-કંદર્પ પટેલ
+91 9687515557
એક્સપ્રેસ હાઈવે
જશ્ન-એ-જિંદગી
આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહિ !
લેકિન આદમ કે નૂર સે, ખુદા જુદા નહિ...!
માહ્યરામાં બેઠેલ મીરા અને રામના કેટલાક સપનાઓ હતા. આજ દિન સુધી એકબીજાને કહી નહોતા શક્યા. ઘણી બધી તકલીફો અને આર્થિક સંકડાશ વચ્ચે બંનેના ખુબ સારી રીતે લગ્ન થયા હતા. ફાવશે કે કેમ? ગમશે? ભાવશે? ચાલશે? જો.. નહિ ફાવે તો? પ્રેમ તો હતો જ...! પરંતુ અમુક પ્રશ્નો ખુબ મૂંજવી રહ્યા હતા. ભવિષ્યની ચિંતા અને વર્તમાનના સમય સાથે એ ક્ષણો બહુ અઘરી વીતી રહી હતી. પંડિત મહારાજ શ્લોકો અને ગૃહસંસ્કારની વિધિ કરી રહ્યા હતા. સ્વાહા..સ્વાહાના નાદમાં કોઈક જગ્યાએ રહેલો અહમ ઓગળવા માટે બંને મથી રહ્યા હતા. સરળ, સહજ અને સમાધાની બનવા તરફ બંને જઈ રહ્યા હતા. એકબીજાના મનમાં રહેલા પ્રશ્નો આજે ખુબ સારી રીતે તેઓ સાંભળી શકતા હતા. શબ્દ નહિ, સંવેદના સાથેના સ્પંદનો હૃદયના કોઈક ખૂણે ઉઠી રહ્યા હતા. કહેવું હતું, ઘણું બધું...! પરંતુ એ પ્રશ્નો અને જવાબોની રમત ગળે ડૂમો ભરીને અગ્નિની સાક્ષીમાં ઉડી જતી હતી. મોડર્ન મીરાને રામ અનેકગણો પસંદ હતો. રામ પણ મીરાને સમજી શકતો હતો. છતાં, પ્રશ્નોની મારામારી કેમ? એ પણ જાતે સ્વીકારેલ સંબંધ માટે? આ પ્રશ્નો એકબીજાને સમજ્યા પછી જ કેમ થયા? શું ખરેખર તેઓ બંને એકબીજાને સમજી શક્ય હતા? એક મન કહેતું હતું , હા..! હું સમજુ છું. ત્યાં તરત જ બીજું મન કહેવા ઉભું થયું, ખરેખર? હું સમજુ છું? બસ, બંને વાક્યમાં પ્રશ્નાર્થ અને ઉદગારનો તફાવત હતો. પરંતુ, પૂર્ણવિરામ આરામ પર હતું. મન બંનેના સંશય કરે છે કે ભવિષ્યની સલામતી માટે સફાળા બેઠા થયા છે? જાણ નહોતી. જેમ-જેમ કુટુંબથી વિખુટા પાડવાનો સમય આવ્યો તેમ મીરાના મનની હલચલ વધતી ગઈ. છતાં, મન વાળી લીધું, સમજાવ્યું અને છોડી દીધું. દરેક પ્રશ્નોને આંસુમાં વહાવીને તે રામના ઘરે દીકરી બનીને ગઈ.
