Moti bahen books and stories free download online pdf in Gujarati

મોટી બહેન

મોટી બહેન

રાકેશ ઠક્કર

રીના આજે બહુ ખુશ હતી. તેણે જ્યારે જાણ્યું કે તેની મોટી બહેન વિભાવરીને એક છોકરાએ પસંદ કરી લીધી છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠી. તેની આ ખુશી વિભાબહેનના લગ્નની ન હતી. પણ પોતાના લગ્ન હવે જલદી થશે તેની હતી. છેલ્લા ઘણા મહિનાથી તેના લગ્ન આડે હતી એ "અડચણ" હવે દૂર થઇ ગઇ હતી.

વિભા અને રીના વચ્ચે દસ વર્ષનું અંતર હતું. વિભાના જન્મ પછી દસ વર્ષ બાદ રીના આવી હોવાથી અને ઘરમાં સૌથી નાની એટલે વધુ લાડકોડ પામી હતી. વિભાની પણ એ લાડકી જ રહી હતી. આખો દિવસ વિભા જ તો એને સાચવતી. માતાના ખોળામાં નહીં પોઢી હોય એટલી વિભાના ખોળામાં રહી હતી. વિભાએ તેને પોતાની બાળકીની જેમ ઉછેરી હતી. બંને બહેનો વચ્ચે પ્રેમભર્યો સંબંધ હતો. પણ રીનાએ જેવો યુવાનીના ઉંબરે પગ મૂક્યો કે કોલેજનો આધુનિક્તાનો રંગ તેને લાગી ગયો. તેની વિચારસરણી હવે બદલાવા લાગી હતી. વિભાની વાતો અને સલાહ તેને જૂનવાણી લાગવા લાગ્યા હતા. હવે તે બનીઠનીને ફરતી હતી. તેના ખર્ચા વધી ગયા હતા. આ જોઇને વિભાને ક્યારેક અસહજ મહેસૂસ થતું. પણ તેણે સમયનું પરિવર્તન સ્વીકારી લીધું હતું.

રીનાએ કોલેજ પૂરી કર્યા પછી ઘરે બેસી રહેવાને બદલે એક જગ્યાએ નોકરી સ્વીકારી લીધી. તેની જીદ સામે ઘરના કોઇ સભ્યનું કંઇ ચાલ્યું નહીં. તે નોકરીના થોડા દિવસોમાં જ મોડી આવવા લાગી. ત્યારે ખબર પડી કે બેનબા કોઇના પ્રેમમાં છે. તે તેની ઓફિસના જ સાથી કર્મચારી પર્વતના પ્રેમમાં પડી હતી. છોકરો તેમના જ સમાજના સારા પરિવારનો હતો એટલે પરિવાર માટે વિરોધ કરવાનું કોઇ કારણ ન હતું.

રીના માટે મોટી સમસ્યા એ હતી કે મોટીબહેન વિભાવરીના લગ્ન ના થાય ત્યાં સુધી તેના લગ્ન લઇ શકાય એમ ન હતું. અને વિભાના લગ્ન માટે સૌથી એ સમસ્યા તેનું ભારે શરીર હતું. તે દેખાવે સુંદર હતી. બાળપણથી તેના શરીરની પ્રકૃતિ જ એવી રહી કે પાતળી જ ના થઇ. થોડા પ્રયોગો કરી જોયા પણ તેનું વજન ઉતર્યું નહી. છોકરાઓ તેનો ફોટો જોઇને જ ના પાડી રહ્યા હતા. વિભાના લગ્ન માટે પાંચ વર્ષથી પ્રયત્ન કરી રહેલા માતા-પિતા હવે થાક્યા હતા. હવે રીનાના લગ્ન જલદી લેવા માટે ફરી વિભાના લગ્ન ગોઠવવા દોડધામ કરી રહ્યા હતા. આ વાતની રીનાને ખબર પડી ત્યારથી તે વિભાને પોતાની દુશ્મન જેવી માનવા લાગી હતી. બાળપણમાં "મોટીબેન, મોટીબેન..." કહીને જેની જીભ સૂકાતી ન હતી એ નાની બહેન રીના હવે મનોમન વિભા "મોટી" હોવા બાબતે બબડતી હતી.

