Roshani - 1 books and stories free download online pdf in Gujarati

રોશની ભાગ ૧.

રોશની

ભાગ ૧

દીવાલપર લટકતા ગિટાર ઉપર મારી નજર થોભી ગઈ. રાત્રીના અઢી વાગ્યા. રૂમમાં અંધકાર અને સન્નાટાની વચ્ચે ઘડિયાળના સેકંડ કાંટાનો ધીમો આવાજ પણ મને આજે વધારે કર્કશ લાગી રહ્યો. પણ મને ઊંઘ કેમ નથી આવતી? અરે! મારું બધું જ લૂંટાઈ ગયું?

હું બરબાદ થઈ ગયો તેંને આજે છ મહિના થયા, પણ છેલ્લા એક અઠવાડિયાથી તો જાણે મારી ઊંઘ હરામ થઈ ગઈ! શું ખૂટે છે? જહેનમાં કંઈક ખૂંચે છે, કંઈક બળતરા થઈ રહી છે; બ્લેક એન્ડ વ્હાઈટ ચૂડીદાર ડ્રેસમાં મલકાતી મલીકા અટ્ટહાસ્ય કરતી દેખાય છે. ટવેરાની આગળની સીટ ઉપર બેસી સડક ઉપર ઊભેલા મને જોઈ જાણે કોઈ ભિખારીને જોયો હોય તેંવા ભાવ એના ચહેરા ઉપર હતા. ઓહ! એ દૃશ્ય કદાચ મારી ઊંઘ હરામ કરી રહ્યું છે. અને ઉમેશ? નમક હરામ છે સાલ્લો. મારી થાળીમાં ખાધું અને થુંક્યો. નગુણો છે સાલ્લો. ક્યારેક તો એવું લાગતું કે સાલ્લાનું મર્ડર કરી નાખું. ના, પણ મને મારા પપ્પાએ વસિયતમાં આપેલા સંસ્કાર નડે છે. પપ્પા વારસામાં જે સંસ્કાર આપી ગયા એ જ મારી મૂડી હતી.

કદાચ મારી જગ્યાએ કોઈ બીજો હોત તો આત્મહત્યા કરી લીધી હોત. પણ મને તો ગઈ કાલે જ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. ઘડિયાળ ઉપર થોભેલી મારી નજર છતમાં ધીમે ધીમે ફરતા પંખા ઉપર ખોડાઈ. અરે! ગઈ કાલે મેં આ પંખામાં લટકીને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો! ખેર, એ તો વિચાર આવીને ચાલ્યો ગયો. દરેક વિચારનો તાત્કાલિક અમલ થઈ જતો હોય તો એ પણ નુકસાકારક છે. પણ મને આ શું થઈ રહ્યું છે? અરે આનાથી પણ અડધી મહેનત કરીને ઘરે આવતો, તો પણ મને કેવી ઊંઘ આવી જતી? અરે! ઘણી વખત તો ખાધા વગર અને સોક્સ ઉતાર્યા વગર સુઈ ગયાના દાખલા છે, અને મોડી રાત્રે મમ્મી મારા સોક્સ ઉતારી આપતી. ઘણી વખત હું સુઈ ગયો હોઉં અને મમ્મી ઉઠાડીને ખવડાવતી. મને એમ લાગે છે મને અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો છે.

મલીકા અને ઉમેશના વિચારો હું કરવા નહોતો ઈચ્છતો તો પણ એ મારા દિમાગમાં હથોડાની જેમ ખૂંચતા. ખેર, મલીકા મારો પહેલો પ્રેમ છે એટલે કદાચ, પણ મારે આ ઇન્સોમેનિયાનો કંઈક ઈલાજ કરાવવો પડશે.

