Roshani - 3 books and stories free download online pdf in Gujarati

રોશની ભાગ ૩.

રોશની

ભાગ -

રોશની ઘડીએ ઘડીએ મને પેસન્ટ કહી રહી હતી મને સારું લાગી રહ્યું હતું. મને એ ડર લાગવા લાગ્યો કે એ મને એમ કહેશે કે હવે તને આવવાની જરૂર નથી, તારી ટ્રીટમેન્ટ પૂરી થઇ, અને તેંમાં પણ મારે પંદર દિવસ બેંગ્લોર જવાનું થયું, મારે રોશની વિષે ઘણું બધું જાણવું હતું, પૂછવું હતું, અમુક માનસિક રોગ વિષે માહિતી લેવી હતી, પણ જે દિવસો રોશની સાથે વિતાવ્યા એ દિવસોમાં રોશનીએ મારી જીણી જીણી માહિતી મેળવી લીધી,પણ તેંના પરિવાર વિષે કે પોતાના વિષે ક્યારેય કઈ પણ કીધું ન હતું, મારે પંદર દિવસ બેંગ્લોર જવાનું હતું, અને હું વધારેમાં વધારે સમય રોશની સાથે વિતાવવામ માંગતો હતો. એ વિચારતા મેં રોશનીને પૂછ્યું.

“રોશની તારા પરિવાર વિષે તો મને કશુજ જણાવ્યું નથી,”

“હું અને મારી મમ્મી, બસ અમે બે, છ મહિના પહેલા પપ્પાનું  કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું, ત્યારથી મમ્મી બીમાર રહે છે, મમ્મીની માનસિક સ્થિતિ બરાબર નથી રહેતી, એટલે ઘરે નાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે. પાપડ, અથાણું, ચિપ્સ વગેરે બનાવી અને પેકિંગ કરવાનું કામ કરે છે, આજુ બાજુની અન્ય ચાર પાંચ મહિલાઓ આવેછે, એમની સાથે કામમાં વ્યસ્ત રહે તો વાંધો ન આવે.”

“વાવ ! કેરીનું અથાણું મારું  ફેવરેટ છે, મને ખવડાવીશ?”

“લે તારી ફેવરેટ આઈસ્ક્રીમ પણ આવી ગઈ, અથાણું પછી ખાજે પહેલા આઈસ્ક્રીમ ખાઈ લે.”

વેઇટર આઈસ્ક્રીમના કપ અને સ્પુન ટેબલ પર રાખી રહ્યો હતો, ત્યાં રોશનીના ફોનની રીંગ વાગી..રોશનીએ પર્શ માંથી ફોન કાઢી ડીસ્પ્લે પર જોતા બબડી,,

“ઓહ નો! પપ્પાનો ફોન છે.”

એમ કહી રોશની ફોન પર વાત કરવા બહાર જતી રહી, મારું દિમાગ ચકરાવે ચડી ગયું, પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું, તો પછી આ ક્યા પપ્પાનો ફોન છે? રોશની ખોટુ બોલી રહી હતી? કપમાં રહેલી આઈસ્ક્રીમ ગળવા લાગી. હું રોશનીની રાહ જોતો રહ્યો, પાંચ મિનીટ પછી રોશની રૂમાલથી મોબાઈલનું સ્ક્રીન સાફ કરતાકરતા અંદર આવી દુપટ્ટો સરખો કરતા અને વાળ કાનની પાછળ કરતા મારી સામે બેશી ગઈ.

“પપ્પાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયું, તો પછી આ ક્યા પપ્પાનો ફોન હતો?”

“ઓહ! સ્માર્ટ ક્વેસ્ચેન, મારા સસરાનો ફોન હતો ડીયર.”

એકદમ ઠંડા કલેજે રોશનીએ જવાબ આપ્યો, પણ એ જવાબ મારા કલેજા ઉપર ખંજરની જેમ લાગી આવ્યો,

પંદર દિવસ કરેલા મારા દિમાગી ઈલાજ ઉપર પાણી ફરી ગયું હોય એટલો ગુસ્સો આવી ગયો. મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો, મેં ચહેરાના હાવભાવ બનાવવા નાટકીય ઢબે ખુબ કોશિષ કરી, હું  આઈસ્ક્રીમ ખાવા લાગ્યો. ઉતાવળે આઈસ્ક્રીમ ખાધો.