રીનાને લગ્ન માટે કૌશલનું દબાણ વધી ગયું હતું. આજકાલ કરતાં તેની સગાઇને છ મહિના થઇ ગયા હતા. કૌશલે તેને કહી દીધું હતું કે એક મહિનામાં લગ્ન નહીં થાય તો તેનો પરિવાર સંબંધ તોડી શકે છે. રીના જાણતી હતી કે કૌશલ તેને એટલો પ્રેમ કરે છે કે પરિવારને પણ તેના માટે છોડી શકે એમ હતો. પણ તે ઇચ્છતી ન હતી કે તેના કારણે કૌશલનો તેના માતા-પિતા સાથેનો સંબંધ તૂટી જાય. રીનાએ પિતા સુરેશભાઇને એક મહિનાની મુદતની વાત કર્યા પછી તેમના કપાળ પરની કરચલીઓ વધી ગઇ હોવાનો ખ્યાલ વિભાને આવ્યો હતો. પણ તેઓ સમાજના નિયમો અને પરંપરાને તોડી નાની છોકરીના લગ્ન મોટી બહેન પહેલાં કરવાનું ઉચિત માનત ન હતા.

એક દિવસ વિભાના હાથમાં સુરેશભાઇએ સમાજ દ્વારા પ્રસિધ્ધ થયેલ જીવનસાથી પરિચય મેળાની પુસ્તિકા આપી. વિભાએ નજર નાખી કહ્યું:"પપ્પા, આ તો એકાદ વર્ષ જૂની છે."

"બેટા, આ પુસ્તિકામાં એમના નામ હોય છે જેમના લગ્ન કોઇને કોઇ કારણથી થયા નથી. તારું પણ નામ છે જ ને...."

"હા, પણ આમાંથી તો ઘણાના સંસાર હવે તો વસી ગયા હશે."

"બેટા, તું પ્રયત્ન તો કરી જો. કદાચ કોઇ બાકી હોય ને યોગ્ય પાત્ર મળી પણ જાય."

વિભા જાણતી હતી કે પિતા મરણીયો પ્રયાસ કરી રહ્યા હતા. અગાઉ આ પુસ્તિકા વખતના પરિચય મેળામાં તે ગઇ હતી. પણ કોઇએ પસંદ કરી ન હતી. પિતાએ બહુ આશાથી ઘણા છોકરાઓના વાલીઓને મળીને વિનંતી કરી હતી. પણ છોકરાના મત આગળ તેમનું કંઇ ચાલતું ન હતું. પિતાને આશ્વાસન આપવા પૂરતું તેણે કહ્યું:"પપ્પા, હું ફરી જોઇ લઉં છું."

વિભાએ ફરી પુસ્તિકા પર નજર નાખવાનું શરૂ કર્યું. બે-ત્રણ જણને ફોન કરી જોયા પણ એમણે તેનો પુસ્તિકામાંનો ક્રમ પૂછયા પછી ના પાડી દીધી. પણ લાખ નિરાશામાં એક આશા છુપાઇ હોય એમ એક પાત્રએ રસ બતાવ્યો. અને તેઓ આવતીકાલે જ મુલાકાત માટે તૈયાર થઇ ગયા. વિભાએ તરત જ દોડીને પિતા પાસે જઇ કહ્યું:"પપ્પા, એક છોકરાએ હા પાડી દીધી છે. આવતીકાલે મળવા આવવાનું કહે છે..."

સુરેશભાઇના ચહેરા પર ખુશીની ચમક આવી ગઇ. તેમને ખબર ન હતી કે આ ખુશી લાંબી ટકશે કે નહીં. તેમણે વિભાએ બતાવેલા છોકરાનો પરિચય જાણવા પુસ્તિકા હાથમાં લીધી. અને રોનક વિશે જાણીને તે ચમકી ગયા. "બેટા, આ તો ..."

"મને ખબર છે. મને કોઇ વાંધો નથી...." પિતાને અટકાવતા તેણે પોતાનો નિર્ણય જાહેર કર્યો.

સુરેશભાઇને એ વાત ગમી કે છોકરો મોટી ઉંમરનો ન હતો કે વિધુર પણ ન હતો.

બીજા દિવસે રોનક તેના માતા-પિતા સાથે વિભાના ઘરે આવ્યો. રોનકના પિતાએ સુરેશભાઇને કહ્યું:"જુઓ, આપણે એક જ નાવના પ્રવાસી છીએ. બંનેના લગ્ન પોતપોતાના એક જ કારણથી થઇ રહ્યા નથી. જો તમે સંમત હોવ તો આજે જ ગોળધાણાં વહેંચી દઇશું..."

