2 shining hearts - Chapter - 6 books and stories free download online pdf in Gujarati

2 શાઈનિંગ હાર્ટ્સ (2 shining hearts) - 6

પ્રકરણ ૬

જીવનનો વળાંક

હું કંપનીમાં કામ કરી રહ્યો હતો તેને દોઢ વર્ષ ઉપર સમય થઇ ગયો હતો. હું હંમેશા ત્યાંથી કેમ નીકળવાનું તે વિચારી રહ્યો હતો પણ કંપનીમાં દીવાલો પણ ખુબ ઉંચી હતી. ગાર્ડ અમારા પર નજર પણ રાખતા હતા એટલે ત્યાંથી ભાગી શકાય તેમ હતું નહીં. ઘણી વખત કોઈ છોકરા ભાગવાની ટ્રાય કરતાં પણ પકડાઈ જતા અને પછી તેમને ખુબ મારતા અને તે દિવસે ખાવા પણ ન મળતું.

એક દિવસ સવારના સમયે હું લોખંડ ભાંગી રહ્યો હતો ત્યારે એક ભયાનક અવાજ આવ્યો અને થોડી જ વારમાં તો લોકોના રોવાના અને ચીખવાના અવાજ આવવા લાગ્યા. અમે બધા છોકરા ડરી ગયા. ત્યાં અમારા પર ૩ ગાર્ડ ધ્યાન રાખતા હતા. તે પણ ડરી ગયા. અમે બધા તે હોલની બહાર નીકળ્યા તો જોયું કે એક પ્લાન્ટ આખો બ્લાસ્ટ થઇ ગયો હતો ત્યાંથી ખુબ ધુમાડો નીકળી રહ્યો હતો. બધા આમ તેમ દોડી રહ્યા હતા અને કંપનીની બહાર જવાનો દરવાજો ખુલ્લી ગયો હોય તેવું ધુમાડા માંથી દેખાતું હતું.

અમારું બધાનું ધ્યાન ત્યાં ગયું અને ખૂલો દરવાજો જોયો એટલે અમને આઝાદી દેખાઈ ગઈ. અમે બધાએ ભેગા થઈને ગાર્ડને માર્યા અને તેમના બધા પૈસા લઈને પછી બધાએ થોડા થોડા લઇ લીધા તેમાં મારી પાસે ૩૮૦ રૂપિયા આવ્યા. હું જલ્દીથી દોડીને હોલમાં ગયો અને ત્યાં મારા રૂમમાં જઈને મારા સ્કૂલ બેગમાં બેંકની પાસબુક, સ્કૂલનું આઇ-કાર્ડ, દિશાનો અને મારો ફોટો, બીજી કામની વસ્તુ નાખી અને પછી હું મારામાં જેટલી શક્તિ હતી તે બધી લગાડીને હું ભાગ્યો. બીજા બધા છોકરા પણ ભાગી ગયા હતા. થોડી જ વારમાંતો હું ગેટની બહાર નીકળી ગયો. કંપનીની બહાર જયારે હું મૈન રોડે દોડી રહ્યો હતો ત્યારે મને અંદરથી ખુબ ખુશી થઇ રહી હતી અને હું હવે આઝાદ થઇ ગયો હતો. મેં જોયું કે મૈન રોડમા મારી પાછળની સાઇડેથી એક રીક્ષા આવી રહી હતી. તે ભાઈએ મારી પાસે ઉભી રાખી અને મને પૂછ્યું,

“રેલવે સ્ટેશન આવવું છે?”

મારે તે જગ્યાએથી ભાગવું જ હતું અને મેં કાંઈ બરોડામાં જોયું ન હતું એટલે મને થયું જો હું રેલવે સ્ટેશન પોંહચી જાવ તો ત્યાંથી ઘરે જઈ શકાશે એટલે હું કાંઈ બોલ્યા વગર રિક્ષામાં બેસી ગયો. તે જગ્યાથી બરોડા રેલ્વેસ્ટેશન ૫-૬ કી.મી. હતું. હું ત્યાં ઉતર્યો અને રિક્ષાવાળા ભાઈએ ૩૦ રૂપિયા માંગ્યા અને મેં તેને દીધા.

ત્યાં ખુબજ મોટું રેલ્વેસ્ટેશન હતું હું અંદર ગયો. મેં ટિકિટ બારી પાસે જઈને ત્યાં બેઠેલા એક ભાઈ ને મેં પૂછ્યું,

“ભાવનગરની ટ્રેન ક્યારે છે?”