“ચાલો મારે જવું પડશે, બેંગ્લોર જવાની તૈયારી કરવાની છે, સેવિંગ ક્રીમ, ટુથ પેસ્ટ, સાબુ વગેરે લેવાનું છે, કપડા પ્રેસ કરવાના છે.”

“ટ્રેનનો સમય શું છે, મને કહેજે હું આવીશ રેલ્વે સ્ટેસન પર.”

“ઓકે, હું ટીકીટ હાથમાં આવતાજ તને વોટસએપ કરીશ.”

ઓકે બાય.”

એમ કહી હું ત્યાંથી નીકળી ગયો. મારા દિમાગમાં રોશનીનું એજ વાક્ય સાયક્લોન ની જેમ ફરી રહ્યું હતું.

“મારા સસરાનો ફોન હતો” મારા અંદર કોઈ જ્વાળામુખી ફાટી રહ્યો હતો. સાલ્લી પરણેલી છે તો મને કહેતી પણ નથી? ન કોઈ મંગલસૂત્ર ન સિંદુર કૈંજ નહીં! અરે ક્યારેય વાતોવાતોમાં પણ પોતાના પતિનો ઉલ્લેખ નથી કર્યો, મારી સાથે ફલર્ટ કરી રહી છે સાલ્લી. આતો જોગાનુજોગ સસરાનો  ફોન આવ્યો ત્યારે મને ખબર પડી કે પરણેલી છે, પણ આવી ચિંતા હું શા માટે કરી રહ્યો છું? મેં ક્યારેય એને પ્રપોઝ નથી કર્યું. કદાચ હું એને પ્રેમ કરવા લાગ્યો, ભૂલ મારી છે, હું થોડો વધારે લાગણીશીલ છું. મારે રોશની વિષે આવું ન વિચારવું જોઈએ. જે થયું તેં સારું થયું, કદાચ હું ક્યારેક લાગણીના અતિરેકમાં આવી ગયો હોત, અને મેં પ્રપોઝ કર્યું હોત, તો કાચું કપાઈ જાત. જે થયું તેં સારું થયું, પણ હવે મારે રોશનીથી દુર રહેવું જોઈએ, હવે મારી માનસિક સ્થિતિ પણ સારી છે, અને હવે રોશનીની નજીક ગયા પછી ફરી મારી માનસિક સ્થિત પહેલા જેવી થઇ જાય તેંના કરતા મારે એક અંતર કેળવવું પડશે, ફીશ તો લેતી નથી મારી પાસેથી.

***

આજે પંદર દિવસ પછી હું બેંગ્લોર થી પરત આવ્યો, રેલ્વે સ્ટેસનથી ઘરે આવવા ટેક્ષીમાં બેઠો. એ પંદર દિવસોમાં રોશની સાથે રોજ ચાર પાંચ મિનીટ વાત થતી, પણ એ સામેથી ફોન કરતી, હું વધારે વાત કરવાનું અને ફોન કરવાનું ટાળવા લાગ્યો. એ વારે વારે મને કહેતી કે તારા માટે એક સરપ્રાઈઝ છે. તું આવીશ પછીજ જણાવીશ. મારા માટે તો રોશની ખુદ એક સરપ્રાઈઝ હતી.પહેલા મલીકાએ દિલ તોડ્યું, અને જે થોડી ઘણી અધુરાશ હતી તેં રોશનીએ પૂરી કરી. ફોન પણ કરતી તો એ બોલ્યે રાખતી અને હું સાંભળ્યા રાખતો. એની વાતો મારા કાન ખાઈ રહી હતી, રોશનીના અવાજમાં જે જાદુ હતો તેં જાણે ગાયબ થઇ ગયો હતો. પણ ભૂલ તો મરીજ હતીને! એ વિચારે હું રોશનીને કંઈ કહેતો નહીં.

