Tu mara taaipni books and stories free download online pdf in Gujarati

“તું મારા ટાઈપની”

તું મારા ટાઈપની

“મને એટલું પૂછવું છે કે તું કોઈનાં પ્રેમમાં છે?” જયે વિચલિત થતાં પૂછ્યું.

“કોઈનાં પ્રેમમાં છે એટલે શું જય ? બોલ ને એટલે શું?” એટલું પૂછતાની સાથે જ મિતાલીનાં આંખેથી અશ્રું ચાલું થઈ ગયા.

જય અને મિતાલી ક્યારનાં આ વાતો પર મચમચ કરી રહ્યા હતાં.

“તું હકીકત સાંભળવા તૈયાર છે ને જય? તો સાંભળ હવે.!!” મિતાલીએ ઊંચી નજરો કરીને આંખમાં આંખ નાખતાં વિશ્વાસથી જય ને કહ્યું.

જયનો પહેલી વાર અવિશ્વાસભર્યો તેમ જ શોધખોળ કરતો પ્રશ્ન સાંભળી મિતાલી પણ જાણે પોતે કેટલા વર્ષોથી આ વાતને કહેવાં માટે મોકો જ શોધી રહી હોય તેવી રીતે પાગલની જેમ બરાડા પાડીને રડતાં કહેવા લાગી, “ હા હું હતી પ્રેમમાં, હું હતી..”

આટલું સાંભળ્યાં બાદ પણ જયને જાણે વિશ્વાસ જ ન હોય તેવી રીતે મિતાલી સામે જોયા રાખ્યું.

જય ના ચેહરા પર કોઈ પણ જાતનો ભાવ દેખાતો ન હતો.

જય નો ચેહરો વાંચી લેતાં મિતાલી કહેવાં લાગી, “ તારે હવે મારો પૂરો પાસ્ટ સાંભળવા પડશે.”

એટલું કહીને મિતાલીએ વાતની શુરુઆત કરી.

“અમે બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ. સોનલ મારી બેસ્ટ થી પણ વધુ બેસ્ટ ફ્રેન્ડ. બરબાદીનું કારણ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ સોનલ. બરબાદીનું કારણ એટલે હું લવથી હારી મારા પ્રેમથી હારી.

મારી મોમ અને સોનલનાં મોમ બંને એક જ ઓફિસમાં કામ કરતાં. મિત્રતા જાણે અમારી કંઈક એવી રીતે થઈ કે સોનલના મોમ અમારી જ બિલ્ડીંગમાં રહેવા આવ્યાં. અમારી બંનેના મોમમાં તો મિત્રતા હતી જ. પરંતુ અમારી બંનેની પણ સારી એવી ફ્રેન્ડશીપ થઈ ગયેલી જાણે ફ્રેન્ડો નહીં સગી બહેનો હોય..!!

ઉંમર અમારી બંનેની સરખી. એ કોલેજના લાસ્ટ યરમાં ભણતી. જયારે હું જોબ કરતી. બે યુવાન ગર્લ્સની ફ્રેન્ડશીપ એટલે કહેવાનું શું? થોડા જૂનાં થવા લાગ્યાં તો ગોસિપ પણ વધતી ગઈ. વધુમાં વધુ પડતી વાતો. જાણે આખી દુનિયાનું બ્રેકીંગ ન્યુઝનું કામ અમને જ સોપ્યું હોય. એમ જ્યાં ત્યાંની વાતો કાઢી ગપ્પા મારતાં. અમે બધી જ વાતો એકમેકને શેર કરતાં.

એણે હસીને મને પૂછ્યું, “ બોયફ્રેન્ડ”?

હું આંખ મારીને ખિલખિલાટ ભર્યું હસીને કહ્યું, “ હા કેમ નહીં, પણ દૂર રહેજે હા..!!”

હું દિલ ખોલીને ક્યાંથી દેખાડું એનો ફોટો, મેં મોબાઈલમાં પ્રેમથી સેવ કરેલા ફોટા દેખાડ્યા સોનલને.

સોનલે મજાકમાં કહ્યું, “ અરે વાઉં કાશ મારો પણ આવો બોયફ્રેન્ડ હોત!”