સુરેશભાઇ જાણતા હતા કે તેમના જેટલી જ ઉતાવળ રોનકના લગ્નની તેમને હતી. રોનક ખરેખર દેખાવમાં સુંદર હતો. પણ વિભાનો અંતિમ નિર્ણય જાણવાનો બાકી હતો. તેમણે કહ્યું:"વિભા, તું રોનક સાથે એક વખત એકાંતમાં વાત કરી લે."

વિભાની પાછળ રોનક બાજુના રૂમમાં ગયો.

વિભાએ પોતાના વિશે વાત કરી. પછી રોનકે પણ પોતાના જીવનની ઝલક આપી. અને છેલ્લે કહ્યું:"જુઓ, મારો એક જ પ્રશ્ન છે. આ લગ્ન તમે કોઇ મજબૂરીમાં કરવા તૈયાર થયા નથી ને?"

વિભા કહે,"તમે એને મજબૂરી તો ના કહી શકો પણ સમયનો તકાજો સમજી લો. પણ આ બાબત આપણા લગ્નજીવનમાં કોઇ મુશ્કેલી ઊભી નહીં કરે એની હું ખાતરી આપું છું."

બંનેની સંમતિ હોવાનું જાણી બંને પરિવારો ખુશ થઇ ગયા. અને સાદાઇથી એક જ સપ્તાહમાં લગ્ન કરવાનું ગોઠવી કાઢ્યું.

રીના સાંજે આવી ત્યારે ઘરમાં દોડધામ જોઇ નવાઇ પામી. અને જ્યારે તેણે જાણ્યું કે વિભાના લગ્ન નક્કી થઇ ગયા છે ત્યારે તેને પોતાના લગ્નનું નક્કી થયું ત્યારે નહોતી થઇ એટલી ખુશી થઇ.

રીનાએ છોકરાનો ફોટો જોવા માગ્યો. વિભા તેને પુસ્તિકામાં બતાવવા જતી હતી ત્યારે સુરેશભાઇએ તેમના મોબાઇલમાં આજે તે આવ્યો ત્યારે લીધેલા બે-ત્રણ ફોટા બતાવ્યા.

ફોટા જોઇ રીના આનંદ સાથે આશ્ચર્યથી બોલી ઊઠી:"વાહ! જીજાજી તો હેન્ડસમ દેખાય છે. અને ગોગલ્સમાં તો હીરો જેવા લાગે છે. મોટીબહેન, તમારે તો લોટરી લાગી ગઇ..."

રીનાએ વિભાને ભેટીને અભિનંદન આપ્યા. વિભાને લાગ્યું કે ઘણાં સમય પછી તેને પોતાની નાની બહેન મળી.

ઘરમાં વિભાના લગ્નની તૈયારીઓ થઇ ગઇ. આવતીકાલે એક મંદિરમાં બંને એકબીજાને માળા પહેરાવી એકબીજાના સાથી થઇ જવાના હતા. રીનાની મોટીબહેન સાથે આજે ઘરમાં છેલ્લી રાત હતી. આજે તે મોડે સુધી મોટીબહેન સાથે રહેવા માગતી હતી. ઘરમાં સગાંઓ ઘણાં હતા. એટલે વિભાને જલદી સમય મળવાનો ન હતો. વિભા કામમાંથી પરવારે તેની રાહ જોતી બેઠી હતી. ઘણીવાર થઇ છતાં વિભા આવી નહીં એટલે તે રસોડામાં તપાસ કરવા ગઇ. વિભા ત્યાં ન હતી. બે-ત્રણ સ્ત્રીઓ માતા સાથે લગ્નની વાત કરી રહી હતી.

રીના વિભાને શોધતી રસોડાની બહાર નીકળતી હતી ત્યારે તેના કાને એક સ્ત્રીનો ધીમો સ્વર ઝીલી લીધો. "અરે, વિભાને માનવી પડે. આંખ વગરનો છોકરો પસંદ કરી લીધો. ચાલો જીવનસાથી મળી ગયો એ મોટી વાત છે."

રીનાના પગ અટકી ગયા. તેની આંખ સામે છોકરાનો ફોટો તરવરી રહ્યો. તેને સમજતાં વાર ના લાગી કે તેની આંખ પરના કાળા ચશ્મા તેનો દમામ વધારતા હતા પણ તેની સાથે તેનું અંધત્વ પણ છુપાવતા હતા. વિભાએ કેમ આ અંધારિયા કૂવામાં ઝંપલાવી દીધું?