એ જ વિચારોમાં ખોવાયો અને પંખા ઉપર થોભેલી મારી નજર ટીવી પર સરકી, રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું, ચેનલો બદલતો રહ્યો. ટીવી બંધ કરી મારી નજર મ્યુઝિક સીસ્ટમ પર પડી. મ્યુઝિક સીસ્ટમની બાજુમાં પડેલા ડીવીડીના થપ્પા ઉપર પડી. શું કરું? એ વિડીઓ અત્યારે જોઉં? ના, ફરી એ વિડીઓ જોઈને મારું દિમાગ ખરાબ થશે. અરે! મારા પોતાના ગીત સાંભળીને મારું દિમાગ ખરાબ થશે? થશે જ, કારણ કે એ વિડીઓમાં મેં મલીકા સાથે લાઈવ ચેટ કરેલું. મારા પોતાના કમ્પોઝ કરેલાં ગીત, લીરીક્સ અને ગિટારનું એ મ્યુઝિક આજે મને ખાવા દોડી રહ્યું હતું.

“ચિરાગ, આજે કોઈ નવું સોંગ સંભળાવને?” મલીકા દ્વારા અસંખ્ય વખત બોલાયેલું આ વાક્ય આજે મને ખાવા દોડી રહ્યું હતું. સવારે નોકરી ઉપર જવું પડશે? ના, રજા મૂકી દઈશ. પહેલાં કોઈ મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લઈશ. માંડ સવારે પાંચ વાગ્યે આંખ ઘેરાઈ, સવારે સાડા નવ વાગ્યે મોબાઈલની રીંગે મારી ઊંઘમાં વિક્ષેપ પાડ્યો.

“કેમ ચિરાગ, આજે નોકરી ઉપર નથી આવવાનો?”

“ઓહ! સોરી સર, હું રાત્રે તમને ફોન કરવાનું ભૂલી ગયો. આજે મારી તબિયત બરાબર નથી. આજે હું નહીં આવી શકું.”

“ઓકે ચિરાગ, પણ આ રીતેં રજા રાખવી હોય તો આગલા દિવસે જાણ કરી દેવી. બીજીવાર ધ્યાન રહે.”

“જી... જી... જી... સોરી સર... શ્યોર... શ્યોર.”

અડધી ઊંઘમાંથી ઊઠી ફ્રેશ થયો, ફ્રિજમાંથી બ્રેડ-બટર કાઢી બ્રેડ ગરમ કરવા મૂકી અને ચા-નાસ્તો કરી નીચે આવ્યો, બાઈકની ફયુલ ટેંક ખોલી નજર કરી. એકાદ લીટર પેટ્રોલ જોઈ એમ થયું કે આજનો દિવસ નીકળી જશે. બાઈક લઈ શબીરભાઈના ગલ્લે ગયો. પહેલાં શબીરભાઈના ગલ્લા પર જતા સંકોચ થતો, પણ હવે આદત પડી ગઈ હતી. પાનના ગલ્લા ઉપર જઈ ઊભો રહ્યો. શબીરભાઈ પાન બનાવવામાં વ્યસ્ત હતા.

“ચલ ભાઈ શબીર, લાવ મારો આજનો કોટા.”

કોઈ બે અજાણ્યા માણસો ત્યાં મને તાકી તાકીને જોઈ રહ્યા હતા, અને મારી બાઈકને જોઈ રહ્યા હતા. મને જોઈને એ બંને ગુસપુસ કરી રહ્યા હતા. એમને ખબર ન હતી કે એમની ધીમા અવાજે થતી વાતચીત પણ મારા કાન ખાઈ રહી હતી. એમની વાતચીત મારા દિમાગમાં હથોડાની જેમ વાગી રહી હતી. એમાની એક વ્યક્તિએ બીજાને કહ્યું :

“આ એ જ છે ને પેલ્લો?”

“હા, એક સમયે આ નબીરો મર્સીડીસ કાર લઈને આવતો, માલબોરો સિગરેટનું પેકેટ અને દસ માવાનું પાર્સલ બંધાવી જતો. જોજે હમણાં બીડીનું બંડલ લેશે, અને બે માવા બંધાવશે.”