“ભાવનગરની ટ્રેન સાંજે ૧૦:૦૦ની છે.” તે ભાઈ બોલ્યા.

મેં વિચાર્યું જો હું રેલવે સ્ટેશન રહીશ મને ફરી તે લોકો પકડી લેશે તો.. એટલે પછી મેં ફરી પૂછ્યું,

“અત્યારે કઈ કઈ ટ્રેન છે?” મેં પૂછ્યું

“બરોડા-સુરત-મુંબઈની ટ્રેન હમણાં જ ઉપાડે છે.”

“સારું બરોડા-સુરત ની ટિકિટ આપી દયો.” મેં તે ભાઈને કહ્યું.

તે ભાઈએ મારી પાસે ૬૦ રૂપિયા માંગ્યા અને મને ટિકિટ આપી દીધી. હું સુરત જવા નીકળતી ટ્રેનમાં બેસી ગયો મારા જીવનમાં હું પહેલીવાર ટ્રેનમાં બેઠો હતો.

ત્યારે ટ્રેનમાં કાંઈ ગડદી હતી નહીં. હું એક સીટ પર જઈને ત્યાં બેસી ગયો પછી ૧-૨ મિનિટમાં જ ટ્રેને વિસલ વગાડી અને તે ચાલવા લાગી.

***

ટ્રેનમાં હું બારી પાસે બેઠો હતો. મારી સામે ૨ ભાઈ બેઠા હતા. તેમને ફોર્મલ કપડાં પહેર્યા હતા અને તેમના ગળામાં “વીક્રમસિંહ કાસ્ટીંગ લિ.” નું કાર્ડ લટકતું હતું. જેમાં જમણી સાઇડ પર બેઠેલા વ્યક્તિનું નામ “ઈ.આર. દીપસિંહ યાદવ” અને ડાબી સાઇડ પર બેઠેલા વ્યક્તિનું નામ “ઈ.આર. હર્ષ રાવલ” લખ્યું હતું. તે વાતો કરતા-કરતા ખુબ જ હસી રહ્યા હતા. તેમને જોઈ એવું લાગતું હતું કે તેમને કોઈ ટેન્શન જ નથી. તેમની કોઈ વાત સાંભળી મને પણ હસવું આવતું હતું. હું કેટલા સમય પછી આવી રીતે હસ્યો હતો. ટ્રેન ઊપડી અડધો કલાક થયો ત્યાં એક ભાઈ આવ્યા તે સમોસા, પૌંઆ અને પાણીની બોટલ વેચતા હતા અને તેણે તે બંને એન્જિનિયર ને જોઈને હસતાં હસતાં કહ્યું.

“કેમ છો એન્જિનિયર સર? કેમ આજ કંપનીથી વહેલા?”

“રાજુભાઈ, આજ અમેં વહેલું કામ પતાવી દીધું અને અમે ૨ દિવસની રજા લીધી છે.” દીપસિંહ હસતા હસતા બોલ્યા.

“રાજુભાઈ, હવે અમે ૨ દિવસ તો નહીં આવીએ એટલે આજ મસ્ત ૨ સમોસાની ડીશ અમારી માટે અને એક ઓલા છોકરા માટે બનાવી આપો.” મારી સામે જોતાં કહ્યું.

“થૅન્ક યુ, પણ તમે ખાઈલો.” મેં થોડું હસતાં-હસતાં કહ્યું.

“અરે ખાઈલેને. આજ અમે ખુબ ખુશ છીએ. અમારા તરફથી” દીપસિંહ હસીને કહ્યું.

“તમે કેમ બે દિવસની રજા લીધી? કંઈ પ્રસંગ છે?” રાજુભાઈએ સમોસાની ડીશ બનાવતા પૂછ્યું.

“ના.. ના.. અમારી કૉલેજનું રીયુનિયન છે. માટે કૉલેજે જઈને મળીએ ને બધા ફ્રેન્ડને.” હર્ષે હસીને જવાબ આપ્યો.

રાજુભાઈએ અમને ત્રણેયને સમોસા અને ચટણી એક પેપરની ડિશમાં આપ્યા અને અમે ખાવા લાગ્યા ત્યારે રાજુભાઈ બોલ્યા,

“તમારી જોબ સારી કહેવાય જયારે રજા જોતી હોય ત્યારે મળી જાય અને કોઈ ટેન્શન નહીં દર મહિને પગાર પણ આવી જાય.”