“સાહેબ, ક્યાં ઉતરવું છે તમારે?” ટેક્ષી ડ્રાઈવરે મારા વિચારોમાં વિક્ષેપ પાડતા પૂછ્યું.

“બસ અહીં જ ઉતારી દે ભઈલા.”

ટેક્ષી માંથી બહાર આવી ઊભો રહ્યો, ડ્રાઈવર ટેક્ષી ઉપરના કેરિયરમાં પડેલી મારી ભારી ભરખમ બેગ નીચે ઉતારી રહ્યો હતો, મેં ટેક્ષીના  મીટર તરફ નજર કરી છુટા સીતેંર રૂપિયા ડ્રાઈવરને આપ્યા. હું બેગ ઉઠાવી રહ્યો હતો મારા એરિયાના લોકો મને તાકી તાકીને જોઈ રહ્યા હતા. મને જોઈ એમના ચહેરા ઉપર કોઈ અલગ પ્રકારના ભાવ હતા, સામે ઉભેલા બે છોકરાઓ એ મારી બેગ ઉચકી લીધી.

“ચાલો સર અમે મદદ કરીએ.”

ત્યાં સામેથી એકી સાથે સાત આઠ કોલેજની યુતિઓ અને કોલેજના છોકરાઓએ આવી મને ઘેરી લીધો, તેંઓ મારી સાથે એક પછી એક સેલ્ફી લેવા લાગ્યા, ટોળા માંથી એક છોકરીએ નાની બુક મારા હાથમાં આપતા કહ્યું.

“સર ઓટો-ગ્રાફ પ્લીઝ.”

અને થોડીવારમાં લોકોનું એક ટોળું ત્યાં જમા થઇ ગયું. મને કંઈ સમજાતું ન હતું. આમની કોઈ ભૂલ થઇ રહી છે. મેં ખીસા માંથી મોબાઈલ કાઢ્યો, મારો ચહેરો બરાબર જોયો.

અરે, હું પેલા શાહરૂખખાન કે સલમાનખાન જેવો તો નથી લાગતો ને? એ ટોળાની વચ્ચે હું બધાને સ્માઈલ આપતો રહ્યો અને કહેતો રહ્યો કે.

“મને જવાદો પ્લીઝ.”

મહા મુસીબતેં હું એ ટોળાને વિખેરી પગથીયા ચડી ગયો. પેલા બે છોકરાઓ મારી બેગ પકડીને મારી રાહ જોઈ રહ્યા હતા. મારા રૂમનુ લોક ખોલી હું સીધો અંદર જતો રહ્યો. પેલા બે છોકરાને જોઈએ મેં.. કહ્યું.

“થેન્ક્સ ગાયસ.”

“ઇટ્સ ઓકે સર..”

મેં દરવાજો બંધ કર્યો અને શાંતિનો શ્વાસ લીધો. હજુ મને કંઈ સમજાતું ન હતું, આ મારી સાથે કેવી મજાક થઇ રહી હતી! રોશનીએ કહ્યું હતું કે આવે તો મને ફોન કરજે, પણ મેં ભૂલ કરી, એ લેવા આવી હોત તો કંઇક ખબર પડતી. હજુ રોશનીની સરપ્રાઈઝ તો બાકી છે. મને સપનું તો નથી આવી રહ્યું ને?

હું બેગનો સમાન સમેટી અને ફ્રેશ થયો, બહાર નીકળવું હતું, પણ હજુ લોકો નીચે ઉભા હતા, મેં રોશનીને ફોન લગાવ્યો. ર્રોશની ફોન ઉઠાવતાજ તાડૂકી.

“કઈ ટ્રેનમાં આવે છે? તુ જાણ પણ નથી કરતો, ક્યાં પહોંચ્યો?”

“અરે રસ્તામાં નેટવર્ક ન હતું, હું ઘરે પહોંચી આવ્યો.”

“પહોંચી આવ્યો? મને કહેવું જોઈએ હું લેવા આવતી?”

“એ બધું છોડ, આ બધું શું થઇ રહ્યું છે, મારા દિમાગમાં કોઈ પ્રોબ્લેમ છે ? લોકો મને સેલીબ્રીટી જેવું કેમ ફિલ કરાવે છે?”