“લ્યો ચિરાગભાઈ, અને પેલું પેમેન્ટ આજે આપી દેશો?” શબીરભાઈએ બીડી, માચીસ અને બે માવા મારી તરફ સરકાવતા કહ્યું,

“કેટલા બાકી છે?”

“પાંચસો સીત્તેર રૂપિયા છે.”

“જી, આ પગારમાંથી આપી દઈશ.”

શબીરભાઈએ મોં બગાડ્યું, પણ હું ત્યાંથી નીકળી ગયો. ખિસ્સામાં રોકડા બારસો રૂપિયા હતા, અને પાંચસો  સીતેંર રૂપિયા આપી દઉં તો હું ડોક્ટર સાહેબંને શું આપું? એ ડોક્ટર અંકલ પપ્પાના ખાસ મિત્ર હતા. મમ્મીને ડીપ્રેસનનો પ્રોબ્લેમ થયો હતો ત્યારે મમ્મીની દવા પણ એમની પાસેથી જ લેતા. આ ત્રણ માળમી આલીશાન હોસ્પિટલ પણ અમારી કંપનીએ જ બનાવી હતી. પણ એનો મતલબ એવો તો નહીં કે મારે એ સંબંધનો ગેરલાભ ઉઠાવવો.

ઘણા બધા પેશન્ટની વચ્ચેથી ડોક્ટર અંકલે મારો કેસ લીધો, કદાચ એમની કેબીનમાં લાગેલા સીસીટીવીમાંથી મને જોઈ ગયા હશે. કેબીનમાં પ્રવેશ કરતાં જ...

“અરે! ચિરાગ બેટા, આવ આવ, કેમ આવવાનું થયું બેટા? બધું બરાબર છે ને? બેસ બેસ.”

“અંકલ, ઊંઘ નથી આવતી, આખીઆખી રાત નીકળી જાય છે, પણ ઊંઘ નથી આવતી,” ડોક્ટર અંકલની સામેના સ્ટુલ ઉપર બેસતાં મેં કહ્યું.

“ઓકે બેટા. બની શકે કે આ અચાનક આવેલી મુસીબત સહન ન થઈ હોય. હું એક મહિનાની ગોળી લખી આપું છું, તેંમ છતાં વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય તો આવી જજે. અને હા, બીજું એ કે આપણે તારું કાઉન્સેલિંગ કરાવવું પડશે.” બીપી અને આંખ ચેક કરતા કરતા ડોક્ટર અંકલે કહ્યું.

“જી અંકલ, જરૂરી છે?” મેં પૂછ્યું.

“હા બેટા, લે આ કાર્ડ, મિસ રોશનીનું કાર્ડ છે, આ ઉપર લખેલા નંબર ઉપર ફોન કરીને અપોઈન્ટમેન્ટ લઇ લેજે, હું ભલામણ કરી દઉં છું.” ડોક્ટર અંકલે મિસ રોશનીનું કાર્ડ અને દવાનું પ્રિસ્ક્રીપ્શન મને આપતા મારા ચહેરા પરના ભાવ જોઈ એ મારી પરિસ્થિતિ કળી ગયા હોય એમ ઉમેર્યું.

“ચિરાગ બેટા, મિસ રોશનીની ફીસ બાબતેં ચિંતા ના કરીશ, હું એ પણ ભલામણ કરી દઉં છું.”

“જી અંકલ.”

હું કેબીનની બહાર આવ્યો. કન્સલ્ટીંગ ચાર્જ માટે મેં ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢી આપી રહ્યો હતો. એ રિસેપ્શનિસ્ટે ફોન ઉપર ડોક્ટર સાથે ઇન્ટરકોમમાં વાત કરી ફોન નીચે મૂકતાં કહ્યું:

“જી ચિરાગભાઈ, તમારી ફીસ નથી લેવાની. સાહેબ ના પાડે છે.”

બહાર મેડીકલ સ્ટોરમાંથી પ્રીસ્ક્રીપ્શન મુજબ ચારસો અને ત્રીસ રૂપિયાની દવા લીધી.

