21 mi sadi nu ver - 41 books and stories free download online pdf in Gujarati

21મી સદીનું વેર - 41

21મી સદીનું વેર

પ્રકરણ-41

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

પ્રદિપભાઇને ત્યાંથી નીકળી કિશન ઓફિસ પર જતો હતો. ત્યાં તેને અચાનક કંઇક યાદ આવતા તેણે કારને મોતીબાગ તરફનાં રસ્તા પર વાળી અને આગળ જવા દીધી. થોડી આગળ જતા જમણીબાજુ પર રાજલક્ષ્મી પાર્કનો ગેટ આવતા કિશને ગેટમાં ગાડી અંદર લીધી. રાજલક્ષ્મી પાર્ક એ જુનાગઢનો પોસ વિસ્તાર છે. ખુબજ ધનાઢ્ય લોકો આ વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં મોટા મોટા બંગલાઓ આવેલા છે. કિશને તેની કાર આગળ જવા દીધી અને એક બંગલા પાસે જઇને પાર્ક કરી. કિશન કારમાંથી નીચે ઉતર્યો અને બંગલા તરફ જોયુ બંગલા પર લખ્યુ હતુ “શ્રી નાથજી સદન” અને નીચે નામ હતુ ડૉ. કાર્તીક પટેલ. કિશને વિચાર્યુ આ તો જુનાગઢના સૌથી પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ કાર્તીક પટેલનું ઘર છે. કિશન બંગલામાં દાખલ થયો અને તેણે મેઇન ડોર પાસે રહેલ ડોરબેલ ની સ્વીચ દબાવી. બેક મિનીટ બાદ દરવાજો ખુલ્યો સામે કોઇ અધેડ વયની સ્ત્રી હતી. કિશને વિચાર્યુ કે કામ કરવાવાળી સ્ત્રી હશે. એટલે કિશને કહ્યુ

“મારે ઝંખનાબેનને મળવુ છે. ”

આ સાંભળી પેલી સ્ત્રી બાજુમાં ખસી ગઇ અને કિશન ઘરમાં દાખલ થયો. પેલી સ્ત્રીએ સામે સોફા તરફ ઇસારો કરી કહ્યુ “તમે અહી બેસો હું બેનને બોલાવી લાવુ છું”

કિશનતો બંગલાની ભવ્યતા જોઇ પ્રભાવિત થઇ ગયો. આશરે ચારસો વાર જગ્યામાં બંગલો ફેલાયેલો હતો. નીચે મોટો લીવીંગ રૂમ એક બેડ રૂમ અને કિશન બઠો હતો તેની એક્ઝેટ પાછળ કિચન હતુ. ઉપરના માળ પર પણ ભવ્ય બેડરૂમ હશે કિશને વિચાર્યુ. કિશન બેઠો હતો તેની જમણી બાજુએ થી સીડી ઉપર જતી હતી. એકાદ મીનિટ બાદ તે સીડી પરથી પેલી સ્ત્રી પાછી આવી અને કિશનને કહ્યુ “તમે બેસો બેન પાંચ મિનીટમાં આવે છે. ”

અને પછી તે કિશન માટે પાણી લાવી કિશન પાણી પીતો હતો ત્યાં તેનું ધ્યાન સામે એક ફોટો પર પડી. ફોટામાં એક કપલ હતુ જેમાં સ્ત્રીનો ચહેરો જાણીતો લાગતો હતો. કિશને વિચાર્યુ હા, આજ ઝંખના ત્રાંબડીયા છે. તેનો ચહેરો જાણીતો લાગે છે. થોડીવાર બાદ સીડી પરથી એક યુવાન સ્ત્રી નીચે આવી કિશને જોયુ તો તે ફોટામાં હતી તેજ સ્ત્રી હતી. એકદમ પરફેક્ટ ફીગર, સુસ્મીતા સેનની જેમ છોકરીની એવરેજ હાઇટ કરતા વધુ હાઇટ હેઝલ અને પાણીદાર આંખ, કાળાવાળ, અણીદાર નાક. કિશને વિચાર્યુ કે આતો ફોટા કરતા પણ સુંદર છે. ઝંખના કિશન પાસે આવી અને થોડીવાર કિશન સામે જોઇ રહી પછી બોલી

“તમે પંડ્યા સાહેબના સન છો ને?”