“હા, એ તો છે જ. અમે કમ્પ્યુટર પર પાર્ટ્સ ડિઝાઇન કરીએ એટલે ખુબ કામ હોય નહીં અને ૮ કલાકની જ નોકરી હોય. દર મહિને આરામથી ૨૫૭૦૦ રૂપિયા મળે.” હર્ષે સમોસા ખાતા જવાબ આપ્યો.

(હું ૨૫૭૦૦ રૂપિયા સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો.)

“તમે કેટલા મહિને કમાવ?” દીપસિંહે રાજુભાઈ સામે જોઇને પૂછ્યું

રાજુભાઈ થોડું હસ્યા અને શાંતિથી બોલ્યા “હું આખો દિવસ બરોડાથી સુરત સુધી સમોસા વેચુ એટલે ૮૦૦ જેટલા તો વેચાઈ જાય. એક સમોસાએ મને ૧.૫ રૂપિયા મળે એટલે ૧૨૦૦ રૂપિયા થાય અને ૮૦૦ જેટલા રૂપિયા હું પૌંઆ અને પાણી વેચીને કમાય લવ.”

દીપસિંહ અને હર્ષ બંને એક બીજાની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા અને હું તે રાજુભાઈની સામે જોઈ જ રહ્યો . હર્ષે ગણતરી કરતા કરતા કહ્યું “૧૨૦૦ અને ૮૦૦ એટલે દિવસના ૨૦૦૦ રૂપિયા થાય અને મહિને ૬૦૦૦૦ રૂપિયા થાય. તો તમે અમારીથી પણ વધારે કમાવ છો”.

રાજુભાઈ હસ્યા અને કહ્યું “હા, પણ મારે ૮ કલાકની જોબ નથી. મારે તમારા કરતા વધુ કામ કરવું પડે. કોઈ રજા પણ ન આવે અને મારો પગાર પણ ન વધે. હું કોઈ વાર બીમાર હોવ તો પણ કામ પર આવું પડે.”

થોડીવાર રહીને રાજુભાઈ ફરીથી બોલ્યા “હું હંમેશા બધા સાથે હસીને વાત કરું એટલે મારે કેટલાક ગ્રાહક પણ બંધાઈ ગયા છે.”

(અમે બધા રાજુભાઈની વાત સાંભળીને આશ્ચર્ય સાથે થોડું હસ્યાં.)

હર્ષ બોલ્યો “તમે બરોડાથી મુંબઇ સુધી જાવ તો વધુ કસ્ટમર ન મળે”

રાજુભાઈ થોડું હસીને બોલ્યા “હું એટલું કમાવ છું. તે મારા માટે પૂરતું છે. સુરતથી મુંબઈ મારે કંઈ કરવાની ઈચ્છા નથી.”

તે સમયે દીપસિંહના હાથમાં રહેલી કાગળની ડીશ ચટણીને લીધે ફાટી ગઈ. રાજુભાઈનું ધ્યાન જતા તેમણે બીજી ડીશ આપી દીપસિંહ બોલ્યા,

“રાજુભાઈ તમને એક સલાહ આપું?”

“બોલોને સર.” રાજુભાઈ બોલ્યા.

“તમે આ કાગળની ડીશ રાખવા કરતાં પ્લાસ્ટિકની ડીશ રાખોતો સારું પડે ચટણીના લીધે ફાટી ના જાય અને હાથ પણ ના બગડે” દીપસિંહ એ કહ્યું.

રાજુભાઈ હસીને બોલ્યા “એન્જિનિયર સાહેબ, હું એક ખેડૂતનો દીકરો છું એટલે હું આ ધરતીનો ઋણી છું.”

થોડીવાર તે અટકીને ફરીથી બોલ્યા “હું એક વેપારી છું. જો હું જ તમને કાગળની ડીશ આપું તો પ્લાસ્ટિકથી થનારુ પ્રદુષણ અટકી જશે. સર વિચારો, જો તમને આ થોડી ચટણી ને કારણે હાથ બગડ્યા તે નથી ગમ્યું તો પૃથ્વી પર કેટલા લોકો છે તે જયારે પ્લાસ્ટિક અને અન્ય પ્રકારનો કચરો ફેલાવે ત્યારે પૃથ્વીનું શું થતું હશે!!!”

તે ભાઈ બોલ્યા તે સાંભળી અમે તો તેને જોતા જ રહી ગયાં અને તેમના માટે તાળીઓ પાડી પછી હર્ષે કહ્યું “સાચે, તમારા વિચાર ખુબ જ ઉચ્ચ છે.”

