિતિ પર હસવું પણ આવ્યું. હનીમૂન સ્યુટમાં કોઈ એકલું રોકાય એ અજીબ વાત જ છે. ખરી છે નીરાડી પણ, ક્યાં ભરાઈ દીધો મને સાલું. મને મનોમન ગુસ્સો આવ્યો નીરા પર.

“બસ હવે રાહુલ, વધારે ડાહ્યો ના થા, છાનોમાનો બેગ પેક કર.” નીરાએ પથારીમાં સુતા સુતા આંખો કાઢી. “સાલી જયારે ને ત્યારે હુકમ કરે છે, સમજેછે શું એના મનમાં, મારો પણ એક દિવસ આવશે, જોઈ લઈશ ત્યારે” બબડતા બબડતા મેં બેગ કાઢી. “તારો દિવસ તો શું રાત પણ નહિ આવે સમજ્યો?” મારો બડબડાટ સાંભળી ગયેલી નીરાએ સામી બૂમ પાડી. મેં લાચારીથી ફરીવાર એની સામે જોયું. એની જીદ સામે શું કરું હું ? જ્યારથી એને ખબર પડી ત્યારથી એ વધારે જીદ્દી થઇ ગઈ હતી. એણે જીદ પકડી હતી કે મારે આબુ હનીમૂન પેકેજમાં જવુજ અને એ પણ એકલા, અને ત્યાં અમે જે જે જગ્યા એ જવાનો પ્લાન કર્યો હતો એ બધીજ જગ્યાએ ફરવું અને એને આવીને બધુજ કહેવું. હજી થોડા મહિના બાકી હતા અને હું એની સાથે રહેવા માંગતો હતો પણ એ જીદ્દી માને તો ને. મને પરાણે એકલો હનીમૂન મોકલ્યો. દુનિયામાં હું એકલો એવો પતિ હોઈશ કે જે એકલો હનીમૂન પર નીકળશે. ત્યાં હું હાસી નું પાત્ર બનીશ એવી મારી દલીલ પણ એણે ફગાવી દીધી. લગ્ન થયા પછીના ત્રીજાજ દિવશે એની તબિયત લથડી હતી અને એ પછી એ પથારીમાંથી ઉભી થઇ શકી ન હતી.

***

“ક્યારની બસ છે ?” એણે પૂછ્યું. “મેં એની સામે જોયું અને હજી એક વાર ટ્રાય કર્યો “નીરા, પ્લીઝ, મને તારી સાથે રહેવા દે, કોઈક વાર તો મારું માન. હું તને છોડીને કેવી રીતે જઈશ એકલો”

“ક્યારની બસ છે ?” એને પાછુ પૂછ્યું. મેં માથું ધુણાવ્યું અને એક ઊંડો નિશ્વાસ નાખીને કહ્યું “આજે સાંજે છ વાગ્યાની”.

“બધું સંભાળીને પેક કર્યુંને ? એક એક જગ્યાએ જજે અને હું સાથેજ હોવ એમ ફરજે, સનસેટ પોઈન્ટ પર આંખો બંધ રાખીને હાથ લાંબા કરીને મને યાદ કરજે રાહુલ, હું તારી બાજુમાં જ હોઈશ.” એ ફિક્કું હસતા હસતા બોલી. હું નિષ્પલક આંખે એની આંખો માં ડૂબતા સુરજને જોઈ રહ્યો હોવ એનું મને લાગ્યું.