ઘરની જવાબદારીઓ સંભાળતી થઇ, એ પણ ખુબ સારી રીતે. દરેકની વાતો સાંભળતી થઇ. પોતાની જરૂરિયાતો ભુલાવતી થઇ. ખબર નહિ, કેમ? સત્ય એ હતું કે મીરા જવાબદારીઓ નીચે દબાતી જતી હતી. છતાં ખુશ હતી, પરંતુ અંદરથી એ બેબાક, બેફિકર અને બોલ્ડ મીરા સંપૂર્ણ ખોવાઈ ગઈ હતી. પરંતુ, પોતાનું કર્તવ્ય સમજીને જિંદગીની નૈયાને આગળ વધાર્યે જતી હતી. ભવસાગરમાં તરીને તેણે પૂરો કરવો એ કોઈના માટે શક્ય નથી, એ પોતે જાણતી હતી. આજ-કાલ તે પોતે અનેક અસત્યોને પોતાની લાઈફમાં નર્યું સત્ય સમજીને દિવસો પસાર કરી રહી હતી. બસ, દિવસો આગળ વધતા જતા હતા. કેટલાયે સપનાઓ જે જોયા હતા તેણે સંપૂર્ણ ઓગાળી ચુકી હતી. કંઇક કરવાના અભરખાના અગ્નિને શાંત પાડીને તેના પર ઠંડુ પાણી રેડી દેતી હતી. મીરાપોતાના અસ્તિત્વને ખોજતી હતી. પોતાના જુના દિવસોને યાદ કરીને પોતાના હૃદયને ટટોળવા કરતા સમય સાથે સમાધાન કરી લેતી હતી. સલામતી સાથે સમાધાન કરીને જિંદગીને બોરિંગ બનાવતી જતી હતી. એ બોરિંગ બનતી અટકાવવા રામ સાથે શૈયા પર ‘કામ’ના સહવાસનો આનંદ પણ ઓછો થતો જતો હતો. સમય જતા પ્રેમને પોતાની જ નજર લાગી છે એવું તે સમજવા લાગી હતી. અંધવિશ્વાસ અને શ્રદ્ધા વધતા જતા હતા. ક્યારેક નાના-મોટા ઝઘડાઓ પણ થયા. છેવટે એક પ્રશ્ન થતો...!
રામ, તું પહેલા જેવો નથી રહ્યો. શું તું બદલાઈ તો નથી ગયો ને?
આ પ્રશ્ન હવે મસ્તિષ્ક પર વારંવાર અથડાવા લાગ્યો. તે આ વાક્ય રામને ઘણી વાર કહેવા માંગતી હતી પરંતુ તેને ખરાબ લાગશે તેવું સમજીને કહેતી નહિ. એક દિવસ તેનાથી રામને કહેવાઈ ગયું...!
બીજે છેડે રામને પણ એવું જ હતું. જોબની સેફટીને ખાતર પોતાની સલામતીને ખોવા નહોતો માંગતો. જવાબદારીઓના ઓથાર હેઠળ બંધાયેલો હતો. એ પણ પોતાનું ગાડું જેમ-તેમ ચલાવ્યે જતો હતો. થાકીને ઘરે આવીને મીરા સાથે વાત કરવાને બદલે સીધો જ સુઈ જતો હતો. આર્થિક અને સામાજિક સંબંધોને સાચવવામાં પોતાનું સંસારિક ફૂલ ચીમળાઈ રહ્યું હતું. એ સાચવવા રામ ખુબ પ્રયત્ન પણ કરી રહ્યો હતો. મીરાને ખુશ રાખવી પડતી હતી, એ પણ તેની જવાબદારીમાં આવી ચુક્યું હતું. અંદરને અંદર ખવાઈ રહ્યો હતો. જેમ ઉદાસીની ઉધઈ ખોળિયાને કોરી ખાતી હોઈ તેમ નિરાશા તેના પર છવાઈ રહી હતી. સમજણ સમજાઈ રહી હોવા છતાં નાસમજ હોવાનો ડોળ કરવો પડતો હતો. સંસારિક વહેણની તૂતક તૂટી રહ્યું હતું. ઘણા બધા તકલીફો સામે જીવનની ફાટેલ પતંગની કિન્નાની જેમ ડામાડોળ બની રહ્યું હતું. તે બચાવવાની ઘણી કોશિશ બંને પ્રેમી પરખંદા કરી પણ રહ્યા હતા. એકબીજાથી ચહેરો છુપાવવાની ઘણી કોશિશ કરતા હતા. ચહેરા પરની સ્વ:લાચારી બીજાને દર્શાવવા નહોતા માંગતા. ખબર હતી, કે એક દિવસ એવો આવશે જયારે એ લાચારી બહાર કુદી તો પડશે જ..! એ સહન કરવાનું જ છે. આંખ સામે રમાતી રમતને એક દિવસ તો જીતવાની જ છે. છતાં, અથાગ પ્રયત્નો વડે દરેક વાતોને ડામી દેવાનું મન કોશિશ કઈ રહ્યું હતું.