આ સાંભળી કિશનને થોડુ આશ્ચર્ય થયુ પણ સાથે તેને નિરાંત થઇ કે હવે તેને પોતાની ઓળખાણ આપવી પડશે નહી અને વાત આરામથી થઇ શકેશે. કિશને કહ્યુ “હા, મારૂ નામ કિશન પંડ્યા છે. ”

આ સાંભળી ઝંખનાએ કહ્યુ “તમને જોયા તેને ઘણો સમય થઇ ગયો. પણ તમારો અણસાર એકદમ પંડ્યા સાહેબ જેવોજ આવે છે એટલે મને ઓળખાણ પડી ગઇ” એમ કહી તેણે કિશનને કહ્યુ “પહેલા એ કહો શું લેશો ચા, કોફી, કે પછી કંઇ ઠંડુ?”

“અરે ના, એની કોઇ જરૂર નથી. હું હમણાંજ એક જગ્યાએથી ચા પાણી પીને આવ્યો છું. ”

“ અરે તમે મારા ઘરે પહેલી વાર આવ્યા છો કંઇ લીધા વગર થોડુ જવાય” એમ કહી ઝંખનાએ બુમ પાડી “શાંતા માસી”. કિશનને પાણી આપેલુ તે સ્ત્રી આવીને ઉભી રહી એટલે ઝંખનાએ કહ્યુ “બે ચીકુ જ્યુસ બનાવજો” ત્યારબાદ શાંતામાસી ફરીથી કિચનમાં જતા રહ્યા. એટલે ઝંખનાએ કિશન તરફ જોઇને કહ્યુ

“ શુ કિશનભાઇ શું ચાલે છે? હું હમણા જ ડુંગરપુર ગઇ હતી. ત્યાં તમારા મમ્મીની તબિયતના સમચાર મળ્યા. કેમ છે હવે તેને?”

“ સારૂ છે. ટ્રીટમેન્ટ ચાલે છે. હજુ સુધી તો કોઇ રીકવરી નથી થઇ. ”

“બોલો તમે આ બાજુ કેમ? કંઇ કામ હતું?”

કિશન થોડીવાર વિચારવા લાગ્યો કે વાતની શરૂઆત કઇ રીતે કરવી તેની કંઇ સમજણ પડી નહી એટલે કહ્યુ “હા, કામ તો છે પણ કેમ કહેવુ તમને એ સમજાતુ નથી. ”

“અરે જે પણ કામ હોય તે નિસંકોચ કહો. પંડ્યા સાહેબ મારા ગુરુ હતા. તેના મૃત્યુના સમચાર મળ્યા ત્યારે ખુબ દુઃખ થયેલુ. ”

કિશને વિચાર્યુ આજ મોકો છે અને કહ્યુ “હા, તેના મૃત્યુનાં સંદર્ભમાંજ તમને મળવા આવ્યો છું. ”

આ સાંભળી ઝંખનાનાં મો પર થોડા હાવભાવ બદલાયા પણ તરતજ તેણે ફરીથી સ્માઇલ લાવી કહ્યુ “ તેના મૃત્યુ ના સંદર્ભમાં હું શુ મદદ કરી શકુ તમને?”

ઝંખનાના બદલાયેલા હાવભાવ અને નર્વસનેસ કિશનનાં ધ્યાનમાં આવ્યા એટલે તેણે કહ્યુ “ઘણા સમય પહેલા તમે જીલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા માટે જુનાગઢ આવેલા. તેમા તમારી સાથે ઝાંપાગઢની પણ એક છોકરી હતી. અને તેને કંઇક પ્રોબ્લેમ થતા તેનુ ઓપરેશન કરાવવુ પડેલુ યાદ છે તમને?”

આ સાંભળી ઝંખના ડરી ગઇ અને તેનો ડર તેના ચહેરા પર પણ દેખાતો હતો. તે થોડીવાર રોકાઇને બોલી “ હા, મને યાદ છે તેને એપેન્ડીક્ષનો દુખાવો ઉપડતા હોસ્પીટલમાં દાખલ કરવી પડેલી અને ત્યાં તેનુ ઓપરેશન કરવુ પડેલુ પણ તેને પંડ્યા સાહેબના મૃત્યુ સાથે શો સંબંધ છે?”