“તો તારો નથી?” હું સહજતાથી પૂછ્યું.

“ના નથી..” સોનલે પણ સહજતાથી કહ્યું.

એણે મને ફરી પૂછ્યું, “ ટાઈમપાસ કે પછી ફ્યુચર ?”

હું વિશ્વાસથી કહ્યું, “ટાઈમપાસ તો બચપણથી કરતા હતા, વિશેષ હવે તો મારો ફ્યુચર છે.”

મને શું ખબર હતું કે આ મારું મજાક હકીકત બનશે!! તે દિવસે વિશ મારો વિશ એટલે કે મારો બોયફ્રેન્ડ વિશેષ ઘરે આવેલો મને મળવા.

સોનલ તે દિવસે મારા ઘરે જ હતી. મેં બંનેની ઓળખાણ કરાવી. સોનલ મોહિત થઈ ગઈ? કે વિશેષ એના પર મોહિત થઈ ગયો? એ વાતની આજ સુધી મને જાણ ન થઈ કે નાં મેં જાણવાનો પ્રયત્ન કર્યો.

એવો વિચાર પણ આવ્યો ન હતો કે મારી લાઈફ સાથે આવું થશે!! વિશેષ મારો બચપણનો બેસ્ટ ફ્રેન્ડ. સ્કૂલ એકસાથે, કોલેજ એકસાથે, તેમ જ એક જ ઓફિસમાં કામ કરતાં.

હા સોનલ મારી બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયેલી એટલે વિશેષ સાથે એ પણ સારી રીતે ભળી ગયેલી. અમે અવારનવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવતાં.

પરંતુ વિશેષને ક્યારે મારાથી સોનલે અલગ કર્યો યાર ? તેઓ બંને પતિ પત્ની તરીકે રહેતાં હતાં એણી પણ જાણ મને ન થઈ હું એટલી ગાંડી હતી વિશેષનાં પ્યારમાં યાર..!!

જો તે દિવસે અચાનક આ બધું મારી સગી આંખે ન જોયું હોત તો મને ત્યારે જ જાણ થતે જયારે બંનેમાંથી કોઈ એક મને લગ્નનું કાર્ડ આપી આમંત્રણ આપવા ઓફિસે આવતાં.

હું ડિપ્રેશનમાં સરી પડી. મારા મોમે આ નકામી પરેશાનીમાંથી મને ન ઉગારી હોત તો આજે હું મારી બીજી જિંદગીની શરૂઆત જ ન કરી શકતે. હું ઘરમાંથી બહાર જ નીકળી સકતી ન હતી. જોબ પણ તે દિવસોમાં છોડી દીધો હતો. મેં બધા સાથે વાર્તાલાપ કરવાનો જ છોડી દીધો હતો. આંખનાં નીચે કાળા કુંડાળા, જમવાનું સરખું નહીં, ના ઊંઘ સરખી, વિચારોમાં એકલી ફક્ત આંખમાંથી આંસુ વહાવતી રહેતી. મેં વિશેષ કે સોનલ સાથે જો ખૂલીને વાત કરી હોત તો મારી ત્યારે આવી સ્થિતિ ન જ થતે.

હું કોઈની પાસે પણ ખુલાસો માંગવા ગઈ નહીં. હું પોતે ઘુંટાઈને જીવવાં લાગી. પાગલ હતી ને ત્યારે વિશેષનાં પ્યારમાં.

મારી આવી સ્થિતિ જોઈને, મોમનાં મંત પ્રમાણે પ્રેમનાં ફોકટનાં ધંધા જોઈને તે દિવસે મારા માથા પર ખૂબ જ પ્યારથી મોમે હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યાં, “ મિતાલી, જિંદગી અનેકો પ્રકારના સુખદુઃખનાં રંગોથી ભરેલી છે. તું એમ જ આખી જિંદગી જીવવાની હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, તું જયારે વિશેષ સાથે લગ્ન કરવાની હતી એ વાતથી પણ મને પ્રોબ્લેમ ન હતો. પણ મિતુ મારી આ વાત તને સારી લાગે તો કાન પર લેજે નહીં તો રહેવા દેજે.”