“હા... હા… હા... એજ તો સરપ્રાઈઝ છે.”

“અરે કેવી સરપ્રાઈઝ? હું પાગલ થઇ જઈશ રોશની. તું શું કહે છે મને કઈ સમજાતું નથી.”

“હું નહીં આવી શકું, ખુબ ટાયર્ડ ફિલ કરું છું, તું આવને  પ્લીઝ,અને હું આવીશ તો બહાર લોકો મને ખાઈ જશે,”

“ઓકે હું આવું છું.”

અડધો કલાક સુધી હું રૂમમાં આમ તેંમ આંટા ફેર કરતો રહ્યો, દરવાજો નોક થયો,

“કોણ”

“અરે, હું છું રોશની દરવાજો ખોલ.”

મેં ફટાફટ દરવાજો ખોલ્યો રોશની અંદર આવી કે તરત દરવાજો બંધ કર્યો.”

રોશની અંદર આવતાની સાથે ખડખડાટ હસવા લાગી. તેંના હાથમાં લેપટોપ બેગ હતું.

“રોશની આ બધું શું થઇ રહ્યું છે ? મને સમજાવીશ પ્લીઝ.”

“કામ ડાઉન ચિરાગ,, વેઇટ,, વેઇટ.”

એમ કહી  રોશનીએ બેગમાંથી લેપટોપ બહાર કાઢી ટેબલ પર સેટ કર્યું, પોતાના મોબાઈલમાં હોટ-સ્પોટ ઓન કરી ઇન્ટરનેટ ચાલુ કર્યું, યુ ટ્યુબ ઓપન કરી, આઈ કેર ફોર યુ ચેનલ લોગીન કર્યું..

અને કહ્યું.

“આ જો.. તારા સોંગસ. અઠવાડિયા પહેલા મુકેલું છે, ત્રણ લાખ વ્યૂઅર્સએ લાઈક કર્યું છે, અને કોમેન્ટ્સ તો વાંચ, બાપરે! ચાર દિવસ પહેલા અપલોડ કરેલું સોંગ બે લાખ વ્યૂઅર્સએ લાઈક કર્યું. અરે માર ઈમેઈલ નો ઈનબોક્સ તો જો! ઢગલો ઈમેઈલ આવ્યા છે! અરે લોકોને જવાબ આપી આપીને થાકી ગઈ છું. લોકો તારા ગીતના, તારા મ્યુજીકના, તારા લીરીક્સના દીવાના થઇ ગયા છે. આ જો આ તારું સોંગ સાંભળ.”

“મેરી જિંદગી મેં તુંમ એકબાર આ ગયે હો. અબ ઠહર જાઓગે,, બશ જાઓગે યહાં દિલકી આવાજમેં સાઝ બનકર સંવર જાઓગે.”

હું યુ ટ્યુબ ઉપર એ મારું ગીત સાંભળી રહ્યો હતો, પ્લેફોર્મ ઉપર ઉભા ઉભા ગીત ગાઈ રહ્યો હતો. એ જોઈ રહ્યો હતો, રોશનીએ તેંના પર્શ માંથી બે ત્રણ વીઝીટીંગ કાર્ડ કાઢ્યા અને મને બતાવતા કહ્યું.

“આ જો રાજુભાઈનું કાર્ડ છે, એ એડ માટે જિંગલ સોંગ માટે તને હાયર કરવા માંગે છે. આ સુલેમાન ભાઈનું કાર્ડ એ પોતાની નવી સીરીયલ માટેના ટાઈટલ સોંગ માટે તને હાયર કરવા માંગે છે. આ જો આશિષ ભાઈનું  કાર્ડ, એ એમની ફિલ્મના સોંગ તારી પાસેથી કમ્પોઝ કરાવવા માંગે છે, ઓહ! આ બધાને મેં હાલ કોઈ જવાબ નથી આપ્યો, અને એ બધા તારા જવાબની રાહ જોઈ રહ્યા છે, આ ત્રણેય મહાનુભાવોએ અઠવાડિયામાં ચારથી પાંચ વખત મને ફોન કર્યા છે. હવે આ મહાનુભાવો એમ સમજે છે કે હું તારી આસિસ્ટન્ટ છું. એ લોકો તને ફોન કરવા કોશીશ કરી રહ્યા હતા પણ તેં તારા ફોનમાં સેટિંગસ મુક્યું છેને, કે સેવ કરેલા નંબર હોય એજ તને ફોન કરી શકે! અને એટલેજ એ લોકો મારો કોન્ટેક્ટ કરી રહ્યા હતા.”