સાંજે હું ફરીથી એની પથારી પાસે ગયો. એ સુતી હતી. એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એની સુંદર મોટી મોટી આંખો બંધ હતો અને એ ધીમો ધીમો શ્વાસ લેતી હતી. મેં પ્રેમથી એના કપાળ પર હાથ ફેરવ્યો અને જેવો હું ઉભો થઇ ને જવા ગયો કે એણે મારો હાથ પકડી લીધો. મેં એની સામે જોયું. એણે એની મોટી મોટી આંખો ખોલીને મારી સામે જોયું અને ધીમેથી એના કાન ની બૂટ પકડીને મારી સામે લાચાર મોઢું કરીને એ ખડખડાટ હસી પડી. હું પણ એનો હાથ પકડીને હસી પડ્યો. “ખબરદાર જો આડાઅવળા ડાફોડિયા માર્યા છે તો, સીધો રેજે, ચુપચાપ હનીમૂન પતાવીને પાછો ઘેર ખોટા રૂપિયા જેવો આવજે સમજ્યો ? તનેતો સાલા કોઈ પણ છોકરી સહેજ સ્મિત કરે કે સામું જુવે એટલે એ ગમીજ જાય છે ! ઘરે બૈરું રાહ જુવે છે એવું સમજીને પારકી નારી મા-બેન સમાન છે એવો ભાવ રાખવાનો, સમજ્યો ?” એણે શરારતી સ્મિત સાથે મને આંખ મારીને ધમકી આપી. મેં ડોકું ધુણાવ્યું. “કમઓન, ચીઅર અપ યાર, ચલ હેન્ડ શેક કરીને મને પ્રોમિસ આપ” એણે એનો હાથ લંબાવ્યો. જેવો મેં એનો હાથ પકડ્યો કે મને ખબર પડી કે એના હાથ માં કોડીઓ હતી, મેં એ લઇ લીધી અને ખીસામાં મૂકી દીધી.

“અલા રાહુલ, પછી તું એકલો એકલો શું કરીશ લા ? કોની જોડે કોડીઓ રમીશ ? તારું ધ્યાન કોણ રાખશે ? પાછો લગન કરી લેજે લા. કોઈ સરસ મજ્જાની ફટકડી ગોતજે. મારો ફોટો તો રાખીશ ને અહી દીવાલ પર ? પણ ઈ તારી નવી ને નહિ ગમે તો ? કઈ દેવાનું કે જે થાય એ કરી લે, મારી નીરૂનો ફોટો તો અહી રહેશેજ. પછી તમે હનીમૂનમાં પાછા આબુ જશો ? નાં હો, ત્યાં નહિ, ત્યાંતો આપણે પ્લાન કરેલો, તું એને બીજે લઇ જજે. અને હા, એને કહેજે કે હું ઉપરથી બધુજ જોવું છું, એટલે તારું ખાસ ધ્યાન રાખે હો ? નહિ તો હું નીચે આવીને એને વળગીશ.” નીરાની વાણી અસ્ખલિત વહી રહી હતી. હું એને જોઈ રહ્યો હતો. “નિરાશ ના થા યાર ! બીજી વાર ચાન્સ લઈશું આવતા જનમમાં…” નીરાના હોઠો પર મેં હાથ મૂકી દીધો. હવે મારા માટે એ અસહ્ય હતું. બેગ લઈને હું રૂમમાંથી નીકળી ગયો.

હું બસ સ્ટેન્ડથી સીધો હોસ્પિટલ દોડ્યો, નીરા ચોથે માળે અંદર રૂમ માં સુતી હતી, એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગતું હતું. મેં દોડીને એનો હાથ પકડી લીધો. એણે માંડ માંડ આંખો ખોલીને મારી સામે જોયું. એની આંખોના ખૂણામાંથી અશ્રુબિંદુ બહાર ટપકી પડ્યા. એ કૈંક બબડી. હું નીચો નમ્યો એ સાંભળવા માટે. “રા...હુ...લ...,” એ માંડ માંડ બોલી. “નીરા, હું બધ્ધેજ ફરી આવ્યો. એક એક જગ્યા જે તે ટીક કરીને રાખી હતી એ બધ્ધેજ જઈ આવ્યો. સનસેટ પોઈન્ટ પણ ગયો હતો તને લઈને ને. અને હા, ત્યાના બજારમાંથી તે મંગાવેલી લાલ બંગડીઓ અને નવી કોડીઓનો સેટ પણ લાવ્યો છું. નીરા, આમ જો નીરા, મારી સામે જો, મેં તને આપેલું વચન પાળ્યું છે નીરા, હવે તો તું ખુશ છે ને ? હજી મને છોડીને જતી રહીશ નીરા ?” મારી આંખો બોલતા બોલતા ભીની થઇ ગઈ અને મને નીરાનો ચહેરો ઝાંખો દેખાવા લાગ્યો.

