Ek Rasta Do Musafir in Gujarati Short Stories by Yogesh Pandya books and stories PDF | Ek Rasta Do Musafir

Featured Books
Categories
Share

Ek Rasta Do Musafir

યોગેશ પંડયા

એક રાસ્તા દો મુસાફીર

સૂર્ય ડુબી ગયો હતો. અવનિ ઉપર અંધકારનું સામ્રાજય ફેલાઈ ગયું હતું. વિમલ સુરેન્દ્રનગર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર આવીને ઉભો રહયો ત્યાંજ, રાજકોટ તરફથી આવતો સોૈરાષ્ટ્ર મેલ પણ આવીને ઉભો રહી ગયો.પ્લેટફોર્મ પર મારેલા ફલેપ બોર્ડની સામે ડબ્બા એક પછી એક સરતા ગયા અને ઉભા રહી ગયા '(ઢક્ષ્ ફીફટીવન' રીઝર્વેશન ટીકીટ નંબર હતો. એટલે કાંઈ ચિંતા નહોતી. એક હાથમાં બેગને પકડી રાખી, વિમલે કમ્પાર્ટમેન્ટમાં ચડી પોતાની બર્થ શોધી કાઢી. પણ તયં જ ઝાંઝરનો આછો રણકાર તેના કાને પડયો. અને''...જીજુ, આજ ડબો...'' કહેતા કોઈ હલકદાર સ્વર ટહુકો કાને પડયો. વિમલે લાગ્યું કે અવાજ કોઈ યુવાન છોકરીનો છે. તેણે માથું સ્હેજ ઉંચુ કર્યું અને બારણા પ્રતિ જોયું તો એક ત્રેવીસ–ચોવીસ વર્ષની લાગતી યુવતી ખભે થેલો ભેરવીને આવી રહી હતી...

પાછળ, ત્રીસેક વર્ષનો એક યુવક પણ આવતો દેખાયો. 'બસ આજ...' કહી બન્ને આ તરફ આગળ આવ્યા અને 'ફીફટી ફોર' માર્કીંગ કરેલી સીટ નંબર ઉપર પોતાનો થેલો પેલી યુવતીએ મુકી દઈને પછી વિમલ તરફ સરસરી નજર ફેંકી લીધી.

''બાજુમાં કોણ છે ફાલુ?'' કહી પેલા યુવાને સાશંક, વિમલ તરફ દ્રષ્ટિ કરી. પણ વિમલના શિષ્ટ, ભાવુક ચહેરાને તરતજ અવલોકી લઈને તે યુવાને હસીને ભલામણ કરતાં કહી દીધું : '' મુંબઈ સુધી જવાના ને?''

''હા''

''તો પછી અમારા આ સાળી સાહેબાને લેતા જજો...''

''એ તો ખબર પડી ગઈ.'' વિમલે હાથ લંબાવતા કહયું : '' હવે એમની ચિંતા નહી કરતા. એ જવાબદારી મારી . ડોન્ટ વરી.''

''થેન્કયુ...'' કહી તેણે હાથમાં હાથ મેળવી દીધો. ત્યાંજ વ્હીસલ વાગી. યુવાન નીચે ઉતરી ગયો. ટ્રેન ઉપડી... હળવે હળવે પ્લેટફોર્મ પાછળ સરતું ગયું. પેલા યુવાને કહેલ '' આવજે ફાલુ... મમ્મી પપ્પાને યાદ આપજે...'' ના પડઘા પલભર કમ્પાર્ટમેન્ટમાં ઘુમતા રહયાં. ' આવજો' ની મુદ્રામાં લંબાયેલો હાથ હવે મૂળ સ્થિતિમાં આવ્યો અને પછી ઘડીક ઉભી રહીને સુરેન્દ્રનગર શહેરની રોશની, સરકતા મકાનો, રસ્તાઓ, વાહનો... તાકતી રહી અને પછી સીટ ઉપર લંબાવી દીધું. વિમલ તેને જોઈ રહયો. બોલ્યો,

'' કયાં ઉતરવાના છો?''

'' બોરીવલી. તમે?''

''હું પણ ત્યાંજ ઉતરવાનો છું. પણ હવે કાંઈ પણ પ્રકારની ચિંતા ન કરશો. બોરીવલી આવે ત્યાં સુધીની જવાબદારી તો તમારા જીજાજી મારા ઉપર નાખતા ગયા છે, ફાલ્ગુની.''

ફાલ્ગુની હસી : '' તમે તો છુપા રૂસ્તમ નીકળ્યા. આટલીવારમાં તો મારા નામનીય ખબર પડી ગઈ. આ ખોટું થયું મીસ્ટર એકસવાયઝેડ...''