મારી મોમે પહેલાથી જ મને બધી જ વાતે એવી ઘણી છૂટ આપી રાખી હતી કે હું પણ એણો લાભ ગેરલાભ લેતી ગઈ.

મોમે પ્રેમથી ફરી કહ્યું, “મિતા, પહેલા તું પોતાની જાત સાથે ખુશ રહેવાનો પ્રયત્ન કર. વિશેષ એક જ નથી, એ ગયો તેલ લેવા. તું બહાર ફરીને આવ મારી મિતાલી તને તારી જિંદગી ફરી જાતજાતનાં રંગોથી ભરેલી લાગશે. તે બોયફ્રેન્ડ પણ ક્યાં બની શક્યો. તું ભગવાનનો ઉપકાર માન કે તું એવામાંથી બચી ગઈ. બોયફ્રેન્ડ બનાવવો એ જ જરૂરી છે જિંદગીમાં? લગ્ન કરવું જ એવું જ છે જિંદગીમાં? હા તું જિંદગીભર પણ સિંગલ રહીને તારું જીવન સુખમય રીતે જીવી શકે છે. એવા ઘણા ઉદાહરણો હું બતાવી શકું કે સિંગલ બનીને પણ સારી એવી જિંદગી જીવી શકાય. હવે તો જોબમાં વેલસેટ એવી કેટલી બધી એકલી અટુલી માનુનીઓ બાળકોને દત્તક લઈને ખુશખુશાલ લાઈફ માણે છે.”

મને ફરી એક વાક્ય મોમે કહ્યું, “ વિશેષ જ તારું જીવન નથી મિતા એ તારો પાસ્ટ હતો એણે ભૂલી જા. તારી લાઈફમાં પણ કોઈ જરૂર હશે.”

મારા મોમ એના પછી એટલું બબડ્યા, “ કમાલ છે આજનું જનરેશન, એક તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ જાણે એક ફેશન બની ગઈ હોય તેવી રીતે બનાવતા જાય અને છોડતા જાય પાછા ડિપ્રેશનમાં પણ પડતાં જાય..!!”

તે દિવસથી મેં મારી લાઈફને એક નવી જ દિશા આપી. મેં તે જ ઓફિસ ફરી જોઈન કરી. જોબમાં તો સારી એવી સફળતા મેળવી લીધી હતી પરંતુ પોતાની જાતને હમેશાં ખૂશ રાખતી. જિંદગીમાં એનાથી મોટી સફળતા બીજી કંઈ હતી.

એવામાં જ મને તું મળ્યો. ત્યારે મારી મોમના શબ્દો યાદ આવ્યા કે જિંદગી અનેકો પ્રકારના સુખદુઃખનાં રંગોથી ભરેલી છે. હું ત્યારે મારા મોમને પ્રેરાયને જ પોતાનું જીવન હસીખુશીથી જીવવા લાગી, તને તો ખબર જ છે ને જય મારા ડેડનું મરણ હું પાંચ વર્ષની હતી ત્યારે જ થઈ ગયેલું.

હા પણ આટલા વર્ષો બાદ જ કેમ જય તે આ અચાનક પ્રશ્ન પૂછી પાડ્યો? તું તો કહેતો હતો કે મિતાલી મને તારા પાસ્ટ વિષે કંઈ લેવું દેવું નથી. પછી કેમ આમ અચાનક...?? જય આમ ચૂપ કેમ છે પ્લીઝ કહો ને......???? હું તને શું પૂછું છું યાર તું મૌન કેમ છે.?

“તને આ વાતની જાણ ક્યાંથી થઈ કે સોનલ અને વિશેષ બંને..નેનેનેને ?.” મિતાલીનું બધું જ સાંભળ્યાં બાદ જય જાણે શોધખોળ કરતો હોય તેમ પ્રશ્ન પૂછ્યો.