મીરા એ આજના યુગ પ્રમાણે ચાલવાનું સપનું સજાવનારી સ્ત્રી હતી. સવારની ગરમ ચા, વસ્ત્રોની ઈસ્ત્રી, બાલટીનું પાણી, રસોઈઘરનો ગેસ, રાશનની લાઈન, રોટલીની ગોળાઈ, સાબુના ફીણ, વઘારની સુગંધ, કપડાની સિલવટો, ઘરવખરીની ખરીદી, પ્રાઈમસની ફ્લેમ અને ઘરની ખરીદી. આ દરેકમાં મીરા એક્કો હતી. છતાં, તેને બીજું કંઇક જોઈતું હતું. જે તેના દિલમાં સાચવીને બેઠી હતી. કેટલીયે વાતો વમળની જેમ મનમાં ચક્રવાત ઉપજાવતી હતી. કહેવું હતું, પરંતુ રામને જોતા જ તેના ગળામાં તે વાત ડૂમો ભરાઈને ચીમળાઈ જતી હતી. હૃદયના ઊંડાણમાંથી સતત કોઈ વાત નીકળીને ઉભી રહી જતી હતી, એ પણ હૃદય દ્વારા જ.
આજે મીરાના દિલમાંથી આવું કંઇક સંશયયુક્ત વેણ સરી પડ્યું. ડરતા-ડરતા બોલી. હોઠ તેના ધ્રુજી રહ્યા હતા. આંખમાં થોડા આંસુ હતા. કોઈકના સહારાની જરૂર હતી. રામના ખભા પર માથું ઢાળીને ખૂબ બધું રડવું હતું. હોઠ એકદમ લાલાશયુક્ત બની ચુક્યા હતા. કદાચ એ પહેલા રડીને આવી હશે જેથી આંખો પણ ઘેરી ચિંતાના લાલ રંગથી ભરાયેલી હતી. વાળ વિખરાયેલા હતા અને અસ્તવ્યસ્ત ડ્રેસ પહેરેલો હતો. શરમનો દુપટ્ટો ક્યાંક છૂટી ગયો હતો. બસ, એ નિચોવાયેલા ચહેરે તેનાથી બોલી જવાયું..!
“રામ, તને મજા આવે છે?”
ખુબ શાંત વાતાવરણમાં પડઘાયેલો આ અવાજ ઘણું બધું કહી જતો હતો. એ ઓરડાની શાંતિનો ભંગ થઇ રહ્યો હતો. રામ એ ધીરેથી મીરા સામે જોયું.
“શું થયું, મીરા?” ચહેરા પરથી બધું જાણતો હોય તેવું લાગતું હતું છતાં તેણે પરિસ્થિતિને ટાળવા સહજતાથી પૂછ્યું. છેલ્લા ઘણા દિવસથી રામના હૃદયમાં પણ કેટલાયે ઝંઝાવાતોના વંટોળ જન્મ લઇ રહ્યા હતા. તે પણ ઘણું બધું કહેવા માંગતો હતો. મીરા જોડે સમય વિતાવવા માંગતો હતો. પરંતુ તે જાણતો હતો કે, જો તે પોતે મીરા પાસે જશે તો તે તૂટી જશે અને તેણે સંભાળવી પડશે. મન-કમને તેનાથી દૂર જઈને પરિસ્થિતિનો સાક્ષી બનીને જોયા કરતો હતો.