'' મારૂ નામ... વિમલ છે. વિમલ ત્રિવેદી. એક ફાર્માસ્યુટીકલ મેડીકલ કંપનીમાં અત્યાર સુધી એમ.આર. તરીકે હતો. હવે છેલ્લા ચાર મહીનાથી પ્રમોશન પામીને એરીયા મેનેજર તરીકે બેઠો છું. નોકરીમાં કાયમી થઈ ગયો છું.''

''એ બધું પછી સાંભળીશ. હું થોડું પાણી બાણી પી લઉં.''

''એ વ્યવસ્થા છે. પણ આ ડીસેમ્બરની ટાઢમાંય પણ તમને પાણી જોઈએ, એ થોડું વન્ડરફુલ લાગે છે.''

''જમ્યા પછી પાણી પીધું જ નહોતું અને હવે ગળે શોષ પડયો છે.''

''પડે, પડે પાણી ય મારી પાસે છે. આપુ ?'' કહીને પડખે પડેલો શીશો ફાલ્ગુની તરફ લંબાવતા બોલ્યો : ''બધી જ વ્યવસ્થા કરીને આવ્યો છું. અને હવે છેક બોરીવલી સુધી તમારી પરવરીશ કરવાની જવાબદારી મારી છે. તમે પાણી માંગો તો દુધ હાજર કરીશ. બોલો શું જોઈએ છે?''

''તમે બહુ બોલકાં લાગો છો. મને લાગે છે કે મારા બ્રધરનો એક આકાશ કરીને મિત્ર છે તમે સેઈમ એની કોપી છો.''

'' અજાણ્યો છતાં પરિચિત... બરાબરને?''

''હા. પણ એટલું ખરું કે એરિયા મેનેજર થવા કરતાં કોઈ કોલેજમાં પ્રોફેસર થયા હોત તો છોકરીઓમાં લોકપ્રિય થઈ ગયા હોત...''

''મસકાબાજ લાગો છો.''

'' એવું નથી, મુંબઈની છું ને એટલે થોડી બોલ્ડ છું. તમારા કાઠીયાવાડની છોકરીઓ જેવી શરમાળ નથી પણ પ્રેમાળ છું. છોકરાઓ સાથે ખૂણામાં બેસીને વાત કરવી નથી ફાવતી પણ જાહેરમાં વાત કરતી વખતે તેની સાથે શેકહેન્ડ કરતાંઅચકાતી પણ નથી...''

'' એ તો ખબર પડી ગઈ હવે કામની વાત કરો.''

'' એટલે? ''

''અહયાં શું આવ્યા હતા?'' વિમલે હસીને કહયું.

ફાલ્ગુની જરા થોથવાઈ. મનથી જરા સંકોચાઈ... તેણે પોતાની દ્રષ્ટિ ઝળહળતા ઝાંબલી બલ્બ તરફ માંડી.

''નહી કહો ?''

''ના, કહીશ. પરંતુ –''

''પરંતુ ?''

''તમે કહેશો પછી કહીશ...''

''હું કહું પછી કાંઈ?'' કહેતાં વિમલે ગળુ ખંખેર્યું. શરીર ઉપર ઓઢેલી શાલને જરા સરખી કરી. ફાલ્ગુની સામે જોયું. ફાલ્ગુનીએ સ્વેટર ચડાવ્યું હતું. એકતો આ ડીસેમ્બરની કડકડતી ઠંડી ... તેણે વિચાર્યું કે ઉતાવળમાં આ છોકરી ઓઢવાનું કશુ લાવી શકી નથી. એણે પોતાની શાલને ફાલ્ગુનીને આપતાં બોલ્યો : '' તમે એમ કરો. આ શાલ ઓઢી લો. ઠંડી કેવી છે?''

''ના ના, મને ઠંડી નથી લાગતી.''

''ખોટુ શુ કામ બોલો છો? શરીરમ ખલુ ધર્મ સાધનમ. તમારું શરીર નહી સાચવો તો બીજાને કઈ રીતે સાચવી શકશો? પહેલું સુખ તે જાતે નર્યા. પોતે તંદુરસ્ત હશો તો મન તંદુરસ્ત થશે અને મન તંદુરસ્ત તો શરીર તંદુરસ્ત. મન અને તનનો આધાર તો ઘરની તંદુરસ્તી ઉપર રહેલો છે. બોલો, હું સાચો છું ને?''

'' હું પણ સાચી ઠરી. બોલો, પ્રોફેસર થયા હોત તો –?''