રાજુભાઈએ હસીને થૅન્ક યુ કહ્યું. પછી થોડીવારમાં ટ્રેનની વિસલ વાગી અને મેં બહાર જોયું તો સુરત આવી ગયું હતું. હું ત્યાંથી નીચે ઉતરી ગયો. તે ૨ કલાક કેમ વયા ગયા તેની મને ખબર પણ ન રહી.

***

મેં સુરત રેલ્વેસ્ટેશન પર જઈને ભાવનગર જવાની ટિકિટ લીધી. તે ટ્રેન રાતના ૮ વાગ્યાની હતી અને પછી રેલવે-સ્ટેશન પર એક બાંકડા પર બેઠો ત્યારે મને પણ રાજુભાઈની જેમ જ કામ કરવાનો વિચાર આવ્યો.

પછીના દિવસે હું ભાવનગર પહોંચી ગયો અને સ્કૂલ પર ગયો. પ્રિન્સીપાલની ઓફિસમાં જઈને પ્રિન્સીપાલને મળ્યો. મેં તેમને વીરસિંહભાઈને બોલાવી આપવા કહ્યું. તેમણ વીરસિંહભાઈને ફૉન કર્યો એટલે થોડીવારમાં જ વીરસિંહભાઈ આવ્યા મને વીરસિંહભાઈએ જોઈને આશ્ચર્યથી કહ્યું.

“તેગી, તું કાંઇ કહ્યા વગર ક્યાં વયો ગયો હતો?”

મેં કંપનીમાં જે બન્યું તે વાતો કરી. મારી વાત સાંભળી બંને આશ્ચર્ય પામી ગયા. પછી મને વીરસિંહભાઈ તેના ઘરે લઇ ગયા. તેમનું ઘર ૨ માળનું હતું. ત્યાં ઘરની બહાર દરવાજામાં જતા શરૂઆતમાં ગાર્ડન હતું અને ત્યાં એક સરસ મજાનો હિંચકો હતો. હું અને વીરસિંહભાઈ તેમના ઘરમાં ગયા અને ત્યાં હું અને વીરસિંહભાઈ હોલમાં સોફા પર બેઠા. ત્યાં એમનાં પત્નીએ મને ચીકૂનું જ્યુસ આપ્યું. પછી મેં વીરસિંહભાઈ સામે જોયું અને મેં ટ્રેનમાં બનેલી રાજુભાઈવાળી બધી વાતો કરી અને તેની જેમ જ સુરતથી મુંબઇ નાસ્તો વેચવાનું કહ્યું…. વીરસિંહભાઈ વાત સાંભળીને ખુબ ખુશ થઇ ગયા. તેમણે મને કહ્યું,

“તેગી વાત સાચી છે અને તારો વિચાર પણ સારો છે પણ તું પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરીશ?”

મેં હસીને કહ્યું “મારી બેંકની પાસબુકમાં છેલ્લે ૩૧૭૩૩ની એન્ટ્રી છે અને એટલા પૈસા તો શરૂઆતમાં થઇ રહેશે.”

મેં ફરીથી થોડું દુઃખી થઈને કહ્યું “એક પ્રોબ્લેમ છે કે ત્યાં મને કોઈ ઓળખતું નથી.”

વીરસિંહભાઈ હસીને બોલ્યા “મારા એક સંબંધી છે. જેમનું નામ જિતેન્દ્રસિંહ છે. તે તને ત્યાં શરૂઆતમાં સેટ કરી દેશે.”

મેં તેમને બે હાથ જોડીને પછી કહ્યું “તમે જે મારી માટે કર્યું તેવું મારા જીવનમાં કોઈએ નહીં કર્યું. તમારો ખુબ આભાર.”

તેમણે હસીને કહ્યું “અરે મેં ક્યાં કોઈ મદદ કરી તું કામ કરે છો અને જાતે આગળ વધે છો. એમાં કાઈ આભાર માનવાની જરૂર નથી..”