નીરાએ મને નીચે નમવાનો ઈશારો કર્યો. જેવો હું નીચે નમ્યો કે એણે મારા ચાળા પાડતી હોય એમ રડવાનો અભિનય કર્યો. અને જીભ કાઢી. હું એની સામેજ જોઈ રહ્યો. એણે કાનની બૂટ પકડીને ધીમા અવાજે મને સોરી કહ્યું અને એક સ્મિત આપીને માથું જમણી તરફ ઢાળી દીધું.

મારા હાથ માં રહેલી લાલ બંગડીઓનું પેકેટ નીચે પડી ગયું અને ખન ખન કરતી બંગડીઓ તૂટીને નીચે વેરાઈ ગયી. “સાલી અંચાઈડી,” હું ગુસ્સામાં જોરથી બોલી ઉઠ્યો.

***

“બાપુજી”, આંખમાં આંસુ સાથે મેં ફરિયાદ કરી, “આ જુવો ને, ચકુડી પાછી અંચઈ કરી ગઈ” બાપુજીએ મારી સામે જોયું, સામે દીવાલ પર લટકતા નીરાના ફોટા સામે જોયું અને નીચું જોઈને એક ઊંડો નિશ્વાસ નાખ્યો. એ ગુસ્સામાં ઉભા થયા અને ઘરની બહાર નીકળીને એમણે તરડાયેલા અવાજ માં બૂમ પાડી “એ એ એ જમનાઆઆઆ, તારી છોકરીને સમજાવ, પાછી મારા પોરીયા જોડે અંચઈ કરી ગઈ લા. ક્યારે સુધરશે એ.....” બાકીના શબ્દો એમના રુદન માં ભળી ગયા. જમનાકાકા બહાર આવ્યા અને મારા બાપુજીના હાથ પકડીને ઉભા રહી ગયા. એમની આંખોમાંથી પણ આંસુ બહાર આવી ગયા. બંને વેવાઈઓ એક બીજાને ભેટીને જોરથી રડી પડ્યા. હું અમારા ઘરના આંગણામાં ઉભો ઉભો એ જોઈ રહ્યો. મેં ધીરેથી મારા ખીસામાં રહેલી કોડીઓ કાઢી અને ઘરની બાજુમાં રહેલી ધૂળમાં નાખી દીધી. “સાલી અંચઈડી, ભાગી ગઈ ને કાયમ માટે, જા હવે કોઈ દિવસ નહિ બોલું તારી જોડે, રમજે એકલી હવે ત્યાં ઉપર.” હું થોડી વાર ધૂળમાં પડેલી કોડીઓને જોઈ રહ્યો અને પછી માથું ઝુકાવીને ઘરમાં અંદર ચાલ્યો ગયો.

મોડી રાત્રે હું પાછો ચુપચાપ ઘરની બહાર આવ્યો અને મેં જ્યાં કોડીઓ નાખી દીધેલી એ જગ્યાએ ધૂળમાં હાથ નાખ્યો પણ મને એક પણ કોડી મળી નહિ. હું ધૂળવાળા હાથ ખંખેરીને પાછો અંદર ચાલ્યો ગયો.

થોડે દૂર નીચે ધૂળમાં એક તૂટેલી લાલ બંગડીનો અર્ધાકાર ટુકડો જાણેકે સ્મિત કરતો હોય એમ પડ્યો હતો.

***