'' એ બધી પછી વાત. પહેલા આ શાલ ઓઢી લ્યો.'હ કહેતા વિમલે તેને શાલ આપી અને પછી બોલ્યો : ''મુંબઈ આવવું છે એક છોકરી જોવા...''

''અરછા ...'' ફાલુ હસી : ખુબ સરસ... નકકી થયા પછી મને જણાવજો. તો હું પણ સગાઈમાં આવીશ.''

''એ બધી ફોર્માલીટી છે. માણસને માણસ ઉપર જો સાચુકલો પ્રેમ હોય તો એ એના ઘેર જવા નિમંત્રણની રાહ જોતો નથી. વેલ, છોકરી પત્રકારત્વનું કરે છે. ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર છે. ખાસતો મારા ભાભીનો આગ્રહ છે. ભાભી એક ખાનગી ટીવી ચેનલમાં ન્યુઝ રીડર છે. મોટાભાઈ જાણીતા મીડીયામાં જાહેર ખબર વિભાગના હેડ છે. પણ ભાભીને મારા ઉપર અસીમ પ્રેમ, ત્રણેક મહીનાથી કાગળ ફોન અને મેસેજ આવ્યા કરે છે. એટલે મમ્મીએ કહયું કે જઈ આવ. એટલે જઈ રહયો છું. અભયાસ, ડીગ્રી અને વ્યવસાય... આ બધું હું ગોૈણ ગણું છું. કારણકે વ્યવહારમાં અને અંગત જીંદગીમાં આ બધું કંઈ કામ આવતું નથી. હું ગ્રહોના મેળમાં પણ નથી માનતો. મનના મેળ થયા કે પત્યું. પણ હા, છોકરી થોડી ગમે તેવી હોવી જોઈએ. સાંજ પડે, ઘેર આવીએ તો એનો ચહેરો જોઈને દિલ ઠરે.. બાકી તો બધું સમજોને....''

ફાલ્ગુની સાંભળતી હતી... ટ્રેન દોડતી હતી. વાતોવાતોમાં અમદાવાદ આવી ગયુંં. અમદાવાદ સ્ટેશનેથી ટ્રેન ઉપડી. વિમલ ઉભો થયો અને બેગમાંથી લંચ બોકસ બહાર કાઢતા ફાલ્ગુનીને કહયું : ''લો, ચાલો કટક બટક કરી નાંખીએ.''

''નો થેન્કસ..''

''ચાલોને ભઈ, પછી અમે નહી તમારા ઘેર આવીએ...''

''ના. હું એ નિમંત્રણ આપું છું. એક દિવસ મારા ઘેર આવવું પડશે...''

ફાલુ હસી. વિમલે નીચે રૂમાલથી ઝાપટીને સાફ કર્યું. લંચ બોકસ કાઢતાં બોલ્યો : ''ચાલો જે ફાવે તે. બે બટકાં ખાશો તો પણ મને એમ થશે કે મેં એકલા એકલા નથી ખાધું. અને તમનેય જીંદગીમાં એક સંભારણું રહેશે કે એક લપલપિયા સાથે દસ–બાર–પંદર કલાકની સફરમાં અડધી કલાક જમતી વેળાય શાંતિ મળી ખરી. પણ, તમારી સાથે બે બટકાં ખાવાનો આનંદ મારી જીંદગીના પાનામાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે...'' વિમલનો પ્રેમ ભર્યો આગ્રહ જોઈને ફાલુ ઉભી થઈ. થેપલાં, મરચાનું અથાણું, ગોળ અને 'ગોકુલ'નું દહીં, જવાની ઉતાવળમાં ખાસ ખવાયું નહોતું, ભૂખતો સ્હેજ લાગી જ હતી. તૃપ્તિ થઈ ગઈ અને એ તૃપ્તિ તેના ચહેરા ઉપર પણ ફરી વળી. વિમલે એ અનુભવ્યું. એટલે બોલ્યો : ''કેમ મમ્મીના હાથના થેપલાં ભાવ્યાને?.. એમ છે ત્યારે...''

વેસ્ટેજ કાગળ બહાર ફેંકીને વિમલે સીટ ઉપર આવીને લંબાવ્યું. પણ ઠંડી વધી ગઈ હતી.આજના છાપામાં જ હતું જમ્મુ–કાશ્મીર બાજુ હીમવર્ષા થઈ હતી. કદાચ ટાઢ એટલે વધી ગઈ. ફાલુની આંખો ઘેરાતી હતી. ત્યાંજ વિમલ બોલી ઉઠયો : ''તમારી વાતતો તમે કરી જ નહી?''