“રામ, તને નથી લાગતું કે કંઇક રોજ ખર્ચ થતું જાય છે? રોજ તારામાંથી કોઈ એક વસ્તુ બાદ થતી જાય છે? સરળતા અને સહજતા ક્યાંક ગૂમ થઇ રહ્યા છે? કોઈ વાત છે, જે તને પણ સતાવે છે અને મને પણ..! શું આપને બંને સાથે બેસીને વાત ના કરી શકીએ? જાણતા હોવા છતાં છુપા-છૂપીની રમત રમવાનો અર્થ શું? પ્લીઝ...! મારી જોડે બેસ અને મન શાંત કર. મારે તારી જરૂર છે. તારા સમયની જરૂર છે. તારા સહવાસની જરૂર છે. મારી જોડે વાતો કર. મારે ફરીથી એ બેફિકરાઈથી મોજમાં રમતા રામને જોવો છે. સગાઇના સમય દરમિયાન આપણી બંને વચ્ચે થયેલા સપનાઓની માર્કશીટમાં કેટલું બાકી રહી ગયું તે જોવું છે. રામ, મારી તરફ જો..!”
તેમ કહીને મીરા રામનો હાથ પકડે છે. પોતાના ગાલ પાસે લઇ જાય છે. બંને હાથ વડે રામના હાથની મુઠ્ઠીને પોતાની છાતીમાં દબાવી દે છે. રામ થોડો ઠંડો પડે છે. શાંત થાય છે. મીરા સાથે જાય છે. ઘરના ઓટલા પાસે બેસે છે. એક દીવાલના ટેકે મીરા બેઠી છે અને રામને પોતાના ખોળામાં માથું નાખીને સુવડાવે છે. રામના ટૂંકા વાળમાં મીરા સગાઈના લાંબા વાળ દરમિયાન હાથ ફેરવતી તેવી રીતે આંગળીઓને માથામાં ફેરવે છે. રામ શાંત થાય છે. કપાળ પર હાથ મુકીને મીરા રામને સાંત્વના આપે છે. મીરા રામને ઢીલો પડતો જુએ છે. કદાચ, થોડી વારમાં જ રામના અશ્રુનો બંધ તૂટી પડશે તેવું લાગે છે. અને, થયું પણ એવું જ. રામની આંખમાં આંસુ છે. તે છુપાવવા ઘણો પ્રયત્ન કરે છે. મીરાના ખોળામાં આંખના ખૂણે આંસુ ફસાઈને પડ્યું છે. રામ આંખ બંધ કરે છે અને તે અશ્રુ ઝરણું બનીને વહી નીકળે છે. મીરા સમજે છે. બંને એકબીજા સાથે ધીરા સ્વરે વાતો કરે છે. દિલની અને દિમાગની દાસ્તાં.
“મીરા, મારે પણ ઘણું બધું કહેવું છે. પરંતુ કેમ? નથી જાણતો. નથી સમજતો. નથી સમજાતું. નથી સમજાવી શકતો. હું ઘણા દિવસથી એ જ સપનાઓ વિષે વિચારું છું જે આપને બન્ને સાથે જોયા હતા. કેવી રીતે તને સમજાવું? મારે પણ એ દરેક પલ જીવવી છે. આ જિંદગીના વિષચક્રમાં ફસાઈ ચુક્યો છું. એક તરફ સલામતીની ભૂખ છે, જે પેટની ભૂખ સંતોષે છે. બીજી તરફ જિંદગીની મજા છે. પરંતુ, સમાજનો ડર છે. હું તને બધું આપવા માંગું છું જેની તું હકદાર છે. મીરા....”
મીરા એ રામના હોઠ પર હાથ મુક્યો અને તેણે બોલતો રોક્યો. મીરા રામની લાગણીઓને સમજતી હતી અને માન આપતી હતી.
“રામ, તને યાદ છે? આપણે બંને પહેલી વાર ફરવા ગયેલા? ત્યારે આપણે એકબીજાને છૂટા પડતી વખતે એક પ્રશ્ન પૂછેલો. ‘લગ્ન પછી આવી ને આવી જ રહીશને? બદલાઈ તો નહિ જાય ને?’ મારે હસતો, ખેલતો અને એડવેન્ચરસ લાઈફ જીવતો રામ જોવો છે. તારે સ્વતંત્ર, સહજ અને સરળ હાસ્ય નિષ્પન્ન કરતી મીરાને જોવી છે. મારે જવાબદારીનો ટોપલો માથે લઈને ફરે એવો રામ નહિ, જવાબદારીને વહેચીને વધેલા સમયમાં પોતાની જિંદગી જીવી લે એવો રામ જોઈએ છે. મને પ્રેમ કરી શકે તે સમય જોઈએ છે. થાકના લીધે સંબંધમાં તણાવ થાય તેવી લાઈફમાં એન્જોયમેન્ટ કઈ રીતે શક્ય છે? વિક એન્ડ્સ પર સંબંધોની જાળ એવી ગૂંથાયેલી રહે છે, કે જેમાં આપણે બંને પોતાનું અસ્તિત્વ ભૂલી જઈએ છીએ. મન-કમને દરેક સામાજિક નિયમો પર ચાલવું પડે છે. રામ, શું આપણે એવું ના કરી શકીએ કે બંને સચવાઈ જાય?”