મિતાલીએ ચોખવટ કરતા કહ્યું, “મારા જ ઓફિસનાં ફ્રેન્ડ સનીએ મને કહ્યું કે તારો બોયફ્રેન્ડ વિશેષ સાથે ખુલાસો કરી લે. સનીએ જેવી રીતે કહ્યું એ ઘણી ગંભીર બાબત કહી રહ્યો હતો પણ હું એ વાતને ગંભીરતાથી લીધી નહીં. કેમ કે સનીએ મને કેટલી વાર પણ લગ્ન માટેનો પ્રસ્તાવ રાખ્યો હતો. સનીએ ઘણીવાર મારી સાથે મજાક કરી હતી કે વિશેષ તો ચારપાંચ ગર્લફ્રેન્ડ લઈને ફરી રહ્યો છે. અને હું એ વાતને હસીને ઉડાવી દેતી.”

પરંતુ ઓફિસનાં રજાના દિવસે સની મારા ઘરે આવેલો અને કહ્યું મિતાલી દસ મિનીટ તારી મને આપશે, એમ કહીને એ પોતાની કારમાં મને બેસાડીને શહેરના છેવાડે એક બંગલાને ત્યાં કારને રોકી. અને ત્યાં જ હું મારી નજરે જોઉં છું કે વિશેષ અને સોનલ એ જ બંગલામાંથી હાથમાં હાથ પરોવીને બહાર નીકળ્યાં. એટલું ઓછું હતું ત્યાં જ ધીમેથી સનીએ મારા કાનમાં જાણે ઊકળતું તેલ રેડ્યું હોય એમ કહેવાં લાગ્યો, “ આ બંને લિવ ઈન રિલેશનશીપમાં રહે છે, જલ્દીથી લગ્નનાં બંધનમાં પણ જોડાવાનાં છે મેડમ..”

હું ત્યાં ચુપ જ રહી અને ઘરે આવતી રહી. પાછળથી મને એ સમજાયું કે બંનેને મારે મળવાનું હોય ત્યારે બંને એક જ બહાનું કાઢતાં કે અગત્યનું કામ છે અત્યારે નહીં પછી ક્યારેક મળીયે. પણ હું ક્યારે પણ આ વાતનો પણ વિચાર કર્યો નહીં કે આવું પણ બની રહ્યું હશે.

એક જ ઓફિસમાં એટલે લગ્નનું કાર્ડ વિશેષ મને આપવા લાગ્યો પરંતુ મેં કાર્ડ લીધું નહીં, એ મારા ટેબલ પર છોડીને ગયો. મને વાંચવું તો ન હતું તો પણ મેં હાથમાં લીધું, વિશેષે આટલું પુરતું ન હોય તેમ કાર્ડના કવર પર લખ્યું હતું કે, “ તું મારા ટાઈપની નથી, સોરી.”

“તું બધું જ એક પછી એક જાણે કંઈક ઉખાડતો હોય તેમ કેમ પૂછે છે યાર!! તારા સંતોષના લીધે આટલું પુરતું છે.” મિતાલી તાણમાં આવી કહેવાં લાગી.

જય ચૂપ જ રહ્યો.

“મને કહો પ્લીઝ મને કહો તમે મને હમણાં જ આ પ્રશ્ન કેમ પૂછ્યો? જય હું તને પૂછું છું, ‘તું કોઈનાં પ્રેમમાં છે?’ એટલે શું જય ? આ પ્રશ્ન તારા મનમાં મારા માટે આવ્યો જ કેમ જય?” મિતાલી પણ એક જ પ્રશ્ન ક્યારનો પૂછી રહી હતી.

“પછી આગળ શું થયું..?” અસંતુષ્ટ થતાં જયે પૂછ્યું.

એક અઠવાડિયું પહેલા વિશેષ ઓફિસેથી એડ્રેસ કેવી પણ રીતે મેળવીને મને શોધતો આપણા ઘરે આવેલો. મને એણે જોઈને આશ્ચર્ય તો થયું પરંતુ તમારા પર મને ઘણો વિશ્વાસ એટલે મેં ઘરની અંદર બેસાડ્યો.

વિશેષ માંફી માંગવા માટે આવ્યો હતો અને સાથે જ કહી પણ ગયો કે સોનલ સાથે તેના છુટાછેડા થઈ ગયેલા છે એનું કારણ એટલું જ કે લગ્ન બાદ સોનલને લાગ્યું કે વિશેષ એના ટાઈપનો નથી.”