તેને આ રીતે ડરતી જોઇને કિશને વિચાર્યુ કે હવે તેણે ઘા મારીજ દેવો જોઇએ એટલે કહ્યુ

“હા, તે ઓપરેશનમાંજ કંઇક પ્રોબ્લેમ થયેલો અને તેને લીધે મારા પિતાનું મૃત્યુ થયેલુ. મને એવા સમચાર મળ્યા કે તમે તે છોકરીની સાથે હતા. એટલે જો તમને કંઇ જાણતા હોય તો મને કહો. ”

આ સાંભળી ઝંખના તો એકદમ ચુપ થઇ ગઇ. ત્યાંજ શાંતામાસી જ્યુસ લઇને આવ્યા એટલે તેને થોડો સમય મળી ગયો. બન્નેએ જ્યુસ પીધુ પછી તે થોડી રીલેક્ષ થઇને બોલી

“હું તો તે ઓપરેશન પછી તરતજ ડુંગરપુર જતી રહી હતી. એટલે બીજુ તો મને કંઇ ખબર નથી. ”

કિશનને તેના હાવભાવ પરથી એટલુતો સમજાઇ ગયુ હતુ કે તે ચોક્કસ કંઇક જાણે છે. તો પછી તે શુ કામ મારાથી છુપાવે છે?. તો શું ઝંખના પણ આ ષડયંત્રમાં સામેલ હશે? કે પછી બીજુ કોઇ કારણછે કે જેથી તે મારાથી વાત છુપાવે છે. કિશનને થયુ એક છેલ્લો ઘા મારી દેવાદે અને તેણે કહ્યુ “ મને તો એમ કે તમે ઘણુ બધુ જાણતા હશો કેમકે તમે અને તે છોકરી છેલ્લે સુધી સાથેજ હતા. ”

આ સાંભળી ઝંખના કંઇ બોલી નહી એટલે કિશન ઉભો થયો અને બોલ્યો “ચાલો ત્યારે હું નીકળુ” એમ કહી કિશને ખીસ્સામાંથી કાર્ડ કાઢી ઝંખનાને આપ્યુ અને કહ્યુ “જો તમને કંઇ યાદ આવે તો અથવા કોઇ માહિતી મળે તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરજો. ”

એમ કહી કિશન દરવાજા પાસે ગયો અને છેલ્લે પાછો વળીને બોલ્યો “આમા જે પણ હશે તેને કોઇને હું છોડીશ નહી. એક એક ને બેનકાબ કરી દઇશ. ”આ સાંભળી ઝંખના ધ્રુજી ગઇ આ જોઇ કિશનના ચહેરા પર સ્માઇલ આવી ગઇ અને તે બહાર નીકળી ગયો.

કિશન ઝંખનાના ઘરેથી નીકળી વિચાર્યુ હવે ઓફિસ જવાનો કોઇ મતલબ નથી. નેહા પણ નીકળી ગઇ હશે. એટલે તેણે કારને સીધી તેના રૂમ પર જ જવા દીધી. રૂમ પર જઇ તે સીધો નહાવા ગયો. આખા દિવસની દોડધામથી થાકેલો હોવાથી ગરમ પાણીથી સ્નાન કરતા તેનો થાક ઓછો થઇ ગયો. ત્યારબાદ તેણે ટીસર્ટ અને ટ્રેક સુટ પહેર્યુ અને ભુખ લાગી હોવાંથી જમવા માટે નીકળ્યો. તે હજુ થોડો આગળ ગયો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. કિશને બાઇકને સાઇડમાં ઉભી રાખી અને મોબાઇલ ઉચક્યો સામેથી કોઇ અજાણ્યો અને રોફદાર અવાજ આવ્યો

“મી. કિશન તું બહુ ખોટી દોડાદોડી કરી રહ્યો છે. જે તારા માટે હાનિકારક સાબીત થઇ શકે છે. ”

આ સાંભળી કિશન સાવચેત થઇ ગયો અને બોલ્યો “જો મી. તમે જે હોય તે. જે કહેવુ હોય તે ચોખ્ખુ કહો. ”

“ મી. તમે જે કોયડો ઉકેલવા માંગો છો તે કોયડો કોઇ થી ઉકેલાઇ તેવો નથી. તમારી ભલાઇ એમાજ છે કે તમે આ બધુ બંધ કરી દો નહીતર તમને ખબર નથી કે તમારી સાથે શું શું થઇ શકે એમ છે. ”

“એય, ધમકી કોને આપેછે? હું કંઇ આવી ધમકીથી ડરી જાઉં એમ નથી. અને હિંમત હોય તો સામે આવને આમ છુપાઇને શું ધમકી આપે છે?”