મીરાં ઘણું બધું બોલીને શાંત થઇ ચુકી હતી. તેણે જે બોલવું હતું તે ખુબ સપષ્ટ હતું. રામ સમજી ચુક્યો હતો. અચાનક રામના મનમાં કોઈ ઝબકારો થયો અને તરત જ હસીને બોલ્યો, “મીરા, હિમાલયની તળેટીમાં તારી જોડે રોમાન્સ કરવો છે. શિકારામાં બેસીને ફૂલમૂન નાઈટમાં તારી જોડે વાતો કરવી છે. પંજાબના સુવર્ણમંદિરમાં જઈને વાહેગુરુ પાસે આપણી બંને માટે રક્ષાની પ્રાર્થના કરવી છે. તાજમહેલની ટોચ પર હાથ મુકીને એક યાદગાર ફોટો પડાવવો છે. મેઘાલયના વરસાદમાં કોઈ જંગલમાં તારી જોડે કોઈ વૃક્ષની નીચે ઉભા રહીને ચા ની ચૂસકી લેવી છે. મધ્યપ્રદેશના પંચમઢીના જંગલમાં તારો હાથ પકડીને કંદરાઓ ખુંદવા છે. ગુજરાતના ગીરના સિંહ બતાવવા છે. મુંબઈ માયાનગરીમાં તને લઇ જવી છે. કેરળના બીચ પર સૂર્યસ્નાન અને સનસેટ સાથે બેસીને નિહાળવું છે. ગોવાના દરિયે યોટ પર તને બિકીનીમાં જોવી છે. શેમ્પેઇનની બોટલ તારા સ્તન પર ઢોળીને તેનો આસ્વાદ માણવો છે. ચેન્નાઈના મંદિરોમાં કૃષ્ણ-વિભૂતિઓના દર્શન કરાવવા છે. ભોમિયા વિના ડુંગરાઓ ખુંદવા છે, ડાળીઓમાં ભરાઈને સહવાસ માણવો છે, તને ખુબ ફેરવવી છે. બસ, આપણા બંનેના હાથનો સંબંધ એક મજબૂત મુઠ્ઠી તરીકે ઓળખાવો જોઈએ.”
આટલું બોલતા જ મીરા રામને અટકાવીને એકદમ જુસ્સાથી ચહેરા પરની ક્યૂટ સ્માઈલ સાથે બોલી, “દરેક ફૂડ ખાવા છે. ભારતના ગામડાઓમાં ફરવું છે. ફાઈવ સ્ટાર હોટેલમાં પણ રહેવું છે અને નાની ઝૂંપડીમાં પણ રહેવું છે. આલીશાન સ્વીમીંગ પૂલમાં પણ નહાવું છે અને બાળકની જેમ વરસાદના ખાબોચિયામાં છબછબિયા પણ કરવા છે. ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇન્ડિયન, ઇટાલિયન...એવા તો અનેક પ્રકારના ફૂડનો રસ જીભ પર મુકવો છે. લારી પર ઉભા રહીને બરફના ગોળાનો રસ ચૂસવો છે. ક્યારેક રાજાના દિવસે કોઈ સેવાકાર્યની પ્રવૃત્તિમાં જોડાવું છે. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની સાથે નવરાશની પળો પસાર કરવી છે. અનાથ બાળકો જોડે રમવું છે. ક્રિએટીવ વાતો સાથે જોડાવું છે. જયારે પણ આપણે બંને શાંતિથી વાતો કરતા હોઈએ ત્યારે સામાજિક, સંસારિક અને આર્થિક વાતોને બદલે નાવીન્યપૂર્ણ વાતોનો આલાપ છેડવો છે. સંસાર નામના ભવસાગરનો કોઈ છેડો નથી, એ તો ખ્યાલ જ છે. પરંતુ, જ્યાં સુધી તરાય ત્યાં સુધી સાથે મળીને દરિયો ખેડવો છે. મારી સાધનાનો અંતિમ છેડો તું જ બની રહે તેવી રીતે લાઈફ પસાર કરવી છે. એકલા-એકલા પોતપોતાની દુનિયામાં ખોવાઈને અસ્તિત્વ શોધવું તેના કરતા સાથે મળીને ખુશીની ઉજાણી કરવી એ વધુ બહેતર છે. છે કે નહિ?”