પછી હું ત્યાં વીરસિંહભાઈને ઘરે બપોરે જમ્યો અને પછી તેમને મેં કહ્યું કે હું બેંક પર જાવ છું અને સાંજે હું સુરત જવા નીકળી જઈશ. વીરસિંહભાઈએ મને થોડીવાર ઉભા રહેવા કહ્યું અને પછી તે એક રૂમમાં ગયા. મને એક કી-પેડ વાળો મોબાઇલ આપ્યો અને કેવી રીતે ઉપયોગ કરાય તે શીખવ્યું પછી હસીને કહ્યું, હવેથી આ મોબાઇલ તારો અને કોઈ કામ હોય તો સીધો મને ફોન કરી દેજે. હું બેંક પર ગયો. ત્યાંથી મેં ૩૦૦૦ રૂપિયા ઉપાડીયા. મને ત્યાં બેન્કવાળા ભાઈએ પૂછ્યું મોબાઇલ રાખો છો. મેં માથું હલાવી હા પાડી એટલે તેણે મોબાઈલ નંબર લીધો અને મને એ.ટી.એમ. કાર્ડ આપ્યું અને તેણે ઉપયોગ કરતા પણ શીખવ્યું.

હું તે દિવસે સાંજના સમયે ટ્રેનમાં બેસીને સુરત જવા નીકળી ગયો. હું સવારે સુરત પહોંચી ગયો. ત્યાં વીરસિંહભાઈના સંબંધી જિતેન્દ્રસિંહ આવ્યા. મને તેમના ઘરે લઇ ગયા અને તેમણે કહ્યું બપોર પછી તારે જે વસ્તુ જોઈએ તે લેવા જશું. હું તેમના ઘરે બેઠો હતો ત્યારે મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો.

“તમારા બેંક એકાઉન્ટમાં ૧૦૦૦૦૦ રૂપિયા જમા થયા છે.”

પહેલાં તો હું જોઈને આશ્ચર્યમાં પડી ગયો. ત્યાં જ કોલ આવ્યો અને વીરસિંહભાઈ બોલ્યા “પહોંચી ગયો તેગી.”

“હા પહોંચી ગયો. કોઈકના મારા એકોઉંટમાં ૧૦૦૦૦૦ રૂપિયા આવ્યા છે.” મેં ચિંતા સાથે કહ્યું.

વીરસિંહભાઈ હસવા લાગ્યા અને કહ્યુ “તેગી, તું ખુબ પહેલાં મારી પાસે પૈસા માંગવા આવ્યો હતો ત્યારે મેં તને નોહતા આપ્યા કારણ કે મેહનત વગરના પૈસા આળસુ બનાવી દે છે અને આજ તારે પૈસાની ખરેખર જરૂર છે.”

તેમની વાત સાંભળી મારી આંખમાંથી આંસુ વહી ગયા અને મેં કહ્યું “તમે મારી મદદ કરી તે માટે તમને આભાર કેહવા મારી પાસે કોઈ શબ્દો નથી.”

હું અને વીરસિંહભાઈના સંબંધી જીતેન્દ્રસિંહ સાંજે નાસ્તો ભરવાની ટ્રે, પેપર ડીશ અને એક ૩૦૦ સમોસા સમાઈ શકે તેવું બોક્સ લીધું ત્યાં બજારમાં એક કપડાંની દુકાન હતી ત્યાં મેં “સ્વરછ શહેર હરીયાળુ શહેર” એવું લખેલા ટી-શર્ટ જોયા મેં તેવા બે લઇ લીધા ત્યારે તેમણે મને આશ્ચર્યથી કહ્યું.

“કેમ આવું ટી-શર્ટ શું કામ લે છો?”

મેં તેમને હસીને રાજુભાઈવાળી વાત કરી તેમણે મારી સામે જોયું અને કહ્યું,

“આનાથી યુવાનોને સારો સંદેશો પણ મળી શકે ખુબ સારો વિચાર છે.”

“તું કઈ કઈ વસ્તુ વેચીશ?” થોડીવાર રહી તે ફરી બોલ્યા.

“શરૂઆતમાં તો ખાલી સમોસા અને પાણીની બોટલ.” મેં તેમને કહ્યું.

“જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો એક સલાહ આપું?“ તેમણે મને પૂછ્યું.

મેં માથું હલાવી હા પાડી અને પછી તેઓ બોલ્યા,

“જો તેગી સુરતમાં સમોસા તો ચાલશે પણ સુરતના લોકો આલુ પુરીના પણ ખુબ જ શોખીન છે. જો તને ઈચ્છા હોય તો એ પણ સાથે સાથે શરુ કરને….”