“જો મી. કિશન પંડ્યા આ તો એક વાર ચેતવણી આપી છે. જો સમજ્યો નહી તો સામે પણ આવશુ. પણ સામે આવ્યા પછી તારા હાથ પગ તુટી જશે. અને તું જીંદગી આખી અફસોસ કરીશ. તેના કરતા પહેલાજ સમજીને આ તારૂ બધુ બંધ કરી દેજે. ”

કિશન હજુ તો સામે કઇ કહે તે પહેલા પેલાએ ફોન કટ કરી નાખ્યો. કિશનને આથી ખુબ ગુસ્સો આવ્યો પણ પછી તેના ચહેરા પર સ્માઇલ આવી ગયુ અને તેણે વિચાર્યુ કે આ ફોન આવવાનો મતલબ કે તે સાચા રસ્તા પર આગળ વધી રહ્યો છે. અને તેને આ રસ્તા પર આગળ ન વધવા દેવા માટેજ ધમકી આવી છે. એનો મતલબ કે કોઇ એક છેડો મારા હાથમાં આવી ગયો છે.

કિશને ફરીથી બાઇક ચાલુ કરી અને કાળવા ચોકમાં મોર્ડનની સામે આવેલ “પટેલ પરોઠા હાઉસ” માં જમવા બેઠો. આ જગ્યાએ સરસ અને સાદુ ભોજન મળતુ એટલે કિશન પાસે તેના પાસ રહેતા. જ્યારે પણ જમવા આવે ત્યારે એક પાસ આપવાનો. કિશન જમતા જમતા વિચારવા લાગ્યો કે આ ફોન આવ્યો તેનો મતલબ કે હું આજે જેને જેને મળ્યો એમાંથી કોઇક તો આમાં સંડોવાયેલુ છેજ. પણ કોણ હોઇ શકે આજે તો હું પ્રતાપકાકા, પ્રદિપભાઇ અને ઝંખના ત્રણ જણને મળવા ગયેલો. ત્રણમાંથી કોણ હોઇ શકે? પ્રતાપકાકા તો ક્યારેય એવુ કરી શકે નહી. તો પછી પ્રદિપભાઇ અને ઝંખના બેમાંથી જ કોઇ હોય. ઝંખના જ હોવી જોઇએ તેની વાતચીત પરથી પણ એવુ જ લાગતુ હતુ. આમને આમ વિચાર કરતા કિશને જમી લીધુ જમ્યા પછી કિશન પાછળની ગલીમાં આવેલ જયંત સોડાસોપ પર ગયો અને તેની મનપસંદ તીખામીઠુ સોડા પીધી. ત્યારબાદ તે ફરીથી રૂમ પર ગયો અને નાઇટડ્રેસ પહેરી બેડ પર લાંબો થયો. ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી કિશને ફોન ઉંચક્યો તો સામે પેલી સ્ત્રી હતી જે પોતાને કિશનની શુભચિંતક ગણાવતી હતી અને જેણે કિશનને સીવીલ હોસ્પીટલ જવાનું કહ્યુ હતુ. તેણે કહ્યુ “કિશન તું સાચા રસ્તા પર જઇ રહ્યો છે. સરસ”

આ સાંભળી કિશને કહ્યુ “પણ હજુ મને વ્યવસ્થિત લીંક મળતી નથી. ”

“એ પણ મળી જશે. તું કાલે અગિયાર વાગે આઝાદ ચોક લાઇબ્રેરી જજે. અને ત્યાં સ્ટુડન્ટ વિભાગનો એક રૂમ છે તેમાં જજે એટલે લીંક મળશે. અને હવે તું સાવચેત રહેજે. જે લોકો તને ફોન પર ધમકી આપી શકે છે. તે ધમકીને અમલમાં પણ મુકી શકે છે. તારી સુરક્ષાની વ્યવસ્થા કરજે. બેસ્ટ ઓફ લક દિકરા”