રોશનીની વાતો સાંભળી મને આશ્ચર્ય થયું, અને સાચેજ હું સેલીબ્રીટી બની ગયો હતો. લોકો આજ સુધી મને ચિરાગ કન્સ્ટ્રકસનના માલિકના  સનથી ઓળખતા, જે લોકો મને મારા પપ્પાના નામથી ઓળખતા હતા એ લોકો મને પર્સનલી મારા નામથી ઓળખવા લાગ્યા, સિંગર ચિરાગ, મ્યુજીસીયન ચિરાગ, માસ્ટર ચિરાગ, જેવા નામથી ઓળખવા લાગ્યા, અઠવાડિયામાં રોશનીની આઈ કેર ફોર યુ ની ઓફીસ મારી ઓફીસમાં તબદીલ થઇ ગઈ. રોશનીએ પોતાનું પ્રોફેસન ચેન્જ કરવું પડ્યું, રોશની હવે મને આસિસ્ટ કરવા લાગી. મારા ફોન રીસીવ કરવા લાગી. મારી દરેક અપોઈન્ટમેન્ટ એ ફિક્સ કરતી. રોશનીએ પોતાનો પહેરવેશ પણ ચેન્જ કર્યો, જીન્સ અને ટી-શર્ટ કે ટોપ  પહેરી ને આવવા લાગી, એ કપડામાં એ વધારે સેક્સી લગતી, તેંના નિતંબ અને વક્ષ:સ્થળનો ઉભાર મને વધારે આકર્ષિત કરતો. પણ મારા દિમાગમાં એજ વાત આવીને ઉભી રહી જતી કે રોશની પરણેલી છે..અને એ વાતની જ્યારથી મને ખબર પડી ત્યારથી હું મારા કામથી મતલબ રાખવા લાગ્યો. એક દિવસ રોશની ઓફિસે ન આવી મેં ફોન કર્યો..

“ચિરાગ આજે મારી તબીયાતી ઠીક નથી પ્લીઝ,, હું મારો ફોન તારા નંબર ઉપર ડાયવર્ટ રાખુ છું, અને આજે કોઈ ખાસ અપોઈન્ટમેન્ટ નથી.”

“કેમ શું થયું તને ? તારું એડ્રેસ આપ હું આવું છું. તારી દવા લઇ આવીએ.”

“અરે વાંધો નહીં, એટલી બધી તબિયત ખરાબ નથી.”

“તારું એડ્રેસ આપ, મારે તારી મમ્મીના હાથનું અથાણું ખાવું છે,”

“ઓકે હું વોટશેપ કરું છું.”

ઓફીસ લોક કરી હું બહાર નીકળ્યો ત્યાં મારા ફોનમાં રોશનીનો મેસેજ આવ્યો. એ એડ્રેસ મુજબ હું રોશનીના ઘરે પહોંચ્યો. ઝૂપડપટ્ટી વિસ્તાર હતો, ગલી ખાંચામાં ઘર ગોતતો ગોતતો હું રોશનીના ઘરે પહોંચ્યો.

લાકડાની દેશી ડેલી, અને બહાર ખાટલો ઢાળેલો, ખાટલા ઉપર પાપડ સુકાવવા માટે મૂકેલા અને પાંચ મહિલાઓ પાપડ વણી રહી હતી, દરવાજાની બિલકુલ બાજુમાં ઘરમાં જવા માટે સાવચેતી થી જવું પડે.બહાર થી જ મેં પૂછ્યું.

“રોશની અહીં રહે છે?”

ક્રમશ:

-નીલેશ મુરાણી.

ઈમેઈલ:- nileshmurani@gmail.com

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