આટલું સાંભળતા જ જય હસવાં લાગ્યો પછી થોડા મલકાતા સ્વરે કહેવા લાગ્યો, “ઓહ્હ!! આ હતું મુખ્ય કારણ ! પહેલા તો હું સોરી કહું છું કેમ કે હું તને જે પણ પૂછ્યું તે બધું જ મજાકમાં પૂછ્યું છે. હું તો તારી મજા લેતો હતો અને તું એકદમ ગંભીર થઈને તાણમાં કહેવાં લાગી. ખરેખર કહું તારી મોમે આપણા બંનેનાં લગ્ન પહેલા જ વિશેષનો બનાવ વાળી કહાણી અને તારું ડિપ્રેસ થવું એ કહી દીધું હતું એટલે હું કે તારા મોમ એવું ફરી ઈચ્છતાં ન હતાં કે તું વિશેષને યાદ કરીને પોતાનાં કિંમતી આંસુ વહાવે એટલે લગ્નપૂર્વે મેં તને કોઈ પણ પ્રશ્ન તારા પાસ્ટ વિષે પૂછ્યો નહિ.”

અને રહી વાત વિશેષની, તો તને તો ખબર જ હશે હું પણ તે જ ઓફિસમાં મેનેજરના પદ પર થોડાં વર્ષોમાં જોડાયો. પરંતુ તારા પાસ્ટ વિષે મને ઓફિસેથી કોઈએ એક શબ્દ પણ કાને પાડ્યો ન હતો પરંતુ હા આપણા બંનેના પ્રેમની ગોસિપ તો ચારે તરફ ત્યારે ચાલવા લાગી હતી.

હું તને લગ્નનાં આટલા વર્ષ પછી આ પ્રશ્ન પૂછી પાડયો કે તું કોઈનાં પ્રેમ માં છે એ એટલે પૂછ્યું કે ગયા એક અઠવાડિયાથી તારો હસમુખો ચહેરો ઉદાસ દેખાવા લાગ્યો. બીજું એમ કે જયારે વિશેષ આપણા ઘરનું એડ્રેસ રિસેપ્શનિસ્ટ મેડમ માર્યાને કલાવલા કરીને માંગતો હતો ત્યારે હું ત્યાં જ હાજર હતો. અને મેં જ કહ્યું કે એમણે એડ્રેસ આપી દો.

હું વિશેષને ન ઓળખું એવું કેવી રીતે બની શકે જેણે મારા પ્યારનાં આંખોમાં આંસુ લાવી દુઃખની કેટલીયે યાતના તે દિવસોમાં આપતો ગયો. એડ્રેસ આપવાનું કારણ એટલું જ કે તું વિશેષને આટલા વર્ષો બાદ પણ મનમાં દાટી રાખેલો ઉકળાટ, પ્રશ્નો પૂછીને બહાર કાઢી નાંખે. ચાલો આજે તને એનો ઉત્તર તો મળી ગયો.

આટલું કહ્યાં બાદ જય, મિતાલી માટે હળવાશ અનુભવવાં લાગ્યો.

મિતાલી ત્યારે કહેવા લાગી, “ જય હું એટલે ઉદાસ હતી કે વિશેષ ઘરે આવેલો તેની જાણ તને વિગતવારમાં કેવી રીતે જણાવું..!!”

ખેર...! પણ મને કહો જય કે આ, “ તું મારા ટાઈપની શું થાય યાર??” મિતાલીએ પ્રશ્ન પૂછી પાડ્યો.

જયે મિતાલીને બાહુપાસમાં જકડીને કહ્યું, “તારા પ્રશ્નનો જવાબમાં એટલું જ કહું કે તું અને હું આજે લગ્નનાં સાત વર્ષ બાદ પણ સાથે જ છે એનું કારણ કોઈ ટાઈપ નથી ફક્ત વિશ્વાસભર્યો અતૂટ સાચો પ્રેમ..!!”

(સમાપ્ત)