એમ કહી ફોન મુકી દીધો. કિશન મોબાઇલ સાઇડમાં મુકી વિચારવા લાગ્યો કે આ કોણ હોઇ શકે જે સમયાંતરે તેને મદદ કરતુ રહે છે. આમા ક્યાંક તેનો કોઇ સ્વાર્થતો નહી હોયને? અને તે સતત મારા પર નજર રાખે છે. તેને મારી એક-એક હીલચાલની ખબર છે. તેનેતો એ પણ ખબર છેકે મને ધમકી આપવા માટે ફોન આવેલો. કોણ છે આ “અનનોન માસી” કિશનને આ સંબોધન પર જાતેજ હસવુ આવ્યુ અચાનક આ ક્યાથી મગજમાં આવ્યુ અનનોન માસી. ત્યારબાદ કિશન ઉઘી ગયો.

સવારે કોર્ટ પરથી કિશન 10-45 વાગે નીકળી ગયો. આઝાદ ચોકમાં લાઇબ્રેરી પાસે આવેલ પાર્કીંગમાં બાઇક પાર્ક કરી. એક્ઝેટ 11 વાગે કિશન લાઇકબ્રેરી ના મેઇન ગેટ પર પહોંચ્યો. તે ત્યાં થોડીવાર ઉભો રહ્યો અને તેણે બધેજ નજર ફેરવી લીધી કે કોઇ તેના પર નજર તો નથી રાખતુને. કોઇ એવી શંકાસ્પદ વ્યક્તિ ન દેખાતા તે લાઇબ્રેરીમાં દાખલ થયો. આગળ જતા સામે મેઇન રીસેપ્શન ડેસ્ક હતુ અને ડાબી બાજુ પર સ્ટુડંટ સેક્શન હતુ. કિશન ડાબી બાજુ સ્ટુડન્ટ સેક્શન લખેલા રૂમમાં દાખલ થયો અને જોયુતો બે ત્રણ વિધ્યાર્થીઓ વાંચી રહ્યા હતા. કિશન તેનાથી થોડે દુર જઇ એક ટેબલ પર બેઠો. તે થોડીવાર એમનેએમ બેસી રહ્યો અને વિચારવા લાગ્યો કે અહી શું લીંક મળશે?થોડીવાર બાદ તે ઉભો થયો અને સામે રહેલા બુકસેલ્ફમાં પડેલા મેગેજીન જોવા લાગ્યો ત્યાં તેની નજર એક કવર પર પડી કિશને કવર હાથમાં લીધુ તો તેના પર કિશનનું નામ લખ્યુ હતુ. કિશને આજુબાજુ કોઇ જોતુ તો નથીને એ ચેક કરી ધીમેથી એ કવર મેગેજીનની વચ્ચે મુકી દીધુ અને ફરીથી ટેબલ પર જઇ બેસી ગયો. પેકેટ કિશને તેના બેગમાં મુકી દીધુ અને બેગમાંથી એક પ્લાસ્ટીક બેગ બહાર કાઢી લીધી. ત્યારબાદ કિશન લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યો બેગ તેણે ખભે ભરાવ્યુ અને પ્લાસ્ટીક બેગ હાથમાં લીધી. બાઇક પાસે પહોંચ્યો કે એક યુવક તેની નજીક આવ્યો અને કિશનના હાથમાંથી પ્લાસ્ટીક બેગ ખેંચીને ભાગ્યો કિશન પણ તેની પાછળ ભાગ્યો પણ તરતજ તે બાજુની ગલીમાં અદ્રશ્ય થઇ ગયો. કિશનને પોતાનું અનુમાન સાચુ પડતુ લાગ્યુ. એટલેજ કિશને પેલુ પેકેટ બેગમાં મુકી દીધુ હતુ. કિશને વિચાર્યુ પોતે પણ આ બધી ચાલબાજી ધીમે ધીમે શીખી રહ્યો છે. હવે સાવચેત રહેવુ જ પડશે કેમ કે સામે તો ખુબ પહોચેલા માણસો છે અને પોતે નવો નિશાળીયો છે. ત્યારબાદ કિશન ત્યાંથી કોર્ટ પર ગયો અને કોર્ટ પરથી કામ પતાવી ઓફિસ પહોંચ્યો તો હજુ સુધી નેહા આવી નહોતી. કિશને પોતાની ખુરશીમાં બેસી બેગમાંથી પેલુ પેકેટ બહાર કાઢ્યુ અને ખોલીને જોયુતો તેમા એક D. V. D હતી. કિશને તે રૂમ પર જઇનેજ જોવાનું વિચાર્યુ એટલે તે D. V. D તેણે ફરીથી બેગમાં મુકી દીધી. ત્યારબાદ તેને અચાનક યાદ આવ્યુ કે શિતલને મહેતલ આપેલી તેને આજે નવમો દિવસ થઇ ગયો છે. અને હવે તેને ફાઇનલ વોર્નીંગ આપવાનો સમય આવી ગયો છે એટલે કિશને ટેબલમાંથી એક સીમકાર્ડ કાઢ્યુ અને મોબાઇલમાં નાખ્યુ અને પછી શિતલને ફોન લગાવ્યો બે ત્રણ રીંગ વાગી પછી શિતલે ફોન ઉચક્યો એટલે કિશને કહ્યુ “મેડમ તમને આપેલા સમયમાં આજે દશમો દિવસ થઇ ગયો છે. અને મારે એકઝેટ આજથી ત્રિજા દિવસે સવારે 10 વાગ્યે રૂપિયા જોઇએ છે”