''હું પણ તમારી જેમ જ સુરેન્દ્રનગર આવેલી...''

''અરછા, ગુડ, વેરીગુડ, તો પછી તમે સુરેન્દ્રનગરની ઓઢણી ઓઢશો એમને?''

''ના વિમલ, હજી કંઈ નકકી કર્યું નથી, કારણ ધ્વિધામાં છું. જીજાજીના સગામાં છોકરો છે. ચાર દિવસ સાથે રહયા પણ...''

''...પણ''

''પણ મન માનતું નથી. છોકરો વકીલ છે. ઈન્કમટેક્ષ સેલ્સટેક્ષનું કરે છે. આવક પણ સારી છે. ઘરે ગાડી છે, બંગલો છે. જીજુ, અને દીદી તો કહે છે કે પસંદ કરી લે. પણ મન માનતું નથી...''

''પણ ધારી લો કે તમારા જીજુને કોઈ સ્વાર્થ હોય, પણ દીદી તો ખોટું નહીં કહેતા હોય ને?''

''એ બધી વાત સાચી. બધી રીતે સારૂ છે પણ છોકરો બહુ મુડી છે. ઘડીએ ઘડીએ વાતો કરે, ઘડીકમાં કયાંક ખોવાઈ જાય. વોતોનું કયાંય અનુસંધાન જોવા ન મળે. ઘડીકમાં કોઈ ફાઈલ લઈને બેસી જાય તો ઘડીકમાં કેલ્કયુલેટર, અમે ફરવા ગયા તા ત્યાં કોઈની સાથે મોબાઈલ ઉપર માથાકુટ કરવા લાગ્યો... વાતવાતમાં વાત વણસી ગઈ ને એનો મુડ બદલી ગયો, વિમલ, આ તો આખી જીંદગીનો પ્રશ્ન છે એટલે વિચાર કરૂં છું. મને રમુજી બોલ્ડ અને ફે્રન્ડ નેચરના છોકરા વધારે ગમે છે.માથે જીંદગીના બોજનું પોટલું લઈને ફરતા છોકરા નહીં... પણ એવું તો તલભારેય એનામાં જોવા ન મળ્યું. ખડખડાટ હસીને વાત કરવાનું તો એક કોર રહયું, આ તો ચહેરાનું સ્મીતેય જાણે રેશનીંગની કોઈ ચીજ હોય એવો ઘાટ થયો..., એટલે મન માનતું નથી...''

''તો પછી જવા દેવું. મન માને તો જ આગળ વધવું. કારણકે આ તો આપણી જીંદગીનો સવાલ છે...'' કહી વિમલે તેને આશ્વાસન આપતાં કહયું : ''..પણ એમ તમે નાસીપાસ ન થતાં, એવું કયારેક યોગનું અંજળ રચાય છે ત્યારે મનમંદિરના હિંડોળા પર ઝૂલતું આપણી કલ્પનાનું પાત્ર પણ મળી જાય છે. એટલે, જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે. મન ઉપર બુધ્ધ્નિો વિજય ન થવા દેવો. કારણકે મનને મારીને કયારેય મનુષ્ય આનંદથી જીવી શકતો નથી. એ ઉપાલભથી જીવે છે...''

ફાલ્ગુની, વિમલની વાતો સાંભળતી હતી.

વડોદરા ગયું. ફાલ્ગુનીની આંખો ઘેરાતી હતી. વિમલે પણ આંખો બંધ કરી દીધી. બે કલાક કયાં પસાર થઈ ગઈ એય ખબર ન રહી. પણ ઠંડીનું આક્રમણ વધ્યું હતું. વિમલ જાગી ગયો. જોયું તો ફાલ્ગુની ટુટિયું વાળીને સુઈ ગઈ હતી.ઠંડીને લીધે એ આછું આછું ધ્રુજતી પણ હતી. વિમલે તેને બોલાવી. પણ તે ભર ઉંઘમાં હતી. વિમલ બેઠો થયો અને બેગમાંથી જાકીટ કાઢયું. તેણે પહેયુર્ંં જે બ્લેંકેટ ઓઢયું હતું તે ફાલ્ગુનીને ઓઢાડી દીધું.....