બાઈક પાસે આવી રોશની મેડમને ફોન કર્યો. સાંજે છ વાગ્યાની એપોઇન્ટમેન્ટ મળી ગઈ. સાંજ સુધીનો સમય કાઢવાનો હતો. ઘરે જઈ જમવાનું બનાવ્યું. આમ તેંમ આંટાફેર કર્યા. થોડીવાર ટીવી સામે બેઠો, પણ હજુ મગજ કામ નહોતું કરતું. ટીવીના સોકેસ ઉપર પડેલી ડીવીડીઓ ઉઠાવી જોવા લાગ્યો. એક એક ડીવીડી ઉપર તારીખ અને સમય માર્કરથી લખ્યા હતા. ઓહ! કેટલી બધી ડીવીડી છે?. ડીવીડી તરફ જોતા એ મલીકા સાથે થયેલ વિડીઓ ચેટના વિચારોમાં ખોવાઈ ગયો. કેવા દીવસો હતા એ! હું મલીકાને વિડીયો કોલ કરતો, અને ટેબલ ઉપર મોબાઈલ રાખી અને દર વખતેં ગિટાર પકડી અને હું મારું પોતાનું કમ્પોઝ કરેલું ગીત સંભળાવતો, અને મારા ગીતોના એક-એક શબ્દો સાંભળી એ કેવી ખુશ થઈ જતી! મારા અવાજના, લેરીક્સના, મ્યુઝિકના કેટલાં વખાણ કરતી! અને આજે! એ સાલ્લા ઉમેશ સાથે મોજ માણી રહી છે. અરે આજે હું રૂપિયા રૂપિયાનો મોહતાજ છું, અને મલીકાને મેં કેટલી વખત રોકડા દશ હજાર તો ક્યારેક વીસ હજાર આપ્યા છે, બેહિસાબ આપ્યા છે. આજે મને જરૂર છે. આમ એ મને ઉલ્લુ ન બનાવી શકે. કમસે કમ આજે મને જરૂર છે તો એક સારા દોસ્તની. અરે પૈસા ગયા ભાડમાં.

ખેર, એ એની મરજી, પણ એકવાર હું એક દોસ્તના નાતેં એની મદદ માગી જોઉં? ઘણા દિવસ થયા એનો અવાજ પણ નથી સાંભળ્યો, અને એ જ વિચારે મેં મલીકાને ફોન લગાવ્યો.

“હા બોલ.”

“મલીકા મને થોડા પૈસાની જરૂર છે, પ્લીઝ.”

“ઓહો.. હો.. હો… હો... એના માટે ફોન કર્યો? મને તો એમ હતું કે તું મને ભાષણ આપીશ કે ઉમેશ સાથે ફરવાનું છોડી દે. એ નીચ છે, નાલાયક છે, વુમેનાઈઝર છે, વગેરે વગેરે.”

“મલીકા, ફાલતુ વાતો નહિ કર, પ્લીઝ. તું મને હેલ્પ કરી શકે છે કે નહીં?”

“શા માટે હેલ્પ કરું તને? અને તું ઉમેશ માટે જેમ તેંમ બકવાસ કરે એ પણ હું સાંભળું! અને તને હેલ્પ પણ કરું? એટલે હું તને મૂર્ખી લાગુ છું?”

“યુ બ્લડી બીચ. ઉમેશ રાંડોડિયો છે, છે અને હજારવાર છે. મારી સાઈટ પર કામ ચાલતું હતું ત્યારે કેટલી વખત તેંને ત્યાં સાઈટ ઉપર કામ કરતી બિચારી મજબૂર મજૂરી કરતી ઔરતો સાથે રંગે હાથ મેં પકડ્યો છે. ખેર, તારા ઉપર હમણાં ઉમેશનું ભૂત સવાર છે, અને મારા દિવસો ખરાબ ચાલી રહ્યા છે.”