આ સાંભળી શિતલ રડવા લાગી અને બોલી “પ્લીઝ પ્લીઝ મને થોડો સમય આપો. હું તમને પૈસા ચોક્કસ આપીશ પણ મને એક અઠવાડીયાનો વધારે સમય આપો. ”

આ સાંભળી કિશન ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “મેડમ તમારે તો ફિલ્મોમાં કામ કરવાની જરૂર છે. તમે તો મોટા મોટા એક્ટરોને પાછળ રાખીદો એવી એક્ટીંગ કરો છો. પણ હવે આ ખોટુ રડવાનું બંધ કરો. મે તમને કહેલુને કે તમારી એકેએક હિલચાલ પર મારી નજર છે. મને ખબર છે કે તમે મારી મુદત પહેલા શિખર સાથે સોદો કરવા માગો છો. અને પછી મને ઠેંગો બતાવી દેવા માંગો છો. પણ તમે મને ઓળખતા નથી. હું તમારા કરતા એક સ્ટેપ આગળ છું. ”

આ સાંભળી શિતલનું રડવુ બંધ થઇ ગયુ અને તે બોલી “પણ આટલી જલદી મારાથી વ્યવસ્થા થઇ શકે એમ નથી. ”

આ સાંભળી કિશને કહ્યુ “ઓકે તો હું મી. શિખર સાથે સોદો કરી લઉ છું, બાય”

કિશન એટલુ બોલ્યો ત્યાંતો શિતલે કહ્યુ “પ્લીઝ ફોન નહી મુકતા, મારે તેનો ઈંતજામ કરવો પડશે. ”

આ સાંભળી કિશને કહ્યુ

“ઓકે, આજે બુધવાર છે. હું તમને પાછો શનિવારે કોલ કરીશ. મારે રવિવારે એકઝેટ 10 વાગે પૈસા જોઇએ. નહીતર 10-30 વાગે હું શિખર સાથે સોદો કરી લઇશ. હું શિખર સાથે ક્યારનો સોદો કરી શક્યો હોત પણ મારે અને શિખરને દુશ્મની છે એટલે મારે તેને હેરાન થતો જોવો છે. પણ જો મને તારા તરફથી કોઇ ફાયદો ના થતો હોય તો હું શિખર સાથે સોદો ચોક્કસ કરી લઇશ. અને શનિવારે મારો તારા પર છેલ્લો કોલ હશે. તને છેલ્લી તક છે ઓકે બાય”

એમ કહી કિશને ફોન મુકી દીધો. અને તે થોડીવાર બેઠો ત્યાં નેહા આવી એટલે બન્ને કામમાં લાગી ગયા.

***

કિશને ખોલેલા પેકેટમાં શું હશે? પ્રતાપભાઇએ કોને ફોન કર્યો? કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શું કરશે? કિશનનો શું છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ-

whatsapp no -

9426429160