રામ મીરાની આટલી સમજણ જોઇને ખુશ થઇ રહ્યો હતો. મીરાને ભેટવાનું મન થઇ રહ્યું હતું. દિલની ખુશીને કઈ રીતે વ્યક્ત કરવી તે નહોતું સમજાતું. અંતે, રામ મીરાની છાતીમાં માથું નાખીને બેસી રહ્યો. મીરા રામના માથા પર હળવેથી હાથ ફેરવતી હતી. તેણે રામને પોતાની તરફ ખેંચી લીધો. મીરા પણ આજે ખુશ હતી. ફરીથી બંનેએ એ સપનાઓને યાદ કાર્ય જે અમુક સમય પહેલા લેવાઈ ચુક્યા હતા. રામ મીરાની વધુ નજીક આવ્યો. મીરાં એ એ સફેદ ચાંદનીના પ્રકાશની નીચે રામને પોતાનામાં સમાવી લીધો. રામે મીરાની બાજુબંધ ખોલી. અંધશ્રદ્ધાને લીધે હાથમાં બાંધેલ દોરા-ધાગા છોડ્યા. પોતાના આંસુથી મીરાના સેંથામાં પ્રેમ પૂર્યો. એકબીજામાં ખોવાઈ જવા બંને આતુર હતા. આજે ખુશી એ વાતની હતી કે સમજણ વડે સરળતાથી પ્રશ્નોનો સહજ ઉકેલ આવી શક્યો. રામે મીરાને ખાતરી આપી કે તેઓ દર અઠવાડિયે બે દિવસ પ્રકૃતિની ગોદમાં અને સજીવોની વચ્ચે પસાર કરશે. એ વાત માત્રથી મીરાના ચહેરા પર જે ખુશી હતી એ આજ સુધી ક્યારેય નહોતી. આજ સુધી દરેક ખુશીની વાતમાં સ્વાર્થ, સહવાસ, સ્વપ્ન કે સ્વ-ઈચ્છા ક્યાંક ને ક્યાંક છુપાયેલી હતી. પરંતુ, આજે ખુશી નિ:સ્વાર્થ હતી. બંનેના હૃદયની ખુશીનો કોઈ પાર નહોતો. એકબીજાની સોડમાં છૂપાયે જતા હતા. શરીરમાં રક્તનો પ્રવાહ જાણે એક જ દિશામાં આગળ વધી રહ્યો હતો. અમર્યાદ ખુશીની લુંટાતી મિજબાની, સમુદ્રની જેમ ઘૂઘવતો-ગજવતો ઉત્સાહ, નૌકાની જેમ મોજામાં સંતાઈને ફરી આકાશને આંબવા માટેના પ્રયત્ન કરતી અનન્ય તન્મયતા, ઢળતી રાતમાં નશીલા જામ માંથી ઢોળાતો પ્રેમ... આ દરેક પ્રથમ પ્રણય ઊર્મિઓની યાદ અપાવી રહ્યા હતા. એ ચુંબન જીભના ટેરવે રમતું રમકડું હતું. દીર્ઘ ચુંબન, મૃદુ ચુંબન. આ ચુંબન હતું જશ્ન-એ-જિંદગીની સ્વતંત્રતાનું ચુંબન.
*****
કોન્ટેક્ટ:
+91 9687515557