“ભિખારી સાલ્લા, હવે બીજીવાર મને ફોન નહિ કરતો. અરે કરી જ નહીં શકે. તને બ્લોક લીસ્ટમાં નાખી દઉં.”

ટુ.....ટુ... ટુ..… ટુ....

સાલ્લી! મારો જ ગીફ્ટમાં આપેલો આઈફોન સેવન! અને મને જ બ્લોક કરશે? મલીકા સાથે ફોન ઉપર થયેલી વાતેં મારું મગજ ખરાબ કરી નાખ્યું, પણ આજે એ મારી વાત નહીં સાંભળે તો એ દુ:ખી થશે. અરે મારે અત્યારે એનું ન વિચારવું જોઈએ. ખરેખરો દુ:ખી તો હું છું, તો પણ મારાથી રહેવાયું નહીં. ચાર વાગ્યા હતા અને હજુ દોઢ કલાક કાઢવાનો હતો. ટેબલ ઉપર પડેલી ડીવીડીમાંથી મેં ૧૪ ફેબ્રુઆરીના સવારે રેકોર્ડ કરેલી ડીવીડી ઉઠાવી અને સીસ્ટમમાં લગાવી, એ મારું મલીકા સાથે થયેલું લાસ્ટ ચેટ હતું, મેં તેંણીને લાસ્ટ સોંગ સંભળાવ્યું હતું, એ જોવા બેસી ગયો.

“મેરી જિંદગી મેં તુંમ એકબાર આ ગયે હો. અબ ઠહર જાઓગે, બસ જાઓગે યહાં દિલકી આવાજ મેં સાઝ  બનકર સંવર જાઓગે.”

એ દ્રશ્ય જોઈ, એ ગીત સાંભળી ફરી મારું દિમાગ ચકરાવે ચડી ગયું. હું એના વિચાર કરવા નહોતો માંગતો, અને એના જ વિચારો કેમ આવી રહ્યા છે? એજ વેલેન્ટાઈન ડેના દિવસે તો હું બરબાદ થયો હતો.

***

સાંજે છ વાગ્યે મિસ રોશનીની ઓફિસે પહોંચ્યો. નાનકડી કેબીનની બહાર બે જણ બેસી શકે એવો સોફા, અને સોફા પર બેસતાં ઓફિસની અંદર લેપટોપ પર સફેદ પંજાબી ડ્રેસમાં મિસ રોશની બેઠાં હતાં. મને બહાર આવેલ જોઈ અને અંદર બોલાવ્યો.

“મિસ્ટર ચિરાગ?” મને ચેર ઉપર બેશવા ઈશારો કરતા પૂછ્યું.

“જી મેમ.” કહી હું સામેની ચેર પર બેસી ગયો.

“હા, તો મિસ્ટર ચિરાગ, ડોક્ટર અંકલનો ફોન આવ્યો હતો. તમને ઊંઘ નથી આવતી બરાબર?”

“જી મેમ”

“કેમ?”

“વિચારો આવ્યે રાખે છે, થાક લાગે છે, પણ ઊંઘ નથી આવતી. ખૂબ ગુસ્સો આવે છે.”

“હા, પણ કેમ? તમને કોઈ ચિંતા ખાઈ રહી છે? જુઓ ચિરાગ, મને એક દોસ્ત સમજો, અને તમને જે કંઈ પણ વિચાર આવે છે એ મને જણાવો.”

મિસ રોશની ખૂબ આત્મીયતાથી વાત કરી રહ્યાં હતાં. એમનાં અવાજમાં કોઈ જાદુ હતો. એ મારી આંખોમાં જોઈને વાતો કરી રહ્યાં. એમના એક હાથમાં બોલપેન અને બીજા હાથમાં સફેદ રૂમાલ હતો. એ વારવારે રૂમાલ ગાલ ઉપર અને કપાળ ઉપર ફેરવી રહ્યાં હતાં, દેખાવે ગોરા પણ નહીં અને કાળા પણ નહીં એવા ભરાવદાર ગાલ સાથે સુટ થતી સાઈઝનું નાક, મોટી મોટી આંખો, હોઠનો નેચરલ ગુલાબી  કલર, કોઈ મેક-અપ નહીં. હું એમનો ચહરો જોતો રહ્યો.