卐卐卐卐

વિરાર આવતા આવતા ફાલ્ગુની જાગી ગઈ. તેણે જોયું તો પોતાને કોઈએ બ્લેંકેટ ઓઢાડયું હતું. તેને ન(કી થઈ ગયું હતું કે જરૂર વિમલે જ ઓઢાડયું હશે.... ઠંડીની તીવ્ર લહેરખીઓ વીંઝાતી હતી. તેણે પડયા પડયા જ, બલેંકેટ સરખું ઓઢી લીધું. વિમલ તરફ જોયું તે ભર ઉંઘમાં હતો. તે અનોખી લાગણીથી વિમલને જોઈ રહી. તેને થયું : '' એક અજાણ્યો માણસ કે, જેની સાથે જીંદગીની પહેલી વહેલી આઠ કલાકો પણ ગાળી નથી થઈ છતાય કોઈ આવેશમાં આવ્યા વગર નર્યા વાત્સલ્યથી અને હૃદયની કોઈ ઉંડી લાગણીઓથી મારૂં કેટલું જતન કર્યું છે? નથી કોઈ પરિચય નથી કોઈ સંબંધ... તો એવા સબંધ વગરેય એણે મારલ કેટલો બધો ખ્યાલ રાખીને અહીં સુધી લઈ આવ્યાં છે, છતાં એણે મને સ્પર્શી લેવાનીય વાસના દર્શાવી નથી. અરે એની આંખોમાં પણ જે શાશ્વતતા અને પવિત્રતા મને દેખાઈ છે. નર્યા પ્રેમની ઝલક દેખાઈ છે એના સોમા ભાગની લાગણી અને પવિત્રતા અખિલેશની આંખોમાં કયાં જોવા મળી? ચાર દિવસ સાથે રહયા પણ એના હાથ તો સ્પર્શ દવારા મને માણી લેવાની પેરવીમાં જ મારા શરીરની આસપાસ ફરતાં રહયા. અને બગીચામાં ફરવા ગયા ત્યારે? – એકાંતનો લાભ લઈને મારી છેડછાડ કરવા લાગ્યો. આ બધું જીજુને કે આ માણસને કયા મોઢે કહું? એને હું કઈ રીતે પસંદ કરૂં? સ્ત્રીના શરીરને જો જાણે રમવાનું રમકડું જ હોય એવા પુરૂષને પામીને પણ શું સુખ પામું? એ વિચારતી રહી ત્યાં જ વિમલ જાગી ગયો... ફાલ્ગુની હસી... વિમલ ઉભો થયો. હસ્યો અને વોશબેઝિનમાં જઈ મોં ચહેરો સાફ કરી આવ્યો. ને બોલ્યો : ''કયારે જાગી ગયા?''

''વિરાર આવ્યું ત્યારેજ... પણ તમેય સુઈ ગયા હતા?''

''હા મનેય ઉંઘ આવી ગઈ હતી.''

મુંબઈ શરૂ થઈ ગયું હતું ત્યાંજ બંનેએ સામાન પેક કરી લીધો. વિમલ બોલ્યો : ''ઘરે મુકવા આવું કે પછી એકલાં જઈ શકશો.'' ફાલ્ગુની કંઈ બોલ નહીં. વિમલ તેની સામે જોઈ રહયો. ફાલ્ગુની કયાંક ખોવાઈ ગઈ હતી. બોરીવલી આવી ગયું બંને ઉભા થયા. બંને ઉતરી ગયા. પ્લટફોર્મની બહાર નીકળ્યા અને એકબીજાની નજરોમાં તાકી રહયા. ફાલ્ગુનીએ ખીસ્સામાંથી પેન કાઢીને તેને આપતાં કહયું : ''એક ભેટ આપું છું, યાદ કરશો તો ગમશે.''

''પણ મારી પાસે તમને ભેટ આપવા કશુંજ નથી.''

''સુરેન્દ્રનગરથી મુંબઈ આવ્યા છો. શું કામ આવ્યા છો એ કારણ તમે મને જણાવી દીધું છે. એટલે રાધા ગમે તો ઠીક, ન ગમે તો એક 'મીરા' પણ તમારા ઈન્તઝારમાં ઝુરતી હશે. વિમલ, મારે સ્થુળ ચીજની કોઈ અપેક્ષા નથી પણ જીંદગીના ઉપહાર તરીકે તમે તમારો પ્રેમ મને આપી શકશો? અત્યાર સુધી અવઢવમાં હતી, હવે નિર્ણય કરી લીધો છે વિમલ, હું તમને ચાહું છું...''

વિમલની આંખોમાં એક સામટા હજારો ગુલાબ ખીલી ઉઠયા. એણેય પોતાનો હાથ લંબાવીને ફાલ્ગુનીના હાથમાં મુકી દેતાં કહયું : '' તું પણ મને ગમે છે. આઈ લવ યુ ફાલુ....''