રીનાએ આખા ઘરમાં વિભાને શોધી પણ તે દેખાઇ નહીં. તેના મનમાં અમંગળ શંકાઓ ઊઠવા લાગી. તે ઘરની પાછળના ભાગમાં ગઇ. ત્યાં થોડે દૂર વિભાને ફોન પર વાત કરતી જોઇ તેના જીવમાં જીવ આવ્યો. તે વિચારી રહી. નક્કી મારા લગ્ન તૂટે નહીં અને સમયસર થાય એટલે મોટીબહેને પોતાનું લગ્ન ગોઠવી દીધું. રીનાને પોતાના પર ધિક્કારની લાગણી થઇ. તેની આંખ ભીની થઇ. ત્યાં વિભા આવી પહોંચી.

"રીના, શું થયું? કંઇ કામ છે?" પછી તેની આંખમાં તગતગી રહેલાં આંસુ જોઇ બોલી:"બેન, તું તો અત્યારથી જ મોટીબહેનના વિયોગમાં રડવા લાગી!"

"મોટીબહેન, મને માફ કરી દો." રીનાએ બે હાથ જોડ્યા.

વિભાએ તેના બંને પંજા પોતાના હાથમાં દાબી નીચા કર્યા અને ભેટી પડી.

"મોટીબહેન, મારા લગ્ન માટે તમે એક અંધ છોકરાને પસંદ કર્યો એ વાત હું ચલાવી નહીં લઉં. ભલે મારા લગ્ન પર્વત સાથે ના થાય. હું તમને આ લગ્ન કરવા નહીં દઉં..." રીનાએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો.

વિભાએ તેને શાંત પાડી.

"રીના, મારી બહેન, હું તો તારી આભારી છું. તારા કારણે જ મારું લગ્ન થઇ રહ્યું છે. તેં ઉતાવળ ના કરાવી હોત તો આટલો સારો વર હું મેળવી શકી ન હોત."

"આ બધી પોતાનું મન મનાવવાની અને મને મનાવવાની વાત છે મોટીબહેન. કોઇ છોકરી એક અંધ વ્યક્તિને કારણ વગર જીવનસાથી તરીકે સ્વીકારી ના લે. તમારી એવી કોઇ મજબૂરી નથી...હું તમને લગ્નના નામે આંધળુકિયા કરવા નહીં દઉં..."

"રીના, આ મજબૂરી નથી. અને રોનક અંધ નથી. તેને એક આંખ છે. તે દુનિયાને જોઇ શકે છે. અને હું તેની બીજી આંખ બની જઇશ. અમે ખૂબ સમજી વિચારીને એકબીજાને પસંદ કર્યા છે."

"મોટીબહેન, મને શ્રધ્ધા છે કે તમે રોનકના ઘરમાં અજવાળું કરી દેશો. પણ તમારામાં કોઇ ખોડ નથી તો પછી તમારે શા માટે આવો નિર્ણય લેવો પડ્યો..." રીના હજુ પોતાને જ જવાબદાર માની રહી હતી.

"રીના, જીવનમાં કેટલાક નિર્ણય સમય પ્રમાણે લેવાતા હોય છે. તને ખબર છે કે મારા ભારે શરીરને કારણે લગ્ન થતા ન હતા. પણ જો આ લગ્નથી મારા પરિવારનો ભાર પણ ઉતરતો હોય તો ખોટું શું છે. રોનક દેખાવે સુંદર છે અને સમજુ-સંસ્કારી છે. તેનામાં કોઇ દુર્ગુણ નથી. લગ્ન તો બે આત્માનું મિલન છે. તને ખબર છે ને અમારી સાથે ભણતી હતી એ રંજનના લગ્ન પછી તેના પતિના બંને પગ એક અકસ્માતમાં કપાઇ ગયા હતા....રોનકની એક આંખ બે વર્ષ પહેલાં જ એક અકસ્માતમાં જતી રહી હતી. અને રોનક સુખી પરિવારનો સારું કમાતો છોકરો છે. મને કોઇ તકલીફ પડવાની નથી. મારે તો હજુ વજન ના વધે એની કાળજી રાખવી પડશે પગલી!" વિભાએ વાતને હળવાશથી પૂરી કરી.

રીના ફરી વિભાને ભેટીને રડવા લાગી. વિભાએ તેનું દિલ સાફ કરવા તેને રડવા દીધી.

***