મેં તેમને કહ્યું સારું પછી તેમણે સમોસા ક્યાંથી ખરીદવાના તે બતાવ્યું ત્યાંથી મને સમોસા ૩.૫ રૂપિયા પર પડતા હતા અને તે હું ૫ રૂપિયામાં વેચવાનો હતો.અને મેં આલૂ પુરી કઈ રીતે બનાવવી તે શીખ્યુ. આલૂ પુરી મને ૭ રૂપિયામાં પડતી અને તેને હું ૧૦ રૂપિયામાં વેચવાનો હતો.

રાતે અમે ઘરે પોંહચીયા. મને વીરસિંહભાઈનો ફોન આવ્યો. મેં તેમની સાથે વાત કરી અને કઈ વસ્તુ લીધી તે બધું કહ્યું પછી સાંજે બેગમાંથી દિશાનો ફોટો કાઢ્યો. આજે તેની ખુબ જ યાદ આવી રહી હતી.

***

પછીના દિવસે હું સવારમાં મેં ટી-શર્ટ પહેરીને સુરતથી મુંબઈની ટ્રેનમાં વેચવા નીકળી ગયો પેહલા દિવસે મેં ૨૦૦ સમોસા અને ૫૦ આલૂ પુરીની ડીશ લીધી. જેમે ૩ કલાક માંજ વેચી નાખ્યા પછી હું જયારે પાછો સુરત આવ્યો એટલે ફરીવખત સમોસા અને આલૂ પુરી લઈને વેચવા ગયો.

ટ્રેનમાં હું સમોસા અને આલૂ પુરી વેચીને ખુબ કમાવા લાગ્યો. મોટાભાગે ત્યાંના દરરોજના આવતા-જતા કરતા લોકો મારી પાસેથી જ વસ્તુ લેતા અને હું જયારે સમોસા કે આલૂ પુરી વેચતો ત્યારે ટ્રેન સ્વચ્છ રાખવા માટે અપીલ પણ કરતો. લોકોને મારો સ્વભાવ ખુબ પસંદ પડવા લાગ્યો. ૧૫ દિવસ પછી મેં વીરસિંહભાઈના સંબંધી સાથે રહેવાનું છોડીને રેલવે સ્ટેશનની નજીક ભાડે એક રૂમ પણ રાખી લીધી.

ધીરે-ધીરે મારે ગ્રાહક વધવા લાગ્યા. હું વધારે કમાવા લાગ્યો. હું આખો દિવસ કામ કરતો મારી પાસે જરા પણ સમય રહેતો નહીં. મને ઘણીવાર વીરસિંહભાઈના ફૉન આવતા. પણ હું કામને લીધે સરખી વાત પણ કરી ના શકતો. હું ક્યારેક દિશા કેવી પરિસ્થિતિમાં હશે તે વિચારી રડી પડતો પણ હું તેને આ કામ મૂકીને ગોતવા પણ જઈ શકું તેમ ના હતો. હું વિચારતો કે જયારે ધંધો સરખો ચાલવા લાગશે પછી તેને હું બરોડા જઈને ગોતી લઈશ એમ વિચારીને મારા મનને મનાવી લેતો.

બે મહિનામાંતો હું રાજુભાઈ કરતા પણ વધારે કમાવા લાગ્યો. મને પણ લોકો ઓળખવા લાગ્યા. હવે મને વધારે ને વધારે કમાવાની ઈચ્છા થવા લાગી હતી. એક વરસમાં તો સુરત રેલ્વેસ્ટેશનની બહાર મેં ભાડે એક દુકાન પણ લઇ લીધી અને સાથે એક ભુરા કલરની સ્પોર્ટ બાઈક પણ લીધી. હું દુકાન પર રહેતો એટલે મેં બે કામવાળા પણ રાખ્યા. હવે તે મારી જગ્યા પર ટ્રેનમાં નાસ્તો વેચવા જતા. મેં જયારે દુકાન લીધી ત્યારે મેં વીરસિંહભાઈને લીધેલી દુકાન જોવા બોલાવ્યા. પહેલાતો તેઓ ખુબ ખુશ થઇ ગયા પણ તેઓ બીમાર હતા તેથી આવી શક્યા નહીં. મને વીરસિંહભાઈ ઘણી વખત મળવા બોલાવતા પણ હું તેમને કહેતો કે દુકાન સારી ચાલવા લાગે એટલે જરૂર આવીશ. હું ત્યારે વિચારતો કે દુકાન સરખી ચાલવા લાગે એટલે હું વીરસિંહભાઈને પણ મળી લઈશ અને દિશાને પણ ગોતી લઈશ.

***