“ચિરાગ શું પ્રોબ્લેમ છે ? તને શું વિચાર આવે છે?” મિસ રોશનીએ હવે તું થી વાત કરવાનું શરુ કર્યું.

“મેમ શરુઆતથી જણાવું?” મેં અચકાતા અને ગભરાતા પૂછ્યું.

“હા, શરૂઆતથી. બધું જણાવ. અને હા, ચિરાગ તું ચાય પીવી છે કે કંઈ ઠંડુ મંગાવું?”

“કંઈ પણ ચાલશે, મેમ.”

“ઓકે,, તું સિગરેટ પીવે છે બરાબર? એ છોડી દે, એ પણ તારા માટે હાનીકારક છે.”

“જી, મેમ.”

રોશનીએ પર્શમાંથી મોબાઈલ કાઢી અને બે ચાયનો ઓર્ડર આપ્યો, અને ફરી મારી તરફ જોઇને કહ્યું.

“બોલો ચિરાગ.”

“મેમ આજથી છ મહિના પહેલા એ ૧૪ ફેબ્રુઆરીના દિવશે હું બરબાદ થયો. મારા ફાધર એક મોટા કોન્ટ્રેકટર  હતા. શહેરમાં બસ-સ્ટેસનની બાજુમાં આવેલ “ચિરાગ મહેલ” એ અમારો હતો. કરોડપતીની છાપ હતી પપ્પાની. શહેરની મોટી મોટી લગભગ સિતેંરથી વધારે  બિલ્ડીંગ પપ્પાએ બનાવી છે. હું પણ મારો અભ્યાસ પૂર્ણ કરી અને પપ્પા સાથે મદદમાં લાગી ગયો, એ દરમિયાન મલીકા મારા સંપર્કમાં આવી. થોડાજ દિવસોમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એ પપ્પાની ઓફીસમાં એકાઉન્ટનું કામ કરતી, અને સમય જતાં  પપ્પાને પણ ખબર પડી ગઈ, અમારા સંબંધથી પપ્પાને કોઈ પ્રોબ્લેમ ન હતી. પપ્પા સ્ત્રીઓનો ખુબ આદર કરતાં, પણ મને ખબર નથી કે પપ્પા સ્ત્રીઓનો આટલો આદર કેમ કરતા?”

“કેમ સ્ત્રીઓનો આદર ન કરવો જોઈએ?”

મારી વાત સાંભળી અને મિસ રોશનીએ બંધુકની ગોળી જેવો સવાલ કરી મુક્યો. મારી પાસે કોઈ જવાબ ન હતો. હું જવાબ આપવા જતો ત્યાં ચાય આવી.

“લે ચિરાગ, ચાય પીલે પછી આગળ વાત કરીએ.”

“જી મેમ.”

ચાય પીતાપીતા હું ગોઠવી રહ્યો હતો, કે શું જવાબ આપું? અઘરો સવાલ છે. મને ફક્ત મલીકાનાં  કારણે જ તો સ્ત્રી જાતીથી નફરત ન થવી જોઈએ, અને  રોશની પણ એક સ્ત્રીજ છે ને? કેટલા સરળ અને સરસ સ્વભાવની છે.

“મેમ  એવું નથી, પણ મલીકા જેવી એક સ્ત્રી મારી લાઈફમાં આવી અને સ્ત્રીઓ પ્રત્યેનો મારો અભિગમ બદલાયો છે, પણ દરેક સ્ત્રી મલીકા જેવી નથી હોતી.”

મેં ચાયનો ખાલી કપ ટેબલ પર મૂકતા કહ્યું.

“ઓકે, પછી આગળ શું થયું? ચિરાગ.”

ક્રમશ:

- નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